Dr Vishnu Prajapati

Abstract Inspirational Others

2.2  

Dr Vishnu Prajapati

Abstract Inspirational Others

દીકરીને ગાય દોરે ત્યાં જાય...

દીકરીને ગાય દોરે ત્યાં જાય...

6 mins
22.6K


ગામ છોડીને શહેરમા રહેવુ ઇશ્વર દેસાઇને ગમતું નહોતું.

ગામની ખુલ્લી જગ્યાની મોકળાશની સામે શહેરની ગીચતા અંદરથી કોરી ખાતી હતી. પણ, ગંગાને લાયક મુરતીયો જો શહેરમા રે’તા હોય તો વધુ સારો મળે તેવી સામાજિક ગુંથાઇ ગયેલી ગાંઠમા તે પણ બંધાઇ ગયા હતા. શહેરમાં આવવા છતાં તેમનો ગામડીયો પોષાક કે રહેણીકરણી બદલાઇ નો’તી.

‘તમારી પાઘડીની આંટી કોઇ દિ' ખુલે નહીં... એવી કસીને રોજ બાંધો છો...હોં....!’ અરીસા સામે વાંકા વળીને ઇશ્વર દેસાઇ એક પર એક પાઘડીનો વળ ચઢાવી રહ્યા હતા ત્યાં જ તેમના ઘરવાળાંએ વખાણતા કહ્યું.

સાત ફુટ અને એક ઇંચની ઉંચાઇ અને પોતાની ભેંસોનું દૂધ તો મૂછે ચોંટી જાય તેમ પીવાવાળા ઇશ્વર દેસાઇનું શરીરનું કાઠું દિવાલને અથડાય તો દિવાલ તુટી જાય તેવું હતું.

‘લો બાપુ... પરસાદ...!!’ પાઘડીના વળ ચઢે પછી દીકરી ગંગા સામે રોજ તેની દાબડીમાં પરસાદ લઇને ઊભી જ હોય.

‘લાવ..બેટા...!!’ ઇશ્વર દેસાઇને તે ચપટી પરસાદ અને દીકરીના દર્શન થાય એટલે જાણે જગ જીત્યો હોય તેવી ખુશી થાય.

‘પણ... બાપુ... હવે તો... શહેરમાં રે’વા આઇવા છીએ... આ પાઘડી.. આ જુનો વેશ.. આ લાક્ડી... હવે તો છોડો...!’ ગંગા કોલેજના છેલ્લા વર્ષમાં હતી એટલે તેને આ ગામડા જેવી રહેણી કરણી ગમતી નહોતી.

‘બેટા... આ પંડ’ને તો આ’જ ફાવી ગ્યું..સ.. હવે તો ઇ નો સુધરે...!’ ઇશ્વરદેસાઇ પોતાની મૂછને બરાબર અણી જેવી કરીને જ ઘરના ઓટલે પગ મુકે.

‘રેવા... ક્યાં...?!’ ઇશ્વર દેસાઇની નજર ચકળવિક્ળ થવા લાગી.

‘બાપુ... થોડીવાર એ’ય ક્યાંક ફરે તો ખરીને...!’ ગંગા જાણે એમ કહી રહી હતી કે ઘરમાં બાપુ તેને બાંધીને રાખતા હોય.

જો કે ગંગાને કોલેજમાં ભણતી છોકરીઓ જેવી છુટછાટ નહોતી મળતી તેનો અંદરનો ઉકળાટ પણ ક્યારેક બહાર નીકળી જતો.

‘જો બેટા... ફરે ઇ’નો વાંધો નહીં પણ આ પાઘડીનો વળ ને મૂછોનો કળ તારા લીધે છે…!’ ઇશ્વરદેસાઇના આગળના શબ્દોમાં ગંગાને કોઇ રસ નહોતો.. એટલે તેને મોબાઇલ કાઢીને બાપુ જોડે સેલ્ફી લઇ લીધી.

‘આ છોરી... ને મોબાઇલ આપીને તમે જ બગાડી છે.. આખો દિ' એમાં જ મોઢું ઘાલીને પડી'રે છે...! રસોડાથી તો જાણે એને પરભવનું વેર લાગે છે...!’ માની સવાર સવારમાં ફરીયાદો શરુ થઇ ગઇ.

‘તું... જા... કોલેજ... નહીં તો તારી મા તને કોલેજે’ય નઇ જવા દે...!’ ઇશ્વરદેસાઇએ દીકરી ગંગાનું રોજની જેમ ઉપરાણું લેતા કહ્યું.

અને તરત જ ગંગા ઘરની બહાર દોડી ગઇ.

‘રેવાને ઘરે હાંકજે...!’ ઇશ્વરદેસાઇએ દોડતી ગંગાને બૂમ મારી.

‘આ તમે જ ગંગાને બગાડી છે... થોડી ઘરમાં પણ રે’વા દો.... નહી તો....જો જો એક દી.....!!’ માંના શબ્દો રોજની જેમ આજે’ય રોકાઇ ગયા.

‘અરે.. ગંગા અને રેવાની માં...તું’યે સાવ ભોળી છે... આ બે’ય મારી છોરીયું છે, ઇ’તો મારી પાઘડીનાં વળ છે..! અને ગંગાને હવે કોલેજનો છેલ્લો મહિનો છે.. ભુવાજીના છોરાનું માંગુ છે.. લગભગ પાકુ જ સમજ...! બસ આ વૈશાખે તો લગન પાકા..!’ એટલું કહી ઇશ્વરદેસાઇ ઘરની બહાર નીકળી ગયા.

‘ગંગાની જ મને ચિંતા છે રેવા’ની નઇ...!’ માના શબ્દો ઇશ્વરદેસાઇની ચટ્ટાન જેવી પીઠ પર અથડાઇને પાછા પડ્યાં.

ઇશ્વર દેસાઇ આખો દિ' બહાર રહે.. ને ગંગા આખો દિ' મોબાઇલમાં જ ચેટીંગ કર્યા કરે. માને ખૂબ ચીડ હતી. પણ બાપની લાડકીને વધુ કહી નહોતા શકતા.

અને એક દિ, સવારે ગંગા ઘરમાં ના દેખાઇ...

‘બેટા ગંગા... એ’ય ગંગા... ક્યાં છે... પરસાદ લાવ... મારે મોડું થાય છે...!’ ઇશ્વર દેસાઇ આખુ ઘર ફરી વળ્યા. પણ ગંગાના કોઇ સગડ નહોતા.

ગંગાનો રુમ ખાલી હતો. તેની તીજોરી ખુલ્લી હતી. તેમાં ગંગાના કપડા ગાયબ હતા.

ઇશ્વર દેસાઇને લાગ્યું કે કંઇક અજુગતું બન્યું છે તે હાંફળા ફાંફળા આમતેમ ઘરમા આંટા મારવા લાગ્યાં.

આજે તેમની પાઘડીનો છેડો માથે લગાડ્યો પણ નો’તો. પહેલીવાર ઇશ્વર દેસાઇ ખુલ્લા માથે આંટા મારી રહ્યા હતા.

બહાર રેવા’ય નોતી.

‘ઇ તો પાઘડી પેરી લો.. ક્યાંક આજુ બાજુ ગઇ હશે... આવતી જ હશે...!’ આજે માંના શબ્દો દિકરીના બાપને આશ્વાસન આપી રહ્યા હતા.

‘જેની દીકરી ઘરમાં કીધા વિના ઘરની બહાર હોય તેના બાપને પાઘડી નો ચડે… ગંગાની મા..!’ પહેલીવાર ઇશ્વર દેસાઇનો પહાડી અવાજ સાવ નરમ હતો.

અડધો કલાક.. એક કલાક... બપોર.. ને પછી સાંજ... ગંગાના કોઇ સગડ નહી..!

અને સાંજે રેવા ઘરના ઉંમરે આવી’ને ઊભી રહી..!

રેવાને જોતા જ ઇશ્વર દેસાઇ અને ગંગાની મા તેની પાસે આવી ગયા.

‘તુ’યે ક્યાં મરી ગઇ તી...!’ ઇશ્વરદેસાઇએ તો ગંગા પર ગુસ્સાનો ઉભરો તેની પર ઠાલવી રહ્યા હતા.

રેવા તો સાવ મુરઝાયેલી અને થાકેલી હોય તેમ ઇશ્વર દેસાઇ સામે જોઇ રહી.

ત્યાં જ સામે પડોશમાં રહેતો રાજુ ઘરના દરવાજે આવ્યો ને ગંગાના સમાચાર આપ્યાં. ‘અંકલ.. ગંગાને મેં આજે સવારે તેની સાથે કોલેજના ભણતા એક છોકરાના બાઇકમાં બેસેલી જતા જોઇ તી... પણ મને એમ કે તે.. કોઇ કામે જતી હશે....એટલે મેં તેને ના રોકી... અને તેની પાછળ પાછળ આ રેવાએ ય દોડતી...તી....!!’

‘હાય.... હાય... મેં કીધું તું... ગંગાને સાચવો... એક’દી આપણું મોં કાળું કરશે’ને ખાનદાન લજવશે...! પણ તમે નો માન્યાં... !’ ગંગાની માંએ રોકકળ શરુ કરી.

ઇશ્વર દેસાઇ જાણે કંઇક પારખી ગયા હોય તેમ ઝડપથી ઘરમાં ગયા અને ગંગા જે દાબડીમાં રોજ પરસાદ આપતી તે તપાસી જોઇ.

બાપનો શક સાચો પડ્યો... તે દાબડીમાં આજે પરસાદ નો’તો પણ તેમાં એક ચીઠ્ઠી હતી. ખૂબ ભારે હ્રદયે ઇશ્વર દેસાઇએ તેની ગડીઓ ખોલી.

‘બાપુ...! મેં દસ દિવસ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા છે. મને શોધતા નહી. મારી ચિંતા કરતા નહીં... ગંગા.’

એક વાક્યની આ ચીઠ્ઠીમાં તો ઇશ્વર દેસાઇનું બધું જોમ નીકળી ગયું. ચાર પંથનો પાણીદાર માણસ સાવ પાણીમાં બેસી ગયો હોય તેમ ભોંય પર ફસડાઇ પડ્યો.

‘મારી દીકરી... તને વળાવી હોય તો તે આંસુ તારા બાપની તાકાત હોત... પણ આમ તું ઘરની આબરુ સાથે લઇને ચાલી જાય તે આંસુ તો બાપને રોજે રોજ મારી નાખે... તેં આ શું કર્યુ....!’ પડછંદ શરીરને મક્ક્મ મનનો ઇશ્વર દેસાઇ જેવો બાપ આજે સાવ બાળક્ની કેમ પોક મૂકીને રડી પડ્યો.

રેવાને તેની મા હજુ ઘરના દરવાજે જ ખોડાઇ ગયા હતા. થોડીવાર પછી ઇશ્વરદેસાઇએ કંઇક નક્કી કરી લીધું હોય તેમ દરવાજે આવ્યાં.

‘અત્યારે જ... હાલો.. આપણે ગામ... નથી રે’વું આ શહેરમાં... ગંગા મરી જ ગઇ સમજો આપણે માટે...!’ ઇશ્વર દેસાઇ હવે બે ઘડી પણ આ ઘરમાં રહેવા તૈયાર નહોતા.

ઇશ્વર દેસાઇએ તેમની પાઘડીની સામું જોયું પણ નહીં અને પોતાની લાક્ડી લઇને દરવાજે આવ્યા. પણ આ શું ? દરવાજાની વચ્ચે જ રેવા ઉભી રહી ગઇ હતી.

ઇશ્વર દેસાઇ તેને ધક્કો મારીને બાજુમાં નીકળવા ગયા પણ રેવા કેમ મજબૂત બનીને અડીખમ રહી. તે ઇશ્વર દેસાઇને બહાર ન જવા દેવા જાણે મક્ક્મ હોય તેમ દરવાજો રોકી રહી હતી.

‘રેવા... મને જવા દે... અને તારે આવવું હોય તો હાલ્ય મારી સાથે નહીં તો... તું’ય ચાલી જા ગંગાની જેમ...!’ ઇશ્વર દેસાઇ રેવાને હુકમ આપી રહ્યા હતા. પણ રેવા હજુ’ય ટસની મસ ન થઇ.

ઇશ્વર દેસાઇનો ગુસ્સો અચાનક ઉભરાઇ ગયો, અને તેના હાથમાં રહેલી લાક્ડી રેવાને ત્રણ ચાર વાર ઝીંકી દીધી. રેવાના શરીરે લાકડીના સોળ ઉપસી આવ્યાં પણ તે હજુ અડીખમ ઊભી રહી હતી. તે બાપુને ઘરની બહાર એક ડગલુ માંડવા દેવા તૈયાર નોતી.

‘આ શું કરો છો... રેવાના બાપુ... આમ ગંગાનો ગુસ્સો આ બિચારી ગાવડી પર શું કામ કાઢો છો... ઇની આંખોમાં જુઓ... ઇ તો તમને કે’ છે કે બાપુ પાઘડી પે’રો પછી જ ઘરની બહાર જવા દઇશ..!’ માએ આવીને રેવાની પીઠ પર પડેલા લાકડીના સોળ પર પોતાનો હાથ ફેરવવા લાગી.

અને તરત રેવા જોરથી ભાંભરવા લાગી. જાણે કે તે માની વાતમાં હા ભણતી હોય...!

ઇશ્વર દેસાઇએ પાઘડી પહેરી અને મૂછોનો વળ ચઢાવ્યો તો તરત જ રેવા દરવાજેથી ખસી ગઇ. ઇશ્વર દેસાઇનો ડુમો ભરાઇ ગયો ને ગળગળા અવાજે બોલ્યાં... ‘મારી સગી દીકરીએ તો પાઘડી ઉતરાવી દીધી... પણ તે મારી પાઘડીની સાચી કિંમત કરી છે... જે મારી પાસે અઢાર વર્ષ રહી તે બાપના પ્રેમને ના સમજી શકી, પણ આ ચાર વર્ષની ગાય સમજી કે બાપની આબરૂ શું છે...? રેવા તું ગાવડી નહી પણ મારી એક્ની એક દીકરી છે...! આજ સુધી તો સંભળ્યું’તું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય... પણ હવે તો બાપની આબરુ જ દીકરી દોરે ત્યાં જાય એમ સૌએ ગાવું જોઇએ... હવે મારી દીકરીના બધા હક્ક રેવાને આપુ છું...!’ અને ઇશ્વર દેસાઇ રેવાને ગળે વગળીને રડી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract