નવા બાપને ખોળે
નવા બાપને ખોળે


“જો, પપાનું વા’ણ આવે ?”
શાંત મોજાંઓને ચીરીને આવી રહેલા લક્ષ્મી પ્રસાદ વહાણ તરફ ગૌતમે આંગળી ચીંધતા કહ્યું. પંદરેક વર્ષનો ગૌતમ, નાનકડા ભાઈને કાંખમાં લઈ ક્યારનો પિતાના વહાણની રાહ જોઈ ઊભો હતો. બોટ માલિકના કહ્યાં પ્રમાણે વહાણ સાંજે મચ્છીમારી કરીને આવવાનું હતું. તો પણ ગૌતમ લગભગ બપોરથી નાનાભાઈને લઈ ડક્કે પહોંચી ગયો હતો. દૂરથી જ પિતાનું વહાણ જોતા ગૌતમનો ચહેરો ખીલી ઊઠ્યો.
“પપા... પપા...” ગૌતમની કાંખમાંથી પિતાને ઓરખી ગયેલો ત્રણ વર્ષનો હર્ષ પણ ઉત્સાહમાં આવી જઈ બૂમાબૂમ કરી ઊઠ્યો.
“ઘરેથી કંઈક હંદેવો આવ્યો લાગેશ ?” વહાણના બીજા એક ખલાસીએ જેટી પર કાનજીના દીકરાને જોતા, કાનજીની હળવી મજાક કરી. કાનજીએ મૂંછમાં હસતા હસતા વહાણને લાંગરવામાં અને છેડા બાંધવામાં ધ્યાન પરોવ્યું. એટલામાં કાનજીએ એક નજર ઉપર તરફ કરી. દીકરાના હસતા નિર્દોષ ચહેરાએ આંખોનો ઉજાગરો અને અથાગ મહેનતનો થાક જાણે પળભરમાં ભૂલાવી દીધો.
“કાં, બટા ?” તેણે હર્ષના માથા પર હેતથી હાથ ફેરવતા ગૌતમને પૂછ્યું.
“મારી મા વે કીધું કે તારા બાપનું વા’ણ આવે તો કી આવજે..." ગૌતમ પિતાના વિખરાયેલા વાળ અને વધી ગયેલી દાઢી તરફ એકીટશે જોતો રહ્યો.
“હું કેવાનું કીધું શે?” કાનજીએ ગૌતમ પાસેથી હર્ષને તેડી લેતા પૂછ્યું.
“મારી માને ઘણાં દિ’થી તાવ આવેશ, તી મારી મા કે તારા બાપનું વા’ણ આવે તો ઊતરવાનું કીયાવ જે." ગૌતમ એકીશ્વાસે અધીરાઈ બોલી ગયો.
કાનજીના લલાટે ચિંતાની રેખાઓ અંકાતી દેખાઈ. ટંડેલને ઊતરવાનું કેમ કહેવું ? એ સવાલે તેને મૂંઝવણમાં મૂકી દીધો. મનમાં ઉચાટ વધી ગયો. આમેય બે ત્રણ ફિસિંગથી વહાણમાં એક ખલાસી ઓછો હતો. હવે જો પોતે પણ ઊતરવાનું કહે તો પછી બે ખલાસી ઓછા થાય અને ઓછા ખલાસીએ આવા તોફાની સંજોગોમાં મચ્છીમારી કરવા જવું ભારે પડી જાય.
“દવાખાને ગઈ’તી તારી મા ?” કાનજીના અવાજમાં વ્યાકૂળતા અને અકળામણ સ્પષ્ટ દેખાતી હતી. થોડીવાર અટકી તેણે ફરી કહ્યું.
“ભલે, તું અમણાં જા અને તારી માને કે પપાને ટાયમ મળીએ એટલે આવી જાહે.” ઉતાવરે બોલતો કાનજી મચ્છી ખાલી કરી રહેલા અન્ય ખલાસી સાથે કામમાં ભળી ગયો. મનોમન પેલો સવાલ હૈયામાં મૂંઝારો વધારી રહ્યો હતો. હાથ પગ તો કામ કરી રહ્યા હતા પણ હ્રદય ધ્રાસકો અનુભવી રહ્યું હતું. ઘરે પત્ની બીમાર છે, બીજું કોઈ છે પણ નહીં ખબરઅંતર પૂછવાવાળું. રહી રહીને મન બળી રહ્યું: “કદાચ વધારે કાંઈ હશે તો ?” અને તેને ખુદને ભરોસો છે કે, રતન ખૂબ હિંમતવાળી અને મક્ક્મ છે. થોડીઘણી સામાન્ય બીમારીને તો તે ગણકારે પણ નહીં ! આટલા વર્ષોમાં ક્યાં કોઈ દિવસ તેણે કાનજીને વહાણમાંથી ઊતરવાનું કહેડાવ્યું છે !
કાનજીને દરિયનો ધંધો કરતાં આજકાલ વીસ વરસ જેટલો સમય વીતી ગયો હતો. દરિયાના કંઈ કેટલાય રંગો તેણે જીવી જાણ્યાં હતા. જીવનમાં ઊઠેલા કેટલાય વાવાઝોડા તેણે દરિયાઈ વાવાઝોડાની માફક મક્કમ બની સામી છાતીએ સહ્યા હતા. બાપની આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી એટલે તે સમયે કાનજી અને કાળુ, બન્ને ભાઈઓના લગ્ન એકસાથે જ કરી દીધા હતા. ખારવાના દીકરા એટલે કિશોરાવસ્થાથી જ બન્ને ભાઈઓએ દરિયો વહાલો કરી લીધો હતો. પિતા સાથે પહેલીવાર વહાણમાં ખલાસી તરીકે ચઢ્યો ત્યારે ક્યાં ખબર હતી કે, આ દરિયાઈ જીવન કેવા કેવા ખેલ દેખાડશે ! જો કે, લગ્નના બે ચાર વર્ષ બાદ કાળુએ તો દરિયાનો ધંધો કાયમ માટે મૂકી દીધો અને સુકી મચ્છીનો નાનો વેપાર શરૂ કર્યો હતો. કાનજીને પણ ઘણાં લોકો કહેતા: “તારા ભાઈની હારે કાંઠે કંઈ નાનો મોટો ધંધો કરી લે ને ? આ દરિયાના મોજાં ક્યાં લગી ગણીશ ?”
“કાંઠે આપણે ન ફાવે હો ! દરિયાના ખોળે ખેલવાની મજા છે મારા ભાઈ, જીવીશ તાં લગી તો દરિયાને નહીં છોડું. પછી તો ભગવાન જાણે !” કાનજી ઉત્સાહમાં અવી જતો અને મક્કમતાથી ઉત્તર આપતો.
પછી તો લોકો પણ સમજી જતા કે, આ ઘૂની છે કોઈ હિસાબે નહીં માને. એટલે પછી સમજાવવાનું જ છોડી દેતા. જોતજોતામાં બન્ને ભાઈના લગનને સોળ – સત્તર વર્ષ જેટલો સમય પ્રસાર થઈ ગયો. કાનજીના ઘરે ગૌતમ અને હર્ષ રૂપે બે સંતાનો જન્મ્યાં હતાં પણ કમનસીબે નાનાભાઈ કાળુના ઘરે હજી પારણું બંધાયું ન હતું. પતિ-પત્નીએ ખૂબ માનતાઓ કરી, દવાદારૂ કર્યા અને અંતે દોરધાગા પણ અજમાવી જોયા. પરંતુ ભગવાને સારા દિવસો હજી ન દેખાડ્યા ! હતાશ થયેલા પતિ પત્નીનો હવે ઇશ્વર પરથી પણ ભરોસો ઊઠી જવા લાગ્યો હતો. પછી તો લોકોની જાતજાતની વાતો અને સલાહ સાંભળી બન્ને કાળજુ કઠણ કરી જતા.
બોટ ફરીથી ફિસિંગમાં રવાના થવા માટે હવે સજ્જ હતી. કોલ્ડરૂમમાં બરફ પણ ઠાંસી ઠાંસીને ભરી લીધો હતો. ખલાસી બધાં જ કામ આટોપી નાહવા ધોવામાં લાગી ગયા હતા. કાનજી બીચારો હજી બેબાકળો બની મનમાં મૂંઝાતો રહ્યો. ટંડેલને કહેવાની હિંમત ન થઈ શકી. ઘણીવાર આંખો ઊંચી કરી જોયું પણ શબ્દો ન નીકળી શક્યા. આખરે મન મનાવ્યું: “આ એક ફિસિંગ લઈ આવું ! આવતી ફિસિંગમાં તો લાખો આવી જાહે એટલે હું ઊતરી જાઈશ.” માંડ માંડ વલોવાતા હૈયાને મજબૂત કર્યુ. તે છતાં હ્રદયમાં અંગારા ઊઠતા રહ્યાં: “રતનને કંઈક વધારે થઈ જાહે તો ?” પછી પોતે જ સાંત્વના આપતો હોય તેમ અમંગળ વિચારોને ખંખેરતો: “ત્રણ-ચાર દિ’ની જ ફિસિંગ આવશે ને ! ભગવાન રખોપું કરશે. પછી તો હું પોગી જાઈશ ને !”
વિચારોના વમળમાં વ્યાકુળ બની તે ક્યાંય સુધી અટવાતો રહ્યો. એટલી વારમાં વહાણ ઘૂઘવતા દરિયાના પટ પર કૂદકા ભરતું બારું વટાવી ગયું હતું. તેણે હતાશ ચહેરે આકાશ તરફ નજર કરી. છેલ્લો તારો આથમી રહ્યો હતો. જોતજોતામાં સર્વત્ર અંધારા ઊતરી આવ્યા. તે સાથે કાનજી વહાલસોયી પત્નીના સ્મરણોમાં ખોવાયો. સામે ખારો રત્નાકર ઊછળી રહ્યો અને ક્યારેક અનુભવેલા સુખના સ્મરણોનો ઊર્મિસાગર હ્રદયમાં ઊછળી રહ્યો.
ત્રીજા દિવસે અડધી રાતે લક્ષ્મી પ્રસાદનો વાયરલેસ ઓચિંતો રણકી ઊઠ્યો. વહાણનો સુકાની, ટંડેલનો જાણીતો અવાજ તરત ઓરખી ગયો. પળભર તે ચોંકી ઊઠ્યો. તેણે તરત પ્રત્યુતર આપ્યો.
“બોલો... બોલો... જીવાભાઈ. લક્ષ્મી પ્રસાદમાંથી ભીમો બોલું છું. બોલો.”
વિશાળકાય મોજાં પરથી વેગીલી ગતિએ પસાર થતું વહાણ જાણે ઊંડી ખીણમાં પછડાયું હોય તેમ દરિયામાં અધ્ધર પછડાયું. દરેક ખલાસીના મુખમાંથી આછી ચીસ સાથે આહ નીકળી ગઈ. હૈયામાં ધબકારા એકાએક તેજ થઈ ગયા. તે સાથે જ વહાણે લહેરને ચીરતા સ્વમાનભેર મોરો બહાર કાઢ્યો. ફરી મોજાંઓ સાથે રમત કરતું વહાણ આગળ વધી ગયું. ત્યાં આ માહોલમાં વાયરલેસ પર આવતો અવાજ ઝાંખો થઈ ગયો. ક્ષણભર કાંઈ પ્રત્યુત્ત ન આવ્યો. ભીમાનું કાળજું કંપી ઊઠ્યું હતું. આજે પહેલી વખત ટંડેલનો કોંટેક આવ્યો હતો. જરૂર કાંઈક બન્યું છે તેવી કુશંકા પ્રબળ બની ગઈ ! તેણે ફરી બે ત્રણ વખત હાકલ કરી ત્યાં ભીમાએ ઝાંખો અવાજ ઓળખ્યો.
“કોઈ પણ વા’ણ આવે નાથી ઈટલે કાનજીને ઈમાં ચડાવી દીજે. નકન આપણું વા’ણ લઈને પાછા બંદરમાં આવી જાવ. મોડું નહીં કરતા તરત છૂટી જાવ…!”
સૂસવાટા મારતા પવનની લહેરખી વચ્ચે વાયરલેસ પરનો અસ્પષ્ટ અવાજ થોડીવારમાં મૌન બની ગયો. આસપાસનું કોઈ વહાણ બંદરમાં જતું હોય તેવા સંકેત મળતા ન હતા. રાતના ભયાનક અંધારા છવાયેલા હતા એટલે વધારે દૂર જોઈ શકાય તેવી સ્થિતિ પણ હતી નહિ. સીધી દિશામાં એક ઝાંખી લાઈટ ઝબકારા મારતી દેખાઈ પણ તે બિલકુલ સ્થિર હતી. નક્કી કોઈ વહાણ ત્યાં અટકી, માછીમારી કરી રહ્યું હતું. એટલામાં તો વધારે કાંઈ વિચાર્યા વગર ભીમાએ વહાણનું સુખાન બંદર તરફ વળાવી દીધું. બધા જ ખલાસીના જીવ તાળવે ચોટ્યાં હતા. વહાણમાં હજી કાંઈ મચ્છી હતી જ નહીં. ટંડેલ વગર ફિસિંગે વહાણ પાછું બોલાવે છે એટલે જરૂર કોઈ મોટી ઘટના બની છે તે નક્કી હતું. કાનજી તો બિચારો જડ બની ગયો હતો. તેણે મનમાં અમંગળ કલ્પના સુધ્ધા કરી ત્યાં આખા શરીરમાં ધ્રૂજારી વ્યાપી ગઈ. પગ અસ્થિર બની ગયા એટલે તે વહાણના સથા પર જ એકાદ ગડથોલિયું ખાઈ ગયો. હૈયામાં અસહ્ય વલોપાત થતો રહ્યો: “શું થયું હશે ?”
વહાણ કિનારે હજી પૂરું લાંગળ્યું પણ ન હતુ ત્યાં કાનજીએ છલાંગ મારી ઘર તરફ દોટ મૂકી. વિખરાયેલા અને વધી ગયેલા વાળ દાઢી, દરિયાની ખારાશથી ક્ષારયુક્ત બનેલું શરીર, ફાટેલા તુટેલા મેલાદાટ કપડાં અને વગર ચપ્પલે કાંઈ પણ ચિંતા કર્યા વગર તે સીધો ઘરે પહોચ્યો. ત્યાં તેના પગ થંભી ગયા. તે દ્દ્ર્શ્ય જોઈ ચોકી ઊઠ્યો ! આડોશી પાડોશીઓના ટોળાઓથી તેનું ઘર ઊભરાતું હતું. તેના પગ નીચેની જમીન જાણે કંપી ઊઠી હોય તેમ તે અસ્થિર બની ગયો. પગ લથડીયું ખાઈ ગયા. અંધારા આંખોને ઘેળી વળ્યા. ધડકતું હૈયું ધબકાર ચૂકી જતું લાગ્યું. દિમાગમાં શુન્યાવકાસ છવાઈ ગયો. ઘરમાં મોટા અવાજે મહિલાઓના આક્રંદના પડઘાઓ ઊઠી રહ્યા હતા. કાનજીને જોતા જ કકળાટ કરી રહેલી સ્ત્રીઓએ રસ્તો કરી આપ્યો. તે સાથે વલોપાતનો અવાજ ખોલા જેટલા ઘરમાં વધું જોરથી ગુંજી ઊઠ્યો. આસપાસનું વાતાવરણ જાણે ગમગીન બની થંભી ગયું હતું !
“રતન…” કાનજીના કંઠમાંથી દર્દિલો ચિત્કાર ઊઠ્યો.
“શાંત થા મારા દીકરા, ભગવાન આગળ મા’ણાનું થોડું...” બારણાં આગળ ઢળી પડતા કાનજીને ઝાલી લેતા એક ડોસાએ સાંત્વના આપવા પ્રયત્ન કર્યો.
અચેતન બની પડેલી રતનના શબ પાસે કાનજી બેભાન બની ઢળી પડ્યો. ગૌતમ માતાના પગ આગળ ચૌધાર આંસુએ રડતો હતો. નાનકડા હર્ષને કોઈ જાણીતી સ્ત્રીએ તેડી લીધો હતો. ઘરનું આવું કકળાટ કરતું વાતાવરણ જોઈ હર્ષ પણ બિચારો ડચકે ચડ્યો હતો. કઠણ કાળજાનો કોઈ પણ જડ માનવીનું હ્રદય પણ દ્રવી ઊઠે તેવું દ્દ્રશ્ય સર્જાયું ! ગૌતમ એકાએક કાનજીને વળગી પડ્યો. માતાની હંમેશા માટે બંધ થયેલી આંખો તરફ તેણે દ્રષ્ટિ કરી, ને હ્રદયમાં ઉભરો આવી ગયો. ડબડબી ગયેલી આંખો ફરી છલકી ઊઠી.
“પપા, મારી મા...” ત્યાં અંધારાં વ્યાપી ગયાં. વાક્ય અધૂરું રહી ગયું અને ગળમાં ભરાયેલો ડૂમો શબ્દોને ગળી ગયો. દરેકના મુખમાંથી નિસાસા સાથે આહ નીકળી ગઈ.
રતનની ભડભડ બળતી ચિતાની જ્વાળાને કાનજી અને ગૌતમ અનિમેષ નજરે તાકતા રહ્યા. ઊંડા નિસાસા નાખતો કાનજી કુદરતની ક્રુર લીલા સામે લાચાર બની ગયેલી પોતાની કિસ્મત આગળ રડતો રહ્યો. પછી તો કેટલાય દિવસો સુધી તે ગમગીન બની બેસી રહ્યો. સોનેરી સપનાઓ ભાંગીને વેરવિખેર થઈ ગયા. ભવિષ્યના ભયાનક વિચારોએ દિમાગ કામ કરતું બંધ કરી દીધું. દૂર દૂર સુધી માત્ર ઘોર અંધકાર સિવાય કાંઈ સૂઝતું નહોતું. પોતે ખલાસી હતો, પારકો ધંધો કરવાનો હતો. પત્નીની મરણક્રિયાઓ પછી ફરી વહાણમાં ચઢી જવું પડશે તે નક્કી હતું. એવામાં બીજો એક સવાલ તેના કાળજાને વીંધી રહ્યો હતો: “હું, વહાણમાં જતો રહીશ પછી મારા દીકરાઓનું શું ? તેને કોણ ખવડાવશે ? કોણ સંભાળશે ?” અમંગળ વિચારોનું આક્રમણ થતું રહ્યું. લાગ્યું હમણાં દિમાગની નસો ફાટી જશે ! આંખે અંધારાં ફરી ગાઢ બની ગયાં. આસપાસ શૂન્યાવકાશ છવાઈ ગયો અને ચોતરફથી સ્તબ્ધતા ઘેળી વળી. તેણે આંખો બંધ કરી લીધી. તે સાથે ખારા આંસુના બે બૂંદ પોતાના રસ્તે ચાલી નીકળ્યા. થોડીવાર તે એમ જ બેસી રહ્યો. ક્ષણભર પછી તેણે સામે દીવાલ પર લટકતી પત્નીની તસ્વીર પર નજર સ્થિર કરી. મનોમન કાંઈક વાર્તાલાપ કર્યો હોય તેમ આંખ ભરાઈ આવી. મક્કમતાથી આખરે તેણે એક નિર્ણય કરી નાખ્યો. પાસે રમી રહેલા હર્ષને તેણે તેડી લીધો અને ચાલી નીકળ્યો કાળુના ઘર તરફ !
“ભાઈ, હું તો હવે એકલો થઈ ગયો છું, પણ આ હર્ષને હવેથી તને સોપું છું. આજથી હવે આ તારો દીકરો છે. ઈ ના પર બસ તારો જ હક રીશે. તમી જ હવે ઈના મા ને બાપ શો. ભગવાન તમીને હારા દિ’ જરૂર દેખાડશે પણ આ હર્ષને અપનાવી લે મારા ભાઈ ! હું કોઈ દિ’ હવે ઈના પર હકદાવો નહિ કરું, વિશ્વાસ રાખજે !” કહેતાં કાનજીની આંખો છલકી ઊઠી. તે ભાંગી પડ્યો. નાનકડો હર્ષ બાપને નિરખતો રહ્યો.
“મારા ભાઈ હિંમત રાખ…” કાળુ ગળગળો થઈ ગયો. લગ્નના આટલા વરસ પછી પણ સંતાન સુખથી વંચિત રહેલો કાળુ ભાવુક બની ગયો. તે આગળ બોલ્યો: “આ હર્ષ હવેથી મારો દીકરો છે, હું ઈને જીવની જેમ હાચવીશ.” બોલતાં બોલતાં જ તેણે હર્ષને ઊછળતી લાગણીવશ છાતી સરસો ચાંપી લીધો.
“ગૌતમને પણ અમણાં આંયા રહેવા દે.” કાળુએ ફરીવાર કહ્યું.
“નહીં, આજથી ઈને મારા ભેગો વા’ણમાં લઈ જાઈશ.” આંસુ લૂછતા કાનજી કહી રહ્યો. “આજ્થી તું હર્ષનો અને ઈ દરિયોદેવ ગૌતમનો નવો બાપ છે. અને બાપના ખોળામાં દીકરાને બીક ન હોય !” કાનજીના શબ્દોમાં ખુમારીનો રણકો વરતાતો હતો.
“હા, પણ ગૌતમ હજી નાનો છે.” કાળુએ એક ઊંડો નિસાસો નાખતા ભાઈના ખભે હાથ મૂક્યો.
“આપણેય બાપા હારે વા’ણમાં ચઢયાંતા ત્યારે નાના જ હતા ને ? યાદ કર !” કાનજીએ મક્ક્મતાથી ગૌતમનો હાથ પકડ્યો અને ચાલતો થયો. ગૌતમને વધારે કાંઈ ન સમજાયું. બસ, હવે દરિયામાં જવાનું છે નક્કી એટલું એને સમજાયું. નાનકડા ઘરને તાળું મારી બાપ દીકરો દરિયા કિનારા તરફ જતા રહ્યા. અફાટ સમુદ્રમાંથી આવતી એકાદ વિશાળ લહેર કિનારે ટકરાઈને વિખેરાઈ ગઈ !