ચળકાટ
ચળકાટ
ચળકાટ.
નયના શાહ.
લિપીકા તને ખબર છે આજે તેં પાંસઠમો છોકરો જોયો. હવે આવી જ રીતે ચાલશે તો બધા છોકરાઓ પણ ધીરે ધીરે તને ના પાડતા થઈ જશે. ભલે તું ભણેલી ગણેલી છું. આઈ ટી કરેલું છે છતાં પણ તારે કેવો છોકરો જોઈએ છે? તું કહે અથવા તને પસંદ પડે એવો છોકરો લઈ આવ. હું તો તને હા જ પાડીશ. કારણ કે તારી પસંદગી પર મને વિશ્વાસ છે .પરંતુ તું દરેક વખતે દરેકને ના પાડે છે.તારી ઉંમર વધતી જાય છે. આખરે તું મને કહે કે તારે કેવો છોકરો જોઈએ છે? એ પ્રમાણે હું પસંદ કરૂ."
" લિપીકા થોડીવાર મૌન રહી .પછી બોલી, "મમ્મી, મારે એવો છોકરો જોઈએ જે મારા કરતાં વધુ કમાતો હોય.મારે તો અત્યારે ૭૦ લાખ પગાર છે પણ ઓછામાં ઓછો એનો ૯૦લાખ થી ૧ કરોડ રૂપિયા પગાર હોય, દેખાવડો હોય ,મને઼ ખૂબ પ્રેમ કરતો હોવો જોઈએ ,મારા પરિવાર જોડે પણ વધુમાં વધુ વખત વિતાવતો હોય, એકલો હોય, મારે સાસુ સસરાની ઝંઝટ ના જોઈએ નણંદ, દિયર કોઈ જોઈએ નહીં .એવો છોકરો જ જોઈએ છે."
લિપીકાના મમ્મી ખડખડાટ હસતાં બોલ્યા," બેટા તને ખબર છે કે દ્રૌપદીએ પૂર્વ જન્મમાં તપ કર્યું અને વરદાન માગેલું કે મારે એવો પતિ જોઈએ કે જે ધાર્મિક હોય ,સત્યનિષ્ઠ હોય ,ગદા યુદ્ધમાં પારંગત હોય, શુરવીર અને બાણવીર હોય, દેખાવડો હોય, ત્રિકાળ જ્ઞાની હોય. આમ એને ભગવાન પાસે વરદાન માંગેલા. તેથી બીજા જન્મમાં દ્રૌપદીને પાંચ પતિ મળ્યા કારણ એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણો ખૂદ ઈશ્વર પણ નથી મૂકી શકતા. એટલે તુ જે કંઈ કરે એ વિચારીને કરજે . આટલા બધા કોઈ ગુણ કોઈ પણ છોકરામાં મળશે નહીં અને ક્યાં તો તારે આખી જિંદગી કુંવારા રહેવું પડશે. જે કરે એ સમજી વિચારીને કરજે."
દિવસો પસાર થઈ રહ્યા હતા અને લિપીકાના મમ્મી સતત કહેતા હતા," લિપીકા તું કોઈ સારો છોકરો પસંદ કર જેથી મને મરતા પહેલા તારો સુખી સંસાર જોવા મળે."
દિવસો પસાર થતા હતા અને એક દિવસ લિપીકાએ એની મમ્મીને કહ્યું કે," મમ્મી તું કહેતી હતી કે આપણે પ્રયત્ન કરીએ તો ભગવાન પણ મળે .હું ઇચ્છતી હતી એવો જ છોકરો મને મળી ગયો છે. હવે તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી."
"સરસ,હવે મને કહે એ છોકરો કોણ છે? ક્યાં રહે છે?એના ઘરમાં કોણ કોણ છે?"
" મમ્મી છોકરો કાનપુર રહે છે અને એને બહુ મોટો બિઝનેસ છે. એની કંપનીના શેરના ભાવ પણ ઘણા બધા છે . મારી ઈચ્છા તો કરોડ રૂપિયા કમાતો હોય એવો છોકરો જોઈતો હતો. પણ આ છોકરો કરોડોમાં કમાય છે .મારે જેવો જોઈએ એવો છોકરો મળી ગયો છે. દુનિયા તો બહુ નાની છે. મેરેજ બ્યુરોમાંથી મળી રહે અને કેટલા બધા મેરેજ બ્યુરો ચાલે છે .પણ આ છોકરો મને facebook ઉપરથી મળી ગયો. ખુબ સરસ છે જો એનો ફોટો તને બતાવુ. બિલકુલ પિક્ચરનો હીરો લાગે. હું આવતા અઠવાડિયે કાનપુર જવાની છું એણે મને ખાસ બોલાવી છે."
"બેટા, તું એનું ઘર જોઈને આવજે અને એ ક્યાં રહે છે ?શું કરે છે ?એની ફેક્ટરી પર પણ એક આંટો મારીને આવજે . તું મને દરરોજે ફોન કરતી રહેજે. બને એટલી જલ્દીથી પાછી આવજે. કારણ તારા સિવાય મારુ આ દુનિયામાં કોઈ છે જ નહીં. માટે તું જે હોય એ મને સતત ફોન કરતી રહેજે."
"મમ્મી, ચોક્કસ હું તને ફોન કરતી રહીશ. આવતીકાલના પ્લેનમાં હું કાનપુર જવુ છું અને પાછા ફરતા મને એક જ દિવસ થશે. મને એક જ દિવસ રજા મળી છે ઓફિસમાં. જેથી હું તરત પાછી આવી જઈશ. પ્લેનમાં જઈને પ્લેનમાં પાછી આવીશ તું ચિંતા ના કરીશ."
લિપીકા પાછી આવી ત્યારે ખૂબ ખુશ હતી. એણે મમ્મીને કહ્યું ,"મમ્મી એ દર્શિતનું ઘર ખુબ સરસ છે એણે મને બહારથી બતાવ્યું.એનું ઘર એકદમ 'પોશ' વિસ્તારમાંઆવેલુ છે. સર્વન્ટક્વાર્ટર પણ છે. મેં દૂરથી જોયું કે બધા એની ગેરહાજરીમાં પણ કામ કરી રહ્યા હતા .અને એણે મારા માટે સ્પેશિયલ ફાઇવ સ્ટાર હોટેલમાં એક રૂમ બુક કરાવી લીધો હતો. ખુબ સરસ સગવડ હતી. એ દિવસે તો એ ફેક્ટરી પર પણ ના ગયો. પણ ફેક્ટરીના ફોન સતત ચાલુ હતા તેથી એ બે વાર ફેકટરી પર જઈ આવ્યો.કહતો હતો કે જો હું નહીં જઉં તો સતત ફોન ચાલુ રહેશે અને આપણે શાંતિથી વાત કરી જ નહીં શકીએ. મમ્મી, હું નસીબદાર છું મને ખુબ સરસ છોકરો મળ્યો."
"બેટા ,એકવાર એને આપણે ઘેર બોલાવ હું પણ મળી લઉં .પછી થોડી વાતચીત બાદ આપણે લગ્નનું નક્કી કરી દઈએ."
"મમ્મી, મેં એને આવતા રવિવારે આવવાનું આમંત્રણ આપી જ દીધું છે .તું પણ જોઈ લે અને એની સાથે વાત કરી લે .એ તો મને એમ કહેતો હતો કે હવે તારે નોકરીની કાંઈ જરૂર નથી. આપણી ફેક્ટરી છે એમાં જ તારે નોકરી કરવી હોય તો કરવાની. એવું હોય તો તારી મમ્મીને પણ આપણે ત્યાં લઈ આવજે અને મુંબઈનું તારું ઘર વેચી દે જે. પણ મમ્મી આપણી સાથે જ રહેશે."
ત્યારે લિપીકાના મમ્મી બોલ્યા ,"બેટા હું દીકરીને ત્યાં તો રહેવા આવું જ નહીં અને આ ઘર હું વેચવા પણ નથી માગતી. માટે તું સાથે આવવાની વાત જ ના કરીશ."
"લિપીકા ,મને એક વાત સમજાતી નથી કે એનું પોતાનું ઘર હોવા છતાં પણ તને ફાઇવસ્ટાર હોટલમાં કેમ રાખી? એના ઘરમાં તો તું કહે છે કોઈ છે નહીં .એના મા-બાપ નથી ,ભાઈ બેન નથી, એકલો છે તો પછી શા માટે આવું કર્યું?"
" મમ્મી, એ તો કહેતો હતો કે મારી પરી ,મારી રાણીને મારે એ જ વખતે જ બધાને કહેવું છે મારે કોઈને કહેવું જ નથી અને એકદમ આપણે લગ્ન કરીને જઈશું ત્યારે બધાને ખબર પડશે જને! બાકી આપણો સંબંધ બંધાતાં પહેલા મારે તને કોઈને બતાવી પણ નથી .એટલા માટે એણે મને ફાઇવસ્ટાર હોટલમાં ઉતારેલી અને એના બંગલે લઈ જાય તો નોકર ચાકર જુએ .બીજું આસપાસના પડોશીઓ પણ જુએ. માટે મને નહોતો લઈ ગયો. ફેક્ટરીમાં પણ બધા મને જુએ એ એને પસંદ ન હોતું .માટે અમે હોટેલમાં રહ્યા."
દર્શિત મળવા કાનપુરથી મોંઘી કાર લઈને આવ્યો.લિપીકાએ કહ્યું, "તમે ડ્રાયવર લઈને કેમ ના આવ્યા?"
ત્યારે પણ એણે એવું જ કહ્યું કે," લગ્ન પહેલાં મારે તને કોઈને બતાવી નથી."
ત્યારબાદ વાતચીત દરમિયાન એણે લિપીકાને પૂછી લીધું. "લિપીકા ,આ ઘર તારા પપ્પાએ લીધું છે ?"
એટલે લીપીકાએ કહ્યું," પપ્પા તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. પરંતુ એમને ઘણું દેવું થયેલું.ધંધામાં ખોટ ગઈ હતી .ખરેખર તો એમના ભાગીદારે એમની સાથે દગો કરેલો. એ મેં મારા પગારમાંથી ચૂકવી દીધું .એ ઉપરાંત આ ઘર પણ મેં લઈ લીધું છે. માટે મારી પાસે બચતના નામે ખાસ કંઈ નથી . આ ઘર પણ હું જ ચલાવું છું માટે તમે મારી બચત પૂછતા જ નહીં."
જોકે દર્શિતે મોં પરના હાવ ભાવ બદલ્યા વગર કહ્યું," હા બરાબર છે. બહુ સારું કહેવાય કે ઘર માટે તું આટલું બધું કરે છે .મમ્મી હવે એકલા પડી જશે માટે તું લગ્ન સુધી તારી નોકરી ચાલુ જ રાખજે. આપણે ટૂંક સમયમાં લગ્ન કરી લઈશું."
બસ ત્યાર પછી કાનપુર ગયા પછી લિપીકા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું. લિપીકાએ ચૂપચાપ કાનપુર તપાસ કરી ત્યારે ખબર પડી કે એ તો ડ્રાઇવર છે .ફેક્ટરીમાંથી એને મળવા માટે દર વખતે જુદી જુદી કાર લઈને આવતો હતો.એના એક દિવસના રોકાણ દરમ્યાન ઓફિસમાં કામ છે કહીને જતો અને દર વખતે નવી નવી કાર લઈ ને આવતો. જે ઘર એણે બતાવ્યું એ તો એના બોસનું ઘર હતું .એને ખ્યાલ આવી ગયો કે એ બહુ મોટા પાયે છેતરાઈ ગઈ છે .પરંતુ ત્યાર પછી એને નક્કી કર્યું કે હવેથી રૂપ જોવું નથી. રૂપ કે પૈસો જોડે નહીં આવે માણસનો સ્વભાવ જ જોડે આવશે અને જેના પાયામાં જુઠ્ઠાણું હોય એ વ્યક્તિ સાથે આખી જિંદગી ક્યારેય ન જાય. એ તો સારું છે કે પોતે ચેતી ગઈ.
સોશિયલ મીડિયા ઉપરથી પસંદ કરેલા છોકરા ની પૂરેપૂરી જો તપાસ ના કરો તો તમે જિંદગીમાં પેટ ભરીને પસ્તાવો એ વાત લિપીકાને બરાબર સમજાઈ ગઈ હતી.દર્શિતે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું એ વાત એ સમજી ચુકી હતી.
ચળકતુ બધુ સોનુ નથી હોતું.ઘણીવાર તો ખોટા દાગીનાનો ચળકાટ સોના કરતાં પણ વધુ હોય છે.

