Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Aarti Rajpopat

Drama Thriller Tragedy


3  

Aarti Rajpopat

Drama Thriller Tragedy


ખુલતું આકાશ

ખુલતું આકાશ

9 mins 7.2K 9 mins 7.2K

અષાઢની કાળી ડિબાંગ મેઘાડંબરી રાત છે.. ગોરંભયેલા આકાશે જાણે હવાને બાંધી કેદ કરી દીધી છે.. વાતાવરણને

પણ જાણે મૂંઝ લાગી છે!

બફારો બેકાબુ બન્યો છે!

અકળાવનારી ગરમીથી પરસેવે રેબઝેબ વિનીત તેના પલંગ પર ચતોપાટ પડી છતને તાકી રહ્યો હતો. ફૂલ સ્પીડે ફરતો પંખો પણ પોતાનું પૂરું જોર લગાવવા છતાં હવા નહીં ખેંચી શકવાના અસામર્થયને લીધે જાણે ઉકળાટ ઠાલવી રહ્યો હતો.

વિનિતને તો શરીરના ઉકળાટ સાથે મનનો ઉકળાટ પણ ક્યાં ઓછો હતો. આંખમાં નીંદરનું નામોનિશાન નહોતું, ફાટી આંખે છતને તાકી વિચારતો હતો.. દિમાગમાં વારંવાર ઉભરતો એક સવાલ..

'શુ થઈ ગયું છે હસતા ખેલતા અંકિતને?' તેની બેચેની વધારતો હતો.

અંકિત એનો મોટો ભાઈ,

કહેવા માટે તો વિનિતથી

મોટો હતો પણ, એકદમ નિખાલસ. અને, બાળસહજ નિર્દોષતા એનામાં હતી. ખૂબ ભોળો, લાગણીશીલ અને એટલોજ શોર્ટટેમ્પર હતો. તેની સામે વિનીત બહુ મેચ્યોર્ડ અને ગંભીર હોવાથી બધા મજાકમાં તેને મોટો ભાઈ કહેતા. બંને વચ્ચે વધુ નહીં માત્ર દોઢ વર્ષનો જ ફરક હતો. કેવી ધીંગામસ્તી અને ધમાલ બંને હમણાં સુધી કરતા એ યાદ આવતા વિનિતના ચિંતાગ્રસ્ત ચહેરા પર એક

મ્લાન સ્મિત ઉપસી આવ્યું.

હંમેશા હસતો ખેલતો જિંદાદિલીથી જીવતો તેનો ભાઈ અચાનક ત્રણેક મહિનાથી સાવ અવાચક બની ગયો હતો. તે યાદ કરવા લાગ્યો 'હાયર સેકન્ડરી પતાવી અંકિત ને જયારે આર્ટ નો કોઈ કોર્સ માં ડિગ્રી કરવી હતી ત્યારે તેના પપ્પાએ તેને ફોર્સ કરી એમ કહી એન્જિયરિંગ લેવડાવ્યું કે તું ભણવામાં હોશિયાર છે તો એમાં જ કેરિયર બનાવ, આમ પણ આપણી આ નાની એવી ફેકટરીમાં આગળ જતા હવે તમારા ત્રણ ભાઈઓનો સમાવેશ વધતી મોંઘવારીમાં શક્ય નથી. મોટો તો ભણી લગ્ન કરી સેટલ છે તો તમે બંને સારું ભણી તમારું ભવિષ્ય બનાવો. અને અંકિતે પપ્પાની ઈચ્છાને માન આપી મન ન હોવા છતાં એન્જિનિયરિંગ લીધેલું. પહેલા ચાર સેમેસ્ટર માં તો વાંધો ન આવ્યો પણ પછી ન જાણે કેમ એનું મન જ નો'તું લાગતું અને આખરે એમાં ફેઈલ થયો તેનું ભણવા પરથી મન પણ ઉતરી ગયું.. ત્યારે પપ્પાએ અને તેને બેસાડી સમજાવેલો.. વાત જરા ગળે ઉતરતા ફરી એક્ઝામ આપી અને પાસ થયો અને એ પણ ખુબ સારા માર્ક્સ સાથે.. પછી તો છેલ્લું સેમ. પણ મહેનત અને ઇંટ્રેસ્ટ થી કર્યું.. અને કોલેજમાંથી જ ઇન્ટર પણ મળતા તે સમાચાર ઘેર લઈને આવ્યો તે દિવસે પણ કેટલો ખુશ હતો. કોલેજ પુરી થઈ અને ઇન્ટર ચાલુ જ થવાની હતી ત્યાં અચાનક એવું શું થયું કે એની હાલત આવી થઈ ગઈ..

