Nandkishor Vaishnav

Abstract Romance Tragedy

2.6  

Nandkishor Vaishnav

Abstract Romance Tragedy

લેસ્બિયન

લેસ્બિયન

7 mins
15.4K


ઘણા દિવસો પછી, આજે રવિવારે ‘ઓફ’મળ્યો. ગઈકાલે જ તથાસ્તુએ નક્કી કરી લીધું હતું કે, સવારે રોજ કરતા મોડો ઉઠશે, હંમેશની જેમ સવારે છ વાગે ઉઠીને જીમમાં જવાનું, દસ – અગિયાર વાગે ઉઠી અને સ્નાનવિધિ પરવારી, નજીકના મોલમાં જવાનું,ત્યાં થોડું શોપિંગ કરી અને રેસ્ટોરાંમાં નાસ્તો કરવાનો, પછી બાજૂના મલ્ટીપ્લેક્ષમાં પીક્ચર જોવા જવાનું.

મોલમાં અહીં-તહીં ફરતાં ફરતાં ઘર માટે થોડીક ચીજવસ્તુઓ ખરીદી, તથાસ્તુ આગળ જતો હતો, ત્યાં તેનું ધ્યાન એક યુવતી ઉપર ગયું. તે દિવાલ ઉપર લગાવેલા અરીસામાં જોઈ, ચહેરા ઊપર ફેલાયેલા તેના વાળને વ્યવસ્થિત ગોઠવી રહી હતી.

“બરાબર છે, સુપર્બ.” તથાસ્તુથી બોલી જવાયું. પેલી યુવતી ચમકી અને પાછળ ફરી – “યુ...” હજુ તે આગળ કશુંક બોલે તે પૂર્વે જ તથાસ્તુએ કહ્યું, “વાળ સુંદર અને લાંબા છે, તે જોઈ અનાયાસ જ બોલાઈ ગયું, સોરી.” સહેજ અટકી અને બોલ્યો, “તથાસ્તુ.”

“પણ મેં તમારો ઓપિનિયન માંગ્યો જ નથી અને વાળ માટે વરદાન પણ માંગ્યુ નથી.” પેલી યુવતી જરા મોટેથી અને ઝડપથી બોલી ગઈ. “જી, તથાસ્તુ. મારું નામ તથાસ્તુ રોય છે, - આપ?”

“શ્રેયા- સીમ્પલી શ્રેયા,” તેણે આગળ જતાં કહ્યું, “કોફી લઈશું.” તથાસ્તુ અચાનક જ આવી પડેલા કોફીના પ્રસ્તાવથી થોડોક અચકાયો. “મારે હજુ મીસીસ સહાનીની એપોંટ્મેઈંટમાં એક કલાકનો સમય બાકી છે તો થયું કે તમારી સાથે કોફી લઈ લઉં. યુ આર એ વેરી ઈંટરેસ્ટિંગ પર્સન.” રેસ્ટોરાંમાં ટેબલ ઉપર જગ્યા લેતાં શ્રેયાએ કહ્યું, “રીયલી, થેંક્યું.” તથાસ્તુ ક્ષણીક અચકાયો. “પણ તમારું નામ શ્રેયા – માત્ર શ્રેયા જ કેમ? શ્રેયા શર્મા કે શ્રેયા દિવાન વગેરે... વગેરે... એવું કેમ નહીં?”

”યુ નો - તથાસ્તુ, હું શ્રેયા છું અને ફકત શ્રેયા જ રહેવા માંગું છું, અત્યારે તો કોફી લઈએ. ફરી મુલાકાતોમાં અન્ય વાતો કરીશું.” શ્રેયાએ વાત ટૂંકાવતા કહ્યું. વીસ-ત્રીસ મિનીટોની સામાન્ય ગપસપમાં કોફીની ચાર-પાંચ ઘૂંટ લેવાઈ – ના લેવાઈ, ત્યાં શ્રેયા ઊભી થઈ ગઈ. ઘડીયાળમાં જોતાં જોતાં તેણે કહ્યું, “ગુરૂવારે સાંજે આપણે સીટી ગાર્ડનની સામેના રેસ્ટોરાંમાં મળીશું?” તથાસ્તુએ માત્ર હા જ કહી. તેના કોલસેંટરનો ગુરૂવારનો સમય તેને યાદ નહોતો. “મારા મોબાઈલમાં તમો મીસકોલ કરો એટલે હું સેવ કરી લઈશ.” શ્રેયાએ ચાલતા ચાલતા જ મોબાઈલ નંબર આપ્યો અને તથાસ્તુએ યંત્રવત ડાયલ કર્યો.

*

અચાનક જ મોબાઈલના સ્ક્રીનમાં ફ્લેશ થયો, અને તથાસ્તુ ચમકી ગયો. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી, મોબાઈલના સ્ક્રીન ઉપર નજર નાંખી જોયું તો શ્રેયાનો મોબાઈલ નંબર હતો. કેલેંડર સામે જોયું, આજે ગુરૂવાર હતો – તેને શ્રેયાને મળવા જવાનું હતું. તેણે ઝડપથી દિવસ સંકેલવાની તૈયારી કરી દીધી, શ્રેયાને રેસ્ટોરાં નજદીક પહોંચવાનો મેસેજ આપી દીધો.

“તથાસ્તુ, મારા મમ્મી-પપ્પાના બે વર્ષના લગ્ન જીવનનો અંત ઘણો જ કરૂણ આવ્યો - મારા પપ્પાનું અચાનક જ અકસ્માતમાં મૃત્યુ થયું. હું ત્યારે માત્ર એક જ માસની હતી. મારી મમ્મીને લગ્ન પૂર્વે જે વ્યક્તિ સાથે અફેર્સ હતા, તેની સાથે તેણે રી-મેરેજ કર્યા. જેમ જેમ હું વયસ્ક થતી ગઈ તેમ તેમ મને જિંદગીના જુદા જુદા આયામોનો ખ્યાલ આવતો ગયો. હું હોસ્ટેલમાં રહી અને ભણી, પરંતુ તું માનીશ મને મમ્મીએ જે વ્યક્તિ સાથે રિ-મેરેજ કર્યા હતા, તે વ્યક્તિ જ બરાબર લાગી નહીં, તું માનીશ કુદરતે સ્ત્રીને ત્રીજી આંખ આપી હોય છે, તે પુરૂષની નજર જોઈને જ પુરૂષને નખશીખ માપી લે છે.” શ્રેયા થોડીક અચકાઈ ગઈ. તેની નજર રેસ્ટોરાંની બારીની બહાર તરફ હતી, તે કશુંક વિચારતી હોય તેમ લાગ્યું, “એક દિવસ મમ્મી અમદાવાદ આવી, મારી હોસ્ટેલ ઉપર આવી અને અમો બંને બહાર બગીચામાં શાંત અને એકાંત એવી એક જગ્યા શોધી અને બેઠા, મમ્મીની વાત સાંભળી અને હું સ્તબ્ધ થઈ ગઈ. મમ્મીએ મને હવે પછી કદી પણ તેઓ જ્યાં રહેતા હતાં, ત્યાં ભાવનગર આવવાની ના પાડી દીધી. મમ્મીના કહેવા મુજબ તેના નવા હસબંડને હવે તેનામાં દિલચશ્પી રહી નહોતી. તથાસ્તુ, તું માનીશ, કમનસીબે તે સમયમાં મમ્મીના શરીર ઊપર સફેદ દાગ ફેલાવા લાગ્યા હતા. મમ્મીને ડર હતો કે, તે વ્યક્તિ મારી ઉપર નજર બગાડે. તેણે મને ફાઈનઆર્ટનું છેલ્લું સેમેસ્ટર પુરૂં કરી, મુંબઈ શીફટ થઈ જવા કહ્યું. અહીં કોઈ એડ્વર્ટાઈઝીંગ કંપનીમાં આર્ટીસ્ટ તરીકે જોબ મળી જાય.” તે ઝડપથી વાત કરી રહી હતી.

“શ્રેયા, મને લાગે છે કે, નાસ્તાનો ઓર્ડર આપી દઈએ. નાસ્તો કરતાં કરતાં આગળ વાત કરીશું?” તથાસ્તુએ શ્રેયા તરફ પાણીનો ગ્લાસ આગળ ધર્યો.

“શ્યોર...”

નાસ્તાનો ઓર્ડર અપાઈ ગયો અને ફરી શ્રેયાની વાતોનો દોર સંધાઈ ગયો, “તથાસ્તુ, તે દિવસે, મમ્મીએ, મારા પપ્પાએ તેમના મૃત્યુ પૂર્વે પૈસાની રકમની જે બચત કરી હતી, તે રકમનો મારા નામનો ડીમાંડડ્રાફટ અને થોડાઘણાં ઘરેણાંઓ મને આપ્યાં. મમ્મી કહેતી હતી કે, આ રકમ અને ઘરેણાંઓ તેણે પેલી વ્યક્તિથી ખાનગી રાખેલાં. તથાસ્તુ, મને ત્યારે મારી મમ્મી પ્રત્યે માન થઈ ગયું. તેણે પેલી વ્યક્તિ સાથે પ્રેમ કર્યો પરંતુ સાથે સાથે મને પણ અન્યાય થાય નહીં અને મારા પપ્પાના આત્માને રંજ થાય નહીં તેનો ખ્યાલ રાખ્યો.” શ્રેયાની આંખમાં અશ્રુના બુંદ બાઝી ગયા હતા.

“શ્રેયા, ત્યારબાદ તારી મમ્મીને તું મળી છે કે નહીં?”

“નહીં – ક્યારેય નહીં, આજે લગભગ છ-સાત વર્ષ વીતી ગયા. અહીં મુંબઈમાં હું એકલી જ રહું છું પરંતુ મમ્મીનો સંપર્ક કર્યો જ નથી. પેલી વ્યક્તિએ મને શોધવા ઘણી કોશિશ કરી. પરંતુ મમ્મીએ તેની ખોજ અધવચ્ચે જ અટકાવી દીધી તેવા સમાચાર મળ્યા હતા. મેં તો મારી કહાની તને કહી દીધી, - તથાસ્તુ, ખ્યાલ નથી આવતો, પરંતુ તારું મારી સાથેનું સહઅસ્તિત્વ જ મને અંદરથી મારા સમગ્ર અસ્તિત્વને જ બદલી નાંખે છે.”

“શ્રેયા, મારી કહાની પણ કદાચ તારી કહાની જેવી જ છે. મેં દશેક વર્ષ પૂર્વે લગ્ન કર્યાં. એરેંન્જડ મેરેજ હતાં. પરંતુ કમનસીબે મારી પત્નીને મારામાં રસ જ નહોતો - સંપૂર્ણ એકતરફી વ્યવહાર, હું ઘણો જ મારા લગ્નજીવનમાં એડજસ્ટ થવા કોશિશ કરતો હતો પરંતુ તેનો નિરસ પ્રતિભાવ મને રાત - દિવસ કોરી ખાતો હતો. ધણીવાર હું ઇશ્વરને, મારા પ્રારબ્ધને દોષ દેતો કે મારી સાથે જ આવું કેમ ? અંતે એક દિવસે અમો બંનેએ ડીવોર્સ લેવાનું નક્કી કર્યું. પાંચ વર્ષના લગ્નજીવનમાં કોઇ બાળક નહોતું. મેં તેની મમ્મી સાથે બધી જ ચર્ચા નિખાલસપૂર્વક કરી. તેના ફાધર અને બ્રધર તો પહેલેથી જ મારાથી નારાજ હતા પરંતુ તેની મમ્મી ધણી જ સમજુ અને વ્યવસ્થિત સ્રી હતી.” તથાસ્તુએ નાસ્તો લેતા વાતનો દોર ચાલુ રાખ્યો. “તું માનીશ, શ્રેયા, તેની મમ્મીએ જ મને ડીવોર્સ લેવા માટે સમજાવ્યો, તેના કહેવા મુજબ મારી પત્નીની પર્સનાલીટી બાળપણથી જ આ પ્રકારની હતી - તે ઇંટ્રોવર્ટ હતી. તેની મમ્મી પણ તેના મેરેજ જ કરાવવા માંગતી નહોતી, તેથી જ તેને ટીચર તરીકે ગવર્નમેંટ જોબમાં ગોઠવી દીધી હતી. મારી સાસુ - તેના મમ્મી, પોતે પણ એક સરકારી હાઇસ્કુલના પ્રિંન્સીપાલ હતાં. શ્રેયા, તેણે મને કહ્યું હતું કે - તથાસ્તુ, લગ્નજીવનની સફળતા તનમેળ ઉપર નહી પરંતુ મનમેળ ઉપર આધારિત છે. ઘણી જ હિમ્મતભરી અને સ્પષ્ટ વાત તેણે કરી હતી. એક દિવસે અમોએ ડીવોર્સ પેપર્સ ઉપર સહી કરી લીધી અને યુ વીલ નોટ બીલીવ, મેં પણ તારી જ જેમ અમદાવાદ કાયમ માટે છોડી દીધું અને અહીં મુંબઇ આવી ગયો. મારી કડવી યાદીને ત્યાં જ મૂકી અને આ રંગીન શહેરમાં નવી જ જિંદગીની શરૂઆત કરી. આમ અનાયાસ જ તારી સાથે મુલાકાત થવી, અને મારો સ્વભાવ તું તરત જ પામી ગઇ તેવું મને દિલથી લાગે છે. શ્રેયા, તું માનીશ - આ જિંદગીની દોડનો અંત જ નથી. મને હંમેશાં એમ જ લાગે છે કે આ દોડ પણ એક ગમ્મત ખાતરની જ હોવી જોઇએ. જેમ નાનું બાળક ચાલતા - દોડતા નવું નવું શીખતો હોય અને રૂમમાં એક દિવાલથી, અન્ય બીજી દિવાલ તરફ, એક ફર્નિચરથી, અન્ય બીજા ફર્નિચર તરફ કેમ આનંદપૂર્વક દોડતું હોય - નહીં સ્પર્ધા, નહીં અન્યના દોષ જોવાની ભાવના, નહીં પૂર્વગ્રહ કે નહીં લુચ્ચાઇભરી વર્તણુંક - માત્ર, પ્રેમ, આનંદ અને ખુલ્લાપણું.” શ્રેયા તથાસ્તુની ચર્ચા મનભરી માણી રહી હતી, ત્યાં જ વેઇટરે આવી કહ્યું, “સર, એનીથીંગ મોર યા બીલ...” “નો... નો... ઓન્લી બીલ...” બીલ ચુકવી અને બંને બહાર નીકળી ગયા - બંનેની દિશાઓ જૂદી જૂદી હતી. માયાવી મુંબઇનગરીના વાતાવરણને શ્વાસમાં લેતાં હતાં, બંને માનવસમુહમાં ભળી ગયા - ફરી મુલાકાતનો કોલ આપીને.

- શ્રેયા - તથાસ્તુની મુલાકાતો વધતી જ ગઇ અને એક દિવસે તથાસ્તુએ શ્રેયાની પાસે મેરેજ માટે પ્રપોઝ્લ મુકી, અને -

“સોરી, તથાસ્તુ, ખરાબ નહીં લગાડતો. આપણે છેલ્લા ત્રણ - ચાર મહિનામાં રૂબરૂ તેમજ ફોન ઉપર મળતા રહ્યા છીએ. ના તો મેં તેને મારા વ્યવસાય વિષે કહ્યું કે ના તો તે મને પુછ્યું ! પરંતુ હું અહીં ‘લેસ્બિયન વર્કર’ તરીકે કામ કરું છું. યુ નો મારી મમ્મીની જિંદગી અને તેમની અચાનક જ આપઘાત કરવાની કોશિશ કરવી, આ બધી વાતો સાંભળી અને પુરૂષજાત પ્રત્યે મને કંઇક પુર્વગ્રહ થઇ ગયો છે. હું નફરત શબ્દનો પ્રયોગ એટલે નથી કરતી કેમકે માનવ સમાજના સર્જનમાં પુરૂષ અને સ્ત્રી - બંનેનું યોગદાન સરખું અને મહત્વનું છે. પરંતુ મને તેમ પણ લાગે છે કે પુરૂષ હંમેશાં જોકીની માફક સ્ત્રીને, રેસમાં ઉતરતા ઘોડાની જેમ દોડતી રાખે છે. સવારથી સાંજ, સ્ત્રીએ કેટકેટલા રોલ ભજવવાના રહે છે. નોડાઉટ તેમાં પણ કેટલાક પુરૂષો તારા જેવા એક્સેપ્શનલ હોય છે કે જે સ્ત્રીને યોગ્ય ન્યાય આપી શકે છે. પરંતુ કમનસીબે તેવા પુરુષોને ઇશ્વર અન્યાય કરે છે.”

“લેસ્વિયન વર્કર?” શ્રેયાને વચ્ચેથી જ અટકાવતા તથાસ્તુએ પૂછ્યું.

”હા, આ માયાવી નગરીમાં કેટલીક સ્ત્રીઓ એવી છે કે, જેણે નામ પૂરતા જ લગ્ન કર્યા હોય છે - તે માથાં ઉપર સેંથો પૂરે છે, મંગલસૂત્ર પહેરે છે, કડવાચોથ કરે છે, પરંતુ તેને કોઇ સાંસારીક સુખ મળતું નથી. તે સ્રીઓના પુરૂષો, હંમેશા કાં તો પૈસા માટે યા તો ઓફીસની કે અન્ય સ્રીઓ પાછળ પાછળ દોડતા હોય છે. તેઓની પત્નીઓ પણ અંતે, મારા જેવું એક રમકડું શોધી કાઢે છે, જેની સાથે રમીને જિંદગીની અમુક ક્ષણોમાં આનંદ મેળવી શકે છે. તને યાદ છે, તથાસ્તુ, આપણે પહેલી વખત મોલમાં મળ્યા ત્યારે મેં તને મિસીસ સહાનીની એપોઇંટમેંટની વાત કહી હતી - તેના પતિ એક ખ્યાતનામ ડોક્ટર છે. અને તેમને હોસ્પિટલની બે નર્સ સાથે અનૈતિક સંબંધો છે. મિસીસ સહાનીની યાદ તો રાતે જ્યારે એક - બે વાગ્યે ઘેર આવે ત્યારે તેઓને આવે છે, ઘરનો દરવાજો નોકર ખોલે અને બૂટની દોરી છોડતાં છોડતા સામેના શોકેસ ઉપર પડેલ લગ્ન સમયનો ફોટો જુએ ત્યારે - તથાસ્તુ, વેરી સોરી, મેં પરણવાનો વિચાર જ માંડી વાળ્યો છે. પણ આપણે બંને સારા મિત્રો છીએ અને રહીશું જ. આમ, અવારનવાર મળતા રહીશુ.મારી જિંદગીના કોરા પાના ઉપર કોઇ અન્ય નામનો ઉલ્લેખ થાય નહીં તે મે નક્કી કરી લીધું છે - એટલે જ હું, શ્રેયા, ફક્ત શ્રેયા છું અને નહી કે મીસ શ્રેયા શર્મા કે મીસીસ શ્રેયા દિવાન વગેરે વગેરે...શ્રેયા..શ્રેયા...!” શ્રેયા બાળકની જેમ, ધ્રુસકે ધ્રુસકે રડી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract