Jayant Rathod

Abstract Fantasy Romance

3.5  

Jayant Rathod

Abstract Fantasy Romance

કેસ સ્ટડી

કેસ સ્ટડી

9 mins
22.5K


નિવૃત્તિનો દિવસ યાદ કરતાં સીમાને હસવું આવી ગયું. વાઇસ પ્રિન્સિપાલ મિસ. કટોચનું ત્વરિત રીએક્શન અપેક્ષિત હતું – “વ્હોટ! તમે રીઝાઇન કરો છો?”

સીમાએ જોયું થાઇરોડથી હંમેશ ફુલેલા જણાતા મિસ. કટોચના ચહેરા પર પ્રયત્ન છતાં, ખુશી છલકાઈ જતી હતી. જેની સીમાને પણ અપેક્ષા હતી. તેમ છતાં સ્વસ્થ રહેવાનો દેખાવ કરતાં એણે કહ્યું – “ડિવોર્સ પછી, મારે નવી જિંદગીમાં જૂના કોઈ કમિટમેંટ માટે અટકવું નથી.”

મિસ કટોચ થોથવાઈ ગઈ હતી – “વેલ... તમારી અંગત મેટર છે.” પછી આદત મુજબ સચેત કરતી હોય એમ એનાથી કહેવાઈ ગયું – “આઈ થિંક... ૪૦ વર્ષની ઉંમરે તમે જે પ્રયોગો કરી રહ્યા છો, એમાં રહેલ જોખમનો ખ્યાલ હશે તમને.”

એણે કહ્યું હતું – “ભૂલો નહીં મિસ. કટોચ, લાઈફ બીગેન્સ એટ ફોર્ટિ !”

સીમાને લાગ્યું સમય પહેલાં નિવૃતિ પણ આવી ગઈ. જિંદગીમાં બધું બહુ ક-સમયે આવીને પાછળ છૂટતું ગયું. યુવાની, સફળતા, લગ્ન, સફેદવાળ બધુંજ. એક જીવનમાં જે સમયે આવે એનાથી પહેલાં પોતાના જીવનમાં આવી ગયા. ટ્રેનની બારી બહાર ઝડપથી પસાર થતાં દ્રશ્યો જેમ - બાળપણ, નિષ્ફળતા, રોમાંસ, ડિવોર્સ - જીવનની તેજ ગતિ સામે ઝડપથી પસાર થઈ પાછળ છૂટી ગયા. તારાની માફક તેજ લિસોટો પાડીને ખરી જતાં વર્ષોને, વિષાદથી સ્વચ્છ થયેલી આંખોથી એ જોતી રહી. બાળપણ મામાના ઘર જેટલું - દીવો બળે - એટલું દૂર ચાલ્યું ગયું. પરિવારમાં એક માત્ર મામાનું ઘર હતું, પણ મામીનો મિજાજ સીમા સહન કરી શકી નહીં. યુવાની અને વિચારોનું હોસ્ટેલ લાઈફની સ્વતંત્ર હવામાં ઘડતર થયું, ભૂલો કરવાનો એ સ્વતંત્રકાળ સીમાની યાદમાંથી ભૂંસાતો ન હતો.

રોમાંસના કેફમાં લગ્ન કરી લેવાનો નિર્ણય બરાબર ન હતો. એ વહેલું સમજાઇ ગયું, પણ દંભને પોષી રાખવાની પવિત્ર ફરજમાંથી એમ કોર્ટ પણ જલ્દી મુક્તિ આપતી નથી. પણ અંતે, સીમાને પ્રતીતિ થઈ – બધાનો ભગવાન હોય છે - ડિવોર્સ લેનારનો - આપનારનો - ડિવોર્સની કાયદેસરતા નક્કી કરનારનો.

નિવૃતિનું કોઈ આયોજન વિચાર્યા વગર એણે સ્વૈચ્છિક નિવૃત થઈ જવું પસંદ કર્યું. શિક્ષણ વ્યવસાયના સાથી કર્મીઓ અને મેનેજમેંટની ઊધઈ વૃતિથી એ ઉબાઈ ગઈ હતી. શિક્ષણ ઉપર મકડીની જાળ જેમ ફેલાયેલ ‘ધંધો’ એનાથી થઈ શકશે નહીં, એમ વિચારી વ્યવસાય છોડયો. પણ લોકોની નજરમાં આ એની ડિવોર્સ પછીની બીજી નિષ્ફળતા હતી.

હવે...? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા એ જૂનું વાતાવરણ છોડી નવા શહેરમાં આવી ગઈ હતી. સર્પની જેમ જૂની કાંચળી ઉતારી સ્વચ્છ - લીસી - ચમક પહેરી, સ્વરક્ષણ માટે દાંતોમાં ઝેર દબાવીને હવે જીવવાનું હતું. સીમાએ ચેન્જ ખાતર એક કોર્ષ શીખવા કોલેજ જોઇન કરી લીધી. દિવસનો મોટાભાગનો સમય વર્કશોપ માટે કોલેજમાં નીકળી જવા લાગ્યો. બાકીનો સમય અસાઇનમેન્ટ પૂરા કરવામાં, ચેન્જની સાથે એક ચેલેન્જ હતી.

માણસને ચેન્જ જોઈએ તો ચેલેન્જ સામે ચાલીને ઉપાડવી જોઈએ. આવું સુકેતુએ કહેલું એ પહેલાંથી સીમાએ આ ચેલેન્જ ઉપાડી લીધી હતી, સામે ચાલીને. સુકેતુ સાથેની પહેલી મુલાકાત સીમાને યાદ આવી. કોલેજ કેન્ટીનમાં એ લંચ લઈ રહી હતી, લસ્સીનો ગ્લાસ હાથમાંથી છટકીને ટેબલ ઉપર પટકાયો અને ઘટ સફેદ પ્રવાહીનો રેલો ટેબલના સામે છેડે બેઠેલા સુકેતુના લેપટોપ ઉપર ફરી વળ્યો. સુકેતુ ગુસ્સે થઈ મેનર્સ વિશે અંગ્રેજીમાં વરસી પડેલો. ત્યારે પોતે પ્રથમ ક્ષોભ પામી હતી, જાત ઉપર થોડો ગુસ્સો આવ્યો હતો. પણ પછી સુકેતુના મેનર્સના ભાષણથી ઉશ્કેરાઈ ગયેલી. આ બધું થોડી ક્ષણોમાં બની ગયું. ત્યાર બાદ એણે લંચ ખતમ કરતી હોય તેમ પેપર નેપકિન વડે હાથ મોઢું સાફ કર્યું, ગ્લાસમાંથી ઠંડું પાણી પીધું. ત્યાં સુંધીમાં ટેબલની આસપાસ જમા થઈ ગયેલ કોલેજીયન ક્રાઊડનો ગણગણાટ વધી ગયો હતો. સુકેતુ એને અવાચક બની જોઈ રહ્યો, જોકે એના ચહેરા ઉપરથી રોષ ગયો ન હતો. સીમાએ એક નજર સુકેતુના ચહેરા તરફ જોયું અને પોતાની પર્સમાંથી બહાર કાઢેલા રૂમાલ વડે લેપટોપ સાફ કરી, સુકેતુના હાથમાં થમાવતાં કહેલું – “આઈ હેવ જોઇન ધિસ કોલેજ ટુ લર્ન બિહેવિયરલ સાયન્સ, સો ફરગિવ મી કિડ!”

કોલેજની બહાર નીકળી એ દિવસે સીમા રિકશાની રાહ જોઈ રહી હતી ત્યાં સુકેતુ બાઇક પર આવી પહોંચ્યો. સીમા પાસે પોતાના વર્તનની ક્ષમા માંગી અને સીમાને ફ્લેટ સુધી મૂકી ગયો. ત્યાર પછી બેઉનું કેન્ટીનમાં સાથે લંચ લેવાનું શરૂ થયું. સુકેતુ ફિલ્મ એડિટિંગનો કોર્ષ કરી વધુ અભ્યાસ માટે ફ્રાંસ જવાની તૈયારી કરી રહ્યો હતો. સીમાએ સુકેતુમાં - અભ્યાસના ભાગ સ્વરૂપે - રસ લેવાનું શરૂ કર્યું. સુકેતુ નામના જીવંત ઓબ્જેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં, અભ્યાસનું બોરિંગ તત્વ કંઈક અંશે હળવું લાગવા માંડ્યું. જોકે બેઉ વચ્ચેની ઉંમરનો તફાવત જોઈ, કોલેજમાં અનેકની નજરો ખેંચાતી. કેન્ટીનમાં બંનેને સાથે પ્રવેશતાં જોઈ, ટેબલો ઉપર ગણગણાટ થંભી જતો. વ્યંગ સાંભળી લિપસ્ટિકથી ચમકતાં હાસ્યો પેપર નેપકીનોમાં લૂછાઇ જતાં.

સુકેતુ શરૂઆતમાં આ ફેરફાર નોંધી વ્યગ્ર થઈ જતો. સીમાને કોલેજ બહાર રેસ્ટોરેંટમાં જવા કહેતો. પણ સીમા મક્કમ રહેતી. લોકોના ચોક્કસ પ્રતિભાવો પાછળનું મનૌવૈજ્ઞાનિક તારણ, જો કે સીમાના અભ્યાસનો વિષય હોવા છતાં એ તરફ એણે દુર્લક્ષ સેવવું પસંદ કર્યું. ડિવોર્સ લીધા પછીના સમયમાં એ આ પ્રકારના દુર્લક્ષો કેળવવાની હથોટી પ્રાપ્ત કરી ચૂકી હતી. સુકેતુ હવે સીમાના ફ્લેટ ઉપર પણ આવતો - જતો થઈ ગયો, અલબત્ત સીમાની સંમતિ હોવી જરૂરી હતી. ક્યારેક એવું પણ બનતું કે કી-હૉલમાંથી જોઈને સીમાએ સુકેતુ માટે ફ્લેટનો દરવાજો પણ ખોલ્યો ન હોય અથવા દરવાજેથી જ ક્યારેક એને આવજો કહી દીધું હોય. સીમાએ હવેથી, ખાસ કરીને ડિવોર્સ બાદ પોતાના ઉપર, બીજાઓ દ્વારા થોપાતી ઇચ્છાઓ સ્વીકારી લેવાનું સૌજન્ય દાખવવું બંધ કર્યું હતું.

સુકેતુની વ્યગ્રતા વધતી રહેતી. એને સમજાતું નહીં એ શા માટે સીમાની જિદ્દ ચલાવી લે છે. કેમ હંમેશાં સીમા જ નક્કી કરે એમ થવું જોઈએ. આ પહેલાં તો આવું થયું ન હતું. કોલેજની સ્ટુડન્ટ અમોના હોય કે ગુલશન સામેથી સુકેતુની ફ્રેંડશિપ ઇચ્છતી. કોલેજના ફ્રેંડ્સ સર્કલમાં સુકેતુનો નિર્ણય - કોઈ પણ ડે સેલિબ્રેશનની થીમ, પિકનિક પ્લેસ, મૂવી કે પછી ક્યો ક્લાસ બંક કરવા સબંધી કેમ ન હોય – ફાઇનલ રહેતો. સુકેતુ માટે એટલેજ સીમાની આ ઠંડી મક્કમતા હવે ચેલેન્જ બનતી જતી હતી. એણે સીમાની હાજરીમાં, અમોનાને વધુ મહત્વ આપવાનો પ્રયોગ કરી જોયો. સીમાને ક્યારેક તો સાવ જ નેગલેક્ટ કરવાનું પણ નાટક કરી જોયું. પણ સીમાની નિશ્ચિંતતા જોઈ ઊલટાની એની અકળામણ વધી જતી.

***

સુકેતુ ચર્ચ સામેથી પસાર થતી ભીની સડકને કિનારે, કેબિન પાસે ઊભેલી વ્યક્તિને જોઈ રહ્યો. એના ખભા ઉપર ફેલાયેલ લાંબા વાળ રંગીન સ્કાર્ફ વડે બાંધેલા હતા. વ્યક્તિના સ્નાયુબદ્ધ હાથ ઉપર ઉભરેલા ટેટ્ટુનો લીલો રંગ, તડકો પડવાથી આકર્ષક લાગી રહ્યો હતો. કોઈ પક્ષીના બેસવાથી, રોડ ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક તાર ઉપર ઝૂલતાં વરસાદના બૂંદો તડકામાં ચમકતાં ખરી પડ્યાં.

ચર્ચની બહાર મુકેલ બેંચ પર બાજુમાં બેઠેલા મિત્ર જ્યોર્જે પ્રશ્ન કર્યો – “શું વિચારમાં ખોવાઈ ગયો?”

સુકેતુ એ વ્યક્તિ તરફથી નજર ખસેડયા વગર જ બોલ્યો – “મેટ્રોની લાઈફ વિચિત્ર છે, યાર!”

“હા. ‘આઈસ આંટી’ જેવી વિચિત્ર.” જ્યોર્જ સીમા માટે ‘આઈસ આંટી’ શબ્દ પ્રયોગ કરતો.

સુકેતુએ સીધું જ્યાર્જની આંખોમાં જોઈ પ્રશ્ન કર્યો – “કેમ તને શું વિચિત્ર લાગ્યું?”

“તારામાં જે રીતે એ રસ લઈ રહી છે, એ વિચિત્ર નથી?”

“રસ હોવા છતાં, પ્રગટ ન કરવાની એની ઠંડી નિશ્ચિંતતા મને વધુ વિચિત્ર લાગે છે.”

“તને એની ઠંડક દઝાડી રહી છે, જસ્ટ થિંક, એ ગરમી બતાવશે તો તારું શું થશે?” જ્યોર્જે ગરમી શબ્દ ઉપર સૂચક ભાર મૂકતાં કહ્યું.

“તું પણ..? જ્યાર્જ, મને એના માટે રિસ્પેક્ટ છે, હું એને સમજવાની કોશિશ કરું છું.”

“ખરેખર ! મને તો એવું નથી લાગતું.” જ્યોર્જે ખભા ઝાટકી અસમંતિ દર્શાવી.

“તો તને શું લાગે છે ? હું એનાથી ફ્લર્ટ કરું છું ?” સુકેતુના હોઠ કંપી રહ્યા હતા.

“મને તો લાગે છે, તારે તારી વ્યગ્રતાને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, સુકેતુ !”

***

એક મોડી સાંજે સુકેતુ સીમાના ફ્લેટ પર પહોંચ્યો, સાથે લાવેલ બેગમાંથી જિનની બોટલ કાઢી ટીપોય ઉપર મૂકી. સીમા ચહેરાનો ભાવ બદલ્યા વિના જોઈ રહી. સુકેતુએ નજરો નીચી રાખીને જ કહ્યું બે દિવસ બાદ એ ફ્રાંસ જઇ રહ્યો છે, સેલિબ્રેટ કરવાની આજ છેલ્લી સાંજ છે. સીમા ભૂલી ગયેલી કે સુકેતુ વધુ અભ્યાસ માટે ફ્રાંસ જવાની તૈયારી કરી રહ્યો હતો. પણ આમ આટલું જલ્દી ગોઠવાઈ જશે એવો ખ્યાલ ન હતો. એ વિચાર કરતી કરતી કિચન અંદર ચાલી ગઈ. થોડી વારે એ ડ્રોઈંગ રૂમમાં હાથમાં ટ્રે લઈને પ્રવેશી. ટ્રેની અંદર મુકેલ એક ડિશમાંથી ફ્રાઈ કરેલ એગ્સના ક્રિસ્પી ટુકડાઓ ઉપરથી મરીના પાવડરની, ભૂખ ઉદીપ્ત કરે એવી સુવાસ આવી રહી હતી. બીજી ડિશમાં થોડા કાજુ હતા અને બે કાચના ગ્લાસ. સુકેતુએ ઝડપથી ઊભા થઈ, ફ્રિજમાંથી આઇસ્ક્યુબની ટ્રે લાવી ટીપોય પર મૂકી ગ્લાસ ભરવા શરૂ કર્યા. સીમાએ સોફા ઉપર સુકેતુની બાજુમાં ગોઠવાતા કહ્યું -

“તેં કહ્યું પણ નહીં, ફ્રાંસ જવાનો દિવસ આટલો નજીક આવી ગયો છતાં પણ ?”

“હું તમારું રીએક્સન જોવા માંગતો હતો.”

“અચ્છા...! હું મારા રીએક્સનને કંટ્રોલ કરી શકું છું.”

“તમારી સ્ટડી માટે, રીએક્સનને કંટ્રોલ કરી શકતા ઓબ્જેક્ટ મુશ્કેલી ઊભી કરી શકે.” સુકેતુએ ગ્લાસમાંથી ઘૂંટ લેતા કહ્યું.

સીમાએ પોતાનો ગ્લાસ હાથમાં લીધો, નાક પાસે મૂકી જીનની ફ્લેવર અનુભવી અને એક હળવો ઘૂંટ ભરી ગ્લાસ ટીપોય ઉપર મૂક્યો. ડિશમાંથી કાજુનો ટુકડો મોઢામાં મૂકતા કહ્યું – “એટલેજ મેં, તને ઓબ્જેક્ટ તરીકે પસંદ કર્યો કિડ...!”

સુકેતુનું મોઢું ફ્રાય એગના ટુકડાથી ભરેલું હોવાથી તરત બોલી શકાયું નહીં પણ આંખો ખેંચાઇ ગઈ.

“વ્હોટ...! તમે મને એક ઓબ્જેક્ટ સમજો છો ? એન્ડ પ્લીઝ ડોન્ટ કોલ મી કિડ, હું ફ્રાંસ જઇ રહ્યો છું, અત્યારે તમારી સાથે જીન પી રહ્યો છું. મેચ્યોર સાબિત કરવા હજુ મારે શું કરવાનું રહે છે ?”

સીમાને સ્ટડીમાં આવતી “ક્લાસિકલ કંડિશનિંગ” થિયેરી યાદ આવી ગઈ. અને એનાથી કહેવાઈ ગયું – “એતો ફ્રાંસ પહોંચ્યા પછી ખબર પડશે. સુકેતુ મોન્સિયૂરને જ્યારે ફ્રેંચ કીસ કરતાં નહીં આવડે.”

સુકેતુને શું કહેવું એ તરત સૂઝયું નહીં. સીમાના આવા જવાબ માટે એ તૈયાર ન હતો. એ ઝડપથી ગ્લાસ મોઢે માંડતા બોલી ગયો – ”વિલ યુ ઓબલાઈઝ મી?”

સીમા જરા ચમકી ગઈ, ગ્લાસમાંથી હળવી ચૂસકી લેતા એને વિચાર્યું ‘ઓબ્જેક્ટ’ અત્યારે લક્ષમણ રેખાની બહાર નીકળવા મથી રહ્યો હતો. સીમા સામે મિસ. કટોચના શબ્દો – તમે જે પ્રયોગો કરી રહ્યા છો, એમાં રહેલ જોખમનો ખ્યાલ હશે – અચાનક કૅમેરાની ફ્લેશ જેમ ઝબકી ગયાં. સીમાએ લેબમાં પ્રયોગ કરતાં વિદ્યાર્થી જેમ ‘ઓબ્જેક્ટ’ ઉપર વધુ ફોકસ કરવાના ઇરાદે આગળ ચલાવ્યું.

“કિડ...! રશિયન સાઇકોલોજિસ્ટ પાવલોવે એક રસપ્રદ થિયરી મૂકી છે ‘ક્લાસિકલ કંડિશનિંગ’. પોતાના કૂતરા ઉપર પ્રયોગ કરતાં એણે જોયું કે જ્યારે એને આવતો જુવે છે કે ખોરાકની વાસ અનુભવે છે, ત્યારે કૂતરાના મોઢામાંથી લાળ ટપકે છે. કૂતરાની આ વૃતિ અનકંડિશનલ રિફ્લેક્સ છે, મતલબ કે જન્મજાત છે, શીખવી શકાય નહીં. પણ ફૂડ પ્રત્યેની વૃતિને બીજી બાબતો સાથે જોડવાનું કૂતરાને શીખવી શકાય. જેમકે ખાવાના સમયે ઘંટ વગાડીને, કૂતરાની લાળગ્રંથિ ઉત્તેજિત કરી શકાય. એટલે હું માનું છું... કીસ જન્મજાત આવડત છે, કરતાં શીખી ન શકાય. હા... પણ ભારતીયો માટે ફ્રેંચ કીસની વાત જરા જુદી પડે છે.” કહીને એ ખડખડાટ હસી પડી.

સુકેતુએ ગ્લાસમાં વધેલું પ્રવાહી એક ઘૂંટમાં પી જી બીજો ગ્લાસ ભર્યો. સીમા હજુ હસી રહી હતી, કદાચ જીનની એને અસર થઈ રહી હતી.સીમાને તાકી રહેતાં એણે વિચાર્યું એ એડિટિંગના ટેબલ પર બેઠો છે, દ્રષ્ટિ સામે ફિલ્મની એક ફ્રેમ ચાલી રહી છે. ફ્રેમમાં જોઈ શકાતા ડ્રોઈંગરૂમની હવામાં અસમંજસનું ધૂંધ છવાયેલું છે. સ્ત્રી પાત્રના હસવાથી ઊઠેલું અવાજનું મોજું સેક્સોફોનના ધ્વનિ જેમ કમરામાં પ્રસરી ગયું છે. પાત્રોના સંવાદ વચ્ચેના અંતરાલમાં બેકગ્રાઉંડમાંથી, વરસાદમાં ભીંજાઇ ગયેલા કબૂતરની પાંખોનો ફડફડાટ સંભળાઇ રહ્યો છે. બીજી એક ફ્રેમમાં ત્રણ કેમેરાના અલગ અલગ એંગલથી દ્રશ્યો સૂટ થયેલાં હોવા છતાં પુરુષ પાત્રની સ્થિતિ સ્પષ્ટ થતી ન હતી.

સુકેતુ હાથમાં ગ્લાસ લઈ ઝપાટામાં ઊભો થઇ ગયો. સીમાની થિયરી. પોતાને કિડ સમજતી સીમાની થિયરી ! અને ફ્રેંચ કીસના સંદર્ભોને સમજવા, એણે ફ્લેટની બારીમાંથી દેખાતા કાળા આકાશ તરફ જોયું. રોડ ઉપર વહેતા ટ્રાફિકની રોશનીમાં વરસાદી ઝરમર પડતી જોઈ શકાતી હતી. રાત ઘેરાઈ ચૂકી હતી, પણ ફ્લેટની લાઇટો સીમાએ ચાલુ કરી ન હતી. સુકેતુના તર્કે ઘાયલ સર્પની જેમ વળ ખાઈ ફેણ ચડાવી. તો... સીમા ખરેખર મને ઓબ્જેક્ટ તરીકે જોવે છે ! પેલા રશિયન સાઇકોલોજિસ્ટના કુતરા જેમ, જેની લાળગ્રંથિ ખોરાકની ગંધ નાકમાં જવાથી સક્રિય થાય છે. આવું વિચારતા એ ગ્લાસનું પ્રવાહી ગટગટાવી ગયો. એના લમણાની નસો તંગ થઈ રહી હતી. પગો સ્થિર રહેતા ન હતાં, બેલેન્સ જાળવવા એણે બારીની ગ્રીલ સખ્તાઈથી પકડી રાખી. બહારના ટ્રાફિકની રોશની જેવો તેજ લિસોટો ગળા અંદર અનુભવાયો. એ લથડતા પગે બારી પાસેથી પાછો ફર્યો. ફ્લેટના અંધકારમાં રેશમી નાઈટ ગાઉનમાં બેઠેલી સીમાના દેહની સુરેખ રેખાઓ એની આંખોમાં કોંધી ગઈ. સુકેતુએ સીમાનો હાથ પકડી ઊભી કરી. એ કંઈ સમજે એ પહેલાં બાથમાં ભીડી, ચૂમી લીધી. સીમા ડઘાઈ ગઈ, પહેલી વખત જીન પીવાથી છવાયેલો ખુમાર ગરમ તવા પરના બૂંદ જેમ ઊડી ગયો. હોશમાં આવી હોય એમ તેણે પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“સુકેતુ છોડ, છોડ મને... જંગલી…!”

અપેક્ષાથી વિરુદ્ધ સીમાનો પ્રતિકાર જોઈ, સુકેતુની પકડ સ્વાભાવિક રીતે ઢીલી પડી ગઈ. સીમાએ પોતાના પ્રતિકારની અસર પડેલી જોઈ સમજાવતી હોય એમ કહ્યું “કિડ...! રાત પડી ચૂકી છે તારે હવે ઘરે જવું જોઈએ.”

પણ સુકેતુની નજર સામે માંસલ ફૂડ દેખાઈ રહ્યું હતું. લાળગ્રંથિને સત્તેજ કરે એવી ખુશ્બુ સૂંઘીને એના સુકાયેલા હોઠો ધ્રૂજયા. એણે પકડને ફરીથી મજબૂત કરી. ખોરાક ઉપર શિકારીને ઝપટ મારવા ઉત્તેજતી આદિમ વૃતિને, સીમા કહેતી હતી એમ અનકંડિશનલ રિફ્લેક્સને, એ તાબે થયો. સીમાનો પ્રતિકાર રાની પશુના જડબામાં ફસાયેલ શિકારની જેમ તરફડીને શાંત પડી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract