Dharmesh Gandhi

Others

3  

Dharmesh Gandhi

Others

*જળકમળ* (સાઈકો સિરીઝ*કેસ-૫)

*જળકમળ* (સાઈકો સિરીઝ*કેસ-૫)

8 mins
7.3K


સાઈકો સિરીઝ (કેસ-૫)

 

*જળકમળ*

 

****

 

“જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે,

જાગશે તને મારશે, મુને બાળહત્યા લાગશે...”

મધરાતની નીરવતાને ચીરતો ગઢવીબાપુનો પ્રભાવશાળી સ્વર રેલાઈ રહ્યો હતો. નરસિંહ મહેતાના કૃષ્ણ-ભજનમાં ઢોલ-મંજીરા-વાજાપેટી પણ પોતપોતાની આવડત અનુસાર કૃષ્ણમય ધ્વનિ છેડી રહ્યા હતા. ડાયરો પૂર્ણ કળાએ રમઝટ બોલાવી રહ્યો હતો!

ને બીજી તરફ...

નજીકની સોસાયટી ‘જળકમળ’ રેસીડેન્સીનાં તેર નંબરના બંગલોની ડોરબેલ રણકી ઊઠી... મધરાતે વાગેલી ઘંટડીથી હંમેશા પેટમાં ફાળ પડતી હોય છે. અહીં પણ કંઈક આમ જ બન્યું. પચાસની વય પાર કરીને વનપ્રવેશ કરી ચૂકેલી જૈફ વયની મહિલા - મિસિસ નાગપાલ, પોતાની મોડી રાત્રિએ સૂવાની આદત મુજબ આજે પણ લગભગ એ જ તૈયારીમાં હતાં. ડોરબેલનો કર્કશ અવાજ સાંભળતાં જ એમને અણધારી આફતનો અણસાર આવી ગયો. એમણે દરવાજો ખોલવા ઝડપી ચાલે એ તરફ પગલાં માંડ્યાં. ધડકતા હૃદયે હળવે રહીને મેઈન ડોર ખોલ્યું...

“શ્યામ... ઇન્સ્પેક્ટર શ્યામકુમાર યાદવ... તમારા બંગલોની તલાશી લેવી પડશે...” દરવાજાની બરાબર વચ્ચે ઊભેલા વર્દીધારીએ પોતાનો પરિચય આપ્યો, અને સાથે-સાથે પોતાના આવવાનું કારણ પણ છતું કર્યું.

પચીસેક વર્ષનું યુવાન શરીર, મજબૂત બાંધો, ચહેરા પર બરછટ-કાળી દાઢી, કપાળની ડાબી તરફ ચપ્પુથી પડેલો લાંબો ચીરો તેમ જ બેપરવા નજર–  આ બધું એને એક માથાફરેલ પોલીસકર્મી જેવું વ્યક્તિત્વ આપી રહ્યાં હતાં. મોઢામાં પાનનો ડૂચો, અને હોઠના ખૂણેથી ટપકવા માટે તૈયાર લાલ ટીપું–  એની નફ્ફટાઈ દર્શાવવા માટે પૂરતાં હતાં.

“ક્યાં તો બાળક તું મારગ ભૂલ્યો, ક્યાં તારા વેરીએ વળાવ્યો,

નિશ્ચિત તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવ્યો...”

ડાયરાની મધરાતની રંગતના સૂર બંગલોના ખૂલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશ્યા. ઇન્સ્પેક્ટર શ્યામકુમાર યાદવે ડ્રોઇંગરૂમમાં પગ માંડ્યા. પાછળ-પાછળ લથડિયાં ખાતો કોન્સ્ટેબલ પણ પ્રવેશ્યો. એની લાલચોળ આંખો અડધી રાતનાં ઉજાગરાને લીધે હતી, કે પછી કોઈક કેફના લીધે હતી એ કળવું ખરેખર મુશ્કેલ હતું.

પચાસ વર્ષની જૈફ યુવતીને પચીસ વર્ષનો લબરમૂછિયો ઇન્સ્પેક્ટર પગથી માથા સુધી બેદરકારીપૂર્વક ઘૂરી રહ્યો હતો. મિસિસ નાગપાલે ક્ષોભ અનુભવ્યો. ઇન્સ્પેક્ટર શ્યામે નફ્ફટાઈભર્યું સ્મિત રેલાવ્યું. પોતાના લાલ રંગે રંગાયેલા હોઠ પર જીભ ફેરવાતા એણે કોન્સ્ટેબલ તરફ ત્રાંસી નજર નાખી આંખ મીચકારી.

“ક્યાં સંતાડ્યો છે એને..?” ઇન્સ્પેક્ટરે બોચી ખંજવાળતા સવાલ કર્યો.

“ક..ક..કોને..?” મિસિસ નાગપાલની જબાન લથડી.

“નાગપાલ... તારો પતિ...” ઈન્સ્પેક્ટરે કરડાકીથી પૂછ્યું.

“એ.. એ... નથી આવ્યો.. તમને ખબર તો છે ઇન્સ્પેક્ટર, કે એ ઘણાં દિવસોથી ફરાર છે...” મિસિસ નાગપાલે સ્પષ્ટતા કરી.

“મેડમ, તલાશી તો લેવી જ પડશે..” ઇન્સ્પેક્ટરે પોતાની ગરદનને એક ઝાટકો માર્યો, ખભાં ઉલાળ્યાં અને ચારેય દિશાઓમાં પોતાની વેધક નજર દોડાવી–  જાણે કે કોઈક ખાસ વ્યક્તિને શોધી રહ્યો હોય!

એટલામાં..

ડ્રોઇંગરૂમના કોરે ડાબી તરફ આવેલાં બાથરૂમનો દરવાજો ઊઘડ્યો. ઇન્સ્પેક્ટરની આંખ ઊંચકાઈ. નજર બાથરૂમ પર ચોંટી. અંદરથી એક ભીનું શરીર બહાર ડોકાયું. પાણીથી તરબતર લગભગ સત્તર-અઢાર વર્ષનું. ચાંદના ટુકડા જેવું સ્વરૂપ એનું! સાપ જેવી લીસી ચામડી ધરાવતી એ યૌવનાએ શરીરે નામ માત્રનો એક ટુવાલ લપેટ્યો હતો. ઢાંકી રાખવાના અંગો પણ ઉઘાડા થવા તત્પર હતા. પાણી ટપકાવતાં ભીના વાળ એની પીઠ પરથી જાણે કે ઝાકળનાં રેલા ઊતારી રહ્યા હતા. ખાસ્સા દૂરના અંતરથી પણ ઇન્સ્પેક્ટર એ ખૂબસૂરત ગોરી પીઠ પરનો કાળો તલ, ત્રાંસી નજરે છતાં સ્પષ્ટ તાકી શકતો હતો!

“મીરા... તું ઉપર જા તો, બેટા...” મિસિસ નાગપાલે ઇન્સ્પેક્ટરની નજર પારખી જતાં, બાથરૂમમાંથી નીકળેલી દીકરીને કડક સૂચના આપી... ”આવતીકાલે તારા બાથરૂમનો બાથટબ રીપેર થઈ જશે, તારે નહાવા માટે હવે નીચે નહીં આવવું પડે..”  અને ઇન્સ્પેક્ટર તરફ ફરીને આગળ બોલ્યાં, “જુઓ ઈન્સ્પેક્ટર, હું એકદમ સારી રીતે જાણું છું કે તમે કયા ‘ખાસ’ કારણસર તલાશીનું બહાનું આગળ ધરીને અહીં આવો છો... અને તે પણ મધરાતે જ...!”

ડ્રોઇંગરૂમના બીજે છેડે આવેલી સીડી પરથી ઉપરના માળે આવેલા બેડરૂમ તરફ જઈ રહેલી મીરાની ઉઘાડી પીઠ તથા ઘૂંટણથી પણ ઉપર સુધીના અર્ધખૂલ્લા લાંબા-માંસલ પગ, ઇન્સ્પેક્ટર અપલક નજરે તાકી રહ્યો હતો.. કશુંક વિચારીને આછું આછું મલકાઈ રહ્યો હતો..!

ઇન્સ્પેક્ટરને આમ મીરાને ઘૂરતો જોઈને મિસિસ નાગપાલ દાંત ભીંસી રહ્યાં હતાં. પરંતુ એમને લાગ્યું કે હમણાં શાંત રહેવામાં જ ભલાઈ છે. એ કશુંક ઊંડું વિચારી ક્ષણવાર માટે અંદરના એક રૂમમાં ગયા, અને વળતા પગલે હાથમાં એક બેગ સાથે બહાર આવ્યાં..

“દસ લાખ છે પૂરા..” બોલીને એમણે ઇન્સ્પેક્ટરના મોઢાની સામેના ટેબલ પર બેગ ખૂલ્લી મૂકી.

“લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,

એટલી મારા નાગથી છાની, કરવી ઘરમાં ચોરીઓ...!”

ગઢવીસાહેબ પૂરા જોશમાં ભજન લલકારી રહ્યા હતા. તબલાના તાલ થડકી રહ્યા હતા. ડાયરો માણનારા ગ્રામજનો પણ વચ્ચે-વચ્ચે તાળીઓ તેમ જ કિકિયારીઓથી વતાવરણ ગૂંજવી રહ્યા હતા.

“દસ લાખ..? માત્ર દસ લાખ જ..?” ઇન્સ્પેક્ટરે બીજું એક પાન મોંમાં મૂક્યું. હોઠ પરથી નીતરતા લાલ રેલાને પોતાની વર્દીની બાંયથી લૂછ્યાં. કોન્સ્ટેબલ ડ્રોઇંગરૂમના એક ખૂણામાં પડેલાં કોઈક ફર્નિચરને ટેકો દઈને ઝોકા ખાતો ઊભો હતો. જોકે, એની આંખ ખૂલ્લી હોત તો એણે પણ ચોક્કસપણે ઇન્સ્પેક્ટર શ્યામની જેમ જ આંખ મીચકારી હોત, ને ખંધુ હસ્યો પણ હોત..!

“આ દસ લાખ રૂપિયાનો ચાંલ્લો ચોંટાડીને તમે શું ચાહો છો– કે ભોંયરામાં સંતાડેલો કરોડોનો માલ જતો કરું..?” ઇન્સ્પેક્ટરે બાજુમાં પડેલી ડસ્ટબિનમાં પાનની લાંબી પિચકારી મારી, અને એના છાંટાથી દીવાલે પણ થોડી લાલાશ પકડી.

“મા.. તું એને મોઢું જ શું કામ આપે છે..? તપાસી લેવા દે ને - જે એને યોગ્ય લાગતું હોય..” ઉપરના માળે આવેલા બેડરૂમમાંથી મીરાનો કામણગારો અવાજ રણક્યો, પરંતુ કંઈક ગુસ્સાથી..!

ઇન્સ્પેક્ટર શ્યામ મર્માળુ હસ્યો. ને મિસિસ નાગપાલ તરફ ફરીને ખુન્નસથી બોલ્યો, “નાગપાલ એક ભાગેડુ અપરાધી છે. બંગલોમાં જ્યાં પણ સંતાડ્યો હોય, અહીં મારી સમક્ષ હાજર કર... નહીં તો...” કહીને એણે કોન્સ્ટેબલને ખભેથી પકડીને ઢંઢોળ્યો - ઊંઘમાંથી ઊઠાડ્યો, “ગણપત... એય ગણપત.. અહીં નજર રાખ, ખૂલ્લી આંખે..! હું આવું છું જરા તલાશી લઈને...”

અને એ ઠેકડા મારતો સીડીના પગથિયા ચઢવા માંડ્યો. ઉપરના માળે પહોંચી, બેડરૂમના અર્ધખુલ્લા દરવાજાને હડસેલ્યો. એ સાથે જ એના નાકમાં માદક મહેક પ્રસરી ઊઠી. જાણે કે એ કોઈ અત્તરની દુકાનમાં આવી પહોંચ્યો હોય! આછા ગુલાબી રંગનો ઝાંખો પ્રકાશ ફેલાવતી એક વિશાળકાય મીણબત્તી પૂરા ઉત્સાહથી સળગી રહી હતી. એની ઓથે ઊભેલી મીરાનું મુગ્ધ રૂપ થનગની રહ્યું હતું. એનાં ભીના વાળ ચહેરા પર ફેલાયેલા હતા. એમાં છૂપાયેલી કાજળઘેરી આંખો ઉઘાડ-બંધ થતી હતી...

શ્યામ દબાતા પગલે મીરા તરફ વધી રહ્યો. બંને તરફ ધબકારાની ગતિ જુદી જુદી હતી - એક તરફ તેજ રફતાર, તો બીજી તરફ ખામોશ! બંનેનાં શ્વાસમાં પણ ભિન્નતા હતી - એક તરફ હળાહળ ગરમ, તો બીજી તરફ બરફ જેવા ઠંડા!

 

મીરાની કાળી કજરારી પાંપણો હળવેથી ઊંચકાઈ, ને મખમલી હોઠ હલ્યા, “શ્યામ... લઈ લે ને તલાશી...! અબજોનો માલ તો તારી સામે જ પડ્યો છે! શું દાટ્યું છે એ ભોંયરામાં..?”

શ્યામ મૂર્તિમંત બનીને જગ્યા પર જ થંભી ગયો. મીરા એની તરફ આગળ વધી. એક તરફ મીરાનું સૌંદર્યવાન રૂપ હતું, તો બીજી તરફ એની ફરજ હતી – જવાબદારી હતી!

ઇન્સ્પેક્ટર શ્યામે ફિક્કું હસીને પોકેટમાંથી સર્વિસ રિવોલ્વર ખેંચી કાઢી, ને લમણે ઘસીને પોતાને ઊપડી રહેલી ખંજવાળને શાંત કરી. રિવોલ્વરની નળી પર એક ફૂંક મારી. નળી મીરાનાં રસીલા હોઠ પર ફેરવતા બોલ્યો, “ક્યાં છે..? ભોંયરાની ચાવી...?”

પણ મીરા આજે પરાકાષ્ઠાએ પહોંચી હતી! ભીના વાળમાં ગૂંથેલું ગુલાબી ઝાંયવાળું સફેદ કમળનું ફૂલ ખેંચી કાઢ્યું. શ્યામની રિવોલ્વરની નળીમાં ખોસતા બોલી, “આ મીરા રફ-એન્ડ-ટફ શ્યામ માટે જ બની છે..! બી માઈ વેલન્ટાઇન, શ્યામ!”

કમળનું ફૂલ ખોસેલી શ્યામની રિવોલ્વરની નળી મીરાના હોઠેથી સરકીને પાતળી ગરદન પર ફરી વળી. પછી ત્યાંથી ઊતરતી ઊતરતી એનાં સુંવાળા પેટ પર જઈને અટકી. મીરા રોમાંચિત થઈ ઊઠી! એની પાંપણો બિડાવા લાગી. શ્યામે એની કમર ફરતે એક હાથ વીંટાળી નજીક ખેંચી. એનાં લીસા નાભિકમલ પર રમી રહેલી રિવોલ્વરનું ‘ખટાક’ના અવાજ સાથે ‘લોક’ ખૂલ્યું. બસ ટ્રિગર દબાવાને વાર હતી...

મીરાનું વિદેશી પરફ્યુમ હવે પરસેવાની બુંદ બનીને એનાં શરીરે ઉપસવા માંડ્યું.

“ચાવી ક્યાં છે...?” મીરાની કમર ફરતેથી પોતાનો હાથ અળગો કરતા શ્યામ ઘૂરક્યો, “તેં પ્રયત્ન સારો કર્યો... ઇન-ફેક્ટ ‘માદક’ કર્યો...! પણ અફસોસ...!”

“ચરણ ચાંપી, મૂછ મરડી… નાગણે નાગ જગાડ્યો...

ઊઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો...!”

ડાયરો એની ચરમસીમાએ પહોંચ્યો હતો. વાતાવરણમાં ભક્તિમય રોમાંચ વ્યાપેલો હતો!

ને આ તરફ મીરાએ લાલધૂમ ચહેરે છણકો કર્યો.. પોતાની ભરાવદાર છાતી વચ્ચે દબાવી રાખેલી ભોંયરાની ચાવી કાઢીને શ્યામના હાથમાં મૂકી. ઇન્સ્પેક્ટર શ્યામે રિવોલ્વર પોતાના પોકેટમાં ધકેલી. ક્ષણની પણ રાહ જોયા વગર બેડરૂમમાંથી બહાર આવી સડસડાટ સીડી ઊતરીને એ નીચે ડ્રોઇંગરૂમમાં આવ્યો.

અનેક ગુનાઓમાં સંડોવાયેલો ફરાર અપરાધી નાગપાલ ત્યાં હાજર થઈ ચૂક્યો હતો. કોન્સ્ટેબલ ગણપત એને હાથકડી પહેરાવીને ઊભો હતો. ઊંઘણશી ગણપતની લાલચોળ આંખોમાં અપરાધી પ્રત્યેનો ગુસ્સો હતો કે મધરાત સુધી જાગતા રહેવાનો અણગમો – એ કળવું થોડું મુશ્કેલ હતું! નાગપાલને જોઈને ઇન્સ્પેક્ટર શ્યામની આંખોમાં લોહી તરી આવ્યું. એક તરફ બાહોશ અને યુવાન ઇન્સ્પેક્ટર હતો, જ્યારે બીજી તરફ એક રીઢો ગુનેગાર… એકબીજાને આંખોનાં અગ્નિથી સળગાવી રહેલા બેઉ બળિયા જાણે કે બાથે વળગવાની તૈયારી કરી રહ્યા હતા! નાગપાલની પત્નીને અંદેશો આવી ચૂક્યો હતો કે હવે ઇન્સ્પેક્ટર નાગપાલને તિહાર જેલમાં લઈ જશે, ત્યાં એને બહુ દુઃખ આપશે, ગુનાઓની હકીકતો કઢાવવા માટે એને ટોર્ચર કરશે! કદાચ આજીવન કેદ અથવા તો ફાંસી…!

ઇન્સ્પેક્ટર શ્યામ વિલાપ કરી રહેલાં મિસિસ નાગપાલ તરફ તેજીથી આગળ વધ્યો. એકદમ નજીક જઈને પ્રસ્તાવ મૂક્યો, “તારા નાગને એક જ શરતે છોડું… ભોંયરામાં સંતાડેલા મૂલ્યવાન ખજાના પર માત્ર અને માત્ર મારો જ હક્ક..! આજથી… અત્યારથી…!”

મિસિસ નાગપાલની આંખો છલકાઈ ઊઠી, ઝળઝળિયાં આવી ગયાં, ચહેરો રડમસ થયો..!

પતિ નાગપાલ સાથે નજર મિલાવતાં જાણે કે એને આજીજી કરી રહ્યાં, “હવે તો માની જાઓ..”

પોતાનો જમણો હાથ લંબાવી શ્યામના માથા પર મૂકતાં બોલ્યાં, “આખરે તેં તારા મનનું ધાર્યું જ કર્યું ને..? જા દિકરા, લઈ જા..!”

..ને શ્યામ પણ ગળગળો થઈ ભોંયરા તરફ દોડ્યો. ચાવીથી તાળું ખોલ્યું; દરવાજો ઊઘાડ્યો; અંદર પ્રવેશ્યો. ફાનસના અજવાળામાં દેખાઈ રહેલું દ્રશ્ય એને હચમચાવી ગયું. એનો ખડતલ બાંધો અને મજબૂત મનોબળ પણ ઢીલાં પડ્યાં. અંદર એક પડછાયો પોતાના બંને હાથના લાંબા નખ ભીંત પર ઘસી રહ્યો હતો. વિખરાયેલા અને ગૂંચ ચઢેલા ભૂખરાં વાળથી આખો ચહેરો ઢંકાયેલો હતો. ઘડીભરમાં એ પડછાયો પોતાનું માથું ભીંત સાથે અફળાવવા લાગ્યો. શ્યામ પોતાના પર કાબૂ ન રાખી શક્યો. મોટેથી પોક મૂકીને એ પડછાયા ભણી દોડ્યો.

“રાધિકા… રાધિકા, હું આવી ગયો...! તારો શ્યામ તને લઈ જવા આવી ગયો, રાધિકા..! હંમેશા હંમેશા માટે..!” શ્યામે એને બાથમાં લઈ લીધી, ને ડૂસ્કે ડૂસ્કે રડી પડ્યો! શ્યામે રાધિકાનાં ચહેરા પરથી એનાં બરછટ વાળ હટાવ્યા. એનાં મોઢામાંથી ટપકી રહેલી લાળ પોતાની બાંયથી લૂછી. એનાં શુષ્ક ગાલ, તરડાયેલા હોઠ તથા નિર્જીવ લાગતી આંખો પર પોતાનો હાથ ફેરવ્યો – એને ચૂમવા લાગ્યો! શ્યામની આંખોમાં પૂર આવ્યું હતું, જ્યારે રાધિકાની આંખો હજુયે કોરી જ હતી, ચમક વગરની - નિસ્તેજ! એને ક્યાં કશી ગતાગમ હતી!

“રાધિકા, તારા સગાં મા-બાપ-બહેને, તારા ગાંડપણને લીધે તને અહીં ગોંધી રાખી… તારા લીધે સમાજમાં તેમની બદનામી થવાના ડરથી… તને સમાજની સામે – કે કોઈની પણ સમક્ષ આવવા જ નહોતી દીધી! પરંતુ, રાધિકા.. આપણે તો બાળપણ સાથે વિતાવ્યું.. અને શ્યામ તો રાધિકાને જ ચાહે છે ને, વર્ષોથી… સદીઓથી… જન્મોથી…!” -બોલતા બોલતા શ્યામનો હાથ પોકેટ તરફ સરક્યો. રિવોલ્વરની નળીમાં ખોસાયેલું ગુલાબી ઝાંયવાળું સફેદ કમળનું ફૂલ એણે હળવેથી ખેંચી કાઢ્યું… રાધિકાને અર્પણ કર્યું… અને પ્રેમનો એકરાર નહીં, પ્રેમનું એલાન કર્યું.. “રાધિકા, યુ આર માય વન ઍન્ડ ઓન્લી વેલન્ટાઇન..!”

..ને ડાયરામાંથી ગૂંજતો ગઢવીબાપુનો જુસ્સાપ્રેરક સ્વર કૃષ્ણ-ભજનનો અંતિમ ચરણ લલકારી રહયો. ઢોલ-નગારાં-મંજીરા તથા અન્ય દરેક વાજિંત્રો પણ પૂરી તન્મયતાથી પૂરબહાર ખીલી ઊઠ્યાં હતાં…

 

 

“થાળ ભરી શગ મોતીડે શ્રીકૃષ્ણને રે વધાવ્યો,

નરસૈયાના નાથ પાસેથી.. નાગણે નાગને છોડાવ્યો..!

 

હે… જળકમળ છાંડી જા ને બાળા..!”

 

નાગપાલ તથા એની પત્ની આંખોમાં અશ્રુ સાથે રાધિકાને જતી જોઈ રહ્યાં… શ્યામની બાંહોનાં ટેકે ચાલતી રાધિકા… પ્રેમ-વિરહ-વેદનાથી અલિપ્ત રાધિકા… શ્યામની રાધિકા…!

આખરે મિસિસ નાગપાલે શ્યામને પોતાની દીકરી સોંપી, અને પતિને છોડાવ્યો!

ને શ્યામે - એક ફરજ જતી કરી, પણ એક જવાબદારી નિભાવી.. બાળપણના પ્રેમની જવાબદારી!

મીરાએ તો રાધિકાને જતી જોઈ, ને જાણે કે ધુમ્મસ છોડ્યું..

“અબજોનો માલ છોડી, ખોટો સિક્કો ઊપાડી ગયો.. ‘સાઈકો’ સાલો…!”

 

***સમાપ્ત***


Rate this content
Log in