મહોરાનું સ્વરૂપ - પ્રણયનું રૂપ
મહોરાનું સ્વરૂપ - પ્રણયનું રૂપ


'મારા દરેક નાટકોની સફળતાનું કારણ તેનું સ્ત્રી પાત્ર હોય છે. આ નાટકમાં પણ વસુધાના પાત્રને મેં એટલું જબરદસ્ત અને ડોમિનેટીંગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે મારા દર્શકો તેના એક એક સંવાદ પર તાળીઓ પાડવા મજબૂર થઈ જશે.' ગુજરાતી તખ્તાના મહાન ડીરેક્ટરોની યાદીમાં જેમનું નામ પ્રથમ ત્રણ ડીરેક્ટરોમાં ગણાવવામાં આવતું હતું તે દુષ્યંત મહેતા એક પ્રેસ રિપોર્ટરને કહી રહ્યાં હતાં. 'તમારું આ પહેલાંનું નાટક "આંગણે વસંતના દીવા" પણ જબરદસ્ત સફળ રહ્યું હતું, જેનાં ૬૦૦થીય વધુ હાઉસફૂલ શૉ તમે કર્યા હતાં, તે નાટકમાં પણ એક ક્ષત્રિયાણીના પાત્રમાં જ્યોતિબાનો જબરદસ્ત પ્રભાવ રહ્યો હતો!'
'જી હાં, જ્યોતિબાના પાત્રને તમે જોયું હોય તો તમને ખબર હશે કે, આ રીતના પાત્રનું ગુજરાતી નાટકોના તખ્તા પર નિરૂપણ કરવું સહેલું નહોતું, કુંજલની બે મહિનાની સતત મહેનતને કારણે અમે જ્યોતિબાના પાત્રને દર્શકો સામે જીવંત કરી શક્યા હતાં.' દુષ્યંત મહેતાના અવાજમાં ગૌરવની લાગણી વર્તાઈ રહી હતી.
'જી સર, હું મારા આગળના પ્રશ્નમાં આ જ વાત પૂછવા જઈ રહી હતી. તમારા દરેક નાટકની લીડીંગ લેડીનું પાત્ર તમે કુંજલ પાસે જ કરાવો છો. અમારા જેવા દરેક દર્શકો માટે ખરેખર તે એક અચંબિત કરનારો પ્રશ્ન છે કે કઈ રીતે તમે કુંજલને જ તમારા દરેક નાટકમાં આ રીતે લીડીંગ લેડીનું પાત્ર ભજવવા માટે તૈયાર કરતા હશો? અને કુંજલ પણ તે પાત્ર એટલું ઠસ્સાભેર ભજવે છે કે જાણે દરેક દર્શકને તેના પ્રેમમાં પડવું ગમવા માંડે.'
રિપોર્ટરના આ શબ્દોની જ જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ દુષ્યંત મહેતા બોલ્યા, 'કુંજલ મારા નાટકોનું જ નહીં પરંતુ મારી ટીમનુંય અમુલખ ઘરેણું છે. હવે તો એ પરિસ્થિતિ આવી ગઈ છે કે કુંજલ વિના મારું એકપણ નાટક અને તે નાટકનું મુખ્ય સ્ત્રીપાત્ર હું વિચારી સુધ્ધા નથી શકતો. કુંજલ માટે અને તેની મહેનત માટે જેટલાં શબ્દો કહેવામાં આવે એટલાં ઓછાં છે. સમજી લોને કે જો આવતીકાલે કુંજલ નહીં હોય તો ગુજરાતી રંગભૂમિને દુષ્યંત મહેતાના નાટકો નહીં મળે.'
એક તરફ પોતાના નવા નાટકના મૂહર્તનો પહેલો શૉ સફળતાપૂર્વક પૂર્ણ કરી નાટ્યગૃહના એક ખૂણામાં બેસી દુષ્યંત મહેતા પ્રેસ રિપોર્ટરને ઈનટરવ્યુ આપી રહ્યા હતાં તો બીજી તરફ સ્ટેજ પર રાતના બીજા શૉની તૈયારી થઈ રહી હતી. અને દુષ્યંત મહેતાના મોઢે જેના વખાણ થઈ રહ્યા હતાં તે કુંજલ અને પ્રોડક્શન મેનેજર કમ આર્ટીસ્ટ આલોક ગ્રીનરૂમમાં બેઠાં હતાં. આ નવા નાટકની તૈયારીના એ શરૂઆત દિવસો યાદ કરતાં આલોકે કહ્યું, 'કુંજલ, યાદ છે મહેતાસરે તારી આ ગોલ્ડન કીનારવાળી સાડી માટે કેટલી દોડધામ કરાવી હતી!' 'હા, આલોક એ દિવસે દુષ્યંતસરનો ચહેરો જોવા જેવો હતો નહીં? અને તું દુષ્યંતસરની શું વાત કરે છે, ગોલ્ડન સાડીની વાત નીકળી કે તુરંત તારો ચહેરો પણ કેવો ખીલી ઊઠ્યો હતો. બીજા કોઈને ભલે ન સમજાયું હોય પરંતુ મને ખબર પડી ગઈ હતી કે જ્યારે દુષ્યંત સરે મને આ સાડી પહેરવા કહ્યું હતું ત્યારે સૌથી વધુ ખુશી તને થઈ હતી!' ચહેરા પરનો મેકઅપ કાઢવા ભીનો રૂમાલ ફેરવતાં કુંજલે કહ્યું. 'હા તે કેમ નહીં હોય, આ ગોલ્ડન સાડીમાં કમ સે કમ હવે પછીના છ મહિના સુધી તને રોજ જોવાનો મોકો મળશે એ વિચાર માત્રથી જાહોજલાલીનો અહેસાસ થતો હોય તો ખુશી કેમ નહીં થાય.' આલોકે આંખ મિચકારતા કહ્યું. 'બસ હં હવે, આમ કોઈ રસ્તે ચાલતા મવાલીની જેમ ટગર ટગર જોવાનું બંધ કર, હમણાં હું સ્ટેજ પર નથી, ગ્રીનરૂમમાં છું.' કુંજલનો ચહેરો ભલે આયના તરફ હતો પણ તેને ખબર હતી કે આલોક હમણાં પણ તેને એકીટસે એ રીતે જોઈ રહ્યો છે જાણે ખાઈ જવાનો હોય. 'ભલે તું સ્ટેજ પર નથી કુંજલ પરંતુ ગોલ્ડન સાડીમાં તો છે ને, જો કે એ અલગ વાત છે કે મને તો તું કોઈપણ નાટકના કોઈપણ કોસચ્યુમમાં ગમે છે.' આલોક જાણે કુંજલના વખાણમાં પૂરતા શબ્દો જડી રહે તે માટેની તૈયારી કરવા માંડ્યો. પરંતુ એટલામાં જ કુંજલે સાડીના પાલવમાં ભરાવેલી પીન કાઢવાનો પ્રયત્ન કરતા કહ્યું, 'સારું સારું ચાલ હવે આ આશિકવેડા બંધ કર અને મને આ સાડી કાઢવામાં મદદ કર. ખૂબ ગરમી થાય છે, યાર.'
'ના ના વસુધા, આ સાડી આમ બેરહમીથી નહીં કાઢો, તમારા આશિકનો જીવ નીકળી જશે' ઘૂંટણીયે બેસી જતાં આલોકે કોઈ મજનૂની અદાથી કહેવા માંડ્યું. 'ચાલ હવે આ વેવલાવેડાં બંધ કરેને યાર, પ્લીઝ.' કુંજલે તેના માથે હળવી ટપલી મારતા કહ્યું. 'હું શું કરું કુંજલ અધ્વર્યુ, પહેલાં જ્યોતિબાના વેશમાં અને હવે હમણાં આ વસુધાના રૂપમાં તમારો દેખાવ એટલો ભવ્ય લાગે છે કે હું જ નહીં આખાય હોલમાં બેઠેલો એક એક દર્શક તમારો આશિક થઈ જવાનું પસંદ કરે, એમાં આ નાદાનનો શું વાંક? સાચું કહું તો વાંક મારો કે દર્શકોનો નથી દોસ્ત, વાંક તારા આ હોટ એન્ડ સ્પાઈસી લૂકનો છે.' આલોક હજીય કુંજલના વખાણશાસ્ત્રનો પૂડો મૂકવા તૈયાર નહોતો. 'હા એ જને, હવે પછી મારે દુષ્યંતસરને કહેવું જ પડશે કે ક્યાં તો મને આ રીતના રોલ્સ આપવાનું બંધ કરો ક્યાં તો તમારા પાત્રને આટલું આકર્ષક ચિતરવાનું બંધ કરો.' કુંજલએ થોડા કંટાળા સાથે કહ્યું. 'ના ના એવો જુલ્મ ન કરીશ દોસ્ત, વરના તેરે આશિક બિન મોત મારે જાયેંગે!' કુંજલને લાગ્યું કે આલોક આજે પાગલ થઈ ગયો છે. 'હવે બસ કરને આલોક, પ્લીઝ યાર, મને ખૂબ ભુખ લાગી છે. આ સેન્ડવીચ અને વડા ઠંડા થઈ જાય તે પહેલાં આપણે તેમને ખાવાનું શરૂ કરીએ હવે, પ્લીઝ.' તેણે કહ્યું.
'ઓ હા, હું ટીમના બાકીના બધાને પેકેટ્સ આપી આવું છું ત્યાંસુધીમાં તું ચેન્જ કરી લે.' કહેતાં આલોક ખાવાના થોડા પેકેટ્સ ઉઠાવી ગ્રીનરૂમની બહાર નીકળ્યો.
ગુજરાતી રંગભૂમિના માંઘાતા ગણાતા દિગ્દર્શક દુષ્યંત મહેતાની ટીમનું આ સાતમું નાટક હતું. આગલા છ નાટકની જેમ જ કુંજલ આ નાટકમાં પણ મુખ્ય સ્ત્રીપાત્ર ભજવે તેવી દરેકની ઈચ્છા હતી. જ્યારે આલોક પ્રોડક્શન મેનેજર તરીકે બેકસ્ટેજમાં પણ કામ કરતો હતો અને ઓનસ્ટેજ પણ નાના મોટા પાત્રો ભજવી લેતો હતો. દરેક કલાકારની વેશભૂષાથી લઈને ખાવાનાનો, તેમના ટ્રાવેલનો અને હોટેલ બુકિંગનો ખ્યાલ રાખવાની જવાબદારી આલોક પર હતી. દુષ્યંત મહેતાની ટીમમાં કામ કરતા કરતા બીજા નાટકથી જ આલોક અને કુંજલ ખૂબ સારા મિત્રો બની ગયાં હતાં. ગુજરાતી નાટક ઈન્ડસ્ટ્રીમાં આલોક જ્યારે નવો નવો પ્રવેશ્યો અને તેને દુષ્યંત મહેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વિના તેણે પહેલી જ મિટીંગમાં દુષ્યંતસરને કહી દીધું હતું, 'સર તમે જે કામ કહેશો તે કરવા હું તૈયાર છું, બસ મને તમારી સાથે, તમારી ટીમ સાથે કામ કરવું છે. ત્યારથી કુંજલની જેમ જ દુષ્યંત મહેતા માટે આલોક પણ તેમની ટીમનો એક મહત્વનો સદસ્ય બની ગયો હતો. મહેતાસરના દરેક નાટકમાં અગર કુંજલ મુખ્યપાત્રમાં હોય તો પ્રોડક્શનના અભિન્ન અંગ તરીકે આલોક તેમની ટીમનો આધારસ્તંભ સમાન હોય જ. આ સમય દરમિયાન જ્યારે દુષ્યંત મહેતાએ તેમનું ત્રીજૂં નાટક શરૂ કર્યું ત્યારે રીડીંગના સમયથી જ કુંજલનું નાટક પ્રત્યે અને તેના પાત્ર પ્રત્યે ડેડીકેશન જોઈ આલોક ખૂબ પ્રભાવિત થયો હતો. તે ત્રીજા નાટકથી જ આલોકના મનમાં એક ઈચ્છા ઉત્તરોતર વધુને વધુ બળવત્તર થતી ગઈ હતી કે જિંદગીમાં એક વખત કુંજલ સામે નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવી છે. દુષ્યંતસરના દરેક નાટકમાં&nbs
p;મુખ્ય સ્ત્રીપાત્ર તો કુંજલ જ ભજવે તે નક્કી જ હતું તો મુખ્ય પુરૂષપાત્ર પોતાને કેમ નહીં મળી શકે? તેવી દલીલ આલોક હંમેશા પોતાની જાત સાથે કરતો રહેતો. સાથે જ એક એક નાટકમાં કુંજલને જે પ્રમાણે દર્શકોને વાહવાહી મળતી તે પણ આલોકની ઈચ્છાને વધુ બળ પુરુ પાડતી. આલોકને જાણે દરેક નવા નાટકમાં કુંજલના દરેક નવા પાત્ર સાથે પ્રેમ થઈ જતો. નાટકના તે પાત્રના અને કુંજલના અભિનયના વખાણ કરતાં કરતાં આલોકની જીભ થાકતી નહોતી.
'કલ્પનાઓ સામે વાસ્તવિકતા જોજનો દૂર હોય એવું મહદાંશે બનતું હોય છે મી. શાહ. તો બહેતર છે કે તમારા શબ્દોની લગામ કાબૂમાં રાખો!' દર્શકોથી ખીચોખીચ ભરેલા નાટ્યગૃહમાં નિરવ શાંતિ હતી. દરેક શ્રોતા જાણે આંખનું મટકુંય મારવાનું ભૂલી ગયો હતો કારણ કે તેમની સામેના રંગમંચ પર હમણાં વસુધાનું પાત્ર રૂઆબભેર આ શબ્દો બોલી રહ્યું હતું. ફરીવાર તાળીઓનો ગડગડાટ થયો અને વિંગમાં ઊભેલા દુષ્યંત મહેતાએ કોલર ઊંંચા કર્યા. સામેની વિંગમાં ઊભેલા પોતાની એન્ટ્રીની રાહ જોઈ રહેલા આલોકે પણ દર્શકો સાથે તાળીઓ પાડી લીધી. 'તું પાગલ થઈ ગયો છે આલોક? વિંગમાં ઊભા રહીને આમ તાળીઓ પાડતો હતો, તે સમજ નહીં પડે કે માઈકમાં તારો અવાજ કેપ્ચર થઈ જાય.' નાટકનો પ્રયોગ પૂર્ણ થયો એટલે કુંજલે આલોકને ખખડાવી નાખ્યો. 'અરે, સ્ટેજ પર તારો પ્રભાવ એટલો જબરદસ્ત હોય છે કે તાળીઓ પાડતા હું મારી જાતને રોકી શકતો નથી.' આલોકે ખુલાસો આપવામાંય કુંજલના વખાણ કરી લીધા. 'મનના ભાવ બખુબી છુપાવી શકે એ જ સાચો કલાકાર,' કુંજલે કોઈ ગોલ્ડન જ્યુબીલી સ્ટારની અદાથી કહ્યું. 'અમે શાના કલાકાર કુંજલ, કલાકાર તો તું છે, દુષ્યંત મહેતાના દરેક નાટકોના અપ્રતિમ સ્ત્રીપાત્રો એટલે એકમાત્ર કુંજલ અધ્વર્યુ.' આલોક જાણે કોઈ રાજાના આગમન ટાણે દરવાન છડી પોકારતો હોય તે રીતે કહ્યું.
'રામ જાણે તું ક્યારે સુધરશે, હે ભગવાન...' કુંજલને જાણે આલોકના વખાણ શબ્દોની કોઈ અસર નહોતી થઈ રહી. જોકે આલોકનો તેમાં કોઈ દોષ પણ નહોતો. કુંજલ દ્વારા દરેક નાટકના સ્ત્રીપાત્રને એટલી સમર્થતાથી રજૂ કરવામાં આવતા કે તેની ટીમના દરેક કોસ્ટાર્સ તો શું પણ દર્શકો પણ તેના પ્રેમમાં પડી જતા હતાં. તેની સાડી પહેરવાની રીત, મેકઅપમાં પણ એક રજમાત્રની ભૂલ કે ઓછપ નહીં અને કપાળે કરેલો ચાંલ્લો તો જાણે કુંજલનો ટ્રેડમાર્ક સમો હતો. તેને કોઈપણ જાતની હેરસ્ટાઇલવાળી વિગ પહેરાવવામાં આવે કુંજલને તે દરેક હેરસ્ટાઇલ શોભતી. લિપસ્ટીકના શેડ્સથી લઈને આઈલાઈનર સુધીની તમામ બાબતમાં કુંજલની સુઝબૂઝ ગજબની હતી. ક્યારેક તો એવું બનતું કે કુંજલ, આલોક સાથે શહેરમાં આંટો મારવા કે નાટકની કોઈ પ્રોપર્ટીની ખરીદવા માટે પણ તેના પાત્રના કોસ્ચ્યુમમાં જ નીકળી પડે અને ત્યારે અનેકવાર એવું બનતું કે રસ્તે આવતા-જતાં લોકો કે દૂકાનદાર કુંજલને એક નજર જોયા પછી જોતાં જ રહી જતાં. તેમણે અનુભવેલા આ પળવારના આકર્ષણ માટે કુંજલનો દેખાવ એટલો જવાબદાર નહોતો જેટલો તેનો સાજ-શણગાર અને તે આખાય ભપકાને કેરી કરવાની તેની સ્ટાઇલ જવાબદાર હતી.
દુષ્યંત મહેતાની ટીમનું આ સાતમુ નાટક પણ જબરદસ્ત હિટ પુરવાર થઈ રહ્યુ હતું. ભારતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા રહેતી હતી ત્યાં અત્યારસુધીમાં ૮૦૦ જેટલાં શૉઝ કરી હવે મહેતાસરની આ ટીમ અમેરિકાની ૩ મહિનાની ટૂરની તૈયારી કરી રહી હતી. આજે તે ટૂર પહેલાંનો ભારતનો છેલ્લો પ્રયોગ હતો જે પૂર્ણ થયો અને આ છેલ્લા શૉમાં પણ કુંજલ દ્વારા ભજવવામાં આવતા વસુધાના પાત્રને જબરદસ્ત દાદ મળી હતી.
'કુંજલ, આજે મારી સાથે ડીનર પર આવશે?' આલોકે કહ્યું. 'કેમ આજે કોઈ ખાસ દિવસ છે?' કુંજલે પૂછ્યું. 'હા, ખાસ તો ખરો. પણ એ તું મારી સાથે ડીનર પર આવવાનું પ્રોમિસ આપે તો કહું.' આલોકે ધીમા અવાજે કહ્યું. 'ઓ.કે. મફતમાં ડીનરની ટ્રીટ મળતી હોય તો હું શું કામ ના પાડું. હું ચેન્જ કરી લઉં પછી મહેતાસરની પરમીશન લઈને નીકળીએ.' કુંજલે કહ્યું. 'રહેવા દે ને!' આલોક બોલ્યો. 'અરે કેવી વાત કરે છે, જતાં પહેલાં મહેતાસરને તો મળવું જ પડશે ને!' 'અરે, હું આ ડ્રેસની વાત કરું છું. રહેવા દે ને, પ્લીઝ!' આલોક હમણાં એ રીતે બોલી રહ્યો હતો જાણે તે કોઈ વશીકરણની અસર હેઠળ હોય. 'પાગલ થઈ ગયો છે? આ વેશમાં હું ડીનર પર? અને તે પણ તારી સાથે?' કુંજલે આલોક તરફ આંખ મિચકારતા કહ્યું. 'ઈટ્સ માય બર્થ ડે, કુંજલ!' આલોક હજીય વશીકરણમાંથી બહાર આવ્યો નહોતો. 'વોટ, ડોન્ટ ટેલ મી. રીઅલી? ઈટ્સ યોર બર્થ ડે? તો તો આપણી ટીમને પણ તારે જાણ કરવી જોઈએ, યાર... એક મિનિટ... મહેતાસર...' કુંજલનો અવાજ દુષ્યંત મહેતા સુધી પહોંચે તે પહેલાં જ આલોકે તેના મોઢાં પર હાથ મૂકી દીધો. 'પ્લીઝ યાર, જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. તું ડીનર માટે મારી સાથે આવે છે કે નહીં, એટલું કહી દે.' આલોકના અવાજમાં વર્તાય રહ્યું હતું કે તે આજે કોઈને સાથે લઈ જવા નહોતો માગતો. 'ઓ.કે. બાબા. ઓ.કે. હું આવું છું, ચાલ. આજે તારી બર્થ ડે છે તો તું કહે છે એમ, આ સાડી પણ નથી બદલવી, બસ? બોલ હવે ક્યાં જમવા જશું?'
કુંજલ અને આલોક બંને થિયેટરની બહાર નીકળ્યા. આલોક આજે કુંજલને શહેરની સૌથી બેસ્ટ રૅસ્ટારાંમાં ડીનર માટે લઈ ગયો અને ત્યાં અચાનક તેણે ટેબલ પર એક મોટી ચોકલેટ અને ગુલાબનું ફૂલ મૂકતા કહ્યું, 'કુંજલ, આય લવ યુ!' આલોકનો હાથ કુંજલના હાથને સ્પર્શવા જઈ રહ્યો હતો પરંતુ ત્યાં જ કુંજલે તેનો હાથ પાછળ ખેંચી લીધો. 'તું પાગલ થઈ ગયો છે, આલોક!' તેનો અવાજ મોટો થઈ ગયો હતો. 'આપણે હમણાં નાટકના સ્ટેજ પર નથી સમજ્યો ને, તું શું બોલે છે એનું ભાન છે તને?' કુંજલના ચહેરાના ભાવ બદલાઈ ગયા. 'હા કુંજલ, હું કોઈ નાટકના સ્ટેજ પરના કોઈ પાત્ર માટે નહીં પરંતુ વાસ્તવિક જિંદગી માટે જ વાત કરી રહ્યો છું, હું તારા પ્રત્યે માત્ર આકર્ષણની નહીં પરંતુ પ્રેમની લાગણી અનુભવુ છું, કુંજલ... પ્લીઝ.' આલોકના અવાજમાં ભીનાશ પ્રવેશી રહી હતી. 'સ્ટોપ ઇટ નાવ, આલોક. તું મારો મિત્ર છે, છેલ્લા ચાર વર્ષની આપણી આ મિત્રતા દરમિયાન જ્યારે જ્યારે તું મારા વખાણ કરતો ત્યારે મને લાગતું કે તું મારા કામના, મારા અભિનયના વખાણ કરે છે. અને આપણાં દરેક નાટક કે તેના પાત્ર માટે તું જ્યારે જ્યારે મારી સાથે ફ્લર્ટ કરતો રહેતો ત્યારે હું તેને મજાક ગણી લેતો કારણ કે મને લાગતું હતું કે મારો આટલો ક્લોઝ ફ્રેન્ડ આવી મજાક નહીં કરે તો બીજું કોણ કરશે?' કુંજલના એક એક શબ્દમાં દુઃખ અને ગુસ્સાનો મિશ્રભાવ વર્તાય રહ્યો હતો. 'હા તારા વખાણમાં બોલાયેલા મારા એ એક એક શબ્દ સાચા છે કુંજલ. સાચે જ હું માત્ર તારા કામનો કે તારા અભિનયનો જ દિવાનો નથી, અને એક ચાહક તરીકે મને શું એટલો પણ હક નથી?' આલોકને સમજાતું નહોતું કે કુંજલને કયા શબ્દોમાં પોતાની લાગણીઓ વિશે કહે. 'છે હક છે જ, એકવાર નહીં પણ હજારવાર હક છે, આલોક. પરંતુ, તું એ ભૂલી રહ્યો છે કે હું માત્ર નાટકોમાં જ સ્ત્રીનું પાત્ર ભજવું છું, વાસ્તવમાં હું પણ એક પુરૂષ છું. અને વાસ્તવિક જિંદગીમાં મારી લાગણીઓ કે મારો પ્રેમ પણ કોઈ સ્ત્રી માટે હોય શકે!' કુંજલે એક ઝટકા સાથે આલોકનો હાથ છોડાવ્યો અને રૅસ્ટારાંની બહાર ચાલવા માંડ્યો. રૅસ્ટારાંમાં હાજર દરેક માણસની નજર હમણાં તેમણે મંગાવેલા ખાવાના પર નહીં પરંતુ આલોક અને કુંજલ તરફ મંડાયેલી હતી.