Ashutosh Desai

Classics Romance Tragedy

2.5  

Ashutosh Desai

Classics Romance Tragedy

એકવાર તો કહી દે, આઈ લવ યુ!

એકવાર તો કહી દે, આઈ લવ યુ!

10 mins
14.6K


'એકવાર બસ માત્ર એકવાર કહી દીધું હોત, કેટલાં શબ્દો છે, માત્ર ત્રણ જ ને? છતાં તેને એટલું પણ કહેતા નહીં આવડ્યું?' પોતાની જાત સાથે જ આ ફરિયાદભર્યો સંવાદ હિતાંશના દિલ-દિમાગમાં અનેકવાર રચાતો અને પછી સૂર્યાસ્તની જેમ થાકીને અસ્ત થઈ જતો. પરંતુ સૂર્યનો તો રોજ ઉદયનો વણલખ્યો નિયમ છે તો હિતાંશનો આ આપસંવાદ કઈ રીતે એકવારના અસ્તને સાંખીને બેસી રહે. મારી સામે બેઠેલા આ પાંસઠ વર્ષની આસ-પાસના આધેડ વયના યુવાન આજે તેના આપસંવાદને મારી સામે શબ્દોનું સ્વરૂપ આપી રહ્યા હતા.

મારા ઘરની ગલીની સામે જ રસ્તો ઓળંગતા જે ગલી છે ત્યાં પાછળના મહોલ્લા તરફ હિતાંશભાઈનું ઘર. આમ જોવા જઈએ તો અમારે ખાસ કોઈ ઓળખાણનો સંબંધ નહીં. ક્યારેક આવતાં-જતાં તેમને ઘણીવાર આ વિસ્તારમાં જોયા હતાં આથી એટલી ખબર હતી કે આ ભાઈ પણ ક્યાંક આસપાસમાં જ રહેતા હશે. ખબર નહીં એમને મારો નંબર ક્યાંથી જડ્યો, તે ગઈકાલે સાંજે અચાનક ફોન આવ્યો અને કહ્યું કે, મારે મળવું છે. તેમણે આ વાક્ય એટલા જબરદસ્ત હક્ક અને વિશ્વાસ સાથે કહેલું કે એકવાર તો મને એમ લાગવા માંડેલુ કે નક્કી આ ભાઈ મને સારી રીતે ઓળખતા હશે, અને ક્યાંક મળ્યા પણ હશે જ પરંતુ કદાચ મને યાદ નહીં હોય. 'કોની વાત કરો છો વડીલ?' મેં પૂછ્યું. 'આ વડીલ, વડીલ નહીં કર્યા કરો તમને કહી દઉં છું. હિતાંશ નામ છે મારું. ખબર છે ને? ફોન પર કહ્યું તો હતું, હિતાંશ વૈષ્ણવ!' તેમના આ છેલ્લાં વાક્ય પછી મારી આંખમાં ચમક આવી ગઈ. મને યાદ આવી ગયું કે, હા મારા ઘરની સામે આવેલા ગાર્ડન પાસે મેં આ અંકલને સોરી, હિતાંશને ઘણીવાર જોયા છે અને ક્યારેક આમ જ રસ્તે આવતાં જતાં તેઓ હાઈ-હેલ્લો પણ કરી લેતા હતા. બસ એટલું જ. એકાદવાર સામે મળી ગયેલા ત્યારે તેમણે કહેલું પણ ખરું કે, 'તમે સારું લખો છો. હું વાંચુ છું તમને.' જો કે આ સિવાય ખાસ કોઈ પરિચય નહીં. પરંતુ, ખબર નહીં આજે શું થયું સવારમાં હિતાંશ મારી ઘરે આવી ચઢ્યા અને કહે, 'બેસ, મારે કંઈક કહેવું છે.' આ વાક્ય એમણે એટલા હકથી કહ્યું કે મારે તેમની વાત માની લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ ડોસલા યુવાને જાણે મને ખખડાવી જ નાખ્યો.

'સૉરી, માય મીસ્ટેક. કોની વાત કરો છો, હિતાંશ?' મેં શરણાગતિ સ્વીકારી લેતાં ફરી એકવાર પૂછ્યું.

'આ પન્‍ના, બીજું કોણ. જો ને રિસાણી છે હમણાં મારાથી. આખી જિંદગી મને પોતાની જાત કરતાંય વધુ ચાહતી રહી પણ ખબરદાર જો એક દિવસ પણ મગનું નામ મરી પાડ્યુ હોય!' હિતાંશની વાતો હમણાં મને થોડી વિચિત્ર અને થોડી સમજી ન શકાય તેવી લાગી રહી હતી. પાંસઠની આસપાસની ઉંમર છે, પરણેલા પણ હશે જ. કોઈ બીજું લફરું હોય તેવી શક્યતા પણ હવે આ ઉંમરે તો ઓછી જ ગણાય. અને ધારો કે એવું કંઈ હોય પણ તો તેવું હિતાંશના કિસ્સામાં તો નથી જણાતું. તો પછી એ કોની વાત કરી રહ્યા હશે? હું વિચારી રહ્યો હતો. પરંતુ સીધી જ આ બાબતની શંકા જાહેર કરવા કરતાં હમણાં મેં એમની વાતને આગળ વધવાનો સ્કોપ જાળવી રાખવું બહેતર સમજ્યું. આથી મેં પૂછ્યુ, 'પરંતુ, તમને કઈ રીતે ખબર પડી કે તે તમને ચાહતી હતી...!'

'ચાહતી હતી નહીં, આજે પણ ચાહે જ છે.' કોઈ બાળક પાસે તેનું રમકડું લઈ લીધું હોય અને તે જીદ્દે ચઢે તેમ હિતાંશ મારા આ એક વાક્યને સુધારવાની જીદ્દે ચઢ્યા હતાં. 'ઓ.કે. બાબા સૉરી, હજીય ચાહે છે! પરંતુ, મારો પ્રશ્ન એ છે કે તમને કઈ રીતે ખબર પડી?' મેં પૂછ્યું.

ગુજરાતમાં તે સમયે નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. અમે બધાં અમારું કોલેજનું ભણતર પૂરું કરી નવા નવા ગ્રેજ્યુએટ થયેલાં. નોકરી તો હાથમાં હતી નહીં આથી નવનિર્માણનું આંદોલન જ અમારું નવું ભવિષ્ય લઈને આવશે, એ આશાએ અમે પણ આંદોલનમાં જોડાયા હતા. તે સમયે હાલની જેમ મોબાઈલ ફોન્સ કે વોટ્સઍપ જેવી સુવિધાઓ નહોતી, અરે મોબાઈલ ફોન છોડો ટેલિફોન લાઈન પણ અમારે માટે એક સપનાં સમાન હતું. આથી તે વખતે સંવાદનો સૌથી મોટો સહારો હતી ચિઠ્ઠીઓ. અને પન્‍નાના અક્ષરો, શું અક્ષરો હતા. તેનું લખેલું વાંચવું મને ખુબ ગમતું. પછી ભલેને એ કાગળમાં માત્ર સંદેશો, રેલીની જાણકારી કે ભાષણની સ્ક્રિપ્ટ જેવી બાબતો લખી હોય. તેનો કોઈપણ સંદેશો વાંચવો જાણે મારે મન વસંતની મોસમ હતી. અને છતાં પન્‍નાએ એકવાર, એકવાર પણ મને પ્રેમપત્ર સુધ્ધાં નથી લખ્યો બોલો! તમે જ કહો, ખોટું કહેવાય કે નહીં?' હિતાંશ જે ફરિયાદના મૂડ સાથે મને પૂછી રહ્યા હતાં તે જોતાં મને લાગ્યું કે હું "ના" કહીશ તો નક્કી મારું આવી બનશે. 'હા ખોટું તો કહેવાય!' મેં કહ્યું.

'તો પછી! પણ એને તો મારી પડી જ નથી ને! તમને ખબર છે હું તેની કેટલી ચિંતા કરતો? છોકરીઓ નોકરી કરે કે પોતાનું આર્થિક ઉપાર્જન જાતે કરે એ વાત હજી તે સમયે આપણાં સમાજમાં એટલી સ્વીકાર્ય નહોતી જેટલી આજે છે. હું તેને કેટલીયવાર કહેતો કે, તારે ક્યાં નોકરી કરવાની છે કે તું અમારી સાથે આમ હેરાન થઈ રહી છે? તું તો આવતીકાલે પરણીને જતી રહેશે. પછી શા માટે આમ તાપમાં રખડ્યા કરે છે, તું કાળી થઈ જશે! આ મોંઘવારી અને ઘોટાળાઓની ચિંતા તારો વર કરશે તું શું કામ ટેન્શન લે છે.' હિતાંશ 'ભૂતકાળ' નામના ફોલ્ડરમાંથી 'જૂની યાદ' નામની એક એક ફાઈલ મારી સામે ખુલ્લી મૂકી રહ્યા હતા. 'ઓહ, એટલે પેલું બહુ વગોવાયેલું નવનિર્માણ આંદોલન ફૂડ કરપ્શન સામે હતું એમ?'

'હા, ચીમનભાઈ પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આવ્યા હતા અને તેમના પર ઈકોનોમિક ક્રાઈસિસ, ઘોટાળા અને ખાધા ખોરાકીના પૂરઝડપે વધી રહેલા ભાવો અંગે અનેક આરોપો જનતા તરફથી લગાવવામાં આવ્યા હતાં. પરંતુ, તમારે મારી વાત સાંભળવી છે કે નવનિર્માણ આંદોલનનો ઈતિહાસ જાણવો છે?' હિતાંશને વચ્ચે બેકારના મુદ્દાઓ થકી ખલેલ પડે એ મંજૂર નહોતું.

'ના, ના, ખરો રસ તો તમારી વાત સાંભળવામાં જ હોય ને, કેવી વાત કરો છો!' મેં તેમની સામે કાન પકડ્યા.

'હા તો હું ક્યાં હતો? હા... અમે નવનિર્માણ આંદોલનમાં સાથે જોડાયાં. રોજ ક્યાંકને ક્યાંક રેલી અને કોઈને કોઈ ભાષણમાં જવાનું, પન્‍ના મારે માટે એક કાગળ પર સંદેશો લખીને આપી જતી અને બીજા દિવસે સવારે હું મારી સાયકલ લઈને તેને ઘરે લેવા જવા માટે પહોંચી જતો. તમે માનશો? મને આવેલો જોઈને તેના જ નહીં તેની મમ્મીના ચહેરા પર પણ ચમક આવી જતી. ક્યારેક તો શાંતામાસી કહી પણ દેતાં 'અલી, પન્‍ની આ હિત્યા જોડે આખી જિંદગી સાયકલ પર જ ફરવું છે તારે?' પન્‍ના બિચારી, મારી ભોળી હસી પડતી. પણ તમને કહું? તે સમયે પણ એને એમ નહીં થાય કે હિતાંશને પેલાં ત્રણ શબ્દોનું નાનું અમથું વાક્ય કહી દઉં!' હું એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે એ ત્રણ મેજીકલ વર્ડઝનું હિતાંશ માટે કેટલું મોટું મહત્વ હતું અને આજે પણ છે. પરંતુ હિતાંશ માટે હમણાં મારી હા કે ના કરતાં પન્‍નાએ નહીં કહ્યું તેનો અફસોસ વધુ મહત્વનો હતો આથી મેં ચૂપ રહેવાનું જ બહેતર સમજ્યું.

'અને તમને કહું સાહેબ, એવું નહોતું કે પન્‍નામાં એ કહેવાની કાબેલિયત નહોતી કે કઈ રીતે કહેવું એ તેને સમજાતું નહોતું કે આવડતુ નહોતું. બાપડીએ આખી જિંદગી મારા નામે હોમી દીધી તો એક આટલું એ નહીં કહી શકે એ તો શક્ય જ નથી. તમને દેખાડું, દેખાડું એ કેટલું બહેતર લખતી હતી એ? તમને કહું આ તે સમયના સાહિર, બાહીર તો એની સામે પાણી ભરે, એટલું જ નહીં તે સમયે નવો નવો આવ્યો હતો ને પેલો, પેલો કોણ? હા... ગૂલઝાર સાહેબ! અરે, સાનો ગૂલઝાર સાહેબ તમને કહું મારી પન્‍નાની લખેલી એક લાઈન વાંચી દઉંને તો તમને થશે કે ગૂલઝાર શું લખે છે, એના કરતાં તો પન્‍ના જ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ગઝલકાર કે ગીતકાર છે.' આટલું કહેતાં હિતાંશે ગજવામાંથી એક પીળો પડી ગયેલો કાગળ કાઢ્યો અને મારી સામે મૂકી દીધો. અને જાણે એ કાગળ હમણાં તેમણે હાથમાં જ પકડ્યો હોય તેમ બોલવા માંડ્યા...

"કભી સોચતી હું તુમને મુઝે બેતહાશા પ્યાર દીયા..

મૈં તુમ્હે ક્યા દૂં? મેરે પાસ તો લે દે કે સિર્ફ તુમ હી હો,

વો મૈં તુમ્હે નહીં દે સકતી! તુમ્હે અપની ચીઝે સંભાલના કહાં આતા હૈ!"

બોલો, તમે જ કહો આટલું જબરદસ્ત કોઈ લખી શકે? પણ મારી પન્‍ના લખે છે. અને પાછી કહે પણ છે કે તુમને મુઝે બેતહાશા પ્યાર દીયા... તો પછી પોતાને પણ સામે કહી દેતા શું વાંધો આવે, પણ નહીં... એ નહીં જ કહે. અને હવે આ હમણાં કેટલાં દિવસથી મારાથી રિસાઈ ગઈ છે. એક શબ્દની પણ વાત કરવા તૈયાર નથી, બોલો.

બાપ રે, ક્યા બાત હૈ, આટલી બે લાઈનથી જ મને હિતાંશભાઈના પન્‍નામેડમની કાબેલિયતની પૂર્ણઝલક મળી રહી હતી. જે સ્ત્રી સૉરી, સ્ત્રી નહીં છોકરી, આટલું સુંદર લખી શકતી હોય એ ગીતો લખવાનું કે ગઝલ લખવાનું નક્કી કરે તો કેટલું બહેતરીન લખી શકે. મને લાગે છે કે હિતાંશભાઈ કદાચ સામે બેઠેલાં માણસનું મન વાંચી શકતા હશે. આથી જ તો તેમણે કહ્યું. 'એટલું જ નહીં સાહેબ આ બીજી એક સાંભળો, પન્‍નાની આ રચના તો એવી છે કે જેને તમે ચાહો તો કંઠષ્ત પણ કરી શકો.

"તેરે અલફાઝ મેરી નઝ્મમેં લડખડાતે હૈં,

ફીર હાં લીખતે-લીખતે સંભલ જાતે હૈ!

વો લોગ જો નિકલતે હૈ ખુદ કો ઉઠાએ ઘર સે સુબહ,

શામ હોતે હોતે ન જાને ક્યા બન જાતે હૈ.

હમ એક દૂસરે સે ઉલ્ટી તરફ બહુત દૂર તક ચલતે રહે,

થક ગયે હો તુમ? ચલો અબ લૌટ આતે હૈ."

ઓહ માય ગોડ, શું લખે છે આ પન્‍નામેડમ મારી પાસે ખરેખર જ શબ્દો નહોતા. માત્ર આ બે નાની રચનાઓ દ્વારા જ હું એટલું તો ચોક્ક્સ કહી શકતો હતો કે હિતાંશભાઈની વાત ખોટી તો નહોતી. પન્‍ના મેડમ સાચે જ એક જબરદસ્ત ટેલેન્ટેડ કવિયત્રી હતાં. હિતાંશની વાત સાંભળી હવે ખરેખર જ મને પન્‍નામેડમને મળવાની, એકવાર તેમને જોવાની ઈચ્છા થઈ આવી હતી. સાથે જ મને એ પણ વિચાર આવી રહ્યો હતો કે જો માત્ર આ બે રચના સાંભળીને મને પન્‍નામેડમને મળવાની ઈચ્છા થઈ રહી છે તો હિતાંશની પરિસ્થિતિ તો શું હશે. અને તેમાં પણ જ્યારે આટલી જબરદસ્ત રચનાઓની માલિકણ, બેતાહાશા કાબેલ કવિયત્રી પોતાને ચાહે છે તે વાતની જાણ હોય અને છતાં જો તે આ લાગણી આખીય જિંદગી દરમિયાન પોતાના સૌથી નિકટત્મ એવા પ્રેમીને જ નહીં કહી શકી હોય ત્યારે તો ફરિયાદ થવી લાઝ્મી છે. મને પણ મનમાં થઈ આવ્યું કે, શબ્દોને આટલી સુંદર રીતે રચનાનું સ્વરૂપ આપી શકતી એક એક સ્ત્રી જો પોતાના જ પ્રેમીને એકપણવાર 'આઈ લવ યુ!' પણ નહીં કહે તો એ તો કેવો અભાગ્યો સંયોગ કહેવાય! આટલી વાત પછી હવે તો ખરેખર મને પણ એમ લાગવા માંડ્યુ હતું કે પન્‍નામેડમ સાચે જ જો આટલું જબરદસ્ત લખતાં હતાં અને હિતાંશના કહેવા પ્રમાણે તેમને ચાહતા પણ હતાં તો પછી તેમણે આ હિતાંશ જેવા પાગલપ્રેમીને એકવાર એ ત્રણ મેજીકલ શબ્દો કહી દેવામાં શું વાંધો હતો! પરંતુ અહીં મારા પર્સનલ વ્યુનું એટલું મહત્વ નહોતુ જેટલું હિતાંશની પન્‍ના પ્રત્યેની લાગણીનું અને પન્‍નાના અવ્યક્ત રહી ગયેલાં પ્રેમનું હતું. અમારા આ સંવાદમાં હવે એ સમય આવી ગયો હતો જ્યારે અનિચ્છાએ પણ મારે હિતાંશને એ વાત પૂછવું પડે એમ હતું કે તે મારી સામે આ બધી વાત શા માટે કહી રહ્યા છે, તેઓ મારી પાસે શું અપેક્ષા રાખે છે?

'પન્‍નામે'મ ખરેખર ખુબ સુંદર લખે છે, હિતાંશ. હવે મને એ કહો કે મને આ બધું કહેવા પાછળનો શું આશય છે? હું શું કરી શકું તમારે માટે? શું મારે એમને કહેવાનું છે કે તે તમને એકવાર આઈ લવ યુ કહે?' મેં પૂછ્યું. 'અરે ના, એ તો મને ખબર જ છે કે, એ મારે માટે આઈ લવ યુ છે જ! વાત એ નથી. વાત એ છે કે એ ડોબી હમણાં મારાથી રિસાઈને બેસી ગઈ છે. કેટલું સમજાવું છું, રોજે-રોજ સમજાવું છું છતાં માનતી જ નથી! મારી વાત સાંભળતી જ નથી! મારી સાથે વાત કરતી જ નથી!' હિતાંશની વાત હજીય આગળ ચાલુ જ હતી ત્યાં મારી બાજૂમાં પડેલો ફોન રણક્યો.

'હેલો, સર! હું દિવ્યાંશ વાત કરું છું.' ફોન ઉંચકતા જ સામે છેડેથી જાત ઓળખાણ રજૂ થઈ. 'જી, બોલો!' મેં કહ્યું. 'સર, પપ્પા તમારે ત્યાં આવ્યા છે ને? આઈ મીન હિતાંશ વૈષ્ણવ, ત્યાં છે?' દિવ્યાંશે પૂછ્યું.

મેં કહ્યું, 'હા, તમારા પપ્પા અહીં જ મારી સાથે બેઠા છે. ફોન આપું એમને?' મેં સ્વાભાવિક સાલસતા દેખાડતાં પૂછ્યું.

'ના ના સર, વાંધો નહીં. હું મારા દીકરા કૈરવને મોકલું છું એમને લેવા આવવા માટે. બસ માત્ર એક રિકવેસ્ટ છે, એ નહીં આવવા માટે જીદ્દ કરે તો પણ કૈરવ સાથે એમને મોકલી આપજો. અહીં મહારાજ કહે છે કે વિધી પ્રમાણે બ્ર્હામણોને દાન પપ્પાના હાથે જ અપાવવું પડે.'

'દાન, બ્ર્હામણોને? અરે, તમારે ત્યાં કોઈ પૂજા ચાલી રહી છે? અને હિતાંશભાઈ એ પૂજા છોડી આમ મારા ઘરે બેઠાં છે? સો સૉરી, હું હમણાં જ એમને...' મેં દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.

'જી, આજે મમ્મીના તેરમાની વિધી છે અને મહારાજ કહે છે કે પપ્પાના હાથે જ દાન અપાવીએ તો...' આટલું કહેતાં દિવ્યાંશનો અવાજ ભીનો થઈ ગયો.

'શું તમારા મમ્મી, મતલબ, હિતાંશભાઈના પત્ની? આય એમ સો સૉરી ટૂ હીઅર ધેટ દિવ્યાંશભાઈ!' મેં કહ્યુ.

'ઈટ્સ ઑ.કે. સર પણ મમ્મીના ગયા પછી પપ્પા ઘરમાં ટકતા જ નથી. જરા મૌકો મળે ને ક્યાંકને ક્યાંક બહાર ચાલી જાય છે.' દિવ્યાંશની વાત સાંભળી મને શું કહેવું એ સમજાઈ નહોતું રહ્યું, પરંતુ, છતાં મેં હિંમત કરી અને દિવ્યાંશને પૂછ્યુ 'તમારા મમ્મી એટલે...?'

'જી, પન્‍નાબેન વૈષ્ણવ.' દિવ્યાંશે કહ્યું અને મારી નજર પેલા પીળા પડી ગયેલાં કાગળોની ઘડી વાળી રહેલાં હિતાંશ વૈષ્ણવ પર સ્થિર થઈ ગઈ.

(કાવ્ય પંક્તિ સભાર : પૂર્વી દેસાઈ)


Rate this content
Log in

Similar gujarati story from Classics