Ashutosh Desai

Romance Inspirational

1.6  

Ashutosh Desai

Romance Inspirational

છેલ્લી ઘડીએ

છેલ્લી ઘડીએ

11 mins
14.3K


હું તેને સાક્ષીના નામથી ઓળખતો. કારણ કે, દેખીતી રીતે મારે તેની સાથે કોઈ જ લેવા-દેવા નહોતી. રોજ ૪૫ મિનિટના અમારા એ પ્રવાસમાં હું માત્ર તેને સાક્ષીભાવે જોતો રહેતો, બસ એટલું જ. બોરીવલીના આઠ નંબરના પ્લેટફોર્મથી રોજ સવારે ઉપડતી ૬.૩૬ની ચર્ચગેટ ફાસ્ટ કાંદિવલી સ્ટેશન પહોંચે અને મારી આંખો તેને શોધતી હોય, આજે સાક્ષી આવી હશે કે નહીં! અને ત્યાં જ દોડીને ચઢતા અનેક પુરૂષોના ટોળામાં ક્યાંક વચ્ચે સાક્ષી દેખાય. હું રોજ તેને આ જ રીતે જોતો. ચર્ચગેટ તરફના પહેલાં ફર્સ્ટક્લાસમાં ચઢે અને અમારી બરાબર સામેની લાઈનમાં એક ખાલી જગ્યા બચી હોય ત્યાં બેસી જાય. કદાચ ટ્રેનમાં અપ-ડાઉન કરવું પડે એવી આ તેની પહેલી જ નોકરી હશે. તેને પહેલીવાર આ ટ્રેનમાં જોઈ ત્યારે મને વિચાર આવ્યો હતો. એકવાર થયું પણ ખરૂં કે પૂછી લઉં પરંતુ, આમ કોઈ અજાણી છોકરી સાથે તુરંત વાત કરવામાં જોખમ છે, એ હકીકતનું ભાન થતાં જ હું રોકાઈ ગયો હતો.

પછી તો સાક્ષીનું અમારી જેમ જ આ રોજનું રૂટીન બની ગયું, દોડીને ફર્સ્ટક્લાસનો ડબ્બો સર કરી લેવાનો અને જાણે જગ્યા મળી ગઈ એટલે જીવનની એક મોટી જંગ જીતી ગયા હોઈએ એવી લાગણી અનુભવતા બેસી જવાનું. આમ પૂછો તો તેના ચહેરામાં એવું ખાસ કંઈ જ નહોતું જેને કારણે કોઈ તેના તરફ આકર્ષણ અનુભવે. સાચું કહું તો હું તેની તરફ આકર્ષાયો પણ નહોતો. પરંતુ મારી અંદર રહેલો લેખક દરરોજ આ જ રીતે નજર સામે આવતા તમામ લોકોમાં ક્યાંકને ક્યાંક કોઈ કહાની શોધતો રહેતો હોય છે અને સાક્ષીની આંખોમાં પણ મને આવી જ કોઈ કહાની દેખાય હતી. મને એ વાતની આજે પણ ખબર નથી કે શા માટે તેને પહેલીવાર જોતાની સાથે જ મારા મનમાં એવો વિચાર આવ્યો હતો કે, આ છોકરીની આંખોમાં મારી કોઈક કહાની છૂપાઈને બેઠી છે. પરંતુ હવે યક્ષ પ્રશ્ન એ હતો કે, મારી આ કહાની બહાર કાઢવી કઈ રીતે?

અને એક દિવસ અચાનક સાક્ષીની આંખો જાણે બોલકી થઈ ગઈ. આજે રોજ કરતા એ કંઈક જૂદી જ જણાઈ રહી હતી. તેની આંખો સૂજેલી હતી, વાળ અને કપડાં પણ ચોળાયેલા હતાં જાણે ગઈકાલ રાતના જ કપડા પહેરી રાખ્યા હોય એમ લાગતું હતું. આજે તેના હાથમાં રોજ જે લાલ કલરનું પર્સ હોય છે તેની જગ્યાએ કાળી રૂફસેક બેગ હતી. ટ્રેનમાં પ્રવેશતા, પોતાની જગ્યા પર બેસતાં પહેલાં તેણે રૂફસેક લગેજ સ્ટેન્ડ પર મૂકી. પરંતુ રોજ જેમ તે પોતાના ફોન સાથે હેડફોન્સ જોડી કાનમાં ભરાવી દેતી હતી, તેવું આજે તેણે નહોતું કર્યું. કારણ કે તેના હાથમાં હેડફોન્સ જ નહોતા. બસ તે નીચું જોઈને બેઠી રહી. ન જાણે કેમ પણ આજે તેના પરથી મારી નજર હટવાનું નામ નહોતી લઈ રહી, મને એ વાતનો પણ ખ્યાલ નહીં રહ્યો કે આ રીતે કોઈક છોકરી તરફ એકીટસે તાકી રહેવું એને ખરાબ મેનર્સ કહેવાય. આજે મારા હાથમાં પકડાયેલા પુસ્તકનું એકેય પાનું પલટાયું નહીં અને ફરી પાછું બુકમાર્ક એ જ જગ્યાએ મૂકાઈ ગયું જ્યાં એ પહેલાં હતું.

મને એમ થઈ આવ્યું કે, હમણાં જ ઊભો થઈ સાક્ષીની બાજુમાં જઈ બેસી જાઉં અને કહી દઉં, 'લાવા મારી છૂપાવી રાખેલી વાર્તા મને આપી દે,' પણ હિંમત ચાલતી નહોતી. આખરે, પરિસ્થિતિએ જ તે સગવડ ઊભી કરી આપી. દાદર સ્ટેશન આવતાં તે ઊભી થઈ અને ટ્રેન ધીમી પડતાંની સાથે જ તે ઊતરીને દાદરા ચઢી જવા માટે દોડી. મારી નજર પડી કે સાક્ષી પોતાની રૂફસેક બેગતો અહીં જ ભૂલી ગઈ છે. મેં તરત બૂમ પાડી પરંતુ તે એટલી ઝડપથી દાદરા ચઢી ગઈ હતી કે મારો અવાજ તેના સુધી પહોંચી શકતો નહોતો. મેં દોડીને તુરંત તેની તે બેગ ઊપાડી અને ટ્રેન ફરી ગતિ પકડે તે પહેલાં હું પણ દાદર સ્ટેશન પર જ ઊતરી ગયો. અને સાક્ષી જે દાદરો ચઢી ગઈ હતી તે જ તરફ પાછળ-પાછળ હું પણ એટલી જ ઝડપે ચાલવા માંડ્યો.

'હેલ્લો, એક મિનિટ... તમારી બેગ, હેલ્લો લેડી...હેય સાક્ષી...' મેં ફરી બૂમ પાડી. આ બધી દોડ-ધામમાં મને એ પણ ભાન નહીં રહ્યું કે તેનું નામ સાક્ષી કઈ રીતે હોય શકે. એ તો મારું આપેલું નામ હતું. મેં મારી ઝડપ વધારી અને હું જેટલી ઝડપથી બને એટલી ઝડપથી તેની નજીક પહોંચવાનો કોશિશ કરી રહ્યો. પણ ખબર નહીં તેને શાની ઉતાવળ હતી તે તો ઝડપભેર પહેલા નંબરના પ્લેટફોર્મ પર ઉતરી ગઈ અને તેણે ફરી બોરીવલી તરફની ટ્રેન પકડી લીધી. કોઈ મેસ્મેરાઈઝ થયેલાં માણસની જેમ હું પણ તેની પાછળ પાછળ તે જ ટ્રેન પકડવા માટે દોડ્યો. ટ્રેન શરૂ થઈ ચૂકી હતી આથી ચાલુ ટ્રેન પકડવા માટે હું પાછળ પાછળ દોડ્યો અને જેમ તેમ કરી ફર્સ્ટક્લાસ પછીનો ડબ્બો પકડી શક્યો. ટ્રેનમાં બેઠેલાં કેટલાંક લોકોએ મને ગાળો પણ ભાંડી, 'ગાંડો થઈ ગયો છે? મરવાના શોખ ઉપડ્યા છે કે શું? બીજી ટ્રેન નહોતી પકડી શકાતી?' પરંતુ તે બધાની આ લાગણીસભર ગાળોનો પ્રતિઉત્તર આપવાની હમણાં પરવા કોને હતી. મેં તુરંત ફર્સ્ટક્લાસ તરફ નજર કરી અને બૂમ પાડી, 'હેલ્લો લેડી, આ તમારી બેગ, તમે ટ્રેનમાં જ ભૂલી ગયા હતાં.' મારું આ વાક્ય સાંભળીને જાણે તેના હોંશ ઊડી ગયા. તેની આંખો ચકળવકળ થઈ રહી હતી. એક પળ તે મારી તરફ જોઈ રહી અને એક પળ મારા હાથમાં પકડાયેલી બેગ તરફ. ગભરાટ, ચિંતા અને ગુસ્સાના મિશ્રભાવને કારણે તેનો ચહેરો વારંવાર ભાવો બદલી રહ્યો હતો. તેણે મારી તરફ ગુસ્સાભરી નજરે જોયું અને ઈશારાથી જ નિર્દેશ કર્યો કે, હમણાં માટુંગા સ્ટેશન આવશે ત્યાં ઊતરી જઈ વાત કરીએ.

હું દરવાજે જઈ ઊભો રહી ગયો, માટુંગા આવ્યું એટલે તુરંત મેં બેગ તેને હવાલે કરી દીધી. 'હાશ, સવાર-સવારમાં કેટલો દોડાવ્યો તમે મને, મેં કેટલી બૂમો પાડી પણ તમે તો સાંભળો જ નહીં, બસ દોડ્યે જાવ છો. આટલી મોટી બેગ કોઈ કઈ રીતે ભૂલી જઈ શકે, કંઈ ટેન્શનમાં છો કે શું?' થાકને કારણે શ્વાસ ચઢી ગયો હોવા છતાં આ બધું જ મેં એકીસાથે કહી નાખ્યું. સાક્ષીએ એક ઝટકા સાથે બેગ મારા હાથમાંથી આંચકી લીધી અને ગુસ્સે થતાં બોલી, 'શું જરૂર હતી, આમ ભલાઈનું પોટલું ખોલીને મારી પાછળ દોડવાની? હું મારી બેગ અગર ટ્રેનમાં ભૂલી ગઈ હતી તો એમાં તમને શું વાંધો હતો?' 'હત્‍તારી ભલી થાય... એક તો આપણે કોઈ સારા સહપ્રવાસી તરીકે મદદના આશયથી આટલી પડોજણ કરી અને હવે આ છોકરી પાછી મને જ એમ સંભળાવે છે કે, ભલાઈ કરવાની જરૂર શું હતી? આ તે કેવી વાત? મને હમણાં તેના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પણ તેથીય વધુ મને મારી જાત પર ગુસ્સો કરવાનું મન થઈ રહ્યું હતું. પણ હું શાંત જ રહ્યો. 'તમે આખાય પ્રોગ્રામની વાટ લગાડી મૂકી,' સાક્ષીનો ગુસ્સો હજીય શાંત નહોતો થયો. પ્રોગ્રામ? કેવો પ્રોગ્રામ, શાનો પ્રોગ્રામ, આમ ટ્રેનમાં બેગ ભૂલી જવાનો તે વળી કોઈ પ્રોગ્રામ બનાવતું હશે? ત્યાં જ અચાનક મારા મનમાં ઝબકારો થયો, ઓહ નો, આ છોકરી ક્યાંક ટેરરીસ્ટ તો નહીં હોય ને, અને આ બેગમાં બોંબ કે એવું કંઈક...' મારા મનમાં ફાળ પડી, અરે બાપ રે... એટલે હું એક બોમ્બવાળી બેગ ઊઠાવીને આમ ટ્રેનમાં અને આખાય દાદર સ્ટેશન પર દોડતો રહ્યો? 'સાવ બૂડથલ છો તમે!' સાક્ષીએ ફરી મને ગાળો દેવા માંડી. 'ઓ... મેડમ, શું બૂડથલ, આમ કોઈની મદદ કરવી એને તમે બૂડથલગિરી કહો છો? શરમ કરો જરા શરમ, મારો આભાર માનવાની વાત તો દૂર રહી ઉપરથી મને બૂડથલ જેવા ઉપનામોથી નવાજો છો? અને એક મિનિટ, તમે છો કોણ? આમ ટ્રેનમાં બેગ મૂકીની ભાગી ગયા, એટલે? તમે શું કરવા શું માગતા હતાં, ફરી અમારા મુંબઈમાં તમારે બોમ્બધડાકા કરવા છે? શું મળે છે શું તમને આમ નિર્દોષ લોકોનો જીવ લઈને, બોલો જવાબ આપો, કયા ટેરરીસ્ટ ગૃપ માટે કામ કરો છો? તમે આમ નહીં બોલો, પોલીસ બે ડંદા મારશે એટલે બધું યાદ આવી જશે,' મેં જબરદસ્ત પકડ સાથે તેનો હાથ પકડી લીધો અને બીજા હાથે મોબાઈલ ફોનથી પોલીસને નંબર જોડવાની ટ્રાય કરી રહ્યો હતો ત્યાં જ, 'ઓ ભલાઈની દુકાન... હું કોઈ ટેરરીસ્ટ નથી સમજી ને, છોડો મારો હાથ. આ બેગમાં શું તમને બોમ્બ દેખાય છે? અરે છોડો...' કહેતાં તેણે ઝટકાથી મારો હાથ છોડાવ્યો અને બેગની ચેઈન ઓપન કરી દેખાડ્યું, 'લો, દેખાડો મને આમા ક્યાં છે બોમ્બ? કપડાં છે માત્ર કપડાં.' એક મિનિટમાં તો મેં કોઈ સજાગ પોલીસમેનની જેમ સાક્ષીની આખીય બેગ ચકાસી લીધી. સાચે જ તેમાં બોમ્બ જેવું કશું નહોતું. કપડાં જ હતાં માત્ર કપડાં. અરે પણ આ શું? આ તો કોઈ પુરુષના કપડાં હતાં, માત્ર શર્ટ-પેન્ટ અને ઝભ્ભો લેંઘો, એક છોકરીની બેગમાં કોઈ પુરુષના કપડાં અને એ પણ આટલાં બધાં, આ બધું શું ચાલી રહ્યું છે, હવે ખરેખર મારી ધીરજનો અંત આવી ગયો હતો. મેં તેને કહ્યું, 'તમે જરા શાંત પડશો, પલીઝ. મને સાચે સાચું કહો, આ બધું શું ચાલી રહ્યું છે?'

સાક્ષી થોડી શાંત પડી અને સાથે હું પણ. 'તમે જોયું ને, આ બેગમાં બધાં જ કપડાં કોઈ પુરુષના કપડાં છે,' તેણે કહ્યું, 'ઓહ એટલે તમે કોઈની બેગ ચોરીને ભાગી રહ્યા હતાં અને પછી પકડાઈ જવાનો ડર લાગ્યો હશે એટલે આમ ટ્રેનમાં જ બેગ છોડીને અફુચક્કર થઈ જવાનું નક્કી કર્યું એમ ને?' મેં કહ્યું. 'ઓ... ડીટેક્ટીવ બ્યોમ્કેશ બક્ષી, જરા થોભો. આમ આખી વાત જાણ્યા વગર કેસનો ચુકાદો નહીં સંભળાવો. આ કોઈ પુરુષના એટલે બીજા કોઈના નહીં મારા પપ્પાના કપડાં છે અને હું તેમને ભગાડી જવામાં મદદ કરી રહી હતી. સમજ્યા ને?' સાક્ષી ફરી ગુસ્સે થઈ ગઈ. ઓહ, હવે મને સમજાયું કે આ તો હું શોધતો હતો એ મારી વાર્તા મળી રહી છે. 'સૉરી, સૉરી... જરા વિગતે કહેશો પ્લીઝ.' મેં આજીજી કરી અને તેને બાજૂના બાંકડા પર બેસવા માટે ઈશારો કર્યો. સાક્ષીના ચહેરા પર આ સવારની દોડ-ધામને કારણે પરસેવો બાઝી ગયો હતો, મેં તેને સામે રૂમાલ ધર્યો, પહેલાં તો તેણે ગુસ્સાથી જ મારી તરફ જોયું પણ પછી રૂમાલ લઈ લીધો અને મોઢું લૂંછી લીધું.

'મારા પપ્પા, અખિલેશ શાસ્ત્રી, ખૂબ ભલા માણસ છે. તે મુંબઈ સેન્ટ્રલની રેલ્વે ગુડ્ઝ બુકિંગ ઓફીસમાં ક્લાર્ક છે. પણ ભલા માણસનો સંસાર અને તેનો જીવનસાથી પણ ભલો જ હોય તેવું જરૂરી તો નથી ને? હું નાની હતી ત્યારથી જોતી આવી હતી કે, મારા પપ્પા માટે ઘરથી નોકરી અને નોકરીથી ઘર. બસ આ જ તેમની દુનિયા. પણ મારી મમ્મી, એટલે હિટલ્‍રનો પુનર્જન્મ. પપ્પા બિચારા સાંજ પડ્યે થાકીને નોકરીથી આવ્યા હોય અને મારી મમ્મીનું શરૂ થઈ જાય. રોજે રોજ મારી મમ્મી પાસે તેમની સાથે લડવા માટે કોઈને કોઈ બહાના હાજર જ હોય. મારા પપ્પા તેમને સામે કંઈક કહેવા જાય તો આજુ-બાજુના ચાર ઘરમાં સંભળાય એટલા મોટે મોટેથી મમ્મીના બરાડા શરૂ થઈ જાય અને પછી તો રડવાનું ચાલુ થાય અને તેની સાથે અનેક નવી નવી ફરિયાદો. ક્યારેક પપ્પા ક્યાંય ફરવા નથી લઈ જઈ શકતા તે અંગેની રાડા-રાડ તો ક્યારેક, નવી સાડી ખરીદવા જેવી ક્ષુલ્લક બાબતે. બહાનું ગમે એટલું નાનું હોય પણ મમ્મી લડવા માટે તેને ગમે એટલું મોટું બનાવી શકતી. પહેલાં તો પપ્પાની હેસિયત નહીં હોવા છતાં પણ પપ્પા બને એટલી તેની બધી જ માંગ પુરી કરવાનો પ્રયત્ન કરતા રહેતાં, કેટલીયવાર એવું બનતું કે, પપ્પાને ઓફિસ પહેરી જવા માટેના કપડાં પણ સાવ જર્જરિત થઈ ગયા હોય જે મને પણ સમજાતું હતું પણ છતાં મારા પપ્પા બિચારા તેમના કપડાં નહીં લાવીને મમ્મી માટે ક્યારેક મોબાઈલ તો ક્યારેક ચાંદીના ઝાંઝર લાવી આપવા માટે બચાવેલા પૈસા ખર્ચી નાખતા. પછી તો એવું બનવા માંડ્યુ કે પપ્પા સાંજે આવે અને મમ્મી કોઈને કોઈ બહાના શોધી તેમને ગાળો ભાંડવી શરૂ કરે અને પપ્પા બિચારા ખાધા-પીધા વગર મને ખભે ઊંચકી બહાર ફરવા નીકળી જાય. મોડી રાત સુધી મને ફેરવ્યા કરે અને ઘરે આવી સૂઈ જાય. કોઈકવાર પપ્પાની નાઈટશીફ્ટ હોય તો મમ્મી તેમને લફરાંબાજ છે, કોઈની સાથે ફરવાનો પ્રોગ્રામ હશે. એવું બધું કહી કહીને આખાય મહોલ્લામાં બદનામ કરી મૂકે. હું મોટી થતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે, તકલીફ ક્યાં હતી. વાસ્તવમાં મારા પપ્પા અને મમ્મીના લવમેરેજ હતાં. મમ્મી, પાણી માંગે તો દૂધ હાજર થઈ જાય એવા માલેતુજારને ત્યાં ઉછરેલી એકની એક દીકરી હતી. પ્રેમ આવેશમાં તેણે મારા પપ્પા સાથે લગ્ન તો કરી લીધા પરંતુ ત્યારબાદ પપ્પાની સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને તેમના એક બેડરૂમના નાના ઘરને ક્યારેય સ્વીકારી શકી નહોતી. પ્રેમનો આવેગ અને શરૂઆતના સોનેરી સપનાના દિવસો તો વીતી ગયા, જેમાં તેમના ઘરે હું પણ આવી ગઈ પરંતુ ત્યારબાદ મમ્મીની માનસિક હાલત બગડવા માંડી અને તેથી તે કોઈને કોઈ કારણોસર પપ્પાને કોસતી રહેતી હતી. એવું પણ નથી કે પપ્પાએ પ્રયત્નો નથી કર્યા. તેમણે અનેક પ્રયત્નો કર્યા છે કે તે એક ખૂબ સારા પતિ બની શકે, મમ્મીના સપના છે એટલાં પૈસા કમાઈ શકે પરંતુ, નસીબનો જ સાથ નહીં હોય કદાચ. નોકરી સિવાય તેમણે જેટલીવાર કોઈ ધંધામાં ઝંપલાવવાનો પણ પ્રયત્ન કર્યો એટલીવાર તેમને નિષ્ફળતા જ મળી. આખરે પપ્પા પણ હારી રહ્યા હતાં.'

સાક્ષી એકધારું બોલ્યે જતી હતી. તેના પપ્પા, અખિલેશ શાસ્ત્રીની હારનો થાક જાણે તેને આટલું બોલ્યાં પછી હવે લાગી રહ્યો હતો. તે બે ઘડી અટકી. મેં મારી બેગમાંથી પાણીની બોટલ કાઢી અને તેની સામે ધરી. તેણે બે ઘૂંટ પાણી પીધું ફરી સાક્ષી કહાની ઉસકી ઝુબાનીવાળો દૌર શરૂ થયો. 'પરંતુ કહેવાય છે ને કે, જ્યાં માણસ હારી રહ્યો છે એમ લાગતું હોય ત્યાં જ એક છેલ્લું વિજયનું પગલું ભરવાની જ વાર હોય છે, જો તે આ એક છેલ્લું પગલું તે ભરી લે તો જિન્દગી ૧૮૦ ડિગ્રીએ ટર્ન લઈ શકે છે, તેના દિવસો બદલાઈ શકે છે. પપ્પા, નિરાશ થઈ રહ્યા હતાં તેમને હવે ડીપ્રેશન આવી રહ્યું હતું ત્યાં જ એક દિવસ તેમને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જ ભાવિશાઆંટી મળી ગયા. ભાવિશાઆંટી એટલે મારા પપ્પા અને મમ્મી સાથે જ કોલેજમાં ભણતાં તેમના કોમનફ્રેન્ડ. પપ્પાએ મને ભાવિશાઆંટી મળ્યા હતાં તે વિશે વાત કરી. ત્યારે મને ખબર પડી કે ભાવિશાઆંટી કોલેજના પહેલાં વર્ષમાં હતાં ત્યારથી મારા પપ્પાને ચાહતા હતાં. પરંતુ, પપ્પાનો મમ્મી પ્રત્યેનો પ્રેમ જોઈ તેમણે ક્યારેય કહ્યું નહોતું. તમને ખબર છે પપ્પાની યાદમાં તેમણે આ જ સુધી, આટલાં વર્ષો વીતી જવા છતાં પણ લગ્ન નહોતા કર્યા. બસ, મેં પપ્પાને પાનો ચઢાવ્યો અને કોલેજમાં અધુરો રહી ગયેલો ભાવિશાઆંટીનો પ્રેમ, પપ્પા સાથેના નવા અફેર તરીકે શરૂ કરાવ્યો. પપ્પા આજે સવારે જ ઓફિસ નીકળી ગયા હતા. અને હું કોલેજની ટૂરમાં જઈ રહી છું એમ કહીને આ બેગ લઈને નીકળી હતી. અમારો પ્લાન હતો કે, દાદરથી ભાવિશાઆંટી ચઢે એટલે મારે આ બેગ ત્યાં જ છોડીને જતા રહેવાનું અને પછી ભાવિશાઆંટી જ આ બેગ લઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી જશે. ત્યાં પપ્પા તેમની રાહ જોઈને બેઠાં હશે. પણ તમે... તમે આ ભલાઈનું પોટલું લઈને દોડ્યા અને અમારા આખાય પ્લાનની વાટ લગાડી દીધી.' અરેરે... આ મારાથી શું થઈ ગયું, સાક્ષી ખરેખર આજે એક બુઢાપાની ઊંમરે પાંગરી રહેલા નવા પ્રેમની સાક્ષી બનવાના પ્રયત્નો કરી રહી હતી અને હું તેમાં આડખીલીરૂપ બન્યો હતો. હવે? હવે કરવું શું?

સ્વાભાવિક છે જે વાત મારે કારણે બગડી હોય તે મારે જ સુધારી લેવાની હોય. આ વખતે સાક્ષીના હાથમાંથી મેં તે બેગ આંચકી લીધી અને કહ્યું કે, પ્રોગ્રામની વાટ નહીં લાગે. તું ભાવિશાઆંટીને ફોન કરી દે કે હું હમણાં જ આ બેગ લઈને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચું છું.

 


Rate this content
Log in

Similar gujarati story from Romance