વાત થશે ? - Part 2
વાત થશે ? - Part 2
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પતિ-પત્નીના જીવનમાં નાના-નાના મતભેદની એક-એક ઈંટ મૂકાતી મૂકાતી બંને વચ્ચે આખી દીવાલ ઉભી થઈ જાય છે. એવી દીવાલ જુગલ અને મહેકના સંબંધમાં પણ ચણાઈ રહી હતી.
ડૉ. રુસ્તમે બેઉની સાથે લગભગ ચાર-પાંચ કાઉન્સેલિંગની મીટીંગ કરી હતી. અને દરેક મીટીંગમાં મહેક અને જુગલને ઘણાં પ્રશ્નો કર્યાં હતા પણ એકેયનો સરખો જવાબ નહોતો મળ્યો. બેઉ એકાદ શબ્દ બોલે ને પાછાં ચૂપ થઈ જાય. અબોલા વધતા જતા હતા.
પણ છેલ્લી મીટીંગમાં ટાસ્કના નિમિત્તે જે વાતો છેડાઈ, એમાં સામસામે અબોલાનો બંધ તૂટ્યો! ભલે દલીલના રૂપમાં પણ વાતો તો શરુ થઈ. બેઉની વાતો સાંભળીને ડૉ. રુસ્તમને લગ્ન સંધાવાની કંઇક આશા જાગી હતી. એટલે એમણે આજની મીટીંગની શરૂઆત પણ ફરી એવા જ એક સવાલથી કરી.
ઘરના એક વડીલની જેમ પ્રેમથી ડૉ. રુસ્તમે પૂછ્યું, “જુગલ, મહેક, ઘરમાં ટમે એકબીજા સાઠે વાતો કરો કે ની?”
બંનેએ માથું હલાવીને ‘ના’ ભણી. કોઈ એક શબ્દ ના બોલ્યું.
“ટો કોઈને ઇન્વાઇટ કરો ની ઘરે! જેમ કે, ટમારા બેઉમાંઠી એકના મમ્મી-પપ્પા?” ડૉ. રુસ્તમે પ્રસ્તાવ મૂક્યો. પણ એમને ક્યાં ખબર હતી કે આ પ્રસ્તાવ આગમાં ઘી હોમશે!
“ઇન લોઝ? જરાય નહી!” મહેકે તરત રિએક્શન આપ્યું. જુગલે ગુસ્સાથી મહેકની સામે જોયું અને બોલ્યો, “અને તારા પેરન્ટ્સ આવે એ ચાલે એમ?”
“આવ્યા’તા. પણ મમ્મી-પપ્પા સાથે વાતો કરવાનો તારી પાસે ટાઈમ જ ક્યાં હતો? રુસ્તમ સર, મારા મમ્મી-પપ્પા આવ્યા ત્યારે આણે એક રજા નહોતી મૂકી ઓફિસમાં!” મહેકે ફરિયાદ કરી.
“અને મારા મમ્મી આવીને મારું ભાવતું કંઇક બનાવવા કિચનમાં જાય તો આ મેડમ કિચનની બહાર નીકળી જાય. પપ્પા સામે તો સીધા મોઢે વાત નથી કરતી! તમે જ કહો આવું ચાલતું હશે રુસ્તમ સર? એટ લીસ્ટ હું એના પેરન્ટ્સનું ઈન્સલ્ટ તો નથી કરતો!” જુગલે પણ ફરિયાદ કરી.
“પપ્પાજી ઈઝ ટુ મચ! ઘરમાં જે વસ્તુ જુએ એના પર કમેન્ટ કરે, ‘કેટલાની આવી? આટલું મોંઘુ? અમારા જમાનામાં તો...’” મહેક આગળ બોલે એ પહેલા જ એની વાત કાપતા જુગલ બોલ્યો, “અને એના પેરન્ટ્સ શો ઓફ કરવા મોટી મોટી ગિફ્ટ લઈને આવે. ઘરના માળિયા હજુ ભરેલા જ છે એનાથી! સર, આ લોકોનો હાથ છૂટો છે ને મારા ફેમિલિમાં પહેલેથી કરકસરવાળી લાઈફ...”
“મારા ફેમિલિ’માં...!! જોયું રુસ્તમ સર?” મહેકે જુગલનો શબ્દ પકડીને ટોણો માર્યો.
ડૉ. રુસ્તમને લાગ્યું કે વાત અહીં અટકાવવી પડશે નહીં તો વણસી જશે. કારણ કે, જ્યાં વાતે વાતે ગૂંચવાડો ઊભો થાય, શબ્દે શબ્દે નરી ગૂંચ પડે એવી જગ્યાએ એક ક્ષણવાર કોઈથી સહન ના થાય. દરેક વ્યક્તિ પાસે પોતાનો વ્યુ પોઈન્ટ હોય છે, અને દરેક પોતાના વ્યુ પોઈન્ટથી જે વાત દેખાય તેને સાચી ઠરાવવા પોતાની વાતનો આગ્રહ રાખે છે. આ વ્યુ પોઈન્ટની ખેંચમાં ને ખેંચમાં કેટલાંય સંબંધો તૂટી જાય છે!
એટલે ડૉ. રુસ્તમે વાતને વળાંક આપતા નવો પ્રશ્ન પૂછ્યો, “એની વે. સાસુ સસરા રહેવા ડો ની! પન ટો કોઈ ફ્રેન્ડસ કે આડોશ પાડોશના બચ્ચાંઓને બોલાવાય કે ની?”
<p>“રુસ્તમ સર, આ સિટીમાં અમારે કોઈ ફ્રેન્ડસ નથી. તમે કહ્યું’તું એટલે નેબરના કિડ્સને બોલાવ્યા’તા!” મહેકે વાત આગળ વધારી.
“ટો પછી?” ડૉ. રુસ્તમ પછી શું બન્યું એ જાણવા કાન ધરીને બેઠા. મહેકે આખા પ્રસંગનું વિગતવાર વર્ણન કર્યું જે ડૉ રુસ્તમની આંખો સામે તાદ્રશ થઈ ગયું.
-
રવિવારનો દિવસ હતો. જુગલ અને મહેક ડ્રોઈંગ હોલમાં બેઠા હતા. આડોશ પાડોશના બે-ત્રણ બાળકોને નવી બોર્ડ ગેમ રમવાના બહાને ઘરમાં બોલાવ્યા હતા. બધા સાથે રમતા હતા એમાં એક નાનો છોકરો જુગલ પાસે આવીને બોલ્યો, “અંકલ અંકલ, આ મારી સાથે ચીટીંગ કરે છે!”
જુગલે હસીને કહ્યું, “લે તો એમાં રડે છે કેમ? બી એ બોય! એ ચીટીંગ કરે તો તું ડબલ ચીટીંગ કર! જો શીખવાડું કેવી રીતે!”
મહેકે તરત વચ્ચે કૂદીને જુગલને અટકાવતા કહ્યું, “સ્ટોપ ઈટ જુગલ! સોનું બેટા, નો ચીટીંગ! આવું કરીએ એ સારું ના કહેવાય. ભલે અંકલ કહેતા.” અને છોકરાને અટાવી-પટાવીને ગેમ રમવા બેસાડી દીધો.
જુગલ ટોન્ટમાં બોલ્યો, “ઓહ, તમારી આંટી તો મિસીઝ સત્યવાદી હરિશ્ચંદ્ર છે!” મહેક પણ ચૂપ બેસે એમ નહોતી, એણે કહ્યું, “અને તમને ખોટા સંસ્કાર આપે છે તમારા અંકલ, મિસ્ટર ટીટ ફોર ટેટ!”
જુગલે અકળાઈને મહેકને કહ્યું, “સંસ્કારની ક્યાં વાત આવી? આ ખાલી ગેમ જ તો છે! એમાં શું ખોટું છે?”
પણ મહેક સિરિયસ હતી. “ગેમમાંથી જ આ લોકો લાઈફના લેસન્સ શીખે છે. મારા માટે લાઈફ એ કોઈ રમત નથી!”
જોતજોતામાં નાનકડી વાતનું વતેસર થઈ ગયું. બેઉમાંથી એકેય જતું કરવા તૈયાર નહોતા અને ઘરમાં જ શબ્દોની જંગ શરુ થઈ! બોર્ડ ગેમ રમવા આવેલાં બાળકો ટેનીસની ગેમ જુએ તેમ ઊભા ઊભા બેઉની સામે જોતા રહ્યા.
-
મહેકની વાત પૂરી થઈ અને ડૉ. રુસ્તમ ખડખડાટ હસી પડ્યા! વાતનો મોકો ઉઠાવીને એમણે પૂછી જ નાખ્યું, “બિચારા કિડ્સ! ટો એમ કહો ની, કે ટમારા પોટાના કિડ્સનો કોઈ પ્લાન...?”
એક સાથે જુગલ અને મહેક ખુરશીમાં ટટ્ટાર થઈને જોરથી બોલ્યા, “નો કિડ્સ!”
ડૉ રુસ્તમ ફરીથી મૂંછમાં મલકાઈને બોલ્યા, “ચલો ગુડ! આ બીજી વાટમાં ય ટમારા બેઉના વ્યુઝ ટો મલે છે!” જુગલ અને મહેક ફરીથી એકબીજાની સામે સીરીયસલી જોઈ રહ્યા!
બહાર તો વાતને રમૂજમાં ટાળી દીધી પણ ડૉ. રુસ્તમ બંનેના જવાબથી વિચારોમાં પડી ગયા. કારણ કે, મોટાભાગના કપલ્સ એમ માને છે કે બાળક થશે એટલે લગ્નમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ મળી જશે. એટલે બાળક થાય એના માટે લોકો આકાશ-પાતાળ એક કરી દે છે. એનાથી થોડા વર્ષો પતિ-પત્ની એક તો થાય છે, પણ પાછા મતભેદો તો ઊભા ને ઊભા જ રહે છે.
પછી બાળકો મોટા થાય ત્યારે એ પાછા ઝગડાના સ્વરૂપમાં બહાર આવે છે. જુગલ અને મહેકની વિચારધારા કંઇક અલગ લાગતી હતી. બેઉને લગ્ન તો બચાવવા હતા, એટલે જ તો ડૉ. રુસ્તમ પાસે આવતા હતા. પણ એના માટે બાળકો કરવાની જરાય ઈચ્છા નહોતી.
મીટીંગ બેલ વાગવાને હજુ અડધો કલાક બાકી હતો. ડૉ. રુસ્તમ હવે વાતને નવો જ વળાંક આપવાના હતા.