STORYMIRROR

Dharmesh Gandhi

Others

4  

Dharmesh Gandhi

Others

આંખોનાં અજવાળાં

આંખોનાં અજવાળાં

6 mins
28.5K


"તેરી આંખો કે સિવા દુનિયામેં રખ્ખા ક્યા હૈ,
યે ઊઠે સુબહા ચલે, યે ઝુકે શામ ઢલે,
મેરા જીના મેરા મરના ઇન્હી પલકોં કે તલે...”

રાત જામી રહી હતી ને અંબર રોમાંસના આવેગમાં લયબદ્ધ રીતે વરસી રહ્યો હતો.

"ઓહ્હો, શું વાત છે...?" પુસ્તકોમાંથી ક્યારેય આંખો બહાર ન કાઢતા પુસ્તકિયા પતિનો સૂર અધવચ્ચે જ અટકાવતાં રોશનીએ સપાટ ચહેરે અને ત્રાંસા હોઠે સૂચન કર્યું, “આ આપણો બેડરૂમ છે, અહીં પૂર્વભૂમિકાની કોઈ જરૂર ખરી...?”

“રોશની, મારે આ જગત જોવું છે.” અંબર જાણે કે ક્ષિતિજમાં તાકતો હોય એમ ઝીણી આંખો કરીને બોલ્યો.

“જગત...? કયું જગત?” રોશનીએ પણ જાણે કે વૈશ્વિક મૂંઝવણ અનુભવી.

“આ જ જગત, જેમાં આપણે રહીએ છીએ – એ નિહાળવું છે મારે. હું રહું કે ન રહું તો પણ...” અંબરની વાત હવે રોશની માટે આધ્યાત્મિક રૂપ પકડતી જતી હતી.

“ઘણી વખત તો મને એ નથી સમજાતું કે તું તારી પત્ની સાથે વાત કરે છે કે નવલકથાનાં કોઈક કાલ્પનિક પાત્ર સાથે...? આમ સાહિત્યની શરણાઈ વગાડીને માનસિક ત્રાસ ન આપે તો કેવું...?” રોશનીએ ફરી એકવાર અંબરને પ્રેમથી ખખડાવ્યો. એ દ્રઢપણે માનતી હતી કે આ પુરુષ નામનું પ્રાણી સામાજિક ઓછું અને ‘સામયિક’ જેવું વધુ હોય છે - હંમેશા ગૂંચવાયેલું... અને જો એ પ્રાણી એક પતિ હોય તો સામેવાળી વ્યક્તિની મૂંઝવણમાં ચાર ચાંદ લાગી જતા હોય છે.

"મારે ચક્ષુદાન કરવું છે! મૃત્યુ પછી પણ મારે આ જગત નિહાળવું છે!" લાંબી ઔપચારિકતા પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી કરે એ પહેલાં અંબરે રોશની સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

"વ્હોટ...? નો વે... બિલકુલ નહિ." રોશનીએ પતિની ઈચ્છાને ઉકરડામાં ફેંકતાં સૂગ દર્શાવી, "મૃત શરીરમાંથી એ લોકો આંખો કાઢી લે... કેવું કદરૂપું! ઉફ્ફ.. ના, ના..."

સાથે સાથે એણે લાગણીસભર બબડાટ પણ કર્યો, “દરેક પત્નીને પતિ વહાલો જ હોય. એના શરીરને કોઈ ‘અન્ય’ સ્પર્શ કરે તો... અને એમાં પણ શરીરનું એક અંગ કાઢી લેવું એ પોતે કોઈ પણ રીતે સ્વીકારી શકે એમ નહોતી. શરીર મૃત હોય કે જીવિત... આખરે તો એ પોતાનો પતિ જ ને! ના, ના... મારી આંખો એ નહીં જ જોઈ શકે.”
“પણ જાનુ...” અંબરે દલીલ કરી.
“પણ બણ કંઈ નહીં. ના એટલે ના જ...” રોશનીએ સ્ત્રી-હઠ પકડી. આમ છતાં, પેલું ‘સામયિક’ પ્રાણી સમયની નજાકત સમજીને દબાયેલા સ્વરે પ્રયત્નશીલ રહ્યું. ક્યારેય 'ગીવ-અપ' નહીં કરનારો અંબર રોશનીને સતત સમજાવતો રહ્યો, મનાવતો રહ્યો - "મારી જાનુ... મારી સોના..." પણ રોશની પીગળી નહીં.

"નેવર… હું તને આ માટેની પરવાનગી નહિ આપું, ક્યારેય નહીં." કહી રોશનીએ સ્ત્રીશક્તિની આઝાદી અને પ્રગતિ દર્શાવતું ફરમાન જાહેર કર્યું, ને વાતચીત પૂરી થયાંનો અણસાર આપ્યો.

રોશનીની આંખો ઊંઘથી ઘેરાવા માંડી. રાત વીતતી ચાલી...

જયારે અંબરની નજર સમક્ષ સવારે જોયેલું દ્રશ્ય તરવરી રહ્યું હતું...

સવારે એ ઓફિસમાં પ્રવેશી જ રહ્યો હતો કે થોડે દૂર સડક પર એક અકસ્માત સર્જાયેલો. સડકની સામે પાર જતાં એક નાનકડી બાળકીને કોઈક ગાડીવાળાએ અડફેટે લીધી હતી. એક ક્ષણ પહેલાં જયારે અંબરની નજર એ તરફ ગયેલી ત્યારે એણે જોયું હતું કે એક અંધ બાળકી હાથમાં લાકડીનાં સહારે રસ્તો ઓળંગવાની કોશિશ કરી રહી છે. પોતે એ છોકરીને કોઈક મદદ કરવા આગળ વધે એ પહેલાં તો રસ્તામાં રહેલા એક ખાડામાં છોકરીને ઠોકર લાગી. એ ગડથોલિયું ખાઈ ગઈ ને ઊંધે મોઢે સડક પર પટકાઈ. બાળકી અંધ હોઈ સાચા રસ્તાની ભાળ મેળવે એ પહેલાં તો પેલો ગાડીવાળો એની ઉપર ફરી વળ્યો હતો.

અંબરને પોતાને વસવસા સાથે આઘાત તો ત્યારે લાગ્યો હતો કે જયારે એક ધનાઢ્ય અને રુઆબદાર જેવી લાગતી વ્યક્તિ ત્યાં નજીક જ હાજર હતી, છતાં એણે એ ઊંઘી પડેલી નેત્રહીન બાળકીને હાથ પકડીને ઊભી કરવાની તસ્દી સુદ્ધાં નહોતી લીધી. એ અભિમાની તથા માનવતારહિત જણાતો તવંગર માણસ સડકની લગોલગ પોતાની મર્સિડીઝ પાર્ક કરીને, એને અઢેલીને આરામથી ઊભો હતો. ધૂળ અને તડકાથી બચવા એ માલેતુજારે પોતાની આંખો પર કાળાં ગોગલ્સ ચઢાવી રાખ્યા હતા. મદદ માટે પહેલ ન કરનાર એ શ્રીમંતનો ચહેરો એ જીવલેણ અકસ્માત પછી આમતેમ ફાંફા મારી રહ્યો હતો.

ટોળું ભેગું થયું. જીવતી વ્યક્તિઓની વહારે કદી નહીં જતા લોકો મરતી બાળકી પાસે દોડ્યા. કોઈકે ગાડીવાળાને ગાળો દીધી, તો કોઈકે એનાં બેજવાબદાર માતા-પિતાને... કોઈકે એમ્બ્યુલન્સ બોલાવી, તો કોઈકે સેલ્ફી લીધી. બધાએ ‘કૈક થયું’નો અનુભવ લીધો. અંબરને જે ‘થયું’, એના કરતા જે ‘નહીં થયું’ એ માટે વધારે દાઝ ચઢી હતી. એ રીતસરનો પેલી નફફટ ધનાઢ્ય વ્યક્તિ પાસે દોડી ગયો હતો. જોનારને તો કદાચ એવું જ લાગે કે અંબર પેલી વ્યક્તિને કાન નીચે બે ઠોકી જ દેશે.

“બહુ જ બદતમીજ છો તમે... નિર્દયી, ક્રૂર અને નિર્લેપ...” અંબરે પોતાનો રોષ પેલા શ્રીમંત પર ઠાલવી નાખ્યો હતો, “આ લાચાર બાળકીનું મોત થશે તો જેટલો જવાબદાર એને અકસ્માત કરનાર પેલો ગાડીવાળો ઠરશે એટલો મોટો જ ગુનો તમારો પણ ગણાશે, મિસ્ટર....”

“માફ કરજો ભાઈ, પણ તમે મારી સાથે વાત કરી રહ્યા છો?” શ્રીમંતે રઘવાયા બની અંબરને પૂછયું હતું, જાણે કે નજીકમાં જ ઘટી ગયેલી દુર્ઘટનાનો એ પોતે તાગ મેળવવા મથી રહ્યો હોય.

“વાહ... કમાલ છો... તમે વાંકા વળીને એક અંધ બાળકીનો હાથ પકડી ન શક્યા, એને ઊભી કરીને સડકની કિનારે ખેંચી ન શક્યા..? સલામ તમને...” અંબર રાતોપીળો થઈને કડવાશના ચાબખાં વીંઝી રહ્યો હતો.

“ઓહ્હ... આઇ એમ સો સોરી! શું અકસ્માતમાં કોઈક નાની બાળકી ઘવાઈ છે? અને શું કહ્યું તમે – એ બાળકી પણ મારી જેમ જ અંધ હતી?” શ્રીમંત વ્યક્તિએ પોતાની આંખો પરથી કાળાં ગોગલ્સ ઉતારતા દુઃખ વ્યક્ત કર્યું.

અંબર એ નિર્લેપ વ્યક્તિની બંને આંખોમાં શૂન્યમનસ્કપણે તાકી રહ્યો. પથ્થરની બનેલી એ આંખોમાં છૂપાયેલો કોઈક અજ્ઞાત ભાવ વાંચવા એ મથી રહ્યો હતો... પણ અફસોસ... બંને આંખો કોરી જ જણાઈ!

સવારનું ગમગીન દ્રશ્ય કોઈક ચલચિત્રની જેમ અંબરની આંખો સામેથી પસાર થઈ ગયું.

અંબર પણ નિંદ્રાધીન થઈ રહ્યો હતો.

ને મધરાતે અચાનક...

"અંબર... અ... અ... અંબર..." રોશનીની ભયભીત ચીસો રાતનાં સન્નાટામાં એકાએક જ ગુંજી ઊઠી. એનાં અવાજમાં ધ્રુજારી પ્રસરી ગઈ. એણે પોતાને કોઈક કાળી અંધારી ગુફામાં એકલી અટૂલી છોડી દેવાય હોય એવી અનુભવી. બધું જ ભેંકાર... સર્વત્ર માત્ર અને માત્ર કાળો શૂન્યાવકાશ વ્યાપેલો હતો. એને પોતાનું અસ્તિત્વ પણ વર્તાતું નહોતું. ન કોઈ દિશાસૂઝ, ન કોઈ અણસાર... આખું વિશ્વ જાણે કે અસીમ અંધારામાં અટવાયેલું ભાસતું હતું. પરસેવાથી રોશનીનું શરીર રેબઝેબ થઈ રહ્યું હતું. એની આંખો સામે અંધારપટ છવાયેલો હતો. એને એ પણ ખ્યાલ નહોતો આવતો કે એની આંખો ખૂલ્લી છે કે બંધ. આસપાસ કશું ભાસતું ન હતું. સર્વત્ર ફક્ત કાળું ડિબાંગ... એનો પોતાનો પડછાયો પણ એની નજરે ચઢતો નહોતો.

રોશની આકુળ-વ્યાકુળ થઈ ઊઠી. હૃદયના ધબકારા ધામણની ગતિએ તેજ થઈ રહ્યા હતા. એ અંબરને શોધી રહી હતી. અંધારામાં પથારી ફંફોસી રહી હતી. પરંતુ, અંબર ક્યાં..? સદાયે નજીકમાં રહેતા પતિની અત્યારની ગેરહાજરી એને વધુ કંપાવી રહી હતી!

ત્યાં જ, થોડે દૂર...
એક પ્રકાશ-બિંદુ ઝળહળી ઊઠયું. ઘોર અંધકારમાં જાણે કે એક સથવારાનું કિરણ ઉદ્ભવ્યું. તેજ લિસોટા સાથે પ્રકાશનો એ પૂંજ રોશનીની નજીક સરકી રહ્યો. આછું અજવાળું થોડું નજીક આવતાં રોશનીએ હાશકારો અનુભવ્યો. એ અંબર હતો. હાથમાં ટોર્ચ લઈને એ ઊભો હતો. એણે રોશનીને પાણીનો ગ્લાસ આપ્યો. એણે એકીશ્વાસે પાણી ગટગટાવ્યું. અંબરે એના કપાળેથી પરસેવો લૂછ્યો; એની પીઠ પસવારી; સાંત્વના આપતા કહ્યું, “ડર નહીં જાનુ, હું દરેક પરિસ્થિતિમાં તારી સાથે જ છું. ‘લાઇટ’ જવાના લીધે થોડી વાર માટે અંધારું છવાયું છે. ઈલેકટ્રીસીટી લાઇનમાં કોઈક ફોલ્ટ થયો હશે. બસ જલ્દીથી જ ‘સવાર’ પડી જશે, ને અંધારું શમી જશે! તું ચિંતા ન કર.”

ટોર્ચનાં હળવા ઉજાસમાં રોશનીનું એક ડૂસકું છૂટી પડ્યું. અંબર એનાં માથે હાથ ફેરવી રહ્યો હતો. હવે વરસવાનો વારો રોશનીની આંખોનો હતો.

બાકી રહેલો રાતનો સમય ફરી એકવાર પોતાના સ્વભાવ મુજબ વીતવા માંડ્યો...

બીજી સવારે...

"અંબર, તું ક્યારે જઈશ..? 'ચક્ષુદાન' માટેનું ફોર્મ ભરવા?" રોશનીએ પૂછયું.

"પણ તેં તો મારી એ અરજી ફગાવી દીધી હતી." અંબર પોતાનો ઉમળકો દબાવતો હોય એમ ધીમેથી બોલ્યો.

પોતાની આંખો સામે ગઈ રાતે છવાયેલો અંધકાર રોશનીને હચમચાવી ગયો હતો. ફક્ત થોડી ક્ષણો માટે અનુભવેલી એ અંધાપાની લાચારી એને હજુ પણ ધ્રુજાવી રહી હતી. જે વ્યક્તિઓની એ જ અવસ્થા કાયમી છે, તેઓ..? જેઓ કાયમી અંધાપામાં જીવે છે એમનું જીવન... એમની અંધકારમય દુનિયા... અરેરે..! રોશનીનાં શરીરમાંથી કરુણામિશ્રિત ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

"વિચારું છું કે હું પણ... મારી આંખો 'ડોનેટ' કરું..." રોશની જાણે કે પ્રજ્વલિત થતાં મક્કમ સ્વરે બોલી.

“ઓકે જાનુ...” અંબરે હાશકારો અનુભવ્યો અને પોતાના ‘પ્લાન’ પર ગર્વ અનુભવતું સ્મિત રેલાવ્યું.

થોડી વાર પછી...

રોશનીની નજર ચૂકવીને અંબર પોતાના ખિસ્સામાંથી લાઇટનો ફ્યુઝ કાઢી રહ્યો હતો; મેઇન ઇલેકટ્રીક સોકેટમાં યથાવત બેસાડી રહ્યો હતો. મોં પર હળવું હાસ્ય લાવી એણે લાઇટની મેઇન સ્વિચ 'ઓન' કરી.

એ સાથે જ, સર્વત્ર રોશનીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું!


Rate this content
Log in