Bansari Joshi

Fantasy Inspirational

4.0  

Bansari Joshi

Fantasy Inspirational

હોંકારો

હોંકારો

2 mins
365


ડેલે ખણખણ કરતી સાંકળ ખખડી. દિવાકર સફાળો જાગી ગયો.

'"કોણ છે..કોણ છે..?"

પણ કોઈ ઉત્તર ન મળ્યો. લાકડીનો ટેકો લઇ એ ધીરે ધીરે એ તરફ ચાલ્યો પણ ડેલે કોઈ નહોતું. હતું તો માત્ર નિરુત્તર દ્વાર. જયાં રોજ એને કોઈના આવવાનો ભણકારો અનુભવાતો. ઘડીવાર એ રવેશમાં જ ઉભો રહી ગયો. આજે પૂનમ હતી એટલે રાત્રિ અજવાળી હતી અને અજવાળી રાત્રિએ પીપળાના પાન પર દિવડા ઝબૂકતા હોય એમ ચંદ્રનો પ્રકાશ પાંદડામાંથી ડોકાઈને સંતાકૂકડી રમતો હોય એવુ દિવાકરને અનુભવાતું હતું. એ ક્યાંય વાર સુધી ચંદ્રને તાકતો રહ્યો. મનોમન એની સાથે વાર્તાલાપ પણ કરતો રહ્યો.

દિવાકરને આજ પહેલા ક્યારેય ચંદ્ર સાથે આવા કોઈ વાર્તાલાપ કે આવા કોઈ અવલોકનોનો સમય જ ક્યાં હતો? જીવનના ઘણા વર્ષો એણે પોતાની જીવનસાથી રતિ સાથે આ પીપળાની શીળી છાયામાં બેસીને વિતાવેલા. પીપળા નીચે રહેતો બાંકડો કઈ કેટલાય વાર્તાલાપોનો સાક્ષી હતો પણ એ જ શીળી છાંયામાં ક્યારેક ઉના ઉના આંસુનો તડકો બેસશે એવી કલ્પના સુદ્ધા દિવાકરને નહોતી.

ત્યાં અચાનક હાલકડોલક થતું પીપળાનું એક પાન ખરી પડ્યું. દિવાકરની આંખોમાં જાણે પાણી ધસી આવ્યું. 'રતિ પણ તો આમ જ ખરી પડી હતી.

જીવનથી.. 

માંદગીથી.. 

પણ કંઈ કેટલાય સંભારણા હોય છે ઊગવા અને ખરવાની વચ્ચે. 'શું ચંદ્ર તને ખબર છે કે આ સ્મરણો ભીતરે કેટલા કોરી ખાતા હોય છે ?તું તો દેવતા તારે તારી રતિથી છેટું થોડી રહેવાનું હોય ? જેટલી મધુરતા જીવનસાથીના સંગમાં માણી હોય એટલી જ પ્રચૂર વિરહની પીડા પણ હોય.' દિવાકર સ્વગત જ બોલી ઉઠ્યો. 

શું દુઃખ માત્ર વિધવાઓની જાગીર હોય છે ? ઉત્કટ પ્રેમ પછી વિધૂર પણ એટલા જ એકાકી રહી જતા હોય છે. પીપળાની છાંયા એની એ હોય છે પણ પછી આ શીળી છાંયાઓ જાણે દઝાડવા દોડતી હોય છે.

રતિ..મારી જીવનસંગીની..

શું તને મારી તીવ્ર વેદના નથી અનુભવાતી ? શું તને આ મારો વલોવાતો વિરહ નથી સ્પર્શતો ?'

ખબર નહીં કોની સાથે દિવાકર વાતો કરી રહ્યો હતો ? પણ અચાનક જ ફરી ડેલાની સાંકળ ખણખણી. ફરી પણ ત્યાં કોઈ જ નહોતું.

પણ હા એ ખણખણ થતી ડેલીમાં જાણે રતિનો હોંકારો આવતો હોય એમ દિવાકરને લાગતું. દિવાકર રવેશ છોડી રૂમમાં આવ્યો અને રેડિયાનું બટન ફેરવ્યું. રેડિયો સૂર રેલાવા લાગ્યો.

"ઓલુ ઝબકે મિજાગરૂ વાયરે...."

એ આખી રાત વાયરો જરા વધુ વેગે વાતો રહ્યો. આખી રાત મિજાગરૂ ખણખણ થતું ડેલીને સાદ દેતું રહ્યું અને એ નાદમાં દિવાકરને રતિનો "હોંકારો" અનુભવાતો રહ્યો. સ્થળ અને કાળની સીમા ઓળંગી દિવાકર અને રતિ અપ્રત્યક્ષ પ્રદેશમાં એકાકાર થઈ રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy