Bansari Joshi

Drama Tragedy

4.5  

Bansari Joshi

Drama Tragedy

"વિસ્મયા"

"વિસ્મયા"

21 mins
438


(દ્રશ્ય:૧)

"મમ્મી આજે તો તારે અમને મેળામાં લઇ જ જવું પડશે." પોતાના પાડોશી સંયુકતાબેનના ઘરેથી રસોઇકામ કરી પરત ફરેલી પોતાની મમ્મીને જોતા જ "વિશેષ" અને "પવિત્રા"એ પોતાની મમ્મીની સાડીનો પાલવ પકડી લીધો અને મેળામાં લઈ જવાની જીદ કરવા લાગ્યા. હાથ મોઢું ધોઈ વિસ્મયાએ પોતાના બેય વહાલસોયાં સંતાનોને આલિંગનમાં લઈને ખૂબ વહાલ કરતા કહ્યું, "હાસ્તો વળી આજે તો જઇશું જ ને, એટલે જ તો હું આજે જલ્દી રસોઈ પતાવીને આવી ગઈ છું. ચાલો ચાલો.. તૈયાર થઈ જાઓ ફટાફટ. "વિશેષ"અને "પવિત્રા" ઉમળકાભેર પોતાના માટે લાવી આપેલા નવા કપડાં પહેરવા રૂમમાં દોડી ગયા.

(દ્રશ્ય:૨)

વિશેષ આમ તો તારે જ મમ્મીને તારી સાથે અમેરિકા લઈ જવું જોઈએ. તારા અને તારી અમેરિકન પત્ની લિઝાના વિઝા તૈયાર થયા પણ મમ્મીના વિઝામાં રુકાવટ આવી રહી છે આવું વારે વારે કેમ થઇ રહ્યું છે એ મને સમજાતું નથી. પવિત્રા એરપોર્ટમાં પ્રવેશતા જ પોતાના ભાઈ વિશેષને સવાલ કરવા માંડી. પવિત્રા પોતાના પતિ "સુબોધ" અને દીકરા "સુરમ્ય"સાથે પોતાના ભાઈ વિશેષને અમેરિકા વળાવા માટે એરપોર્ટ પહોંચેલી. વિશેષ હવે અમેરિકા પોતાની પત્ની લિઝાની કંપનીમાં પાર્ટનર બની ગયેલો અને પવિત્રા પણ કમ્પ્યૂટર એન્જિનિયર બની પોતાના પિતાની માફક જ એક સારી નોકરી અને હોદ્દા ઉપર સ્થિર હતી. બેઉ આ વાત કરી જ રહ્યા હતા ત્યાં વિશેષની પાછળ સ્તબ્ધ થઈને ઉભેલી પોતાની મમ્મીને જોઈને પવિત્રા કળી ગઈ કે ભાઈ ઇરાદાપૂર્વક મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ જવા નથી માંગતો. છતાં વિસ્મયાએ છેલ્લી એક વાર ફરી પ્રયત્ન કરવાના મનથી કરગરતા સ્વરે પોતાના દીકરા વિશેષને કીધું, "બેટા આજે તો તારે મને અમેરિકા તારી સાથે લઈ જવાની જ છે પણ પોતાની મમ્મીની કરુણામયી આંખોને જોવાનો વિશેષ પાસે કોઈ વિશેષ દ્રષ્ટિકોણ બાકી નહોતો રહ્યો. કારણકે હવે તે બધું જ લિઝાની આંખોથી જોતો હતો.

(દ્રશ્ય: 3) 

આખરે બધી વાટાઘાટને અંતે ભારે હૃદયે વિશેષને વિદાય આપી પવિત્રા પોતાની મમ્મીને પોતાની ઘરે રહેવા લઈ આવી, જે પવિત્રાના પતિ સુબોધ અને તેના ટીનએજ દીકરા સુરમ્યને જરાય નહોતું ગમ્યું પણ એમનો અણગમો વહોરીને પણ પવિત્રાએ મનોમન પોતાની વૃદ્ધ માંને સાચવવાનો દ્રઢ નિર્ધાર કરી લીધેલો. ઉદાસ થઈને બેઠેલી પોતાની માતાને આશ્વાસન આપતાં પવિત્રાએ એટલું જ કહ્યું કે, "મમ્મી તું જરાય ના મૂંજાઈશ નહીં. હું હંમેશા તારી પડખે છું." પોતાના પ્રાણથીયે વિશેષ એવા પોતાના દીકરા "વિશેષ"ના આવા રુક્ષ વ્યવહારથી ભાંગી પડેલી વિસ્મયાએ રડતા રડતા પોતાની દીકરી પવિત્રાને કહ્યું, "પવિત્રા તને યાદ છે એ દિવસ જ્યારે હું રસોડું પતાવીને તને અને વિશેષને મેળામાં લઇ ગઇ હતી. કરકસર કરી કરીને એટલા પૈસા જોડી લીધેલા કે જેથી વિશેષ જે પણ ચગડોળમાં બેસવાનું કે તો હું એને નિ:સંકોચ બેસાડી શકુ. ત્યારે એણે મોટા ચકડોળમાં બેસવાની એટલી બધી જીદ કરેલી કે મારો હાથ છોડાવીને ચગડોળમાં બેસવા એ ભાગી છૂટેલો અને ભીડમાં ખોવાઇ ગયેલો." 

"હા મા મને યાદ છે." પવિત્રાએ ગળગળા સ્વરે કહ્યું. 

"વિશેષ જ્યારે મેળામાં ખોવાઈ ગયો ત્યારે મારો જીવ એટલો અધ્ધર થઈ ગયો હતો જાણે પ્રાણ વગરનું શરીર લઈને હું તને કાંખમાં લઇ રઘવાઈ બની આમતેમ દોડતી રહેલી અને ખૂબ શોધખોળ બાદ આખરે એ મળેલો." વિસ્મયા ભૂતકાળને વાગોળતા બોલતી રહી. 

"હા માં..પણ મેં જરાય નહોતું વિચાર્યું કે વિશેષ ક્યારેક ઇરાદાપૂર્વક તારો હાથ પણ છોડાવી લેશે અને વિદેશ જતો રહેશે પણ જે થયું એ....જ્યારે કોઈ મઝધારે એકલું છોડે ત્યારે જ તો આપણે આપણા હલેસા મારવાના જોમથી વાકેફ થતા હોઈએ છીએ ને..? ગમે તેવું ઝાંઝવું લાગે જીવન પણ તોય તરવું તો પડશે જ. હું છું ને તારી સાથે. "લાઠી" ન સહી મને તારું હલેસુ સમજી લે. મારા જન્મ વખતે તે જેટલી સૂંઠ ખાધી હતી ને એટલી જ સૂંઠ મેં પણ મારા દીકરાને જન્મ વખતે ખાધી છે હોં. મમ્મી હવે તો અવસર આવ્યો છે કે હું તારું હલેસુ બની તારી મઝધારે અટવાયેલી નૌકાને પેલે પાર લઈ જવા નિમિત બની શકું. આવા નિમિત્ત બની જવાના સૌભાગ્ય હું બિલકુલ છોડતી નથી." પવિત્રાએ પોતાની નિર્જીવ બનીને બેઠેલી માંના મનમાં નવી ઉર્જા સંચારીત કરતા કહ્યું.

હતાશ થયેલી આંખોમાં જાણે આશાનું કિરણ દેખાયું હોય એમ વિસ્મયા પોતાની દીકરી પવિત્રાને ભેટી પડી.

 પણ.. પવિત્રાની કસોટીનો સમય તો હવે જ પાકેલો. 

(દ્રશ્ય:૪)

બીજે દિવસે સવારે જ્યારે બધા નાસ્તો કરવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા ત્યારે સાડીને બદલે ડ્રેસ પહેરીને આવેલી પોતાની મમ્મીને જોતા જ પવિત્રાને થોડું અચરજ થયું વધારે અચરજ ત્યારે થયું જ્યારે એણે મમ્મીને અંબોડાની બદલે બે ચોટલામાં જોઈ. પવિત્રાના પતિ અને દીકરાને તો હાસ્યાસ્પદ લાગ્યું પણ પવિત્રાને ભારોભાર વિસ્મય થયો. થયું કે મમ્મી કેમ વળી આજે આમ તૈયાર થઈને આવી હશે? બધા નાસ્તો કરવા બેઠા. વિસ્મયા પણ ચા અને પરોઠા ખાઇ પોતાના રૂમમાં જતી રહી. સુબોધ ઓફિસ માટે રવાના થયો અને સુરમ્ય કોલેજ માટે રવાના થયો. પવિત્રાએ મમ્મી માટે આજે એક દિવસની છુટ્ટી લીધેલી એટલે એ બધું કામ આટોપી શાંતિથી નાસ્તો કરવા બેઠી. થોડી વાર થઈ ત્યાં વિસ્મયા એની પાસે આવી અને ડાઇનિંગ ટેબલ પર બેસતા કહ્યું, " ચાલ નાસ્તો કરી લઈશું? તે કર્યો બેટા કે આપણે સાથે જ કરીશું?" પવિત્રાને ફરી અચરજ થયું કે મમ્મી હમણાં જ તો નાસ્તો કર્યો છે. 'કદાચ ફરી ભૂખ લાગી હશે.' પવિત્રા મનોમન બબડી. હશે કંઈ વાંધો નહીં અને બેઉએ ફરી નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી પવિત્રા મમ્મીને લઈને બજાર ગઈ. લીફ્ટમાં પ્રવેશતા જ વિસ્મયાએ 0 ની બદલે એકનું બટન દબાવ્યું અને લિફ્ટ પહેલા માળે ઉભી રહી. પવિત્રાને ફરી અજુગતું લાગ્યુ. ગઠમથલમાં જ એ સીડીઓ ઉતરી ગઈ. 

(દ્રશ્ય ૫)

ત્યાં તો... સામા અંજનાકાકી દેખાયા. અંજનાકાકી એટલે મમ્મીની સૌથી જૂની બેનપણી. મમ્મી રસોઈકામ કરવા જતા હતા ત્યાં બાજુના ઘરે અંજનાકાકી પણ કામ અર્થે આવતા.  ત્યાંથી જ પાંગરેલી એમની મૈત્રી અંજનાકાકી અને વિસ્મયા માટે ઘણી ખાસ રહી હતી. અંજનાકાકીને વિસ્મયાની નાદુરસ્ત તબિયતના ખબર મળેલા એટલે એ વિશેષરૂપે મમ્મીને મળવા આવેલા પણ આ બધી વાતો વચ્ચે કંઈક વિચિત્ર ઘટના બની રહી હતી જે એ હતી કે મમ્મી અંજનાકાકી સામે નજર સુદ્ધા નહોતા માંડતા ઉલ્ટું એમનો રસ એમણે પહેરેલા ડ્રેસના દુપટ્ટાને સરખો કર્યા કરવામાં વધારે રહેલો જણાતો હતો. પવિત્રાને થયું કે હમણાં બે સહેલીઓ ભેટી પડશે પણ અંજનાકાકીએ ભેટવા માટે લંબાવેલા હાથ પ્રતિક્રિયા ન મળતાં છેવટે લંબાયેલા જ રહ્યા. અંજનાકાકીથી રહેવાયું નહીં અને એ બોલી ઉઠ્યા, તારું ધ્યાન ક્યાં છે વિસ્મયા? ક્યાં ખોવાયેલી છું? હું તારી અંજના તને મળવા આવી છું. જો તો ખરી જરા" એની આ વાત સાંભળીને પણ વિસ્મયા જાણે કોઈ પથ્થરની મૂરત હોય તેમ સ્થિરપણે ઉભી રહી હતી. પવિત્રાને લાગ્યું જાણે મમ્મી કોઈ ગડમથલમાં અટવાયેલી હતી પણ પછી થોડું ગળું ખંખેરીને વિસ્મયા બોલી, "અંજના...?અંજના..? પણ કોણ અંજના?

અંજના...?અંજના..? પણ કોણ અંજના....?

અને આ સાંભળતા જ પવિત્રા અને અંજનાકાકી બેઉની આંખ પહોળી થઈ ગઈ. અંજનાકાકીથી તો ડૂસકું ભરાઈ ગયું. પવિત્રા અચંબિત થઈને પોતાની મમ્મીને જોઈ રહી અને ફરી આશ્ચર્યમાં સરી પડી. 'આજે મમ્મીને થયું છે શું? કેમ આ રીતે વર્તે છે?' પણ પછી અંજનાકાકીને પોતાની બાજુમાં બોલાવી પવિત્રા એટલું જ કહી શકી કે, "અંજનાકાકી મમ્મીની જરા વધુ જ તબિયત ઠીક નથી લાગતી, કદાચ તાવ મગજ પર ચડી ગયો હશે એટલે આમ તમારી ઓળખાણ નથી થઈ રહી"અંજનાકાકીને પવિત્રાની વાત ગળે નહોતી ઉતરતી પણ એમણે પોતાનું મન મનાવ્યું ને જય શ્રી કૃષ્ણ કહી ભારે હૃદયે ત્યાંથી રવાના થયા. પોતાની આટલી નિકટની મિત્રની આવી સ્થિતિ જોઈને એમને ઘણો અજંપો અનુભવાયો. 

 કાકીને વળાવીને ત્યાર પછી પવિત્રા પોતાની મમ્મીને કારમાં બેસાડી માર્કેટ જવા સાથે સાથે જ નિકળી. પવિત્રાએ ડ્રાઈવ કરતા કરતા મ્યુઝિક પ્લેયર શરૂ કર્યું. સંગીત રેલાવા લાગ્યું. જેવું સંગીત શરૂ થયું વિસ્મયા જાણે એકદમ જ આનંદમાં આવી ગઈ. મ્યુઝિક પ્લેયરમાં ગીત ગુંજતું હતું. 

"ચંદા હે તુ મેરા સૂરજ હે તુ,

ઓ મેરી આંખો કા તારા હે તુ." 

સાથેસાથે ગાતા વિસ્મયાની આંખો સજળ થઈ ગઈ. એની આંખોમાં જાણે વિશેષની યાદોનું પૂર તણાઈ આવ્યું અને એ વિચારોમાં તરબોળ થઈ વિસ્મયા ધ્રુસકે ને ધ્રુસકે ગીત સાંભળતા સાંભળતા જ રડી પડી. કારને તરત જ સાઈડમાં પાર્ક કરી પવિત્રાએ પોતાની મમ્મીને શાંત કરી અને કહ્યું, "મમ્મી હું સમજુ છું કે તને વિશેષ બહુ સાંભરી રહ્યો છે પણ હવે વિશેષભાઈને પાંખો ફૂંટી ગઈ છે. હવે થોડી એ માળામાં રહે? એ તો ઉડી ગયો પોતાની વિદેશી ચકલી સાથે. સાચું કહું તો મમ્મી તું પણ તારું કાળજુ કઠણ કરી લે હવે અને હું છું ને. તું ચિંતા ન કર. આપણે સાથે જ છીએ. હંમેશા રહીશું. જે વિશેષનું તું વિશેષપણે લાલન પાલન કરતી હતી એને તો જાણે તારી સાથે કોઈ મમતાનું ઋણાનુબંધ હતું જ નહીં એટલી સહજ રીતે એ વિદેશ જતો રહ્યો. હવે આ વાસ્તવિકતા તું જેટલી જલ્દી સ્વીકારી લે એટલી તને ઓછી પીડા થશે" પોતાના હાથોથી પોતાની માંની આંખોના ખૂણા લૂછતી પવિત્રા જાણે માં જેવી ઋજુ ભાસતી હતી અને વિસ્મયા જાણે એની દીકરી બની ગઈ હોય એવી સહજ રીતે રડી રહી હતી. 

(મા- દીકરીનો સંબંધ પણ કેવો ગજબ હોય છે; ક્યારેક દીકરીના વાળની પેંથીએ પેંથીએ તેલ પૂરતી માં, દીકરીના બે મજબૂત ચોટલા બાંધતી હોય છે ત્યારે એ જ શિખામણ આપતી હોય છે કે જીવનમાં પણ મજબૂત બનજે. કોણ જાણે એ જ દીકરીઓ મોટી થઈ, સમજણી થઈ પોતાની માંની પથદર્શક બની જતી હોય છે.) 

(દ્રશ્ય:૬)

સ્વસ્થ થઈ બેઉ માર્કેટ ભણી ચાલ્યા. પવિત્રાએ પોતાની મમ્મીને કહ્યું, " મમ્મી આપણે ઓલરેડી ઘણી જ વાર થઈ ગઈ છે. સુરમ્યનો પણ કોલેજથી આવવાનો સમય થઈ ગયો છે તો આપણે જલ્દી જલ્દી શાકભાજી અને ફળો લઈને પરત ફરીએ. એટલે તું આ તરફથી ફળો લઈ લે અને હું બીજી તરફથી શાકભાજી લઇ લઉ છું" એમ કહી મમ્મીના હાથમાં થેલી આપી પવિત્રા બીજી લાઈન તરફ ચાલવા લાગી. વિસ્મયા પણ ફળોની લારી તરફ ચાલવા લાગી. સફરજનની લારી દેખાતા જ તેણે એક કિલો સફરજન તોળાવી લીધા. બીજી લારી કેળાની અને સંતરાની દેખાતા એ પણ એક-એક કિલો તોળાવી લીધા. સ્ટ્રોબેરી અને કીવી પણ લીધા. પછી પરત ફરતા ફરી એ જ સફરજનની લારીમાંથી બીજી વાર એક કિલો સફરજન લીધા. બધા ફળના થેલા લઈ જ એ પવિત્રા પાસે આવી પહોંચી. પવિત્રાએ પણ શાકભાજી લઈ લીધા હતા. બેઉ જણ હજુ તો એકબીજા સાથે વાત કરતા હતા કે બેઉંએ શું શું લીધું? ત્યાં તો સફરજનની લારીવાળો ભાઇ દોડતોદોડતો આવ્યો અને કહ્યું કે. "બેનબા આ તમારા મમ્મી છે?" 

પવિત્રાએ કહ્યું, "હા ભાઈ કેમ શું થયું?" 

ભાઈએ કહ્યું કે તમારા મમ્મી બે વાર મારી પાસેથી સફરજન લઇ ગયા છે અને બે કિલો સફરજનની સામે ત્રણ કિલોના ભાવ ચૂકવીને ગયા છે. આ રહ્યા તમારા વધેલા પૈસા. એમ કહી એ ભાઈ પૈસા પવિત્રાના હાથમાં આપીને પોતાની લારી લઇ ચાલતો થયો. "આખરે આ બધું થઈ શું રહ્યું છે?" પવિત્રા હવે અકળાઈને બોલી ઉઠી. "મમ્મી આ શું કરી રહી છે તું? આજે આટલી બધી ગફલત કેમ થાય છે તારાથી? તબિયત તો ઠીક છે ને?" પણ વિસ્મયા સ્વયં જ સમજી નહોતી રહી કે એની સાથે આખરે આ બધું થઇ શું રહ્યું છે? આટલા બધા ગરબડ ગોટાળા થઈ કેમ રહ્યા છે? સ્તબ્ધતામાં એ એટલું જ બોલી શકી કે,"પવિત્રા બેટા મને જરા સારું નથી લાગતું મને ઘરે લઈ જા ને. મને ખૂબ જ બેચેની અને વ્યાકુળતા અનુભવાય છે. જાણે કોઈ ટ્રેન છૂટી રહી છે સતત એવો આભાસ થયા કરે છે. જાણે હમણાં જ મારી કોઈ ટ્રેન પાટા પરથી ઉતરી જશે સતત એવો ભય અનુભવાય છે." આટલું બોલતા એમના કપાળ પર પરસેવાના ટીંપા બાઝી ગયા. આખરે કઈ ટ્રેનની મમ્મી વાત કરી હતી એ વિચારે પવિત્રા પણ ચકરાવે ચડી...

(દ્રશ્ય:૭)

પવિત્રા અને વિસ્મયા શાકભાજી અને ફળો લઈને ઘરે પરત ફર્યાં. વિસ્મયા તો વિચારોના થાકને કારણે સીધી રૂમમાં જઈને સૂઈ જ ગઈ. સાંજે સુબોધ ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે સાથે ચા પીતા-પીતા જ પવિત્રાએ સુબોધને મમ્મીથી ગત દિવસોમાં થઈ રહેલી ગરબડો વિશે સઘળી વાત કરી. સુબોધ પણ થોડીવાર તો આશ્ચર્યમાં પડી ગયો પણ અચાનક જ એને કઈંક યાદ આવ્યું અને એણે પવિત્રાને કહ્યું કે, "મને લાગે છે કે મમ્મીને પણ "અલ્ઝાઇમર"ની બીમારી લાગુ પડી ગઈ હોય કારણકે મારી ઓફિસમાં મારા એક કલીગે છેલ્લા બે અઠવાડીયાની રજા લીધી ત્યારે ઓફિસમાં એના વિશે ઘણી પૃચ્છા થયેલી. ત્યાર પછી મારા બોસે મને જણાવેલું કે એમના પિતા "અલ્ઝાઇમર"થી પીડિત છે એ બધું જ ભૂલી રહ્યા છે અને એને કારણે એમનું કુટુંબ રોજબરોજની ઘટનાઓમાં પણ ખૂબ ખોરવાઈ રહ્યું હતું એટલે થોડો સમય માત્ર પોતાના પિતાની દેખરેખ માટે એણે રજાની અરજી કરી દીધી હતી. 

 પવિત્રા તો આ વાત સાંભળીને ઘડીભર થંભી ગઇ અને વિચારે ચડી ગઈ, 'શું ખરેખર મમ્મી પણ આવી જ કોઈ સ્થિતિથી મૂંઝાતી હશે? શું એને પણ આ ગરબડોથી સમજાતું નહીં હોય કે આખરે આ બધું કેમ બની રહ્યું છે? જો એવું જ હોય તો હું કાલે જ એમને સારામાં સારા ડોકટરને બતાવવા લઈ જઈશ. મનોમન નક્કી કરી એણે સુબોધને પણ જણાવ્યું અને પછી રાતની રસોઈ માટે રસોડા તરફ ચાલી ગઈ. રસોઈ કરીને બધું કામ પરવારી એણે પોતાની ડાયરીમાંથી પોતાના ફેમિલી ડોક્ટરને નંબર લગાવ્યો અને એમની પાસેથી જ "અલ્ઝાઈમર"ના નિષ્ણાંત ડો. વીણા શર્માની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. 

(દ્રશ્ય:૮)

બીજે દિવસે સવારે મમ્મીને આ વિષય પર કંઈ જાજુ જણાવ્યા વગર જ પવિત્રા પોતાની મમ્મીને સીધી ડો. વીણા શર્મા પાસે લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચતા જ વિસ્મયા ચારે તરફ લગાવેલા મગજના ફોટાને અવાકપણે તાકી રહી અને પવિત્રાને પૂછ્યું, "આપણે અહીં કેમ આવ્યા છે બેટા? મને શું થયું છે પવિત્રા?"

એણે પોતાની મમ્મીને આશ્વાસનભર્યા સ્વરે કહ્યું, "કશું જ નહીં મમ્મી. તને યાદ છે? જ્યારે હું હીંચકા ખાતી-ખાતી બગીચામાં એક વાર પડી ગયેલી અને મને માથામાંથી ખૂબ લોહી નીકળેલું ત્યારે તું મને મગજના ડોક્ટર પાસે બતાવવા લઇ ગઈ હતી." 

"બેટા મને તો યાદ જ હોય ને પણ મને તો કોઈ લોહી નથી નીકળતું. તો તું મને શું કામ અહીં લઇ આવી છું?" વિસ્મયાએ સાવ નિર્દોષભાવે પોતાની દીકરી સામે જોઈ આ વાત પૂછી. પવિત્રાને પણ હવે એના ઉત્તરો દેવા સૂઝતાં નહોતા. થોડીવાર તો એ પોતાના બાળપણના અનુભવોમાં સરી પડી. 'કેવી મમ્મી હેબતાઇ ગયેલી જ્યારે મને માથે વાગેલું. પોતાના દુપટ્ટાને મારા માથે બાંધી રીક્ષા નહોતી મળી રહી તો મને તેડીને જ ભાગેલી ને ડોક્ટર જ્યારે મારા ઘાવ પર ટાંકા લેતા હતા ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી.' આ વિચારે એ પોતે ખૂબ ઢીલી પડી ગઈ. જો મમ્મીને ખરેખર "અલ્ઝાઇમર"(ભૂલવાની બીમારી) હશે તો હું એમને કેવી રીતે સંભાળીશ? મારૂં દર્દ તો દેખીતું હતું એનું તો આંતરિક હશે. આટલું ઊંડું દર્દ કે એની ઊંડી વ્યથાઓ હું કેમ કરી ને ખાળી શકીશ?' 

વિસ્મયાએ પોતાની દીકરી પવિત્રાને રડતી જોઈને માથે હાથ મૂક્યો અને કહ્યું, "બેટા મને કશું જ નથી થયુ. મને તો લોહી પણ નથી નીકળતું ને.."

મા અને દીકરીની સંતાકૂકડી ખરેખર હૃદયદ્રાવી હોય છે. કદાચ બાળક અને પાલક વચ્ચે પણ આવો જ કોઈક અહોભાવ નિરંતર વહેતો રહેતો હોય છે. ક્યારેક બાળક પાલકને ઝંખતું રહે છે અને સમયને પેલે પાર ક્યારેક પાલક બાળકને ઝંખતો રહે છે. પોતાના વહાલસોયા દીકરા "વિશેષ"ની ગેરહાજરી એને હોસ્પિટલના એ દરેક ખૂણામાં અનુભવાતી હતી પણ "પવિત્રા" જેવી સંવેનદનશીલ દીકરી પામીને વિસ્મયા પોતાને મનોમન ઘણું ધન્ય અનુભવી રહી હતી. એ સમજી કે દીકરો કે દીકરી હોવું ક્યારેય મહત્વનું નથી હોતું. સંવેનદશીલ સંતાન હોવું મહત્વનું હો છે. ટાણે પડખે ઉભુ રહેનારું સંતાન મહત્વનું હોય છે. નમી ગયેલા ખભાને ટેકો દેનારું સંતાન મહત્વનું હોય છે. હોસ્પિટલનો દાદરો ચડતાં ઘૂંટણ ન વળે ત્યારે હાથ દેનારું સંતાન મહત્વનું હોય છે. પુત્રપ્રાપ્તિ કે પુત્રીપ્રાપ્તિ તો બધાને થતી હોય છે પણ એમના હોવાપણાની ઉપલબ્ધિ શું દરેક માતા-પિતાને થતી હોય છે? દીકરીઓ જ્યારે માતા પિતાના સંઘર્ષમાં જોડાઈ જતી હોય છે ત્યારે આ "જેન્ડર -બાયસ" બધા ચૂપચાપ થઈ જતા હોય છે. રહે છે તો માત્ર એક પવિત્ર, નિસ્વાર્થ ઋણાનુબંધ. આ બધા વિચારોને મનોમન વાગોળતી વિસ્મયાની આંખો પણ ભીની થઈ ગઈ.

 ત્યાં તો ડોકટરની કેબિનમાંથી ઘંટડી રણકી અને ડોક્ટરના દરવાજા પર લાગેલી નાની સ્ક્રીન પર એમનો ટોકન નંબર લખાઇને આવી ગયો. જે ટ્રેનનો અનુભવ કાલે પોતાની મમ્મીને થતો હતો એવો જ કોઈ ટ્રેન છૂટવાનો અનુભવ આજે પવિત્રાને થઈ રહ્યો હતો. ભારે ગડમથલ સાથે બેઉ માં-દીકરી અંદર પ્રવેશ્યા...


"મે વી કમ ઇન ડોક્ટર?" 

સામે બેઠેલા ડોક્ટર વીણા શર્માએ હા માં માથું ધુણાવ્યું એટલે પોતાની મમ્મીને લઈને પવિત્રા અંદર પ્રવેશી. ડોકટરની કેબિનમાં વર્તાતી એ.સી.ની ઠંડી હવાથી વિસ્મયા પોતાના બે હાથ સંકોડીને પોતાની સીટ પર બેસી ગઈ અને ચારેતરફ અચરજથી જોતી રહી. 

"હેલો મેમ, હું પવિત્રા અને આ મારા મમ્મી વિસ્મયા." ઓળખાણ આપતા પવિત્રાએ નમ્રતાપૂર્વક વાત શરૂ કરી. 

"મેમ છેલ્લા કેટલાક દિવસોથી મમ્મી સાથે કંઈક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. માત્ર મમ્મી સાથે જ નહીં પણ અમારી માટે પણ મમ્મીનું આવું ગડમથલવાળું વર્તન ખૂબ જ અચરજ પમાડે તેવું હોય છે. કોઈકવાર મમ્મી બિલ્ડિંગની લિફ્ટના બટન ખોટા દબાવી દે છે, કોઈકવાર સાડીને બદલે ડ્રેસ પહેરીને સામે આવી જાય છે, કોઈકવાર અંબોડાની બદલે બે ચોટલા વાળી લે છે અને ક્યારેક માર્કેટમાં એકના એક ફળ અને શાકભાજી ફરી ફરી ખરીદીને બે ગણા પૈસા ચૂકવીને આવી જાય છે. મારા પતિ સુબોધને જ્યારે મેં આ વિષય અંતર્ગત થોડું જણાવ્યું તો એમના કહેવા પ્રમાણે કદાચ મમ્મીને "અલ્ઝાઈમર" અથવા "ડિમ્નેશિયા" હોઈ શકે. શુ ખરેખર એવું થતું હશે ડોક્ટર?" પવિત્રા એકી શ્વાસે બધુ બોલી ગઇ. 

ડો. વીણા શર્માએ આશ્વાસનભર્યા સ્વરે પવિત્રાને કહ્યું, "જુઓ પવિત્રા તમે ચિંતા ન કરશો. હજી કોઈ જ નિષ્કર્ષ પર ન પહોંચો. પ્રથમ મારે એમની સાથે થોડી વાતચીત કરવી પડશે અને થોડા મગજના પરીક્ષણ કરવા પડશે, પછી જ હું કોઈ નિર્ણય પર પહોંચી શકીશ. વિસ્મયા આ સંવાદમાં કોઈ જ રસ દાખવ્યા વગર પોતાની સાથે લાવેલી તુલસીની માળા ફેરવવામાં મગ્ન હતી. એક એક મણકા સાથે એ આંકડા પણ બોલતી જતી હતી. ૧૦૧..હરિ ૐ. ૧૦૨..હરિ ૐ ૧૦૩..હરિ ૐ અને પછી અટકી ગઇ ૧૦૪ પર આવતા એ અટકી ગઈ. કદાચ આગળનો આંકડો કયો આવે એ વિચારમાં એ અટવાઈ ગઈ. ડોક્ટરએ પૂછ્યું. 

"શું થયું વિસ્મયાબેન? બોલો બોલો આગળ. ૧૦૩ પછી શું આવે ?"

૧૦૧..૧૦૨..૧૦૩..૧૦૩..૧૦૩..આગળનો આંકડો એ બોલી જ નહોતા શકતા. આખરે ચીડાઈને એમણે તુલસીની માળા જ ફેરવવાનું બંધ કર્યું અને પોતાના પર્સમાં મૂકી દીધી. પવિત્રા આ બધું જોઈને વધુ ભાંગી પડી. ડોક્ટરે એમને આશ્વાસન આપતા કહ્યું, "લક્ષણો તો એનાં જ જણાઈ રહ્યા છે પણ છતાં તમે આ ત્રણ પરીક્ષણ કરાવી લો. રિપોર્ટ કાલે આવી જશે પછી આપણે આગળની ટ્રીટમેન્ટ પર વાત કરશું." એટલું કહી ડોક્ટરે એમના મગજની સ્થિતિ સમજવા માટે ત્રણ પરીક્ષણોની સૂચિ કાગળ પર લખી પવિત્રાને આપી દીધી. પવિત્રાએ જણાવ્યા મુજબના મમ્મીના ત્રણેય પરીક્ષણ કરાવી લીધા અને ત્રણેય પરીક્ષણના સેમ્પલને સોંપી, બેઉ માં- દીકરી ઘરે પરત ફર્યા.

(દ્રશ્ય:૧૦)

ઘરે પહોંચતા ઘણું મોડું થયેલું એટલે સુરમ્ય અને સુબોધ તો સૂઈ જ ગયા હતા અને વિસ્મયા પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. પવિત્રા પણ ખૂબ જ થાકી ગયેલી એટલે બેઠકરૂમના સોફા પર જ એણે માથું ટેકવી દીધું. માથું ટેકવવાની થોડી પળોમાં જ થાકના કારણે એ ઘેરી ઊંઘમાં સરી ગઈ. ઊંઘમાં સરતા એ સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. 

એક વિશાળ મહાસાગરની વચ્ચોવચ નાવડી લઈને એ કોઈ દરિયાઈ પ્રવાસે નીકળેલી. એ પૂરા જોર સાથે હલેસા મારી રહી હતી. નાની એવી પોતાની નાવડીના સઢનાં થાંભલાની ટેકે એની માં પણ બેઠી હતી. મહાસાગરની મધ્યમાં પહોંચતાં અચાનક ચક્રવાત આવ્યો અને નાવડી હિલ્લોળા લેવા લાગી. સૂસવાટા એટલા તીવ્ર વેગવાળા હતા કે નાવડી એ થપાટો ઝીલી નહોતી શકતી. તેજ પવનને લીધે નાવડી વધારે હાલક-ડોલક થવા લાગી. હજી તો એ કંઈક સમજી શકતી ત્યાં તો એક વંટોળિયો આવ્યો અને નાવડીને ફંગોળી ગયો. 

'ઓહ... માં... ' એ ઉદગાર સાથે પવિત્રા સફાળી જાગી ગઈ. એનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું. સપનાનું જગત અને વાસ્તવિક જગત ક્યાંક એકરૂપ તો નહીં થઈ જાય ને એ ભયથી એ ધ્રુજી ઉઠી. પોતાના અશાંત મનને શાંત કરવા એણે માટલામાંથી પાણીનો લોટો ભર્યો. 'સપનું હતું એ તો' એમ મનોમન બબડી અધ્ધર થયેલા પોતાના જીવને શાંત પાડ્યો. 

ચા અને નાસ્તો તૈયાર કરવા એ રસોડામાં ગઈ પણ ત્યાં પણ મમ્મીના વિચારોમાં અટવાતી રહી.

"શું આવ્યું હશે મમ્મીના પરીક્ષણનું પરિણામ?" એ વિચારમાં ને વિચારમાં નાસ્તા માટે બનાવેલા ઘણાં થેપલા દાઝી ગયા હતા. છતાં જેમ તેમ કરીને કામ આટોપ્યું. બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાઈ ગયા. સુબોધ આકરી ભાતવાળા અને દાઝેલા થેપલા જોઈને કળી ગયો કે પવિત્રા મમ્મીની બાબતે ઘણી ચિંતામાં છે. સુબોધે ચૂપચાપ નાસ્તો કરી લીધો પણ જતાં જતાં એણે પવિત્રાને આશ્વાસન આપતા કહ્યું કે, "તું ચિંતા ન કર. જે કંઈ પણ પરિણામ આવે. તું મને ઓફિસમાં જ ફોન કરજે. આગળ શું કરવું એ આપણે એ મુજબ નક્કી કરીશું."


(દ્રશ્ય:૧૧)


હોસ્પિટલ પહોંચતા જ નર્સે કહ્યું કે ડો.વીણા શર્માએ તમને તરત જ બોલાવ્યા છે. પવિત્રા ગભરાયેલા મને પોતાની મમ્મી સાથે ડો. વીણા શર્માના કેબિનમાં પહોંચી. બેઉ માં-દીકરી એક એક સીટ પર ડોક્ટરની સામે ગોઠવાઈ ગયા. વિસ્મયાએ કાલની માફક જ ફરીથી તુલસીની માળા કાઢી અને કરવા લાગી. ડોક્ટરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું, "જુઓ પવિત્રા.. તમારી મમ્મીનું પરિક્ષણ પોઝિટીવ આવ્યું છે. શી ઇઝ સફરિંગ વિથ અલ્ઝાઇમર.. એમનું મગજ ખૂબ સંવેદનશીલ સ્તરમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈ ઘેરો આઘાત તેમના મનમસ્તક ઉપર લાગેલો છે જેને કારણે તેઓ સતત ઘેરાયેલું અનુભવતા રહે છે. સ્મૃતિભ્રમ થવો એ આમ તો વૃદ્ધાવસ્થામાં સાહજિક હોય છે પણ તમારી મમ્મીની બીમારી થોડી વધુ ગંભીર છે. તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક હવે એમની સંભાળ રાખવી પડશે. એવું બને કે જમી લીધા પછીના કલાકમાં જ એ બીજી વાર જમવાનું માંગે કદાચ ત્રીજીવાર પણ માંગે કારણકે તેમના શરીરનું અનુબંધ મસ્તિષ્ક સાથે તાલમેલમાં નથી એટલે એ મગજ દ્વારા આપવામાં આવતા જરૂરી સંદેશાઓને વાંચી નથી શકતું. ઉલટુ એનાથી તદ્દન વિપરીત ક્યારેક એ બધું જ કરશે. ઘરની બહાર પણ તમે એમને બિલકુલ એકલા ન છોડશો. એકવાર ભ્રમનાં ઘેરાવામાં આવ્યા પછી કદાચ એ રસ્તાની વચ્ચોવચ ખોવાયેલું મહેસૂસ કરે અને ખોવાઇ પણ જાય. એમની નાની નાની ભૂલોને નજર અંદાજ કરી બિલકુલ ચિડાયા વગર ખૂબ જ સાવચેતી અને સાવધાનીથી તમારે તદ્દન નાના બાળકની જેમ જ એમનું પણ લાલન પાલન કરવું પડશે. તમે એક ખૂબ જ સમજુ અને સંવેદનશીલ દીકરી છો. તમે સમજી શકશો કે હું શું કહી રહી છું." 

ભીની ભીની આંખે પવિત્રા એ હાં ભણી. દવાઓની સૂચિ લઈને એ પોતાની મમ્મીને વેઈટિંગ રૂમમાં બેસાડી દવાખાનાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા ગઈ. દવા લઈને પરત ફરી તો મમ્મી ક્યાંય ના દેખાયાં. એને તો આંચકો જ લાગ્યો. 'અરે ડૉક્ટરે કહ્યું હતું કે એમને ક્યાંય પણ એકલા નહીં છોડવાના. હે ભગવાન શું કરી દીધું મેં ઉતાવળમાં?' મમ્મીને શોધવા હોસ્પિટલના એક ખૂણેથી બીજા ખૂણે એ હાંફળીફાંફળી દોડી રહી હતી ત્યાં અચાનક જ એક નર્સે આવીને કહ્યું કે, "પવિત્રાબેન તમારી મમ્મી તો હોસ્પિટલની બહાર ઊભેલી રિક્ષામાં બેઠા છે." દોડતી દોડતી પવિત્રા બહાર પહોંચી અને હજી તો બૂમ પાડે ત્યાં રીક્ષાવાળા ભાઈએ પોતાની રિક્ષા હંકારી દીધી...

મમ્મી....

મમ્મી...

પવિત્રા બૂમો પાડતી રહી પણ રિક્ષા તો ઉપડી ગઈ હતી. પવિત્રાએ ફટાફટ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાંથી પોતાની કાર કાઢી અને રિક્ષાવાળાની પાછળ-પાછળ જવા દીધી. રિક્ષાની પાછળની સીટ પર બેઠેલી પોતાની મમ્મીની સાડીનો પાલવ એને લહેરાતો દેખાતો હતો એ પાલવને આધારે જ એ પાછળ પાછળ કાર ચલાવતી રહી. ઇન્ડિકેટર કરી રિક્ષાવાળાને સંકેત પણ આપતી રહી પણ રિક્ષાવાળા ભાઈ સમજ્યાં નહી. આખરે ચાર રસ્તા આવ્યા અને સિગ્નલ પર સ્ટોપનું સિગ્નલ આવતાં ફટાફટ કારમાંથી ઉતરી. એણે રિક્ષાવાળા ભાઈ સાથે ઝટપટ બધી વાત કરી અને પોતાની મમ્મીને સમજાવી પોતાની કારમાં બેસાડી. કારમાં બેસતાં જ વિસ્મયાએ કહ્યું, "ક્યાં ગઈ હતી તું માર્કેટમાં મને છોડીને? મને લાગ્યું તું ઘરે નીકળી ગઈ એટલે પછી હું પણ રિક્ષા કરી ઘરે આવવા નીકળી ગઈ. પવિત્રાએ મમ્મીની સામે જોયું અને કહ્યું,"મમ્મી શું તને ખરેખર ખ્યાલ નથી કે આપણે માર્કેટથી નહીં હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા છીએ." 

વિસ્મયાએ કહ્યું, "કઈ હોસ્પિટલ ? હોસ્પિટલ કેમ ગયા હતા ?"

પવિત્રાને બધું જ સમજાઈ ગયું. બિલકુલ ચિડાયા વગર એણે મમ્મી સામે જોયું. મનોમન ભગવાનનો આભાર માન્યો કે કંઇ અનિષ્ટ થાય એ પહેલાં મમ્મી હેમખેમ મારી પાસે પહોંચી ગઈ.

(દ્રશ્ય:૧૨) 

સાંજનું જમવાનું પતાવી મમ્મીને દવા આપી સુરમ્ય અને મમ્મીના સૂઈ ગયા બાદ પવિત્રાએ બધી જ વાત વિગતે સુબોધને કરી. સુબોધે કહ્યું, "તું ચિંતા ન કર આપણે મળીને મમ્મીને સાચવી લઈશું. તું તારી નોકરીમાંથી હાલ રિઝાઇન કરી દે અને મમ્મીની સારવાર પર જ હમણાં ધ્યાન આપ." 

પવિત્રાએ કહ્યું, "હા મારે હાલ કોઈ જ નોકરી કરવી નથી. મમ્મીનું ધ્યાન રાખવા સિવાય મારી આમ પણ બીજી કોઈ જ પ્રાથમિકતા નથી પણ સુબોધ જે પ્રોજેક્ટ મારી કંપનીએ આ વર્ષે લીધેલો એનો છેલ્લો સેમિનાર મારે જ રિપ્રેઝન્ટ કરવાનો હતો એટલે મારા બોસના ખૂબ જ ફોન આવ્યા કરે છે. માત્ર પાંચ દિવસ માટે મારે ઓફીસ જવું જ પડશે અને પાંચ દિવસ ઓફિસ જઈ બધું જ કામ વાઇન્ડઅપ કરી લઈશ." સુબોધ થોડીવાર વિચારતો રહ્યો. પવિત્રાને પણ થયું કે ખબર નહીં સુબોધ આ વાતનો કેવો પ્રતિભાવ આપશે? 

સુબોધે કહ્યું," સારુ એમ કર તું પાંચ દિવસ ઓફિસ જઈ તારું બધું જ કામ પતાવી લે. હું પાંચ દિવસની છુટ્ટી લઈ મમ્મી પાસે રહીશ અને એમનું ધ્યાન રાખીશ. તું નિઃશંક થઈને જા." પવિત્રાએ સુબોધના જવાબથી રાહતનો ઊંડો શ્વાસ ભર્યો. બીજે દિવસે મમ્મીને બધું સમજાવી પવિત્રા ઓફિસ માટે રવાના થઈ ગઈ. સુબોધ કાળજીપૂર્વક થોડી થોડી વારે પવિત્રાની મમ્મીને જોવા રૂમમાં આંટો મારી આવતો. એમને ભરતકામની પ્રવૃત્તિમાં ડૂબેલા જોઈને એ પણ નિશંકપણે પોતાનું કામ બેઠક રૂમમાં બેસીને કરતો. લંચનો સમય થયો એટલે એણે મમ્મીને બોલાવ્યા. બેઉએ સાથે લન્ચ કર્યો. લંચ કરીને વિસ્મયા ફરી રૂમમાં જતી રહી. સુબોધે બધી દવાઓની સૂચિ કાઢી અને દવા લઈને મમ્મીજી પાસે પહોંચ્યો પણ વિસ્મયા આંખો મીંચીને સૂતેલી હતી. ખચકાતા હાથે સુબોધે મમ્મીજીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "મમ્મીજી આ દવા લઈને સૂઈ જાવ." વિસ્મયાએ આંખો ખોલીને જોયું અને કહ્યું, "અરે વિશેષ.. મારા દિકરા..તુ આવ્યો છે અને એ પણ મને દવા દેવા" એમ કહી સુબોધના ગાલ પર હાથ ફેરવી એના માથાને મમતાભર્યું આલિંગન આપ્યું. સુબોધ પવિત્રાની મમ્મીની કરુણામયી અવસ્થાને ખૂબ નજીકથી અનુભવી રહ્યો હતો. આમ તો એ પવિત્રા સાથે મમ્મીની બધી જ વાતો કરતો પણ આજે જ્યારે પવિત્રાના મમ્મીએ વિશેષ સમજીને પોતાને આલિંગન આપ્યું ત્યારે એ મૂક થઈ ગયો. 

"હા મા હું છું.." માત્ર એટલું કહી એ દવા આપી રૂમમાંથી નીકળી ગયો. દિવસ વીતી ગયો. પવિત્રા પણ ઓફિસેથી ઘરે આવી ગઈ. સુબોધે દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓ પવિત્રાને વિગતે કહી. 

આમ જ ચાર દિવસ પસાર થઈ ગયા. આજે પવિત્રાનો ઓફિસનો છેલ્લો દિવસ હતો. આજે રિઝાઈન મૂકીને હવે મમ્મીનું ધ્યાન રાખવા એ ઘરે જ રહેવાની હતી. એ વિચારે સુબોધ ઘણું જ રાહત અનુભવતો હતો કારણ કે આ પૂર્વે એણે મમ્મીજીની આટલી કાળજી ક્યારેય નહોતી લીધેલી પણ સુબોધના બોસના સવારથી કોલ શરૂ થઈ ગયેલા. બધા જ પેન્ડિંગ મેઇલના જવાબ આપવા સુબોધ માટે જરૂરી થઈ પડેલા. મમ્મીજીને બપોરે દવા આપી રૂમમાં મોકલી સુબોધે પોતાનું લેપટોપ ખોલ્યું અને કામે વળગી ગયો. આટલા દિવસના મેઇલ્સ જોઈ એ ચિડાઇ ગયેલો. 'રજાઓમાં પણ શાંતિ નથી મળતી' એવું બબડી એ મેઇલના પ્રત્યુત્તર આપવામાં મગ્ન થઈ ગયો.

અચાનક વિસ્મયા રૂમમાંથી બહાર આવી અને સુબોધને વિશેષ સમજી વિશેષને ધમકાવતી હોય એમ સુબોધને ધમકાવતા કહ્યું, "ચાલ બંધ કર લેપટોપ અને કામ પણ બંધ કર. આટલું બધું તે કોઈ કામ કરતું હશે?" એમ કહી મા ના હકથી સુબોધનું લેપટોપ બંધ કરી દીધું. સુબોધ પહેલેથી અકળાયેલો હતો. એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આખરે એ થોડી એની સગી મા હતી ? ગુસ્સામાં એનાથી પવિત્રાની મમ્મી પર આક્રોશ ઠલવાઇ ગયો અને ભૂલથી એમને સુબોધના હાથનો ધક્કો લાગી ગયો અને વિસ્મયા બાજુમાં રહેલા કબાટ સાથે અથડાઈ. કબાટનો તીક્ષ્ણ ખૂણો વિસ્મયાના માથા પર ભટકાયો. તમ્મર ખાઈને એ સીધી જમીન પર ઢળી ગઇ. લોહીની ધાર પણ વહેવા લાગી. આ બધું જોઈને સુબોધ હેબતાઈ ગયો. 'આ શું થયું મારાથી ?' એણે ધ્રુજતા હાથે મમ્મીને ફટાફટ ઉભા કરી સોફા પર સૂવડાવ્યા અને પવિત્રાને ફોન જોડ્યો. 

(દ્રશ્ય:૧૩)

સુબોધે મમ્મીને ઉંચકીને કારમાં બેસાડ્યા અને ડોક્ટર વિણા શર્માના દવાખાને તાબડતોબ પહોંચ્યો. પવિત્રાને પણ ત્યાં જ સીધા આવવા જણાવ્યું. પવિત્રા રિઝાઇન મૂકી ઘરની બદલે હોસ્પિટલ પહોંચી. નર્સે તરત જ મમ્મીને એડમીટ કર્યા ને ઓપરેશન શરૂ કર્યું. એક તો પહેલેથી એ મગજની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા ઉપરથી માથા પર જ ઘા લાગતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પવિત્રા હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી મમ્મીને આઇ.સી.યું. પણ ખસેડી દેવામાં આવેલા. 

 પવિત્રાના આવતા જ સુબોધે દિલગીરી વ્યક્ત કરતાં પવિત્રાને બધી જ વાત કહી સંભળાવી. પવિત્રા તો જાણે સુન્ન પડી ગયેલી ઓપરેશન રૂમની બહાર એ બાવરી બનીને આંટાફેરા કરી રહી હતી. એનો જીવ અધ્ધર થઈ રહ્યો હતો. જાણે કે કંઇ અશુભ ઘટવાનું હોય એવી અગમચેતીથી એ વધુ ને વધુ અંદરથી તૂટી રહી હતી. ઓપરેશન પૂરું થયું અને નર્સ બહાર આવી. બહાર આવતાં જ કહ્યું કે,"એમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. એ માત્ર "વિશેષ" "વિશેષ" આ એક જ નામ બોલી રહ્યા છે. આપના ઘરમાં જે કોઈ પણ "વિશેષ" નામે વ્યક્તિ હોય એમને બોલાવી લો. પવિત્રા અને સુબોધ એકબીજા સામે તાકી રહ્યા. સુબોધ પવિત્રાનો હાથ પકડી અંદર ગયો. સુબોધને પોતાની તરફ ચાલતો જોઈ ઝીણી આંખોથી સુબોધ મહીં ફરી એક વાર વિશેષને જોતી વિસ્મયા માંડ એટલું જ બોલી શકી. "તું આવી ગયો વિશેષ દીકરા. મને ખબર હતી તું જરૂર આવીશ. હાંશ હવે મારા વહાણને લંગર મળી ગયું. હું ડુબીશ નહીં.." અને બસ ત્યાં જ એમના પ્રાણ પંખેરૂ ઉડી ગયા. નાડ બંધ થઈ ગઈ અને શ્વાસ થંભી ગયા. ચારેતરફ ઘેરો સન્નાટો છવાઈ ગયો પણ પવિત્રા હૈયાફાટ વિલાપ કરવા લાગી. સુબોધ મમ્મીજીના નિશ્ચેતન શરીરને જોઈને ઊંડી ગ્લાનિમાં ગરકાવ થઈ ગયો. 

આખરે પવિત્રાનું સ્વપ્ન જગત વાસ્તવિક જગતનો કોળિયો કરી ગયું. વિસ્મયાની નાવડી ઝાંઝવાનાં મધદરિયે ડૂબી. 

(દ્રશ્ય:૧૪)    

સુબોધ મહિનાઓ સુધી શોકમય અને ગ્લાનિમય રહ્યો. મમ્મીના અંતિમ દિવસોમાં પોતાનો ભાઈ વિશેષ મમ્મી સાથે નહોતો પણ અન્ય પરિવારજનોના કહેવાથી પવિત્રાએ વિશેષને મમ્મીના દુઃખદ મૃત્યુ અને અસ્થિ વિસર્જનના પ્રસંગે હાજર રહેવા તાકીદ કરી. 

(દ્રશ્ય:૧૫)

જે જગ્યાએ વિષેશે મમ્મીને નોંધારા કરી વિદેશની ડગર પકડેલી. એ જ જગ્યાએ એરપોર્ટ પર પવિત્રાએ વિશેષને જોયો અને જોતાવેંત જ એણે સણસણતો તમાચો મારી પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુબોધે પણ વિશેષને આક્રોશ અને કરુણા સાથે કહ્યું," છેલ્લી ઘડીઓમાં તારા મમ્મી મને જ વિશેષ માની બેઠા હતા અને મારામાં તને જોઈને એમના પ્રાણ પણ ઊડી ગયાં. જેણે એના જીવનના હાડકા તારા ઘડતર માટે ગાળી નાખ્યા એનું અસ્થિ વિસર્જન કરવા ભલે તું આવ્યો હોય પણ મમ્મીની તમામ વિધિ કરવાનો અધિકાર માત્ર પવિત્રાનો જ છે. તારા હોવાપણાનો કોઈ જ આધાર મમ્મી પામ્યા નથી. હવે અહીંથી પાછા વળી ફરી ક્યારેય પણ ભારત પાછો ફરતો નહીં.

(દ્રશ્ય:૧૬)

ખળખળ વહેતી કાશીની નદીમાં વિસ્મયા વિલન થઈ ગઈ પણ પવિત્રાના હૃદયમાં હમેશ માટે હદયસ્થ થઈ ગઈ. પોતાની મમ્મીની મઝધારે મૃગજળમાં ડૂબેલી જીવનનૈયાએ પવિત્રા અને સુબોધને અંદરથી હચમચાવી દીધેલા. એ બંને પછી પોતાની મમ્મીની મનોસ્થિતિ જેવી જ માનસિકતાથી પીડાતી ઘણી વૃદ્ધા અને ત્યકતા સ્ત્રીઓ માટે દીવાદાંડી સમાન બન્યા અને અલ્ઝાઇમર પીડિત વ્યક્તિઓ માટે એક આશ્રય ગ્રુહ બનાવ્યું અને પોતાના જીવનસાથી સુબોધના સહકારથી પોતાની આત્મિય મમ્મી વિસ્મયાને એક સાર્થક શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એમના કાર્યની સુવાસ ફેલાવા લાગી. શહેર શહેર આવા ગૃહો બન્યા. 

(દ્રશ્ય:૧૭)

એક પત્રકારે પવિત્રા અને સુબોધનો ખાસ ઇન્ટરવ્યૂ લીધો અને પોતાની કોલમમાં એમના કાર્યની પ્રશંસા પણ કરી. કોલમનું શીર્ષક હતું "ઝાંઝવામાં ઝળકે એક દિવાદાંડી...


Rate this content
Log in

Similar gujarati story from Drama