STORYMIRROR

Dharmesh Gandhi

Romance Tragedy Inspirational

4.1  

Dharmesh Gandhi

Romance Tragedy Inspirational

ચિંયું

ચિંયું

2 mins
41.7K


ચિંયું આવી, ને ઘરમાં સળવળાટ ચાલુ થઈ ગયો. બારસાખ પર લટકતાં તોરણો ઝૂમી ઊઠ્યાં. દીવાલ પર લાગેલી ફ્રેમે પોતાની ધૂળ ખંખેરી નાખી. બારી-બારણાં ખૂલવાંનો અનિશ્ચિત સમય પણ સમયસર થઈ ગયો...

જોકે એની રમતિયાળ ઉંમર વીતી ચૂકી હતી. એ વયે થતી ધમાલ-મસ્તી, ખિલખિલાટ, ભાઈ-બહેનનાં રિસામણાં-મનામણાં - બધું જ જાણે કે એની પરિપક્વતામાં હોમાઈ ચૂક્યું હતું! એ સમજદાર અને જવાબદાર બની ગઈ હતી.

ભાઈથી નાની, પણ રોફ મોટો... ને લડવા માટે હંમેશાં તૈયાર; હાર તો સ્વીકારાય જ નહીં! છેલ્લું હથિયાર બ્રહ્માસ્ત્ર, એટલે 'ડેડુ'... ફુલાવેલા મોં અને ચઢેલા મગજના પારાએ મારી નજીક આવતી; લગોલગ બેસતી, લગભગ ખોળામાં જ તો... પછી હળવે રહીને મારા વાળમાં હાથ ફેરવતી. બોલતી કશું નહીં, મારા ચહેરાની ઊંધી દિશામાં તાક્યા કરતી.

હું એને વધારે ચિડવવાનું માંડી વળતો, ને એનાં બન્ને ગાલ ખેંચીને પૂછતો, 'ઝઘડો થયો છે ને, ભાઈ સાથે...?’ ને કડક અવાજે ઉમેરતો, ‘...હમણાં જ બોલાવું છું ભાઈને, વઢું છું - કેમ મારી ઢીંગલીને પરેશાન કરે છે...'

-અને દીકરાને પાસે બોલાવીને હું મોટા અવાજે વઢતો, પછી એક આંખ મિચકારી લેતો, ચિંયુંને જાણ ન થાય એમ...

ચિંયું વગરનું સૂનું પડેલું ઘર મને હજુ ઊંડા ભૂતકાળમાં ખેંચી જાય એ પહેલાં...

ફુલાવેલા મોંએ ચિંયું મારી નજીક આવી; લગોલગ બેઠી, લગભગ ખોળામાં જ તો... મારા સફેદી પકડી ચૂકેલા વાળને સહેલાવી રહી. અગાઉ અનેકવાર એની આવી પ્રેમાળ ચેષ્ટા માણી ચૂકેલો હું આ વખતે થોડો ભયભીત થયો. ભાઈ તો એનો હવે રહ્યો નથી. સાસરેથી પણ આજે એ ઓચિંતી જ આવી હતી. તો શું... ત્રણ મહિનાના લગ્નજીવનમાં પતિ સાથે કંઈક...?

મને ફાળ પડી.

મારી આંખો પરથી જાડા કાચના ચશ્માં ઉતારતાં ચિંયું બોલી, ‘ડેડુ, ઝઘડો થયો છે ને, મમ્મા સાથે...?’

હું એકીટશે ને અધ્ધર શ્વાસે દીકરીને નિહાળી રહ્યો. એ મારા ગાલ ખેંચતાં બોલી રહી હતી, ‘હમણાં જ બોલાવું છું મમ્માને, વઢું છું - કેમ મારાં ડેડુને પરેશાન કરે છે...’

મારી આંખો ભીનાશ અનુભવે એ પહેલાં મેં એનાં ચહેરાની વિરુદ્ધ દિશામાં મોં ફેરવી લીધું...

જો કે મને પૂરો વિશ્વાસ હતો કે ચિંયું પણ એની મમ્માનાં હાર ચઢેલા ફોટા સામે જોઈને એક આંખ મિચકારશે જ, મને જાણ નહીં થાય એમ...


Rate this content
Log in

Similar gujarati story from Romance