Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

થેંક્યું વનિતા

થેંક્યું વનિતા

9 mins
1.1K


રવિવારની એ ખુશનુમા સાંજે મનોજ આરામ ખુરશી પર બેસી ગ્રીન ટીની લિજ્જત માણી રહ્યો હતો. બહારથી સંભળાઈ રહેલા ટીકલી અને ટેટાના નાનામોટા સ્વર; આવનારી દિવાળીની જાણે વધામણી કરી રહ્યા હતા. મનોજે ટેબલ પર કપ મુક્યો અને ખુરશી પર પીઠ અડાડી આંખો મીંચી જ હતી ત્યાં પાછલા કેટલાક દિવસોથી તેના જીવનમાં ચાલી રહેલા દોડધામના દ્રશ્યો તેની આંખ સામેથી ફિલ્મની પટ્ટી શા પસાર થઇ ગયા.

દિવાળી આવે એટલે સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો તે છે ખરીદીની. આજે સૌથી છેલ્લે ખરીદવામાં આવેલ રંગોળીના સામાન સાથે; દિવાળીની ખરીદીની પળોજણમાંથી તેને મુક્તિ મળી ગઈ હતી. દિવાળી માટે જે જોઈએ તે તમામ ચીજવસ્તુઓ તેના ઘરમાં આવી ગઈ હતી. રાજુ અને પિંકી બંને બાળકોના નવા કપડાની ખરીદી થઇ ગઈ હતી. બાળકોને ખરીદી પર લઇ જવા એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. તેમનો ચંચલ જીવ ક્યારે એક વસ્તુ પર સ્થિર થાય જ નહીં. રાજુને ઘડીમાં લાઈનવાળું શર્ટ પસંદ પડે તો ઘડીમાં છોટા ભીમના ડીઝાઈનવાળું શર્ટ! અને તેમાંય પત્ની સાથે હોય એટલે વાત પૂરી. સ્ત્રીઓની સામે દુકાનદાર સાડીઓનો સાગર ખડો કરી દેશે તો પણ તેમને ગમતી સાડી તે ઢગલામાં નહીં જ હોય! ખેર! જેમતેમ કરીને કપડા ખરીદીની ઉપાધી ટળી ગઈ હતી.

હા! બાળકો માટે ફટાકડા પણ ખરીદી લીધા હતા. પૂર્વે નાના હતા ત્યારે ફટાકડાની આંગળીના વેઢે ગણાય એટલી જ વેરાયટી જોવા મળતી; જયારે આજે ! ફૂલઝર, સૂતળી બોમ્બ, રોકેટ, ચાંદલિયા, શંભુ, લવિંગિયાં, ભમચકરડી, દેરાણી-જેઠાણી, તારા મંડળ, લક્ષ્મી બોમ્બ, વ્હીસલ, સૂતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, 555, પોપઅપ, ચકલી બોમ્બ... અરે ! બોલતા બોલતા હાંફ ચઢી જાય એટલી વેરાયટી બજારમાં આવી છે. તેમાંય પ્રત્યેક ફટાકડામાં પણ વિવિધતા! ફૂલઝરમાં જ નાના તરેહની અનેક વેરાયટી. વળી આકાશમાં જઈને તારામંડળ રચતા ફટાકડાનો તો રાજુ આશિક છે ! દુકાનમાં જઈએ ત્યારે પ રૂપિયાથી માંડીને ૧૦ હજાર રૂપિયા સુધીના ફટાકડાની વેરાયટી હાજર હોય. તેમાંથી બજેટમાં બેસતા ફટાકડા પસંદ કરવા છોકરાવને મનાવું એ કંઈ નાનીસુની વાત નથી. પણ ખુશીની વાત એ હતી કે, મનોજનું એ કામ પણ પતી ગયું હતું.

બારણા પર કંદીલ પણ લાગી ગયું હતું; અને લપક ઝપક થતી સીરિઝો બારણાની શોભા વધારી રહી હતી. પૂર્વે દિવાળીનો નાસ્તો ઘરે બનાવતા પરંતુ હવે બજારમાં બધું તૈયાર મળે છે ત્યારે ઘરે કોણ બનાવે ? અને આમપણ ઘરમાં નાસ્તો કરવા આવે છે જ કોણ ! નૂતનવર્ષના અભિનંદન વોટ્સએપ પર કરીને સૌ પોતપોતાની ફરજ નિભાવી દે છે. આવામાં થોડું ફરસાણ અને એકાદું મીઠાઈનું પેકેટ ખરીદી લઈએ એટલે ભયોભયો.

એકવાર મનોજ બેસતા વર્ષના દિવસે તેના દોસ્ત હેમંતના ઘેર મળવા ગયો હતો ત્યારે તેણે મોઢેમોઢ કહ્યું હતું કે, “વોટ્સએપ પર સાલ મુબારકનો મારો મેસેજ જોયો નહીં ?”

હેમંતના કહેવાનો અર્થ તારવી ન શકે એટલો મૂરખ તો મનોજ નહોતો જ. બસ તે દીને આજની ઘડી; મનોજ બેસતાવર્ષના દિવસે કોઈ દોસ્તના ઘરે આવતો જતો નથી. બસ સોશ્યલ મીડિયા પર જ નૂતનવર્ષાઅભિનંદનના મેસજની આપલે કરી બેસતા વર્ષની ઉજવણી કરી લે છે.

“સાંભળો છો?”

મનોજે ટેબલ પરથી ઉઠાવેલો કપ હાથમાં ધરેલો રાખતા જ નજર ઊઠાવીને જોયું. તો સામે તેની પત્ની વનિતા ઊભી હતી.

“અરે ! તું તૈયાર થઈને એકલી ક્યાં જવા નીકળી?”

“હું એકલી જઈ રહી નથી.”

“તો ?”

“તમે પણ મારી સાથે આવી રહ્યા છો.”

“પણ ક્યાં ?”

“બજારમાં નવી સાડી ખરીદવા.”

“પણ બે દિવસ પહેલા જ તો તારા માટે નવી સાડીઓ ખરીદી છે ને ?”

“હા પણ મારે બીજી જોઈએ.”

પત્નીનું દિવાળી ખરીદીનું વાવાઝોડું હજુ શમ્યું નહોતું; એ જાણી મનોજ મનોમન અકળાઈ ઊઠ્યો. “વનિતા, આપણા ઘરમાં કંઈ પૈસાનું ઝાડ નથી કે હલાવ્યું અને ખરીદી કરવા ઉપડી ગયા. આ વર્ષે મને મળેલું દિવાળીનું બોનસ તો બાળકોના ફટાકડા ખરીદવા પાછળ જ વપરાઈ ગયું હતું. ઈત્તર ખરીદી કરવા મેં કેવા કેવા તડજોડ કર્યા તે તો મારો જીવ જ જાણે છે.”

“આ મારી છેલ્લી સાડી. હવે આજ પછી હું બીજી કોઈ સાડી તમારી પાસે નહીં માંગુ.”

“અરે! પણ આ સાડીનું તું કરીશ શું ?”

“બેસતા વર્ષના દિવસે પહેરીશ. મારી સાથે ચાલોને પ્લીઝ.”

મનોજને ખરીદી પર પાછા નીકળવામાં જરાયે રસ નહોતો. પરંતુ પત્નીની જીદ સામે કોઈ વીરલો ટકી શક્યો છે ખરો ?

મનોજે મનેકમને ચાનો કપ ટેબલ પર મુકતા કહ્યું, “છેલ્લી છેલ્લી કહીને અત્યાર સુધી તું હજારો સાડીઓ ખરીદી ચૂકી છું.”

મનોજે કાર બહાર કાઢતા વનિતા તેમાં ગોઠવાઈ ગઈ.

“મમ્મી પપ્પા, તમે બંને ક્યાં જાઓ છો ?”

રાજુ અને પિંકીને આવેલા જોઈ મનોજને ધ્રાસકો લાગ્યો. હવે જો તેઓ પણ સાથે આવશે તો આ આખા મહિનાનો પગાર પણ પૂરો થઇ જવાની શક્યતાઓ હતી. ઊફ ! આ દિવાળીને દર વર્ષે આવવું જરૂરી છે ?

“બેટા, તારા પપ્પાની તબિયત ઠીક નથી એટલે તેમને સોંય લગાવવા ડોક્ટર અંકલ પાસે જઈએ છીએ. અમે આવીએ ત્યાંસુધી તમે બંને દાદા દાદી પાસે રહો. અને હા ધીંગામસ્તી જરાયે ન કરતા.” વનિતાએ સિફતપૂર્વક બાજી સંભાળી લીધી.

આ સાંભળીને મનોજને ટાઢક થઇ; નહીંતર મમ્મી બીજી સાડી લે અને બાળકો છાનામાના બેસી રહે એ લગીરે શક્ય નહોતું.

મનોજે બજાર તરફ કાર દોડાવી પરંતુ મનની ભડાસ જીભ પર આવ્યા સિવાય રહી નહીં, “વનિતા, અચાનક તને નવી સાડી લેવાનું તુત ક્યાંથી સુઝી આવ્યું ?”

“મારે ફક્ત સાડી જ નથી લેવાની.”

“તો !”

“એક સરસ મજાનું શર્ટ પણ લેવાનું છે.”

“અરે! પણ મારી પાસે ઢગલો શર્ટ પડ્યા છે. મારે શર્ટ ખરીદીને તેમને બિનજરૂરી રીતે ભેગા કરવાનો કોઈ શોખ નથી.”

“પણ હું તો નવો શર્ટ ખરીદીશ.”

વનિતાની વાત સાંભળી મનોજ સમસમી ગયો. પણ તેની સામે વનિતાની વાત માન્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો ? આખરે કાર બજારમાં આવીને રોકાઈ. એ સાથે વનિતા ભૂખ્યા વરુની જેમ દુકાન સામે દોડી ગઈ. મનોજ કારને પાર્ક કરી દુકાનમાં પ્રવેશ્યો જ હતો એટલીવારમાં તો વનિતા સાડીના ઢગલા વચ્ચે ખડકાઈ ગઈ હતી. અવનવી સાડીઓમાંથી એક સાડી પસંદ કરી વનિતાએ દુકાનદારને પૂછ્યું, “આ કેટલાની છે ?”

“મેડમ, આ સાડીની કિંમત આમ સાડા આઠ હજાર છે પણ તમે કાયમના ગ્રાહક છો એટલે તમને આઠમાં આપી દઈશ.”

“સાતમાં આપતા હો તો બોલો.”

“બેન, સાતમાં તો અમને ઘરમાં પડે છે.”

“તમે કહો તો હું તમારા ઘરે આવીને લઇ જાઉં.”

“બેન, કેમ ગરીબની મશ્કરી કરો છો. ચાલો, તમારું નહીં ને મારું નહીં... સાડા સાતમાં આપી દઉં. બસ ? હવે આનાથી એક રૂપિયો ઓછો નહીં થાય.”

“હું સાત હજાર સિવાય એક રૂપિયો પણ તમને વધારાનો નહીં આપું.”

“ઠીક છે ત્યારે લઇ જાઓ.”

આ સાંભળી મનોજના છાતીના પાટિયા બેસી ગયા, “વનિતા, બે દિવસ પહેલા તારા માટે ૫-૫ હજારની ૨ સાડીઓ લીધી હતી તેનું શું કરીશ ?”

“તમે ચિંતા ન કરો. આ ખરીદીનું ભારણ હું તમારા પર આવવા નહીં દઉં. આ સાડી હું મારી અંગત બચતમાંથી ખરીદી રહી છું.”

“વનિતા, તારા વપરાયા કે મારા; આખરે રૂપિયા આપણા ઘરમાંથી જ જશે ને ?”

વનિતાએ મનોજ તરફ ધ્યાન ન આપતા કહ્યું, “હવે એક સારામાનો શર્ટ બતાવો.”

“બેન, આજેજ અમારી પાસે શર્ટની ખૂબ સારી સારી વેરાયટી આવી છે.” દુકાનદારે પાછળ વળીને કહ્યું, “મુન્ના, મેડમને આજના આવેલા શર્ટ બતાવવા લઇ આવ તો.”

થોડીવારમાં એક યુવાન હાથમાં ગાસડું ઊઠાવી લાવ્યો. દુકાનદારે ઉત્સાહમાં ગાંસડાને ખોલી તેમાંથી એકપછી એક શર્ટ દેખાડતા કહ્યું, “મેડમ, એક સે બઢકર એક શર્ટ છે. આ શર્ટ જુઓ. વળી બે ખરીદો તો તેની ઉપર એક ફ્રી.”

મનોજે અકળાઈને કહ્યું, “એક કામ કરો અમને એ ફ્રીવાળું જ આપી દો.”

“સાહેબ, તમે પણ શું ગરીબની મજાક ઉડાવી રહ્યા છો.”

“ભાઈ, મજાક હું નહીં પણ ક્યારની તું મુજ ગરીબની ઉડાવી રહ્યો છું. મારી પત્નીને એક શર્ટ દેખાડી છૂટો થઇ જા. નાહક બે શર્ટ ખરીદવા તેને મજબુર કેમ કરી રહ્યો છું ?”

વનિતાએ વાતને વાળવા એક શર્ટ હાથમાં લેતા કહ્યું, “આ કેટલાનું છે?”

“મેડમ, આ શર્ટ તમને છેલ્લામાં છેલ્લે આઠસોમાં પડશે.”

“આઠસોનો ? ના તો પછી રહેવા દો.”

આ સાંભળી મનોજે રાહતનો શ્વાસ લીધો.

“મેડમ, સસ્તો જોઈતો હોય તો આ શર્ટ જુઓ. છેલ્લે ચારસોમાં હું તમને આપી દઈશ.”

“મને સસ્તો નહીં પણ મોંઘો શર્ટ જોઈએ.”

“ઓહ! તો પછી એમ કહોની! બોલો કેટલાનું બજેટ છે ? આ જુઓ આ પંદરસોવાળું શર્ટ છે. વળી આવા બે શર્ટ ખરીદશો તો તેની ઉપર ત્રીજું શર્ટ તમને ફ્રીમાં મળશે.”

“તમે એક જ શર્ટ બતાવો પરંતુ જોરદાર બતાવો. મને કવોન્ટિટી નહીં પણ કોલીટી જોઈએ.”

“ઠીક છે, મેડમ.” આમ કહી દુકાનદાર વનિતાને મોંઘાદાટ શર્ટ બતાવી રહ્યો. મનોજને પત્નીના આ ઉડાઉ અંદાજ કરતા તે આજે તેની વાતને અવગણી રહી છે એ જરાયે પસંદ પડ્યું નહીં. તે અકળાઈને દુકાનની બહાર જઈને ઊભો રહ્યો. પરંતુ વનિતાને આનાથી કોઈ ફરક પડ્યો નહીં. એ તો શર્ટ જોવામાં વ્યસ્ત થઇ ગઈ હતી. મનોજ માર્ગ પર આવતાજતા વાહનોને નિહાળવામાં મશગુલ થઇ ગયો. લગભગ પચાસેક વાહનો પસાર થયા હશે ત્યારે વનિતા દુકાનમાંથી બહાર આવી. તેના હાથમાં બે થેલીઓ જોઈ મનોજને અકળામણ થઇ રહી. મનોમન તે દિવાળીમાં થયેલા ખર્ચાનો હિસાબ કરતા કરતા પોતાની કાર તરફ ડગ ભરવા લાગ્યો.

કાર પાસે આવીને મનોજે દરવાજો ખોલ્યો હતો ત્યાં વનિતા બોલી, “હાશ! આખરે બધી ખરીદી આજે પૂરી થઇ!”

જોકે આ વખતે મનોજે તેની વાતમાં દિલચસ્પી લેવાની જરૂર સમજી નહીં. ધડાકના અવાજ સાથે કારનો દરવાજો ખોલી તે અંદર બેસી ગયો. તેની પાછળ પાછળ વનિતા પણ સીટ પર ગોઠવાઈ ગઈ.

તેમની કાર ઘરની દિશા તરફ દોડી રહી. પણ આખા માર્ગમાં મનોજ ચૂપ જ રહ્યો. આખરે અગિયારસ, વાઘબારસ, ધનતેરસની પાછળ પાછળ દીપાવલી પણ આવીને જતી રહી. મોટેરાઓ માટે આ દિવસો બીજા સામાન્ય દિવસો જેવા જ પસાર થઇ ગયા. પરંતુ આ દિવસોમાં બાળકોએ અવનવા ફટાકડાઓનો ખૂબ આનંદ ઊઠાવ્યો. હવે આજથી શરૂ થતા નૂતનવર્ષ નિમિત્તે મનોજ દર વર્ષની જેમ પરિવારસહ મંદિરે દર્શન કરવા જવાનો હતો. રજાનો દિવસ હોવાથી મનોજને ઊઠવામાં સહેજ મોડું થઇ ગયું હતું. નીચે બધા તેની રાહ જોતા હશે આમ વિચારી તેણે વનિતાએ લાવેલ નવું શર્ટ પહેરવાના ઈરાદે કબાટ ખોલ્યું. પરંતુ તેના અચરજ વચ્ચે તે ક્યાંય દેખાયું નહીં. જોકે હાલ વનિતાને તે ક્યાં મુક્યું છે તે પૂછવા જેટલો સમય નહોતો. તેણે નવા ખરીદેલા શર્ટમાંથી એક પસંદ કરી પહેરી લીધું.

મનોજ નીચે આવ્યો ત્યારે તેના અંદાજ મુજબ જ વનિતા તૈયાર થઈને તેના આવવાની રાહ જોઈ રહી હતી. જોકે તેણે પહેરેલી સાડી જોઈ મનોજને નવાઈ લાગી, “વનિતા, તેં તો આજના દાડા માટે પેલી સાત હજારની સાડી ખરીદી હતી ને ?”

“હા.”

“તો પછી તેં એ સાડી પહેરી કેમ નહીં?”

“તમને કોણે કહ્યું કે, એ સાડી મેં મારા માટે ખરીદી હતી !”

“તારા માટે ખરીદી નહોતી તો પછી કોના માટે ખરીદી હતી ?”

“જરા પાછળ વળીને જુઓ.”

મનોજે પાછળ વળીને જોતા જ તે દંગ રહી ગયો. ઓરડામાંથી બહાર નીકળી રહેલા બા બાપુજીને જોઇને મનોજે ધીમા સ્વરે કહ્યું, “વનિતા, મતલબ તેં એ કપડા...”

“હા, મેં એ કપડા બા બાપુજી માટે ખરીદ્યા હતા.”

મનોજ સડક થઈને વનિતાને જોઈ રહ્યો.

વનિતાએ આગળ ચલાવ્યું, “તહેવારને દાડે આપણે બધા નવા કપડા પહેરીએ અને બા બાપુજી જુના કપડા પહેરે એ કેવી રીતે ચલાવી લેવાય ? નાનપણમાં તેઓએ તમારું કેટલું ધ્યાન રાખ્યું છે. તમારી દરેક જીદને તેઓ પૂરી કરતા હતા. હવે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમને સાચવવાની જવાબદારી આપણી છે. જે રીતે તેઓએ તમારા લાડકોડ પુરાવ્યા તેમ આપણે તેમની નાનીમોટી જરૂરિયાતોને હવે પૂરી કરવાની છે.”

મનોજે રૂંધાયેલા સ્વરે કહ્યું, “વનિતા, મને માફ કર. હું નાહકનો તારી પર શંકા કરી રહ્યો હતો. આજે ખરેખર તેં મારી આંખો ખોલી દીધી છે.”

બા બાપુજી નજદીક આવતા બંને જણા ચુપ થઇ ગયા. અને તેમના પગે પડી આશીર્વાદ લીધા. બાળકો પણ તૈયાર થઈને બહાર દોડી આવ્યા. સરસ મજાના નવા કપડામાં તેઓ પણ ઘણા શોભી રહ્યા હતા.

બાપુજીએ પોતાના નવા શર્ટ તરફ જોઇને કહ્યું, “બેટા, તેં લાવેલા નવા શર્ટમાં હું કેવો દેખાવું છું ? લાગુ છું ને અમિતાભ બચ્ચન.”

બાએ હરખથી સાડીનો પાલવ હાથમાં લહેરાવતા કહ્યું, “અને હું જયાપ્રદા ?”

ઓરડો બા બાપુજીના હાસ્યથી ગુંજી રહ્યો.

વનિતાએ બધો જશ મનોજને આપ્યો હતો એ વાત ધ્યાનમાં આવતા તે પોતાની જગ્યાએ ખીલો થઈને ઊભો રહ્યો. આવું વિશાલ હ્રદય તો વનિતાનું જ હોય ! મનોજને સ્તબ્ધ ઊભેલો જોઈ બાપુજીએ હાથમાં છડી લેતા કહ્યું, “હવે જલદી ચાલો મંદિરે નથી જવું ?” વનિતા પર રોષ રાખવા બદલ મનોજને મનોમન પસ્તાવો થઇ રહ્યો. આખરે ભૂલ સુધારી લેવાના ઈરાદે તે બોલ્યો, “વનિતા, મંદિરેથી ઘરે પાછો આવીશ ત્યારે તને એ દિવસની ખરીદીના બધા રૂપિયા આપી દઈશ.”

“તેની કોઈ જરૂર નથી. શું તમારા બા બાપુજીએ મારા બા બાપુજી નથી ?”

“વનિતા, જો દરેક સ્ત્રી તારા જેવી સમજદારી દાખવશે તો આ પૃથ્વીનું પ્રત્યેક ઘર વાસ્તવમાં સ્વર્ગ બની જશે.”

મનોજની આંખમાં અશ્રુઓ હતા. અને કેમ ન હોય ? આજે પત્નીની સુઝબુઝને કારણે તે સાચાઅર્થે બની ગયો હતો સપુત. આજે પત્નીની સમજદારીને કારણે તેના ઘરમાં પ્રગટ્યા હતા ખુશીઓના દીપ.

બા બાપુજીને ઉત્સાહથી મંદિરે ડગ ભરતા જોઈ તેણે પડખે ચાલી રહેલ પત્નીનો હાથ હળવેકથી દબાવતા કહ્યું, “મારા ઘરને આનંદથી ભરવા માટે થેંક્યું વનિતા.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational