મરુભૂમિનો ચહેરો
મરુભૂમિનો ચહેરો
આખો દિવસ પ્રકૃતિને દઝાડતો સૂરજ ક્ષિતિજની ઊંડાણમાં ગરકાવ થયાને કલાકો વીતી ચૂક્યા હતા. તારાઓથી ઝગમગતા આકાશે હવે હાડ થીજાવી દેતી ઠંડી ફેલાવવાનું કામ માથે લીધું હતું. ધૂળની નાની-મોટી ડમરીઓ ઠેકઠેકાણે ઉડ્યા કરતી હતી. વંટોળીયામાં ઉંચે ઊઠતી રેતી થોડીવાર ગોળાકારે ફરતી-ફરતી થાકીને એકાદ ઠેકાણે ઢગલો થઈ જતી હતી. સતત ત્રણ વર્ષથી એકધારું આક્રંદ કરતાં આ સૂકા દુકાળે સાવજ જેવી પહોળી છાતીધારીઓનાયે હાંજા ગગડાવી નાખ્યા હતા. નાનકડા આ ગામના છૂટાછવાયા ખોરડાઓમાં જિંદગીની જીવતી સમાધિ લઈને લોકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. એમના માટે ભૂખ ભાંગવા સારું હવે શહેરી શેઠિયાઓને ત્યાં ધાડ પાડીને પરિવારનું પેટ ભરવા સિવાય કોઈ આરો નહોતો બચ્યો.
આવા ઠંડા ખારાપાટ પર કાળી મેઘલી રાતે પોતાને ભરોસે મરણિયું બનેલું શરીર, પીઠ પર જડીને રણની રાણી બેફામ દોડ્યે જતી હતી. આજે એને શ્વાસ લેવાયે રોકાવાનું પરવડે એમ ન હતું. ભલે હાંફી જવાય, ભલે નાક-કાનમાં ખોબો ભરીને રેતી પેંસી જાય... બસ આ મરુભૂમિ પસાર કરીને શહેર સુધી પહોચવું એજ એક માત્ર એ ઊંટડીનું લક્ષ્ય થઈ પડ્યું હતું.
‘આ જ મોકો છે, મારી રણની રાણી... પહેલો ને છેલ્લો - વેગ પકડ મારી મા...’ ઊંટડી પર સ્વાર મજબૂત મનોબળના કાળા પડછાયાએ હાકલ કરી, ‘...જોઉં આજે કેટલું જોમ છે તારા ચારેય પગમાં ને મારી બંનેય બાજુઓમાં...’
આ વિસ્તારમાં આડે દહાડે પડતી ધાડના પગલે જમાદારોએ ઊંટ પર રખડીને આખી રાત ચોકી-પહેરો દેવાનું શરૂ કર્યું હતું. આવા જ બે ચોકિયાત-જમાદારોના પહેરેદાર ઊંટ એકાએક અડધી રાતે હણહણી ઊઠ્યા. ઊંઘરેટી આંખમાં સુસવાટા મારતો ઠંડો પવન અને નાકના વાળમાં આછી ધૂળ ભરીને બેય જમાદાર સાબદા થયા. રાતનાં ભય પમાડે એવા સન્નાટામાં પવનવેગે દોડતી ઊંટડી પર બુકાનીધારી સ્વાર, અને સ્વારે વીંટેલા ધાબળામાંથી ડોકાતી - ખભે લટકાવેલી બંદૂક... જમાદારો માટે એ ધાડપાડુ હોવાનો સંશય પેદા કરવા માટે પૂરતા હતા.
‘એય ખબરદાર... થોભાવ તારી ઊંટડી, નહીં તો ભડાકે દઈશ.’ ટાઢમાં ધ્રુજતા રુઆબદાર હોઠ કરડાકીભર્યો હુંકાર કરતા ફફડ્યા, ને ઠંડા પવનની એક ઝાપટ એ જમાદારના ગાલ સાથે ઘસાતી, ધૂળ-કાંકરીઓ એના માથાના વાળમાં ભરાવતી પલાયન થઈ ગઈ.
ઊંટડી નહીં થોભી, અને ન તો જમાદારોની ચેતવણીની એ નિર્જન વાતાવરણ પર કોઈ ઘેરી અસર વર્તાઈ. એથી ઊલટું, ઊંટડીનાં વાંકા-ચૂંકા-લાંબા પગોમાં ઝનૂન પેઠું, ને અઢારેય વાંકા અંગોએ દોડવાની ગતિ બમણી કરી. જમાદારો માટે હવે એ સ્વાર ધાડપાડુ હોવાનો સંશય પાક્કા વિશ્વાસમાં પરિણમ્યો. સૂકા-કાંટાળા બાવળિયાની ઓથે-ઓથે પૂરપાટ દોડતી ઊંટડી ક્ષિતિજમાં વિલીન થઈ જાય એ પહેલાં તો જમાદારની બંદૂક ગરજી ઊઠી. સ..ન..ન..ન.. કરતી એક ગોળી સ્વારની કમરે ઘસાઈને રેતીમાં ખૂંપી ગઈ…
લાવાની અગનજ્વાળાઓની જેમ ઊકળતા લોહીનો ફુવારો છૂટ્યો. વરસાદની વાંછટનાં અભાવે ભૂખી-તરસી રહેતી નિર્જીવ ધરતીને એ ગરમ લોહીની ધાર સ્પર્શે એ પહેલાં તો જોતજોતામાં પવનની ઠંડી બરફ જેવી લહેરખી એને હવામાં જ લુપ્ત કરતી ઊડી ગઈ. સ્વારની આંખે અંધારા છવાઈ ગયા. શરીર લથડી પડ્યું. પણ, એક ઘસરકાથી ટાઢું પડી જાય એ ભડકે બળતું ઝનૂન શા કામનું ! ઊંટડી દોડતી રહી. કાળજું કઠણ કરી સ્વારે પોતાની લોહી નીંગળતી કમર પર એક હાથ દાબી દીધો… આ એજ કમર હતી જ્યાં એનાં ધણીએ ક્યારેક પોતાના દાંતના હળવાં-મીઠાં-ઉત્તેજનાભર્યા બચકાં ભર્યાં હતાં; તો ક્યારેક એ જ ધણીની ખુન્નસ ભરેલી કઠોર લાતો પણ વિંઝાઈ ચૂકી હતી.
સ..ન..ન..ન.. કરતી બીજી ગોળી છૂટી, ને પછી ત્રીજી…
સ્વારનું શરીર ઢીલું પડ્યું; ઊંટડી પરથી સરકીને રેતીમાં પછડાયું. દરિયાના ઉછાળા મારતા ચોખ્ખા પાણી જેવી બે ભૂરી આંખો બુકાનીની અંદર સ્થિર થઈ; ઉઘાડ-બંધ થઈ. લોહીની ધાર ઠેકઠેકાણેથી વહી રહી હતી. ઘડો ભરીને ઘી-સિંદુર પી ચૂકેલી ઊંટડી માલિકણ માટે વલોપાત કરવા સારું ગળું ફાડીને ગાંગરી પણ ન શકી. મદદ માટે વલખાં મારતી ડોક આમ-તેમ વિંઝાતી રહી. જમાદારોને નજીક આવતા ભાળી એણે ઊંટડીને શહેર તરફ દોટ મૂકવા પાનો ચઢાવ્યો. ને રણની રાણી પોતાની માલિકણનો હુકમ લઈને બેફામ દોડી. એની પીઠ પર હજુયે એક બાળઆકૃતિ ચસોચસ બંધાયેલી હતી - અર્ધી ઊંઘમાં અને અર્ધી અણસમજમાં...
જમાદારો નજીક આવી ચૂક્યા હતા. એક બરાડ્યો, ‘હાથ ઉપર કરીને ઊભો થા, નહીં તો ભેજું ઊડાવી દઈશ.’
બીજાએ રેતીમાં આળોટતા સ્વારનો ધાબળો ખેંચી નાખ્યો. ને બંને જમાદારો અચંબામાં ગરકાવ થઈ ગયા. સ્વાર એક ખૂબસૂરત સ્ત્રી હતી. બંને જણ એ ધગધગતું સ્ત્રી-શરીર ઘૂરી-ઘૂરીને તાકી રહ્યા, લાળ ટપકાવી રહ્યા : ‘આજ તો જીસ્મની જયાફત ઉરાડવાનો મોકો છે, દરોગા...’
બુકાનીની અંદર તગતગતી બે ભૂરી આંખોથી અંજાઈને બીજાએ સ્ત્રીનાં મોં પરથી બુકાની ખેંચી નાખી. પણ ત્યાં જ…
‘હા..કક... થૂ..ઉ..ઉ...’ બુકાનીની અંદર સંતાયેલો ભયાનક અને કદરૂપો ચહેરો જોઈને જમાદારનું મોં કડવું થઈ ગયું.
જાણે કે આગમાં હોમાયો હોય એવો બળીને ભડથું થયેલો ચહેરો જોતા જ એ બંને રાની પશુઓના મોં પર એક ક્રૂર અણગમો ઊભરાયો. બંનેને જાણે કે ઉબકા આવવા લાગ્યા. પણ હવસમાં ઘસડાતા બંને જાનવરોએ સ્ત્રીનાં ચીતરી ચઢે એવા ચહેરા પર ફરીથી બુકાની લપેટી દીધી. બાકીના કપડા ચીરવા માટે, એ કદરૂપા ચહેરાની નીચે તરફના બધાજ ખૂબસૂરત હિસ્સાઓને ચૂંથવા માટે હાથ લંબાયા.
‘ઓ..યય, ખબરદાર... શેતાન જેવા ધણીથી મારી દીકરીને બચાવીને ઢીલા કાળજે નથી નાસતી... આજ કોઈ પણ તકાત મને અટકાવી નહીં શકે.’ સ્ત્રીએ લલકાર ફેંકી; બંદૂકની નળી બંને સામે તાકી.
એની ભૂરી આંખોનાં ઊંડાણમાં થોડા દિવસો પહેલા ભજવાયેલું એક વરવું દ્રશ્ય જીવિત થયું...
‘ચાલ ખોરડામાં...’ શિકાર કરવા ગયેલો ઘણી થાકી-હારીને ખાલી હાથે આવ્યો, ને પેટની ભૂખ ન સંતોષાતા શરીરની ભૂખ મટાડવા ભૂખ્યા વરુની માફક એની પર તૂટી પડેલો.
‘ખાલી પેટ બેવડ વળે છે, રહેમ કર આજ...’ ધણીની ઝપટમાંથી તરફડ્યા મારીને એણે છૂટવાની હિમ્મત કરેલી, પહેલીવાર...
ભાન ભૂલેલો ધણી બળજબરી કરતો રહ્યો. એણે હતું એટલું જોર વાપરી ક્યારેય નહીં ધરાતા ધણીને બળપૂર્વક હડસેલો માર્યો. ને પેલાએ જે વસ્તુ હાથમાં આવી એનો છૂટ્ટો ઘા કર્યો. નસીબની કરુણતાથી ધાડ-લૂટ માટેના હથિયાર તરીકે વાપરવા રાખેલો તેજાબ એના મોં પર ઊડયો.
- ને ફક્ત બે જ ક્ષણ... એનો રૂપ-સૌન્દર્યથી ફાટ-ફાટ થતો ચહેરો તેજાબના મારથી તરડાઈ ગયેલો, ચામડી સળગી ઊઠેલી. ઓગળી રહેલા ચહેરાએ એક ખોફનાક રૂપ ધરી લીધું...
એ જલનમાંથી કળ વળતા દિવસો વિત્યા, ને એક દિવસ...
‘ટોપલો ભરીને સિક્કા આપીશ, આ ખોરડું છોડી શહેરમાં ખોલી વસાવી લેજે...’ એક પઠાણ એની પીઠ પાછળ એનાં ઘણીના કાન ફૂંકી રહ્યો હતો, ‘-બસ, બદલામાં આ તારી છોડી...’ કહેતાં પઠાણે હોઠ પર જીભ ફેરવી...
- વીતી ચૂકેલા એ ભયાવહ દ્રશ્યો ત્યારે અટક્યા જ્યારે એનાં પેટમાં જમાદારની લાત પડી...
ભારે આંખોએ એણે ઊંટડીને પોતાની કુમળી દીકરી સાથે શહેરની રાહે દોડી જતાં જોયા કર્યું. એનાં હાથ દુઆમાં ઊંચા થયા, ‘યા અલ્લાહ, આ મરુભૂમિની પેલે પાર કોઈ ફરિશ્તો મળી જાય - દીકરીની હિફાજત થાય, એનાં ચહેરાનું તેજ ન ઓસરે...’
એની ભૂરી આંખો દૂર દૂર નજરે પડતા કાળા થતા જતા ક્ષિતિજ તરફ મંડાયેલી હતી. ધીમે-ધીમે ચાલતા એનાં ધૂળભર્યા શ્વાસ બેફામ બનીને ફૂંકાતા પવનમાં ભળીને હજુયે દોડી રહેલી રણની રાણી પર લદાયેલા માસૂમ ચહેરા સુધી પહોચવાનો હાંફતો પ્રયાસ કરી રહ્યા હતા ! શેતાનોનું ધીમું-ધીમું અટ્ટહાસ્ય એનાં કાનના પડદા ચીરી રહ્યું હતું.
છેલ્લે-છેલ્લે એણે એક કાળું ટપકું ક્ષિતિજમાં વિલિન થતું જોયું !
