પ્રશંસા
પ્રશંસા


કુદરતનો એક ક્રમ છે કે જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ તમે જિંદગી કેવી રીતે જીવ્યા એ મહત્વનું છે. જિંદગીમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરો છો એ અગત્યનું છે. જીવન છે એટલે મુશ્કેલી પણ આવવાની પરંતુ એ મુશ્કેલીઓનો હસીને સામનો કરનાર ક્યારેય દુઃખી થતું નથી. ક્યારેક અમુક વ્યક્તિઓને જોતાં આપણે બોલી ઊઠીએ છીએ કે,"જો તો આ કેટલી નસીબદાર વ્યક્તિ છે. મુશ્કેલીઓ તો એને સ્પર્શી પણ ના શકે."
એવું જ હેતાની બાબતમાં થયું હતું. હેતા નાનપણથી હોશિયાર તો હતી જ. એમાંય પાછું ભગવાને એને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. નાનપણથી એ ગર્ભ શ્રીમંત પરિવારમાં મોટી થઈ હતી. તે ઉપરાંત એ એકની એક હતી. લોકો તો કહેતા કે, "ઈશ્વરને જ્યારે સર્વગુણ સંપન્ન વ્યક્તિ બનાવવાની ઈચ્છા થઈ હશે ત્યારે ફુરસદના સમયમાં ઈશ્વરે હેતાને ઘડી હશે." મા બાપ તો હંમેશ હેતાનો પડતો બોલ ઝીલવા તત્પર રહેતા. જો કે હેતા ક્યારેય કોઈ બાબતમાં જક કરતી નહીં. બધાને સહજરૂપે અનુકૂળ થઈ જવું એ તો જાણે એનો સ્વભાવ હતો. વિવેકી પણ એટલી જ. બોલવામાં એટલી મીઠાશ કે એ દુશ્મનને પણ વહાલી લાગે. અજાણ્યાનું દિલ પણ એ સહજ રીતે જીતી લેતી.
જેમ જેમ હેતા મોટી થતી ગઈ તેમ તેમ એ વધુને વધુ તેજસ્વી થવા માંડી હતી. સુવર્ણચંદ્રક પર તો જાણે એનું નામ લખાઈ જ ગયું હોય એમ એને મેડલો મળે જ જતા હતા. તેથી તો એને સહજ રીતે પ્રયત્ન કર્યા વગર ખૂબ ઊંચા હોદ્દાની નોકરી મળી ગઈ હતી. પગાર પણ તગડો હતો. એની કામ કરવાની નિષ્ઠા તો ખરેખર પ્રશંસનીય હતી.
જ્યારે એના લગ્નની વાત આવી ત્યારે એણે કહ્યું, "હું ઓછો પૈસો ચલાવી લઈશ પણ ઓછું ભણતર કે ઓછા સંસ્કાર નહીં ચલાવી લઉં."
ઘણા બધા યુવકો જોયા બાદ હેતાની પસંદગી સાર્થક પર ઉતરી. સાર્થક એના કરતાં પણ વધુ ભણેલો હતો. જો કે એકદમ સામાન્ય કુુટુંબનો હતો.એના માબાપ ગાંધીનગર રહેતાં હતાં.જ્યારે સાર્થકની નોકરી પુનામાં હતી.
હેતાને સાર્થક પસંદ પડી ગયો હતો. બીજું કારણ એ પણ ખરૂ કે સાર્થક પુનામાં જ રહેતો હતો. હેતાને તો ના કહેવાનું કોઈ પણ યુવક માટે શક્ય ન હતું. હેતા જો સાર્થકને હા પાડે તો એની નોકરી પણ ચાલુ રહે. એકની એક હોવાને કારણે મા બાપ જે શહેરમાં હોય ત્યાં જ રહે તો મા બાપની દેખભાળ પણ રાખી શકે.
લગ્ન પહેલા જ હેતાએ કહેલું, "સાર્થક, હું મારા માતા પિતાનું એક માત્ર સંતાન છું. મા બાપની તકલીફ વખતે મારી સાથે સાથે તારે પણ મદદ કરવી પડશે. કારણ મારા મા બાપે દીકરી આપીને દીકરો લીધો છે."
સાર્થક ખુશ થતા બોલ્યો, " હેતા, તારા વિચારો ઘણા ઉચ્ચ છે. તારા રૂપને નહીં પણ તારા ગુણો વિશે સાંભળીને જ મેં હા કહી છે. પરંતુ મને તો રૂપ ગુણ બધું જ મળી ગયું છે. હેતા, હું બહુ જ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી છે."
લગ્ન બાદ થોડા જ મહિનામાં હેતાના પિતા મૃત્યુ પામ્યા ત્યારે એની માતાએ કહ્યું, "હેતલ, તમે લોકો ભાડાના મકાનમાં રહો છો. ખોટા ભાડાના પૈસા આપી દેવા. એના કરતાં તમે અહીં જ આવતા રહો. આમ પણ હવે હું એકલી જ છું અને તમને પણ હું મદદરૂપ થઈ શકીશ. હેતા ઓફિસથી ઘેર આવશે ત્યારે રસોઈ પણ તૈયાર હશે મને પણ ઘરમાં ગમશે."
અંતે હેતા અને સાર્થક બંને જણા એના પિતાના ઘરમાં રહેવા આવી ગયા અને થોડા જ સમયમાં હેતાએ સારા સમાચાર આપ્યા. ત્યારે સાર્થક બોલી ઊઠ્યો," હેતા, આ ઘરમાં આવતાંની સાથે જ સારા સમાચાર મળી ગયા. ખરેખર આપણા માટે આ ઘર ઘણું જ શુકનિયાળ છે." ત્યાર બાદ મહિનામાં સાર્થકને પ્રમોશન મળ્યું અને પગાર પણ વધી ગયો. ઘરમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. હેતાના બાળકના જન્મ પહેલા જ હેતાની માતાનું હૃદય રોગના હુમલામાં મૃત્યુ થયું. હેતાને થતું અરે, મારે એકાદ ભાઈ કે બહેન હોત તો પણ કેટલું સારું થાત ! પણ વાસ્તવિકતા એ હતી કે હેતાનું પિયરમાં કોઈ જ ન હતું. બાળકના જન્મ વખતે એ ગાંધીનગર એના સાસરે ગઈ.પરંતુ બાળકના જન્મ બાદ સીડી ઉતરતા પગ લપસ્યો. જેના કારણે એના પગનો બોલ તૂટી ગયો. એના માથે બાળકની જવાબદારી હતી. એમાં એનો પગ તૂટી ગયો.
જો કે સાર્થક હેતાને કહેતો, "તું તો ખૂબ હોશિયાર છું. બાળક અને તારી બીમારી બધુ તું સહજરીતે સંભાળી શકીશ."
હેતાના પગના ઓપરેશન બાદ પણ એ બરાબર ચાલી શકતી ન હતી. છતાંય પોતાના દીકરાને પ્રેમથી સાચવતી. બે મહિના બાદ સાર્થકે કહ્યુંં," હવે આપણે પાછા આપણે ઘેર પુના જતા રહીએ. ત્યાં જઈને આપણે કામવાળી તથા રસોઈવાળી બાઈ રાખી લઈશું. હવે એક જ મહિનો તારી રજા બાકી છે. ત્યાં સુધી એ લોકોને એમનું કામ વ્યવસ્થિત સમજાવી લેજે. મહિના પછી તારે નોકરીએ તો જવું જ પડશે અને તારી ઓફિસમાં તો ઘોડિયાઘર પણ છે. પછી તારે શું ચિંતા ?"
હેતા પાછી ફરી ત્યારે પણ એના પગે ચાલતા તકલીફ પડતી હતી પરંતુ પુત્રજન્મથી સાર્થક ખૂબ જ ખુશ હતો.
પાર્ટીઓ તો થતી જ રહેતી હતી. એ પણ હેતાને નીત નવા કપડાં લાવીને શણગારતો. બધા
વચ્ચે હેતાની પ્રશંસા કરવામાં પાછીપાની કરતો નહીં. બધા હેતાના રૂપ પર તો મોહિત થતા જ હતા. એમાય એની ઊંચા પગારની નોકરી, સાર્થક જેવો પ્રેમાળ પતિ -બસ બીજુ શું જોઈએ ?
આખરે જ્યારે હેતાને ઓફિસ જવાનો દિવસ આવ્યો ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે બાળકને લઈને ચાલવામાં કેટલીક તકલીફ પડે છે. આ વાત એને સાર્થકને કહી ત્યારે સાર્થકે કહ્યું," હેતા, તારા જેવી હોનહાર સ્ત્રીને તો બધું સંભાળતા આવડે. સાચું કહું તો મેં તારા જેવી બાહોશ મેનેજર કોઈ જોઈ જ નથી. અમારી ઓફિસમાં પણ બધા મેનેજર છે પરંતુ તારા જેટલી સરળતાથી અને સચોટ નિર્ણય ભાગ્ય જ કોઈ લઈ શકે. હેતા મને તો તારા માટે ખૂબ જ ગર્વ છે."
આ બધી વાતો સાંભળતા હેતા થોડા દિવસ પૂરતું પોતાનું દુઃખ ભૂલી જતી. પરંતુ દિવસે દિવસે કામનો બોજો ઓફિસમાં વધતો જતો હતો. હવે તો એનો દીકરો સંયમ સ્કૂલે પણ જવા લાગેલો. હેતા પાસે સમય ખૂબ ઓછો રહેતો હતો.એ ઘણીવાર કહેતી ,"સાર્થક, હવે આપણે સંયમ માટે ટ્યુશન રાખવું પડશે કારણ મારે ઓફિસમાં ઘણું જ મોડું થાય છે."
ત્યારે સાર્થક હસીને કહેતો ,"અરે, આ શબ્દો તું બોલે છે ? તું સંયમને ભણાવે અને પગારદાર શિક્ષક ભણાવે એમાં કેટલો ફેર પડે ? એક મા સો શિક્ષકની ગરજ સારે. એ વાત તો તને લાગુ પડે તું તો એની ચોવીસ કલાકની શિક્ષક છું અને એ તો જો કે એ તારો કેટલો હેવાયો છે. તું તો રમત રમતમાં એને કેટલું શીખવાડે છે ! હવે તો એને દરેક શાકના નામ આવડી ગયા છે. બધા કલર ઓળખી શકે છે. આ બધું તો તું એને રમતા રમતા શીખવાડી દે છે."હેતાને પોતાની પતિ દ્વારા થતી પ્રશંસા ખૂબ ગમતી અને પ્રશંસા બાદ એ બેવડા ઉત્સાહથી કામ કરતી.
દિવસો પસાર થતા રહેતા હતા પરંતુ ઘર, બાળક, અને ઓફિસ બધી જવાબદારીઓથી ક્યારેક એ થાકી જતી. ઓપરેશનથી નવો બોલ પગે બેસાડેલો પરંતુ કુદરતી બોલ જેટલી અસર ના થાય. ઓફિસમાં પણ વારંવાર ઊભા થવું પડતું. એક ખાતામાંથી બીજા ખાતામાં જવું પડતું. ક્યારેક મિટિંગમાં જવું પડે. ધીરે ધીરે પગનો દુખાવો વધતો જ જતો હતો.
ડોક્ટરને બતાવ્યું ત્યારે ડોક્ટરે કહ્યું કે ફરીથી ઓપરેશન કરવું પડશે. પરંતુ ફરીવાર કરેલા ઓપરેશન બાદ પણ એની તકલીફ યથાવત રહી.
સંયમ ભણવામાં ઘણો હોશિયાર હતો. હવે તો હેતાને એની પાછળ મહેનત પણ કરવી પડતી ન હતી. જો કે સાર્થક બધાને કહેતો, "હેતાએ તો નાનપણથી જ સંયમનો પાયો મજબૂત કરી દીધો છે. હેતા જેવી મા હોય પછી જોવાનુ જ શું ?"
જો કે હેતાને એના અને સંયમના વખાણ સાંભળવા ગમતા પરંતુ એની તબિયત એને સાથ આપતી જ નહીં. એકાદવાર તો હેતાએ એના પગના કારણે નોકરી છોડવાની વાત કરી પરંતુ સાર્થકે કહ્યું," હેતા, તું ઘેર બેસીને શું કરીશ ? સંયમ કોલેજ જશે. હું ઓફિસ જઈશ. એના કરતા તું એક કામ કર. આપણે રિક્ષા બંધાવી દઈશું. તું રિક્ષામાં જ આવવા જવાનું રાખજે. તું ઘરમાં બેસીશ તો સતત તારા પગના દુઃખાવાના જ વિચાર કર્યા કરીશ. તું બધાને મળીશ તો તારુ દુઃખ હળવું થઈ જશે.
હેતાને થયું એનો પતિ એને કેટલો પ્રેમ કરે છે. એનું કેટલું ધ્યાન રાખે છે. હેતા પોતાની જાતને નસીબદાર માનવા લાગી હતી. ઘણીવાર મન ઘણું બધું કરવા તૈયાર હોય પરંતુ શરીર સાથ આપતું ના હોય. હેતાની દશા એવી જ હતી. તે દિવસે તો પગનો દુખાવો અસહ્ય થતા એ વહેલી ઘેર આવી ગઈ હતી. ઘરની ચાવી ત્રણેય જણા પાસે રહેતી. એણે ઘર ખોલ્યું અને દરવાજો બંધ કરી તરત જ સૂઈ ગઈ. થોડીવાર પછી એની આંખ ખુલી તો એના પતિનો એના મિત્ર સાથે વાતો કરતો અવાજ આવતો હતો. એ ઊઠી અને થયું કે ચા બનાવુ. ત્યાં જ બારણા વચ્ચે એના પગ અટકી ગયા.
એનો પતિ એના મિત્રને કહી રહ્યો હતો કે, "લંગડી તો ઓફિસથી ઘણી મોડી આવે છે. આપણે બંદા ચા નાસ્તો કરીને શાંતિથી બેસીએ છીએ. પણ એક વાત છે કે આપણે સતત પત્નીની પ્રશંસા કરે રાખવી. જેથી એ ખુશ રહે. બાકી ગુસ્સો કરવાથી આપણું કામ ના થાય. હવે મને આ લંગડી ગમતી નથી. પરંતુ આપણને તો એના મા બાપની કરોડોની મિલકત મળી જ છે. ઉપરાંત આ તો સોનાના ઈંડા આપતી મરઘી છે. દર મહિને તગડો પગાર લાવે છે. આમ જોવા જઈએ તો આપણને ઘરકામ કરતી એવી એક નોકરાણી મળી છે કે એ વગર પૈસે કામ કરે અને મહિનાના અંતે આપણા હાથમાં પગાર મૂકે. સાર્થક અને એનો મિત્ર હસી રહ્યા હતા. એકબીજાને તાલી આપી રહ્યા હતા. સાર્થક કહી રહ્યો હતો કે," તને ખબર છે કે ખુશામત ખુદાને પણ પ્યારી છે તેથી પ્રશંસા કરતા રહેવાનું અને કામ કઢાવતા રહેવાનું."
આ બધું સાંભળતા જ હેતા પાછી પલંગ પર જઈને સૂઈ ગઈ. હેતાને સખત આઘાત લાગ્યો હતો એ રડી પણ ના શકી. એ વિચારવા લાગી કે આખી જિંદગી જેની જોડે વિતાવી એને પણ એ ના ઓળખી શકી !
મિત્રના ગયા બાદ સાર્થક એના રૂમમાં ગયો. હેતા ત્યાં સૂઈ રહી હતી. સાર્થકે હેતાને ઉઠાડવા ઘણો પ્રયત્ન કર્યો પણ હેતા તો આ ફાની દુનિયા છોડીને ચાલી ગઈ હતી. કારણ એને હવે એની પ્રશંસા સાંભળવી ન હતી.