Dharmesh Gandhi

Romance

2.5  

Dharmesh Gandhi

Romance

જન્નત

જન્નત

2 mins
14.4K


ક્યાં તો કોઈક નોકર-ચાકર વફાદાર નીકળે અથવા કૂતરા જેવું જાનવર. પરંતુ, મારી બાબતમાં ઊંધું ! મારા માટે મારો યુવાન માલિક મારા સુખ-દુઃખનો સહભાગી હતો. વર્ષોના વહાણાં વીતવા છતાંય એણે મને રેઢો નહોતો મૂક્યો; અને તેમાં મારા પ્રેમાળ માલિકની અર્ધાંગિની પણ સાથ નિભાવતી હતી.

મારી હાલત સાવ જર્જરિત. અવાવરું હું, હવે તો કશાયે કામનો નહોતો. એ ગોઝારી રાતે ભભૂકી ઊઠેલી અગનજ્વાળાઓ આજે પણ મને દઝાડે છે ! એક એવો પણ દિવસ હતો જયારે લોકો મને જોતાં જ બોલી ઊઠતાં, “અદ્‍ભુત... બંગલો હોય તો આ ‘જન્નત’...! શું ઠાઠમાઠ છે, સૌંદર્ય છે... આલીશાન..!”

જો કે મારો માલિક મને માત્ર એક ‘બંગલો’ નથી સમજતો.. એના માટે તો હું એક ‘ઘર’... જેનું સ્વપ્ન સેવી, તનતોડ મહેનત કરી હતી. ભણી-ગણી-કમાઈને મારું સર્જન કર્યું!

“તું મારું સર્વસ્વ છે!” એના શબ્દો હજુયે મને ગેલમાં લાવી દે છે. એના સંઘર્ષમાં એની પ્રેયસી પણ જોડે જ... એ જયારે પણ આવતી, મારો માલિક મહોરી ઊઠતો. મારા દરેક કમરામાં પ્રેમી પંખીડાઓનો કલરવ ગુંજતો. બગીચો મિલનથી મઘમઘી ઊઠતો. અને ખરી રંગત તો ત્યારે આવતી જયારે મારી વિશાળ છત પર મારો માલિક એની પ્રેયસીને બાહુપાશમાં લઈને...

મને અતીત સાંભરે છે…

એ દિવસે સવારથી જ લોકોની અવરજવર શરૂ થઈ ચૂકી હતી. મારો માલિક એની પ્રેયસીને વિધિસર અર્ધાંગિની બનાવવા જઈ રહ્યો હતો. લોકો મારી જાહોજલાલીનાં પણ ભરપેટ ગુણગાન ગાતાં થાકતાં નહોતા. રાત વીતતા મહેમાનો વિખેરાવા માંડ્યાં.

થોડી વાર બાદ નવપરિણીત યુગલ એકબીજામાં ખોવાઈ ચૂક્યું હતું. મેં લજ્જાથી આંખો મીચી દીધી. પણ એ જ વખતે શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું. કહેવાતા ધાર્મિકો એકબીજાને રહેંસી નાખવા ઝનૂને ચઢ્યા હતા. રોશનીથી ઝગમગતું મારું નામ- ‘જન્નત’ વાંચીને હિંસક ટોળું ખુન્નસે ચઢ્યું. તલવાર-ત્રિશૂલ પરની પકડ મજબૂત થઈ.

“ખતમ કરો, સાલાને...” મારા એક ગેટ પર લીલા રંગે ચિતરાયેલું ‘૭૮૬’નું તથા ‘ચાંદ’નું ચિત્ર જોતાં જ ટોળામાંનો એક બરાડ્યો. ગેટ તોડીને ટોળું મારી ઉપર તૂટી પડ્યું. ચોતરફ કેરોસીન-પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેવાઈ. ભડભડતી આગે મારા આખા શરીરે ભરડો લીધો. રતિક્રીડામાં ચૂર મારો માલિક તથા એની અર્ધાંગિની વાકેફ થાય એ પહેલાં મારા દરેક કમરાઓ સળગી ઊઠ્યા. મેં દમ તોડવા માંડ્યો હતો. મારા સળગતા શરીર નીચે નવપરિણીત યુગલ બેહોશ થઈને ભૂંજાઈ રહ્યું હતું!

પોતાનો જીવ બચાવવા બધાં અમને ત્રણેયને સળગતા મૂકીને ભાગી રહ્યાં હતાં. મારી વિવશ નજરની સામે જ પ્રેમીયુગલ બળીને ભડથું થઈ ચૂક્યું હતું, ને હું જર્જરિત-કાટમાળ...

કાશ, એ તોફાની ટોળાએ મારા બીજા ગેટ પર પણ એક નજર મારી લીધી હોત, તો ત્યાંના ‘ૐ’ તથા ‘સ્વસ્તિક’ના ચિન્હોએ તેમજ આંગણામાં રહેલા તુલસીક્યારાએ એમને આ અધમ કૃત્ય કરતા રોક્યા હોત... અને ‘સર્વધર્મ-સમભાવ’માં માનનારો મારો માલિક પોતાના જ ધર્મના માણસોના હાથે હોમાઈ ચૂક્યા ન હોત !

વર્ષોના વહાણા વાઈ ગયા... અવાવરૂ હોવા છતાંયે મારો માલિક અને એની અર્ધાંગિની મને રેઢો મૂકીને ગયા નથી. પહેલાંની જેમ જ તેઓ મારા દરેક કમરામાં કિલ્લોલ કરે છે ! શયનખંડમાં આજે પણ એમને એકબીજાના બાહુપાશમાં ખોવાયેલા હું લાચાર નજરે જોઈ રહું છું !

શાયદ એમનાં માટે આ જ ‘જન્નત’ છે !


Rate this content
Log in

Similar gujarati story from Romance