કદી ખુબ ગુસ્સો અને ચિડચિડાપણ, વળી ક્યારેક સાવ સુનમુન થઈ જાય ખોરાક સાવ ઓછો લ્યે કોઈ સાથે બોલે નહિ, રૂમમાં પડ્યો રહે.. બીજી ખાસ એક વાત હતી કે ફોન અને ટીવીથી દૂર ભાગતો એ જોઈ ડરી જતો ચીસો પાડવા માંડતો.. " દૂર લઇ જાવ મારાથી આને.. કેમ મને હેરાન કરો છો.. એમ કહી બૂમો પાડી પાછો રૂમમાં ભરાઈ જતો.. એક દિવસ તો મોટાભાઈની નાનકી દિયા ચાચુની લાડલી ફોન લઈ અંકિત પાસે ગઈ ' ચાચુ સેલ્ફી.. સ્માઈલ પ્લીઝ' અને શું થયું પણ અંકિત વાયોલન્ટ થઈ ગયો તેના હાથમાંથી ફોન લઈ ફેંકી દીધો.. બિચારી છ વર્ષની દિયા ખુબ ડરી ગઈ હતી.

ડોક્ટર ના કહેવા મુજબ ડિપ્રેશન છે તેના મનમાં શું ચાલે છે એનો તાગ મેળવવો પડે પણ એ કશું બોલતોજ નહોતો.. કંઈ પણ પૂછવા જઈએ તો રડી પડતો.. ડોક્ટર એ કહ્યું આમજ રહેશે તો તેનું માનસિક સંતુલન જતું રહેશે. ગોરંભાટ એટલો ને અકળામણ વધતી જાય છે શું કરવું કઈ સમાજ નથી પડતી.. ત્યાં 'વિનીત...' કરી મમ્મીની બુમ સંભળાઈ.. સફાળો ઉભો થઈ તેમના રૂમ તરફ ભાગ્યો.. શું થયું હશે..?

અંકિત ને તો કશું.. ને એના પેટમાં ફળ પડી.

આમ તો એ બંને એક જ રૂમમાં સુતા પણ હમણાંથી તેને મમ્મી તેની પાસે સુવડાવતી. મનમાં બબડતો ને વિચારતા પહોંચી જોયું તો અંકિત આખો ધ્રુજી રહ્યો હતો.. હાથ પગ ખેંચાતા'તા આંખો ચકળ વકળ.. મમ્મી એ કહ્યું ઊંઘમાંથી ડરીને જાગી ગયો અને હવે આવું થાય છે. પોતે જઈ પાસે બેસી એને બેઠો કર્યો છાતીએ લગાવ્યો.. વંડામાં માથે હાથ ફેરવી થોડી વાર એમજ રહેવા દઈ સુવડાવ્યો માથે હાથ ફેરવતા રહી સુઈ ગયો ત્યાં સુધી બેસી રહ્યો..

માની આંખમાં આંસુ સમતા નહોતા.. તેને પણ અંકિતની હાલત જોઈ ખુબ તકલીફ થઈ પોતાના રૂમ તરફ ધીમે પગલે ચાલ્યો વચ્ચે પડતા ઘર મંદિર પાસે તેના પગ અટકી ગયા ઈશ્વર પાસે કદી કશું નહીં માંગ્યું હોય એવા વિનીત થી આપોઆપ બે હાથ જોડાય ગયા 'પ્રભુ હવે તમેજ કશો રસ્તો સુજાવો હવે નથી જોવાતું..' આટલું કહી પોતાના રૂમમાં ભાગ્યો. બહાર જોરથી વીજળી ગરજી ને વરસાદ તૂટી પડ્યો.. અંદર વિનીત તકિયાના મોં છુપાવી રડી પડ્યો કેટલીવાર સુધી બહાર વરસાદ અને અહીં વિનીતની આંખો વરસતા રહ્યા.. અચાનક ચમકતી વીજળીનો તેજ લિસોટો બારી સુધી ડોકિયું કરી ગયોને વિનીતના મનમાં ઝબકારો થયો અંકિતના કોઈ ફ્રેન્ડ્સ ને મળી કંઈ જાણી શકાય.. એના ફ્રેન્ડ્સ? ઓહ મોબાઇલમાંથી મળશે એમના નમ્બર.' અને એનો ફોન યાદ આવ્યો.. ક્યાં છે એનો ફોન? યાદ આવ્યું ઘણા દિવસથી તેદી દિયા સાથે થયું પછી એનો ફોન તો અહીં કબાટ માં જ મૂકી દીધો હતો. ઉઠ્યો આંખ સાફ કરી ફોન શોધીને કાઢ્યો પણ એટલા દિવસથી વપરાયો નહોતો તેથી બેટરી ઝીરો હોવાથી બંધ હતો.. ઝટપટ ચાર્જર લગાવી ચાર્જ માટે મુક્યો.. બે ત્રણ પોઇન્ટ ચાર્જ થતા તરત ચાલુ કર્યો પણ ખુલ્યો નહિ પાસવર્ડ નાખેલો હતો. હવે? હવે કેમ ખોલું અને ખુલે નહિ ત્યાં સુધી ફ્રેન્ડ ના નંબર કેમ મળે.. હવે તો એક ઉપાય છે સવારે કોઈ મોબાઈલ શોપમાં જઈ કઈ રસ્તો કાઢું વિચારી આશાની એક કિરણ દેખાતા આંખે એક ઝપકી મારી.

સવારે ઉઠી ફટાફટ તૈયાર થઈ બહાર આવ્યો નાસ્તાના ટેબલ પર ભાભી એ બનાવેલ નાસ્તો સહુ એ ઉદાસ ચહેરે ચુપચાપ ખાઈ લીધો.

માં: 'બેટા કંઈક કર ને એની હાલત હવે જોવાતી નથી' કહી ફરી રડી પડી.. ભાઈ ભાભી પપ્પા બધાની આંખ ભીની થઈ ગઈ.

'હા માં તું ચિંતા ન કર આપણો હસતો ખેલતો અંકિત આપણને જલ્દી પાછો મળશે.'

બીજું એની પાસે કહેવા માટે હતું પણ શું!

દુકાનો દસ વાગ્યા પછી ખુલે તો જવાને હજુ થોડી વાર હતી એ વારંવાર ઘડિયાળ જોતો હતો સમય પણ જાણે એની ઉતાવળ સામે ધીમો પડ્યો હતો.

ત્યાં બારણે બેલ વાગી..

વિનીતે જઈ દરવાજો ખોલ્યો બાર એક યુવાન ઉભો હતો.. 'અંકિત નું જ ઘર છે ને આ?'

'હા તમે કોણ'

'હું તેનો કોલેજ નો દોસ્ત રોહન.. તું વિનીત છે ને તેનો ભાઈ'

'હા પણ મેં તમને જોયા નથી અને ઓળખતો પણ નથી.. આમ તો હું એના લગભગ બધા મિત્રો ને ઓળખું છું'.

'હું અંદર આવી શકું? પછી બધી વાત કરીએ.'

'ઓહ સોરી.. ચોક્કસ આવો ને'.

એ આવ્યો અંદર સોફા પર ગોઠવાયા પછી વિનીતે અધીરાઈ થી પૂછ્યું 'શું તમે બંને ખુબ સારા મિત્રો હતા'?

'ફાઇનલ યર માં અમે ખુબ ક્લોઝ થઈ ગયા હતા.'

'તો તમને એની હાલત વિષે જાણ હશે જ ને? આટલા દિવસ કેમ ન દેખાયા? એની સાથે શું કોલેજ માં કે બહાર કશું થયું હતું? તમે એના મોબાઈલનો પાસવર્ડ જાણો છો'? વિનીતે એક સાથે એક શ્વાસે કેટલાય પ્રશ્નો પૂછી લીધા.

'અરે અરે શાંતિ બધું કહું છું.'

અને પછી એણે જે કીધું એ જાણે રાતે ફ્રેન્ડને યાદ કરવો અને અત્યારમાં તેનું આવી પહોંચવું એક યોગાનુયોગ હતો કે દિલથી માંગેલી દુઆનો ઈશ્વરીય સંકેત!

'હું અને અંકિત કોલેજમાં સાથે હતા પણ શરૂઆતમાં અમારે એવી કોઈ દોસ્તી નહોતી. પણ ધીમે ધીમે મારા બીજા દોસ્ત થ્રુ એને મળ્યો મને એનો જિંદાદિલ સ્વભાવ ખુબ ગમ્યો ને ધીરે ધીરે અમે જિગરજાન મિત્રો બની ગયા.. પણ મને કદી તને કે તારા ઘરનાને મળવાનો મોકો ન મળ્યો.. બધું બરાબર જ હતું એને જોબ મળવાથી ખુબ ખુશ પણ હતો. પણ તમને યાદ હશે કોલેજ ના લાસ્ટ ડે અમે લોકો નાઈટ સ્ટે કરવા બધા મિત્રો સાથે છેલ્લી વાર રહી લઇ, પછી તો બધા પોતપોતાના રસ્તે ચાલ્યા જશે વિચારી રિસોર્ટ ગયેલા?

બધા બેસી તેની વાત ધ્યાનથી સાંભળતા હતા.

એ દિવસે રાતે જમતા જમતા બધા વાતો કરતા બેઠા હતા ડ્રિન્ક ડાન્સ અને ડિનરની મોજ ચાલી રહી હતી.. ખુબ મોડા બધા પોતપોતાના રૂમમાં સુવા ગયા.. હું અંકિત અને હજી એક ફ્રેન્ડ એક રુમ શેર કરતા હતા.. ગ્રુપમાં કેટલીક છોકરીઓ પણ હતી એ લોકો પણ બે રૂમ શેર કરી રહેવાના હતા.. ત્યાં સામી બાજું કોઈક ઝગડી રહ્યું છે એવું લાગ્યું અમે ત્યાં ભાગ્યા..

ત્યાં વાત એમ હતી કે પીધેલા એક પૈસાદાર બાપના બગડેલા છોકરાએ મિતાલીની કશી ગંદી મજાક કરી હતી તો બધી ગર્લ્સ એની સાથે ઝગડી રહી હતી.. વિનીતને મિતાલી માટે સોફ્ટ કોર્નર તો એનું માથું ફરી ગયું એ વચ્ચે પડ્યો એમાં પેલા છોકરાને અને એને ખુબ બોલાચાલી અને હાથાપાઈ થઈ ગઈ.. માંડ બધાએ વચ્ચે પડી બેઉને શાંત પાડ્યા પેલા પાસે મિતાલીને સોરી કહેવડાવ્યું.

અને બધા સુવા ગયા.. સવારે હવે વધુ કોઈને રહેવાનો મુડ નો'તો તો બધા પાછા ફર્યા..

વિનીતને યાદ આવ્યું તે દિવસે સવારમાંજ પાછા આવી જતા બધાએ પૂછ્યું હતું કે તું તો રાત્રે આવાનો હતો ને ત્યારે તેણે એમજ કહી વાત ઉડાવી દીધેલી.

'હું તો પછી એક વીક માં મારા વિઝાને બધું તૈયાર હતું તો મારી બેન પાસે યુએસ ચાલ્યો ગયો.. ત્યાંથી પણ અમારે રેગ્યુલર વાતો થતી.. લગભગ ૧૫-૨૦ દિવસ પછી એક દિવસ અંકિત બહુ અપસેટ હતો.. મને કહે પેલો રિસોર્ટમાં ઝગડો થયો તો એ મને રોજ ધમકી આપે છે તને જોઈ લઈશ મારી પાસે માફી મંગાવી પેલી ચાંપલી ને પણ જોવા જેવી કરીશ..

ફરી બીજે દિવસે એમ રોજ કહેતો કે એ રોજ ડરાવે છે એક દિવસ વધારે ડરેલો હતો મને કે' તું કયારે આવે છે તારું ખાસ કામ છે. પેલાએ તારું નામ પણ લીધું આજે તારી પર પણ ખાર રાખી બેઠો છે. ને હું ડરી ગયો મારા પપ્પાને બધી ખબર પડે તો મારુ આવી બને.. મેં અંકિતના કોલ લેવાના બંધ કરી દીધા વોટ્સઅપ પણ બંધ કરી દીધું હું સ્વાર્થી બની ગયો.. અને મારું રોકાવવાનું પણ ત્યાં લંબાવી દીધું.

થોડાં દિવસ પછી મને લાગ્યું મેં આ બરાબર નથી કર્યું શું થયું હશે અંકિત સાથે લાવ ફોન કરી જોઉં પણ, એનો ફોનજ બંધ આવતો હતો મને બહુ ચિંતા થતી'તી.

મારુ મન મને કોસતું હતું..

હજી ગઈ કાલે સવારે જ આવ્યો એક ફ્રેન્ડ પાસેથી અંકિતની હાલત જાણી અહીં આવ્યો.'

'લાવ એનો ફોન ક્યાં છે મને પાસ્વર્ડ તો ખબર છે જો એને બદલ્યો નહિ હોય તો.'

વિનીતે ખીસામાંથી ફોન કાઢીને આપ્યો.

રોહને પાસ્વર્ડ નાખ્યો

ફોન ખુલી ગયો..

એ અને વિનીત બંને એ મળી મેસેજ ચેક કર્યા પછી વોટ્સઅપ ખોલ્યું તેમાં એક અનનોન નંબર પરથી કેટલા મેસેજ હતા અને એમાં સાથે હતા અંકિત અને મિતાલીના ફોટોશોપ કરેલા ગંદા ફોટોગ્રાફ્સ અને એ બંનેની ઘરે કોલેજ માં અને એની થનારી ઓફિસમાં બતાવી દેવાની લૂખી ધમકી.

બંને આઘાતથી સુન્ન થઈ ગયા. એકલા એકલા શું શું સહન કર્યું હશે આ છોકરાએ કેવી વીતી હશે તેની પર.. ને વિનીતને તેનું ફોન અને કેમેરાથી ડરવાનું કારણ પણ સ્પષ્ટ સમજાઈ ગયું.

હવે શું કરવું એ વિચારી થોડી વાર બેય ચુપચાપ બેઠા રહ્યા.

પછી.. રોહન: 'ક્યાં છે અંકિત હું એને બે મિનિટ મળી શકું જોઈ શકું..'

વિનીત એને એના રૂમમાં લઈ ગયો.. ઉનમુન ટુંટિયુ વાળી બેઠો તો પલંગ પર ઓળખાઈ પણ નહિ એવો..

રોહને એકદમ પાસે જઈ ધીમેથી બોલાવ્યો..

'અંકિત'...

અવાજ સાંભળી ઊંચું જોયું.. થોડી વાર તાકી રહ્યો એને.. પછી એના ચહેરાના હાવભાવ બદલાયા.. રુદન, પીડા હાસ્ય, ધરપત ન જાણે કેટલા ભાવ આવ્યા ને ગયાં.. ઉભો થયો અને કેટલા દિવસે બોલ્યો 'રોહન.. તું આવી ગયો? ક્યાં હતો? હું કેટલો એકલો પડી ગયો હતો..' કહી એને વળગી રડી પડ્યો..

ખુબ વાર રડી પછી 'ચાલ તને ઘણી વાત કરવી છે બહાર જઈએ'?

રોહન અને વિનીતે એક બીજાની સામું જોયું.

'ના તું હમણાં આરામ કર મારે થોડું કામ છે હમણાં કલાક માં આવું હો . .પછી આપણે બધી વાત કરશું..'

'પણ તું પાછો ચાલ્યો નહિ જાય ને?

'ના ના હમણાં જ આવ્યો તું ચિંતા ન કર.'

વિનીત ને લાગ્યું હવે ખતરો ટળી ગયો. ગોરંભાયેલું આકાશ આખી રાત ના વરસાદ પછી ખુલી ગયું હતું વાદળો છટી ગયા હતા.


Rate this content
Log in

More gujarati story from Aarti Rajpopat

Similar gujarati story from Drama