Aarti Rajpopat

Drama Romance

4  

Aarti Rajpopat

Drama Romance

માં 'દીકરી'

માં 'દીકરી'

11 mins
1.7K



“માલા દી ઓ દી ...ઓહો ક્યાં રિસાયને બેઠી છે મારી માલી દી”...ઘર માં પ્રવેશતા જ ખુશી ને માલા ડ્રોઈંગરૂમ માં ન દેખાતા તેને શોધતી રૂમ માં પહોચી જોયું તો માલા પલંગ પર મો ફુલાવી બેઠી’તી. તેની પાસે જતા “ઓહો બહુ નારાજ છે ને બેનબા ..ઓકે સોરી “કહી કાન પકડ્યા .માલાએ તીરછી નજરે જોયું મો હસું હસું  થઇ રહ્યું' તું, ખુશી એ જોયું અને “એ હસી એ હસી કરી ગલીપચી કરી ને માલા જોર થી હસી પડી ને ખુશી ને વળગી બનાવટી ગુસ્સો કરી કહેવા લાગી “જુઠ્ઠી હમણાં આવીશ કહી ને કેટલી વાર કરી “અને બંને પછી હસી પડી.


   માલા અને ખુશી નીલાબેન અને પરેશભાઈ ની દીકરીઓ. બંને નું ખુબ સરસ જોડું હતું લગ્ન થાય ને સંસાર વધે એવી દરેક દંપતી ની ઈચ્છા હોય જ એમ આ લોકો પણ બાળક ના સપના જોતા અને પહેલેથીજ તેમને પુત્રી ની ખુબ ઝંખના હતી. અને થયું પણ એમજ પહેલે ખોળે એ લોકો ને ત્યાં દીકરી જન્મી. બંનેની ખુશીનો પર ના રહ્યો.પુત્રી ના આગમને સંબંધ ના તાંતણે એક મોતી પરોવાતા સ્નેહની માળા ગૂંથાઈ તો દીકરી નું નામ માલા પાડ્યું! બંને ખુબ ખુશ હતા,નાની માલા ની સાર સંભાળ માં છ મહીંના ક્યાં વીતી ગયા ખબર પણ ના પડી,વિકસતા બાળક ની નાની-મોટી એક એક કિંમતી ક્ષણ ને જોવા ને સંજોવવા દરેક માબાપ ઉત્સુક હોય છે તેમ નીલાબેન ને પરેશભાઈ પણ હવે તેમની ઢીંગલી બેસતા, પડખું ફરતા, ભાખડિયા ભરતા, દોડતા, શીખશે એવી પળો ને માણવા આતુર હતા.પણ માલા છ થી સાત મહિનાની થઇ તોય તેનામાં બોલાવતા ત્યારે ક્યારેક આછું હસ્યા સિવાય કશી હરકત નોતી દેખાતી. નીલાબેન ને ચિંતા થતી, ત્યારે પતિ સમજાવીને કહેતા કે હોય, કોઈ બાળક મોડું શીખે. આમ કરતા કરતા વરસે સવા વરસે માલા માંડ બેસતા શીખી ને થોડા અસ્પષ્ટ ઉચ્ચારો કરતી થઈ, તો માં બાપ ને થોડી રાહત થઇ, પણ બે અઢી વરસ થયા પછી પણ તેના વિકાસ ની ગતિ ખુબજ ધીમી રેહતા ડૉ.ને બતાવ્યું. ડોકટરે આખી વાત વિગતે પૂછી કેટલાક સ્પેશિઅલ ટેસ્ટ કરી અને તારણ કાઢ્યું કે પ્રાથમિક લક્ષણો જોતા તમારી દીકરી “સ્પેશિઅલ ચાઈલ્ડ” હોવાનું જણાય છે, છતાં હજી સ્કુલમાં ગયા પછી તેનો ગ્રાસ્પિંગ પાવર જોઈ આખરી અભિપ્રાય આપી શકાય. આ સાંભળી નીલા બેન ને ખુબ આઘાત લાગ્યો ને તેમના થી ડૉ.ને પુછાઇ ગયું “ ડૉ, એટલે તમારો કહેવાનો મતલબ શું છે, મારી દીકરી... ને તેઓ આગળ કશું બોલી ના શક્ ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઘેર આવી રડતા રડતા પતિ ને કેહવા લાગ્યા ભગવાન ને મારી સાથેજ આવું કરવું તું? પતિ તેમને સમજાવતા રહ્યા તું ચિંતા ના કર બધું બરાબર થઈ જશે, અને જો આવું કઈ હોય તો પણ ભગવાન નો આભાર માનવો કે આવા બાળક ના માતા પિતા બનવા આપણને યોગ્ય પાત્ર માન્યા. જેવું છે તેવું અંતે આપનું જ સંતાન છે ને. પણ નીલા બેન ના મન માં તો આઘાત સાથે ખટાસ છાને ખૂણે અજાણતા ઘર કરી ગયી. 

      તેવો દીકરી ની બધી જરૂરિયાત પૂરી કરતા પણ જાણે એક ફરજ ના ભાગરૂપ. પહેલા નો સ્નેહ જાણે ક્યાં ખોવાય ગયો હતો, પણ પરેશ ભાઈ ભગવાન એ દીધેલી આ અનોખી ભેટ ને પ્રસાદી સમજી સ્વીકારી તેને ખુબજ સ્નેહથી સાચવતા.

        આ વાત ની જાણ થયા ના થોડાસમય માંજ નીલાબેન ને પોતે ફરી પ્રેગ્નન્ટ છે એવી ખબર પડી,ખુશીની સાથે એક ડર પણ હતો આવનારું બાળક સ્વસ્થ તો હશેને? પુરતો સમય થતા તેમને ત્યાં ફરી ગોળ મટોળ સોનેરી વાંકડિયા વાળવાળી સુન્દર દીકરી નો જન્મ થયો,જોઇને વર્ષોથી નીલાબેનના  થીજી ગયેલા ચહેરા પર ખુશીની એક ચમક આવી ગઈ,પણ હજુ છ મહિના તો જીવ ફફડાટ માંજ રહેવાનો હતો .પણ એટલી રાહ ના જોવી પડી ચાર મહિના થતાજ બાળકીએ પગ ઉલાળતા,ખીલખીલાટ હસતા..એમ સામાન્ય કરતા પણ વધારે ઝડપથી બધું શીખવા લાગી જાણે માલા માં રાખેલી કસર કુદરત આના દ્વારા પૂરી કરતી’તી.નીલાબેન ને તો જાણે એમની ખોવાયેલી ખુશી પાછી મળી તો નામ પણ ખુશી રાખ્યું. આ દરમ્યાન માલાની માનસિક સ્થિતિ નો ઘણે અંશે ખ્યાલ આવી ગયેલો અને ડૉ.ની વાત સાચી પડી રહી હતી, સ્કુલ ના પ્રિન્સીપાલ ને મળી વાત કરતા તેમણે માલાને આવા બાળકો માટેની ખાસ સ્કુલ માં બેસાડવા નો નમ્ર આગ્રહ કર્યો. સમય વીતતો ગયો ને ખુશીને પણ માલા જતી તી એજ સ્કુલ માં સામાન્ય વિભાગમાં દાખલ કરી. દિવસો વિતતા ગયા ને બંને દીકરીઓ મોટી થવા લાગી એક નો પૂર્ણ વિકાસ તો બીજી નો અપૂર્ણ અધુરો.


     પણ બંને બહેનો વચ્ચે નાનપણથીજ ખુબ લગાવ હતો ખાસ ખુશી ને તેની ભલીભોળી માલી’દી ખુબ ગમતી. બેઉ ખુબ રમતા મસ્તી કરતા અને થોડી મોટી થતાતો ખુશીએ નાની હોવા છતાં જાણે તેની મોટી બહેન હોય તેમ તેની બધી જવાબદારી લઇ લીધી. માલા થોડું તોતડું બોલતી ને થોડું અચકાઈ ને તેના માટે સ્પીચ થેરેપી ચાલતી તેનાથી ફરક હતો પણ તેમાં ખુશીના પ્રયત્નો એ જ વધારે અસર કરી આમ સ્કુલ નું શિક્ષણ ને ખુશી ની સંભાળ થી તેનામાં ઘણો સુધારો આવ્યો.આ ઉપરાંત આવા બાળકો ને પર્સનલ હાઇજીન, ઉઠવા બેસવાની, પોતાના કામ જાતે કેમ કરવા એ બધી બાબત વિષે સતત જાણકારી મેળવી તેને ખુબજ ધીરજ પૂર્વક શીખવતી. માલાની પસંદ નાપસંદ નુ પણ ખાસ ધ્યાન રાખતી માલા ને હિંચકા ખાવા ખુબ ગમતા તો રોજ ઘર પાસે આવેલા પાર્કમાં માં સાથે જઈ તેને હિચકાવતી પછી તો પરેશભાઈ એ શહેરી વિસ્તારની બહાર ઘર બનાવ્યું તો પાછળ જ પાર્ક બનાવી અને હિચકો નખાવી દીધો તો તેથી માલા નો ઝૂલવા નો નિયમ ચાલુ જ હતો. આમ માલા એ તેની વ્હાલી દીદી ની આસપાસ તેનું એક વિશ્વ રચી દીધું'તું. આમ પણ સમજણી થતા માની માલા પ્રત્યેની બેરુખી તેને જોઈ હતી ને સમજાતી પણ હતી તો જાણે પોતે આ ઊણપ પૂરી કરવાની કોશિશ કરતી.

      સમય સમય નું કામ કરે છે હવે ખુશી નું ભણતર પણ પૂરું થયું તું તો આખો વખત તે માલા સાથે જ રહેતી માં ને તો હવે ખુશીના લગ્નની ફિકર થવા લાગી'તી પણ તે કે તેના પપ્પા તે તરફ કશું વિચરતાજ નહોતા. માં ઘણી વાર તેને કહેતી “આટલી માથે ચડાવે છે બેઠી બેઠી એને તો કાલ સવારે ચાલી જઇસ પછી એના નખરા કોણ ઉઠાવશે? તો તે કહેતી “એવું હોય તો હું મારી “દી ને છોડી ને ક્યાય ની જાઉં.”


     એવામાં એક દિવસ અચાનક એ લોકોને ઘેર ધવલ આવી ચડ્યો. ધવલ એમના શહેરમાં રહેતા તે ઘરનો પાડોશીનો દીકરો હતો. માલા, ખુશીને ધવલ બચપણમાં ખુબ સાથે રમેલા. ડોરબેલ વગાડી દરવાજો ખોલતા “કોણ ભાઈ મેં ઓળખ્યા નહિ”નીલાબેને પૂછ્યું ;” આંટી હું તમારા પડોસી રમણભાઈ નો દીકરો ધવલ’. ”ઓહ આવ ભાઈ આવ”

દરઅસલ પરેશભાઈ શહેરનું મકાન મૂકી આ તરફ રહેવા આવી ગયા પછી ધવલ પણ ભણવા માટે બીજે ચાલ્યો ગયો તો ઘણા વખતથી મળ્યા નહોતા, આ તો હમણાં એક દી મંદિરમાં ધવલ ના મમ્મી મળી જતા જુના સંસ્મરણો તાજા થયા. ધવલને તેના મમ્મી એ આ વાત કરી તો એ પણ આ લોકોને મળવા આતુર થઇ ગયો. નીલાબેને પરેશભાઈને બંને છોકરીઓને બોલાવી બધાને મળાવ્યા.ખુશી ને ધવલ તો એકબીજાના બાળપણના દોસ્તના યુવાન રૂપ ને જોતા જ રહી ગયા ને પહેલી નજરે જ એકબીજા ને ગમી ગયા છે એ નજરથી જાણે જણાવી દીધું.


      ધવલ નીલાબેનને તો ખુશી માટે ખુબ ગમી ગયો તેમને આ વાત પરેશભાઈ ને કહી તો તેમને પણ આ વિચાર ગમી ગયો. આ બાજુ ધવલે પણ ઘરે જઈ બધાને મળ્યાની ને ખુશી વિશેની પોતાની ફીલિંગ્સની વાત કરી તો તે લોકો પણ ખુબ ખુશ થઇ ગયા એક તો જાણીતું ફેમીલી જાણીતી છોકરી ને દીકરાની પસંદ બીજું શું જોઈએ. હવે બધાની હા હતી માત્ર ખુશી માલાનો વિચાર કરી થોડી ખચકાતી’તી. હું ને મારી માલા’દી એકબીજાથી જુદા પડી કેમ રહીશું? ત્યારે પરેશભાઈ એ પ્રેમથી તેનાં માથે હાથ ફેરવી સમજાવ્યું બધું બરાબર થઇ જશે, તું ચિંતા ના કર અને પપ્પા ની વાત માની તેણે હા પાડી. આમ કુદરતે ગોઠવેલું હોય તેમ બેત્રણ દિવસમાં તો તેમની વાત પાક્કી થઇ ગઈ અને લગ્ન માટે એમ નક્કી થયું કે ધવલની ઓફીસ તરફથી આવતે મહીને વિદેશ ટ્રેઇનિંગ માટે જવાનું છે એ પાછો આવે પછી લગ્ન રાખવા ને ફરી પછી જવાનું થાય તો ખુશી સાથે જઈ શકે તેથી બંનેની પાસપોર્ટની તૈયારી કરીને રાખવી. ને આ બધા કામ ઉપરાંત લગ્નનું થોડું થોડું શોપિંગ. એથી ધવલ રોજ ઘરે આવતો ફ્રી ટાઇમમાં ત્રણે ખુબ મસ્તી કરતા.


ખુશીને રોજ કયાંક બહાર જવું પડતું .આજે પણ કામ માટે બહાર ગઈ'તી ને માલા રિસાઈ ગઈ 'તી. પણ રોજ આવું જોઇને તેની રીસ ચીડ અને ગુસ્સામાં બદલાવા લાગી બધાને થતું તે ખુશી માટે બહુ પઝેસીવ છે અને તેને એટેન્શન તેના તરફ ઓછુ મળે છે કે ધવલ સાથે વહેંચાય જાય છે એવું લાગે તેથી આમ કરે છે ખુશી રોજ તેને મનાવી લેતી છતાં બેત્રણ વાર એને પહેલા ક્યારેય નોતું કર્યું એવું રુક્ષ વર્તન ખુશી સાથે કર્યું. ફરી એક દિવસ બંને બા'ર જતા'તા તો જીદ કરીને બેઠી હું સાથે જ આવું પણ પાસપોર્ટ ઓફિસે જવાનું હતું ત્યાં તેને કેવી રીતે લઇ જવાય! ખુબ સમજાવી પણ જીદ ના છોડે તો મમ્મી ખીજાઇ ગઈ “હવે તેને છૂટી મુક. કાલ સવારે ચાલી જશે પછી શું કરીશ,’હે તું મને મૂકી ને ક્યાં જવાની છો?’”

“સાસરે”

“સાસરે એટલે સુ ?“

તેના લગ્ન ધવલ સાથે થશે ને એટલે તેની ઘરે રહેવા જશે તેને સાસરું કે'વાય”

“તો હું પણ તેની સાથે જઈશ.”

“તારે ના જવાય જેના લગ્ન થાય એજ જાય.”

“તો હું પણ ધવલ સાથે લગન કરીશ મને તો ખુશીની જેમ એ પણ બહુ ગમે છે અમે ત્રણેય સાથે રે'સુ “...અને બધા તેની કાલીઘેલી આ વાત પર હસી પડ્યા,પછી ધવલે તેને મનાવાનો પર્યત્ન કરતા કીધું" આજે અમે જઈ આવી,કાલે આપણે બેય ખુશી ને ઘરે મૂકી જશું સ્કુટર પર પાક્કું “સચ્ચી” હા સચ્ચી."


    બીજે દી' સવાર માં ઉઠતા જ ખુશી ને કહે મને નાહવા જવું છે ચલ. તો ખુશી એ પૂછ્યું ઓહો રોજ તો બપોર થવા આવે તો પણ નહાવાનું નથી મન થતું ને આજ અત્યાર માં.”.હા મારે ધવલ સાથે સ્કુટરમાં જવું છે ને એટલે” અને ખુશી એ “ઓકે મારી માં’ કહી ગળે એક ટપલી મારી ન્હાવાનું પાણી તૈયાર કરી દઈ, માને કિચનમાં નાસ્તાની મદદ કરવા ગઈ. થોડી વાર થતા માએ પૂછ્યું “માલા ક્યાં” “ધવલ સાથે બહાર જવું છે એટલે અત્યાર માં નહાવા બેઠી છે ‘દી” કહી હસી પડી. આ છોકરી પણ કહી નીલાબેન તેને બોલવવા ગયા. રૂમમાં જતાજ “માલા ચાલ કેટલી વાર પણ’ ત્યાં નો દેખાણી તો બાથરૂમ તરફ ગયા માલા નહાતી હોય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો તેવી તે નાની હતી, ત્યારથી સુચના હતી જેથી ધ્યાન રહે આમ પણ ઘરમાં બીજું કોઈ આવતું જતું પણ નહિ, ‘ચલ માલા કેટલી વાર હવે’ બોલતા બાથરૂમ દરવાજે જઈ અંદર નું દ્રશ્ય જોતા અવાક થઇ ત્યાજ ઉભા રહી ગયા માલા તેના અનાવૃત શરીરના ઉભારને વિસ્મયતા સાથે વિચિત્ર રીતે બેઘ્યાન પૂર્વક પણ ઘ્યાનથી અરીસામાં જોઈ રહી હતી. કોઈ તેને બોલાવી રહ્યું છે એ પણ ભાન નો'તું. નીલાબેન અવાચક બની ગયા તેમને પગ નીચેથી ધરતી સરકી જત્તી હોય એવું લાગ્યું તેમની અનુભવી આંખ જે જોયું તે સમજતા વાર ન લાગી આખરે તો એ માલાની માં હતા!!


સમજાયું કે માલા માનસિક સ્તર પર ભલે અબોધ હોય પણ શરીરનો વિકાસ તો પૂર્ણ રીતે થયો છે તે પણ યુવાન થઇ છે, તો શું આ ફેરફાર ધવલના આવવાથી થયો? કુદરતની રીત છે એ મુજબ એને પણ તેના પ્રત્યે વિજાતીય આકર્ષણ થયું હશે? એમજ હશે. આમ પણ તેના પિતા પછી એટલી નજીકથી તેના જીવનમાં આવનાર ધવલ જ પ્રથમ પુરુષ છે એક મિનીટમાં તેમના મનમાં હજારો સવાલો એ ઘમસાણ મચાવી દીધું .જરા સ્વસ્થ થઇ માલાની નજીક જઈ બોલાવી તો જરા શરમાઈ હે હે કરી હસવા માંડી. અબોધ દીકરીની અંદરની મનોદશાનો વિચાર કરતા તેમનું હૈયું કરુણાથી ભરાઇ ગયું “ચલ બેટા તૈયાર થઇ જા બધા નાસ્તા માટે રાહ જોવે છે.” કહી ઝડપથી બહાર નીકળી ગયા.


     પણ વિચારોનું તોફાન તેમના મનમાં ચાલુ જ હતું. જેમ જેમ વિચારતા ગયા તેમ હમણાંથી માલાના વર્તનમાં આવેલા ફેરફાર, ધવલના આવ્યા પછી જ આવ્યા છે એ સમજતા વાર ન લાગી. તો બીજી તરફ ખુશીના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી. મોટીબેન તેની નાની બેન કે જે તેને તેના જીવની જેમ સાચવે છે અને તેની સંભાળ રાખે છે, તેના ભાવી જીવન માટે અજાણ્તાજ રુકાવટ બનશે? ના ના હું તેમ નહિ થવા દઉં, તેમને તો માલાના જીવનમાં આવો કોઈ મોડ આવશે એવું સ્વપ્ને પણ નોતું વિચાર્યું .પણ આતો કુદરતના ખેલ છે તેનો તાગ કોણ પામી શકે. તેમને મનોમન એક નિર્ણય કર્યો ને ખુશી ને બોલાવી પાસે બેસાડી; ”જો બેટા મારી વાત ધ્યાનથી સાંભળ. તું ને ધવલ એક બે દિવસમાંજ કોર્ટ મેંરેજ કરી લો, ને તું ત્યાં ધવલને ઘેર રહેવા ચાલી જા, ”ખુશી તો દંગ રહી ગઈ “કેમ માં અચાનક શું થયું?” “તને તારી માં પર ભરોસો છે તો મારી વાત માન બેટા” 


“ના માં મને તું ખુલ્લી વાત કહે પછી હું વિચારું.” તેને જીદ કરી તો માએ તેને વાત સમજાવી, સાંભળી ખુશી પણ અવાક રહી ગઈ. ઓહ મારી દી અંદર કેટલી મૂંઝાતી હશે. ના માં હું એને એવી હાલતમાં છોડીને ચાલી જાવ? અને એનાથી મારા જલ્દી લગ્નથી શું ફરક પડશે? ત્યારે મમ્મી એ સમજાવી “જો બેટા તારા પ્રત્યે જલન કે પુર્વગ્રહ કે પછી ધવલ પ્રત્યે ઘેલછા વધે એ પહેલા તમારું બંનેનું તેનાથી દૂર જવું જરૂરી છે, તેનામાં ઉભરાતા આ ઝંઝાવાતનું દમન નહિ પણ પ્રેમથી શમન કરવાનું છે.”ત્યારે ખુશી અવઢવમાં આવી વિચારવા લાગી.એક તરફ જે જીવ જેટલી વ્હાલી છે તે તેની ‘દી છે, તો બીજી તરફ જેને દિલ આપ્યું તે છે. શું કરું? માંએ તેની મનની વાત જાણી તેને લગ્ન કરવા મનાવી. આજે તેની મમ્મી માં તેને નવી માં દેખાતી’તી અને તે માં છે એટલેજ મે માલા વિષે એટલું જાણ્યું હોવા છતાં તેની એટલી નજીક રહી હોવા છતાં હું જે નો સમજી શકી તે માએ જાણી લીધું, માલા’દી નું મન અને મારું પણ.  અંતે તેણે હા પાડી. ત્રણ દી' પછી ની તારીખ મળી. જવાના આગલે દી' ખુશી આખો દી માલા સાથે રહી તેને ખુબ હીચકા ખવડાવ્યા રમી અને વારે વારે રોઈ પડતી'તી રાતે તેને વળગીને સુઈ ગઈ.


     સવારે માલાનું માથું ચૂમી ચુપચાપ એ સુતી’તી ને ભારે હૈયે નીકળી ગઈ.

ઉઠીને માલાએ તરત ખુશી વિશે પૂછ્યું. બા'ર ગઈ છે હમણાં આવશે કહી નાસ્તો કરાવ્યો. આખો દી પૂછતા પૂછતા ગયો. બીજો દી થયો હવે થોડી અકળાઈને પૂછવા માંડી. થોડી ધાંધલ પણ કરી. ત્રીજે દી તો કઈ બોલ્યા વગર દરવાજે જ ઉભી રહી. પછી સાવ સુનમુન પડી રહી ખાવામાં પણ રસ નોતો. દીકરીની આ’વી હાલત જોઈ નીલાબેનનું માતૃહૃદય દ્રવી ઉઠ્યું. તેમનાથી તેની આવી હાલત જોવાતી નહોતી. કૈક વિચારી બહાર ગયા,થોડી વાર પછી આવ્યા અસલ ખુશીની અદા થી “માલા દી ક્યાં ગઈ મારી ‘દી “બોલતા તેની પ્રિય ખાવાની વાનગીની પ્લેટ લઇ અંદર આવ્યા. માલા એ લહેકો સાંભળી આંખ ખોલી જોયું તો માને ખુશીના વેશમાં જોઈ એવાજ કપડા, એવીજ રીતે ઓળેલા વાળ, એવાજ એરિંગ, અને એવુજ મીઠું હસતી માંને જોઈ તેનું મો મલકી ગયું. માએ પાસે આવી પ્રેમથી માથે હાથ ફેરવ્યો મારી “દી”...ના ના મારી દીકરી!! ચલ થોડું ખાઈ લે પછી આપણે હીંચકા ખાશું,રમત રમશું, શું ગમશે મારી દીકરી ને ? માં તરફ્થી પ્રેમની આવી ફુહાર પહેલી વખત અનુભવતી ચાર દી’થી આ લહેકા માટે તરસતી માલા માંને વળગી પડી. માનું હૃદય સ્નેહ અને અનુકંપાથી ભરાઇ ગયું અને આંખમાંથી આંસુની ખારાશ સાથે ખટાશ પણ વહી ગઈ અને વર્ષોથી ચણેલી બનાવટી દીવાલ ઘસી પડી.


    એકવાર ‘બેન’ માં બની તી આજે માં ‘બેન’ બની ફરી “માં” બની ગઈ! અને ચાર દિવસથી પોતાની દી નું મોઢું જોવા તલસતી છતાં મન મક્કમ કરી બેઠેલી ખુશી આજે ન રહેવાતા છાનીમાની આવી ચડી'તી. તેને માં –દીકરી ના મિલનનું આ દ્રશ્ય બહાર ઉભા ઉભા જોયું. તેની આંખમાંથી ખુશીને ધરપતના આંસુ છલકાઈ ગયા ને કશું બોલ્યા વગર ત્યાંથી હળવા હૈયે પછી વળી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Drama