મિન્ટી મોમેન્ટસ
મિન્ટી મોમેન્ટસ
મિન્ટી મોમેન્ટસ
નયના શાહ.
આજે પ્રથમવાર એવું બન્યુ કે ગગને ધરા પર હાથ ઉગામ્યો.ધરાની આંખોમાં આંસુ આવી ગયા.હા,એનો વાંક જ ક્યાં હતો?લગ્નના દસ વર્ષ દરમ્યાન એણે ફરિયાદનો મોકો જ ક્યાં આપ્યો હતો?ગગન તો ઘણીવાર કહેતો,"ધરા,તને મળી ને હું મારી જાતને દુનિયાનો સૌથી વધુ ભાગ્યશાળી વ્યક્તિ માનુ છું.તું મારા મનની દરેક વાત મારા કહેતાં પહેલાં સમજી જાય છે."
તે દિવસે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. એ બારી પાસે બેઠી હતી.વરસાદની બુંદો એના મુખ પર પડી રહી હતી.ધરાને તો થતુ હતુું કે એ વરસાદમાં ભીંજાવા જાય.પરંતુ ગગનને એ ગમતુ ન હતું.તેથી તો આવી સુંદર,રમણીય મોસમમાં એ પોતાની સર્વ ઈચ્છાઓ મનમાં દબાઇને બેસી રહી હતી.
એ તો આવા વાતાવરણમાં ઘડિયાળમાં જોવાનું જ ભુલી ગઈ હતી.કારણ એણે બારીમાંથી જોયુ કે એક યુવાન અને એક યુવતી એક દુકાનના છાપરાં નીચે ઉભા રહી મકાઇની મજા માણી રહ્યા છે ત્યારે એના માનસપટ પર એ મિન્ટી મોમેન્ટ છવાઈ ગઈ.
એ અને ક્ષિતીજ પણ આ રીતે વરસાદની મોસમ માં કોઈ છાપરા નીચે ઉભા રહીને પ્રેમાલાપ કરતાં હતા કદાચ એ યુવક અને એ યુવતી પણ પ્રેમાલાપ કરતાં હશે.
ધરાને વિચાર આવ્યો કે પોતે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.થઈ પણ એને'Lip movement' શીખવાનું રહી ગયું.જો કે બંને જણાંના હાવભાવ પરથી એકવાત તો નક્કી હતી કે બંનેે જણા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હશે.
ક્ષિતિજે ઇશ્કનો ઈઝહાર કર્યો હતો.એ જાણતી હતી કે વેલેન્ટાઇન ડે મોટેભાગે નારીને એટેન્શન અપાવે છે અને નરને ટેન્શન.
તે દિવસે બંને જણે સેલ્ફી લીધી હતી અને ક્ષિતિજે કહેલુ આ તસ્વીર જ્યારે તું પાસેે નહીં હોય તો તારી યાદના પ્રકાશમાં તેલ પુરશે.
ત્યારબાદ તો ક્ષિતિજ ક્યાંય સુધી ધરા સામે જોઈ પ્રેમાલાપ કરવા માંડ્યો."પતંગિયાઓના કાનમાં વાતો કરી,ચાંદનીના ઉજાસને ચુંબન કરી મોગરાની કળીઓને છાતીમાં ખીલવી તારી તસવીર જોયા કરીશ."
તે દિવસે પણ વેલેન્ટાઈન ડે હતો.વેલન્ટાઇન ડે હોવાના કારણે ધરા એ મિન્ટી મોમેન્ટ યાદ કરતી હતી.બસ,આ કારણેે જ એ તે દિવસે ગગનના આવવાના સમયે રસોઈ તૈયાર કરી શકી ન હતી તથા તે દિવસે ગગનને આવવામાં પણ મોડુ થઈ ગયુ હતું અને ગુસ્સામાં પત્ની પર હાથ ઉપાડ્યો હતો.ઘરનાના વિરોધને કારણે એ ક્ષિતિજ સાથે લગ્ન કરી શકી ન હતી. ચૂપચાપ ગગનની પત્ની બની ક્ષિતિજની યાદ દિલના એક ખૂણામાં દફનાવી દીધી હતી.એક સોનેરી પળ ક્યારેક દિલના ખૂણામાંથી ડોકિયુ કરી જતુ.
ગગનની થપ્પડ પણ એના માટે મિન્ટી મોમેન્ટ તો હતી!

