Dharmesh Gandhi

Others

3  

Dharmesh Gandhi

Others

મૃગજળ

મૃગજળ

6 mins
7.5K


લાલ સુરખીદાર ગુલાબનું ફૂલ પોતાની નાજુક પાંખડીઓમાં ઝાકળનું એક બૂંદ સમાવીને બેઠું હતું. મંથન મનમાં ને મનમાં મલકાઈ રહ્યો હતો. એના હોઠ ગોળ થયા... ને હળવેથી એક ફૂંક મારીને એણે એ ઝાકળબિંદુને લીસી પાંખડીઓ પર રમતું કર્યું! એણે નજાકતથી એ લાલ ગુલાબની કોમળ પાંખડીઓ પર પોતાની આંગળીઓ ફેરવી. જાણે કે એની મહેકનો અણસાર ન લેતો હોય? જાણે કે એની પોતાની મહેકનાં મુલાયમ હોઠનો આહ્લાદક સ્પર્શ ન માણતો હોય?

એ મનોમન નિરધાર કરી જ ચૂક્યો હતો કે આવો મોકો ફરી મળે કે ન પણ મળે! એટલે આજે તો પોતાના પ્રેમને વાચા આપીને જ રહેશે. પોતે મહેકની આગળ ઘૂંટણભર બેસી, એની આંખોમાં આંખો નાખી એકરાર કરશે, “મહેક, વિલ યુ બી માય વેલેન્ટાઇન..?”

પ્રેમના વાસંતી વાયરામાં થનગનતો મંથન ફરી એક વાર ગુલાબના ફૂલની ઝાકળયુક્ત ભીની ખૂશબો માણે છે! એ ફરી એકવાર આજુબાજુ નજર ફેરવે છે. કોઈની ચહલપહલ નથી. કોઈની ખલેલ નથી. પ્રેમના સ્પંદનોને એકાંતમય વાતાવરણની અનુભૂતિ થતાં જ રોમાંચના તરંગો ઊઠ્યાં. દબાતા પગલે એ મહેક તરફ આગળ વધે છે. મહેકની નજદીક... વધુ નજદીક... હજુ વધુ નજદીક પહોંચે છે! મહેકની એકદમ લગોલગ પહોંચે છે... જાણે કે મહેકનાં શ્વાસની ફોરમ ન લેવી હોય..? જાણે કે એનાં ધબકારાની લિપિ ન વાંચવી હોય..?

એ ઘૂંટણભર બેઠો. ઝાકળભીનું લાલ ગુલાબ મહેકની સામે લંબાવ્યું. પણ... પણ, આ શું..? મહેક તો રિસામણાં ધારણ કરીને બેઠી છે! મહેક તો બોલવાયે રાજી નથી. અરે, બોલવાનું તો છોડો... મંથન તરફ એણે નજર સુદ્ધાં ન નાખી!

“આટલી બધી તો શું નારાજગી..? એક હળવી શરારતને કારણે વળી આવા અબોલાં લેવાતાં હશે..?” મંથન પશ્ચાતાપ કરી રહ્યો હતો, આંખો ઝુકાવીને મહેકને મનાવી રહ્યો હતો, “આટલી પુરાની વાતનું હજુયે આટલું મોટું ભારણ? અને એ શરારતની મેં માફી ક્યાં નથી માંગી?”

હાથમાં રહેલાં ને મહેક તરફ લંબાવેલા ફૂલને, ફૂલની મઘમઘતી પાંખડીઓને, અને એ પાંખડીઓ પર રમતી પારદર્શક ઝાકળને મંથન અપલક નજરે નિહાળી રહ્યો! તે દિવસે પણ કંઈક આમ જ તો બન્યું હતું. તે દિવસે પણ કંઈક આવી જ રીતે એ પોતાના હાથમાં ફૂલોની ગુચ્છો છૂપાવીને લાવ્યો હતો.

 

“મહેક... એય મહેક, સાંભળ ને..!” મંથન મલકાતો મલકાતો બોલી રહ્યો હતો, “..તને ખબર છે? તારી આંખો ખૂબ જ મારકણી છે..!”

“જા ને હવે, લુચ્ચા... ફ્લર્ટ કરે છે?” મહેક પણ પોતાની પાણીદાર આંખો નચાવતી શરારતભર્યા લહેકામાં બોલેલી, “મારી આંખોનાં તો બધાં જ ઘાયલ થઈ ફરે છે..! એમાં તેં નવું શું કહ્યું?"

“અરે, સાંભળ તો... તારી આંખોથીયે વધુ આભાવાન તો આ તારી પાંપણો છે!” મહેકની આંખોનાં ઊંડાણમાંથી બહાર આવતા મંથન એની પાંપણે આવીને અટક્યો.

“હ્મ્મ... આ ગમ્યું..!” કહેતી મહેક ખિલખિલ હસી પડેલી. જાણે કે આંખમાં પ્રેમનું અંકુર ન ફૂટ્યું હોય? જાણે કે પાંપણેથી કોઈ સપનું ન છૂટ્યું હોય?

“પણ મહેક, આ તારી ઉઘાડી આંખોનાં કારણે હું તારી પાંપણો તો જોઈ જ નથી શકતો..! તો જરા એને ઢાળી દેતી હોય તો?” મહેકની આંખો બંધ કરાવવા માટે મંથને પ્રેમાળ પેંતરો રચ્યો. ને આગળ બોલ્યો, “અરે, શ્રદ્ધા રાખને મારી ઉપર.. કંઈ નહીં કરું આ વખતે..! કંઈક લાવ્યો છું, તારા માટે!”

“અચ્છા? ચલ, લે... આ કરી દીધી બંધ, મારી આંખો! હવે મનભરીને જોઈ લે આ પાંપણોને..! અને હા, લાવ તો જલ્દી એ મારા કેસૂડાના ફૂલોની કલગી..!”

મહેક મંથનને સારી પેઠે જાણતી હતી. એ સમજી જ ગયેલી કે પીઠ પાછળ રહેલા મંથનના હાથમાં શું છે. મહેકને પોતાના નામ પ્રમાણેની જ આદતો પણ હતી... પોતે મહેકવાની અને પ્રકૃતિનાં દરેક અંશની - દરેક ફૂલોની સુગંધ લેવાની આદત... એને કેસરી રંગના રંગવિહીન કેસૂડા ખૂબ જ પ્રિય. એ તો કેસૂડામાંયે સુગંધ ખોળતી, અને માણતીયે ખરી!

“ચલ, તો લે આ તારા કેસૂડા.. અને મનભરીને એની સુવાસ ખેંચી લે..!” કહેતા મંથને શરારત કરવાના ઈરાદાથી - કેસૂડાના બદલે, પોતાની પીઠ પાછળ છૂપાવી રાખેલો ધંતૂરાના ફૂલોનો ગુચ્છો મહેકનાં નાક આગળ ધર્યો.

કેસૂડાનો ઊંડો શ્વાસ લેવાની લાલશામાં મહેકને ધંતૂરાના ફૂલોની આસપાસના કાંટા ઘોંચાયા. એનાં મખમલ જેવા મુલાયમ હોઠોમાંથી લોહીની ટસરો ફૂટી નીકળી! કડવી સુવાસ એનાં નાકમાં પ્રવેશી. અને શરમથી બીડાયેલી બંને પાંપણો ગુસ્સાથી ઊઘડી. ઐશ્વર્યથી છલોછલ આંખોમાં જાણે કે બળતરા  ઊઠી! મહેકનાં ગૌરવર્ણ ચહેરાની લાલિમાએ રિસામણાંની રતાશ પકડી અને એ પગ પછાડતી, આંસુ ટપકાવતી, મંથનને પાછળ છોડી ચાલી ગઈ...!

 

મંથને અતીતની મીઠી તેમજ કડવી યાદોનો પટારો બંધ કર્યો. ને ફરી એકવાર મહેકને મનાવવાનો પ્રયાસ કરી જોયો...

“મહેક... એય મહેક...” મંથને રૂંધાયેલા સ્વરે એને જગાડવાની કોશિશ કરી.

મંથનને ખબર તો હતી જ કે મહેકને જગાડવા માટે - એને મનાવવા માટે, આજે એનો પોતાનો સૂર કમજોર છે, અસમર્થ છે! એણે એક લાંબો નિસાસો નાખ્યો... મહેક ક્યાં હવે પોતાને સાંભળી શકવાની હતી..?

મંથન અવિરતપણે મહેકનાં તેજહીન શરીરને તાકી રહ્યો. મહેકની આંખો પર એની મનમોહક લાગતી પાંપણોએ આજે પડદો પાડી રાખ્યો હતો. શરીરમાં માત્ર શિથિલતા જ વર્તાઈ રહી હતી. હંમેશા ચંચળ અને ચેતનામય રહેતી મહેક આજે ખામોશ હતી. પથારીમાં પડેલું એનું શરીર આસપાસની દુનિયાથી જાણે કે વેગળું બની ગયું હતું!

ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. એનો ગોરો રંગ ફિક્કો પડી ચૂક્યો હતો. મહેક ખામોશ હતી, સૂઈ ચૂકી હતી... એ લાંબા સમયથી નિસ્તેજ સૂતી હતી. મંથને પણ મહેકનાં નામના સાદ દેવાનું બંધ કર્યું. એણે લગભગ સ્વીકારી લીધું કે હવે એ ક્યારેય એને જવાબ નહિ વાળે! થોડાં દિવસો પહેલાંની જ તો વાત છે...

ને મંથન ફરી એકવાર નજીકના અતીતમાં સરી પડ્યો...

“ફરી એક વાર કોશિશ કરીએ તો મહેક..!” મંથને જ દબાણ કર્યું હતું.

“ના મંથન, આપણાં પરીવારજનો નહીં માને. આપણાં પ્રેમનો સ્વીકાર નહીં જ કરે...” મહેકે એક આશાભરી નજર નાખીને મંથનને નિરાશાજનક નિર્ણય જણાવતા કહ્યું હતું, “જો આપણો પ્રેમ સાચો હશે તો આ જનમમાં નહીં ને આવતાં જન્મમાં મળીશું... આપણે સાથે જીવી ન શક્યા, સાથે મોતને ભેટતાં તો આપણને કોઈ નહીં અટકાવી શકે...”

વખ ઘોળીને આત્મહત્યા કરવાના મહેકનાં પગલાંને મંથને તો વખોડી જ નાખ્યું હતું. મહેકને ખૂબ સમજાવી હતી... અરે, કસમ-વચન-લોકલાજ, લગભગ બધી જ બાબતો આગળ કરી. પરંતુ મહેક ન માની તે ન જ માની! સાથે જીવી ન શક્યા, પણ સાથે મરવાની હઠ તો તેણે ન જ છોડી..! ને નાછૂટકે મંથને નમતું જોખવું પડ્યું, પ્રેમની જીદ આગળ, જિંદગી જીવવાની ચાહતે દમ તોડી દીધો. આખરે એ પણ મહેક સાથે, એકબીજાનાં હાથમાં હાથ પરોવી, જીવન ટૂંકાવવા – ઝેર ગટગટાવવા તૈયાર થયો...! અને એ જ થયું, જે મહેકે ચાહ્યું!

પ્રેમનો એકરાર કર્યા વિનાના પ્રેમીપંખીડાઓ એકબીજામાં ઓતપ્રોત થયાં અને બંનેએ પોતપોતાના ગળા નીચે વિષ ઉતાર્યું!

 

મંથને ફરી એકવાર એના તાજા જ અતીતની લાચાર પરિસ્થિતિની યાદોનો પટારો બંધ કર્યો.

મહેકની બિડાયેલી ખૂબસૂરત પાંપણો આજે મંથનને કનડતી હતી. ક્યારે પાંપણ ઊંચકાય, ને ક્યારે એમાં પોઢેલી પાણીદાર આંખો ઉજાસ ફેલાવે એની જાણે કે એ રાહ ન જોતો હોય..?

“મહેક... એય મહેક... વિલ યુ બી માય વેલેન્ટાઇન?” મહેકને જગાડવાની આખરી તરકીબનો ઉપયોગ કરતા મંથને પોતાના પ્રેમનો એકરાર કર્યો.

ને અચાનક... અત્યાર સુધી નિર્જીવ લાગતાં મહેકનાં શરીરમાં જાણે કે શક્તિનો હળવો સંચાર થયો. એની બોઝિલ લાગતી પાંપણોએ સળવળાટ કર્યો. પણ ત્યાં જ...

કોઈકનો પગરવ સંભળાયો. મંથન મૂંઝાયો. અવઢવમાં પડ્યો. આજુબાજુ તાકતો એ ત્વરાએ ઊભો થયો. મહેકને અર્પણ કરવા માટે ક્યારનું હાથમાં પકડી રાખેલું લાલ ગુલાબનું ફૂલ એની મૂળ જગ્યાએ - ફોટો ફ્રેમની પાસે પાછું મૂકી દીધું!

સુખડનો હાર ચઢાવેલી પોતાના ફોટોવાળી ફ્રેમને એ અનિમેષ દ્રષ્ટિએ તાકી રહ્યો! પછી મને કમને પણ એણે ફરી એકવાર પોતાની અલગ દુનિયાને અપનાવી જ લીધી! પોતાના ખાલીખમ અસ્તિત્વનો સ્વીકાર કરી જ લીધો!

અને ફરી એકવાર એ પોતાની મૂળ જગ્યાએ - ફોટોફ્રેમમાં જઈને ગોઠવાઈ ગયો...

રૂમમાં પ્રવેશતાં જ ડૉક્ટરે મહેકની નાડી તપાસી. હૃદયના ધબકારાની ગણતરી માંડી. આંખોનાં પોપચાં ઊંચા કરી એની કીકીઓમાં સમાયેલી સૃષ્ટિનો તાગ મેળવવાની કોશિશ કરી, અને નિવેદન આપ્યું, “પૉઇઝનની અસર ઘણી ઊંડી છે... માટે ઘેન તો રહેશે જ...!” અને નર્સ સાથે આ અંગે ચર્ચા કરવા લાગ્યા.

“બટ ડૉક્ટર... આ છોકરી સાથે તો પેલા છોકરા મંથને પણ ઝેર ગટગટાવ્યું હતું! એ છોકરાનું તો ઓન-ધ-સ્પોટ મૃત્યુ થઈ ગયેલું. તો પછી મહેક કઈ રીતે બચી ગઈ..?” નર્સે ડૉક્ટર સમક્ષ પોતાની તબીબી મૂંઝવણ વ્યક્ત કરતાં પૂછયું, અને હેરત અનુભવી!

ફૂલ-હાર ચઢાવેલી તસવીરમાંથી મંથન હજી પણ અનિમેષ નજરે, પડખું ફેરવીને સૂઈ ગયેલી મહેકને તાકી રહ્યો હતો! જાણે કે પોતાના પ્રેમનો એકરાર ન કરી રહ્યો હોય..? “મહેક... એય મહેક... વિલ યુ બી માય વેલેન્ટાઇન..?”


Rate this content
Log in