Jitendra Padh

Classics Others Inspirational

5.0  

Jitendra Padh

Classics Others Inspirational

સદા ઝળહળતું રાખો

સદા ઝળહળતું રાખો

10 mins
22.2K


 

સંસ્કૃતિ, કલા, સમાજ, પર્વ અને આનંદ ને અભિવ્યક્ત કરનાર કોડીયું છે. માનવ જાતિ સાથે તેનો સંબંધ ગાઢ છે. દીપ, દીવો, દીવડો, દીવી। કોડીયું, દીપક શમઈ, શમ્મા, ફાનસ,ચિરાગ, પ્રદીપ, બત્તી, લૅમ્પ ભાષા, પ્રાંત, સ્થળ, દેશ મુજબ અલગ અલગ શબ્દ એક જ અર્થ ધરાવનારા દીવડાનું અસ્તિત્વ સર્વત્ર છે અતિ પ્રાચીન વેદો પુરાણો, ધર્મગ્રંથો ઇતિહાસો, શાસ્ત્રો તેમજ વિદેશોમાં  અનેક ખંડોમાં સંશોધન ગ્રંથોમાં તેના વપરાશ અંગે - પ્રચુર માહિતીઓ હાથ લાગી છે.. જે સિદ્ધ કરે છે કે પ્રકાશ માટે વપરાયેલા દીપક જેવા સાધનની ખુબીઓ, કલાત્મકતા અને વૈભવ હતો.

ગુફા, માનવ, માનવ વસાહતો, ઝુંપડીથી રાજમહેલ, ધર્મસંસ્થાનો સુધીનો પ્રવાસ કરેલી દીપ યાત્રા અદ્ભૂત છે. માનવ જન્મથી મૃત્યુ અને ત્યારબાદ કર્મકાંડોમાં દીપને સ્થાન અપાયું છે. આજે વીજળી આવવા છતાં તેની પ્રતિષ્ઠાને આંચ આવી નથી ધાર્મિક, સામાજિક, પવિત્ર મંગલ અવસરો ભક્તિ, આરાધના, આનંદ ખુશીના રાજકીય, સામાજિક સામુહિક કાર્યકમો। તહેવારો પર્વ ઉત્સવો, વિજયાનંદ, અવસરો બધે જ દીપનું સ્થાન સન્માન સાથે ઝળહળતી રોશની તરીકે અપાયું છે. દીપ એકલો ટમટમતો હોય કે શોભામાં અભિવૃદ્ધિ કરનારી હારમાળામાં હોય તેનો પ્રકાશ સૌને ગમે છે. દિપકને કોઈ ભેદભાવ કે વાડા બંધીની સીમા નથી તે તો સ્વયં મુકત પ્રકાશ છે.

દીપ -કોડીયું પોતાના અસ્તિત્વ સાથે સાથે ગર્ભિત અર્થ ધરાવે છે અને તે જીવન માટે પ્રેરક સંદેશ આપે છે. કોડીયાનો પ્રકાશ અગ્નિ દેવનો અંશ છે, જ્ઞાન, વિશ્વાસ,આસ્થા, શ્રદ્ધાનું પ્રતિક  કોડીયું છે. સ્નેહ સદાચાર, શુભેચ્છા, શુભકામના સાથે સમર્પણ ઉલ્લાસ અને પવિત્રતાનું ચૈતન્ય સ્વરૂપ છે. તો સાહસનું સંકેત ચિહ્ન છે. બ્રહ્માંડ-સૃષ્ટિની ઉત્પત્તિ માનવ સ્ત્રીનું અવતરણ અને અંધારને દૂર કરવા અગ્નિ પ્રકાશની હયાતિની ખોજ આદિમાનવે કરી. ગુફામાં વસવાટ કરવાની શરૂઆત કરી ત્યારે મશાલ ની જયોતિ પછી દીવાની શોધઅઅને ઉપયોગીતા  તેના માટે જરૂરી સાધન તરીકે થઈ હોવાનો સંશોધનકારોનો ઇતિહાસ છે આપણા શાસ્ત્રો પુરાણોમાં વેદ મંત્રોમાં પ્રાર્થનારૂપે -તેજ અગ્નિ પ્રકાશનો ઉલ્લેખ છે. યજ્ઞ કુંડમાં પણ દીપને સ્થાન છે. ભારતીય સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ છે તેથી અગ્નિ સૂર્યને દેવ તરીકે પૂજે છે. આપણા શાસ્ત્ર ગ્રંથો ઉપનિષદો અતિ પ્રાચીન ગણાય છે પાંચહજારથી વધુ વર્ષ પહેલા

પૃથ્વી ઉપર દીપ અસ્તત્વ હતું જેના પુરાવા  આ યુગમાં લોથલ (કચ્છ ) અને મોહન્જોદરોના ખોદકામ દરમ્યાન હાથ લાગ્યા છે. હજારો વર્ષ પહેલાના મોહન્જોદરો સંસ્કૃતિ અવશેષમાં માટીની એક મૂર્તિમાં તે સમયે દીપક અને દીપાવલી માનતી હોવાના સંકેત માતૃદેવીની બે બાજુ સળગતા દીવડા દેખાય છે. કાષ્ઠ દીપ તો અનાદિ કાલથી વપરાતો હતો પુરાત્વ ખાતાના થયેલાં સંશોધનો મુજબ ગુફા યુગમાં અને પ્રાચીન મૃતઃપ્રાય નગરીના અવશેષોમાંથી દીવડો કોડીયું હોવાના સંકેતો દર્શાવે છે. ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ

ત્યાંની સંસ્કૃતિઓમાં વિવિધ સ્થળે આવા પુરાવાઓ મળેલ છે. અમેરિકન ગુજરાતી લેખિકા પૂર્વી મલકાને પોતાના એક અભ્યાસુ લેખમાં દીવડાં અંગે વિદેશી પ્રાચ્ય સંસ્કૃતિ શોધખોળ, ખાતાના અભ્યાસમાં મેળવેલી વિગતોમાં ઓગણીસસો ચાલીસમાં ફ્રાન્સના દોરટોનિક્સમાં આવેલી લાસકેઉં ગુફામાંથી પ્રાગૈતિહાસિક દીવડો મળ્યો હતો જે બારહજારથી પંદરહજાર વર્ષ

