Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

3  

Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

મોન્સુનના દિવસે

મોન્સુનના દિવસે

4 mins
259


“જેને દિલોજાનથી ચાહતા હોઈએ તે જ જો ઠુકરાવી દે તો જીવવાનો શો અર્થ !” પૂલની દીવાલ પર ઊભેલો અતુલ નિ:સાસો નાખતા બોલ્યો. 

ચોમાસાની એ ઋતુમાં અતુલનું અંતકરણ પણ અશ્રુઓનો વરસાદ વરસાવી રહ્યું હતું. વર્ષાની બુંદોમાં તેની આંખમાંથી નીકળી રહેલા અશ્રુઓ ધરતીને ધરમોળી રહ્યા હતા. આજે બનેલી ઘટના તેના હ્રદયને ચીરી રહી હતી. તેના હૈયામાંથી નીકળી રહેલ ચીસ વાદળોના ગડગડાટમાં દબાઈ રહી હતી. તેના ધુસકા વીજળીના કડકડાટમાં સમાઈ રહ્યા હતા.

બન્યું એવું કે આજના ચોમાસાના અલ્હાદક વાતાવરણમાં અતુલે મનાલી સામે તેની દિલની વાત મૂકી હતી. ખૂબ જ આશા અને ઉમંગથી તેણે મનાલી સામે પ્રેમપ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તે નિર્દયીએ અતુલના પ્રસ્તાવને બેરહેમીથી ઠુકરાવ્યું હતું. કારણ પોતે એ રૂપેશ જેવો દેખાવડો નહોતો એટલે ! શું દેખાવડું ન હોવું એ ગુનો છે ? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી ?” અતુલે નીચે વહી રહેલા નદીના ખળખળ પ્રવાહ સામે જોયું. અતુલે તેમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. કારણ મનાલી સામે પોતાના સાચા પ્રેમને પુરવાર કરવાનો આ એક જ માર્ગ તેની સામે બચ્યો હતો.

સહસા અતુલની નજર પૂલના બીજા છેડા તરફ ગઈ. ત્યાં પુલની દીવાલ પર ઊભી રહીને એક યુવતી બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. આ જોઈ અતુલ હેબતાઈ ગયો. કોઈક અમંગલ બનાવનો અણસાર આવી જતા તે તાડૂકી ઊઠ્યો, “એ છોકરી શું કરે છે ?”

યુવતીએ ચોંકીને અતુલ તરફ જોયું.

અતુલ ઠેકડો લગાવીને દીવાલ પરથી નીચે ઊતર્યો. આ જોઈ યુવતી ઘભરાઈને નદીમાં છલાંગ લગાવવા ગઈ. પરંતુ અતુલ ચીલઝડપે તેની નજદીક ગયો અને તેનો હાથ ઝાલી ખેંચીને દીવાલ પરથી નીચે ઊતારી.

“બેવકૂફ, આ શું કરવા જતી હતી ?”

“મને મરી જવા દો... જેને દિલોજાનથી ચાહતા હોઈએ તે જ જો ઠુકરાવી દે તો જીવવાનો શો અર્થ !”

યુવતીની વાત સાંભળી અતુલ ઝંખવાઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે ખુદને સંભાળતા તે બોલ્યો, “છોકરી ભાનમાં આવ. ઈશ્વરે આપેલા અનમોલ જીવનને આમ વેડફી ન દેવાય.”

 “અનમોલ જીવન !!! ઇચ્છિત વ્યક્તિની હાજરી વિના, શું જીવનને અનમોલ સમજવાની ઈચ્છા થાય ખરી ?” યુવતી આંખમાં આવેલા અશ્રુઓને લૂછતા આગળ બોલી, “સમીરને હું દિલોજાનથી ચાહતી હતી પરંતુ આજે વેલેન્ટાઇનના દિવસે તેણે મારું દિલ તોડ્યું. અને તે પણ ખબર છે શા કારણે ?”

અતુલે અસમંજસમાં માથું હલાવ્યું.

“કારણ સમીરને શ્રીમંત ઘરની એ હેતલડી મળી ગઈ એટલે. શું ગરીબ હોવું ગુનો છે ? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી ? હવે તમે જ કહો મારી સાથે ખોટું થયું કે નહીં.”

અતુલ દીવાલની પાળ પર બેસતા બોલ્યો, “મારા મતે જે થયું તે સારું જ થયું. નહીંતર એ સમીર જેવા મૂરખના સરદાર સાથે તારે આખી જિંદગી વિતાવવી પડી હોત.”

યુવતી અતુલને રોષભેર જોઈ રહી.

અતુલ સહેજ મલકાઈને બોલ્યો, “હવે તારા જેવી સુંદર છોકરીને નકાર આપે એ મૂરખનો સરદાર જ કહેવાય ને.”

અતુલની વાત સાંભળી યુવતી રડમસ ચહેરે પણ હસી પડી. તે અતુલની પાસે આવીને બેઠી જ હતી ત્યાં છાંટા સાથે વરસાદ શરૂ થયો.

અતુલે વિચાર્યું, ‘આજકાલ ઋતુનું કોઈ ઠેકાણું નથી.’

“કદાચ ઘણાના હૈયા આજે આ વેલેન્ટાઇનના દિવસે તૂટ્યા હશે.” યુવતી હતાશાથી આસમાન તરફ જોઈને બોલી.

“બાય ધી વે. મારું નામ અતુલ છે. અને તમારું ?” અતુલે હાથ લંબાવતા કહ્યું,

“આશ્લેષા.” યુવતીએ અતુલ જોડે હાથ મેળવતા કહ્યું.

ફરી બંને વચ્ચે મૌન પ્રસરી રહ્યું. તેઓ શૂન્યમનસ્કપણે સડક પર નજર દોડાવી રહ્યા.

વર્ષાની બુંદો તેમને ભીંજવી રહી હતી.

મૌનને તોડતા આશ્લેષા બોલી, “એક વાત પૂછું ?”

“શું ?”

“તમે પેલી દીવાલ પર કેમ ચઢ્યા હતા ?”

“અમસ્તો. અલહાદક આબોહવાની મજા માણવા.”

“એક વાત કહું ?”

“શું ?”

“તમને ખોટું બોલતા જરાયે ફાવતું નથી. જાણો છો કેમ ?”

“કેમ ?”

“કારણ તમે દિલથી ખૂબ સારા માણસ છો. ખરેખર એ મૂરખની સરદાર જ હશે જેણે તમારા જેવાને ઠુકરાવ્યો.”

બંને અપલક નજરે એકબીજાને જોઈ રહ્યા.

“આશ્લેષા, ભૂતકાળ ભૂલીને આપણે નવેસરથી જિંદગી શરૂ કરવી પડશે.”

“સમીરને ભૂલવું મારા માટે આસાન નથી. ખબર નહીં ક્યાં જન્મનું પાપ હું આ જન્મે ભોગવી રહી છું.”

“આશ્લેષા, આપણા કર્મોનો હિસાબ આ જ જન્મમાં આપણને ભોગવવો પડતો હોય છે.”

ઓચિંતી આકાશમાં વીજળી ચમકી.

મગજમાં જાણે ઝબકાર થયો હોય તેમ બંને જણાએ ચોંકીને એકબીજા તરફ જોયું.

“વિનાયક.” આંચકા સાથે પાળ પરથી આશ્લેષા ઊભી થતા બોલી.

“કોણ વિનાયક ?” અતુલ પણ પાળ પરથી નીચે ઉતર્યો.

“વિનાયક મારો સહપાઠી છે. મારા કોલેજમાં ભણે છે. તે દિલોજાનથી મને ચાહે છે. પાછલા વેલેન્ટાઇનના દિવસે તેણે મારા સામે તેના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. પરંતુ મેં તેનો સ્વિકાર કર્યો નહોતો.”

“કેમ ?”

“કારણ તે ગરીબ હતો.” આશ્લેષા નીચું જોઈ ગઈ, “પરંતુ હવે દિલ તુટવાની વેદના હું જાણી ગઈ છું. હું વિનાયકની માફી માંગીશ અને તેની આગળ મારા પ્રેમનો પ્રસ્તાવ મુકીશ. કદાચ સંત વેલેન્ટાઇને મને શીખ આપવા જ તારી સાથે મારી ભેટ કરાવી હશે.”

“પરંતુ આટલા લાંબા અંતરાલ બાદ વિનાયક તારા પ્રેમનો સ્વિકાર કરશે ?”

“પ્રેમનો સ્વિકાર કરશે ? અરે! એ ભોળો તો મારી વાત સાંભળીને રડી જ પડશે. ચાલ, હવે વધુ મોડું થાય એ પહેલા મારે અહીંથી નીકળવું પડશે. બાય.”

આમ કહી આશ્લેષા ત્યાંથી સડસડાટ નીકળી ગઈ.

આથમતા સૂરજને જોતાજોતા અતુલ નજદીક આવેલા ઝાડ નીચે જઈ ઊભો રહ્યો. પુલ નીચેથી વહેતા વરસાદના પાણીના પ્રવાહની જેમ અતુલના મસ્તિષ્કમાં પણ વિચારોનો અવરિત પ્રવાહ વહી રહ્યો હતો. ખૂબ મનોમંથન બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કોલ જોડી મોબાઈલને કાને અડાડ્યો, “હલ્લો, પલ્લવી.”

“કોણ અતુલ ?”

“પલ્લવી, મને માફ કર. હું મૂરખ તારા મનની સુંદરતાને પિછાણી શક્યો નહોતો. પરંતુ હવે મને મારી ભૂલ બદલ પસ્તાવો થઇ રહ્યો છે. શું તું મારા પ્રેમનો સ્વિકાર કરીશ ?”

અતુલ જવાબ સાંભળવા આતુર બન્યો.

વીજળીના કડકડાટ સાથે સામે છેડેથી પલ્લવીના ધ્રુસકાનો અવાજ આવ્યો.

વર્ષોની તડપ એ ડૂસકાઓમાં ધરબાયેલી હતી.

ઉપર આસમાન અને નીચે અતુલની આંખો વરસી રહી.

વાદળોના ગડગડાટ સાથે સામે છેડેથી પલ્લવીનો સ્વર સંભળાયો, “હા.”

એ સાથે ક્યારનો પડુંપડું કરતો વરસાદ મુશળધાર વરસી પડ્યો. અને નવી આશા અને ઊમંગની લહેર સર્વત્ર રેલાઈ ગઈ એ મોન્સુનના દિવસે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract