ઝાંઝરનો ઝણકાર
ઝાંઝરનો ઝણકાર
વાસંતી વનવગડાની વિકસતી જતી ફૂલપાંદડી હતી. વનરાવનની વચ્ચે પાંગરતા પ્રકૃતિનાં સૌંદર્યની પ્રકટ પ્રતિમા હતી. ગામડાં ગામનાં એક ગરીબનાં ઝૂંપડાંમાં ચીંથરે વીંટાળેલું રતન પેદા થયું હતું. વસંતઋતુમાં વગડામાં જન્મેલી બાળકીનું નામ મા એ અજાણતા જ 'વાસંતી' રાખી દીધું હતું. બાલ્યાવસ્થા પૂર્ણ કરી, કિશોરાવસ્થામાં પ્રવેશતા તો વાસંતી પોતાનું નામ સાર્થક કરતી હોય, એમ પૂષ્પ-કળીની જેમ ખીલવા લાગી.
સોળમી વસંત વીતતા તો વાસંતી ખુદ વસંત બની ગઈ ! તેના સૌંદર્યની મહેકતી સુવાસે પંથકના યુવાનોને ઘેલા કરી મૂક્યા. મા-બાપને ચિંતા થતી હતી. ઈશ્વરે આપેલાં આ મોંઘામૂલાં વરદાનને ગમે તે હાથમાં સોંપાય તેમ હતું નહીં. વાસંતીનો હાથ માગવા તો સૂરજ ઉગે ત્યારથી કેટલાય આશાભર્યા યુવાનો પોતાના વડીલોને મોકલતા. મા-બાપ ગરીબ હતા પણ સમજદાર હતા. ભગવાને આપેલી ભેટને જીવની જેમ જાળવતા. એને ભળતા જ હાથોમાં સોંપીને એનો ભવ ન બગડે, એ માટે સભાન પણ હતા.
વાસંતીને નૃત્યનો શોખ હતો. કોઇ સાજ-સંગીત વિના જ જંગલમાં મયુરીની માફક તેના પગ થીરકતા, ત્યારે વૃક્ષ વનરાઇ પણ પોતાની શાખાઓ હલાવીને અને પંખીઓ પાંખો ફફડાવીને દાદ દેતાં હોય એવું અનુભવાતું. વાસંતી જ્યારે હસતી ત્યારે મંદિરની આરતી ટાણે ઘંટડીનો મધુર રણકાર ઊઠે એવું ભાસતું.
વાસંતી મોટી થતાં જ તેના સમજદાર માતા-પિતા વાડી - ખેતરમાંથી તેમનું રહેઠાણ બદલીને ગામમાં રહેવા આવી ગયા હતા. મહાદેવભાઇના ઘરના પાછલા વરંડાના ભાગને અડીને તેમણે ઘર રાખી લીધું હતું. મહાદેવભાઇ ગામના કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેમના ઘરે ઘણાં વર્ષો પછી દીકરો જન્મેલો. કામદેવનો અવતાર થયો હોય એવા રૂપાળા પુત્રનું નામ તેમણે 'મનસીજ' રાખ્યું હતું. બ્રાહ્મણ કુળની ખાનદાની અને ધર્મના સંસ્કાર સાથે ઉછરેલો મનસીજ સુદ્રઢ શરીર ધરાવતો સુંદર અને સુશીલ યુવાન હતો. ગામડાંમાં અભ્યાસની સુવિધા ન હોવાથી નાનપણથી જ બાજુના શહેરમાં રહેતા મામાના ઘેર રહીને ભણતો હતો.
વાસંતી હવે અઢાર વર્ષની રૂપયૌવના બની ચૂકી હતી. અઢાર ચોમાસા વટાવી ગયેલી વાસંતીની પાંપણોમાં ય હવે સોણલાં સજવાં લાગ્યાં હતાં. મહેકતું યૌવન હવે સુંવાળા સાથની ઝંખના કરતું હતું. વાસંતી ભોળી હતી પણ ભોટ જરા ય ન હતી. સ્ત્રી સહજ છટ્ઠીઇન્દ્રીયથી સામેની વ્યક્તિને પારખી લેતી વાસંતી વાવાઝોડા વચ્ચે ય પોતાના અબોટ જોબનને સંભાળી શકતી હતી. શમણાંનો સાથીદાર ન મળે, ત્યાં સુધી જાતને જાળવતી વાસંતીને જોડીદારની ઝંખના જરૂર હતી, પણ જલ્દી ન હતી. તે આતુર હતી, પણ અધીર ન હતી.
મનસીજ વેકેશનમાં ઘેર આવતો. આવા નાનકડાં ગામમાં વાસંતીથી તે અપરિચિત હોય એવું તો ન જ બને. પણ જન્મજાત સારપ ધરાવતો યુવાન મનસીજ પોતાના વિદ્યાભ્યાસમાં જ મગ્ન રહેતો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આગળના અભ્યાસ માટે મહાનગરમાં જવું પડે તેમ હોવાથી તે લાંબા વેકેશનમાં ગામડે આવેલો. પડોશમાં જ રહેતા ગરીબ પણ સાદા અને સરળ એવા શ્રમિક પરિવારના ઘરે સ્વાભાવિક રીતે જ એકબીજાનો આવરો-જાવરો રહેતો. સુંદરતા અને સંસ્કારની મૂર્તિ એવી વાસંતી સુઘડ અને હાથની ચોખ્ખી હતી. તેથી ગોરાણી મા વાર-તહેવારે તેને કામે બોલાવતા. વાસંતી પણ હાથ વાટકી જેમ ગોરાણીમાનું બધું કામ કરતી. ગોર-ગોરાણી બંને ભોળા અને ભદ્રીક હતા. વાસંતી અને તેના ઘરના સભ્યોને પડોશી હોવાને નાતે ખૂબ સાચવતા.
મનસીજ લાંબુ વેકેશન ગાળવા માટે જ્યારે ગામડે આવ્યો, ત્યારે વાસંતી તેના ઘેર જ હતી. મા પાડોશમાં ગયેલી અને મહાદેવભાઇ મંદિરે હતા. વાસંતી ઘરકામ આટોપીને માની રાહ જોતી હતી. મનસીજ અચાનક જ આવી ગયેલો. તે જેવો ડેલીનું બારણું ખોલીને ઘરમાં પ્રવેશ્યો, ત્યાં સામે જ સંગેમરમરની જીવંત પ્રતિમા ઊભી હતી. આ રીતે, આટલી નજીકથી તેને જોવાનો પ્રસંગ તેના માટે પહેલી વાર જ આવ્યો હતો. મનસીજે નજર સામે જ સ્વર્ગ લોકની અપ્સરાને જોઈ. તેને લાગ્યું કે કવિની પ્રેમ નીતરતી ગઝલ નારી દેહ ધારણ કરીને પ્રકટ થઇ હતી ! કોઈ ચિત્રકારની અદભુત છબિ જાણે જીવંત થઈને સામે ઉભી હતી. મનસીજ અપલક નેત્રે તેને જોઈ રહ્યો.
વાસંતી પણ પહેલી જ વાર, આમ સાવ સન્મુખ ઉભેલા કામદેવ સમાન મનસીજને જોયો. તે પણ અપલક નેત્રે તેને જોઈ રહી. એકબીજાની દ્રષ્ટિ વચ્ચે તારામૈત્રક રચાયું. એકબીજા માટે જ સર્જાયા હોય, તેવા યુવાન હૈયાઓની ધડકન તેજ થઇ ગઇ. નજરોમાં પ્રેમનાં મેઘધનુષ્ય રચાઇ ગયાં. પહેલી નજરનો પ્રેમ પાંગરી ચૂક્યો. પછી તો કોઇને કોઇ બહાને વાસંતીની અવરજવર વધી. મનસીજ પણ એની રાહ જોયા કરતો. શબ્દો મૌન હતા. પણ બંનેની આંખોએ પ્રેમનો એકરાર કરી લીધેલો. વાસંતીએ તેને મનના માનેલા માણીગર તરીકે ચિત્તમાં સ્વીકારી લીધેલો. મનસીજ પણ સ્વપ્ન સુંદરી વાસંતીને પોતાની જીવનસંગિની રૂપે જ નિહાળતો. બંને સંસ્કારી, બન્ને સમજદાર, બંનેના જીવનમાં પ્રથમ પ્રેમ અને બંનેનો પરસ્પરને પામવાના સંકલ્પને - શબ્દ વિના જ બંનેએ સમજી લીધો હતો.
ગામના પાદરમાં વહેતી બારમાસી નદીના ઉપરવાસમાં થોડે દૂર જતાં, નદીકાંઠે જ એક વિશાળ વટવૃક્ષ હતું. રસ્તાથી થોડે દૂરનું સ્થાન હોવાથી ત્યાં અવર જવર રહેતી નહીં. બંને પ્રેમીઓનું તે મિલન સ્થાન બન્યું. દિવસો વિતતા ગયા. પ્રેમ પ્રગાઢ બનતો ગયો. સાથે મળીને બંને ભાવિ જીવનના સ્વપ્ના સજાવતા. સહજીવનની અવનવી કલ્પનાઓથી બંને રોમાંચ અનુભવતા. મનસીજે નક્કી કર્યું હતું કે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને જેવો તે નોકરીએ લાગશે કે તરત જ તે વાસંતીને પોતાની જીવનસંગિની તરીકે પસંદ કરશે. પણ ત્યાં સુધી આ વાત મા-બાપ પાસે જાહેર કરવાનું તેને યોગ્ય ન લાગ્યું. બંને મૂંઝવણમાં હતા કે તેમના પ્રેમ અને લગ્નની વાત વડીલોના કાને કેમ નાખવી? બ્રાહ્મણ પરિવાર અને ખેત મજુર પરિવારનો સબંધ કઈ રીતે શક્ય બનશે તેની બન્નને ચિંતા હતી.
વાસંતીનો નૃત્ય પ્રેમ જાણીને મનસીજે તેને ઝાંઝર લઈ આપ્યા. વડલાનાં વૃક્ષ નીચે બેસીને મનસીજે પોતે જ ખુદ એના હાથથી પહેલી વખત વાસંતીને ઝાંઝર પહેરાવ્યા. તે દિવસે વાસંતીના પગમાં પાંખો ફૂટી. પછી તો જાણે વિશ્વામિત્રને રીઝવવા મેનકા નૃત્ય કરી રહી હતી. આખરે નૃત્ય પૂરું થયું. પરસેવે રેબઝેબ થઈને વાસંતી મનસીજના ખોળામાં ઢળી પડી. મનસીજે પોતાના બંને હાથોથી વાસંતીને ઊંચકી, બાથમાં લઇ, દોડીને વહેતી નદીમાં કૂદી પડ્યો.
નદીનાં શીતળ જળમાં બંનેનાં બદન ઠંડાં થઇ ગયાં. પણ ભીતર જાણે કે કામ અને રતિનો પ્રાદુર્ભાવ થઇ ઉઠ્યો. સ્થળ-કાળ, નાત-જાત અને દેહનું ભાન વિસરાયું. સમય થંભી ગયો. સૂર્યનારાયણે ક્ષિતિજના પાલવમાં મોઢું સંતાડી દીધું. ભાવ સમાધિ છૂટતાં જ બંને વાસ્તવિકતાની ધરતી પર આવ્યા. પરમ પ્રેમની પરિપૂર્ણતા અનુભવતા બંને યુવાન દેહ અળગા થયા. લજ્જાના ભારથી ઝૂકેલી આંખે વાસંતી ઘર તરફ વળી. અચાનક જ ઘટેલી આ અનન્ય ઘટનાની અલૌકિક અનુભુતીથી અભિભૂત બનેલો મનસીજ પણ ઘેર પહોંચ્યો.
બીજા દિવસે મનસીજ વડલા નીચે તેની રાહ જોઈ રહ્યો હતો. સંકોચવશ કદાચ વાસંતી આજે નહીં આવે, એમ વિચારીને તે ઉદાસ હતો. ત્યાં જ ઝાંઝરનો મધુર રણકાર તેના કાને પડ્યો. પોતાના સ્વભાવથી વિપરીત, બિલકુલ ધીરાં ડગલે, નજર નીચી રાખીને વાસંતી કદમ માંડી રહી હતી. પાસે આવીને પગના અંગુઠાથી ધરતી ખોતરતી, તે એમ જ ઉભી રહી. મનસીજે તેનું બાવડું ઝાલીને બાજુમાં બેસાડી. પોતાની હથેળી તેના હાથમાં મૂકીને આકાશની સામે જોઈને બોલ્યો
"આ સમગ્ર પ્રકૃતિની સાક્ષીએ, ડૂબતા સૂરજની સાખે, આ વડલા નીચે હું તને મારી જીવનસંગિની તરીકે સ્વીકારું છું. ગમે તે સંજોગોમાં ય હું તારો હાથ કે તારો સાથ નહીં છોડું."
વાસંતી રડી પડી - "તું તો હવે મુંબઈ જવાનો... ત્યાં જઈને મને ભૂલી જઈશ તો ?"
વાસંતીને પોતાની ગોદમાં સુવાડી, સ્થિર આંખે અને દ્રઢ અવાજે તે બોલ્યો -" એવું કદી નહીં બને. હું તને લઇ જવા આવીશ. આ જ વડલાની નીચે તું મારી રાહ જોજે."
વાસંતીને આપેલા ઝાંઝરની જોડીમાંથી એક ઝાંઝર પગમાંથી કાઢીને તેણે મનસીજને આપ્યું. મનસીજે આશ્ચર્યથી તેની સામે જોયું.
"એક ઝાંઝર તું રાખ અને એક ઝાંઝર હું રાખું. કારણ કે તારી ગેરહાજરીમાં હવે આ ઝાંઝરનો કોઈ દિવસ, કોઈ ઉપયોગ નહીં થાય. તું આવી અને તારી પાસેનું બીજું ઝાંઝર જે દિવસે મને ફરી પહેરાવીશ, તે દિવસે જ આ પગ નર્તન કરશે."
સજળ આંખે મનસીજે ઝાંઝર લીધું.ભારે હૈયે બંને જુદા પડ્યા. મનસીજ મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં મનસીજના યુપીએસસીના વર્ગો શરૂ થઈ ગયા હતા. છ માસની તાલીમ પછી પરીક્ષા આપવાની હતી. મેઘાવી મનસીજને પ્રથમ પ્રયત્ને અને પ્રથમ ક્રમાંકે પરીક્ષા પાસ કરવાની ઈચ્છા હતી. તેથી તનતોડ મહેનત કરતો. કોલેજનો તેનો એક મિત્ર ગ્રેજ્યુએશન પછી વિરારમાં પ્રાઇવેટ જોબમાં ગોઠવાયો હતો. એક રવિવારે મનસીજ વિરાર પહોંચ્યો. ઘણા વખતે મળ્યાના આનંદમાં છુટા પડતા તો મોડી રાત થઈ ગઈ. આખરે રાત્રે સાડાબાર વાગ્યે વિરારથી ચર્ચગેટની ફાસ્ટ ટ્રેઇન મળી. મોડી રાતનો સમય હતો. મુસાફરો ઘણા ઓછા હતા.ત્રણેક કપલ,ચાર-પાંચ જેન્ટલમેન અને છ યુવતીઓ કમ્પાર્ટમેન્ટમાં બેઠી હતી. છ સાત યુવાનો પણ હતા. જેમાં છેલ્લે દરવાજા પાસે ચાર યુવકો મોબાઈલમાં વ્યસ્ત થઈને બેઠા હતા. મનસીજ બારી પાસેની એક સીટ પર બેઠો.
વસઈ સ્ટેશને જ ચાર-પાંચ પેસેન્જર તો ઉતરી ગયા. અને પછી બોરીવલીમાં તો મોટાભાગની ગાડી ખાલી થઈ ગઈ. ડબ્બામાં ચડનારા બે ત્રણ પેસેન્જર પણ છેવટે અંધેરી સુધીમાં ઉતરી ગયા.મનસીજ ચહેરા પર રૂમાલ ઢાંકીને, આંખો બંધ કરીને બેઠો હતો. અચાનક એક યુવતીની ચીસ સંભળાઈ - " હેલ્પ.... હેલ્પ... અરે છોડ મુજે છોડ....છોડ દીજીયે......."
મનસીજ સફાળો ઉભો થઇ ગયો. જોયું, તો દરવાજા પાસે ચારના જૂથમાં બેઠેલા યુવકોએ કમ્પાર્ટમેન્ટમાં બાકી બચેલી એકમાત્ર યુવતીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. બીજો તેને બાથ ભીડીને ઉભો હતો. બાકીના બે ટપોરીઓ તેની આગળ અને પાછળ ગોઠવાયા હતા. સુદ્રઢ કસરતી શરીર ધરાવતા ગ્રામ્ય યુવાન મનસીજે છલાંગ મારી. પોતાના તરફ પીઠ કરીને ઉભેલા યુવાનને પીઠ પર કચકચાવીને લાત ફટકારી. ગડથોલિયું ખાઈને, યુવતીનો દુપટ્ટો ખેંચીને ઉભેલા ટપોરી પર તે પડ્યો. તેના હાથમાંથી દુપટ્ટો છીનવીને મનસીજે યુવતીને બાથ ભીડીને ઉભેલા ગુંડાને મોં પર મુક્કો ફટકાર્યો. નાકમાંથી નીકળતાં લોહીને અટકાવતો તે યુવતીને છોડીને પાછળ ઢળ્યો. મનસીજે યુવતિને કહ્યું - "જલ્દી સે ભાગ કર ચેઇન ખીંચીએ."
એટલામાં તો બાકીના ત્રણેય ગુંડાઓ મનસીજ પર તૂટી પડ્યા. યુવતી પણ હોશિયાર હતી. પોતાને ચેઇન ખેંચતાં અટકાવવા માગતા ગુંડાની આંખ પર પોતાની હેરપીન ઘોંચીને યુવતીએ સાંકળ ખેંચી. ટ્રેન ધીમી પડી, પણ ઉભી રહે તે પહેલા, ચારે ગુંડાએ મનસીજને ચાલુ ગાડીએ નીચે ફેંક્યો. અને પછી તરત જ બધા ધીમી પડેલી ગાડીમાંથી કૂદકો મારીને ભાગી છૂટયા.
ટ્રેન ઊભી રહી.પોલીસ આવી પહોંચી. યુવતીનું નામ રિયા હતું. પોતાને બચાવવા જતા ઇજા પામેલા યુવકને પહેલા બચાવી લેવા તેણે પોલીસને કહ્યું.
મનસીજને મારામારીમાં થયેલી ઇજા તો સામાન્ય હતી. પણ નીચે ફેંકાતા તેનાં મસ્તક પર થયેલી ઇજા ગંભીર હતી. રિયાના પપ્પા પોતે જ ન્યુરોલોજીસ્ટ હતા. રેલવે સ્ટેશન પરથી ટેલિફોન કરીને તેણે પપ્પાને બોલાવ્યા. પોલીસ કમ્પ્લેઇન નોંધાઇ. બીજી તરફ હોસ્પિટલમાં યુવકની સારવાર શરૂ થઈ. સંભાળપૂર્વકની સારવારથી તે સાજો તો થઇ ગયો. પણ મગજ પરની ઇજાને કારણે તેની યાદદાસ્ત જતી રહી. ટ્રેનમાંથી ફેંકાતી વખતે જેમાં તેનું આઈ કાર્ડ હતું, તે વોલેટ ક્યાંક પડી ગયેલું. તેથી તે કોણ છે, ક્યાંનો છે- તેની કશી જાણ કોઇને થઇ શકી નહીં. રિયાએ પપ્પાને કહ્યું કે પોતાને બચાવવા માટે જિંદગીની પરવા નહીં કરનાર યુવકને તેના ઘેર પહોંચાડવાની જવાબદારી હવે તેની હતી. યુવકનાં પેન્ટનાં ખિસ્સામાં પ્લાસ્ટિકની બેગમાં એક ઝાંઝર હતું. તે બસ ઝાંઝરને જોયા કરતો. રિયાને લાગ્યું કે ઝાંઝરની સાથે યુવકનું કોઈ પ્રબળ અનુસંધાન હતું. ડોક્ટરે પણ કહ્યું કે એ ઝાંઝરના માધ્યમથી જ કદાચ તેની યાદદાસ્ત પાછી આવશે.
એકાદ સપ્તાહમાં યુવક હાલતો ચાલતો થઈ ગયો. મુંબઈના પેપર્સમાં તેના ફોટા સાથે કહાણી પ્રસિદ્ધ થઈ. પણ તેનું ગામ તો ગુજરાતના દૂરના એક ખૂણામાં હતું. ત્યાં સુધી મુંબઈના પેપર્સના સમાચાર કેમ પહોંચે? અજાણ્યા યુવકની આવી હાલત માટે રિયા પોતાને જ જવાબદાર માનતી હતી. જેમ બને તેમ જલ્દી તેને તેના ઘેર પહોંચાડવા એ તેની જવાબદારી હતી. ડોક્ટર પપ્પાનો અભિપ્રાય હતો કે ઝાંઝર સાથેનું તેનું અનુસંધાન જે સ્થળે અને જે વ્યક્તિ સાથે હશે ત્યાં જ તેની સ્મૃતિ પાછી આવવાની સંભાવના વધારે છે. રિયા ઝાંઝર લઈને જવેલરની દુકાને પહોંચી. જ્વેલરે જોયું તો ઝાંઝર પર એક સ્થળે તેનો સિમ્બોલ હતો- 'પીપીપી'. શોપના માલિકે વિચારીને જણાવ્યું કે ઝાંઝરનો વધુ શોખ રાજસ્થાન અને ગુજરાતની સ્ત્રીઓમાં હોય છે. તેણે મુંબઈના ચાંદીના હોલસેલર પાસેથી ગુજરાત અને રાજસ્થાનના ડીલર્સનો નંબર લીધો. આખરે અમદાવાદના હોલસેલર પાસેથી તેને જાણવા મળ્યું કે પીપીપી એટલે 'પારેખ પૂનમચંદ પાવનલાલ'. એ નામની દુકાન ગુજરાતના સિદ્ધપુરમાં છે. રિયા પોતાના પરિવાર સાથે સિદ્ધપુર પહોંચી. જવેલરની દુકાનેથી જાણવા મળ્યું કે આવા મોંઘા અને ખાસ બનાવેલા ઝાંઝર છેલ્લા છ માસમાં માત્ર એક જ જોડી વેચાયેલા છે. આખરે યુવકના ગામનો પતો મળ્યો.
અહીં ગામડે, મનસીજના માતા પિતા તેના કોઈ સમાચાર નહીં હોવાથી ઘણા ચિંતામાં હતા. રિયા તેના ઘેર પહોંચી. મહાદેવભાઇએ બધી જ વાત જાણી. ભગવાન ભોળાનાથ બધું સારું કરશે, તેવી શ્રદ્ધા વ્યક્ત કરી. પણ ઝાંઝરના રહસ્યની તો એમને પણ ખબર ન હતી. ગોરાણીમા એ ઝાંઝર જોયું. એમને યાદ આવ્યું કે આવું જ બીજું ઝાંઝર વાસંતી પાસે હતું.
વાસંતી આવી. રડતી આંખે બંને વચ્ચે પાંગરેલા ઐક્યની વાત કરી. ડોક્ટરે કહ્યું કે મનસીજને એ જ વડલા નીચે બેસાડી, એક ઝાંઝર પહેરીને વાસંતીને પહેલાંની જેમ જ તેની પાસે મોકલવી. વાસંતીના પગના ઝાંઝરના ઝણકારે મનસીજના મનોમસ્તિષ્કમાં સ્પંદનો પેદા થયા. વાસંતી પાસે આવતા જ, તેને જોતાની સાથે તેની સ્મૃતિ પાછી ફરી.
બંનેના જીવનમાં અને પરિવારમાં વસંત પ્રગટી. ગરીબ મજૂર માટે તો સોનાનો સૂરજ ઉગ્યો. ઘડિયા લગ્ન લેવાયા. રિયાએ નણંદ તરીકેની ફરજ નિભાવી. ભાઇ-ભાભી સાથે બે દિવસ ગામડે રોકાઈ તેમને સાથે જ લઈ અને રિયાનો પરિવાર મુંબઈ પહોંચ્યો. ભાઈનું ક્લાસ વન ઓફિસર બનવાનું સપનું પૂરું કરવું તે હવે રિયાનું ધ્યેય હતું.