ઉતર્યો અમલદાર કોડીનો
ઉતર્યો અમલદાર કોડીનો
શહેરના ધમધમતા જીઆઇડીસી ચોકની આજુબાજુના તમામ ટ્રક એસોશિયેશન, રીક્ષા એસોશિયેશન અને વેપારીવર્ગ બધા ભેગા મળી આજે નક્કી કરી રહ્યાં હતા કે રામાવત સાહેબની ફેરવેલ પાર્ટી ગોઠવવી.
પણ પ્રશ્ન એ હતો કે રામાવત સાહેબને કહેવા જાય કોણ ? તે વાત પર મિટીંગ અટકી હતી. રામાવત સાહેબને કહેવું એટલે બિલાડીના ગળે નહી પણ સિંહના ગળે ઘંટ બાંધવા બરાબર હતું.
રામાવત સાહેબની વય નિવૃતિ આ જુન મહિનાની છેલ્લી તારીખની. નોકરીના છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં ટ્રાફિક ઇન્સપેક્ટરનો કાર્યભાર સંભાળ્યો હતો. પ્રામાણિક, ચુસ્ત, વરદીનો જોશ અને સાહેબનો વટ, આ બધાનો સરવાળો એટલે રામાવત સાહેબ. ઠેર ઠેર લાંચ આપતા, પોતાનું કરેલું ખોટું ચલાવી લેવાની આદતો અને ‘સાહેબ સમજી જાવ’ને’ આ છેલ્લા વાક્યથી પોતાની ભૂલો દાબી બીજાને ભ્રષ્ટાચારી બનાવી દેતા લોકોને રામાવતસાહેબ બિલકુલ ગમતા નહોતા.
અરે, આ વિસ્તારની કેટલીયે કિટલીઓ પર તો ‘કડક ચા’ની જગ્યાએ ‘રામાવત ચા’ કહીને ડ્રાઇવરો ઓર્ડર કરતા. રામાવત સાહેબના હાથમાં તેમનો પ્રિય દંડો કાયમ સાથેજ હોય.
ખરેખર તો આ ફેરવેલ પાર્ટી તો તેમની જવાની ખુશીમાં જ ગોઠવેલ હતી તે સૌ સારી રીતે જાણતા હતા. રામાવત સાહેબના સ્થાને ગુંદરી સાહેબનું પોસ્ટીંગ થવાનું હતું એટલે બધા ભેગા મળીને રામવત સાહેબના ફેરવેલની સાથે ગુંદરી સાહેબનું વેલકમ પણ ગોઠવી ગુંદરી સાહેબ મારફત સંદેશો પહોંચાડી તેમને રાજી કરી લેવાનું વિચાર્યુ.
અને તેમની યુક્તિ કામિયાબ નીવડી. જુલાઇ મહિનાની પહેલી તારીખે સાંજે સભાનું આયોજન કરવામાં આવ્યું એટલે બન્ને કાર્યક્રમ ભેગા સચવાઇ જાય.
રામાવત સાહેબે ત્રીસ જુને વિધિવત રીતે દરેક કાગળો પર સહી કરી ચાર્જ આપી દીધો. પહેલી જુલાઇએ સવારે રામાવત સાહેબ અને તેમની પત્ની નિત્યક્રમ મુજબ પોતાના જુના સ્કુટર પર દેવદર્શને નીકળ્યાં અને પોતાની આદત મુજબ તેમનો પ્રિય દંડો આગળ ટેકવી દીધો.
‘હવે તમે નોકરીમાં નથી. આ દંડો મુકી દો.’ તેમની પત્નીએ જ તેમને સવાર સવારમાં ટકોર કરી જો કે તે રામાવત સાહેબને ન ગમ્યું.
સાહેબના દંડ અને દંડાની ઇમેજને કારણે દબાણ કરતા વેપારીજનો, રીક્ષા કે ઓવરલોડીંગ વાહનો કે અસામાજિક તત્વો તેમનાથી બાર ગાઉ છેટા રહેતા.
પણ આજે સ્કુટર પર અને સાધારણ વેશમાં નીકળેલા રામાવત સાહેબને જોઇ લોકો ફરી પોતાના ઓરીજનલ મુડમાં આવી ગયા હતા. ચાર રસ્તા પર રેડલાઇટ થતા તેમને પોતાના સ્કુટરને બ્રેક લગાવી અને ત્યાં જ પાછળ રીક્ષાવાળાએ ઉતાવળમાં તેમને પાછળથી ઠોકી દીધું.
પોતાની આદત મુજબ રામાવત સાહેબ તો દંડો લઇને ઉતરી પડ્યા. પેલો રીક્ષાવાળો સહેજ ડર્યો ખરો પણ તે તરત બોલ્યો, ‘સાહેબ હવે તમે નોકરીમાં નથી. આ દંડો મુકી દો. નહીતર....!’
સાહેબની મુઠ્ઠી સખત બનીને દંડાને ચોંટી ગઇ અને પહેલીવાર રામાવત સાહેબ અટકી ગયા. તેમની પત્નીએ પણ તેમને પીઠ પાછળ હાથ મુકી સ્કુટર પર પાછા વાળ્યાં. રસ્તામાં જોયું તો રોડની સાઇડમાં ટ્રકોનું પાર્કીંગ થઇ ગયું હતું. એક દિવસમાં તો આ ચાર રસ્તા પર નોકરી કરતા ટ્રાફીકમેન પણ ગાયબ થઇ ગયા હતા.
ત્યાં સામે ગેરકાયદેસર પાર્કિંગ કરેલ દરેક ટ્રક પાસેથી કોઇ માણસ પૈસા ઉઘરાવી રહ્યો હતો. ‘ગુંદરી સાહેબનો માણસ છું.’ આ વાક્ય રામાવત સાહેબને કાને અથડાતા ફરી તેમનો હાથ ફરી દંડા સુધી પહોંચી ગયો. પણ હવે તે સમજી ચુક્યા હતા કે પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. પેલા દરેક ટ્રકવાળાં સલામ ભરી ભરીને ખુશીથી પૈસા આપી પણ દેતા હતા અને આ વિસ્તારની નવી રીત અમલમાં આવી ચુકી હતી.
ત્યાં જ પૂરપાટ દોડતા એક નાની ઉંમરના લબરમૂછીયા બાઇક સવારે દૂધના કેન વાળા સાયકલવાળાને અડફેટે લીધો અને પેલો બિચારો સાયકલવાળો રોડ પર બરાબર પટકાયો. તેનું દૂધ રસ્તા પર ઢોળાઇ ગયું. તે પોતે છોલાયો હોવા છતાં તે પોતાની પરવા કરતા પહેલા દૂધના કેનને ઉભું કરવા લાગ્યો કારણ કે તે તેની એક દિવસની રોજી હતી.
કદાચ થોડું દૂધ બચ્યું હશે. તેને પેલા બાઇકવાળા પાસે નુકસાનીના પૈસા માંગ્યા પણ પેલો ઉલ્ટાનું તેને લડવા લાગ્યો કે સાયકલ બરાબર ચલાવતા ન આવડતું હોય તો આમ રસ્તા વચ્ચે ન નીકળીશ અને મારા બાઇકની નુકસાનીનો ખર્ચો તું આપ !'' જેવી દલીલો કરવા લાગ્યો. સામસામે આક્ષેપો અને ગરમા ગરમી. બીજા લોકો માટે તો આ સવાર સવારનો તમાશો હતો.
રામાવત સાહેબ નજીક પહોંચ્યા ત્યાં પેલો બાઇકસવાર ભાગી ગયો તેમને તે નંબર પ્લેટ જોઇ તો તે આ વિસ્તારના ટ્રક એશોસિયેશનનાં પ્રમુખનો છોકરો હતો. તેમના બધા વાહનોની નંબર પ્લેટ પર એક સરખો નંબર રહેતો એટલે રામાવત સાહેબને તે ઓળખતા વાર ન લાગી.
રામાવત સાહેબે તો તરત જ તેમને કોલ કર્યો. તેમના દિકરાની ફરીયાદ કરી પણ સામેથી અવાજ આવ્યો, ‘સાહેબ હવે તમે ક્યાં નોકરી પર છો કે સાવ રસ્તે ચાલતા દૂધવાળાની ચિંતા કરો છો ?’ અને તેમને ફોન કટ કરી દીધો. રામાવત સાહેબ જે જગ્યાના સિંહ કહેવાતા તે જગ્યા પર આજે સવારથી જ સાવ સાધારણ વ્યક્તિ બનીને ઉભા રહી ગયા.
સવારના ત્રણ કલાકમાં રામાવત સાહેબને ખ્યાલ આવી ગયો હતો કે ઉતર્યો અમલદાર કોડીનો !
સાંજે ફંક્શનમાં જવાની કોઇ ઇચ્છા ન થઇ પણ નવા ગુંદરી સાહેબના માન ખાતર તેમને જવું પડ્યું. જો કે પાર્ટીમાં તેમને પોતાનો દંડો સાથે લીધેલો.
પોતાના દંડા સાથે જોઇને બધા ખૂણામાં એક મેકની સામે જોઇને મશ્કરી કરવા લાગ્યા કે સાહેબને ભલે નોકરી ગઇ પણ દંડો નહી છૂટે. રામાવત સાહેબે તેમની વાત પર કોઇ ધ્યાન ન આપ્યું. પેલો દૂધવાળો પણ પાટાપિંડી સાથે આ સભામાં હાજર હતો. ફંક્શન શરુ થયું. ગુંદરી સાહેબને મોટી મોટી ભેંટ સોગાદોથી નવાજ્યાં અને ગુંદરી સાહેબે હસતા મુખે તે બધાનો સ્વિકાર કર્યો.
રામાવત સાહેબને ગિફ્ટ આપવા માટે ટ્રક એસોસિયેશનના પ્રમુખ આવ્યાં. રામાવત સાહેબે સૌનું મન રાખવા ગિફ્ટ લીધી તો બધાને હાશકારો થયો. પછી તો ગુંદરી સાહેબે પોતાની સ્પિચમાં સૌનો આભાર માન્યો અને હવે પછીની વ્યવસ્થા રામાવત સાહેબની જેમ જ સારી રીતે કરશે તેવા વચનો આપ્યાં. રામાવત સાહેબનો સ્પિચનો વારો આવ્યો. તે પોતાની સાથે પોતાનો દંડો લઇ ઉભા થયા. ત્યાં જ સભાની આગળથી કોઇનો અવાજ આવ્યો, ‘સાહેબ, હવે તો નોકરી પર નથી. આ દંડો છોડો...!’ અને બધાનો એકસાથે હસવાનો અવાજ.
રામાવત સાહેબે પોડિયમ પર દંડો મુક્યો અને ખોંખારો ખાઇને પોતાની સ્પિચ શરુ કરી, ‘ગુંદરી સાહેબ અને સૌ મારી જવાની ખુશીમાં આનંદિત છો તેવા મારા નગરજનો !’
આ શબ્દોથી સામે નિરવ શાંતિ પથરાઇ ગઇ.
‘મને ખબર છે કે હવે આ દંડામાં કોઇ જોર રહ્યું નથી. પણ શું કરું આદત પડી ગઇ છે.. જેમ તમને ટ્રાફીકના કે કોઇ વ્યવસ્થાના નિયમોને તોડવાની આદતો પડી છે તેમ મને વ્યવસ્થા જાળવવાની આદત પડી છે. અને તે આદત છૂટતા કદાચ વાર લાગે...!’
રામાવત સાહેબે ટ્રક એસોસિયેશનના પ્રમુખ સામે જોઇ થોડીવાર રોકાઇને કહ્યું, ‘તમારો દિકરો આજે લાયસન્સ વગર કોઇને પરેશાન કરે અને તમે તેની તરફદારી કરો છો. તો આવતીકાલે કોઇ વગર લાઇસન્સનો વ્યક્તિ ટ્રક લઇને આવશે અને તમારા દિકરાને અડફેટે લઇ લેશે ત્યારે તમારો મિજાજ આવો જ રહેશે ? મને ખબર છે વ્યવસ્થા પાળવી કોઇને નથી ગમતી પણ તમે આ સમાજના ભાગ છો એટલે તમારે વ્યવસ્થા જાળવવી જ પડશે ! શબ્દોથી કામ નહોતું થતું એટલે દંડ કે આ દંડાનો સહારો લેવો પડેલો. પણ હવે આ સત્તા વગરના કમજોર દંડાની કોઇ જ જરુર નથી.’ એમ કહી રામાવતસાહેબે જાહેર સભામાં પોતાના પ્રિય દંડાને તોડી નાખ્યો.
અને છેલ્લે તેઓ ગદગદ અવાજે બોલ્યા, મારાથી કોઇને તેની ભૂલ કરતા વધુ સજા અપાઇ ગઇ હોય તો માફ કરશો. અને હવે ગુંદરીસાહેબને તમે સહયોગ કરશો તે અપેક્ષાએ ધન્યવાદ.’
અને રામાવત સાહેબ તે દંડાના ટુકડાને સભા વચ્ચે જ મુકી પોતાની મળેલી ગિફ્ટ પેલા દૂધવાળાને આપી સભામંડપની બહાર નીકળી ગયા. સામે કિટલી પર ચા પીવાની ઇચ્છા જાગી. તેમને ઓર્ડર કર્યો. ‘એક ચા’
‘રામાવત કે ગુંદરી ?’ પેલા કિટલીવાળાએ નવી ચાની વેરાઇટી કહી સંભળાવી.
‘ગુંદરી જ આપ રામાવત ચા બહુ કડક પડે છે !’ રામાવત સાહેબે છાપામાં મોં ઘાલીને ઓર્ડર કરી દીધો.
