ઢીંગલી
ઢીંગલી
"મલય..ઓ મલય બેટા..સાંભળને તને એક સરસ વાત કહું ?"
"હા.. બોલોને મમ્મી." મલયે સ્નેહાળ આંખોથી એની મમ્મી તરફ જોયું.
મમ્મી જાણે ફ્લેશબેકમાં જતી હોય એમ બોલવા લાગી. "જ્યારે પહેલીવાર મારા પપ્પા અને તારા નાનાએ મને મારા એક જન્મદિવસે ઢીંગલી લઈ આપેલી ત્યારે હું ખૂબ રાજીના રેડ થઈ ગયેલી. જયારથી મેં સ્કૂલે જતા રસ્તામાં આવતી રમકડાંની દુકાનમાં એ ઢીંગલી જોયેલી ત્યારથી એ મને એટલી વહાલી લાગેલી જાણે મારા અસ્તિત્વનો એક હિસ્સો હોય. આમ પણ.. ઢીંગલી એક છોકરી માટે માત્ર રમકડું માત્ર નથી હોતી પણ જાણે કોઈ સખી સહેલી જ હોય એવો આત્મીય ભાવ ઢીંગલી સાથે રમતા રમતા બંધાઈ જતો હોય. ઢીંગલી મેળવીને પોતે એક ઢીંગલી જેવી દીકરી હોવા છતાં ઢીંગલી મળતા ક્યાંકને ક્યાંક ભવિષ્યની માતારૂપે પણ પ્રતિબંધિત થતી જાય છે. જો કે દરેક દીકરીને ઢીંગલી ગમે એવું જરૂરી નથી અને દરેક દીકરી પાસે ઢીંગલી હોય એવું પણ જરૂરી નથી.પણ તે દિવસે જ્યારે મને ભેટ સ્વરૂપે ઢીંગલી મળી તો હું ખૂબ ખુશ થઈ ગઈ હતી અને આ ખુશી રોજ રોજ વધતી ચાલી. કોઈ દિવસ ઢીંગલીને આ ફ્રોક પહેરાવું તો કોઈ દિવસ આ ચણીયા ચોળી. આમ માથું ઓળાવુ ને આમ તૈયાર કરું. ચાંદલો કરું.. મમ્મીની લિપસ્ટિક પણ કરી આપું..બસ બહેનપણીઓ આવે એટલે ઢીંગલીનો દરબાર જામે. બાળપણ જેટલું સોનેરી બીજું શું હોય ?"
મલયે એની મમ્મી તરફ જોઈ હાસ્ય વેર્યું. "હા મમ્મી અને કોણ જાણતું હતું કે આ ઉમરે પણ તમે ઢીંગલીથી રમશો ?"
મલયની વાત સાંભળીને એની મમ્મી ખડખડાટ હસી પડી અને બોલી ના હો મલય દીકરા.. પહેલા હું ઢીંગલીથી રમતી હતી પણ હવે તો હું પોતે જ ઢીંગલીઓ બનાવુ છું. ક્યારેય વિચાર્યું સુદ્ધા નહોતું કે આવુ કઈંક કરીશ."
મલયે ફરી સ્મિત સાથે મમ્મી સામે જોયું અને કહ્યું, "સાચ્ચે જ મમ્મી હવે તો મને પણ એમ લાગે છે કે જો એ દિવસે ભાઈ નિરજ ન્યૂજર્સી જતી વખતે તારી જાતે બનાવેલી એ ઢીંગલી ના લઇ ગયો હોત તો ?
"તો આજે આટલી વિશાળ ફલક પર મારી ઢીંગલી અને હું વિસ્તરી ના શક્યા હોત..તમારા બેઉના કારણે જ મારા સાવ સામાન્ય લાગતા કામને નવો ચીલો મળેલો."
આગળની વાત કરવા એમણે મલયની સામે વિશેષ સ્નેહથી જોયા કર્યું અને કહ્યું. "મને બરાબર યાદ છે એ દિવસો. એ સમય1960ની વાત છે જ્યારે તું, હું, નિરજ અને તારા પપ્પા આપણે વઢવાણ રહેવા આવ્યા હતા અને એ સમય દરમિયાન હું અરુણાબેનના સંપર્કમાં આવેલી. એમણે મહિલાઓને સ્વનિર્ભર કરવા એક વિકાસ સંસ્થા એ સમયે ખોલેલી અને મને જાણે એમના સ્વરૂપે એક રાહબર મળ્યા જેમના માર્ગદર્શન હેઠળ હું એમની સંસ્થામાં જોડાઈ અને ક્રમશઃ મેં તાલીમ મેળવી. પહેલા મેં ટેલરિંગ શીખ્યું પછી મેં કટીંગ કરતા શીખ્યું પછી ડોલમેકિંગની પૂરી પ્રક્રિયા શીખી અને છેલ્લે છેલ્લે હેન્ડ એમ્બ્રોઇડરી વર્ક પણ શીખી લીધું. પણ તારા પપ્પા ઇરીગેશન એન્જીનીયરની પોસ્ટ પર હતા એટલે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં એમની બદલી થતી રહી. એમની સાથે સાથે આપણે પણ ધોરાજી,ઉપલેટા, રાજકોટ સ્થાળાંતર કરતા રહ્યાં."
"પણ હા મમ્મી મને પણ બરાબર સ્મરણ છે કે 1979માં આપણે સૌ ગાંધીનગર સ્થાયી થયેલા અને 1979થી 1990 સુધી તમે ઘણા સીવણના વર્ગો ત્યાં ચલાવેલા. મારા ખ્યાલ મુજબ વ ત્યાર બાદ તો 8000 થી પણ વધુ છોકરીઓ તમારા હાથ નીચે સીવણ શીખતી થઈ ગયેલી તમે તો બાકી "વન વુમન શો" જેમ મચી પડેલા. મલય ગર્વભેર બોલ્યો.
"હા.. સાચું..1990માં જ મેં મારી પ્રથમ હોમમેડ ડૉલ બનાવેલી. જાણે મારુ નાનપણ ફરી મારી સાથે જૂદી રીતે રમી રહ્યું હતું. નાનપણની એ રમત હવે શોખના સ્થાનેથી સર્જનાત્મકતાના સ્થાને આવી પહોંચેલી."
બાર્બી ડૉલને જ ડૉલ સમજતી દીકરીઓ માટે મારે એક નવી પ્રાચીન અને પરંપરાગત વસ્ત્રોથી સજ્જ એવી ડૉલ બનાવી હતી. જે ભારતીય સંસ્કૃતિને છાજે એવી હોય." મમ્મી જરા અટક્યા.
"તમે તદ્દન ભિન્ન છતાં ખૂબ સુંદર ડૉલ બનાવેલી અને એ પણ હોમ મેડ સાથોસાથ ઈકો ફ્રેન્ડલી પણ.. " મલય બોલ્યો.
"હા પણ તને યાદ છે તારા ભાઈ નિરજને પોતાનો એક ડ્રામા લઈને ન્યૂજર્સી પોતાના મિત્રો સાથે જવાનું થયુ અને એણે મારા શોખને ધ્યાનમાં લઇ મને કિધેલું., "મમ્મી તમે એવી ડૉલ બનાવો જે હું ત્યાં લઈ જઈ શકું અને ત્યાંના પ્રદર્શનમાં રિપ્રેસેન્ટ કરી શકું." અને આપણે લાગલગાટ ત્રણ મહિના મહેનત કરી 15 થી 20 ભારતીય ડૉલ બનાવેલી અને નિરજ એને ત્યાં સુધી લઈ ગયેલો. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ન્યૂજર્સીમાં વસતા ભારતીયોને એ આટલી ગમી જશે."
મમ્મીને વચ્ચે જ અટકાવી મલય બોલ્યો.,"પણ તમે બનાવી જ હતી એટલી અદ્ભૂત ને.." અને પછી તો જોતજોતામાં એની માંગ વધી ગઈ.. ભારત સિવાયના 18 દેશોમાં આપણે ભારતીય ડૉલ એક્સપોર્ટ કરશું એવું ક્યાં ધાર્યું હતું?"
હા.. કાલે જ મને આપણા એકાઉન્ટ મેનેજરે કહ્યું કે આજે આ આપની ડૉલ મેકિંગની સંખ્યા 1 લાખના આંકડાને પાર કરી ગઈ."
મલય અને નિરજ મમ્મીની સજળ આંખો જોઈ ભાવવિભોર થઈ ગયા. અને પોતાની મમ્મીને હર્ષિત થઈ ભેટી પડયા. વાતોની વણઝાર તો થંભી ગઈ પણ સ્મરણોનો આનંદ વાતાવરણમાં ધોળાઈ રહ્યો.
(નાનપણમાં ઢીંગલીથી રમનારી એ છોકરીનું નામ છે રંજન અને વિશ્વફલકે ભારતીય ડૉલને પ્રસિદ્ધિ અપાવનાર એ પ્રતિભાશાળી મહિલાનું નામ છે રંજનબેન ભટ્ટ.. હાલ 78 વર્ષથી વધુ થયા છે પણ ખમીર એટલું જ ખમીરવંતુ છે. 1990માં ગાંધીનગરના એમના મુકામે જ એમણે પ્રથમ ભારતીય પરિવેશ ધરાવતી ડૉલ બનાવેલી અને વાર્તામાં જણાવ્યા મુજબ એમના બે દીકરા *સાચા નામ હરિનભાઈ ભટ્ટ અને યોગેશભાઈ ભટ્ટના સહયોગથી તેઓ એક ઉજ્જવળ મુકામ હાંસિલ કરી શકયા. એમની ડૉલની ખ્યાતિ આદરણીય શ્રી.પ્રમુખ સ્વામી મહારાજ, શ્રી અબ્દુલ કલામ તથા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચી છે. દર મહિને 500 થી વધુ ડૉલ બને છે અને 18થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે. રંજનબેને સ્વબળે શરૂ કરેલી કેડી.. અંતરાયો વીંધતી નવી જાજમ પાથરી એક જાજરમાન પથ કંડારી રહી છે..ભારતની અને એમાં પણ ગુજરાતની આવી પ્રતિભાસંપન્ન મહિલાઓને મારી અંતરકેડી સાથે જોડીને હુ વધુ ગૌરવ અનુભવું છું અને એમના પુરુષાર્થને સાદર વંદન કરું છું.)
