Nayanaben Shah

Inspirational

4.7  

Nayanaben Shah

Inspirational

અન્નકૂટ

અન્નકૂટ

9 mins
364


.પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે નિધિ તાે હાજ પાડશે. નિધિનો સ્વભાવ જ એવો કે બધા સાથે સહેજમાં હળીભળી જાય. એટલે જ તો એને નિધિને ફોન કરેલો. પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે નિધિ અેનેા પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લેશે અને નિધિ સાથે દિવસો ક્યાં પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે . એના પતિને આખા વર્ષમાં માંડ દિવાળી વખતે જ ચાર રજાઓ મળે . એટલે જ બહારગામ જવાનું વિચારેલું. એમાંય નિધિનો સાથ મળે તો નવું વર્ષ હસતા રમતા પસાર થઈ જાય. 

પરંતુ ધાર્યા કરતાં વિપરીત જવાબ મળ્યો. નિધિ તો તરત બોલી ઊઠી,"દિવાળીમાં ક્યારેય ફરવા ના જવાય,""નિધિ તું અને તે બહારગામ ફરવા આવાની ના કહે તે માન્યામાં નથી આવતું," "પ્રકૃતિ, જો હવે દિવાળીનું અઠવાડિયુ જ રહ્યું છે અને મારે ઘણા કામ છે," "એટલે તું પાપડ મઠીયા નાસ્તો કરવા બેસીશ. હવે તો બધું બજારમાં તૈયાર મળે છે. હું તો ક્યારેય આવી ઝંઝટમાં પડતી નથી."પ્રકૃતિ એક શ્વાસે બોલી ઊઠી. નિધિ પર મનમાં ગુસ્સો પણ ચઢયાે. 

વર્ષો જૂની બેનપણીના અવાજમાં રહેલો ગુસ્સો પારખતા નિધિને વાર ના લાગી. તેથી જ એ બોલી,"પ્રકૃતિ, આપણે દિવાળી પછી જઈએ," "દિવાળી પછી રજાઓ પણ હોવી જોઈએ ને ? હવે પહેલાંની જેમ બધા એકબીજાને ત્યાં જતા પણ નથી. સંધ્યાકાળે દીવો કરવાને બદલે લાઈટના તોરણ લગાડી દે છે. દિવાળીની રજાઓમાં પિક્ચરમાં ટિકિટ પણ ના મળે. હોટલો પણ બધી ભરેલી. લાઈનમાં ઊભા રહીએ તો કલાકે નંબર આવે. ઘરમાં કંટાળી જવાય છે," પ્રકૃતિ તારે બહારગામ જ જવું છે ને તો અમે ગામડે જઈએ છીએ. અમારું ગામ નદી કિનારે છે. દર વર્ષે બધા ભેગા મળીએ છીએ. આખું કુટુંબ એક જગ્યાએ રહીએ છે. તું પણ અમારી સાથે ગામ ચલ."નિધિએ આગ્રહ કરતાં કહ્યું ."પણ તમારા કુટુંબમાં મને કોણ ઓળખે ? અને તું મારા પતિનો સ્વભાવ જાણે જ છે કે કોઈ સાથે જલ્દી હળીભળી શકતા નથી ." અમારા કુટુંબમાં તું મને ઓળખે . મારા પતિને ઓળખે. વધુ શું જોઇએ? બસ હવે મારે કંઈ સાંભળવું જ નથી. તું મારી સાથે દિવાળી કરવા મારે ગામ આવે છે. હું જતાં જતાં તમને બંનેને લઈ જઈશ ."ઘણી આનાકાની બાદ પ્રકૃતિને એનો પતિ ગામડે દિવાળી કરવા તૈયાર થયા. અને સાથે સાથે કહેતા પણ ખરા,"દિવાળીની રજાઓમાં ઘરમાં બેસીને કંટાળી જઈએ છીએ તાે આ વર્ષે તમારા ગામ આવીશું."નિધિ હસતાં હસતાં બોલી,"પ્રકૃતિ, તને ખબર છે કે અમે આખું વર્ષ આ દિવસાેની રાહ જોતા હોઈએ છીએ . દિવાળીનો તહેવાર માણવો હોય તો અમારે ગામ જ આવવું પડે. તહેવાર શું છે એ સમજાશે." "પણ,નિધિ, તમારા કુટુંબમાં કેટલા જણા ભેગા થશે ? સુવાની તકલીફ તો નહીં પડે ને ? બાકી બધાને એવું તો નહિ લાગે ને કે આપણા કુટુંબના આ લોકો ની શું જરૂર છે ?"પ્રકૃતિએ પોતાની મૂંઝવણ રજૂ કરી. 

"અમારા કુટુંબમાં અમે લગભગ પાંત્રીસ જણાં છીએ . બે ચાર જણા કોઈ કારણસર કદાચ ના આવી શકે એવું બને તો પણ ઓછામાં ઓછા ત્રીસ જણા તાે હોય જ . અમારું આખું સાસરી પક્ષ. ત્રણ કાકાઓ, એમના દીકરા વહુઓ, એમની દીકરી જમાઇઓ, એમના દીકરા દીકરીઓ. ખૂબ મજા આવશે . રહી વાત રહેવા સુવાની, તો તને કહી દઉં કે દાદાની એટલે કે મારા વડસસરાની ગામમાં મોટી હવેલી છે . પાંત્રીસ જણા રહીશું તો પણ જગ્યા વધશે. પ્રકૃતિનું એ વાતે સમાધાન થયું હતું . પણ હજી પણ એના મનમાં ખચકાટ હતો . મનમાં થતું હતું કે પાંત્રીસ જણા ની રસોઈ કોણ કરશે ? તહેવારમાં ઘરની વહુઓએ રસોડામાં જ પુરાઈ રહેવાનું હોય તો ઘર શું ખોટું ?પરંતુ નિધિના માેઢે વખાણ સાંભળેલા છતાંય એને લાગતું કે નિધિની વાત જુદી છે. એને તો દરબાર ભરવાની ટેવ છે એટલે જ એ બધાને ભેગા કરતી હશે . પરંતુ ઘરમાં ચાર રજાઓમાં કંટાળી જવાની બીકે એ તૈયાર થઈ હતી. જ્યારે નિધિ પ્રકૃતિને એની કારમાં લેવા ગઈ ત્યારે રસ્તામાં પ્રકૃતિએ ઘણા સવાલો પૂછ્યા હતા. જેમ કે આટલા બધાની રસોઈ કોણ કરશે ? રસોઈયાે સારી રસોઈ બનાવશે ? પરંતુ નિધિ હસ્યા કરતી હતી અને કહેતી હતી કે બધા સવાલો એક સાથે જ પૂછી લઈશ તો ત્યાં મજા નહિ આવે. તું જ ત્યાં જઈને જોજે .

પ્રકૃતિ ગામડે પહોંચી ત્યાં વિશાળ હવેલી પાસે કાર ઊભી રહી. કારનો અવાજ સાંભળતા જ છોકરાઓ બોલવા માંડયા. કાકા કાકી આવી ગયા. નિધિને બધા પ્રેમથી બાઝી પડ્યા . પ્રકૃતિને પણ ઘરમાં બધાએ નામથી જ બોલાવી. પ્રકૃતિ, તું આવી ગઈ ? અમારે ત્યાં તમને ખૂબ ગમશે. પ્રકૃતિ અને એના પતિને લાગ્યું કે જાણે આખું ઘર એમને ઓળખે છે. નિધિએ બધાને અગાઉથી જ કહી દીધું હશે એ વાત પ્રકૃતિ સહેજમાં સમજી ગઈ. પરંતુ ઘરના દરેક સભ્ય પ્રકૃતિ અને એના પતિને વારાફરતી મળી ગયા. વાતાવરણ ઉલ્લાસમય હતું. હસવાના, વાતોના અવાજોથી હવેલી ગાજી ઊઠી હતી. પ્રકૃતિને નવાઇ લાગતી હતી કે આટલા બધા માણસો પાંચ દિવસ સુધી જોડે રહે? અને પાછા બધા સમય કાઢીને આવે? જામનગર, સુરત, અમદાવાદ, વડોદરા બધા જુદા જુદા શહેરોમાં રહેતા સગાઓ ગામડે આવે? શહેરની ઝગમગાટની જિંદગી છોડીને ! અહીં કઈ રીતે ગમતું હશે ? જવાનું સ્થળ તો માત્ર નદી કિનારો જ ને? ત્યાં જ નિધિએ બૂમ પાડી,"પલ્લવી ચા થઈ ગઈ કે નહીં? તારા હાથની ચા પીવા કેટલા દિવસથી રાહ જોતી હતી."પ્રકૃતિને મનમાં હાશ થઇ કે રાંધનારી તો છે જ . પણ રસોડામાં સામેથી જવાબ આવ્યો,"ભાભી, લાેટ બાંધી દીધો છે. ચા પીને ઘુઘરા ભરવા આવી જાઓ.""હા, હું ઘુઘરાનાે સાટાે તો તૈયાર કરીને જ લાવી છું."પ્રકૃતિએ જિંદગીમાં ક્યારેય ઘુઘરા ભર્યાં ન હતાં. તેથી તેને સંકોચ થતો હતો છતાંય બોલી,"હું મદદ કરવા આવું?"ના .... કારણ કે રેશમી કપડામાં માત્ર કુટુંબની વ્યક્તિઓ જ રસોઈ કરે અને નિધિની એટલી બધી ઝડપ છે કે ઘુઘરા તો એ જ ભરે બાકી કોઈ ના કરે. અને સાટાે પણ એ જાતે તૈયાર કરીને લાવે છે."" 

હા, પણ ગોપીએ જલેબીનું ખીરું તૈયાર કર્યુ કે નહીં?"નિધિએ સામેથી પૂછ્યું,"હા, એ વાડામાં જલેબીનું ખીરું તૈયાર કરવા બેઠી છે અને મોહનથાળ હલાવવા રાજુભાઈ તમે રસોડામાં આવી જાઓ . બધા દોડાદોડી કરતા હતા ત્યાં જ નિધિના પતિએ કહ્યું,"હું ગિફટ પેપરાે ઘરેથી લઈ આવ્યો છું . બધી છાબડીઓ મને આપી દો, હું શણગારી દઉં અને કેતન તું પડિયા પતરાળા લઈ આવ્યો ?"ચારે બાજુ જાણે કામ કરવા બધા તત્પર હોય એમ કેતન બાેલ્યાે," મોટાભાઈ, એ બધું તો કાલનું તૈયાર કરી દીધું. હું તો કાલનો આવી ગયો છું."ત્યારબાદ તો પ્રકૃતિએ જોયું કે દરેક જણ કામ કર્યા કરતું હતું સાથે સાથે હસી-મજાક તો ચાલુ જ હોય. ત્યાં જ પ્રકૃતિની ડીશ તૈયાર થઈને બહાર આવી. તેમાં મઠિયા, ચોળાફળી, સેવ, ચેવડાે બધું જ હતું અને ખૂબ જ સ્વાદિષ્ટ હતું તેથી જ એણે પૂછયું,"આ કઈ બ્રાન્ડના છે ?"બધા એક સાથે હસી પડ્યા, બોલ્યા આ અમારી શાહ બ્રાન્ડના મઠીયા છે." નયન અને ભાેપીન બે દિવસ પહેલા આવી ગયેલા . એમને જ લાેટ ઝુડેલો અને ફળિયાના બધા મઠિયા, ચોળાફળી વળાવવા આવી ગયેલા . પ્રકૃતિને એક પછી એક આંચકો લાગતો હતો. ઘરમાં પુરુષો તાે હુકમ કરતા હોય એના બદલે લાેટ ઝુડાવવા લાગે એ જ આશ્ચર્યની વાત છે અને ફળિયાની બધી સ્ત્રીઓ પાપડ મઠીયા વણાવવા આવે એ જ બહુ કહેવાય. અમારા ફ્લેટમાં તો દરેકના બારણાં બંધ હોય અને ઘેર તો કોઈ આવી ઝંઝટ પણ શું કામ કરે ?બધું બજારમાં તૈયાર મળે જ છે ? અને પ્રકૃતિના મનમાં જાતજાતના વિચારો આવતા હતા. થોડીવારમાં નિધિ રેશમી વસ્ત્રોમાં સજ્જ થઇ આવી ગઈ હતી. નિધિનુ આ સ્વરૂપ નવું હતું . કયાં કોલેજની ઈકોનોમિક્સની લેક્ચરર અને કપડાં સંકોરીને એક બાજુથી અડી ના જવાય એનું ધ્યાન રાખતી નિધિ ! નિધિનાે પતિ એન્જીનિયર હોવા છતાંય છાબડીઓની બહારની બાજુએ રંગબેરંગી ગીફ્ટ પેપરથી શણગારી રહ્યો હતો. કોલેજમાં ભણતી છોકરીઓ જાનકી,તુલસી બધા માટીના વાસણો પર પીંછીથી કલર કામ કરી રહ્યા હતા . વચ્ચે વચ્ચે બધાને બતાવતા હતા કે અહીં કયો કલર સારો લાગશે? પીળો કે લીલો ? બધા પોતપોતાના કામમાં મશગૂલ હતા. બધા ભેગા મળીને કામ કરે તો કામનો બોજો રહે જ નહીં. ઘરની દરેકે દરેક વ્યક્તિ હાેંશે હાેંશે કામ કરતી હતી. જાણે કે દરેક જણને બીજા કરતાં વધુ કામ કરવાની ઈચ્છા હતી. આંગણામાં રંગોળી પૂરાતી હતી. પ્રકૃતિને એના જુના દિવસો યાદ આવ્યા જ્યારે એ રંગોળી પુરતી હતી. જો કે હવે તો તૈયાર સ્ટીકરો જ લગાડી દેતી હતી. પણ ઘરની છોકરીઓ સાથે પ્રકૃતિ પણ રંગોળી પુરવા બેસી ગઈ . પ્રકૃતિને લાગતું હતું કે રંગોળી માં રંગ પુરાતા જાય છે એમ એના જીવનમાં પણ ઉલ્લાસનો રંગ પુરાતો જાય છે. વર્ષો પછી એ રંગ પૂરતી હતી . નાનપણ નો શોખ જાગી ઉઠ્યો . બધી છોકરીઓ સાથે પ્રકૃતિ હળીમળી ગઈ હતી . આમેય પ્રકૃતિને રસોઈ બનાવવા માં ખાસ રસ હતો જ નહીં. એમાંય આવી જાતજાતની વાનગીઓ બનાવવાની એ તાે વિચારી શકે એમ જ ન હતું. હા, પરંતુ નાનપણમાં આવાે શોખ હતો જ . અત્યાર સુધી પ્રકૃતિની માન્યતા એવી હતી કે એનો પતિ ખાસ કોઈ સાથે હળી મળી શકતો નથી. પરંતુ પ્રકૃતિએ જોયું કે તેનો પતિ પણ નિધિના પતિ ની સાથે છાબડીઓ શણગારવા બેસી ગયો હતો. એટલું જ નહીં બધા સાથે હસી હસીને વાતો પણ કરી રહ્યો હતો. તેથી પ્રકૃતિ એ પૂછ્યું,"છાબડીઓ બધા કેમ શણગારે છે? અને માટીના વાસણો પર કલર કામ કેમ કરો છો?"" અરે તમને એ પણ ખબર નથી કે તમે અહીં શા માટે આવ્યા છો ? અમારે ત્યાં નવા વર્ષના દિવસે અમારા ભગવાનનો અન્નકુટ કરવામાં આવે છે . એમાં અનેક જાતની વાનગીઓ બનાવી ભગવાનને ધરાવવાની હોય છે. એ પણ માટી અને છાબડીઓનો જ ઉપયોગ કરવામા આવે. સ્ટીલ કે પિત્તળનાે નહીં, હા, ચાંદીના વાસણો ચાલે . પણ વાસણો ના વપરાય અને સાદી ટાેપલીઓ મૂકી દઈએ એના કરતાં રંગબેરંગી કાગળોથી સજાવેલી ટોપલીઓ સરસ લાગે અને અંદર પતરાળા મૂકી એમાં ભગવાનની સામગ્રી મૂકવામાં આવે. અમારા કુટુંબમાં દરેક જણે સ્વેચ્છાએ કામ વહેંચી દીધું છે. કોઈ મોહનથાળ સારો બનાવે, તો કોઈ જલેબી તો, કોઈ ઘૂઘરા . પરિણામ સ્વરૂપ દરેકને ઉત્તમ વાનગી પ્રાપ્ત થાય. જામનગર વાળા કાકી સૂકી કચોરી સરસ બનાવે છે. સુરતવાળા કાકી ભજીયાં સરસ બનાવે છે. તેથી ભગવાનને ઉત્તમ વાનગીઓ પીરસી શકાય. 

"પ્રકૃતિને આ બધું જાેવા જાણવાની મજા પડી ગઈ હતી . સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. પરંતુ જ્યારે રસોડામાંથી રીમાની બુમ સંભળાઇ કે,"ચલો બધા વારાફરતી જમવા આવી જાવ, રસોઈ તૈયાર છે ."ત્યારે પ્રકૃતિ ને નવાઈ લાગી કે આટલા બધા માણસો હોવા છતાં આટલી જલદી રસોઈ કઈ રીતે બને ? પોતાની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચતા એ રસોડામાં ગઈ ત્યાં બે ત્રણ લાેઢી પર બ્રેડ સેકાઈ રહી હતી. તેથી જ એ બોલી ઉઠી,"અહીં ગામડામાં બ્રેડ મળે એ સારુ કહેવાય."રીમા હસતાં હસતાં બોલી,"બ્રેડ લાવવાની જવાબદારી નિધિની છે . તમે આવ્યા ત્યારે બ્રેડ લઈને જ આવેલા. આ દિવસે પાવભાજી બનાવવાનું નક્કી જ હોય છે. આવતીકાલે સેવ ઉસળ બનશે. એક દિવસ ઘઉંનો ખીચડો બનશે. ત્યારબાદ અન્નકુટના દિવસે તો અનેક જાતની વાનગીઓતો ખરીજ ."હવે પ્રકૃતિને લાગતું હતું કે વિવિધ વાનગીઓ આરોગી ઈશ્વર રાજી થતા હશે પરંતુ અહીં વિવિધ પ્રકારની વ્યક્તિઓ ભેગી થઇ જે આનંદ લૂંટે છે એ અદ્ભુત છે. 

ત્યારબાદ તેને એ પણ જાણવા મળ્યું કે લોટ ઝુડનાર નયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ભાેપિન ડોક્ટર છે. નયન એની ફર્મ બંધ કરીને બે દિવસ વહેલો આવેલો અને ભાેપિને એનું ક્લિનિક બંધ રાખેલું . જ્યાં જુઓ ત્યાં પ્રેમ જ દેખાય છે. પ્રકૃતિએ પૂછી લીધું કે,"તમે અન્નકુટ કેટલા વર્ષોથી કરો છો ? અન્નકુટ ઘેર કરાય એ જ મને તાે નવાઈ લાગે છે. અમે અન્નકુટના દર્શન કરવા જઈએ છીએ, ભેટ મુકીયે અને પ્રસાદ લઈ ઘેર આવીએ."પ્રકૃતિ, અમે બાપદાદાના વખતથી અન્નકુટ કરીએ છીએ. દાદાની ઈચ્છા હતી કે અન્નકુટ ક્યારેય બંધ ના કરવાે. ઘરના દરેક સભ્યએ બને તો હાજર રહેવું. અને બેસતા વર્ષે જ કરવો જેથી નવું વર્ષ ઘરના બધા સભ્યો સાથે મળીને કરે. બાકી દાદા ભવિષ્ય જોઈ શક્તા હતા કે બધા ભણેલા ગણેલા અને વેપાર ધંધામાં રચ્યાપચ્યા રહેનાર ક્યારેય એકબીજાને મળી શકશે નહીં અને એમના દીકરા દીકરીઓ એકબીજાને ઓળખશે પણ નહીં. દાદાની ભાવના ઉચ્ચ હતી એ બધા સમજી ગયા હતા. આજે દાદા હયાત નથી પણ તેમની ઇચ્છા મુજબ બધું થઇ રહ્યું છે . 

અન્નકુટને કારણે જ બધા ઉત્સાહમાં હોય છે. કારણ કે પ્રસંગ કોઈ એકનાે નહીં પરંતુ ભગવાનનો છે "અન્નકુટને દિવસે અન્નકુટની આસપાસ દીવા કરાયા, રંગોળી પૂરાઈ, પાણીમાં દીવડા તરતા મુકાયા, આરતીની થાળી સુંદર રીતે શણગારવામાં આવી. આગલી રાત્રે બધા મોડે સુધી બેસી ગપ્પા મારતા રહ્યાં. હવે પ્રકૃતિને ગામ છોડવાનું મન થતું ન હતું. આટલા વર્ષોમાં પહેલી વાર આટલી સરસ રીતે દિવાળી થઈ હતી . બાકી ત્રણ નણંદો, બે જેઠ, બે દિયર, એની પોતાની પાંચ બહેનો છતાંય, ક્યાં કોઈ કોઈને મળે છે ? અન્નકુટ એટલે વિવિધ મીઠાઈ કે વિવિધ ફરસાણો જ માત્ર નહીં, પરંતુ કુટુંબના સભ્યોએ ભેગા થઈ પીરસેલાે સ્નેહ હતો. નિધિએ આ દિવસો દરમિયાન ઘણીવાર પ્રકૃતિને કહ્યું હતું કે,"તું નદી કિનારે જા, નાવડીમાં બેસી સામે પાર જા, ત્યાં મંદિર છે. દર્શન કરી આવ."પરંતુ એ કહેતી,"નિધિ નદીકિનારો તો વારંવાર જોવા મળે છે પરંતુ આવાે કુટુંબ મેળો ક્યાંય જોવા નહીં મળે . અહીં તાે ભગવાનને વાનગીઓ આરોગવા આવવાની ઈચ્છા જરૂર થાય એવું વાતાવરણ છે ." 

દિવાળીના બીજા દિવસે ધામધુમથી અન્નકુટ પુરાયો હતો. બીજા દિવસે છુટા પડતી વખતે પ્રકૃતિ રડી રહી હતી . એનાે પતિ પણ ઉદાસ હતો. છુટા પડતી વખતે પ્રકૃતિ નિધિના કાકીસાસુને પગે લાગતા બોલી,"કાકી, આવતા વર્ષે અમે જરુરથી આવીશું પણ મહેમાન બનીને નહીં. તમારા રસોડામાં ભલે ના આવીએ પણ બીજું બધું કામ કરીશું તો પણ અમને લાગશે કે અમે પણ આ ઘરના સભ્યો છીએ."કહેતાં પ્રકૃતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આટલા બધા પ્રેમથી એ ભીંજાઈ ગઈ હતી. અન્નકુટનાે અર્થ એને સમજાઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational