mariyam dhupli

Abstract Drama Others

4  

mariyam dhupli

Abstract Drama Others

પછી શું

પછી શું

22 mins
531


હું બેઠક ખંડમાં બેઠી હતી. ટીવીમાં સમાચારો આવી રહ્યા હતા. સાંજનો સમય હતો. કામ કરી પરવારી ચૂકી હતી. મારા પતિ પોતાના મિત્રોને મળવા નિયતક્રમ અનુસાર જીમખાના ક્લબ ગયા હતા. આંગણમાં મારો સૌથી નાનો દીકરો એના વ્હાલા પાલતુ કૂતરા જોડે સ્નેહસભર ક્ષણો વિતાવી રહ્યો હતો. હું એને ધ્યાનથી બેઠક ખંડમાંથી એકીટશે નિહાળી રહી હતી. એના નિર્દોષ યુવાન ચહેરામાં મને એકમાત્ર આશાની કિરણ ઝળહળતી દેખાઈ રહી હતી. એનો પ્રેમાળ હાથ વારે વારે એ મૂંગા પ્રાણીને હેતસભર પંપાળી રહ્યો હતો. કૂતરાના શરીરના વાળને એ થોડા સમય પહેલા જ ધોઈને આવ્યો હતો. એ પ્રાણીમાં એનો જીવ હતો. એટલે જ એના બિસ્કિટથી લઈ એની નીંદર સુધી એની ઝીણામાં ઝીણી દરકાર એ લેતો. કોલેજથી આવ્યા બાદ એ એના પ્રિન્સ જોડે જ મોટાભાગનો સમય વિતાવતો. ક્યારેક એને લઈ વોક પર નીકળી પડતો તો ક્યારેક પોતાનું ગિટાર એની આગળ એવી રીતે વગાડતો જાણે એ પ્રાણી એ ગિટારમાંથી નીકળી રહેલી ધૂનનો મર્મ બરાબર સમજી રહ્યો હોય. એના ઓરડામાં દૂધ આપવા જાઉં તો ઘણીવાર હું એને પ્રિન્સ જોડે વાતો કરતો પણ સાંભળતી. જો કે એ જુદી વાત કે એ વાર્તાલાપ એકતરફી જ રહેતો. એને નિયમિત પ્રાણીના ડોક્ટર પાસે તપાસ માટે પણ લઈ જતો. જો એને ઊંઘ ન આવે તો એની જોડે આખી રાત જાગતો બેસી રહેતો. એને શું જોઈએ છે અને શું નહીં એ એક પણ શબ્દના આશરા વિના જ એ સમજી લેતો. 

ક્યાંક માનવી મૌન પણ સમજી લેતા હોય છે ને ક્યાંક શબ્દો પણ ...

મારા અન્ય ત્રણ દીકરાઓ ન મારું મૌન સમજી શક્યા હતા, ન મારા શબ્દો !

મને હજી પણ એ દિવસ યાદ હતો જયારે હું અહીં આ જ બેઠકખંડમાં બેઠી હતી. શાકભાજી સમારી રહી હતી. મારા પતિ પણ હાજર હતા. ભારતીય ક્રિકેટ ટિમ જીતી રહી હતી એ વાતનો ઉત્સાહ એમની ટીવી પર ચોંટેલી ચશ્માવાળી આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મારો મોટો દીકરો એ દિવસે થોડા ખચકાટ જોડે બેઠક ખંડમાં પ્રવેશ્યો હતો. એના શરીરના હાવભાવો પરથી જ હું કળી ગઈ હતી કે કશુંક તો અસામાન્ય હતું. થોડો સમય તો એ મેચ નિહાળવાનો ડોળ રચી રહ્યો. વચ્ચે વચ્ચે મને પણ અચૂક તાકી લેતો. પછી ટેબલ પરના જગમાંથી બબ્બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. હાથપગ નિષ્ક્રિય હલનચલન કરી રહ્યા હતા. હું ઉપરથી નીચે સુધી એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી, એ વાતની એને ખબર હતી,એની મને પણ ખબર હતી. 

" મમ્મી, પપ્પા, આઈ એમ ઈન લવ. "

હિંમત ભેગી કરી એણે એક જ ક્ષણમાં ધડાકો કરી મુક્યો. મારા હાથમાંની છરી સુન્ન થઈ ગઈ. મારા પતિના ચશ્મા આંખ ઉપરથી ખસી હાથમાં આવી પડ્યા. એમના ચહેરા ઉપર ભારતીય ક્રિકેટ ટીમની વિજયની ખુશી કરતા પણ વધુ વિશિષ્ટ આનંદ ઉલ્લાસ છવાઈ ગયા. 

" હુ ઈઝ ઘી લકી ગર્લ ? "

મારા પતિ જે ટાઢા મનથી વાત કરી રહ્યા હતા એ જોતા હું સ્તબ્ધ જ રહી ગઈ. પણ એ જે નામ ઉચ્ચારવાનો હતો એની મને પૂર્વ ખાતરી હતી. એ વાતની સાંત્વના થકી મને ધીરજ ધરવામાં સરળતા રહી. 

હું જાણતી હતી કે એ નામ ઝંખના હતું. અમારા પાડોશીની દીકરી. ઝંખના મારી આંખો સામે ઉછરી હતી. અત્યંત શાંત, સરળ સ્વભાવની. માતાપિતાની એકની એક દીકરી. ભણવામાં હોંશિયાર. રાંધણકળામાં પાવધરી. અત્યંત સંસ્કારી અને સુસંસ્કૃત. મેં તો મનોમન એને પોતાની વહુ જ બનાવી લીધી હતી. બન્ને બાળપણમાં જોડે આંગણમાં રમતા હોય ને હું ન જાણે કેટલાયે સ્વપનાઓ સેવી લેતી. આયુષને પણ એની જોડે રમવાનું ઘણું ફાવતું. બન્ને કદી લડતા ઝગડતા નહીં. એકબીજાના રમકડાંઓ હળીભળીને રાજીખુશી વહેંચી લેતા. વારેતહેવારે ઝંખના તો અમારા ઘરે જ હોય. જાણે આ જ ઘરની દીકરી ન હોય ! એના માતાપિતા જોડે આમ તો ઝંખના સંબંધી અમે કોઈ વાત છેડી ન હતી. ન એ લોકોએ કદી આગળથી કોઈ ચર્ચા છેડી હતી. પણ કેટલીક વાતો કહેવાની કે જણાવવાની હોતી નથી. એ તો સમજી જ લેવાની હોય. ઝંખના મારા મોટા દીકરાની વહુ બની મારા ઘરમાં આવશે એ વાત પણ એ જ પ્રકારની હતી. શાકભાજીની થાળી બાજુ પર કરી હું ઉભી થઈ. આયુષને ગળે લગાવી લીધો. 

" બોલ ક્યારે વાત કરવા જઈએ ? "

આયુષે તો હર્ષમાં મને ખોળામાં જ ઊંચકી લીધી અને ગોળગોળ ચક્કર પણ કપાવ્યા. 

" ઓહ મમ્મી, આઈ લવ યુ. હું જાણતો જ હતો તું મને સાથ આપીશ. તારાથી વધુ મારા મનને કોણ સમજે ? "

જયારે મને સોફા પર બેસાડી તો હજી પણ મગજમાં ચક્કર ચઢી રહ્યા હતા. એણે ઉતાવળમાં પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી નીકાળ્યો અને ફોટો ગેલેરીમાંથી એક તસ્વીર ખોલી મોબાઈલ એના પપ્પાના હાથમાં થમાવી દીધો. હું કશું સમજી શકું એ પહેલા એના પપ્પાએ પૂછ્યું,

" શું નામ છે ? ''

મારા મનમાં ધ્રાસ્કો પડ્યો. હું હેરત જોડે આયુષને તાકી રહી. એણે લજાઈને કહ્યું,

" મયુરી. મારી ઓફિસમાં કામ કરે છે. આપણા પડોશમાં શ્રીકાંત સાહેબ રહે છે એમના દૂરના સંબંધીની દીકરી છે. "

એ જ સમયે ટીવી ઉપર રમાતી મેચમાંથી ધારદાર ચીસો ગુંજી ઉઠી,

" હાઉઝ ધેટ ? "

અમ્પાયરે હવામાં એક આંગળી ઉપર ઉઠાવી અને ભારત જીતી ગયું. મારા પતિ અને મારો દીકરો ખુશીથી નાચી ઉઠ્યા, બમણી ખુશીથી. 

મારો ચહેરો તદ્દન મેચ હારેલી ટીમના ખેલાડીઓ જેવો જ ઉતરેલો હતો.અને હું પણ એમની જેમ જ લાચારી જોડે આંખો સામેનો હર્ષોલ્લાસ ચહેરાના સપાટ હાવભાવો જોડે નિહાળી રહી હતી.

પછી શું ?

મયુરી થોડા જ સમયમાં ઘરમાં પ્રવેશી. પરંતુ એ આયુષની પસંદગી હતી, મારી નહીં. હું જયારે પણ ઝંખનાનો ઉતરેલો ચહેરો નિહાળતી કે એના માતાપિતાની આંખોમાં હેરતભર્યા મૌન પ્રશ્નોની શ્રેણી નિહાળતી ત્યારે તો મારા મનની દાઝ પરાકાષ્ઠાએ પહોંચી જતી. આયુષ જોડે ઠઠ્ઠામશ્કરી કરતી એ મોડી રાત્રે ઘરમાં પ્રવેશતી ત્યારે હું બેઠક ખંડમાં જ બેસી રાહ જોતી હોવ અને પછી,

" આયુષ આટલું મોડું થાય તો એક કોલ કરીને જણાવી તો દેવાય ને, બેટા ? તને ખબર છે હું ચિંતામાં જમી પણ નહીં ? " 

મારું ઈમોશનલ બ્લેકમેલિંગ મયુરીના આનંદજગત પર કાતર ફેરવી નાખતું અને એના ચહેરા પર ફરી વળતા અપરાધભાવો મારા મનને અનેરો સંતોષ અર્પી દેતા. આયુષ મને પોતાના હાથે જમાડતો અને એ શયનખંડમાં એની રાહ જોતી રહેતી. મારું મન અંદરથી ગદગદ થઈ રહેતું. 

ઓફિસેથી આવીને એ ઉતાવળ જોડે રસોડામાં પ્રવેશતી.

" મમ્મી, હું મદદ કરું ? "

હું નાકનું ટેરવું ચઢાવી કહી દેતી, 

" જરૂર નથી. ઝંખના આવવાની છે. "

ઝંખના આવતી અને એની જોડે બેટા, આ આપ ને, પેલું આપ ને, કુકર ખોલી નાખ, આ ચાખી જો તો... હું વ્યસ્ત હોવ એનાથી વધુ વ્યસ્ત હોવાનો દેખાવ કરતી. જાણે મયુરી તો ત્યાં હોય જ નહીં એમ. થોડા સમયમાં જ એનો જીવ રૂંધાઈ ઊઠતો અને એ રસોડાની બહાર તરફ નિરાશ ડગલે જતી રહેતી. એ સમયે મારી આત્મા તૃપ્તિની અનુભૂતિ કરતી. ખબર નહીં એ આયુષને ફરિયાદ કરતી કે નહીં. પણ આયુષ જયારે જમવાના ટેબલ પર હોય ત્યારે મને ગંભીરતાથી જોતો રહેતો. કશું બન્યું જ ન હોય એમ હું એની થાળીમાં દાળ મૂકી દેતી,

" આ ચાખી તો જો. ઝંખનાએ બનાવી છે. એની રસોઈકલાના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા. "

એ સમયે મયુરીનો ચહેરો જોવાલાયક હોય. દિવસે ને દિવસે મયુરી પ્રત્યેની મારી ઘૃણા વધતી જ જતી હતી. મારું ચાલે ને તો હું એનો બધો સામાન ઊંચકીને ઘરની બહાર ફેંકી આવું. પણ એ માટે કોઈ કારણ તો જોઈએ ને. એની નાનામાં નાની ને ઝીણામાં ઝીણી ભૂલોને હું બિલોરી કાચ વડે શોધતી રહેતી. પૂજા કરવા માટે એ મોડી કેમ પહોંચી, ઓફિસેથી પરત થતા એણે ખરીદેલા ઘરના સામાનમાં કયો સામાન એ ભૂલી ગઈ, ટોસ્ટરની સ્વીચ ઓન રાખીને જતી રહી, સંબંધીના બેસણામાં ન આવી, ખીચડીમાં વધારે ઘી વાપરે છે વગેરે ...વગેરે...એ અકળાતી. ખુબ અકળાતી. એના ચહેરાના હાવભાવો બધું જ સ્પષ્ટ કહી દેતા. પરંતુ ઘર્ષણ બે તરફથી થાય. એ સામો જવાબ આપતી નહીં, કશો વિરોધ દર્શાવતી નહીં. મારી વાતોને જાણે એક કાનમાંથી સાંભળી બીજા કાનમાંથી કાઢી નાખતી. પરિણામે હું પણ અકળાતી. ખુબ અકળાતી. આમ છતાં મારા પ્રયાસો યથાવત રહેતા. એ જ આશાએ કે એક દિવસ એ જાતે જ મારી રોકટોક અને નિંદાથી કંટાળી ઘર છોડી જતી રહેશે. 

આવા બધા પ્રયાસોની વચ્ચે એક દિવસે એ અને આયુષ ઘરમાં પ્રવેશ્યા. બન્નેના ચહેરા દરરોજ કરતા જુદા હાવભાવોનું દર્શન કરાવી રહ્યા હતા. આંખો નીચે તરફ ઢળેલી હતી. ઘરમાં આવતાની જોડે ઊંચા અવાજે "આ'મ હોમ" કહેવાની આદત ધરાવતો આયુષ મારા અને મારા પતિની સામે બેઠક ખંડમાં આવીને શાંત ઊભો રહી ગયો. એક નજર મયુરી તરફ નાખી કે મયુરી એના શયનખંડ તરફ જતી રહી. મારા મનમાં ખુશીની લહેરો મૌન ઉછળવા માંડી હતી. જરૂર કશુંક અજુગતું ઘટ્યું હતું. બન્ને લડી પડ્યા હોય તો હું તો કોઈને કશું સમજાવવાની ન હતી. મેં મનોમન નક્કી કર્યું ત્યારે ગરદન ઉત્સાહમાં થોડી હાલી પણ ખરી. 

ટીવીનો અવાજ બંધ કરી પરિસ્થિતિની ગંભીરતા તપાસવા મારા પતિએ ધીમેથી પૂછ્યું, 

" આયુષ, મયુરીને શું થયું ? તેં એને કશું કહ્યું ? "

''હા " આયુષના સ્વરમાં કડકાઈ હતી. મારું અંતર એ કડકાઈ પર વારી ઊઠ્યું. મારો ચહેરો પૂર્ણ ચન્દ્ર સમો ચળકી ઊઠ્યો. 

" શું કહ્યું તેં એને ? " મારા પતિના અવાજમાં બમણી કડકાઈ વ્યાપી. 

" એ જ કે..." ત્રણ હજી કડક શબ્દો ઉપર એ અચાનકથી અટકી પડ્યો. 

એના પિતા નજીક જઈ એણે ધીમે રહી પોતાનો હાથ એમના ખભા ઉપર ગોઠવી દીધો. મારા કાન અતિઉત્સાહિત થઈ ઊઠ્યા. અચાનકથી આયુષનો રવ સુંવાળો બની ગયો. પોતાના પિતાના કાન નજીક જઈ એ હળવેથી બોલ્યો, 

" તમે દાદા બનવાના છો. "

મારા શરીરનું લોહી ફ્રિજમાં મુકેલા પાણી જેવું ટાઢું થઈ ગયું. બાપ દીકરા એકબીજાને એ રીતે ભેટી પડ્યા જાણે વિશ્વ જીતી ગયા હોય. આયુષે મને ફરી પહેલાની જેમ જ ગોદમાં ઊંચકી લીધી અને ખુશીના આવેગમાં ગોળ ગોળ ચક્કર કાપવા માંડયો. જયારે મને સોફા પર બેસાડી ત્યારે મગજમાં તમ્મર ચઢી રહ્યા હતા. અનાયાસે મારી આંખો ભીંજાઈ ગઈ. આયુષ ચિંતિત થયો. 

" મમ્મી, તું રડે છે ? "

એના પપ્પાએ મારા વતી જવાબ આપી દીધો. 

" બેટા, એ તો ખુશીના આંસુ છે. સાચું કહ્યું ને ? "

એમના પ્રશ્નના ઉત્તરમાં હું એમને સ્તબ્ધ બની તાકતી જ રહી ગઈ. 

એ દિવસે મયુરીએ મારી ક્રાંતિની અગ્નિ પર પાણી ફેરવી મૂક્યું. શતરંજની રમતમાં સામે તરફના ખેલાડીને ચારે તરફથી માત આપતા ખેલાડી જેમ મયુરી મારી સામે જોર જોર હસી રહી હોય એવી મને ભ્રાંતિ થવા માંડી.  

પછી શું ?

હવે તો મારે મયુરીની સંભાળ રાખવાની હતી. એને યથાયોગ્ય આરામભર્યું વાતાવરણ પૂરું પાડવાનું હતું. આયુષ વ્યસ્ત હોય તો ગાઈનીક પાસે લઈ જવાની હતી. એ મને દાદી બનવાનું સુખ આપવાની હતી એટલે એને સુખી રાખવાની જવાબદારી મારા ખભે આવી પડી હતી. કેટલીક ફરજો આપણે નિભાવવાની જ હોય છે. એમાંથી છુટકારો શક્ય નથી. મારો પણ છુટકારો શક્ય ન હતો. મેં પણ હથિયાર નાખી દીધા હતા. પણ હજી પણ મનના ખૂણામાં કોઈ છુપી દાઝ થાક્યા વિના ચૂપચાપ એની ફરજ નિભાવી રહી હતી. એટલે મયુરી માટેની દરેક ફરજ નિભાવ્યા બાદ પણ બધી પ્રક્રિયાઓ યાંત્રિક ઔપચારિકાતો જ અનુભવાઈ રહી હતી. એ ઔપચારિકતાના ભાર નીચે કચડાયેલી મારી આત્મા ક્ષણ ક્ષણ ગૂંગળાઈ રહી હતી. એવા જ એક ભારે દિવસે હું ડાઈનિંગ ટેબલ ઉપર મારા પતિ, મોટો દીકરો, ગર્ભવતી વહુ અને અન્ય ત્રણ દીકરાઓ જોડે ભારે હૈયે જમણ કરી રહી હતી. બધા મૌન જમણ કરવામાં વ્યસ્ત હતા. મારી સામેની ખુરશી ઉપર મયુરી હતી. એને નિહાળ્યા બાદ વારેઘડીએ ઝંખનાનો ચહેરો નજર આગળ તરી આવતો હતો. અંતરની ગૂંગળામણ અસહ્ય બની રહી હતી. અચાનક મારી નજર મારા બીજા ક્રમાંકના દીકરા ઉપર ઠરી. મનમાં કોઈ અણધાર્યો વિસ્ફોટ થયો હોય એમ મારા ચહેરા ઉપર એક મોટું સ્મિત ફરકી ઊઠ્યું. મને એની તરફ અચાનક સ્મિત જોડે નિહાળતા જોઈ એ મને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યો. ત્યારબાદ એણે એક દ્રષ્ટિ ડાઈનિંગ ટેબલ પર જમી રહેલા પરિવારના અન્ય સભ્યો તરફ નાખી. બધા નીચી નજરે પોતપોતાના કોળીયાઓમાં પરોવાયેલા હતા. એના ચહેરા પર કોઈ અજાણ્યા ભયના વાદળો છવાઈ ગયા હોય એમ એના ગળામાંનું થુંક મને નીચે સરકતું દેખાયું. 

મારી નજર હજી પણ એની ઉપર જ કેન્દ્રિત હતી. પરંતુ મારો પ્રશ્ન મારા પતિ માટે હતો. 

" આપણે આરવ માટે ઝંખનાનો હાથ માંગીએ તો કેવું ? "

એ જ ક્ષણે આરવના ગળામાં કશું અટકી ગયું અને એને ખાંસીનો ઉભરો આવ્યો. પડખે બેઠા આયુષે એને ગ્લાસમાં પાણી રેડીને આપ્યું. મારા અન્ય બે દીકરાઓ અને વહુની નજર આરવ ઉપર એવી રીતે આવી ઠરી હતી જાણે એ બધા લગ્નના મંડપમાં હોય અને આરવ ઘોડી ઉપર ચઢ્યો હોય. મારા મનમાં ઊગી નીકળેલા વિચારના બીજને મારા પતિ થકી પોષણ મળે એ આશ જોડે હું એમને ઉત્તેજનાભર્યા હાવભાવો જોડે નીરખી રહી. એમની નજર પણ આરવ પર જ હતી. પરંતુ એમના જવાબની દિશા મારી તરફ હતી. 

" વિચાર તો સારો છે. પણ એકવાર આરવને પૂછી લે. "

એકવાર મેચ હારી ગયા પછી ખેલાડીઓ બીજી મેચમાં પ્રાણ રેડી મંડી પડ્યા હોય એમ આ વખતે તો હું હાર ન જ માનીશ એવી ધગશ અને હઠના બમણા પ્રવાહમાં વહી રહેલા મારા કઠણ શબ્દો ડાઈનિંગ ટેબલના વાતાવરણમાં વરાળ માફક ફરી વળ્યાં.

" એમાં આરવને શું પૂછવાનું હોય ? એ આયુષ જેવો નથી. માતાપિતાની મરજી એના માટે ઈશ્વરની મરજી છે. એ ત્યાં જ લગ્ન કરશે જ્યાં એની મમ્મી કહેશે. હવે તો એની નોકરી પણ સ્થાયી થઈ ગઈ છે. સારું એવું કમાય છે. ઝંખનાના માતાપિતા હા જ પાડશે. દીકરી આંખની આગળ રહે એ સિવાય માતાપિતાને બીજું શું જોઈએ ? જ્ઞાતિમાં દીવો લઈને નીકળે તો પણ મારા આરવ જેવો વર એમને ન મળે. કેમ આરવ ? "

મેં આરવને પ્રશ્ન પૂછ્યો ત્યારે મારા ચહેરા પર એક પહોળું સ્મિત હતું. પરંતુ મારી આંખો એને રહેંસી રહી હતી. એનાથી સામો ઉત્તર ન આપી શકાય એ માટે મારા શરીરના કડક હાવભાવો મક્કમ પહેરો ભરી રહ્યા હતા.

મેં એક નજર મારા પતિ તરફ કરી. એમની નજર મારી વહુ પર જડાઈ. મારી વહુએ નીચી નજર ઢાળી સૂપ ફરીથી પીવા માંડ્યું. આરવને ફરીથી ખાંસીનો ઉભરો આવ્યો. પડખે બેઠો આયુષ હળવે હાથે એની પીઠ થપથપાવા માંડ્યો. મારું મન વિજય પતાકા લહેરાવી રહ્યું.

" ઝંખનાનું કુટુંબ રજાઓ ઉજવી બે અઠવાડિયામાં પરત થવાનું છે. તેઓ પરત થાય કે હું વાત આગળ વધારી દઈશ."

ડાઈનિંગ ટેબલ ઉપરથી ફક્ત કાંટા અને ચમચીના અવાજો આવી રહ્યા હતા. મારું વિધાન સર્વાનુમતે સ્વીકારાઈ ચૂક્યું હતું. 

પછી શું ?

ત્યારબાદના પંદર દિવસો અત્યંત ઉત્સાહમાં પસાર થયા. રાત્રિઓ પહેલાની જેમ ચેનસભર ઊંઘમાં વીતી. જાણે મન પરથી કોઈએ મણ મણ જેટલો ભાર હળવો કરી મુક્યો. મેં ઘણી બધી ખરીદીઓ કરી. મન ભરીને મીઠાઈઓ તૈયાર કરી. વેવિશાળનું મેન્યુ મારા પતિ જોડે નક્કી કરી નાખ્યું. કયા હોલમાં વેવિશાળ થશે એ અંગે ચર્ચાવિચારણા કરી નાખી. ઝંખના વહુ બની ઘરમાં આવવાની હતી. એના માટે એક ઓરડો ખાસ રિનોવેટ કરાવવાની યોજના પણ ઘડી નાખી. જે સાંજે ઝંખનાનું પરિવાર ઘરે પરત થવાનું હતું એ આખો દિવસ મારી નજર પ્રાંગણની બહાર તરફના માર્ગ ઉપર વારેવારે ડોકાઈ જતી હતી. એક એક ક્ષણ વિતાવવી અઘરી થઈ રહી હતી. સાંજે જયારે બહારના માર્ગ તરફ ઓટોરિક્ષાનો અવાજ સંભળાયો ત્યારે હું રસોડામાં હતી. લોટવાળા હાથ જોડે જ હું બહાર ધસી આવી. ઓટોરિક્ષામાંથી ઝંખનાની ઝાંખી મેળવવા હું અધીરી થઈ. મારા આશ્ચર્ય વચ્ચે એ ઓટોરિક્ષામાંથી આરવ ઉતર્યો. એના ગળામાં ફૂલોની હારમાળા હતી. એની પાછળ એક યુવતી પણ ઓટોરિક્ષામાંથી નીચે ઉતરી આવી. એના ગળામાં પણ એવી જ એક ફૂલોની હારમાળા હતી. યુવતીના હાથમાં લાલ બંગડીઓ હતી, ગળામાં તાજું બંધાયેલું મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરાયેલું હતું. 

આરવે મને આયુષની જેમ ગોદમાં ઉઠાવી નહીં. ન તો મને ઊંચકી ગોળ ગોળ ચક્કર કપાવ્યા. આમ છતાં મારા મગજમાં તમ્મર ચઢી ગયા અને હું પ્રાંગણની દાદરો પર ફસડાઈ પડી. 

પછી શું ?

આરવની પસંદગીની યુવતી જોડે એણે મંદિરમાં ફેરા ફરી લીધા હતા. મારા તરફથી જ નહીં યુવતીના પરિવાર તરફથી પણ મંજૂરી મળવાની કોઈ શક્યતા ન હતી એટલે. મંજૂરી મળે જ કઈ રીતે ? આંતરજ્ઞાતિ લગ્ન કઈ નાનીસૂની વાત કહેવાય ? મારું અંતર તો જાણે બેસી જ પડ્યું હતું. એક વર્ષ સુધી બબાલ થઈ ! યુવતીના ઘરવાળાઓએ યુવતીને ઉપાડી જવાનો આરવ ઉપર આરોપ મૂક્યો. પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ ઘરે આવી. એ તો યુવતી પોતાની જોડે પોતાના ડોક્યુમેન્ટ્સ લઈને આવી હતી એટલે એ બાલિગ હતી અને લગ્ન એની મરજીથી થયા છે એ સાબિત કરી શકાયું. નહિતર...!

સમાજમાં મારી અને મારા પરિવારની સચવાયેલી આબરૂના જાણે કાંકરા થઈ ગયા. લગ્નસમારંભોમાં કે અન્ય સામાજિક પ્રસંગોએ લોકોની નજરો અમને રહેંસવા લાગી. વાતવાતમાં, વ્યંગ કે મશ્કરીના આવરણમાં સંભળાતા મહેણાં ટોણાથી હું અંદરથી ભાંગવા લાગી. શ્રીમતી વ્યાસે એમના દીકરાના લગ્નના રિસેપશનમાં તો મારી નવી વહુનું નામ પૂછવાને બહાને એની જ્ઞાતિના કુરિવાજો અંગે નફ્ફટાઈથી પ્રશ્નો પણ કર્યા. જોકે એમનો દીકરો તો વિદેશી વહુ લાવ્યો હતો. પણ ગ્રીનકાર્ડ આપનાર જ્ઞાતિને તો સમાજ અહોભાવથી જ નિહાળતો હોય છે. એમની સંસ્કૃતીને પ્રશ્ન કરવાની હામ કોઈ ભરે ખરું ? 

રિસેપશનમાંથી ઘરે પરત થતા ઘરના પ્રાંગણમાં જ મારા પતિએ બાળકો ન સાંભળે એમ હળવા સ્વરે કહ્યું હતું,

" મિસિસ વ્યાસને જે કહેવું હોય એ કહેવા દે. એમના મંતવ્યો આપણા ઘરનું વાતાવરણ શા માટે દૂણાવે ? આરવ ખુશ છે એ વાત આપણા માટે મહત્ત્વની હોવી જોઈએ. કેટલા સમય પછી હવે એનું લગ્નજીવન માંડ માંડ પાટા ઉપર ચઢ્યું છે. બિચારી સુધાનો વિચાર કર. એના માતાપિતાએ તો એનાથી મોઢું ફેરવી લીધું છે. જો આપણે પણ એને તરછોડી દઈએ તો ...જો પરિવારમાં એક પણ સભ્ય ખુશ ન હોય તો એની અસર આખા પરિવારની ખુશી પર પડતી હોય છે. "

એ તો મને ભાષણ સંભળાવી ઘરની અંદર પ્રવેશી ગયા. પણ હું તો થોડી ક્ષણો સુધી ત્યાં જ સ્તબ્ધ ઊભી રહી ગઈ. શ્રીમતી વ્યાસે આમ ખોટું પણ શું કહ્યું હતું ? જે છોકરી એના માતાપિતાની ન થઈ એ કોઈની ન થાય. આખી રાત મારા મનમાં વિચારોના વંટોળ ફૂંકાતા રહ્યા. હું એક પડખું ફેરવી બીજું પડખું બદલતી રહી. બાજુમાં ઘસઘસાટ ઊંઘી રહેલ પતિ તરફ મારો ઘૃણાનો મૌન સ્ત્રોત વરસતો રહ્યો. મારા આરવને કોઈએ ચાલાકીથી પોતાની જાળમાં ફસાવી લીધો હતો અને હું કશું કરી શકી ન હતી. 

એ અપરાધભાવ મનમાં ધીરે ધીરે જ્વાળામુખી જેમ ખદબદી રહ્યો હતો. એની જોડે સુધા તરફની નફરત દિવસે ને દિવસે વધી રહી હતી. એ મયુરી જેમ નોકરી કરતી ન હતી. એટલે આખો દિવસ એનો મોટાભાગનો સમય મારી જોડે જ પસાર કરવાનો હોય. ટૂંકમાં મારે જ એને સૌથી વધુ બરદાસ્ત કરવાની હતી. પણ બરદાસ્ત કરવું અશક્ય હતું. એની રસોઈ કોઈ જુદા જ પ્રકારની હતી. એની રાંધવાની કળા એની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતી હતી. જે મારાથી સહેવાતું ન હતું. એટલે રસોડામાં હું એને કોઈ પણ વસ્તુને હાથ લગાડવા દેતી નહીં. હવે તો ઝંખનાના પણ વેવિશાળ નક્કી થઈ ચુક્યા હતા. એટલે ઘરમાં એની અવરજવર પણ નહિવત બની હતી. 

" હું મદદ કરું ? " એ ડહાપણ કરતી. હું નાકનું ટેરવું ચઢાવી સીધું કહી દેતી,

" ના, જરૂર નથી. મારી મયુરી સાંજે આવીને મદદ કરી નાખશે. "

એનો ચહેરો ઉતરી પડતો. એના ઉતરેલા ચહેરા થકી મારા મનને અદમ્ય તૃપ્તિ થતી. મંદિરે જવાનું હોય તો હું મયુરીને લઈ નીકળી પડતી. ખબર નહીં કેમ ? પણ સુધાના ઘરમાં આવ્યા બાદ મને ધીમે ધીમે મયુરી હવે ગમવા માંડી હતી. કદાચ એ પહેલા મેં એને ધ્યાન દઈ ઓળખવાનો પ્રયાસ જ કર્યો ન હતો.પરંતુ સુધાના આવ્યા બાદ મારું ધ્યાન મારી ગર્ભવતી વહુ પર જ ઓળઘોળ રહેતું. એને લાડ અને પંપાળ કરાવવામાં મને અનેરો આનંદ મળતો. એ દરેક રીતે મારા સ્નેહ અને વાત્સલ્યની હકદાર તો હતી. એ અમારી જ્ઞાતિની હતી. અમારી પરંપરાઓ, રીતિરીવાજો અને સંસ્કૃતિથી સંપૂર્ણ પરિચિત પણ હતી અને એને અનુસરતી પણ હતી. એની જોડે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાથી મન રાજીરેડ રહેતું. એની જોડે હોવ ત્યારે બધાની નજરમાં મારા માટે પહેલા જેવા જ માનસન્માન મને નિહાળવા મળતા. ઉપરાંત એ મને દાદી બનવાનું સુખ આપવા જઈ રહી હતી. મારા ઘર જોડે એ કેટલી સહજતાથી ભળી ગઈ હતી. એની ટેવો, આદતોમાં કોઈ પણ ભાતીગત કે પ્રાંતીગત ભિન્નતા ન હતી. ટૂંકમાં મને મયુરીની અંદર મારી જ છબી દેખાતી. 

એની તરફનો પ્રેમ અને લાગણીઓ સુધાને એ આડકતરો સંદેશો પણ અચૂક આપતો કે મારા ઘરમાં કે હૃદયમાં એ કદી મયુરી જેવું સ્થાન બનાવી ન જ શકે. આરવ બધું જાણતો હતો. મારી આગળ તો એ જીભ ઉપાડતો નહીં. પણ પિતાની જોડે એકાંતમાં મારી ફરિયાદો જરૂર કરતો. એટલે તો એની જોડે બહારથી આવ્યા બાદ મારા પતિ શયનખંડના એકાંતમાં એ રાતે સુધા પ્રત્યેના વલણ વર્તન અંગે મને લાંબા લચક ભાષણ સંભળાવતા. હું કાન પર ઓશીકું મૂકી ઊંઘી જતી.

મયુરીએ બાળકીને જન્મ આપ્યો ત્યાર બાદ તો મેં એને ઘરની રાણી જ બનાવી મૂકી. એક પણ કામ ને એણે હાથ લગાડવાનો ન હોય. એને બધું એના ઓરડામાં જ મળતું. એને અને આયુષને કદી એકલા ફરવા જવું હોય તો હું મારી પૌત્રીની રાજીખુશીએ દેખરેખ પણ રાખતી. મયુરીના માતાપિતાને અવારનવાર ઘરે જમવાના આમંત્રણ મળતા અને અમે પણ ઘણીવાર એમના ઘરે આમંત્રિત થતા. સુધાના ઘરવાળા તો એનું મોઢું પણ જોવા ઈચ્છતા ન હતા અને હું પણ. 

આ બધી ઘટનાઓ વચ્ચે મારો ત્રીજા ક્રમાંકનો દીકરો સુમિત કામ કરવા માટે વિદેશ જતો રહ્યો હતો. મને એની ઘણી ચિંતા રહેતી. મારા બાકી ત્રણ દીકરાઓ બહારનું જમવાના શોખીન. પણ સુમિતને તો ઘરનું જ જમણ જોઈએ. એ પણ એની મમ્મીના જ હાથનું. એ ઘણો અંતર્મુખી. ખપ પૂરતી જ વાતો કરે. મોટેભાગે મારા જોડે જ. કોઈની જોડે ઝાઝી મગજમારી નહીં. કોઈની આગળ માથું ઊંચકે નહીં. પુસ્તકમાં જ એનું માથું ઢળેલું રહેતું. આંગળીએ ગણી શકાય એટલા જ મિત્રો. એક નંબરનો ઘરકુક્ડો. સામાજિક પ્રસંગોએ એને કાયદેસર ઘસડીને લઈ જવો પડે. ઘણા લોકો તો એમ જ માનતા કે મારા ત્રણ જ દીકરાઓ છે. શરમાળ એટલો કે એની ભાભીઓ જોડે વાત કરતા પણ એને લાજ છૂટે. આમ તો એ દર સાંજે ત્યાંથી પાંચ મિનિટ માટે વિડીયો કોલ કરતો. પણ દીકરાને આંખોની આગળ જોવું અને કેમેરાના આશરે જોવું એમાં ધરતી અને આભ જેટલો જ તફાવત. મારું માતૃસહજ હૈયું દર ક્ષણ એની ચિંતામાં ઘેરાયેલું રહેતું. એટલે પાંચ મિનિટના એ કોલ દરમિયાન હું પાંચ હજાર પ્રશ્નો પૂછી કાઢતી. 

જમ્યો કે નહીં ? કેવું જમણ મળે છે ત્યાં ? ભૂખ્યો તો નથી રહેતો ને ? બરાબર ઊંઘે છે ને ? નવા મિત્રો બનાવ્યા કે નહીં ? વગેરે ..વગેરે... એ ટૂંકમાં ઉત્તર આપતો ખરો. પણ એ ઉત્તરો પણ મનને સંતોષ આપી શકતા નહીં. મને એની લગ્નની ચિંતા સતાવ્યા કરતી. દર વખતે હું એને લગ્ન અંગે પૂછતી. પણ એને જાણે લગ્ન કરવાની કોઈ ઉતાવળ જ ન હોય એમ એ જવાબ ટાળી દેતો. મારી ચિંતાઓનો માતૃબોજ વધી જતો. એવા જ એક ફિકરભર્યા વીડિયોકોલની પુર્ણાહુતી પછી હું રસોડામાં પ્રવેશી કે મારી આંખો સામેનું દ્રશ્ય જોઈ હું ખિન્ન થઈ ઊઠી. મારી ભ્રુકુટી તણાયેલી નજર જોડે ઉપર તરફ ખેંચાઈ ઊઠી. સુધા રસોડામાં હતી. એણે પ્રેશર કુકરનું ઢાંકણું ખોલી નાખ્યું હતું. દાળ માટે એ વઘાર કરવાની તૈયારી કરી રહી હતી. મારી રીસ ત્રાડનું સ્વરૂપ ધારણ કરી બેઠી. જેના થકી આખું ઘર ગુંજી ઊઠ્યું. 

" કેટલીવાર કહ્યું છે કે મારા કામોને અડકવું નહીં. "

એના હાથ ધ્રુજી ઊઠ્યા. 

" પણ મમ્મી, તમે ફોન પર હતા ને મયુરી ભાભી પણ ઘરે નથી. ઘણી સીટીઓ વાગી ગઈ હતી. તમે કોલમાં વ્યસ્ત હતા તો મને થયું તમે ભૂલી ગયા..."

એના શબ્દો મારી આંખોની કીકીઓનું કદ નિહાળી આગળ વધતા અટકી પડ્યા. 

" મેં તારી મદદ માંગી ? ખોટું ડહાપણ કરવાની કોઈ જરૂર નથી. નીકળ અહીંથી. " વિડીયો કોલમાં એક તો સંતોષકારક ઉત્તરો મળ્યા ન હતા અને એમાં સુધા મારા રસોડામાં...મારી અસહ્યતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. 

" મમ્મી, બહુ થયું હવે. ધીઝ ઈઝ નોટ ફેર. એ બિચારી તમારી મદદ કરી રહી હતી ને તમે એની ઉપર જ ખોટા વરસવા માંડ્યા. ક્યાંનો ગુસ્સો ક્યાં ઉતારી રહ્યા છો ? "

આરવ પોતાની પત્નીનો વકીલ બનવા આવી પહોંચ્યો હતો. મારા પતિ પણ એની પાછળ રસોડામાં પ્રવેશ્યા. મને લાગ્યું કે જાણે એણે મારા વિરુદ્ધ આખી ફોજ તૈયાર કરી રાખી હોય. પણ આમ તો હું ડરવાથી રહી. મેં પણ લાંબા સમયથી મનમાં દાંટી રાખેલી ભાવનાઓને કશા પણ ખચકાટ વિના ખોદી મૂકી.

" જોયું, મારા દીકરાને મારી વિરુદ્ધ ઊભો કરી ને જ રહી. જે પોતાના માતાપિતાની ન થઈ એ કોઈની ન થાય. "

" માલતી ..." મારા પતિનો અવાજ પહેલીવાર મારી પર ઊંચે ઊઠ્યો. તે પણ બધાની સામે. સુધાને લીધે. મારો પારો છટક્યો. 

" આ ઘરમાં આવવાને આટલો સમય થઈ ગયો. હજી પણ એને અહીંના રિવાજો, પરંપરાઓ કે પ્રણાલિકાઓ અંગે કશું ભાન નથી. "

મારી આંખો સીધેસીધી સુધાને રહેંસી રહી હતી. એની આંખોમાં ઝળઝળિયા હતા. બધાની ભાવનાઓને પોતાના પક્ષમાં કરવાની શાતીર મગજની ચતુરાઈ. એ ઝળઝળિયાએ ઉશ્કેર્યો હોય એમ આરવ મારી દિશામાં આવેગથી ધસી આવ્યો. મારી આંખોમાં આંખો પરોવી પિતાની જેમ જ ઊંચા અવાજમાં બોલ્યો,

" એ તો ત્યારે શીખે જયારે તમે કશું શીખવવાની તૈયારી દર્શાવો. પણ તમને તો વાતેવાતે એનું અપમાન કરવું છે. સાચી વાત તો એ છે કે તમે ઈચ્છતા જ નથી કે સુધા આ ઘરમાં રહે. "

હું કશું બોલી નહીં. ફક્ત એક જોરદાર થપ્પડ એના ગાલ પર મારી દીધો. એ આગળ કશું બોલ્યો નહીં. ઊંડા શ્વાસ ભરતો પોતાની પત્નીનો હાથ થામી રસોડામાંથી બહાર નીકળી પોતાના શયનખંડ તરફ જતો રહ્યો. મારા પતિએ મારા તરફ એક વેધક દ્રષ્ટિ નાખી. મારી આંખો હજી પણ ગુસ્સામાં લાલચોળ હતી. મારી દિશામાં અવિશ્વાસના હાવભાવો દર્શાવતા નકારમાં ગરદન હલાવતા તેઓ પણ રસોડામાંથી બહાર નીકળી ગયા. એ દિવસે મેં જાતને વચન આપ્યું કે સુધા જોડે કદી વાત ન કરીશ. એની જગ્યા આ ઘરમાં તો શું, મારા મનમાં પણ ક્યારે ન બને. 

પછી શું ?

એ દિવસ બાદ જાણે આરવ અને સુધા મારા માટે ઘરમાં હતા જ નહીં. પણ એકદિવસે એક વિડીયો કોલ આવ્યો અને...

એ વિડીયો કોલ જાણે ઘરમાં સુનામી જેમ આવ્યો અને મારા આખા ઘરને હલબલાવી ગયો. જીવનની કોઈ પણ સમસ્યામાં મારા પતિ હંમેશા મારી પડખે રહ્યા હતા. ગમે તેવી પરિસ્થિતિનો તેઓ મક્ક્મતાથી સામનો કરતા. સાથે મને પણ ટેકો આપતા. પણ આ વખતે તેઓ ભાંગી પડ્યા. બોલવાનું જ બંધ કરી દીધું. થોડા દિવસો બધાને હતું કે કદાચ ગુસ્સામાં છે કે શોક્ગ્રસ્ત છે એટલે કદાચ કોઈની જોડે વાતો કરતા નથી. ઓરડામાં ઊંઘી રહે છે. પણ અંતરની એમની હતાશાએ સીધો જ એમના હૃદય પર હુમલો કર્યો. છાતીનો દુઃખાવો ધીમે ધીમે અસહ્ય થવા માંડ્યો. એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોટો હૃદયરોગનો હુમલો હતો એ. જો સમયસર હોસ્પિટલ ન લઈ ગયા હોત તો...ડોકટરના શબ્દોએ મને પણ ઝંઝોળી મૂકી. ત્યાં જ બેભાન ઢળી પડી. મને આઘાતને કારણે હાઈ બ્લડ પ્રેશરનો અટેક થયો. ઘરે જ આરામ કરવાની સલાહ આપવામાં આવી. ડોક્ટર ઘરે આવી મારી તપાસ કરી જતા. મારા પતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને હું ઘરે. આયુષ અને આરવ નોકરી પર પણ જતા અને અમારો ખ્યાલ પણ રાખતા. મયુરીની નોકરી પણ હતી અને પોતાની દીકરીની દેખરેખ પણ એણે રાખવાની હતી. આ બધી ઉથલપાથલ વચ્ચે સુધાએ આખું રસોડું સંભાળી લીધું. અર્ધો દિવસ એ મારા પતિની પડખે હોસ્પિટલમાં પણ રહેતી. અર્ધો દિવસ મારી દેખભાળ કરતી. પરિવારના કોઈ પણ સભ્યને તેમના વ્યસ્ત સમયપત્રકમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન પડે એની એ સંપૂર્ણ કાળજી દાખવતી. હું એક પણ શબ્દ ઉચ્ચારી શકતી જ નહીં. મૌન ઢળેલી નજરે બધું નિહાળ્યા કરતી.

ક્યારેક માનવીનું અભિમાન હદ વટાવી ઉધમ મચાવવા માંડે ત્યારે પ્રકૃતિ પરિસ્થિતિનું રૂપ ધારણ કરી એને નિયંત્રિત કરી નાખે છે. મારા જીવનની આ એવી જ એક પરિસ્થિતિ હતી. એક અઠવાડિયા બાદ મારા પતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યું. મારું બ્લ્ડપ્રેશર પણ નિયંત્રણમાં આવ્યું. આ બધામાં આરવ અને સુધાએ અમારી દિલોજાનથી સેવા કરી. એક રાત્રીએ મારા પતિ શયનખંડમાં ઊંઘી રહ્યા હતા. આયુષ અને મયુરી પોતાની બાળકીને પોતાના શયનખંડમાં ઊંઘાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૌથી નાનો દીકરો પોતાની પરીક્ષાની તૈયારીઓ કરવામાં વ્યસ્ત હતો. હું એકલી પ્રાંગણમાં બાંકડા પર પગ લંબાવી બેઠી હતી. મારી દ્રષ્ટિ આભમાં સ્થિર હતી. ચન્દ્ર અને તારલાઓ ઉપર આંખોની કીકી જડ વળગેલી હતી. હવામાં ઠંડી પ્રસરેલી હતી. ધીમે રહી મારા શરીર પર કોઈએ શાલ ઓઢાડી. સુધા હતી. હું મડદા જેમ જ પડી રહી. એ પડખેથી ખુરશી લઈ મારા પગની નજીક બેઠી. મારા પગની બંધાઈ ગયેલી નસો ઉપર બે મૃદુ હાથ હળવા હળવા ફરવા લાગ્યા. લોહીનું પરિભ્રમણ સક્રિય થતા મગજની નસો અત્યંત હળવી થઈ ઊઠી. બે મિનિટ સુધી કોઈ કશું બોલ્યું નહીં. પછી ધીમે રહી એક હળવો અવાજ શાંત વાતાવરણમાં ચહેકી ઊઠ્યો.

" તમે ચિંતા નહીં કરો. સૌ ઠીક થઈ જશે. "

એ જ ક્ષણની રાહ જોતો બેઠો હોય એમ મનમાં દિવસોથી ધરબાયેલો સમુદ્ર આંખોમાંથી છૂટી નીકળ્યો. સુધા તરત જ ખુરશી પરથી ઊભી થઈ મારી નજીક સરકી આવી.એણે મને બાથમાં ભરી લીધી. એ ઉષ્મા ભરી બાથમાં મારા ડૂસકાંઓ લાંબા સમય સુધી નીકળતા રહ્યા. 

અચાનક મારી આંખો સામે એક હાથ આવી લંબાયો. એ હાથમાં થમાયેલી ચાની પ્યાલીમાંથી વરાળ ઉપર ઊઠી રહી હતી. એ વરાળની ભેજમાંથી મને ફરીથી વર્તમાનના દર્શન થયા. સુધા ચા લઈ મારી સામે ઊભી હતી. એના ચહેરા પર દરરોજ જેવું જ મધુરું સ્મિત હતું. રસોડામાંથી કૂકરની સિટીનો અવાજ ગુંજી રહ્યો હતો. હવે રસોડું તો સુધાના જ હાથમાં હતું. 

" સાકર ઓછી નાખી છે. " 

મેં આદરપૂર્વક પ્યાલી હાથમાં લઈ લીધી. પેલી રાત્રિને તો એક વર્ષ વીતી ચૂક્યું હતું. બધું ધીમે ધીમે પૂર્વવત થઈ ગયું હતું. છતાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. સુમિત સાથેનો સંપર્ક તદ્દન તૂટી ચુક્યો હતો. 

" રોનક, તું કોફી પીશ ? "

સુધાએ એના ટેવગત મીઠા ટહુકામાં મારા સૌથી નાના દીકરાને પૂછ્યું. પ્રાંગણમાં બેઠા રોનકે સ્મિત જોડે હામીમાં ગરદન હલાવી અને સુધા રસોડામાં જતી રહી. મેં એક ઊંડો દમ ભર્યો અને સોફાને અડકી ગઈ. સુધાના હાથે બનેલી ચા ઔષધિનું જ કામ કરતી. એક એક ઘૂંટડા જોડે જાણે આત્મા તૃપ્ત થઈ ઊઠી. ખાલી પ્યાલી હું રસોડામાં મુકવા જાઉં એ પહેલા મારી નજર ટીવી ઉપર આવી ઠરી. પ્રસારિત સમાચારો ધ્યાન દઈ સાંભળી શકાય એ હેતુએ મેં ટીવીનો વોલ્યુમ ઊંચો કર્યો. ટીવીમાં પ્રસારિત સમાચારો નિહાળી હું ધ્રુજી ઊઠી. 

જાપાનમાં એક યુવકે પોતાના કૂતરા જોડે લગ્ન કર્યા...

મારી નજર પ્રાંગણમાં બેઠા રોનક પર પડી. એનો હાથ હજી પણ એના કુતરા ઉપર વ્હાલથી ફરી રહ્યો હતો. એ કૂતરાને વારેઘડીએ ચૂમી રહ્યો હતો. ન આયુષ ઘરમાં હતો, ન એણે મને ગોદમાં ઉઠાવી હતી, ન મને ચક્કર કપાવ્યા હતા. છતાં મારા મગજમાં તમ્મર ચઢી ગયા. આખું જગત મારી નજર આગળ ગોળ ગોળ ભમવા લાગ્યું. 

પછી શું ?

હું તરત જ સોફા છોડી ઊભી થઈ ગઈ. મારી ગર્જના આખા ઘરમાં ફરી વળી. 

'' રોનક, ઊઠ ત્યાંથી. તારે કોઈ કામકાજ નથી. આખો દિવસ આ કૂતરાની જોડે ફરતો રહે છે. જા જઈને અભ્યાસ કર. "

મારા ક્રોધના જ્વાળામુખીથી સુધા રસોડામાંથી દોડતી આવી. રોનક મને વિચિત્ર નજરે તાકતો એના ઓરડા તરફ ઉપડ્યો. જાણે હું કૂતરો હોવ અને નકામું ભસી રહી હોવ. એની પાછળ એનો કૂતરો પણ પૂંછડી પટકાવતો દોરાયો. 

હું સુધા જોડે આંખો મેળવી શકી નહીં. ખિન્ન હાવભાવો જોડે હું મારા શયનખંડમાં જતી રહી. 

શયનખંડનું બારણું બંધ કર્યું અને હું મારો મોબાઈલ શોધવા મથી. એ પથારી પર જડ્યો. મેં મોબાઈલ હાથમાં ઉઠાવી એક ક્ષણ મનોમંથન કર્યું. પછી ધ્રુજતા હાથે આંકડા દબાવ્યા. સામે તરફથી રિંગટોન સંભળાઈ. મારું હૈયું જોર જોર ધડકવા માંડ્યું. કોલ ઉપાડવામાં આવ્યો કે મારા મોઢામાંથી અનાયાસે ' સુમિત ' શબ્દ નીકળી પડ્યો. પણ સામે તરફથી પડઘાયેલા ' હેલો ' શબ્દમાં કોઈ અજાણ્યા છોકરાનો અવાજ પડઘાયો. મારું ગળું સુકાઈ ગયું. કપાળ ઉપર પરસેવાના ટીપા બાઝી ઉઠ્યા. મનમાં પ્રશ્ન પડઘાયો, શું આ એ જ યુવક તો નથી જેની જોડે સુમિત લગ્ન... મારું હૈયું એક ધબકાર છોડી ગયું. મારો હાથ કોલ કાપી નાખવા સજ્જ થયો કે સામે છેડેથી શબ્દો સંભળાયા. 

'' આઈ થિન્ક ઈટ્સ યોર મોમ."

જાણે કોઈએ કોલ ઉપાડનારના હાથમાંથી તરત જ મોબાઈલ છીનવી લીધો હોય એમ સામે તરફથી એક પરિચિત અવાજ ગળગળયા સાદમાં શીઘ્ર કાનમાં પડઘાયો.

" હેલો, મમ્મી..."

મારા હોઠ કંપી ઊઠ્યા. આંખોમાં ઝળહળ્યા ભેગા થયા અને ધ્રુજતા શબ્દો તૂટક વહી પડ્યા,

" તેં ..જ..મી.. લી..ધું.. ? "


Rate this content
Log in

Similar gujarati story from Abstract