mariyam dhupli

Drama Inspirational Others

5.0  

mariyam dhupli

Drama Inspirational Others

અસ્તવ્યસ્ત

અસ્તવ્યસ્ત

10 mins
946


હું મારાં ઘરને ધ્યાનથી નિહાળી રહી હતી. અત્યંત ઝીણવટપૂર્વક. ઘરનો ખૂણે ખૂણો સંપૂર્ણપણે મારી અવલોકન શક્તિને તાબે હતો. આંખો આગળની પરિસ્થિતિને ચીરતું એક અન્ય ઘર એજ ક્ષણે મારી દ્રષ્ટિ આગળ તરી આવ્યું. 

એ દિવસે હું એજ ઘરમાં હાજર હતી. લગભગ છ મહિના પહેલા. અનુજ પણ મારી જોડે હતાં. અમને જમણ માટે આમંત્રણ મળ્યું હતું. અનુજ તો રવિવારે પણ ઓફિસનું કામ ઘરે લઈ આવ્યા હોય. એટલે મારાં 'વર્કોહોલિક' પતિ રવિવારે પણ ઘરે રહેવાને પ્રાધાન્ય આપે. પરંતુ સાવિત્રીનું આમંત્રણ હતું. એટલે ના કઈ રીતે કહેવાય ? અનુજની પોતાની કોઈ બહેન હતી નહીં. એકનાં એક કાકાની એકની એક દીકરી સાવિત્રી જ એમને રાખડી બાંધતી. પોતાની બહેનનું ભાવભીનું આમંત્રણ એ નકારી શક્યા નહીં. આમ તો સાવિત્રીને પરિવાર જોડે અમે ઘણીવાર આમંત્રણ આપ્યું હતું. પણ એને ત્યાં અમે પહેલીવાર ગયા હતાં. સાવિત્રીનો ઉત્સાહ પરાકાષ્ઠાએ હતો. ભાઈ - ભાભીની આગતાસ્વાગતા કરવામાં કશું બાકી ન રહી જાય એ માટે એ ઊભા પગે દોડાદોડી કરી રહી હતી. એનાં સાડીનો પાલવ એણે કમરની પડખે ચુસ્ત બાંધી લીધો હતો. એનો લાંબો ચોટલો કાર્યમાં અતિ વ્યસ્ત એનાં શરીર ઉપર આમથી તેમ હિલોળા લઈ રહ્યો હતો. મારી પાંચ વર્ષની દીકરી સ્નેહા અને છ વર્ષનો દીકરો આરવ સાવિત્રીનાં સાત વર્ષનાં બે જોડિયા ભાઈ-બહેન જોડે હોંશભેર રમવામાં તલ્લીન હતાં. 

અનુજ સાવિત્રીનાં પતિ જોડે બેઠક ખંડમાં રાજકારણ અને ઓફિસનાં કાર્યો સંબંધી ચર્ચાઓમાં વ્યસ્ત હતાં. એ.સી.ની હવામાં રહેવા ટેવાયેલા અનુજના શર્ટને માથા ઉપર ફરી રહેલા પંખાની હવા પૂરતી ન હોય એમ પરસેવામાં ભીંજાયેલું એ શર્ટ મને દયા ખાવા માટે આજીજી કરી રહ્યું હતું. એનાં ઉપરથી દ્રષ્ટિ ખસેડી મારું ધ્યાન સાવિત્રીનાં બાળકોનાં ઓરડા તરફ કેન્દ્રિત થયું. અનાયાસે મારાં બાળકોનો સુઘડ અને વ્યવસ્થિત ઓરડો મારાં વિચાર વિશ્વમાં આવી ઊભો રહી ગયો. નિશ્ચિત સ્થળે ગોઠવાયેલા રમકડાંઓ, અલમારીમાં સુઘડ ગડી કરી રાખેલા ઈસ્ત્રીવાળા કપડાંઓ, ભણવાનાં ડેસ્કમાં ક્રમબદ્ધ ગોઠવાયેલી અભ્યાસ-સામગ્રીઓ, વ્યવસ્થિત ચુસ્ત કરેલી પથારી, હરોળબદ્ધ કતારમાં ગોઠવાયેલા ઓશિકાઓ અને કમરબંધ બાંધેલા ટટ્ટાર પડદાઓ. મને મનોમન પોતાની જાત ઉપર ગર્વ થઈ આવ્યો. દ્રષ્ટિ સામે ડોકાઈ રહેલ વેરવિખેર રમકડાંઓ, પથારીની એક તરફ નાના પર્વત જેમ ઢગલો થઈ ગડી અને ઈસ્ત્રી માટે રાહ જોઈ રહેલા કપડાઓ, બીજી તરફ ધકેલાયેલા ઓશિકાઓ, ભણવાનાં ટેબલ ઉપર ફેલાયેલી અભ્યાસ સામગ્રીઓ અને હવામાં મુક્ત ચારે દિશામાં ઝૂલી રહેલા પડદાઓ જાણે મારાં બાળકોનાં ઓરડાનો વિરોધાભાસ દર્શાવી રહ્યા હતાં. 

" ચાલો, જમી લઈએ."

સાવિત્રીનાં શબ્દોએ મને ઢંઢોળી. મારાં અવલોકન અને નિરીક્ષણની એ નોંધ લઈ શકે એ પહેલાજ હું નજર સમેટી બધા જોડે ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.

બધાએ જમવાનું શરૂજ કર્યું હતું કે સાવિત્રી સફાળી ઊભી થઈ રસોડા તરફ ભાગી. એની આ અચાનક ક્રિયાની પ્રતિક્રિયા સ્વરૂપે મારો કોળિયો હાથમાંજ અટકી પડ્યો. મારી નજર અચરજ વડે રસોડાની દિશામાં સ્થિર થઈ. થોડી ક્ષણોમાં બંને ભરેલા હાથ લઈ એ ફરી ડાઈનિંગ ટેબલ નજીક દોડતી આવી પહોંચી. 

" આ ચટણી તો હું પિરસવાનુંજ ભૂલી ગઈ. અને હા, આ સલાડ પણ. "

અત્યંત ઝડપભેર ફરી રહેલા હાથ વડે એકી સાથે ચટણી અને સલાડ ટેબલનાં બે જુદા વિભાગમાં ગોઠવવાનાં પ્રયાસ દરમિયાન ચટણીની વાટકી ઉંધી વળતાં વળતાં રહી ગઈ. જો એ જરા આગળ વધી મારા સફેદ પોશાક ઉપર ઢોળાઈ હોત તો... મારી વ્યવસ્થાપસંદ જાત એ વિચાર માત્રથી જ અકળાઈ ઊઠી. મારાં મનનો અણગમો સાવિત્રી પારખી ન શકે એ હેતુસર એક ઔપચારિક આછું સ્મિત મેં એની દિશામાં વેરી દીધું. 

મારાં હાસ્યનાં પ્રત્યાઘાતમાં સામેથી હાસ્ય વેરાયું અને આખરે જમણ સમૂહમાં આરંભાયું. જમતાં જમતાં મારી નજર અનુજ પર અને મારાં બાળકો પર અવારનવાર આવી થોભતી. એમનાં ચહેરાઓ સ્વાદિષ્ટ જમણ થકી ખીલી ઉઠ્યા હતાં. ખાસ કરીને અનુજનો ચહેરો. પોતાની પિતરાઈ બહેનનાં હાથનાં સ્વાદનાં એ મોટા ચાહક હતાં. પણ સાચું કહું તો રસોઈ ખરેખર ખૂબજ ગજબની તૈયાર થઈ હતી. એ દિવસ પછી તો હું પણ એ સ્વાદની 'ફેન' બની ગઈ હતી. 

રસોઈ પછી બાળકો અને પુરુષો બાલ્કની તરફ બેઠા હવા ખાઈ રહ્યા હતાં. હું અને સાવિત્રી રસોડામાં હતાં. સાવિત્રીએ ચાનું પાણી ચઢાવી દીધું હતું. ભેગા થયેલા વાસણો એણે એક તરફ કરી નાખ્યા હતાં. મને ધોવાની સાફ મનાઈ કરી દીધી હતી. 

" ના, ભાભી. તમે આરામ કરો. એ તો પાછળથી હું કરી લઈશ. તમારી જોડે વાતો કરવાનો લ્હાવો આમ પણ ઓછો મળે છે. "

ચા બનાવતા બનાવતાં સાવિત્રી મારી જોડે બાળકો, શાળા, ટ્યુશન, બજારમાં શાકભાજીનાં ઊંચા થયેલા ભાવો, સાડીઓ ઉપર ચાલી રહેલા 'ડિસ્કાઉન્ટ' અને મોજડીઓના 'સેલ ' વગેરે વિવિધ વિષયો ઉપર ચર્ચાવિચારણા કરી રહી હતી. એની નજર ચૂલા ઉપર ઉકળી રહેલી ચા અને ચાનાં કપની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતી. એ વ્યસ્તતાનો લાભ ઉઠાવતી મારી નજર છાનીમાની વાર્તાલાપ જોડે રસોડાનાં દરેક ખૂણા તરફ ફરી રહી હતી. 

જેમ જેમ એ નજર વધુ કાર્યરત થઈ રહી હતી તેમ તેમ મારાં અંતરજગતમાં વિસ્તરી રહેલી રીસ વધુને વધુ પ્રગાઢ બની રહી હતી. મારાં માટે એ દ્રશ્ય અસહ્ય હતા. ફરી એકવાર મારાં ઘરમાં રાહ જોઈ રહેલું મારું સુંદર, સ્વચ્છ, ક્રમબદ્ધ અને વ્યવસ્થિત રસોડું આંખો આગળ આવી ઊભું થઈ ગયું. જે સાવિત્રીનાં છિન્નભિન્ન રસોડાનો સીધો વિરોધાભાસ લઈને આવ્યું હતું. પ્લેટફોર્મ ઉપરની આગળપાછળ થયેલી બરણીઓ, એક ખૂણે થયેલા ખરડાયેલા વાસણો, રસોડાની અલમારી ઉપરથી આછું આછું ડોકિયું કરતી ધૂળની પાતળી રેખાઓ, ભીંત ઉપરની ટાઇલ્સ ઉપર છવાઈ ગયેલા તેલ અને શાકનાં ઉડેલા બિંદુ આકારનાં છાંટાઓ, હજી રસોડાની અલમારીમાં ગોઠવાઈ જવા માટે બહાર ટેબલ ઉપર રાહ જોઈ રહેલી બજારથી ખરીદીને લાવવામાં આવેલી વિવિધ સામગ્રીઓ... મારો શ્વાસ થોડો રૂંધાવા લાગ્યો હતો જ કે સાવિત્રી એ મને ચાનાં પ્યાલા ટ્રેમાં ગોઠવી ધર્યા. એ વાતાવરણમાંથી શીઘ્ર મુક્ત થવાશે એ વિચારે મારો જીવ થોડો હળવો થયો. 

ચાની ટ્રે લઈ હું બાલ્કનીમાં પહોંચી ગઈ. અનુજ સાવિત્રીનાં પતિ જોડે શેર માર્કેટનાં ઉતાર ચઢાવ અંગે પોતાનાં અભિપ્રાયો વહેંચી રહ્યા હતા. બાળકો અંદરનાં ઓરડામાં લ્યુડો રમવામાં વ્યસ્ત હતાં. આજે તેઓ મોબાઈલની સ્ક્રીનથી દૂર હતા એનો મનમાં હર્ષ હતો. મારાં ચાનાં કપમાંથી ઊઠી રહેલી વરાળ વચ્ચેથી મારી નજર માર્ગ કાઢતી બાલ્કનીમાં આમથી તેમ આંટા મારવા લાગી. કુંડામાં સજેલા છોડ અને એની ઉપર ઉગેલા નાના નાના પુષ્પ શ્વાસને તાજગી અર્પી રહ્યા હતાં કે તરતજ મારી નજર બાલ્કનીમાં એક ખૂણે કરી દેવાયેલી બાલ્દી ઉપર આવી પડી. બાલ્કનીની બહાર તરફ લટકાવાયેલી દોરીઓ ઉપર સૂકાઈને કડક થઈ ગયેલા કપડાઓ સૂર્યપ્રકાશથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય એમ પવનનાં વેગ જોડે અહીંથી ત્યાં ઉડાઉડ કરી રહ્યા હતાં. બાલ્દીમાંનાં ભીના કપડાઓ ઠુઠવાયેલા શરીરે એ દોરીઓ સુધી પહોંચવાની ઉદાસ ચહેરે રાહ જોઈ રહ્યા હતાં. મારી આંખોમાં ફરીથી અણગમો ફેલાયો. સુઘડતા અને વ્યવસ્થિતપણું મારાં લોહીમાં વહેતું હોવાથી નજર સામેની અવ્યવસ્થા અને અગવડપણું મને કાંટા સમું ખૂંચવા લાગ્યું. સાવિત્રીની નજર મારી નજરને અનુસરી રહી હતી એ વાતનું ભાન આવતાંજ ઔપચારિક સ્મિત જોડે મેં ચાલાકીથી એનાં હાથે તૈયાર થયેલી મસાલા ચાની તારીફોના પૂલ બાંધી દીધા. 

બીજે દિવસે બાળકોની શાળા અને અનુજની ઓફિસ હતી. એટલે અમે ચા પતાવી એક આદર્શ મહેમાન માફક યજમાનોનો આભાર વ્યક્ત કરી થોડાંજ સમયમાં ઘરે જવાની પરવાનગી લઈ લીધી. 

એપાર્ટમેન્ટનાં પાર્કિંગ વિસ્તારમાં અમે ગાડીમાં ગોઠવાયા. પોતાનો સીટ બેલ્ટ બાંધતા બાંધતા અનુજે સંતોષથી ચળકતી આંખો વડે મારી તરફ દ્રષ્ટિ ફેંકી. 

" સાવિત્રીનાં હાથમાં સાચેજ જાદુ છે. શું જમણ હતું યાર ! વાહ, મજા આવી ગઈ. ખૂબજ ખંતીલી છે. ઘર અને બાળકો પાછળ લોહી વહાવે છે. બાળકોનાં અભ્યાસ પાછળ પણ ઘણું ધ્યાન આપે છે....."

અનુજની પ્રસંશા યાત્રાને અર્ધા માર્ગે રોકવાનો પ્રયાસ કરતાં મેં મારો સીટ બેલ્ટ બાંધતા બાંધતા મનમાં લાંબા કલાકથી દબાવી રાખેલો તિરસ્કાર સ્પ્રિંગ સમો બહાર ઉછાળી મૂક્યો. 

" હા, સાવિત્રીની રસોઈકલા ઉત્તમ છે. એકદમ બેનમૂન. પણ ખોટું ન લગાડતા. સગવડતા અને વ્યવસ્થામાં શૂન્ય. તમે ઘરની હાલત જોઈ ? બાળકોનો ઓરડો તીતરવિતર, રસોડામાં કશુંજ ક્રમબદ્ધ નહીં, ધોવાયેલા કપડાં આમજ બાલ્દીમાં....એ અગવડતા જોઈને જ મારો શ્વાસ...."

" ઓહ, સાવિત્રી ! "

અનુજે એ શબ્દો જાણીજોઈને ઊંચા સ્વરમાં ઉચ્ચાર્યા હતાં. જેથી કરી મારાં શબ્દો ઉપર પૂર્ણવિરામ મૂકવા મને આડકતરી રીતે ચેતવી શકાય. સાવિત્રી ક્યારે ગાડી પાસે આવી ઊભી રહી ગઈ હતી હું જાણીજ ન શકી. શું એણે મારાં શબ્દો...? 

મારાં ચહેરા ઉપર છોભીલા હાવભાવો ફેલાઈ ગયા. હું આગળ શું બોલું એની વિમાસણમાં હતી. સાવિત્રીએ હાથ આગળ વધારી મારી સીટ તરફ એક ડબ્બો ધર્યો. 

" બાળકો માટે છે. હું આપવાનું ભૂલી ગઈ. ઘૂઘરા છે. એમને ગમે છે ને ?"

મેં ધીમે રહી એની આંખોમાં તપાસ કરી. ત્યાં મારાં બાળકો પ્રત્યેનાં પ્રેમ અને લાગણી સિવાય કશું હાથ ન લાગ્યું. 

" એક ચા મળશે અંજુ ? "

અનુજનાં પ્રશ્નએ મને ઢંઢોળી. વર્તમાનમાં પરત થવા છતાં એ દિવસે અનુભવાયેલા છોભીલાપણામાંથી હું ઉઘરી ન શકી. અનુજની આંખો લાલચોળ હતી. પોતાનાં ઓરડામાંથી એ બે કલાક પછી બહાર નીકળ્યા હતા. લેપટોપ સામે એકધારી બેઠક જમાવી હતી. એનો થાક શરીરનાં હાવભાવોમાં દેખાઈ આવતો હતો. મારી સામે મૂકેલી માંગણી બાદ એ ફરી પોતાનાં ઓરડામાં જઈ પૂરાયા. 

મેં એક નજર રસોડામાં ચારે તરફ ફેરવી. દરેક દિશામાં અરાજકતા સિવાય કશું નજરે ન ચઢ્યું. રાત્રીનાં જમણનાં ન ધોવાયેલા વાસણોમાં સરવાળો ઉમેરતાં નાસ્તાનાં ન ધોવાયેલા વાસણો પણ એક તરફ ઢગલો થઈ પડ્યા હતાં. ચૂલા ઉપર તૈયાર થઈ રહેલું જમણ હજી અર્ધ રસ્તે પહોંચ્યું હતું. એક તરફથી કુકરની સીટી અને બીજી તરફથી શાકનું ખદબદ કાનને સતર્ક કરી રહ્યું હતું. મેં થોડા સમય માટે કુકર નીચે ઉતારી અનુજની ચાનું પાણી ચઢાવ્યું. ચાની ભૂકી લેવા માટે બરણી તરફ હાથ વધ્યો કે આગળ પાછળ થઈ ગયેલી બરણીઓ ઉપર નજર પડી. જાણે કે એ અવ્યવસ્થા નિહાળી જ ન હોય એમ તરતજ એ તરફથી દ્રષ્ટિ હટાવી મેં કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. 

" મમ્મી, બહુ ભૂખ લાગી છે. "

પીઠ પાછળથી આવેલો અવાજ આજીજીસભર હતો. મારાં બંને બાળકો મને અપેક્ષા જોડે તાકી રહ્યા હતાં. મેં એક નજર અર્ધી તૈયાર થયેલ રસોઈ તરફ નાખી. 

" તમારું હોમવર્ક થઈ ગયું ? રસોઈને તો હજી સમય લાગશે. એક કામ કરો તમે તમારું હોમવર્ક પૂરું કરો. હું તમને થોડો નાસ્તો આપું છું. " 

" અને જ્યુસ પણ....પ્લીઝ...."

એ વ્હાલી આજીજી ટાળવા માટે કે એને અવગણવા માટે માતૃમન ક્યાંથી માનવાનું હતું ?

એક મીઠા સ્મિત જોડે મેં માથું ધુણાવ્યું અને બંને પોતાનું હોમવર્ક કરવા જતા રહ્યા. 

ચા ઉકળી ચૂકી હતી. મેં કપમાં ચા રેડી અને સ્નેક્સનાં ડબ્બા પ્લેટફોર્મ ઉપરથી નીચે ઉતાર્યા. બે અઠવાડિયાથી ભેગી થયેલી આછી પાતળી ધૂળની રેખાઓ દરેક દિશાથી પ્લેટફોર્મ ઉપરથી સ્પષ્ટ દર્શન આપી રહી. જાણે એ રેખાઓનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમ કાળજું સખત કરી મેં બાળકોનો નાસ્તો પ્લેટમાં કાઢી, ચાનાં કપનાં પડખે ગોઠવી ગૂંગળાતા મનથી રસોડાની બહાર ડગલાં માંડ્યા. 

બાળકોનાં ઓરડાની સામે તરફનાં સાંકડા વિસ્તારમાં ગોઠવાયેલા વોશિંગ મશીન પર મારું ધ્યાન દોરવાયું. એક દિવસ પહેલા એની અંદર ચક્કર કાપી ચૂકેલા કપડાઓ મારી રાહ જોઈ કંટાળી ચૂક્યા હતાં. એજ પ્રમાણે જેમ વરંડાની દોરીઓ ઉપર સખત તડકામાં સૂકાઈને પાપડ બની ચૂકેલા કપડાઓ મારાં આગમનની આશ છોડી બેઠા હતાં. 

ભારે મન જોડે હું બાળકોનાં ઓરડામાં પ્રવેશી. હોમવર્ક કરવામાં વ્યસ્ત બંને ઉતરેલા ચહેરાઓ ઉપર ઘણાં દિવસોથી શેરીના રસ્તાઓ ઉપર મિત્રો જોડે ન કરવા મળેલી મસ્તી ધાંધલનો અભાવ સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહ્યો હતો. 

" પહેલા નાસ્તો કરી લો. પછી હોમવર્ક કરજો. "

નાસ્તાની પ્લેટ જોતા એ માનસિક સ્વરૂપે થાકેલા ચહેરાઓ ઉપર થોડી ચળકાટ વ્યાપી. પુસ્તકો સંકેલી બંને નાસ્તાની પ્લેટ જોડે બહાર ડાઈનિંગ ટેબલ ઉપર જવા ઉપડ્યા. 

મારી નજર એમનાં ઓરડાનો ધ્યાનસભર ચક્કર કાપી રહી. અહીંત્યાં ફેલાયેલા પુસ્તકો, વિખરાયેલી અભ્યાસ સામગ્રીઓ, એક ખૂણે ઢગલો થયેલા ગડી વાળ્યા વિનાનાં કપડાઓ, વેરવિખેર પથારી, અસ્તવ્યસ્ત ઓશિકાઓ અને હવામાં મુક્ત હિલોળા લઈ રહેલ પડદાઓ.... મારો જીવ રૂંધાયો. ટ્રેમાં લાવેલી ચા ટાઢી થઈ જાય એ પહેલા એને મંઝીલ સુધી પહોંચાડવા મેં તરતજ એ આત્માને અકળાવતા દ્રશ્ય ઉપરથી નજર ફેરવી ઓરડાનાં બહાર પલાયન કર્યું. 

" ચા. "

અનુજે લેપટોપમાંથી નજર ઉપર ઉઠાવ્યા વિનાજ ટ્રેમાંથી ચા હાથમાં લઈ લીધી. એની આંખોનો સંપર્ક ન મળતા મેં રડમસ શબ્દો થકી મારાં હૈયાની વરાળ ઠલવી. 

" અનુજ આ બધું ક્યારે સામાન્ય થશે ? હું કંટાળી ગઈ છું. કામ તો સમાપ્ત થવાનું નામજ નથી લેતું. બે હાથ છે અને સો કામ. તમારું ઓનલાઈન કામ હોય છે. બાળકો પણ ઓનલાઈન ભણી રહ્યા છે. અને રેવતી વગર...રેવતીને ફરીથી કામ પર બોલાવી લઈએ તો...."

અનુજે લેપટોપમાં વ્યસ્ત એક હાથ સાથે અન્ય હાથ વડે ચાની ચુસ્કી માણતા મારાં મનને ટેકો આપ્યો.

" અંજુ. આખા દેશમાં આજ પરિસ્થિતિ છે. દેશમાં શું ? આખા વિશ્વમાં દરેક સ્થળે લોકો આપણી જેમ અનુભવી રહ્યા છે. હું સમજી શકું છું. તારું કામ દસ ગણું થઈ ગયું છે. પણ રેવતીને હમણાં કામ પર બોલાવવું જરાયે સુરક્ષિત નથી. કોઈ પણ બહારનું ઈન્ફેક્શન આપણાં ઘરનાં સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશવું ન જોઈએ. થોડી ધીરજ અંજુ. પરિસ્થિતિ સામાન્ય થશે એટલે આપણે રેવતીને ફરી બોલાવી લઈશું. " 

અનુજની વાતનો તર્ક સો ટકા સાચો હતો. જીવલેણ વાયરસ સામે મારાં પરિવારની સુરક્ષા સૌથી પહેલા ! એનો ખાલી થયેલો ચાનો કપ સાથે લઈ હું રસોડામાં પહોંચી. બાળકો નાસ્તો પતાવી ઓરડામાં હોમવર્ક કરવા જતા રહ્યા હતાં. 

બાકી વધેલું અધધ: કામ કોઈ પણ દયા વિના મારી રાહ જોતું બેઠું હતું. કુકર ટાઢું પાડવા મેં સ્ટવ બંધ કર્યો. પણ મારું અંતર ટાઢું પડવાનું નામ લઈ રહ્યું ન હતું. 

એમાં ઉકળી રહેલા બે પાસાથી હું વિચિત્ર બેચેની અનુભવી રહી હતી. હૈયાનાં ધબકાર બમણા થઈ ઉઠ્યા હતાં. કામ ઉપર ચિત્ત લાગી રહ્યું ન હતું. રડુંરડું થઈ રહેલી આંખોનાં ઝળઝળયામાં એક જૂનું દ્રશ્ય વારેઘડીએ આવી ઊભુ થઈ રહ્યું હતું. 

એક તરફ વિવશતા અને બીજી તરફ અપરાધભાવ.

વિવશતાનું તો કોઈ નિરાકરણ જ ક્યાં હોય છે ? ધીરજ, ધૈર્ય અને વિશ્વાસનાં ત્રિકોણમાં એને એકલી છોડી દેવી પડે છે. મેં એને એકલી છોડી દીધી હતી. 

પરંતુ અપરાધભાવ.....

એનું નિરાકરણ......

મારાં સ્તબ્ધ શરીરમાં અચાનક ચેતના જન્મી. રસોડાનાં પ્લેટફોર્મ ઉપરથી મોબાઈલ ઉપાડી મારી આંગળીઓ ઝટઝટ કામે વળગી. 

' કન્ફાઈનમેન્ટનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. કામવાળી વિના કશીજ સમજ પડી રહી નથી. બે હાથ અને અનંત કામ. તારે ત્યાં તો પહેલાંથીજ કામવાળી આવતી નથી. તું એકલીજ ઘરનું બધું કામ કરે છે. એ પણ કેટલી કુશળતાથી ! સાચેજ સાવિત્રી. હેટ્સ ઓફ ટુ યુ. '

વ્હોટ્સ એપ્પ ઉપર ફોરવર્ડ થયેલા મારાં સંદેશાની બે ખરાની ટીક ભૂરા રંગની થઈ કે સામેથી એક મધુર સ્મિતવાળું સ્માઈલી પ્રતિઉત્તરમાં મારાં મોબાઈલમાં ઉપસી આવ્યું. 

એ સ્માઈલી નિહાળતાંજ મારાં ચહેરા પર પણ એક મધુર સ્મિત ફરકી ઉઠ્યું. મનનો ભાર તદ્દન હળવો થતાં મારું ચિત્ત ફરી બાકી રહેલા કાર્યો ઉપર એકાગ્ર થયુંજ કે પેલી અંગ્રેજી કહેવત છાનીમાની મનમાં પડઘો પાડી રહી. 

' બીફોર યુ જજ એ પરસન વૉક એ માઈલ ઈન હીઝ શૂઝ.'


Rate this content
Log in

Similar gujarati story from Drama