જૂનો મનાય છે. ગોળ ફરતા વીલ -ચાકડાના પૈડાંથી તૈયાર થતા દીવડા ઈ.સ. પૂર્વે છસ્સોમાં તૈયાર થયાનો ઇતિહાસ સંશોધનકાર હેરોડોટ્સનું માનવું છે ગ્રીસમાંથી કૅલીમાંચોસ નામનો દીવો જેમાં વર્ષમાં એક વખત તેલ પૂરવામાં આવતું ,આવો બીજો દીવો જે હાલમાં ઍથેન્સ એક્રોપોલિસ મ્યુઝિયમમાં રખાયો છે. ગ્રીસ ,ઇજિપ્ત વગેરે સંસ્કૃતિના અવશેષો માંથી દિવા મળ્યા હોવાના પ્રમાણભૂત પુરાવાઓ આર્કિયોલોજીસ્ટ પુરાતત્વ ખાતાના ગ્રંથોમાં નોંધાયા છે. અમેરિકામાં મારા નિવાસ દરમ્યાન મેં વોશિંગ્ટન ડી સી સિયેટલના મ્યુઝિયમોમાં પ્રાચીન કલાકારીવાળા પીતળ અન્ય ધાતુના ભારતીય દીવડાઓ જોયા છે. ઋગ્વેદ અગ્નિ પુરાણ,પ્રદ્મ પુરાણ સ્કંધ પુરાણ, રામાયણ મહાભારત વગેરેમાં દીપની નોંધ મળે છે. સૃષ્ટિ નિર્માણમાં પાંચતત્ત્વોમાં અગ્નિ, આકાશ, જળ, વાયુ. માટીનો સમાવેશ છે. ઇન્દ્ર પછી અગ્નિની પ્રશંસા ઋગ્વેદમાં થઈ છે. પૃથ્વી ઉપર અગ્નિ,અંતરિક્ષમાં વિદ્યુત આકાશમાં સૂર્ય મહત્વ ધરાવે છે તેજ નો મહિમા ગવાયો છે. વૈદિક ઋચાઓન પ્રાર્થનાઓમાં તેજ મેળવી ગતિમાન થવાની પ્રાર્થના લખાઈ છે. તમસો મજયોતિર્ગમય -અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાવો ,(ઋગ્વેદ );ઉપનિષદમાં "સૂર્યાન્સ સંભવો દીપઃ "સૂર્યના અંશમાંથી દીપની ઉત્પત્તિ થઇ છે અને જ્યોતિની એક બીજા તરફની યાત્રા ને જીવન કહ્યું છે. બીજા એક શ્લોકમાં શુભ દેનારી કલ્યાણકારી, આરોગ્ય સાચવી લાભ દેનારી, આત્મતત્વ ને પ્રકાશમાન કરવાવાળી દીપ જ્યોતિને  નમસ્કાર હો એવી પ્રાર્થના છે અને સંધ્યા સમયે જેના થકી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે જગતના દુઃખો નાશ કરે છે તેવાં જયોતિર્મય પર બ્રહ્મ પરમેશ્વર જનાર્દનને વંદન કરવાની સ્તુતિ છે. માનવીને- તેજ અગ્નિ, દીપ, દીપજ્યોતિના સંકેતો પણ ઉજાસ તરફ પ્રયાણ કરવાનાં સંકેતો આપે છે. ગૌત્તમ બૌદ્ધ -અપ્પ દીપો ભવ -તું તારો સ્વયં પ્રકાશ થા એમ કહી માનવ ને તેજસ્વી બનવાનું કહે છે. ભારતીય સંસ્કૃતિ દીપને તેજ સ્વરૂપ ગણી વંદનાકરવાની શીખ આપે છે. શ્રી યોગેશ્વર તો કહે છે -"હે જ્યોતિર્મય ! જડતા હરીને જગતમાં નવું જીવન ભરી દો. પ્રસાદ પર જ નહિ, પ્રત્યેક પ્રાણમાં ને પ્રકૃતિમાં પૃથ્વી ઉપર પ્રકાશનેપ્રજ્વલિત કરનાર। મને પ્રાણવાન પ્રદીપ કરી દો "ઋગ્વેદની પ્રાર્થના યાદ આવે છે -" હે ઈશ્વર અમે અંધારી ગુફામાં પડ્યા છીએ અને અનેક રાક્ષસો અમને સતાવી રહ્યા છે ,,આ અંધકારનો નાશ કરી અમને પ્રકાશનું દાન આપો જેથી આ શત્રુઓમાંથી છુટકારો થાય. અહીં ઋષિઓ દેવોને પ્રાર્થના કરે છે. બધીજ પ્રાર્થનાઓ દીપ જ્યોતિ પ્રગટાવી અંધારમાંથીઉજાશ તરફ લક્ષ્ય ક્રેન્દ્રિત કરી અંતરદીપના આધારે મૃત્યુને અમરત્વ પ્રતિ જવાનું કહે છે. માનવીના કામ, ક્રોધ, મોહ, સ્વાર્થ, અહંકાર, તૃષ્ણા, લાલચ વગેરે દુર્ગુણો રૂપી રાક્ષસો તેને જીવનમાં ઝંપવા નથી અને તેથી ઈશ્વર  પાસે પ્રકાશરૂપી ચેતનાની જરુરત પડે છે કારણ કે ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે -"આ વિશ્વમાં જે કોઈ તેજ છે તે પરમાત્માનું છે."(ગીતા -અધ્યાય -પંદર )આ રીતે દીપ માનવ માટે અતિ મહત્વના સંદેશાઓ જાતે બાળીને પ્રદાન કરે છે

માટીનું કોડીયું પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિનું એકવીસમી સદીમાં થતું દર્શન છે. આ માટીનું કોડીયું તેની નિર્મિતિ તેમાં રખાતી દીવેટ તેમાં વપરાતું તેલ -ઘી જુદાજુદા આકારો, દેવતા દેવીઓને સાધના સિદ્ધિમાટે કયા દિવા અને કેવીરીતે વાપરવા તેની વિધિ હિન્દૂ પર્વોમાં તેના વાપરવાથી થતા ફાયદાઆ બધું જનહિતાર્થે શાસ્ત્રોમાં નિરૂપાયું છે. જેનો ઉપયોગ માનવ જીવન સુખાકારી માટેનો ઈશ્વરીય શક્તિ પામવાનો છે. માટીના કોડીયા વાત કરીએ તો તે ખુબ પરિશ્રમથી તૈયાર થાય છે અને વાટ તેલ કે ઘી, તેની જયોત પ્રકાશ બધાનો સુમેળ  સાંકેતિક અર્થ છે અને તે સમજવા જેવો છે. માટી પ્રકૃતિની દેન છે. આ જગત પાંચ મહાભૂત તત્ત્વો માટી, પાણી, અગ્નિ, હવા અને આકાશ છે. માનવ દેહ પણ જન્મ બાદ જીવીને અંતે આ પંચ તત્વોમાં વિલીન થઇ જાય છે અને સૃષ્ટિ ચક્ર ચાલતું રહે છે રહે છે.

કોડીયું બનાવવા પ્રથમ માટી લઇ તેમાં પાણી નાંખી બરાબર રગદોળીને ચકરડા ઉપર મૂકી લાકડીથી ફેરવી તેની ગતિએ જુદાજુદા ઘાટ ખુબ જ સાવચેતી સાથે અપાય છે. ગાયના છાણામાં તેને શેકીને પાકટ બનાવાય તડકે સુકાવાય હવાથી તાપથી તે મજબૂત બને રૂ ની વાટ તેલ નંખાય વાટ પલળે પછી અગ્નિ દીવાસળી ઘસી જે જ્યોત ભડકો થઈ તેનાથી વાટ પેટે અને પ્રકાશથી તે ઝળહળી ઉઠે. અંધારું દૂર થાય આનંદ ખુશી થાય. આ વાત બધાને ખબર છે પણ ગર્ભિત અર્થ બધા જાણતા નથી. ઈશ્વરે પોતાની લાકડી ફેરવી સૃષ્ટિના ચાકડાને ફરતું રાખે છે, દેહ માટીનો પિંડ છે સંસારના વિવિધતાપઓમાં તેને શેકાવાનું છે. વય વધતા ટપલા ખાવાના છે પાકટ બનવાનું છે જે સહે છે તે ખમે તે ચમકે છે. આ પાંચ મહાભૂત માંથી ઘડાઈને જીવન દીપ જલતો રાખવાનો છે.

કોડીયાની જ્યોત ઉપરની તરફ ઉર્ધ્વગામી છે જે લક્ષ્ય તરફ આગળ વધવાનું, ધુમાડો કાળાશને ત્યાગવાનું સૂચન છે. પ્રકાશ તમને સાચી દિશામાં અજ્ઞાનતા દૂર કરી પ્રગતિ કરાવે છે પ્રગતિનું સાચું દ્વાર જ્ઞાન છે ! દીવાની જયોત એકાગ્રતા અને તન્મયતા જાગૃત કરે છે..વાટ સફેદ પોચા રૂમાંથી બને છે તેને લાંબી કે ઉભી ચપટીદાર બનાવવા હથેળીને ઘસવી પડે ચપટી થી વણાટ આપવો પડે. હાથની ગરમ ઉર્જા ભળે છે જે શુદ્ધ ભાવના છે. રૂમાંથી વણાટ થઇ કાપડ બને છે. રૂ બીજાને ઉપયોગી બનવાનું સમજાવે છે સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. સતોગુણી, મિત્રતા, સ્વચ્છ, નિર્મલ બની સદાચારઅપનાવવાનો ઈશારો કરે છે.

કોડીયામાં મા તેલ અથવા ઘી વપરાય છે જે ગરમ થવાથી ગમે તે પાત્રમાં ઢળી જાય તે આકાર ધારણ કરે છે કારણ તરલપણું તેનો ગુણ છે. ઘીનો દીવો વધુ લાભદાયી ગણાય છે અખંડ દીપમાં ઘી વપરાય છે. આ બંને પદાર્થ  સિવાય બીજાને શાસ્ત્રોમાં વર્જિત ગણ્યા છે. ઘીનો દીવો માનવ શરીરની નાડી ચક્રથી મન તન અને મસ્તકને નિયંત્રિત કરે છે. મન શાંત કરે સ્થિરતા આપે છે. ઘીનો દીવો સકારાત્મકતા દર્શાવે છે. જે દરિદ્રતા દૂર કરી વસ્તુ દોષ સામાન્ય રીતે લોકો વાપરે છે. માણસને પરિસ્થિતિને અનુકુળ બનવાની કળા શીખવાડે છે. વાસના તરલ હોય છે તે અગ્નિથી પીગળે કે બળી નાશ પામે છે. તેલનો દીવો એક મીટર સુધી સાત્વિક ઉર્જા પેદા કરે છે. તેથી પણ ચેતના જાગે છે. કોડીયામાં તેલ કે ઘી નાખી વાટ પલાળી જયોત જાતે બળે ને પ્રકાશ આપે તે ત્યાગનું નું સૂચન કરે છે. બીજા માટે જાત બાળશો તો ખપ લાગશે. પ્રતિષ્ઠા પામી શકાશે ત્યાગીને ભોગવી જાણો એમ ઉપનિષદોઠોકી ઠોકીને કહે છે. આમ કોડીયું સત્કર્મો પ્રતિ રાહ ચીંધનારું પથ દર્શક છે. 

હિન્દૂ સંસ્કૃતિમાં દીવા પેટાવવાના લાભો પણ દર્શાવાયા છે. સવારે સાંજે પાણીયારામાં અને સંધ્યા ટાણે ઘર આંગણે તુલસી ક્યારામાં દીવો થાય તો કષ્ટો મટે છે અને તેજ વલયો ઘરની વ્યક્તિઓ માટે લાભદાયી કવચ બને છે. સ્કંધપુરાણમાં ઉલ્લેખ છે કે દિવાળીમાં ધનતેરસ નરક ચૌદસ અને ભાઈબીજ ત્રણ દિવસ રોજ સાંજે ઘરની બહાર 'યમદીપ' દાન તરીકે મૂકવાથી અપમૃત્યુ નિવારણ થાય છે. કાલી ચૌદસે તમોગુણી ઉર્જા તરંગ તેમજ આપત્તિજનક તત્વોના તરંગો વધારે માત્રામાં કાર્યરત જોવા મળે છે જેમાં જડતા વધુ હોય છે તે માનવીના અપમૃત્યુ માટે કારણભૂત થતી હોય છે. આ માટે લોટમાંથી કોડિયું બનાવી તેનો  દીવો કરવાની પરંપરા છે. પીપળવૃક્ષે  થતો દીવો બ્રહ્માજી અને પિતૃઓનો તેમાં વાસ હોવાથી તેઓને તૃપ્ત કરે છે અને આશીર્વાદ આપે છે. રસ્તાના ચાર રસ્તામાં ચોકે મૂકાતો દીપ અનિષ્ટો દૂર ભગાડે છે. ઘર આંગણે રંગોળીમાં મૂકેલાં દીવડા સત્કાર આનંદ અને માંગલિક શુભેચ્છાનું પ્રતિક ગણાય છે. મંદિરોમાં, તીર્થભૂમિમાં થતાં તેમજ નદીકિનારે પાંદડાંના બનાવી તરતાં મૂકતાં દીપ પ્રાર્થના, શ્રદ્ધા અને ઈશ્વર ભક્તિ પ્રગટ કરે છે. નાની મોટી કે માત્ર એક દીવાથી થતી આરતી ભારતીય સંસ્કૃતિ પરંપરા ને દ્રઢ કરે છે સાથોસાથ ભક્તિ પ્રગટ કરે છે. મંદિરોમાં થતી આરતી આપણને એકાગ્રતા અને ભાવના સાથે ભગવાનના મુખારવિંદના

તેજસ્વી દર્શન કરાવે છે ,હરદ્વારમાં, બનારસ માં થતી મહાઆરતી અનેક જ્યોતિ દીપના પાવનકારી પ્રકાશની તેજસ્વિતા આપણામાં ધન્યતા, શ્રદ્ધા સહિત પાપનિવારણ શૃદ્ધિની સ્તુતિ કરાવે છે. ગંગામાતાના દર્શન આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ કરાવે છે. અલૌકિક આનંદ સાથે પવિત્રતાનો સ્પર્શ કરાવે છે. દીપ ખુશી આનંદ આપનારો જીવન સાથી છે. જીવન મૃત્યુ બાદની કર્મકાંડી વિધિમાં દીપ મૃતાત્મા માટેની શાસ્ત્રોક્ત સદ્દગત જીવની મોક્ષ પ્રાર્થના વંદન સ્વીકારે છે.

દીવડાની જેમ મંગલકારી રૂપ ગણીને ઘર આંગણે 'કંદીલ' આકાશદીપ - જેમાં કાગળ, પ્લાસ્ટિક કપડાના ફાનસ જે જુદીજુદી આકૃતિ અને તેમાં કટીંગ કરેલી ભાતની કારીગીરી હોય અને વચ્ચે વીજળીના બલ્બ રૂપી આધુનિક દીવો હોય તે લટકાવાનો  રિવાજ છે. પ્રથમ કંદીલ ભારતમાં શ્રી રામચંદ્રજી જયારે રાવણનો વધ કરી અયોધ્યા પાછાં ફર્યા ત્યારે નગર વાસીઓએ ઘરના આંગણે ત્રેતા યુગમાં રાજ્યાભિષેક ખુશાલીમાં લટકાવી હતી જેનું નામ આકાશદીપ હતું ગરબા જેમ ધાતુના કળશ આકાર જેમાં છિદ્રો હતાં તેમાં માટીનો દીવો મૂકી પ્રગટાવી તેને ચાર બાજુથી દોરી બાંધી ઊંચે લટકાવેલી કંદીલોથી નગર રોશનીમયી બનેલું. મોગલના સમયમાં અક્બર રાજાએ દોલતખાનામાં ચાલિસગજ (જૂનું માપ )ઊંચા વાંસ ઉપર કાણાં વાળી કંદીલ લટકાવેલી. ઉત્તરાયણમાં આજે પણ રાતે એક સ્થિર રહે તેવા પતંગ ને દોરીથી ચગાવીને દોરીમાં ટુક્કલ ( જે ચીની કાગળની બનાવટ છે ) બાંધી તેમાં મીણબત્તી સળગાવી આકાશમાં ઉડે છે તે પણ આકાશ દીપ છે. આકાશદીપ -કંદીલ અંધારી રાતનું ઇન્દ્ર ધનુષ્ય છે જે માનવ કલાનું અદ્ભૂત અનેમરંગ બે રંગી આકારોમાં વિવિધતા પૂર્ણ દર્શન  કરાવે છે દીવડા દીપકના અનેક  ભિન્નભિન્ન કલાત્મક અલંકૃત આકારો છે અને જરૂરત પ્રમાણે તેના નામો પણ અપાય છે. આવા દીપકો આકર્ષક અને માનવ જરૂરના ઐતિહાસિક સાક્ષી પણ બન્યા છે. માટી, પિત્તળ, પ્રાચીન કાળમાં પથ્થર લોખંડ, કાંસુ, તાંબું,સોનુ અને હીરા રત્નજડિતમાંથી બનેલા દીવડા ભારત અને વિદેશમાં પણ વપરાતાં હતાં. આજે દક્ષિણ ભારતમાં ઠેર ઠેર, ઘરોમાં મંદિરોમાં દીપકો પોતાનો જાજરમાન મોભો ધરાવે છે. દીપ યજ્ઞ દીપોત્સવ અને દીપ નૃત્ય પરંપરા પણ ચાલુ છે.

              

મંદિરોમાં ગર્ભગૃહમાં મૂર્તિ દર્શનની આજુબાજુ દીપ જલે તેને નંદાદીપ અને ગર્ભગૃહની સામે જે દીપો પ્રગટે છે તેને દિપલક્ષ્મી દ્વાર સામે હોય તે દીપ માલિકા કહેવાય છે મંદિરોના મુખ્ય દ્વાર પાસે દીપસ્તંભ મળે છે। મહારાષ્ટ્રમાં  પેશાવાઈ યુગમાં પ્રજા સંસ્કૃતિ સાથે ભાવનાને સાચવીને અનેક પ્રાચીન મંદિરોમાં દીપ સ્થંભો ઉભા કરેલા જે આજે પણ છે. ભારતમાં અન્ય સ્થળો ઉજજૈન, ગોવા, વગેરેમાં પણ તે સચવાયા છે. જે ધર્મ ભક્તિ ભાવનાનો બોલતો પુરાવો છે. મોગલ યુગમાં જાળી વાળો ગોળાકાર અને નવરાત્રી ગરબાને મળતો આવતો દીપ તે વલયજ્ઞ દીપ કહેવાતા. ગરબાના દીપને હિરણ્ય ગર્ભદીપ નામ પણ અપાયેલું છે. કલાત્મક અર્થપૂર્ણ આકારોના દીવડા  મોટી પિતળની દીવી ને સમાઈ નામ અપાયું છે. લટકતા દીવા પણ પોતાની વિષે છાપ ઉભીકરે છે,  તાંત્રિકો શિવ, વૈષ્ણ્વ ગણપતિ ભક્ત સંપ્રદાયોના દીવડામાં પણ નાવીન્યતા છે. રોજ વપરાતા દીપકો અને વિશેષ પ્રસંગે થતા દીપ નોખી નોખી છાપ ધરાવે છે. ઉર્દુ ફારસી મુશાયરામાં શમ્મા દાનમાં મીણબત્તી મૂકી પ્રકાશ થતો એપણ એક રીતે દીપક હતો. કાચની હાંડીઓમાં દીવો મૂકી પ્રકાશ થતો, સ્વજનોની જન્મ જયંતીઅને પૂણ્ય તિથિએ, દેશ કાજે શહીદ થયેલા વીર જવાનો ની યાદમાં દીપ જ્યોતિ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલી સ્મરણાંજલી અર્પણ કરીએ ત્યારે દીપ અને વ્યક્તિ બન્નેનુંગૌરવ પણ જળવાય છે.

આજે  વિકસતા ટેકનિકલ આઈ ટી યુગમાં વીજળી શોધાઈ પછી આ જુંના દીપકોની મહત્તા ઘટી ભલે હોય પણ તે પરંપરા તેનો વૈભવ હજુ અકબંધ છે. તેલના દીવાએ બદલે હવે  મીણબતી રૂપે ભલે જગા લીધી હોય પણ તે પવિત્રતા, ભક્તિ અને શ્રદ્ધાનું સ્થાન કદી લઈ નહિ શકે, હા ચર્ચ દેવળમાં મીણબત્તી પ્રજ્વલિત કરવાની પ્રથા પવિત્ર છે પણ તે તેની પરમ્પરા છે. મારી ધારણા પ્રમાણે મેં જોયેલા વિદેશોના  ચર્ચો અને મકાનો હવામાનને ધ્યાનમાં લઈને લાકડાના હોય છે તેથી અહીં આગ લાગે તેવા પ્રવાહી જલનશીલ પદાર્થોનો ઉપયોગ કાનૂની બંધી બન્યો છે. ભારતની પ્રજાનોની આસ્થા દીપક માટે અતૂટ રહેવાની. પરમાત્માને પ્રાર્થીને નરસિંહ રાવ દીવેટિયાએ લખ્યું 'પ્રેમાળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ 'અને જીવન માત્ર આપણું પ્રકાશી બને તેમ ન ચાલે. આર. સી. શર્મા હિન્દી કવિ કહે છે - અપની ડેરી સબ કરે, દીપો કી ભરમાર /એક દિયા તો સ્નેહ કા રખ પાડોશી દ્વાર. દીવો અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરવાનો મંત્ર આપી કહે છે

--- અંતિમ જબ તક સાંસ હૈ, તૂફાનોં એ રાર /જલતા દીપક કહ રહ્યા માઁનુગા, નહિ હાર //(પરમ જીત કૌર 'રીત '//અને આવી ખેલદિલી માટે હવાનું રૂખ બદલું પડે તો કહી શકીએ --તેરા હાથ હાથમે આ ગયા, ખુશીકે ચિરાગ જલ ગયે /મૂઝે સહલ હો ગઈ મંઝિલે, હવાકે રૂખ બાદલ ગયે /મજરૂહ સુલતાન પુરી) અને અંત માં દીપકને જલતો રાખવો આપણી જવાબદારી છે અને તેથી 'ટુ બી કીપ બર્નિંગ , વી હવ ટુ પૂતિંગ ઓઇલ ઇન ઇટ. જ્યોર્જ મેક્નોડાલ્ડ ની વાત સાચી લાગે. રાષ્ટ્ર ભક્તિ વફાદારીનો ગૌરવદીપ પણ જલતો રાખવાનો છે તેથી મેં લખેલું.. સરહદ પર સૈનિક લડે, દેશ ભક્તિ સાથ /વફાદારીના દીપ થકી શત્રુનો કરે નાશ. એ  શહીદ વીરોને નમન કરી ગૌરવદીપ અર્પણ કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics