Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Fantasy

અનેરા રંગ

અનેરા રંગ

9 mins
494


રાતના દોઢ વાગ્યાની આસપાસ સુમસામ સડક પર મનોજની કાર દોડી રહી હતી. મોડી રાતનો “દિલ તુજકો દિયા મૈને.” ફિલ્મ શો જોઈને તે તેના મિત્ર આલોક સાથે ઘરે પાછો જઈ રહ્યો હતો. ફિલ્મની લંબાઈ થોડી વધુ હોવાથી તેઓને ઘરે પાછા ફરવામાં થોડું મોડું થઈ ગયું હતું. માર્ગ પર નજર જમાવી રાખતા મનોજ ગણગણવા લાગ્યો, “મેં હું તો કયા ગમ હૈ. તું સંગ હૈ તો કયા ડર હૈ.”

“દિલ તુજકો દિયા મૈને.” ફિલ્મનું ગીત મનોજના હોઠો પર રમી રહ્યું. અને કેમ ન હોય આખરે ફિલ્મનો નાયક અરૂણ નવલ તેના દિલોદિમાગ પર જે છવાઈ ગયો હતો. નાયકનું લોકો માટે ગુંડા સામે ભીડી જવું. નાયિકા માટે જાનની બાજી લગાવી. ઊંચી બિલ્ડિંગો પરથી નાયકે લગાવેલી એ છલાંગો. ગુંડાઓની અંધાધૂંધ ગોળીબારીમાંથી તેનું આબાદ બચી જવું. આ તમામ દ્રશ્યો મનોજના મન મસ્તિષ્ક પર છવાઈ ગયા હતા.

“સુમમમમમ.” કરતી નજીકમાંથી પસાર થઈ ગયેલી કારથી હેબતાઈને બાજુમાં બેઠેલો આલોક બોલ્યો, “ઓહ ! ભઈલા, જરા ભાનમાં આવ. આ રીયાલીટી છે કોઈ ફિલ્મ નહીં જે તું સર્પની જેમ કારને વાંકીચૂકી વળાવી રહ્યો છું.”

“ઓહ સોરી !” તંદ્રામાંથી બહાર આવેલો મનોજ કપાળે બાઝેલા પરસેવાને લુછી રહ્યો.

થોડીવાર સુધી કાર માર્ગ પર દોડી રહી.

“આલોક, એક વાત પૂછું ?”

“શું ?”

“ફિલ્મમાં જેમ નાયક માટે તેના મિત્રે જાન કુરબાન કરી હતી તેમ તું મારી માટે કરી શકે છે ?”

“ઓહ બેટમજી, યહ મુંહ ઔર મસુર કી દાલ ! કોઈ આંધળાને પણ પૂછીશને તો એ કહી દેશે કે આપણા બંનેમાંથી હું જ હીરો જેવો દેખાવું છું. આવ્યો મોટો નાયકવાળો.”

“અરૂણ નવલને તારી જેમ દાઢી નથી.”

“વગર દાઢીએ તું કંઈ અરૂણ નવલ દેખાતો નથી. ક્યાં ગંગુ તૈલી અને ક્યાં રાજા ભોજ.”

“ચાલ હવે શાંતિ રાખ.”

“હું તો શાંત જ છું; હળી તો ક્યારનો તું કરી રહ્યો છું.”

મનોજે તીરછી નજરે આલોક તરફ જોઈ વિચાર્યું, “માળું, હીરોના સાચા મિત્રો તો જાણે ફિલ્મોમાં જ જોવા મળે છે. બાકી વાસ્તવમાં બધા જ ખૂદને હીરો સમજીને ફરી રહ્યા છે. શું ફિલ્મોનું ભૂત આટલી હદે સૌના દિમાગ પર છવાયેલું છે ?”

મનોજને ફિલ્મનું એક દ્રશ્ય યાદ આવ્યું.

અરૂણ નવલને જયારે હાથમાં ગોળી વાગે છે ત્યારે તેનો મિત્ર જય કિશન તેને લારી પર સુવડાવીને અસ્પતાલમાં લઈ જાય છે. જોકે નાયક અસ્પતાલમાં ના પહોંચે એ સારું ગુંડાઓ અનેકો પ્રયત્ન કરે છે. પરંતુ જય કિશન એ બધા ગુંડાતત્વ સામે બાથ ભીડી નાયકને હોસ્પિટલમાં પહોંચાડીને જ જંપે છે. દોસ્તી આવી હોય ! જયારે મારા મિત્રો. અરૂણે તીરછી નજરે આલોકને જોયું. આલોક તેની મસ્તીમાં ગીતો ગાતો બારીની બહાર જોઈ રહ્યો હતો.

મનોજે ફરી વિચાર્યું, “ફિલ્મમાં નાયિકા પણ નાયકનું કેટલું ધ્યાન રાખતી હોય છે. ડગલેને પગલે તે નાયક સાથે ઊભી રહે છે. જે મસ્તીથી તે ગીતો ગાય છે. એજ ઝનુનથી તે દુનિયા સાથે પણ બાથ ભીડે છે. જયારે તેની પત્ની પ્રિયંકા ! પત્નીનો રુક્ષ ચહેરો યાદ આવતા મનોજનું હૃદય દુઃખી દુઃખી થઈ ગયું.

ફિલ્મના એક એક દ્રશ્યો મનોજને યાદ આવી રહ્યા. એ સાથે તે પોતાના વાસ્તવિક જીવન સાથે સરખામણી કરવા લાગ્યો. ખરેખર ફિલ્મો કરતા તેની જિંદગી કેટલી સૂક્ષ હતી. ફિલ્મો છે તો શું થયું ? આખરે તેમાં જે જીવન દેખાડે છે તે મનુષ્યોનું જ હોય છે ને ? તો પછી આપણે કેમ તેમની જેમ જીવવાનું શીખતા નથી ! ફિલ્મી અભિનેત્રી તેના નાયકને પ્રેમ કરી શકે તો વાસ્તવમાં કોઈ સ્ત્રી તેના પતિને કેમ એટલું ચાહી ન શકે ? શું પ્રેમ પર કોઈની મોનોપોલી છે ?

મનોજે એક મેગઝીનમાં અરૂણ નવલ અને તેની પત્ની વિભાવરી વિષે વાંચ્યું હતું. તેઓ બંને વચ્ચે અપાર પ્રેમ હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે આ જોડાને જોયો હતો. જાણે લવબર્ડ્સનું જ જોડું જોઈ લો.

તેઓની કાર માર્ગ પરથી પસાર થઈ. એક વળાંક પાસે બંને મિત્રોએ જોયું કે એક મોંઘીદાટ કાર પાસે એક મહિલાને ઘેરીને ત્રણ પુરૂષો ઊભા હતા.

મનોજે થોડું આશ્ચર્યથી પૂછ્યું, “દોસ્ત, કંઈક ગરબડ લાગે છે.”

આલોકે બારીમાંથી માથું બહાર કાઢીને કહ્યું, “તારી વાત સાચી છે. એ ત્રણે મને ગુંડા જેવા લાગી રહ્યા છે. બિચારી મહિલા તેમના આગળ હાથ જોડીને આજીજી કરી રહી છે.”

અચાનક તેમાંથી એક ગુંડાએ યુવતીના પાલવને ખેંચ્યો. એ સાથે યુવતીની ચીસ વાતાવરણમાં ગુંજાઈ રહી. માર્ગ પરથી મોટા મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કોઈએ રસ્તાના એકતરફ ઘટી રહેલી એ દુર્ઘટના તરફ ધ્યાન આપવાની તસ્દી લીધી નહીં.

આલોકે કહ્યું, “દોસ્ત, પેલી મહિલા જોખમમાં લાગે છે. મને લાગે છે કે એ ત્રણે ગુંડા તેની છેડતી કરી રહ્યા છે.”

આ સાંભળી મનોજની અંદર છૂપાયેલ અરૂણ નવલ જાગૃત થયો. તેણે કારની કચકચાવીને બ્રેક લગાવી. એ સાથે કાર ચિચિયારી પાડતી ઊભી રહી.

“મનોજ, આ તું શું કરી રહ્યો છે ?”

મનોજે કારને પાછલા ગીયરમાં નાખતા કહ્યું, “જો આપણી હાજરીમાં એ સ્ત્રીની ઈજ્જત પર કોઈ ડાઘ લાગે તો આપણા મર્દ હોવા પર શરમ છે.”

આલોકે ઘબરાઈને કહ્યું, “મનોજ, ભાનમાં આવ. આ કોઈ ફિલ્મ નથી કે તું એકલે હાથે તે ગુંડાઓ સાથે બાથ ભીડવા જઈ રહ્યો છું. પ્રેક્ટીકલ બનીને વિચારીશ તો તને ખબર પડશે કે એમની સામે બાથ ભરવી એ આપણું ગજું નથી. તેઓ ત્રણ છે. વળી તેઓ પાસે હથીયાર પણ હશે. આવી હાલતમાં આપણે શું કરીશું ?”

“દોસ્ત, આજે ફિલ્મમાં તે જોયું નહીં.”

“શું ?”

“અરૂણ નવલે કેવા એકલે હાથ દસ દસ ગુંડાઓ સામું બાથ ભીડી એક અબળાનો જીવ બચાવ્યો હતો ?”

“હા તો ! ભાઈ, એ ફિલ્મ હતી. એમાં દસ શું દસ હજાર સાથે હીરો ભીડી શકે છે. જયારે વાસ્તવિક જીવનમાં આ ત્રણ સામું પણ બાથ ભીડવું એ નરી મૂર્ખતા છે. વાસ્તવિક જીવનમાં ભૂલોનું એડીટીંગ નહીં પણ ભૂલોને લીધે વાસ્તિવક જીવનમાંથી આપણું ડીલીટીંગ જરૂર થઈ જતું હોય છે. મારું કહ્યું માન અને કારને ઘરના માર્ગે દોડાવ.”

“એ સ્ત્રીની આબરૂ બચાવવા તારે મારી સાથે આવવું નહીં હોય તો તું કારમાં બેસી રહે. પણ હું તે સ્ત્રીને આમ એકલી છોડીને નહીં જાઉં. કાલે પેપરમાં એ સ્ત્રી વિષે કોઈ અમંગલ સમાચાર આવ્યા તો હું મારી જાતને કદીયે માફ કરી શકીશ નહીં.”

મનોજે કારને વળાવી અને એ મહિલા તરફ નીકળી ગયો. ગુંડાઓ હવે યુવતીના શરીર પરના કપડાને તારતાર કરી રહ્યા હતા. તેમાંથી એક જણો યુવતીને ઊઠાવીને બાજુની ઝાડીઓમાં લઈ જવાની ફિરાકમાં હતો. આ જોઈ મનોજનું લોહી ઉકળી ઊઠ્યું, તેણે કારને ઊભી રાખતા કહ્યું, “એય ! શું ચાલી રહ્યું છે ત્યાં ! હું કહું છું કે છોડી દો એ સ્ત્રીને.”

એક ગુંડાએ અટ્ટહાસ્ય કરતા કહ્યું, “એય મગતરા, ચાલ તારા રસ્તે પાછો હાલતો થા. કદાચ તું જાણતો નથી કે અમે કોણ છીએ.”

મનોજે ફિલ્મનો જ સંવાદ ચોપડી દીધો, “હું જાણું છું કે તમે પણ મારી જેમ હાડમાંસથી બનેલા મનુષ્યો છો. તમને પણ મારવાથી દુઃખતું તો હશે જ.”

મનોજને બાયો ચઢાવતો જોઈ એક ગુંડો રોષે ભરાયો, “ટીકા, સૌથી પહેલા આ મૂરખના સરદારને સબક શીખવાડવો પડશે.”

ત્રણે ગુંડાઓ હવે સ્ત્રીને છોડી મનોજની દિશામાં આગળ વધ્યા. કારમાં બેઠેલો આલોક આ ચુપચાપ જોઈ રહ્યો હતો. મનોજે પાસે પડેલા એક પથ્થરને ઊઠાવીને તેનો ઘા કરતા કહ્યું, “બેશરમો, ચાલો ભાગો અહીંથી.”

મનોજને આમ ઉપરાછાપરી પથ્થરો મારતા જોઈ ત્રણે ગુંડાઓ થોડા ડઘાયા. તેઓ બે ડગલા પાછુ ખસતા બોલ્યા, “ઓય ! જો અમે ત્રણે જણાએ પથ્થરા મારવાના શરૂ કર્યાને તો તારી ચટણી બની જશે.”

મનોજને તેમના શબ્દોની કોઈ અસર ના થઈ તે તો પથ્થરોનો વરસાદ વરસાવી રહ્યો. આ જોઈ ટીકા પણ પથ્થર ઉઠાવવા જતો જ હતો ત્યાં તેના સાથી મિત્ર પરેશે કહ્યું, “ટીકા, નાહકનું વાદવિવાદ વધારીશ નહીં. અહીં ચાલતી ગરબડથી જો એક પછી એક વાહનો રોકાવા લાગ્યા તો આપણે નાહકની મુસીબતમાં ફસાઈ જઈશું.”

“તો હવે આપણે શું કરીએ ?”

“મારા ખ્યાલથી આપણે પ્લાન બી અજવાવવું જોઈએ.”

“ઠીક છે.”

ત્રણે ગુંડાઓએ હવે પીછેહઠ કરી. મનોજ પથ્થરો મારતો આગળ વધી રહ્યો. આ જોઈ તેઓ ભાગ્યા. જોકે પ્લાન બી મુજબ અંધકારનો લાભ લઈ તેમાંથી એક જણો ત્યાંજ છૂપાઈ રહ્યો.

અહીં ત્રણે જણા ભાગી ગયા છે એમ સમજી મનોજે રાહતનો ઉચ્છવાસ છોડ્યો.

મહિલા પણ તેની આબરૂ બચાવનાર દેવદૂત સમા મનોજને અહોભાવથી જોઈ રહી.

મનોજે પાસે આવીને ફિલ્મીઢભે તે મહિલાના શરીરને પોતાના જેકેટ વડે ઢાંકી દીધું.

મહિલાએ મનોજ સામે જોઈને કહ્યું, “તમારો આ ઉપકાર હું કેવી રીતે ભૂલી શકું ?”

મનોજની નજર પહેલીવાર તેની આંખો સાથે ટકરાઈ. એ ઝીલ જેવી માંજરી આંખોમાં મનોજ ગોથા ખાવા લાગ્યો. કુદરતે જાણે આખા જગતની સુંદરતા તેના સમીપ લાવી ખડી કરી દીધી હોય તેવી પ્રતીતિ મનોજ કરી રહ્યો. મહિલાના કેશુઓમાંથી આવતી મધમીઠી સોડમ તેના હૈયાને ઘાયલ કરી રહી. યુવતીના રૂપથી અંજાયેલા મનોજને એ ધ્યાનમાં જ ન આવ્યું કે તેની પાછળ એક ગુંડો બિલ્લીપગે આવી રહ્યો હતો. ગુંડો હાથમાંના ભારે પથ્થર વડે હુમલો કરવા જઈ જ રહ્યો હત ત્યાં યુવતીની નજર તેના પર ગઈ. “પાછળ જુઓ”

યુવતીની ટકોરથી મનોજે પાછળ વળીને જોયું તો એક ગુંડો હોઠ કચકચાવીને તેના માથા પર પથ્થર પછાડવાની તૈયારીમાં હતો. મનોજે ડઘાઈને પોતાની આંખો બંધ કરી દીધી. પરંતુ બીજી જ ક્ષણે જાણે ચમત્કાર થયો હોય તેમ મનોજને પથ્થરનો સ્પર્શ થાય તે પહેલા ગુંડો એક તરફ ઉછળી પડ્યો. ગુંડાના પછડાવવાનો અવાજ સાંભળીને મનોજે આંખો ખોલીને જોયું તો તેની સામે હાથમાં ડંડો લઈને આલોક ઊભો હતો. ઓચિંતામાં થયેલા હુમલાથી ડઘાઈને ગુંડો ઝડપથી જમીન પરથી ઊભો થઈને ભાગી ગયો. દૂર ઊભેલા તેના સાથી મિત્રો પણ ઘબરાઈને તેની સાથે ભાગી રહ્યા. આલોક ત્રણે ગુંડાઓ આંખોથી ઓઝલ થતા ડંડાને એક તરફ ફેંકી દીધો.

મનોજે આ જોઈ કહ્યું, “ફિલ્મ હોય કે વાસ્તવિક જીવન, અણીના સમયે કાયમ દોસ્ત જ કામમાં આવે છે.”

આ સાંભળી આલોકનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠયો. ઓચિંતી આલોકની નજર મહિલા પર જતા તેણે ચોંકીને પૂછ્યું, “અરે ! આપ ? આપ તો વિભાવરી મેડમ છો ને ?”

મનોજે ડઘાઈને પૂછ્યું, “કોણ વિભાવરી મેડમ ?”

“અરે ! તારા રોલ મોડેલ એવા અરૂણ નવલજીના ધર્મ પત્નીશ્રી.”

આ સાંભળી મનોજ આનંદથી ઉછળી પડ્યો, “અરે ! મેડમ તમે ? અરૂણજી ક્યાં છે ? જો તેઓ તમારી સાથે હોત તો અમારી મદદની તમને કોઈ જરૂરત જ પડી નહોત. જે વ્યક્તિ એકલપંડે દસ દસ માણસોને ધૂળ ચટાવે તેની સામે આ ત્રણ ગુંડાઓની શી વિસાત ?”

વિભાવરી મેડમ આ સાંભળી ફિક્કું હસ્યા. તેઓએ પર્સમાંથી થોડાક રૂપિયા કાઢતા કહ્યું, “મારી આબરૂ બચાવવા મારા તરફથી આ નાની ભેટ રાખો.”

મનોજે કહ્યું, “અરે ! આ તો મારી ફરજ હતી.”

“મોટી બહેન તરફથી ગીફ્ટ સમજીને રાખો.” વિભાવરીએ બંને જણાના હાથમાં રૂપિયાની થોકડી મૂકતાં કહ્યું.

મનોજે ખુશખુશાલ થઈને કહ્યું, “મેડમ, ખોટું ન લાગે તો એક વાત કહું ?”

“બોલો.”

“તમારે રાતના સમયે આમ એકલા નીકળવું ન જોઈએ.”

“હું કયારેય એકલી નથી નીકળતી, મારી સાથે અરૂણ કાયમ હોય જ છે.”

“ઓહ ! તો આજે તેઓ તમારી સાથે કેમ ન આવ્યા ?”

“તેઓ મારી સાથે જ હતા. પરંતુ.”

વિભાવરીની આંખમાંથી અશ્રુની બુંદો સરી પડી. “બાય ધી વે. થેંક્યું વેરી મચ. મારે હવે નીકળવું પડશે. માર્ગમાંથી વરુણને પણ પીકઅપ કરવો પડશે.”

મનોજની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. તે જેને રોલમોડલ માનતો હતો તેનો એ નાયક તો માત્ર પડદામાં જ વાઘ હતો.

વિભાવરીના ગયા બાદ બંને મિત્રો કારમાં આવીને બેઠા.

કાર માર્ગ પર દોડી રહી. બંને મિત્રો ચૂપચાપ માર્ગ પરથી પસાર થઈ રહેલ ગાડીઓને જોઈ રહ્યા.

આખરે મૌન તોડતા આલોકે કહ્યું, “દોસ્ત, હું તને કહેતો હતોને કે ફિલ્મોમાં દેખાતી ઘટનાઓ સાચી હોતી નથી. ફિલ્મ અને વાસ્તવિક જગતમાં જમીન અસમાનનો ફરક છે. શું હજુપણ તું અરૂણ નવલને પોતાનો આદર્શ માનીશ.”

બાજુમાંથી ઘોંઘાટ કરતી ટ્રક પસાર થઈ.

મનોજે શાંત લહેજે કહ્યું, “હા.”

આલોક આ સાંભળી રીતસરનો ઉછળી પડ્યો, “શું વાત કરે છે ? પોતાની પત્નીને ગુંડાઓને હવાલે કરીને જે કાયર ઊભી પૂંછડીએ ભાગ્યો તે તારા મન હજુપણ આદર્શ છે ?”

મનોજે શાંતિથી કહ્યું, “આલોક, તારી વાત સાચી કે ફિલ્મી અને વાસ્તવિક જીવનમાં ઘણો ભેદ હોય છે. બંનેની તુલના કદીયે ન થાય. કદાચ વાસ્તિવક જીવનમાં અરૂણ ધવન કાયર સાબિત થયો. જોકે એ સાથે આપણે એ ભૂલવું ન જોઈએ કે તેના ફિલ્મી જગતના રૂપને કારણે જ મારા જેવો કાયર આજે ત્રણ ત્રણ ગુંડાઓ સાથે બાથ ભીડવાની હિંમત કરી શક્યો. આપણે હંમેશા બીજાના અવગુણને ભૂલી તેના ગુણને સ્વીકારવા જોઈએ. રીયલ લાઈફના અરૂણને કદાચ હું ધિક્કાર છું પરંતુ રીલ લાઈફના અરૂણને ખૂબ જ ચાહું છું. કારણ તે મને સારા કામો કરવાની સતત પ્રેરણા આપતો રહે છે. આપણે દરેક આમ જ ફિલ્મોમાંથી સારી બાબતો શીખીને જીવનમાં ઉતારવી જોઈએ.”

આલોકે કહ્યું, “ભાઈ, તારી આ વાત સાચી છે. ઉત્કૃષ્ઠ ફિલ્મો આપણને ઘણી શીખ આપી જાય છે. વાસ્તવિક જીવનથી ફિલ્મો છોને અલગ કેમ ન હોય. પરંતુ આપણા જીવનમાં તે જરૂર ભરી દે છે આશા અને ઉમંગના અનેરા રંગ.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract