બાષ્પીભવન
બાષ્પીભવન
તથ્યના ઘરનાનો વિરોધ અસ્થાને તો ન હતો. તથ્યને શું થઈ ગયું હતું એ કોઈને સમજાતું જ ન હતું. તથ્ય કરોડપતિ પિતાનો એકનો એક પુત્ર. એવું કહી શકાય કે કરોડોની મિલકતનો એક માત્ર વારસ. જો તથ્ય ફિલ્મોમાં કામ કરે તો ભલભલા હીરો ને ઘેર બેસવાનો વારો આવે. તથ્ય એટલે કામદેવનો અવતાર. જ્યારે ભગવાનને ફુરસદ મળી હશે ત્યારે જ તથ્યને ઘડવા બેઠા હશે. કદાચ એવું કહી શકાય કે તથ્ય એટલે ભગવાનની શ્રેષ્ઠ કૃતિ. તથ્યને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડ્યો નથી. કદાચ દુઃખ શબ્દ એની જીવન કિતાબમાંથી સદંતર ભૂસાઈ ગયો હતો.
પરંતુ જ્યારે ઘરનાને ખબર પડી કે તથ્ય સંગીનીના પ્રેમમાં છે ત્યારે દરેક જણને આશ્વર્ય થતું. સંગીની દેખાવમાં સામાન્ય. પૈસેટકે તો એવું કહી શકાય કે બે છેડા માંડ ભેગા થાય. ભણવામાં સામાન્ય,સામી વ્યક્તિને આકર્ષી શકે એવો કોઈ પણ ગુણ સંગીનીમાં ન હતો. પરંતુ તથ્યને તો સંગીની જ પસંદ હતી.
એકના એક છોકરાને તો માબાપ શું કહે ? છતાં પણ તથ્યને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ તથ્યની જક પાસે માબાપનું કંઈ ચાલ્યું નહીં. આખરે તથ્યના માતા પિતા સંગીનીના માતા પિતાને મળવા ગયા અને કહ્યું," અમારે તો દહેજ જોઈએ. જો અમે દહેજ ના લઈએ તો નાતજાતમાં અમારું ખરાબ દેખાય. પરંતુ તથ્યને સંગીની પસંદ છે તો અમને કંઈ વાંધો નથી. પરંતુ અમે આ લિસ્ટ લઈને આવ્યા છીએ. એ પ્રમાણે તમારે વ્યવહાર તો કરવો જ પડશે પછી અમે કંઈ જ નહીં માંગીએ."
તથ્યના માતા પિતા જાણતા હતા કે આટલું લાંબુ લીસ્ટ જોઈને સંગીનીના ઘરના ના જ પાડશે. એમની ધારણા અમુક અંશે સાચી પણ હતી કારણ સંગીનીથી બે નાની બહેનો હતી. સંગીની મા-બાપની પાછલી ઉંમરનું સંતાન હતી. સંગીનીના પિતાને નિવૃત્ત થવામાં હવે માત્ર બે વર્ષ જ હતા.
એક દિવસે સંગીની તથ્યને મળવા આવી ત્યારે ખૂબ રડી હતી. એને તો કહી દીધું હતું કે," તું મને ભૂલી જજે. અમે આટલું દહેજ આપી શકીશું નહીં. હજી મને બેન્કની નોકરી મળે માંડ વર્ષ થયું છે. એટલી બચત પણ નથી. મેં તો તને અગાઉ પણ કહેલું કે લગ્ન બાદ મારો પગાર હું મારા પિયર આપીશ. હવે તો . . . "કહેતાં એનાથી ધ્રૂસકું મૂકાઈ ગયું.
તથ્ય હસતા હસતા બોલ્યો ,"બસ આટલી જ વાત છે. એ લિસ્ટ મને આપી દે. મારી પાસે કેટલા પૈસા છે એ મારા પપ્પાને પણ ખબર નથી. લિસ્ટ પ્રમાણે હું બધું ખરીદીને તારે ત્યાં આપી જઈશ. તું ચિંતા ના કર અને તારા મમ્મી પપ્પાને પણ કહી દે કે એ ચિંતા ના કરે. લગ્ન ધામધૂમથી જ થશે પરંતુ બધો ખર્ચ હું કરીશ. "
સંગીની તથ્ય સામે જોઈ રહી. આ જમાનામાં પણ આવા છોકરાઓ હોય છે. . . ખરેખર તથ્યને મેળવીને હું ધન્ય થઈ ગઈ છું. સાચો પ્રેમ કદાચ આને જ કહેવાતો હશે.
જ્યારે સંગીનીના માતાપિતાએ દહેજ બાબત સંમતિ આપી ત્યારે તથ્યના માબાપને સખત આઘાત લાગ્યો હતો. એમને તો એવું જ હતું કે સંગીનીના માબાપ લગ્નની ના જ પાડશે અને એમની પસંદગીની છોકરી ઘરમાં આવશે.
લગ્ન તો ધામધુમથી થઈ ગયા. પરંતુ તથ્યના પિતાને સખત આઘાત લાગેલો. તથ્યના મમ્મીએ તો કહ્યું," બેટા, આપણે ત્યાં પૈસાની કયાં ખેાટ છે ? તું સંગીનીને કહી દે કે એ નોકરી છોડી દે. મારાથી કામને નથી પહોંચી વળાતું. "
"સંગીની નોકરી છોડી દે તો એના ભણતરનો શો ઉપયોગ ? એ નોકરી તો નહીં જ છોડે. તારાથી કામને પહોંચી ના વળાતું હોય તો હજી પણ બીજા બે નોકર વધારે રાખી લે. "તથ્ય પત્નીનો પક્ષ લેતાં બોલ્યો.
તથ્યને તો સરકારી નોકરી હતી. રજાઓની પણ ચિંતા ન હતી. કામનું ભરણ પણ ઓછું હતું. તથ્ય વહેલો ઘેર આવતો અને સંગીની મોડી ઘેર આવતી. સંગીનીના આવ્યા બાદ તથ્યના પિતાને જીવવાની ઈચ્છા જ મરી પરવારી હતી. ટૂંક સમયમાં એના પિતાનું અવસાન થઈ ગયું. એના મમ્મી પણ ત્યારબાદ બે-ત્રણ મહિના પછી મૃત્યુ પામ્યા.
હવે ઘરમાં તથ્ય અને સંગીની રહ્યા હતા. એવામાં એમની પુત્રી તોષાનો જન્મ થયો. હવે મોટો પ્રશ્ન તોષાને રાખવાનો હતો. એને તો ઘોડિયાઘરમાં મૂકવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. પરંતુ જ્યારે એને બાલમંદિર મૂકવાની હતી ત્યારે જ તથ્યની બીજા શહેરમાં બદલી થઈ. જોકે એ શહેર ના કહેવાય, નગર જ હતું. ત્યાં સારી સ્કૂલો તો હતી જ નહીં. તેથી સંગીનીએ કહ્યું, " હું તો અહીંયા જ રહીશ. તમે શનિરવિ આવતા રહેજો. "
સમય તો ધીરેધીરે પસાર થતો રહેતો હતો. પરંતુ સંગીની કહેતી, " માંડ શનિરવિ રજા આવે છે તો હું પિયર જ રહીશ. હું થાકી જાઉં છું. તોષા એની બંને માસી અને બા જોડે રમ્યા કરશે. મારે આરામની જરુર છે. તમે શનિરવિ મમ્મીને ત્યાં જ આવી જજો. "
તથ્યને વારંવાર સાસરીમાં રહેવું ગમતું ન હતું. પરંતુ તોષાને રમાડવા મળશે એ લાલચે એ સાસરીમાં જતો. જેમ જેમ તોષા મોટી થતી ગઈ એમ એમ બંને માસીઓ વારાફરતી એને ફરવા લઈ જતી. તથ્ય આવે ત્યાર તોષા ઘરમાં ના હેાય. . . રાત્રે એ આવે ત્યારે થાકેલી જ હોય એટલે સૂઈ જાય.
પાંચેક વર્ષ બાદ તથ્યની દૂરના શહેરમાં બદલી થઈ અને સંગીનીએ પણ એ જ શહેરમાં બદલી કરાવી દીધી. તોષાને ત્યાં ગમતું ન હતું. વેકેશનમાં એકલી પડી જતી હતી. તેથી સ્વભાવે પણ ચિડીયણ થઈ ગઈ હતી. આખરે નક્કી કર્યું કે તોષાને હોસ્ટેલમાં જ મૂકી દેવી જેથી એને એના જેટલી ઉંમરની બહેનપણીઓ મળી જાય.
વખત તો ખૂબ જલદીથી પસાર થતો જતો હતો. તથ્યને તો સરકારી નોકરી હોવાથી લાંચરૂપ ઘણી રકમ પ્રાપ્ત થતી હતી. મોટા મોટા વેપારીઓ સાથે ઘરોબો કેળવાતો જતો હતો. પરિણામ સ્વરૂપ બધી જાતની કુટેવોનો એના જીવનમાં પ્રવેશ થતો રહેતો હતો. ઘરે મોડા આવવું એ તો જાણે કે સ્વાભાવિક પ્રક્રિયા બની ગઈ હતી. તો સામે પક્ષે સંગીની પણ પાર્ટીઓમાં ઓતપ્રોત રહેવા લાગી. વેકેશનમાં પણ તોષાને ઘેર આવવું ગમતું ન હતું. તેથી એ વેકેશનમાં વિવિધ ક્લાસ ભરતી, પિકનિક કે પ્રવાસ ઉપર ઉપડી જતી.
કહેવાય છે કે," જે નજરથી દૂર એ દિલથી દૂર. "એમાં એવું જ થયું કે ત્રણેય જણાંને એકબીજા પ્રત્યેના સ્નેહમાં ઓટ આવવા લાગી હતી.
તથ્ય હવે પહેલા જેવો પ્રેમાળ રહ્યો ન હતો. એ તો અધરાત કે મધરાતે ઘેર આવતો. ઘરની એક ચાવી તથ્ય પાસે રહેતી. ક્યારે આવીને સુઈ જાય એ સંગીનીને ખબર જ ના હોય. જો કે એ થોડા થોડા દિવસે તોષાને મળવા જઈ આવતો. તે પણ એકલો. તે ક્યારે પણ સંગીનીને કહેતો નહીં કે, " તારે આવવું છે ? "
એક સમય એવો આવ્યો કે બંને પતિ પત્ની પોત પોતાનામાં મસ્ત રહેવા લાગ્યા. એક છત નીચે રહેવા છતાં ખૂબ જ અલ્પ શબ્દોની આપ-લે થતી હતી. ક્યારેક તો દિવસો સુધી બંને વચ્ચે વાત થતી જ ન હતી. બધું પહેલાની જેમ જ ચાલતું હતું. તેમાં માત્ર પ્રેમ રહ્યો ન હતો. લગ્ન પહેલાં અને લગ્નના થોડા સમય બાદ લાંબા દિવસો પણ ટૂંકા લાગતા હતા, હવે કલાક પણ યુગો જેવો લાગતો હતો.
સંગીને આશા હતી કે એક દિવસ તથ્ય પહેલા જેવો બની જશે. પરંતુ જે વ્યક્તિ એકવાર લપસણી ધરતી પર સરી પડ્યો હોય એ પાછો આવશે એ આશા ઠગારી જ નીકળતી હોય છે.
તોષા હોસ્ટેલમાં ખુશ હતી. એને જેટલા પૈસા જોઈએ તેનાથી પણ વધુ પૈસા તથ્ય તરફથી મળી રહેતા હતા. કારણ તથ્ય પાસે લાંચ રૂપે ઘણા પૈસા આવતા હતા. પરંતુ કહેવાય છે કે મહેનત વગરનો પૈસો અનેક દુષણો લાવે છે. તોષાને કોઈ રોકનાર કે ટોકનાર હતું જ નહીં. તે ડ્રગ્સના રવાડે ચડી ગઈ હતી. એના માટે તથ્ય એ પિતા નહીં પરંતુ એટીએમ મશીન હતું. તથ્ય ક્યારે ય તેાષા પાસે હિસાબ માગતો ન હતો. એવામાં જ તોષા મમ્મી પપ્પાને મળવા આવી અને બોલી," જુઓ મને બે દિવસ પહેલા જ 18 વર્ષ પુરા થયા છે. હવે હું સ્વતંત્ર છું. મેં જીવનસાથી પસંદ કરી લીધો છે. આવતા વર્ષે અમે લગ્ન કરીશું. આ વાત કહેવા જ હું અહીં આવી છું."
પતિ પત્ની બંને જણાએ કહ્યું, " તું અમારું એકમાત્ર સંતાન છું. અમે તો તારા ધામધૂમથી લગ્ન કરીશું. " તોષાએ ખાસ ઉત્સાહ બતાવ્યા વગર કહ્યું, " જેવી તમારી ઈચ્છા. " અને પાછી હોસ્ટેલમાં જતી રહી. સંગીની પણ પતિ ઘેર જમતો નહીં હોવાથી બહાર જ જમી લેતી. ક્યારેક કોઈ પાર્ટીમાં તો ક્યારેક કોઈ બહેનપણીને ત્યાં. ઘેર રજાને દિવસે પણ ઓનલાઇન ઝોમેટો કે સ્વીગી મારફતે જમવાનું મંગાવી લેતી. પરિણામ સ્વરૂપ એની તબિયત બગડતી જતી હતી. શરૂઆતમાં તો એને એ તરફ ધ્યાન ના આપ્યું, પરંતુ દિવસે દિવસે એની તબિયત વધુ બગડતા ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોક્ટરે કહ્યું, " તમે ઘણું મોડું કર્યું છે. હવે એક જ ઈલાજ છે કે તમારે અઠવાડિયે એકવાર ડાયાલિસિસ કરાવવું પડશે. "
સંગીનીને પૈસાનો તો સવાલ જ ન હતો. બેંકમાંથી પૈસા મળવાના જતા. પરંતુ એને લાગતું હતું કે જિંદગીમાં હું એકલી પડી ગઈ છું. એને તથ્યને વાત કરી તો તથ્યએ કહી દીધું, " મારી પાસે સમય નથી. તું તારી રીતે ગોઠવણ કરી લેજે. "
સંગીનીને કહેવાનું મન થયું કે" તને પાર્ટીઓમાં જવાનો કે દારૂ પીવાનો સમય છે પરંતુ બીમાર પત્ની જોડે દવાખાને આવવાનો સમય નથી ?"
છતાંય એને શાંતિથી કહ્યું, " તથ્ય, કાલે બપોરે ચાર વાગે મારે ડાયાલિસિસ માટે જવાનું છે. તો તું વહેલો ઘરે આવી જજે."
" મેં તને પહેલા પણ કહ્યું છે કે મારી પાસે સમય નથી. સંગીની એકલી જ ગઈ. આવીને તરત સુઈ ગઈ. તથ્ય રાતના આવ્યો ત્યારે એને એકવાર પણ પૂછ્યું નહીં કે તને કેમ છે ? સંગીનીને સખત આઘાત લાગી ગયો હતો. કારણ એ પણ જાણતી હતી કે હવે તથ્ય પહેલા જેવો નથી રહ્યો.
તોષાને એને ખબર મોકલેલા કે મારી તબિયત નથી સારી તો તોષાએ એટલું જ કહ્યું, " તારાથી ના થાય તો તું કોઈ કેર ટેકર રાખી લેજે. આપણે ત્યાં પૈસાનો તો સવાલ જ નથી. " તો એને કહેવાનું મન થયું કે પૈસો મારી પાસે આવી મારા માથે હાથ નથી ફેરવવાનો અને કેરટેકર તો પગારદાર કહેવાય. એને લાગણી ક્યાંથી હોય ? હવે તો એની બંને નાની બહેનોના લગ્ન થઈ ગયા હતા. માતા પિતા પણ હયાત ન હતા. બંને બહેનો પાસે પણ એના માટે સમય ન હતો. એની બીમારી વિશે સાંભળી બંને બહેનોએ લખેલું, "તારી તબિયત સાચવજે."
તથ્યને દુનિયામાં થોડો ઘણો પ્રેમ માત્ર એની પુત્રી તોષા માટે રહેલો. તોષાને લગ્ન બાદ વળાવી ત્યારે તથ્ય રડતો હતો. ત્યારે સંગીનીને થયું કે આ ખારા આંસુનું બાષ્પીભવન થાય અને વાદળ બની મીઠો સ્નેહ તથ્ય મારા પર વરસાવતો રહે તો કેવું સારું ! પાણીનું હંમેશા બાષ્પીભવન થતું જ હોય છે. સાગરના ખારા પાણીનું બાષ્પી ભવન થાય પછી વાદળમાંથી મીઠું જળ વરસે છે. હવે તો અમારી જિંદગીમાં હંમેશ માટે મીઠાશ જ રહેશે. તોષા તો પરણીને સાસરે અમેરિકા જતી રહેશે. તથ્યતો એકનો એક છે. એનું તો આ દુનિયામાં મારા સિવાય કોઈ જ નથી.
સંગીનીની ધારણા સાચી હતી. પરંતુ તથ્યના આંસુનું બાષ્પીભવન થયું પણ મીઠા જળને બદલે બરફના કરા વરસ્યા. એ એટલા ઠંડા હતા કે એમાં એની લાગણીઓ થીજી ગઈ હતી.
