સિદ્ધિ
સિદ્ધિ
ઘર નંબર ૧માં એક સ્ત્રી વહેલી સવારે સાડા ચાર વાગ્યેના અલાર્મ જોડે સફાળી જાગી ગઈ. ઝડપથી સ્નાન કરી રસોડામાં પ્રવેશી ગઈ. જમણ તૈયાર કર્યું. ચા બનાવી. પરિવારના જુદા જુદા સભ્યો માટે નાસ્તા તૈયાર કર્યા. બાળકોને જગાડી, સ્નાન કરાવી, એમના દફ્તર ચકાસ્યા. આગલી રાત્રીએ બાળકોને કરાવેલા ઘરકામના પુસ્તકો દફ્તરમાં સાચવીને ગોઠવી દીધા. શાળાએ લઈ જવા માટેના ડબ્બા અને પાણીની બોટલ ભરી નાખી. નાસ્તો કરાવી, આગલી રાત્રિથી ઈસ્ત્રી કરી રાખેલા યુનિફોર્મ પહેરાવી બાળકોને શાળાની બસ સુધી સમયસર પહોંચાડી આવી.
પરિવારના વૃદ્ધ સભ્યોને નાસ્તા જોડે નિયમિત દવાઓ પણ પીરસી.
વાસણો ધોયા, વોશિંગ મશીનમાં કપડાં ધોઈ સૂકાવા મૂક્યા. પતિનું ઓફિસ માટેનું ટિફિન ભર્યું. પોતાના કપડાં જોડે પતિના શર્ટ અને પેન્ટ પણ ઈસ્ત્રી કર્યા. મેચિંગ ટાઈ, જોડા અને મોજા પોતપોતાના સ્થળે ગોઠવી દીધા. મહિનાના બજેટમાંથી જુદા જુદા બીલોની ચૂકવણી કરવા યોગ્ય રકમની ફાળવણી કરી, બિલ અને પૈસા પર્સમાં સાચવીને મૂકી દીધા. ઘરની સાફસફાઈ પતાવી, પોતાનું ટિફિન સાથે લઈ એ સ્કૂટી ઉપર દરરોજની જેમ નોકરીએ જવા નીકળી ગઈ.
ઘર નંબર ૨માં એક પુરુષ મોડી સવારે નિરાંતે 0૮: ૦૦ વાગ્યે ઉઠ્યો. આળસ મરોડી ધીરજ જોડે પથારી છોડી. સમય લેતા લેતા દાંતણ અને સ્નાન કર્યું. સ્નાન કરી રસોડામાં પ્રવેશ્યો ત્યારે પત્નીએ ગરમાગરમ નાસ્તો બનાવી તૈયાર રાખ્યો હતો. પોતાનો મનગમતો નાસ્તો નિહાળી આંખો ચમકી ઊઠી. મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરતા કરતા નિરાંતે પોતાના મનગમતા નાસ્તાની એણે લજ્જત માણી. નાસ્તો પતાવી થોડા સમય માટે એ ઘરની બહા
ર નિયમિત વૉક માટે નીકળી ગયો. વૉક પરથી પરત થયો ત્યારે ઘરની સાફસફાઈ થઈ ગઈ હતી. પત્નીએ એના માટે બનાવેલું તાજા ફળોનું જ્યુસ એ એક જ શ્વાસે ગટગટાવી ગયો. શયનખંડની અંદર પહોંચ્યો ત્યારે નોકરી પર જવા માટેના કપડાં પત્નીએ ઈસ્ત્રી કરીને હેંગર ઉપર લટકાવી દીધા હતા. જોડાની પૉલિશ કરી પત્નીએ એને નવા જેવા બનાવી દીધા હતા. મોજાની જોડી, રૂમાલ, ઘડિયાળ, પર્સ પોતપોતાના સ્થળે ગોઠવી દેવામાં આવ્યા હતા. બાથરૂમમાં જઈ આરામથી ફ્રેશ થયા બાદ એક નાનકડો વિરામ લઈ એણે કપડાં ચઢાવી લીધા. પર્સમાંથી કેટલીક રકમ કાઢી બિલની ચૂકવણી માટે ટેબલ ઉપર છોડી દીધી. જોડા-મોજા પહેરી એ રસોડા તરફ પહોંચ્યો ત્યારે બાળકો શાળા માટે નીકળી પણ ગયા હતા.
વાસણો ધોવામાં વ્યસ્ત પત્નીએ એક નાનકડો વિરામ લઈ તૈયાર કરેલું ટિફિન પતિના હાથમાં સોંપ્યું. રસોડાની સાફસફાઈ ફરીથી આરંભાઈ. બાઈકની ચાવી લઈ સિસોટી વગાડતો એ નોકરી પર જવા નીકળી પડ્યો.
એ દિવસે શાળાનો હોલ ખીચોખીચ ભરેલો હતો. વાર્ષિક કાર્યક્રમની ઉજવણી ધૂમધામથી થઈ રહી હતી. જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો મંચ ઉપર ભજવાઈ ચૂક્યા હતા. આખરે એ ઘડી આવી પહોંચી જેની અત્યંત આતુરતા જોડે રાહ જોવાઈ રહી હતી. મંચ પરથી જાહેરાત થઈ.
"આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષકની ટ્રોફી માટે ટાઈ થઈ છે. ઘી અવોર્ડ ગોઝ ટુ નવનીત શાહ એન્ડ સિદ્ધિ મહેતા !"
હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. ઘર નંબર ૧વાળી સ્ત્રી અને ઘર નંબર ૨વાળો પુરુષ પોતપોતાની ખુરશીઓ છોડી મંચ ઉપર પહોંચ્યા. બંનેએ કરેલા એકસમાન પરિશ્રમની જીત સ્વરૂપે સુંદર અવોર્ડ બંનેના હાથમાં ફિફટી ફિફટી ઝળહળી ઉઠ્યો.