Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Ashutosh Desai

Romance Classics


2.8  

Ashutosh Desai

Romance Classics


તારી વાર્તા મારું જીવન

તારી વાર્તા મારું જીવન

11 mins 21.2K 11 mins 21.2K

કોઈને કહો કે બાપ ગુજરાતી વિષયનો માસ્તર છે તો માનશે પણ નહીં! અલ્પનાએ કહ્યું. આવું શું બોલે છે અલ્પુ? મેં કહ્યું ને કે હું કંઈક કરું છું. પત્નિના ખરાબ મૂડને ધ્યાનમાં લેતાં શ્રીકાંતે હળવેથી કહ્યું. શું કરું છું, કરું છું ? આ છેલ્લાં એક અઠવાડિયાથી કહું છું કે તમે આપણી અંકિતા પર ધ્યાન આપો, બાપ સ્કૂલમાં ગુજરાતી શીખવતો હોય અને દીકરીને જ ગુજરાતી નહીં આવડતું હોય તો કેવું લાગે? આપણી અંકિતા હવે મોટી થતી જાય છે શ્રીકાંત. અને ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણે મા-બાપ થઈને જ તેને આપણી માતૃભાષા નહીં શીખવીએ તે કેમ ચાલે છેલ્લાં એક અઠવાડિયાથી અલ્પના શ્રીકાંતને કહી રહી હતી કે અંકિતાને હવે થોડું થોડું ગુજરાતી શીખવવાનું શરુ કરો પણ કોણ જાણે કેમ શ્રીકાંત હજીય અલ્પનાની વાત ગંભીરતાથી નહોતો લઈ રહ્યો. આથી આજે અલ્પના થોડી ચિઢાઈ ગઈ હતી. સારું ચાલ આજથી જ અંકિતાને ગુજરાતીના પાઠ ભણાવવા શરૂ કરી દઉં છું, બસ ? કહેતા શ્રીકાંત ઊભો થયો અને તેના સ્ટડી ટેબલ પર પડેલી કેટલીક વાર્તાની ચોપડીઓ ઉથલાવવા માંડ્યો. એક દીકરી અને મા-બાપનો નાનો પરિવાર રાતના ભોજનમાંથી પરવાર્યો અને શ્રીકાંતે એક પુસ્તક હાથમાં લીધું. અંકિતા બેટા આજથી ડેડી રોજ રાત્રે સૂતા પહેલાં તમને એક વાર્તા વાંચી સંભળાવશે બરાબર ?

નાની અંકિતાને ખોડામાં બેસાડતાં શ્રીકાંતે કહ્યું. એક શિક્ષક તરીકે તેને બરાબર ખબર હતી કે કોઈ નવી ભાષા શીખવવા પહેલાં બાળકમાં તે ભાષા પ્રત્યેની રૂચિ કઈ રીતે જાગૃત કરવી. આથી તેણે નક્કી કર્યું હતું કે શરૂઆતમાં તે અંકિતાને પુસ્તકમાંથી વાર્તાઓ વાંચી સંભળાવશે અને ત્યારબાદ તે ધીમે ધીમે દીકરીમાં ગુજરાતી ભાષાના કક્કા બારાખડીના બીજ રોપવા શરૂ કરશે. આથી તેણે રોજીંદો નિયમ બનાવી દીધો કે નાની અંકિતાને તેના ડેડી રોજ એક નવી વાર્તા સંભળાવશે.

એક રાજા હતો જેની પાસે ખૂબ બધા ઘોડા હતાં, રાજાનો એક સૈનિક રોજ તે બધા ઘોડાને ગામના પાદરે આવેલા તળાવ પર પાણી પીવા માટે લઈ જતો... આજની પહેલી વાર્તા શરૂ થઈ. અંકિતાને તેના ડેડીએ આરંભેલો આ પ્રયાસ ગમશે તેમ પહેલી વાર્તા વાંચ્યા બાદ શ્રીકાંતને લાગ્યું. ડેડી તમે મને કાલે જે વાર્તા કહી હતીને તે આજે મેં સ્કૂલ વેનમાં મારી ફ્રેન્ડને કહી સંભળાવી, કેવી મજા પડી ગઈ હતી. ડેડી તમને ખબર છે, રીચા મને પૂછતી હતી કે અંકિતા કેવી સરસ વાર્તા છે, તને કોણે કહી ? તો મેં કહ્યું, મારા ડેડી એ...! આજે ફરી એક વાર્તા કહેશો ને, ડેડી? નાની અંકિતાએ સાંજ પડ્યે ફરી ડેડીને તેમણે આપેલું પ્રોમિસ યાદ કરાવ્યું. હા દીકરા કેમ નહીં. ચોક્કસ કહીશ, આજે ફરી એક નવી વાર્તા વાંચી સંભળાવીશ તને. અને પછી આવતી કાલે ડેડી એક સરસ બુક લઈ આવશે જેમાંથી ડેડી કહે એટલું તમારે સ્લેટ પર લખવાનું છે, મંજૂર ને? શ્રીકાંતે

કહ્યું. હા ડેડી, શ્યોર! અંકિતાએ પણ સામે પ્રોમિસ કર્યું અને ફરી તે રમવા ભાગી ગઈ.

એક નાનકડાં ગામના સિમાડે એક ખેતર હતું જ્યાં એક ખેડૂત અને તેની પત્ની રહેતાં હતાં. ખેડૂત ખુબ ગરીબ હતો.

એક દિવસ તેના ખેતરમાં ક્યાંકથી એક બકરી આવી ગઈ. ખેડૂતે તે બકરી જોઈ અને... આજે ફરી એક નવી વાર્તાની શ્રીકાંતે શરૂઆત કરી. અંકિતા ચકળ વકળ આંખે પુસ્તકમાંથી વાર્તા વાંચી રહેલાં તેના ડેડીને જોતી રહેતી અને વાર્તા સાંભળતી રહેતી. તેની આંખ સામે રોજ વાર્તાના કોઈકને કોઈક નવા નવા પાત્રો ખડાં થતાં અને તે જાણે તે પાત્રો જ રોજ તેને પોતાની કહાની કહેતાં હોય તેમ અંકિતા રસપૂર્વક તે સાંભળતી અને સાંભળતા સાંભળતા જ તેના ડેડીના ખોડામાં સૂઈ જતી. વાર્તાની સાથે સાથે અંકિતા આજ-કાલ કરતા કરતા સરસ કક્કો અને બારાખડી લખવા માંડી હતી અને ડેડી ઘરે નહીં હોય ત્યારે પણ ચોપડીમાં જોઈને એકડો બગડો ઘૂંટતી થઈ હતી. ગુજરાતી ભાષા જે ગઈકાલ સુધી તેના માટે માત્ર ઘરમાં વાત-ચીત માટે બોલાતી એક બોલી હતી એ હવે માતૃભાષા બની ગઈ હતી જે શીખવી, તેના કક્કો અને બારાખડી યાદ કરવા એ તેને ગમવા માંડ્યુ હતું. હવે તો અંકિતાને ગુજરાતી બરાબર લખતા અને વાંચતા પણ આવડી ગયું હતું પરંતુ છતાં ડેડી પાસે સ્ટોરી સાંભળવાની તેની આદત હજીય તે છોડવા માગતી નહોતી. જાણે આ એક કહાનીને કારણે તે નાની દીકરીને પોતાના બાપ સાથે એક અલગ જ બોંડીંગનો અહેસાસ થતો હતો. નાનકડી અંકિતાને મિત્રો સામે બડાઇ મારવાની પણ ખૂબ મજા પડતી કે મને તો અંગ્રેજી અને હિન્દી જ નહીં ગુજરાતી પણ આવડે છે. મારા ડેડી મને રોજ એક નવી વાર્તા કહે છે.

અંકિતા દીકરા હવે તું મોટી થઈ ગઈ છે, હજી પણ આ વાર્તાઓ સંભળાવવાનું કેવું બાલીશ લાગે! તને ગુજરાતી શીખવવું હતું એટલે મેં વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું હતું. અને હવે તો તને ગુજરાતી વાંચતા પણ આવડી ગયું છે. તો તું જાતે વાંચી લેતી હોય તો ? નવી વાર્તા સાંભળવા બેડરૂમમાં આવીને બેસી ગયેલી અંકિતાને શ્રીકાંતે કહ્યું. અને શ્રીકાંતની વાત ખોટી પણ નહોતી, ગઈકાલ સુધી સિનીઅર કેજીમાં ભણતી અંકિતા હવે દસમાં ધોરણમાં આવી ગઈ હતી. અને હવે આટલી મોટી થઈ ગયેલી દીકરી માત્ર ગુજરાતી પુસ્તકો જ નહીં પણ અંગ્રેજી નોવેલ્સ પણ વાંચતી થઈ ગઈ છે તે વાતની શ્રીકાંતને ખબર હતી. પરંતુ, અંકિતાને તેના ડેડી પાસે વાર્તાઓ સાંભળવુ હજી આજે પણ એટલું ગમતું કે તે કોક-કોકવાર અચાનક રાત્રે સૂતા પહેલાં તેના ડેડી પાસે બેડરૂમમાં આવી ચઢે અને જીદ્દ પકડે, ડેડી, આજે ઊંઘ નથી આવતી એક વાર્તા કહોને પ્લીઝ. ખબર નહીં પોતાના બાપ પ્રત્યેના વ્હાલને કારણે હશે કે બીજું કોઈ કારણ, પણ કિશોરાવસ્થામાં પહોંચેલી દીકરી હજી આજે પણ તેની આ બચપણની આદત છોડવા તૈયાર નહોતી. અલ્પના ક્યારેક કહેતી પણ ખરી, અંકુ, હવે તું મોટી થઈ ગઈ દીકરા, ક્યાં સુધી આમ પપ્પા પાસે વાર્તાઓ સાંભળ્યા કરીશ? કાલેઊઠીને સાસરે જશે ત્યાં તારા પપ્પા આવવાના છે વાર્તા કહેવા ? હા, આવશે કેમ એમાં ખોટું શું છે? અને મમ્મી તું એક વાર્તાની બાબતમાં મારા પરણવાની અને સાસરે જવાની વાત ક્યાં લઈ આવી?

અંકિતા મમ્મીની વાતથી ચીઢાઈ જતી.

રોજ રોજ આજે કહી દઈશ, કાલે કહીશ એમ કહેતાં પોતની જાતને મનાવી લેતા શાશ્વતે આખરે હિંમત એકઠી કરી અને તૃષાને કહી જ દીધું, તૃષા હું તને ખુબ પ્રેમ કરૂં છું... શ્રીકાંતે તે દિવસે ફરી એક નવી વાર્તા સંભળાવી. "વાઉ, ડેડી કેવી સરસ લવસ્ટોરી હતી ને ?" કહેતાં અંકિતાએ તેના ડેડીના ગાલ પર એક પપ્પી કરી અને પોતાના બેડરૂમમાં તરફ ચાલી ગઈ.

અંકિતાની આ આદત તમારે હવે ભૂલાવવી જોઈએ શ્રીકાંત. અલ્પનાએ કહ્યું, "અરે શું તું પણ અલ્પુ, ગઈકાલ સુધી કહેતી હતી કે દીકરીને ગુજરાતી શીખવો, ગુજરાતી શીખવો. હવે આજે એ વાર્તા સાંભળવાની ઈચ્છા રાખે તો એમાં ખોટું શું છે ? અને એના બાપ પાસે જ તો જીદ્દ કરે છે ને, કોઈ બીજા પાસે થોડી કરે છે ? અને સાચું કહું ? મને પણ તેનું આમ જીદ્દ કરવું ગમે છે.

મને પણ ગમે છે તેને આમ વાર્તાઓ કહેવું શ્રીકાંતે કહ્યું. હા, શ્રીકાંત હું સમજુ છું. હું એમ નથી કહેતી કે તે આ ખોટું કરે છે. પણ અંકિતા આપણી દીકરી છે શ્રીકાંત, કાલેઊઠીને તેને સાસરે વડાવવી પડશે ત્યારે પછી... દીકરીના લગ્નની વાત નીકળતા જ અલ્પનાના અવાજમાં ભીનાશ આવી ગઈ. અરે, તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે અલ્પુ, હજી એ માત્ર પંદર વર્ષની છે. ક્યાં લગ્નને ક્યાં આ વાર્તાઓ. થોડી મોટી થવા દે જોજે ને આ બધું ભૂલી જશે. લાગણીશીલ થઈ ગયેલી પત્નીને સમજાવતા શ્રીકાંત બોલ્યો.

અંકિતા નાની હતી ત્યારથી આ વાર્તાઓ કહેવાના સિલસીલાને કારણે બાપ-દીકરી વચ્ચે એવો અનેરો સંબંધ બંધાઈ ગયો હતો કે, અંકિતા પોતાના જીવનની નાનામાં નાની ઘટના કે મોટામાં મોટી તકલીફ અને કન્ફ્યુઝન્સ વિશે પણ પોતાના પપ્પા સાથે વાત કરતા અચકાતી નહોતી. જાણે તેના પપ્પા એ તેના ડેડી નહીં પણ કોલેજનો જ કોઈ મિત્ર હોય. ડેડી, નહીં ચાલે, નહીં ચાલે એટલે નહીં ચાલે, બસ. આજે તો તમારે કોઈ એક નવી લવસ્ટોરી સંભળાવવી પડશે એટલે સંભળાવવી જ પડશે. કોલેજના બીજા વર્ષમાં ભણતી અંકિતાએ ઘણાં લાંબા સમય પછી આજે ફરી તેની આ જૂની જીદ્દ પકડી હતી. શ્રીકાંત બે ઘડી માટે તેના તરફ જોઈ રહ્યો અને પછી પૂછ્યું, "શું વાત છે દીકરા? મને સાચું કહે તારૂં દિમાગ ક્યાં ફરે છે હમણાં ?" અંકિતા નીચું જોઈ ગઈ. "ના રે ના, ડેડી કંઈ જ નથી. તમે સ્ટોરી કહોને યાર, આમ વાત નહીં બદલો તમે, પ્લીઝ." અંકિતાએ ડેડીના ગાલે ચીમટો ભરતા કહ્યું. "ના, આજે તું મને નહીં કહે કે, શું વાત છે ત્યાંસુધી કોઈ વાર્તા નહીં કે કોઈ લવસ્ટોરી પણ નહીં."

શ્રીકાંતે સામે જીદ્દ પકડી. "ડેડી યાર તમે પણ છે ને... આજે સવારના પહેલાં લેક્ચર પછી અમે કેન્ટીનમાં ગયા હતા ને તો ત્યાં..." અંકિતા બોલતા બોલતા અટકી ગઈ. "હા બોલ બોલ, ત્યાં શું?" નીચું જોઈ રહેલી અંકિતાની ચીબુક ઉપર કરાવતા. શ્રીકાંતે પૂછ્યું. "ત્યાં શુભમ બેઠો હતો, અમે કેન્ટીનમાં ગયા એટલે તેણે મને પ્રપોઝ કર્યું." આટલું એક વાક્ય બોલતા તો અંકિતા શરમથી લાલ-લાલ થઈ ગઈ. "ઓહોહો... એટલે મારા બેટમજીને પ્રેમ પ્રપોઝલ આવ્યું છે, એમ ને? અરે આ શુભમ એટલે આપણાં બલરાજનો દીકરો તો નહીં ?" શ્રીકાંતે દીકરીનો મલકાટ જોઈ આગળ પૂછ્યું. "હા હવે એ જ, પણ એનું શું હવે હમણાં ? તમે મને કોઈ નવી લવસ્ટોરી કહોને પ્લીઝ." યુવાનીને ઉંબરે ઊભેલી શરમાઈ રહેલી અંકિતાએ બનાવટી ગુસ્સો કરતાં કહ્યું.

"અચ્છા એટલે પ્રેમમાં પડેલાં અમારા રાજકુંવરીને નવી લવસ્ટોરી સાંભળવી છે એમ ને ?" "હા..." અજાણી ઉતાવળમાં અંકિતાથી શ્રીકાંતની વાતનો જવાબ અપાય ગયો. "હા...? હા...? એટલે સાચે જ તું શુભમને ?" શ્રીકાંત આગળ કશું બોલે તે પહેલાં જ "ઓહ પ્લીઝ ડેડી, તમે સ્ટોરી કહોને યાર..." અંકિતા ચીઢાવવાની જાણે શ્રીકાંતને મજા પડી રહી હતી.

આવી જ હતી અંકિતા. તે ખુશ હોય તો તેના ડેડી સાથે ખુશી મનાવવાનું હાથવગું સાધન હતું વાર્તા અને તે દુઃખી હોય તો દુઃખ ભૂલાવવાનો પણ રામબાણ ઈલાજ હતો ડેડીના મોઢે કહેવાયેલી કોઈ નવી વાર્તા. સુંદર દેખાવડી અને ચંચળ અંકિતા માટે એવુ નહોતું કે શુભમ એકમાત્ર ચોઈસ હતી. કોલેજમાં તેની પાછળ ફરનારા મજનુઓની કમી નહોતી. પરંતુ, શુભમની વાત અલગ હતી. અંકિતાના સુંદર દેખાવ સાથે અને ચંચળતા સાથે બરાબર મેળ ખાય તેવો શાંત, સંસ્કારી અને ઓછાબોલો શુભમ દેખાવે પણ એટલો જ સુંદર હતો અને અંકિતા સાથેના વર્તનમાં તે જે પ્રમાણે અદબ જાળવી રાખતો તે બાબત અંકિતાને સ્પર્શી ગઈ હતી.

"સો, આજનો દિવસ શુભમ માટે લકી સાબિત થવાનો છે કે અનલકી ?" મમ્મા સાંભળે નહીં તેમ ચોરી-છૂપી ડેડી શ્રીકાંતે અંકિતાને પૂછ્યું. "હેય, ડેડી પ્લીઝ હં, આમ કોઈની પર્સનલ લાઈફમાં ઈન્ટરફીઅર કરવું સારું નહીં." અંકિતાએ તેના ડેડીને ધક્કો મારતા કહ્યું. "અરે વાહ, હવે તારી લાઇફ પર્સનલ લાઈફ થઈ ગઈ હં ? હા ભાઈ, શુભમ આવ્યો એટલે હવે આ ડેડીનો કોણ ભાવ પૂછે." શ્રીકાંતે રિસાઈ જવાનો ઢોંગ કરતા કહ્યું. "હેય ડેડી, પ્લીઝ યાર આવું નહીં બોલો. શુભમ આવે કે બુભમ, મારી જિંદગીમાં મારા ડેડીનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. આય એમ સૉરી ડેડી !" અંકિતા અચાનક રડમસ થઈ ગઈ. "હેય, હેય, અંકુ, હું મજાક કરતો હતો દીકરા. તું આમ ઉદાસ નહીં થઈ જા ડીઅર." શ્રીકાંતે અંકિતાને ગળે વળગાડી લીધી. આ બે ક્ષણ

જેટલાં સમયમાં તો બાપ-દીકરી વચ્ચે આજે વણબોલાયેલા અનેક શબ્દોનો સંવાદ થઈ ગયો. કોલેજ જઈ રહેલી અંકિતાને જોતાં શ્રીકાંતને આજે જાણે અચાનક ભાન થયું કે તેની દીકરી સાચે જ મોટી થઈ ગઈ છે. અને તેને અલ્પનાની વાત યાદ આવી ગઈ. આવતી કાલે એને સાસરે વડાવવી પડશે શ્રીકાંત. આ વાક્ય યાદ આવતાં જ શ્રીકાંતએ ભૂલી ગયો કે તે એક પુરૂષ છે, અંકિતાના રૂમના સ્ટડી ટેબલ મૂકેલા તેના અને અંકિતાના ફોટાને એકીટસે જોઈ રહેલાં શ્રીકાંતને ખબર પણ નહોતી કે ક્યારે તેની આંખો ભીની થઈ ગઈ.

"જો શ્રીકાંત, એક વાત તને હમણાં જ કહી દઉં. પછી પાછળથી જીદ્દ નહીં જોઈએ. શુભમના પિતા બલરાજ આજે દીકરા અને પત્ની સાથે શ્રીકાંતની ઘરે આવ્યા હતા. દીકરા-દીકરીના લગ્નની વાત કરવા ભેગા થયેલાં મા-બાપ વચ્ચે હમણાં આવનારા પ્રસંગ વિશે વાત થઈ રહી હતી. અંકિતાને પરણાવવા માટે તારે દેવું કરવું પડે તે રીતે ખર્ચાઓ કરવાની કોઈ જરૂર નથી. લગ્ન અગર તારી દીકરીના છે તો મારા દીકરાના પણ છે. આ સમાજના બધાં ઢંગઢળા વગરના રિવાજો આપણે નહીં બદલશું તો કોણ બદલવાનું ?" બલરાજે કહી રહ્યો હતો.

"હા બલરાજ તારી વાત સાચી છે પણ, અમને પણ દીકરી પરણાવવાનો હરખ તો હોય કે નહીં ? તું આ ખર્ચાની વાત કરે છે એમાં... ભાભી તમે જ સમજાવો ને ! બલરાજની દલીલ સામે દલીલ કરતાં શ્રીકાંતે અંકિતાના ભાવિ સાસુને વચ્ચે પડવા ભલામણ કરી. સુનંદા, એમાં કંઈ જ કરી શકે એમ નથી. આ મારો

નિર્ણય છે. લગ્નનો પુરેપૂરો ખર્ચો આપણે બંને સાથે મળી કરીશું એટલે સાથે મળી કરીશું, બસ. ઘ મેટર ઇઝ ઓવર." બલરાજે જાણે આખરી ફેસલો સંભળાવી દીધો. ભાવિ વેવાઈનો આટલો આધુનિક એપ્રોચ જોઈ શ્રીકાંતની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. "મારી દીકરી ખરેખર ભાગ્યશાળી છે બલરાજ. થેન્ક યુ દોસ્ત." તે બલરાજને ભેટી પડ્યો.

ગઈકાલ સુધી મારા ખોળામાં સૂતી હતી, અને આજે જો તેના લગ્ન પણ નક્કી થઈ ગયા. આવતીકાલે દીકરી આ ઘરમાંથી પરણીને જતી રહેશે તે વિચારે લાગણીશીલ થઈ ગયેલો શ્રીકાંત, અલ્પનાને કહી રહ્યો હતો. હા "શ્રીકાંત, અંકુ આ ઘરમાં નહીં હોય તો સાચે જ આપણે સાવ એકલા થઈ જઈશું નહીં ?" અલ્પનાની આંખમાં આંસુ આવી ગયા. બેડરૂમમાં તેમની વચ્ચે આ વાત ચાલી રહી હતી ત્યાં જ અચાનક અંકિતા આવી ચઢી. "ગાય્ઝ, પ્લીઝ. તમે લોકોએ આ શું માંડ્યુ છે ? હું પરણીને જઈ રહી છું, કાયમ માટે આ દુનિયા છોડીને નહીં." "અંકુ આ શું બોલે છે તું..." શ્રીકાંતનો હાથ ઊંચો થઈ ગયો પરંતુ તેણે પોતાની જાતને રોકી લીધી. પરંતુ આંખમાં આવેલા આંસુ અને મનમાં ધસી આવેલી લાગણીઓને તો કઈ રીતે રોકી શકે?

મા-બાપ બંને પોતાની વ્હાલી દીકરીને ભેટી પડ્યા. ત્રણેમાંથી કોની આંખમાં હમણાં વધારે આંસુ હતાં એ કહેવું મુશ્કેલ હતું.

"ડેડી-મમ્મી, મારા નવા ઘરે મને મળવા તો આવશો ને ?" અંકિતાએ પૂછ્યું અને હમણાં સુધી બળપૂર્વક દબાવી રાખેલું રૂદન ત્રણેની કેદમાંથી છટકી આંખ દ્વારા બહાર ધસી આવ્યું. દસ-પંદર મિનિટ આમ જ મૌન વચ્ચે પસાર થઈ ગઈ, અંકિતા મમ્મા અને ડેડી માટે પાણીનો ગ્લાસ લઈ આવી. ડેડી, આજે તો તમારે એક વાર્તા કહેવી જ પડશે પલીઝ... જાણે સિનીઅર કેજીમાં ભણતી એ વર્ષો પહેલાંની અંકિતા હોય તે રીતે તેણે શ્રીકાંતના ખોળામાં માથું નાખતા કહ્યું. અને શ્રીકાંતે ઘણાં લાંબા સમય પછી

આજે ફરી તેની વ્હાલી દીકરીને એક વાર્તા કહેવાની શરૂ કરી. ગુજરાતી મિડીયમ સ્કૂલમાં ગુજરાતીનો વિષય ભણાવતા એક

ટીચર હતાં, શ્રીકાંત... તેમની એક વ્હાલી દીકરી હતી જેનું નામ હતું અંકિતા... વાર્તા નવી હતી પણ તેના પાત્રોના નામ

જાણિતા હતાં, અંકિતા તે વાર્તા સાંભળતા સાંભળતા આજે વર્ષો પહેલાં તેના ડેડીના ખોડામાં જે રીતે સૂઇ જતી તે જ રીતે સૂઈ ગઈ. કોણ જાણે કેમ પણ આજે શ્રીકાંતને તેને જગાડી પોતાના રૂમમાં મોકલવાની ઈચ્છા નહીં થઈ, આજે વર્ષો પછી ફરી બધાં એક જ બેડરૂમ સાથે જ સૂઈ ગયા.

રંગે ચંગે અંકિતા અને શુભમના લગ્ન ઉજવાઈ ગયા. વ્હાલનો દરિયો આજે તેનો પોતાનો કિનારો છોડી નવી ક્ષિતીજ તરફ વહેવાનો આરંભ કરવા માટે નવા કિનારે જઈ રહ્યો હતો. અલ્પના અને શ્રીકાંતે તેને વ્હાલને વડાવી. અગર અંકિતાની આંખો સતત વહી રહી હતી તો શ્રીકાંત અને અલ્પનાની આંખો પણ ક્યાં કોરી રહી હતી. "શુભમ કુમાર, અમારી દીકરીની કોઈ ભૂલ થઈ જાય તો તેને સંભાળી લેજો." વરઘોડો લઈને આવેલાં જમાઈને દીકરી સોંપતા શ્રીકાંતે કહ્યું. પ્રસંગ સારી ઉજવાઈ ગયો પણ દીકરી હવે આ ઘરમાં નહીં હોય તે વિચારે એકલા પડેલાં શ્રીકાંતની આંખો ફરી છલકાઈ ઊઠી.

આ તરફ નવવધુ અંકિતાએ શુભમના ઘરમાં નવજીવનના સ્વપ્ન સાથે ગૃહપ્રવેશ કર્યો. દિવસ અગર લગ્નોત્સવના થાકમાં વિત્યો તો રાત હવે મધુરજનીના થાકમાં વિતવાની હતી. શુભમ અને અંકિતા પોતાના બેડરૂમમાં પ્રવેશ્યા અને અંકિતાની આંખ ફરી એકવાર ભીની થઈ ગઈ. અચાનક તેને ડેડી અને તેમની વાર્તાઓ યાદ આવી ગઈ અને તેને લાગ્યું કે હમણાં જો તેણે પોતાની જાતને નહીં રોકી લીધી તો તેનાથી રડી પડાશે અને કદાચ મધુરજનીના સપના સેવી રહેલા શુભમને તે નહીં ગમે આથી તેણે શુભમના ખભે માથું ઢાળી દીધું અને પોતાની આંખો બંધ કરી લીધી, પોતાના સપનાના વિશ્વમાં જીવતી આરૂષીને આખરે આજે વેદના રૂપમાં તેણે જેવો વિચાર્યો હતો તેવો જ મુરતિયો મળી ગયો હતો... નવી વાર્તાનું આ છેલ્લું વાક્ય બોલતાં શુભમે અંકિતાના માથે વ્હાલથી હાથ ફેરવ્યો. પણ તે વાતની અંકિતાને ક્યાંથી ખબર હોય કારણ કે તેનો ચહેરો હમણાં શુભમના ખભે નહીં પણ ખોડામાં હતો અને આંખમાં આંસુઓની જગ્યાએ ક્યારની ઊંઘ પ્રવેશી ચૂકી હતી.


Rate this content
Log in

More gujarati story from Ashutosh Desai

Similar gujarati story from Romance