કન્ફેશન્શ !
કન્ફેશન્શ !
સવારના સાડા છ વાગ્યા હતા. ફાધર ડિ’સોઝા તેમનો સવારનો નિત્યક્ર્મ પતાવી, અને ચર્ચમાં સવારની પ્રેયરમાં લોકો આવવાને શરૂ થાય તે પૂર્વેની તૈયારીમાં પડી ગયા હતા. અચાનક જ તેમના કાને કન્ફેશન્શ વીંડો ઉપરનો, કશુંક ચહલ-પહલનો અવાજ આવ્યો અને તેઓ પડદો પાડી, ખુરશી ઉપર બેસી ગયા.
“ફાધર, ગુડમોર્નિંગ.” ફાધર ડિ’સોઝાના કાને એક આધેડ વયની વ્યક્તિનો ભારે થકાન સાથેનો અવાજ અથડાયો.
“ગુડમોર્નિંગ. જીસસ તમારૂં ભલુ કરે. હું ફાધર ડિ’સોઝા આપની શી સેવા કરી શકું ?”
“ફાધર, મેં કરેલા ગુનાના કન્ફેશન્શ માટે આવ્યો છું, આપની અનુમતિથી આપની સાથે વાત કરી શકું?” ફાધર તે વ્યક્તિનો સ્પષ્ટ અવાજ હવે સાંભળી શકતા હતા.
“જરૂર, તમે આગળ તમારી રજૂઆતો કરી શકો છો.”
“ફાધર, મારા ધૂંધળા અતિતની પેલી તરફ એક યુવતિ ઊભી છે - નેહા. નેહા જોશી. કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થીની મીસ. નેહા જોશી. હું તેને “નેહા” જ કહીશ. “નેહા.” એક નિ:શ્વાસ નાંખી અને પેલી વ્યક્તિએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “અંગ્રેજીમાં ખૂબ સારૂ પ્રભુત્વ. શિક્ષણ, સંસ્કાર અને સૌન્દર્યની અપ્રતિમ પ્રતિમા એટલે - નેહા. હું ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીનો પ્રાધ્યાપક હતો. એમ.એ. - અંગ્રેજી ગોલ્ડ મેડ્લ સાથે બાવીસ વર્ષ પૂર્ણ કરી અને લેકચરર તરીકે ઝેવિયર્સમા નોકરી મેળવી. ધીમે ધીમે પ્રગતિ કરતો રહ્યો.”
“અહીંની જ ઝેવિયર્સ કોલેજમાં હતા?” વચ્ચે અટકાવીને ફાધરે પૂછયું.
“જી, ના...” ટૂંકામા જ પતાવી અને વાતનો દોર આગળ લંબાવ્યો, “નેહાના પિતા કોઇ સરકારી સ્કુલમાં ટીચર હતા. બે જ પુત્રીઓ હતી, તેમા નેહા બીજો નંબર. પરંતુ ભણવામાં તે પહેલો નંબર હતી. નવા વર્ષની શરૂઆત થઈ અને હું પહેલે જ દિવસે તેના વર્ગમા અંગ્રેજીનો પહેલો જ પિરીયડ લેવા ગયો. નવા વર્ષની શુભેચ્છાઓ અને વીતી ગયેલા વર્ષના સંસ્મરણો વાગોળતાં વાગોળતાં દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની પોતાનો પરિચય આપતા હતા - ત્યાં જ... “કમ ઇન સર ?” ટૂંકામાં પૂછાયેલો પ્રશ્ન અને વર્ગના દરવાજા તરફ મારી દ્રષ્ટ જાતાં જ હું સ્તબ્ધ બની ગયો. વર્ગમાં પણ શાંતિ પ્રસરી ગઈ. એક સુંદર, સ્વરૂપવાન યુવતિ ત્યાં ઊભી ઊભી અંદર આવવા માટેની રજા માંગી રહી હતી. તેની આંખોમાં આકાશનું પ્રતિબિંબ હતું. તેના ચહેરા ઊપરનું નિર્દોષ હાસ્ય એકદમ મોહક હતું. મેં અંદર આવવાની રજા આપી.” થોડીવાર વિરામ લઈ અને પેલી આધેડ વ્યક્તિએ તેના કન્ફેશન્શનો દોર આગળ લંબાવ્યો.
“વર્ગમાં દાખલ થતાંની સાથે વિદ્યાર્થીનીઓ તરફ સ્મિત આપી અને ખાલી રહેલી જગ્યામાં તે બેસવા જાય, તે પૂર્વે જ મારાથી પૂછાઈ ગયું, “ન્યૂ એડમીશન?”
“નો સર, ઓલ્ડ સ્ટુડન્ટ ઓફ ધીસ કોલેજ.” ફસ્ટૅ ઈયર બી.એ. વીથ ઈંગ્લીશ યુનિવર્સીટી ફસ્ટૅ - નેહા જોશી.” હું ફરી સ્તબ્ધ થઈ ગયો. મારા ધ્યાનમાં આટલી હોશિયાર છોકરી આવી જ નહોતી? હું મારી જાતને મનોમન પ્રશ્ન પૂછી રહ્યો હતો.”
“ફાધર, સમયનો પ્રવાહ વહેતો ગયો. લાગણીના સેતુના એક છેડે હું ઊભો હતો અને બીજા છેડે નેહા. હું અનમેરીડ હતો. મારું સ્વપ્ન અંગ્રેજી સાહિત્યના એક ટોપીક ઊપર પી.એચ.ડી. થવાનું હતું પરંતુ હું તે સાકાર કરી શક્યો નહીં. હવે તે સ્વપ્ન, નેહાના સ્વરૂપે પૂર્ણ કરવા હું મથી રહ્યો હતો. હું તેના પ્રત્યે પક્ષપાત રાખતો. મારા સહકાર્યકરોમાં તેમજ નેહાના સહાધ્યાયીઓમાં આ અંગે ઘણો જ કચવાટ હતો. અમો બંને હવે ઘણા જ નજદીક આવી ગયા હતા. છેલ્લા વર્ષની પરીક્ષા પૂર્ણ થઈ અને નેહા મારા ઘરે આવી હતી.” ફાધર આગળ કશું જ બોલે તે પૂર્વે જ પેલી આધેડ વ્યક્તિએ ફાધરને અટકાવી દીધા. વાતાવરણમાં હજુ સવારનો ઊજાશ પથરાવો શરૂ થયો નહોતો. ફાધર ડિ’સોઝા તેની વાતો રસપૂર્વક સાંભળી રહ્યા હતા. ખુદ ફાધર યુવાન હતા. નાનીવયમાં જ તેમની ઊપર ચર્ચ સંભાળવાની જવાબદારી આવી હતી.
“સમયના પ્રવાહમાં તણાતાં અમો બંને ક્યારે અતિ નજદીક આવી ગયા તેનો ખ્યાલ આવ્યો નહીં. એક દિવસ નેહાએ આવી અને અચાનક જ સમાચાર આપ્યા કે તે પ્રેગ્નન્ટ છે. હું અને નેહા બંને વિચારોમાં ખોવાઈ ગયા. રૂમમાં શાંતિ પ્રસરી ગઈ. નેહાએ નક્કી કર્યું કે એમ.એ. કરવા અન્યત્ર ચાલી જશે અને ત્યાં બાળકને જ્ન્મ આપશે, કેમકે હવે ઘણું જ મોડું થઈ ગયું હતું.”
નેહાને ત્યાં મૂકી અને જોસેફ પાછો આવી ગયો, એક દિવસે તેણે નેહાને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. પરંતુ નેહાના આ બાબતે વિચારો હકારમાં નહોતા. તે ઈચ્છતી હતી કે, તેણે પપ્પાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નથી.
“જોસેફ, તું માનીશ, આપણાં બંનેના સંબંધો મારા પપ્પાની જાણબહાર નહોતા. એક દિવસ પપ્પાએ મારો જમણો હાથ તેના મસ્તક ઉપર મૂકી, સોગંદ લેવડાવ્યા કે હું આંતરંજ્ઞાતિય લગ્ન નહીં કરું.” બાળકના જન્મના સમાચાર સાંભળી નેહા પાસે જોસેફ તુરંત જ આવ્યો હતો.
“હું વિચારું છું કે એમ.એ. થઈ અને કોઈ કોલેજમાં લેકચરર તરીકે જોડાઈ જઈશ અને પી.એચ.ડી. કરવાની કોશિશ કરીશ.” બાળક્ને જોસેફના હાથમાં સોંપતા કહ્યું.
જોસેફ તેના બાળકને રમાડવા લાગ્યો. બાળકના ચહેરામાં તે નેહાનું પ્રતિબિંબ જોવા મથતો હતો, “નેહા, તો પછી તારા મેરેજનું શું ?”
“જોસેફ, જીવનમાં પ્રેમ એક જ વખત થાય. પ્રેમ કોઈ રમત નથી કે ખેલીને બાજૂમાં મૂકી દઈએ. પ્રેમ એક એવી ભાષા છે જે માણસના જીવનમાં સતત તેના કાનમાં અથડાયા કરે. પ્રેમ શબ્દમાં બે હ્રદયોનો સમાવેશ થયેલો હોય છે. વારંવાર પ્રેમ થતો નથી. જોસેફ, તારી સાથેનો પ્રેમ મારી જીંદગીનો છેલ્લો પ્રેમ છે.” નેહાની આંખમાં આંસુના ટીપાં બાઝી ગયા.
જોસેફ નેહાની ઈચ્છા મુજબ બાળકને લઈ અને ભગ્ન હ્રદયે સીડી ઉતરતો હ્તો. નેહાએ બાળકને સુંદર તૈયાર કર્યો હતો, સાથે તેના કપડાની નાની-શી બેગ પણ આપી. નેહા અશ્રુભીની આંખે પરત ફરી. જાતાં-જાતાં જોસેફ નેહાના પાછા વળતા પગલાં જોઈ રહ્યો હતો.
કારમાં અચાનક જ તેનું ધ્યાન તેના બાળક ઉપર ગયું તેના બાબા-શૂટ ઉપર એક સરસ સ્ટીકર લગાડ્યું હતું, “આ બાળકનું નામ જોસેફ ડિ’સોઝા રાખવું.”
શિયાળાની રાત ઢળી ચૂકી હતી, ઠંડીનો આછો અહેસાસ થતો હતો. ચર્ચના બંધ દરવાજા પાસે, સરસ કપડું પાથરી તેના બાળકને સૂવડાવ્યો અને ઉપર ગરમ શાલ ઓઢાડી દીધી. નેહાએ બધું જ યાદ રાખી અને આપ્યું હતું. ધીમે ધીમે સજળ નયને પાછળ જોતો જોતો તે દૂર નીકળી ગયો.
સવારના ફાધર મેકવાને જોયું તો એક નવજાત બાળક તેનો અંગૂઠો મોંઢામાં લઈ અને ચારેતરફ જોતું હતું, ફાધર તેને અંદર લઈ ગયા અને સાથે રાખેલા સ્ટીકર મુજબ જોસેફ ડિ’સોઝા નામ રાખ્યું. તેમની વિદાય પછી ફાધર જોસેફ ડિ’સોઝાએ ચર્ચ સંભાળી લીધું.
“ફાધર મારા આ કાર્ય માટે હું ભગવાન ઈશુ પાસે પ્રાયશ્ચિત કરું છું. તે મને માફ કરે તેવી આપ પ્રાર્થના કરજો.” થોડીવારમાં તે આધેડ વયની વ્યક્તિ ઝડપથી ચર્ચ છોડી ગયો. અચાનક જ ફાધર જોસેફ ડિ’સોઝાને તેમના સ્મ્રુતિપટ ઉપર, ફાધર મેકવાને કહેલી વાત યાદ આવી ગઈ, તે બહાર દોડી ગયા અને ચારેતરફ પેલી આધેડ વયની વ્યક્તિને શોધવા લાગ્યા. “ઓહ, ડેડ” ફાધર એક ઉંડા નિ:શ્વાસ સાથે ચર્ચમાં પરત ગયા.