Manoj Joshi

Inspirational

4.8  

Manoj Joshi

Inspirational

વતનના રખેવાળ

વતનના રખેવાળ

4 mins
3.0K


પોલીસ અધિકારી તરીકે ઉત્તમ કામગીરી સબબ રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત એવા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ દાનુભા ગોહિલ આજે ઘેર હતા. સામાન્ય રીતે પોલીસને રજા હોતી નથી. પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીને તો સદાય સ્ટેન્ડબાય પોઝિશનમાં રહેવું પડતું હોય છે. દાનુભા ગોહિલની એક જાંબાજ પોલીસ ઓફિસર તરીકેની નામના હતી. નખશિખ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ એવા દાનુભાનું નામ પડતાં જ અપરાધીઓનાં ગાત્રો ઢીલાં પડી જતાં. એવો એક પણ કેસ નહીં હોય,જે દાનુભા સાહેબના હાથમાં આવ્યા પછી પેન્ડીંગ રહ્યો હોય! 

એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઓફીસર તરીકે તેમની અનુપમ કામગીરીથી જીલ્લામાં કોઇ સરકારી કર્મચારી કે અધિકારી લાંચ માગવાની હિંમત ન કરતા. પોલીસ અધિકારી તરીકે આલા દરજ્જાના ઓફિસર આજે પૈતૃક ગામ સોનગઢમાં પોતાના ઘેર મહેમાનો, સગા-સંબંધીઓ અને મિત્ર-પરિવારોને હોંશભેર આવકારી રહ્યા હતા. પોતાના નાના પુત્ર ઇન્દ્રજીતસિંહ ગોહિલની નાની પુત્રીની આજે નામકરણ વિધિ થવાની હતી.


ભારતની સરહદોની રક્ષા કરતા એરફોર્સના સ્ક્વોડ્રન લીડર ઇન્દ્રજીતસિંહ એટલે દાનુભા નાના પુત્ર. મોટાભાઈ કિશોરસિંહ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો શોભાવતા. ઇન્દ્રજીતસિંહે પણ મોટાભાઈના પગલે ભારતીય વાયુદળમાં જોડાવાનું પસંદ કર્યું હતું. માતાના સંસ્કાર, પિતાના સિદ્ધાંત, ક્ષાત્રવટનું ખમીર અને ગોહીલકુળની ખાનદાનીથી બંને ભાઈઓએ રાજપુતાઇને દીપાવી હતી. 

ઇન્દ્રજીતસિંહના ઘેર ત્રણ વર્ષના કૃષ્ણમાલાબાને સાથ આપવા માતાજીએ હમણાં જ બીજા કુંવરીબાને દાનુભાની પૌત્રીના રૂપમાં મોકલ્યા હતા. પિતા ઇન્દ્રજીતસિંહે તો હજી પુત્રીનું મોં જોવાનું પણ બાકી હતું. આજે તેના નામકરણ સંસ્કાર થવાના હતા. નજીકના સગાવ્હાલા આવી ગયા હતા. દાનુભાની ડેલીએ દરબારી ડાયરો રૂડી મહેમાનગતિ માણી રહ્યો હતો. મર્યાદાવાન મહિલાવૃંદ અંદરના ઓરડે વિધાત્રીને લેખ લખવા પધારવા માટે નિમંત્રણના ગીતો ગાઇ રહ્યું હતું.


       નિત્યક્રમ પ્રમાણે સાંજના સમાચાર લેવા માટે દાનુભાએ રેડિયો ચાલુ કર્યો. આકાશવાણીના સમાચાર કહી રહ્યા હતા- "કાશ્મીરની સરહદે વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પાકિસ્તાની તોપમારાને લીધે થયેલી નુકસાનીની સ્થળ તપાસ માટે હવાઇ નિરીક્ષણમાં નીકળેલા ભારતીય સેનાના જવામર્દ સ્ક્વોડ્રન લીડર ઇન્દ્રજીતસિંહ ગોહિલની શોધ સેના દ્વારા ચાલી રહી છે."............. 

સમાચાર સાંભળતા જ ડાયરામાં સોપો પડી ગયો. ક્ષણભર માટે દાનુભાને પૃથ્વી ઘુમતી લાગી. ત્રીસ વર્ષના યુવાન કંધોતરના માઠા સમાચારે તેમને વ્યાકુળ બનાવ્યા. તેમણે ઊંડા શ્વાસ ભરીને જાતને સંભાળી. 'જય માતાજી' કહીને હાથ જોડી, ડાયરાને વિદાય આપી.

       અંદર ઓરડામાં નામકરણ વિધિ સંપન્ન થઈ ચૂકી હતી. ફઈબાએ કુંવરીનું નામ "જાગૃતીબા" રાખ્યું હતું.


દાનુભાએ હવેલીમાં નજર કરી. યુવાન પુત્રવધુ અને બન્ને નાનકડી પૌત્રીઓને સંભારીને દરબારની આંખમાં વાત્સલ્યભરી ભીનાશ છવાઈ ગઈ. તેમણે મનસુખ વાળંદને મોકલી અને ઠકરાણાને ડેલીએ બોલાવ્યા. બેઠકખંડમાં મહેમાનો નીચી મૂંડીએ બેઠા હતા. બેઠક ખંડના ઘર તરફનાં બારણાંને અઢેલીને દાનુભા ઉભા હતા. મનહરકુંવરબાએ પૃચ્છા ભરી નજરે દરબારની સામે જોયું. ખોંખારો ખાઈને દાનુભાએ કંઠમાં બાજેલા ડુમાને હટાવવા કોશિશ કરી. આંખના ખૂણે બાઝેલી ભીનાશને બળજબરીથી અટકાવી દીધી. ને એક જ વાક્યમાં પત્નીને પુત્રની શહાદતના સમાચાર આપ્યા. ખબર સાંભળતા જ વત્સલ માતાની આંખમાંથી આંસુની ધાર ચાલી. હીબકાંને રોકવા માટે મનહરકુંવરબાએ સાડીનો છેડો મોઢે દાબ્યો. ભાંગેલા પગે અંદર ઓરડે પહોંચીને તેમણે પરિવારની મહિલાઓને બોલાવી. પુત્રવધુ અરુણાબાના ખોળામાંથી પૌત્રીને ઉઠાવીને પારણિયે પોઢાડી. ત્રણ વરસના કૃષ્ણમાલાબાને ગામમાં વસતા કૌટુંબિક દિકરી પોતાના ઘરે લઈ ગયા. ઘરમાં રોકકળ મચી ગઇ. ઉત્સવના આનંદને સ્થાને દુઃખની છાયા ફરી વળી.


       મજબૂત મનોબળ રાખીને દાનુભાએ માતાજીની છબિ સામે હાથ જોડીને મસ્તક નમાવ્યું. ક્ષત્રિયનો બેટો મા ભોમકાની રક્ષા કાજે જે ક્ષણે સૈન્યમાં જોડાય, એ ક્ષણે જ એની શહાદત પરિવારે સ્વીકારી લીધી હોય છે. રાષ્ટ્ર માટે અપાયેલું જવાનનું બલિદાન પરિવારને દુઃખ જરૂર પહોંચાડે પણ શહાદતનાં રોદણાં ન રોવાય, એનાં તો પોખણાં કરાય. દાનુભા અને તેમનો પરિવાર રાષ્ટ્ર ભક્ત પરિવાર હતો. કઠોર સત્યને સમજી અને સ્વીકારી શકે ને પછી દુઃખને પચાવી જાણે, એવો પરિવાર હતો. દાનુભાએ માથાબોળ સ્નાન કરી, માતાજીને દીવો કર્યો. એ જ વખતે જિલ્લા પોલીસ મથક પરથી હવાલદાર જીપ લઇને આવી પહોંચ્યા. સૈન્યના હેડક્વાર્ટર પરથી ટેલિગ્રામ આવ્યો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર તેમજ ઇન્દ્રજીતસિંહની ભાળ મેળવવા તપાસ ચાલી રહી હોવાનો તેમાં ઉલ્લેખ હતો.


ગોહિલ પરિવાર અવઢવમાં હતો. જ્યાં સુધી ઇન્દ્રજીતસિંહનો મૃતદેહ ન મળે, ત્યાં સુધી અંત્યેષ્ટિ પણ ન થઈ શકે! દોઢ મહિના સુધી અંધારામાં આછેરાં પ્રકાશ કિરણની આશાએ પરિવાર ઉચાટ જીવે પ્રાર્થના કરતો રહ્યો. દોઢ મહિને ચિનાબના વહેતા પ્રવાહમાં ઝાડીઓ વચ્ચે અટવાયેલ માનવ કંકાલ મળ્યું. શહીદ વીર જવાનો જ આ દેહ હશે, તેની પરખ વર્ષો પહેલાં તેમનાં ફેફસાં પરની પાંસળીમાં થયેલા ફ્ર્રેક્ચરના આધારે થઈ શકી. અસ્થિઓની અંત્યેષ્ટિ કરીને આખરે દોઢ મહિના પછી શહીદના પરિવારે પોતાના પનોતા પુત્રને અશ્રુપૂર્ણ વિદાય આપી. શહિદના વિધવા અરુણાબાએ બે માસુમ પુત્રીઓના ચહેરા સામે જોઈને નિ:શ્વાસ સાથે પતિની કાયમી વિદાયનાં દર્દને હૈયામાં ધરબ્યું ને સ્વસ્થતા ધારણ કરી. માતાજીની છબિ સમક્ષ ઉભા રહીને તેમણે આંખો બંધ કરી. દિવંગત પતિની ઇચ્છા હતી કે પોતે પોતાના સંતાનને પણ રાષ્ટ્ર સેવા માટે સેનાને સમર્પિત કરશે. અરૂણાબાએ પોતાની એક પુત્રીને લશ્કરી અધિકારી બનાવવા દ્રઢ સંકલ્પ કર્યો. 


      દિવસો, માસ અને વર્ષો વિત્યાં. કૃષ્ણમાલાબા બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ્યા. માતાની પ્રેરણા, પ્રોત્સાહનથી શહીદ વીર પિતાના પગલે ભારતીય સૈન્યમાં દાખલ થયા. પિતાના અધૂરાં સ્વપ્નને સાકાર કરવાના મા ના મનોરથને તેણે પૂર્ણ કર્યો. શહીદ પિતાને માતાની આ સાચી શ્રદ્ધાંજલિ હતી. દાદાના સવાયા પુત્ર બનીને તે દિલ્હી ખાતે સૈન્ય હેડક્વાર્ટરમાં મેજર તરીકે સમર્પિત થઈને રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે. ગોહિલ પરિવારના શહાદતના વારસાને તેમણે ઉજળો કરી બતાવ્યો છે. નાની બહેન જાગૃતિબાએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી, કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપવાનું સ્વીકાર્યું છે.


જીવનસંગિની મનહરકુંવરબાનાં દેહાવસાન પછી દાનુભાએ ગુરુ રાજર્ષિ મુનિનું શરણ ગ્રહીને જીવનના શેષ ભાગને આધ્યાત્મિક સાધના માટે અર્પણ કર્યો છે. લીંબડી પાસેના જાખડ ખાતે સ્થિત મુનિશ્રી દ્વારા પ્રેરિત લાઇફ મિશન સંસ્થામાં તેઓ સાધના કરી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational