STORYMIRROR

Dada Bhagwan

Classics Inspirational Others

4  

Dada Bhagwan

Classics Inspirational Others

એન્ટિક ફાનસ

એન્ટિક ફાનસ

6 mins
23

ચિરાગ એક યુથ, નવો નવો માસ્ટર્સ કરીને ગ્રેજ્યુએટ થયેલો. કેમ્પ્સ ઈન્ટરવ્યૂમાં એને એક સારી જોબ પણ મળી ગઈ. ચિરાગ અને એના મમ્મી પૂજાબેન, એક નાના શહેરમાં, નાનકડા ઘરમાં ભાડે રહેતા.

પૂજાબેન એક સિંગલ મધર, પણ ચિરાગ માટે બેસ્ટ ફ્રેન્ડ્ વધારે. પૂજાબેનની ઈતિહાસના ટીચરની જોબ હતી. સાંજે ઘેર આસપાસના જરૂરિયાતવાળા છોકરાંઓને ફ્રીમાં ટ્યુશન પણ આપે. અરે… ના, ના, સિંગલ મધર એટલે વિધવા, બિચારી, બાપડી, દુઃખિયારી એવી ટિપિકલ ઈમેજ ઊભી ના કરતા. પૂજાબેન ખરેખર ખૂબ જ પ્રેમાળ, ખુશમિજાજી અને સંતોષી હતા. ટૂંકમાં, આજની જનરેશનની ભાષામાં, એક “કુલ મધર” કહી શકાય. એમને ઉત્સાહથી દોડીદોડીને લોકોના કામ કરતી જોઈને, દયા તો દૂર, નવાઈ લાગે કે એકલે હાથે દીકરો, નોકરી અને ઘરકામ સાંભળવાની સાથે સાથે સમાજસેવા, આ બધું કરવાની એનર્જી કઈ રીતે આવતી હશે!! જ્યાં ચાન્સ મળે ત્યાં લોકોને એમનાથી બનતી મદદ કરે, પછી ભલેને એ નાના-

મોટા ઘરના કે બહારના કામકાજમાં હોય, કે ફક્ત હુંફાળા શબ્દ હોય.

મિડલ ક્લાસ હોવા છતાં, નાનપણથી ચિરાગે જોયું છે કે મમ્મી ભીંસમાં પણ ઘણીવાર લોકો માટે ટાઈમ કે પૈસા ખર્ચતા. બહાર ફરવા જવાના નામ પર મમ્મી ક્યાંક વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમ જેવી જગ્યાએ લઈ જાય અને ઘેર બનાવેલી નાસ્તાની ઉજાણી કરાવે. ચિરાગને ઘણીવાર ભીંસ વર્તાતી. આસપાસમાં કે ફ્રેન્ડ્ઝ સાથે મનોમન સરખામણી થઈ જતી, તો કોઈ વાર એને ઓછું આવતું. અંદરોઅંદર ફ્રસ્ટ્રેશન પણ આવતું. મમ્મી આગળ એ ફ્રસ્ટ્રેશન કાઢવામાં એને કોઈ સંકોચ નહોતો નડતો.

“નોટ ફેર મમ્મી , આપણી લાઈફમાં જ કેમ આટલી બધી સ્ટ્રગલ…? દરેક વાતે જે હોય એમાં ચલાવી લેવાનું…? મારી માંગણીઓ પર, નાનપણથી ચાલશે, ભાવશે, ફાવશેના ફંડા શિખવાડે અને બીજાને માટે, આપણું માંડ માંડ થોડું ભેગું થયેલું સેવિંગ્સ લૂંટાવી દે… એવું ચાલે મમ્મી? લાઈફ તો અનફેર છે જ પણ, મમ્મી તમે પણ…? હવે તો હું મોટો થયો, કમાતો થયો, તો પણ આપણે તો ત્યાં ના ત્યાં… તમે, ઈન્કમ વધતા તમારી સોશિયલ સર્વિસ વધારી દીધી. આ તો ‘ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો’ જવી વાત થઈ ને!” ચિરાગે એક શ્વાસમાં પ્રશ્નોની ઝડી વરસાવી.

પૂજાબેને પૂરા ધ્યાનથી સાંભળીને ઠંડક સાથે જવાબ આપ્યો, “ઓહો! મારા એન્ગ્રી યન્ગ મેન… આપણને ક્યાં તકલીફ પડે છે? લાઈફ ઈઝ ગુડ… ઊલટું હવે તો તું ભણીગણીને મસ્ત જોબ કરતો તૈયાર થઈ ગયો, હવે તો આપણે ઓર જલસા…”

“ક’મોન, મમ્મી! તમે હવે જોબ કરવાની બંધ કરો, ટ્યુશન્સ બંધ કરો, ટેક અ બ્રેક… સમજણો થયો ત્યારથી તમને થાક્યા વગર કામ કરતા જ જોયા છે. હવે હું તમારી અને મારી નીડ્સ એન્ડ વોન્ટસ (જરૂરિયાતો અને ઈચ્છાઓ) બંને ફૂલફીલ કરી શકું એટલું તો કમાઉં છું. તમે જો આ બીજા પાછળ ખર્ચવાના બંધ કરો, તો વહેલા-મોડા એક નાનું એપાર્ટમેન્ટ પણ ખરીદી શકીશું. તમને કોઈ દિવસ પોતાના માટે કોઈ ઈચ્છા નથી થતી?”

“ચિરાગ બેટા, હું બીજા માટે નહીં મારા માટે જ ખર્ચુ છું. તને સમજાશે, જ્યારે તું ખર્ચીશ.” હસીને ચિરાગને માથે ટપલી મારીને પૂજાબેન પાછા બિઝી થઈ ગયા.

ચિરાગને માટે પઝલ એ વાતની હતી કે મમ્મીની આંખોમાં ક્યારેય દુઃખ કે ઊણપ તો જરાય નહોતી દેખાતી. ઊલટું, એક ગજબની ચમક રહેતી. એનું એને નાનપણથી કાયમ જબરજસ્ત કૂતુહલ રહેતું. એને એ જોવું હતું, અનુભવવું હતું જે મમ્મી જોતા, અનુભવતા હતા.

સોસાયટીમાં ઘણીવાર ઈલેક્ટ્રીસીટી જતી રહેતી. એક ચોમાસાની સાંજે, સતત વરસાદ વરસતો હતો. પંચાલદાદાના ઘરની લાઈટ ઝબકતી હતી. પંચાલદાદા એટલે એમના મકાનમલિક. પહેલા બીજા શહેરમાં રહેતા હતા. હમણાં હમણાં, એમના દીકરા-વહુના વિદેશ ગયા પછી, અહીં રહેવા આવી ગયા. બાજુમાં જ એમનું બાપ-દાદાનું મકાન હતું એમાં

રહેતા હતા. ગયા મહિને, મમ્મી સાથે ચિરાગ ભાડાનો ચેક આપવા ગયો હતો, ત્યારે જ એમને મળ્યો હતો. પંચાલદાદાને આંખે નહીં જેવું દેખાતું. કાને ઊંચું સાંભળતા. કામવાળાબેન પૈસાની ગરજે કામ કરે, બાકી મરજીથી તો કોઈ એમની નજીક ના ફરકે. કારણ કે, પંચાલદાદા એમના ચીડિયા સ્વભાવ માટે જાણીતા હતા અને એકલા રહેવાનું પસંદ કરતા.

ચિરાગને થયું કે મમ્મી બિઝી છે, નહીં તો એ જ દોડત કે બિચારા ઘરડા દાદાને મદદની જરૂર હશે. પણ પોતે મદદ કરવા ગયો અને વઢ ખાઈને પાછો આવ્યો. પૂજાબેને જોયું અને એનું મોં જોઈને સમજી ગયા કે શું થયું હશે. “ધેટ્સ માય બોય!” શાબાશીના ટોનમાં એમણે કીધું. ત્યાં લાઈટ આવી અને ત્યારે જ દાદાને ઘેર મોટો ધડાકો થયો. ચિરાગ પાછો દોડી ગયો. દાદાની ગાળો ખાતા ખાતા પણ સર્કીટમાં ફોલ્ટ શોધી કાઢ્યો, અને ફ્યુઝ સરખો કર્યો. અજવાળું થતા દેખાયું કે દાદા તો નીચે પડી ગયા હતા. એ ડોક્ટરને બોલાવી લાવ્યો. પૂજાબેન અને ચિરાગે એમની સારવાર કરી. બીજા દિવસથી નર્સ આવતી. ચિરાગ રોજ સાંજે જોબ પછી મળવા જતો. આ દરમિયાન પંચાલદાદા ચિરાગને નિયમિત મળવાથી થોડા પીગળ્યા હતા. કોઈવાર એમની પરિવારની જૂની વાતો કરતા. એ વાતો પરથી ચિરાગને લાગ્યું કે દાદા કાયમ આવા ચીડિયા સ્વભાવના તો નહોતા.

એકવાર, પંચાલદાદાએ એક ખાસ વાત શેર કરી. એમની પાસે એક એન્ટિક, વંશપરંપરાગત વસ્તુ હતી, એક નાનકડું પિત્તળનું ફાનસ, જે એમના વડવાઓના કહેવા પ્રમાણે, શુકનવતું હતું. સામાન્ય ફાનસની જેમ એ અજવાળું તો આપતું, પણ અસામાન્ય વાત એ હતી કે શાંતિ અને સમૃદ્ધિ માટે એને સાચવવાનું એમના પરદાદા કહી ગયા હતા. અહીં રહેવા આવ્યા, ત્યારે સામાનમાંથી એ ચોરાઈ ગયું. આ વાત ચિરાગે સાંભળી. દાદાને એ લોકો માટે અવિશ્વાસ અને કડવાશ ત્યારથી આવ્યા હશે, એવું ચિરાગે તારણ કાઢ્યું.

ચિરાગે પૂજાબેનને કહ્યું અને એમના માટે કંઈક કરવાનું નક્કી કર્યું. બંનેએ દાદાના ચોરાયેલા ફાનસને શોધવાનું બીડું ઝડપ્યું. લોકલ એન્ટિક ડીલરો પાસે અને ચોરબજારોમાં શોધ્યું. બહુ

પ્રયત્નો પછી એક જૂની કબાડીની દુકાનેથી જડ્યું. દાદાના કરેલા વર્ણન પ્રમાણે, આ એ જ લાગતું હતું. તે ફાનસ થોડા વખત પહેલા એક ચોરે એ કબાડીને વેચ્યું હતું, એવું એ કબાડીએ કીધું. એ મહિનાના બચતના બધા પૈસા આપીને ચિરાગ હોંશે હોંશે એ ફાનસ લઈ આવ્યો.

એણે પૂજાબેન સાથે મળીને પોલિશ કરીને એને ચમકાવ્યું અને દાદાને સરપ્રાઈઝ આપી. ફાનસ હાથમાં લેતા જ, દાદાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે ચિરાગની સામે જોયું અને “થેંક યૂ” પણ બોલી ના શક્યા! દાદાના આંસુ જોઈને પહેલીવાર ચિરાગની આંખમાં પેલી ચમક આવી.

તે રાત્રે, પંચાલદાદાએ પ્રાર્થના કરીને દેવસ્થાને ફાનસ સળગાવ્યો. ઓરડામાં અજવાળાની સાથે ચહેરા પર એમની સ્માઈલ પણ પથરાઈ. પહેલી વખત એ હસતા દેખાયા.

અઠવાડિયા પછી, પંચાલદાદા ઊંઘમાં શાંતિથી મૃત્યુ પામ્યા. તેમના વસિયતનામામાં, એમણે, જેમાં પૂજાબેન અને ચિરાગ ભાડે રહેતા હતા, એ ઘર પૂજાબેનને નામે અને એન્ટિક ફાનસ

ચિરાગને નામે કર્યા હતા. વકીલ એમને ઘરના કાગળિયાં અને ફાનસ આપી ગયા.

ચિરાગ આ જાણીને સ્તબ્ધ થઈ ગયો અને એની આંખોના આંસુ સરી પડ્યાં. પૂજાબેન પણ સ્તબ્ધ હતા, પણ ચિરાગને જોઈને સ્વસ્થ થયા. એને બાથમાં લઈને માથે હાથ ફેરવીને શાંત

પાડવાની કોશિશ કરી રહ્યા હતા. પૂજાબેનના મનમાં વિચારો ફરી વળ્યાં, “આ પહેલી જ વાર બન્યું છે, કે કોઈ અજાણી વ્યક્તિ સાથે ચિરાગ આટલા ઓછા ટાઈમમાં, આટલો અટેચ થઈ ગયો છે. પંચાલદાદાને ઘેર જવું, એમની સેવા કરવી, એ ચિરાગનું રોજનું થઈ ગયું હતું, અને એને ખબર પણ નહોતી પડી, કે એ સેવા કરવામાં, એને પોતાનો અંદરનો જે આનંદ મળતો હતો, જે શાંતિ મળતી હતી, એની એને આદત પડી રહી હતી. એની ફરિયાદો તો બંધ જ થઈ ગઈ હતી. ચિરાગ અંદરથી ખૂબ જ ખુશ રહેતો હતો. એની આંખોમાં એક સંતોષ દેખાતો હતો.”

પણ ચિરાગને ક્યાં ખબર હતી, કે એની આ ખુશીમાં પૂજાબેન પણ એટલા જ ભાગીદાર બન્યા હતા. ચિરાગ પંચાલદાદાને મદદ કરવામાં, જ્યારે ફાનસની શોધમાં, હતાશ થવાનો જ હતો, ત્યારે એને ખબર ના પડે એ રીતે પૂજાબેને કંઈક કર્યું હતું. પૂજાબેને ચોરબજારમાંથી એક એન્ટિક ફાનસ ખરીદીને, ચિરાગના કરેલા વર્ણન પ્રમાણે ફેરફાર કરીને તૈયાર કરાવ્યો હતો. અને પૂજાબેને જ પેલા કબાડીને, ચિરાગને એ વેચવાનું કહ્યું હતું. પોતાના ઈતિહાસના ટીચર હોવાનો ફાયદો અને દાદાની નબળી નજરનો એક ચાન્સ લીધો હતો. પણ એના પરિણામે, ચિરાગે, કોઈ પણ બદલાની આશા વગર, નિ:સ્વાર્થ સેવા કરવાથી મળતા અંદરના સુખનો સ્વાદ ચાખી લીધો હતો.

હવે એ પંચાલદાદાના મળેલા અંતરના આશીર્વાદ ક્યારેય નહીં ભૂલે. એની સૌથી મોટી કમાણી હતી, દાદાની એ છેલ્લી સ્માઈલ, જે પેલા ખોટા એન્ટિક ફાનસના અજવાળા કરતા પણ વધારે બ્રાઈટ હતી, સાચી હતી!


Rate this content
Log in

Similar gujarati story from Classics