STORYMIRROR

Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

પ્રાણવાયુ

પ્રાણવાયુ

7 mins
2

મને લાગ્યું કે મને જિંદગીનો સૌથી મોટો લહાવો મળી ગયો છે. વાત સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. આંસુ સામે જોતા જ મારા પતિ બોલ્યા," તને ના ગમ્યું ?" 

હું હસી પડી અને બોલી," આંસુ માત્ર દુઃખમાં જ આવે એવું નથી હોતું. મારી આંખોમાં તો હર્ષના આંસુ છે. ભગવાને મને એકસાથે  કેટલી બધી ખુશી આપી ! આટલી બધી ખુશીના તો મેં માત્ર સ્વપ્ન જ જોયેલા. ક્યારે ય વિચાર્યું ન હતું. હું તો આજથી જ બધાને ભારતમાં ખબર આપું છું કે," હું ભારત આવી રહી છું અને હવે કાયમ માટે ભારતમાં જ રહેવાની છું."

બધાને એ વાતની ખૂબ જ નવાઈ લાગતી કે અમેરિકામાં ૩૦ વર્ષ રહ્યા બાદ અમેરિકા છોડવાની વાતથી બધા નિરાશામાં ધકેલાઈ જતા હોય છે. હું તો હવે દિવસો જ ગણતી હતી કે ભારત જવા માટે કેટલા દિવસ બાકી રહ્યા ? હવે દિવસો મને યુગો જેવા લાગતા હતા. એમાંય પાછું અમેરિકાની કંપનીએ એમની એક શાખા અમદાવાદમાં ખોલી હતી. અમદાવાદ એટલે મારી જન્મભૂમિ, મારું બાળપણ, સ્કૂલ જીવન, કોલેજના હસી મજાકના દિવસો બધું મને પાછું મળી જશે એવું લાગતું હતું. અમેરિકાની કંપનીએ જ એમને અમદાવાદ શાખામાં બદલી કરી મોકલ્યા હતા. અમારે રહેવાનો પણ સવાલ ન હતો. પતિનો વિશાળ બંગલો જાણે અમારા આગમનની જ રાહ જોઈ રહ્યો હતો. મારું પિયરનું ઘર પણ અમદાવાદ જ હતું. જો કે હવે ત્યાં કોઈ ન હતું. પરંતુ કેટલી બધી યાદો જોડાયેલી હતી !

કેટલાય વર્ષોથી હું વામા ભાભીને મળી ન હતી. આમ તો વામા ભાભી અમારા પડોશી હતા. હું કોલેજમાં હતી ત્યારે લગ્ન સામેના ઘેર જ રહેતા વૃષાંકભાઈ સાથે વામાભાભીના લગ્ન થયા હતા. એમના આગમનથી તો જાણે મને એક પ્યારી સખી મળી ગઈ હોય એવું લાગતું હતું. જો કે તેઓનું ઘર તો એકદમ મધ્યવર્ગનું હતું. પૈસે ટકે સુખી ન હતા. છતાં પણ દુઃખી પણ ન કહેવાય. હા, સંતોષી જરૂર હતા. પરંતુ ભાઈ ભાભીના સ્વભાવે બધાના મન જીતી લીધા હતા. ઘણીવાર એવું પણ બને છે કે વર્ષોથી દૂર રહેતા ભાઈ બહેનો માટે જેટલી લાગણી ના હોય એટલી પડોશીઓ માટે થઈ જતી હોય છે. ક્યારેક વર્ષોના વર્ષો જોડે રહેવા છતાંય આત્મીયતા બંધાતી નથી તો ક્યારેક બહુ ટૂંકા ગાળામાં આત્મીયતા બંધાઈ જતી હોય છે. મારા લગ્ન વખતે ભાભીના ખોળે એક બાબો અને બેબી રમતા હતા. બંને બાળકો પરાણે વહાલા લાગે એવા હતા.

ત્રીસ વર્ષ દરમ્યાન ક્યારેક ક્યારેક હું વામા ભાભીને યાદ કરી લેતી. હું જાણતી હતી કે મધ્યમ વર્ગના ભાઈ ભાભીને ત્યાં ફોન નહીં જ હોય. શરૂઆતમાં હું પત્ર વ્યવહાર કરતી હતી પછી ધીરે ધીરે ઓછો થવા માંડ્યો અને છેલ્લે લગભગ બંધ થઈ ગયો.

જો કે પત્ર વ્યવહાર બંધ થઈ ગયેલો પણ યાદ તો એમની મારા મનમાં સતત કંડારાયેલી જ રહી હતી. મેં તો માનેલું કે હવે શહેર વિસ્તાર છોડીને બધા સોસાયટીઓમાં રહેવા જતા રહે છે. તો ભાભી પણ ત્યાં રહેવા ગયા હશે તો આસપાસના પડોશીઓને પૂછીને પણ હું ભાભીનું સરનામું મેળવી લઈશ.

દિવસો તો એની જ ગતિએ પસાર થતા હતા. આખરે અમારે ભારત જવાનો દિવસ પણ આવી ગયો. ભારતમાં પગ મુકતા જ હું એક અવર્ણનીય આનંદ અનુભવવા લાગી. કોલેજના સ્મરણો, બાલ્યાવસ્થાના સ્મરણોથી મારું મન આનંદિત થઈ ગયું હતું.

સામાન ગોઠવાયા બાદ હું શહેરના ભાઈ ભાભીના મકાને જવા માટે નીકળી. સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરતી હતી કે મને ભાઈ ભાભી મળે અને મારે એમને શોધવા ના પડે. ખરેખર ઈશ્વરે પ્રાર્થના સાંભળી હોય એમ ભાઈ ભાભીએ ઘર બદલ્યું ન હતું. હું તો જઈને સીધી વામા ભાભીને વળગી પડી. થોડી ક્ષણો તો વામા ભાભી મારી સામે જોઈ રહ્યા. એકાએક બોલી ઊઠ્યા, " ઓહ નણંદ...બા... તમે..?" હા,  ભાભી આપણી વચ્ચે પત્ર વ્યવહાર ભલે બંધ થઈ ગયો હતો પરંતુ મારા હૃદયમાં તો તમારું સ્થાન અકબંધ હતું. હવે તો હું અમેરિકાથી કાયમ માટે આ શહેરમાં આવી ગઈ છું. આપણે અવારનવાર મળતા રહીશું. મારે તો પિયરમાં કોઈ જ નથી, તમે જ તો છો.

વાતોમાં મારું ધ્યાન આજુબાજુ ક્યાંય ન હતું પણ એક નાની બાળકીનો અવાજ આવ્યો," બા... આ.. કોન...છે ?" મારુ ધ્યાન ત્યારે જ એ બાળકી પર પડ્યું. એની કાલી ઘેલી ભાષામાં પૂછાયેલો પ્રશ્ન મને ગમી ગયો. એ જ્યારે કોણને બદલે કોન બોલી તો હું કોન કે કોણનો ભેદ ભૂલી એની માસુમિયત જોઈને મેં એને ઊંચકી લીધી અને બોલી, " તારા મોટા ફઈબા."ભાભીએ કહ્યું," આ દીકરાની દીકરી છે મારી બહુ જ હેવાઈ થઈ ગઈ છે." 

"થાય જ, ભાભી તમારી પાસે તો જાદુ છે જે એકવાર પણ તમને મળે એ તમારું થઈને જ રહે."

 મેં તો ભાભીને મારે ત્યાં આવવા ઘણો આગ્રહ કર્યો. ત્યારે બોલ્યા, " જો હું તો કેટલાય વર્ષોથી ખાસ ઘરની બહાર નીકળતી જ નથી. શાક લેવા જવું કે દૂધ લેવા જવું બાકી ઘરમાંથી સમય જ નથી મળતો. દીકરા દીકરીને મોટા કરવાના હતા. એમના સમય સાચવવાના. બંનેના લગ્ન કર્યા. હવે એમના દીકરા દીકરી સાચવવાના. પુત્રવધુ પણ નોકરી કરતી આવી. એટલે એનો સમય પણ સાચવવો પડે છે. દીકરો બહુ ભણ્યો નથી. એના પગાર પર ઘર ના ચાલેે. બચત તો બાળકોના લગ્નમાં વપરાઈ ગઈ.

બસ આમ જ જિંદગી પસાર થઈ જાય છે. હા, નજીકમાં એક મંદિર છે ત્યાં ક્યારેક દર્શન કરવા જવું એ જ." મને ભાભીની વાતોથી આશ્ચર્ય થયું. શું ભાભી શનિ-રવિ પણ ક્યાંય જતા નહીં હોય ? પરંતુ મારે ઝાઝુ પૂછવાની જરૂર જ ના રહી કારણ કે એમના ઘરની હાલત જોઈ હું ઘણું બધું સમજી ગઈ હતી. દીકરો પણ ખાસ ભણ્યો ન હતો. કોઈ ખાનગી કંપનીમાં ક્લાર્ક હતો. તેથી ઘરની આર્થિક સ્થિતિનો સહજ પણે ખ્યાલ આવી ગયો હતો. પિયર પક્ષે ખાસ કોઈ હતું નહીં અને વામા ભાભી માટે મને સગા ભાભી જેવો સ્નેહ હતો. જ્યારે વામા ભાભીની તો વાત જ જુદી હતી. એ તો દરેક વ્યક્તિ પર એમની સ્નેહની સરવાણી વહાવતાં જ રહેતા.

 પૈસેટકે તો હું ઘણી સુખી હતી. બે હાથે પૈસા લુટાઉં તો પણ ખૂટે તેમ ન હતું. ખાેટ માત્ર પેાતાની અંગત વ્યક્તિઓ નહીં મળવાની હતી. વામાભાભી મળવાથી જાણે મારી જિંદગીમાં ખૂટતી વ્યક્તિઓ મળી ગઈ હતી. ત્યારબાદ તો અવારનવાર વામા ભાભી મળવાથી જાણે મારી જિંદગીમાં ખૂટતી વ્યક્તિ તથા ખુશી મળી ગઈ હતી. અવારનવાર અમે બંને જણા ભાઈ ભાભીને મળવા જતા.

એકવાર મેં કહ્યું, " આ રવિવારે ડાકોર જવું છે." ત્યારે ભાભી બોલ્યા, "હા હું પણ લગ્ન પહેલા એકવાર ડાકોર ગઈ હતી." મને ઘણું આશ્ચર્ય થયું. આટલા નજીકના સ્થળે ભાભી  ગયા નથી ? એ વખતે તો અમે કંઈ બોલ્યા નહીં. અમે મનોમન એક નિર્ણય કરી લીધો હતો અને શનિવારે રાત્રે જ ભાભીને કહી દીધું કાલે સવારે તમે બંને તૈયાર રહેજો અમે ડાકોર જવાના છીએ. અમને એકલા જવાનો કંટાળો આવે છે તમારે અમારી સાથે આવવું જ પડશે."

 ત્યારબાદ તો શનિ રવિ અમે ક્યાંય પણ જઈએ તો ભાઈ ભાભીને જોડે જ લઈ જઈએ. ક્યારેક તો તેઓ એવું કહેતા, "બેનની મોટરમાં મફત ફરીએ છીએ પેટ્રોલના પૈસા તો લઈ લો." ત્યારે હું કહેતી, "પેટ્રોલથી પણ મોંઘી વસ્તુ તમે અમને આપી રહ્યા છો એનું શું ?"

એમને મારા વાક્યથી નવાઈ લાગી. મેં કહ્યું,"તમે અમારા જીવનમાં સ્નેહ ભરી દીધો છે. તમે તો ભાઈ ભાભીનો પ્રેમ આપ્યો છે એની તુલના તમે પેટ્રોલના પૈસા સાથે ના કરો. નહીં તો હું માનીશ કે તમે સ્નેહની કિંમત પૈસાથી તોલો છો."

 એકવાર સળંગ ત્રણ રજાઓ આવતા જ અમે અંબાજી જવાનો કાર્યક્રમ કર્યો તો કહે,"ત્રણ દિવસ અમદાવાદની બહાર રહેવાનું ?"

 ત્યારે ભાભી બોલ્યા," અમે તો કેટલાય વર્ષોથી અમદાવાદની બહાર નીકળ્યા જ નથી. તમારા આવવાથી હવે આજુબાજુ ફરતા થયા."

મેં જોયું કે અંબાજીમાં ભાઈભાભીના મોં પર જે આનંદ હતો એવો સંતોષ અને આનંદ  જોઈ મને ઘણું સારું લાગ્યું. એમના મોં પર ખુશી છવાઈ ગઈ હતી. એ ત્રણ દિવસ અમે સાથે રહ્યા એ દરમિયાન ઘણી બધી વાતો કરી ત્યારે મને લાગ્યું કે મારી ઉંમર ૩૦ વર્ષ ઓછી થઈ ગઈ છે. જુના સંસ્મરણો વાગોળવા ગમતા હતા. જે આનંદ મને અમેરિકામાં મળ્યો ન હતો તેથી અનેક ઘણો વધુ આનંદ મને ભારતમાં મળતો હતો. જૂની બહેનપણીઓ મળતી હતી ત્યારે સ્કૂલ અને કોલેજના દિવસો યાદ કરતા હતા. જિંદગીમાં હવે સંતોષ હતો. મારી ઈચ્છા ભારત આવી અમદાવાદ રહેવાની હતી એ પૂરી થઈ ગઈ હતી. મારી તબિયત પણ દિવસે દિવસે સુધરતી જતી હતી. વામા ભાભી અને ભાઈ તો ખૂબ જ ખુશ હતા બોલ્યા પણ ખરા,"તમારા કારણે અમે આટલું ફરી શક્યા છીએ બાકી આ સંસારમાંથી બહાર નીકળવું અઘરું હતું. દીકરાના દીકરાને સાચવવો, નોકરી કરતી પુત્રવધુને અનુકૂળ થવું, એમાં બહારગામ જવાનું વિચારી જ ક્યાંથી શકાય ?

અંબાજીથી પાછા ફરતા હું બોલી, જુઓ ભાઈ ભાભી કેટલાક ખુશ છે. જાણે જિંદગીમાં નવી વસંત બેઠી હોય એવું લાગે છે. જિંદગી કેટલી સુંદર છે એ એમને સમજાઈ ગયું છે.

મારા પતિ બોલ્યા, "હમણાં વર્તમાન પત્રમાં એક સમાચાર હતા કે દિલ્હીમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તેથી ત્યાં પ્રાણવાયુ માટે કેબિન બનાવી છે. થોડો પ્રાણવાયુ ત્યાં જઈને લઈ આવો તો શ્વાસની તકલીફ ઓછી થાય છે. તું ભાઈ ભાભીની વાત કરે છે એ તો સંસારરૂપી પ્રદૂષણમાં ફસાયેલા હતા. આપણે એમને હરવા ફરવા રૂપી પ્રાણવાયુ કેબિનમાં લઈ ગયા. પરંતુ એ લોકોની વાત છોડ પણ મને એવું લાગે છે કે અમદાવાદ આવવાથી તને તારી આત્મિય વ્યક્તિઓરૂપી પ્રાણવાયુ મળી ગયો છે. અમેરિકામાં તો હંમેશ માટે તારા મન પર પ્રદૂષણ જ રહ્યું છે. અહીં આવવાથી માત્ર તારા ભાઈભાભીને જ નહીં પણ તને પણ પ્રાણવાયુ મળી ગયો છે."

હું મારા પતિ સામે જોઈને વિચારી રહી કે ખરેખર આ બાબતે તો મેં વિચાર્યું જ ન હતું. જાણે કે જિંદગીમાંથી પ્રદૂષણની બાદબાકી થઈ ગઈ અને હવે માત્ર શુદ્ધ પ્રાણવાયુનું જ અસ્તિત્વ હતું. જે સ્નેહીજનો અને બહેનપણીઓના પ્રેમને કારણે પ્રદુષણ જતું રહ્યું. રહ્યો માત્ર શુદ્ધ પ્રાણવાયુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational