અને હું વાર્તા બની ગયો
અને હું વાર્તા બની ગયો
...અને ત્યાં જ બોલાચાલી વાચી ગઈ, થોડી ઉગ્ર પણ થઇ. પણ નિરવ ટસનો મસ ન થયો, એ ખીજાયને પોતાના રૂમ ભણી ચાલ્યો ગયો. જોકે આવું દર વખતે થતું. નિરવ દર અઠવાડિયે વિકેન્ડમાં ઘરે આવે અને પછી મિત્રો સાથે લાગી પડે. બકુલકાકા અને રંજના આંટી સાવ એકલા થઇ ગયા હતા એટલે દર વિકેન્ડમાં આ ધમાલ થતી. બોલાચાલી થતા જ નિરવ ત્યાંથી નીકળી ગયો, એમ બકુલકાકા અને રંજના આંટી પણ ઘર બહાર ચાલવા નીકળી પડ્યા. યુવાન નિરવના મનમાં વિચારો વમળ સર્જાય રહ્યા હતા. બાલ્કની બહાર નમતી સાંજ હતી અને અંદર ભડભડતી દાઝે એવી બપોર. અચાનક ડોરબેલ રણક્યો અને વમળો અદ્રશ્ય થઇ ગયા. બધું શાંત થઇ ગયું. નિરવ સફાળો થયો અને બારણું ખોલવા ગયો. બારણું ખોલતા..., એની જ ઉંમરનો એક યુવાન બહાર ઊભો હતો. નિરવના કપાળે પ્રશ્નાર્થ જન્મ લે એ પહેલા જ પેલા યુવાને પ્રશ્ન કર્યો, “તમે નાના હતા ત્યારે બાજુના બગીચાના બાંકડે વાર્તા સાંભળવા આવતા હતા, એ તમે જ ને?” નિરવના વિચાર વમળો સાથે વાસ્તવિકતા અસ્તિત્વ લેતા એને અચરજ થયું, “હા, હું નાનો હતો ત્યારે ત્યાં...” હજુ વાક્ય પૂરું થાય ત્યાં જ પેલા યુવાને સામો સવાલ કર્યો, “મારી સાથે તે બાંકડે આવશો? મારા બાપુ ત્યાં છે. તમે જેની વાર્તાઓ સાંભળતા હતા એ, મારા બાપુ છે. તમે આવીને માળોને.., આવશોને?”
ઈચ્છાઓને હકીકત બનતી જોતા નિરવ આનંદીત થઇ ગયો. પણ, આતો સાહેબડો, શહેર જઈ ભણી ગણી આવેલો નિરવ હતો, એટલો નાદાન નહોતો કે પેલા માણસ માટે આમ દોડી જાય. એણે પેલા યુવાનને સામો સવાલ કર્યો, “પણ, તું મને કેવી રીતે ઓળખે? અને આજે અહીં અચાનક, મારું ઘર કેવી રીતે ખબર?”
“મોટાભાઈ, તમારાથી એકાદ-બે વર્ષ નાનો હોઈશ, બાપુ તમને વાર્તાઓ સંભળાવતા ત્યારે હું ત્યાં બગીચામાં રમતો રહેતો, મને એમની વાર્તાઓમાં જરાય રસ નહોતો. પણ, તમને બધાને જોયા કરતો, એટલે આજે તમારું ઘર પણ ખોળી કાઢ્યું. તમને દરરોજ આવતા જતા જોતો હતો. મોટાભાઈ, બધાને વાર્તા સંભળાવતા સંભળાવતા, મારા બાપુ આજે ખુદ વાર્તા બની ગયા છે, એમને કંઈજ યાદ નથી, એમને એવી બીમારી થઇ છે. ત્રણ વર્ષ જેવું થયું હશે, એકાદ વર્ષ તો દવા કરાવી પછી હું એમને લઈને એ દરેક જગ્યા એ જાવું છું અને એ દરેક વ્યક્તિથી એમને મળાવું છું જે એમના ભૂતકાળ સાથે જોડાયેલા છે. બસ એ જ આશાએ કે ગઈકાલ સામે આવે તો આજ યાદ આવી જાય. ચાલોને... મહેરબાની કરો.” નિરવની ચતુરાઈ અને હોંશિયારી સામે પેલા યુવાનના અવાજની ભીનાશ જીતી ગઈ. ઘરના કમાડ બંધ કરી નીરવ પેલા યુવાન સાથે ચાલી નીકળ્યો.
બગીચામાં પેલા માણસને લસરપટ્ટી પાસે ફરતો જોઈ નીરવ ગદગદ થઇ ગયો. આ તો એ જ માણસ જે પૈસા લઈને વાર્તા કરતો, એજ માણસ જેની રાહ જોતા નિરવ થાકતો નહોતો, ખાલી નિરવ નહી એ સમયે બધા ટાબરિયા આ કાકાની રાહ જોતા. એ ધીરેથી એમની પાસે ગયો, અને વાતો કરવાની શરુ કરી. ભૂતકાળની ઘણી બધી યાદો તાજી કરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ... પછી એક વાર્તા શરુ કરી, પેલા માણસ પ્રત્યે એની સહાનુભુતિ વધતી જતી હતી. સાવ નાનું બાળક હોય એમ પેલા માણસને પણ એની વાર્તા સાંભળવી ગમતી હતી, એ વર્તમાનથી સાવ અલાયદો લાગતો હતો. છતાં આશાની એક શલાકા જન્મ લેતી હતી. એ દિવસની છેલ્લી વાત કરતા નિરવે દાણો દાબ્યો, પેલા માણસને એણે કહ્યું, “તમે દરરોજ અહીં આવો, હું તમને દરરોજ વાર્તા કહીશ, પણ પૈસા લઈશ. કોણ આપશે પૈસા?” તરત પેલો માણસ બોલ્યો, “આ મારો દીકરો છે. એવું એ કહે છે. બધો ખર્ચો પણ મારો એ જ કરે છે. તને પણ પૈસા એ જ આપશે, (યુવાન દીકરાને) આપશે ને?” પેલા યુવાને પણ નમ આંખે હા કહી. દર અઠવાડિયે નિરવ આવતો અને એ માણસને વાર્તાઓ કરતો, આમ ને આમ વાર્તાઓના વંટોળમાં દિવસો સમાતા જતા હતા, દર વખતે કઈક યાદ આવવાની આશા જન્મ લેતી અને પછી...., નિરવે છેક દોઢ-અઢી મહીને એક શનિવારે પેલા માણસને અધૂરી વાર્તા કરી અને કહ્યું, “વડીલ, કાલે મને, આ વાર્તાનો બીજો ભાગ અને અંત તમે કહેજો.”
કાલ આજ થઈને આવી. પેલા માણસે વાર્તાનો બીજો ભાગ અને અંત નિરવને કહ્યા. નિરવ ખુશ થઇ ગયો, રાજી થઇ ગયો અને બોલ્યો, “બીજું કઈ યાદ આવ્યું? કઈ પણ...” પેલા માણસે શૂન્યમનસ્ક ભાવે પૂછ્યું, “શું?”
બસ ત્યાં જ નિરવનો ઉત્સાહ ઠંડો થઇ ગયો, શાલાકાઓની સેર વેરવિખેર થઇ ગઈ હતી, એ અકળાયો, “અરે પંદર દિવસ થયા, કેટકેટલી વાર્તાઓ કીધી, થોડી તમારી તો થોડી મારી, તમારી વાર્તાનો અધૂરો ભાગ તમે જ કીધો જે તમે વર્ષો પહેલા મને કહેલો, તો તમને કઈ યાદ કેમ નથી આવતું? કેમ યાદ નથી આવતું? કેટલાય પ્રયત્નો કર્યા છતાં પણ તમે ત્યાના ત્યાં જ. શું થયું છે તમને? આમ બધું યાદ આવે અને આમ નહિ? મૂરખ છો કે મૂરખ બનાવો છો?” નવલોહિયા નિરવની અકળામણ ચરમસીમાએ હતી.
“અલ્યા, મેં ક્યાં કીધું કે હું બધું ભૂલી ગયો છું? મને કંઈ યાદ નથી?” નિરવને શાંતિથી સાંભળ્યા પછી નિરાંતે પુછાયેલા પેલા માણસના પ્રશ્નએ નિરવને અવાક કરી દીધો. “થાય, પ્રયત્નો પછી પણ સફળતા ન મળે ત્યારે આવું થાય એ બહુ સ્વાભાવિક છે. અને એમાં પણ તમે તો ગરમ લોહી. કેમ? પેલા મારા દીકરાને જુએ છે, જે અત્યારે ત્યાં મોબાઈલ પર વાત કરે છે, તે સાવ આળસુ હતો, કેટલું સમજાવ્યો પણ જવાબદાર નહિ બન્યો. તારી જેમ હું પણ આમ જ અકળાયો હતો એના પર અને મારી જાત પર પણ. મેં મારી શારીરિક લાચારીથી સંઘર્ષ કરતા તમારા જેવા ટાબરીયાઓને વાર્તા કરવી શરુ કરી, બે પૈસા કમાયો અને પુસ્તકો વેચવાનો ધંધો શરુ કર્યો. પોટલું પછી રેકડી અને નાની અમસ્તી દુકાનેય કરી. પણ આ મારો દીકરો ક્યારેય કોઈ કામ કરતો ન થયો. બહુ સમજાવ્યો પણ નહીં સુધર્યો. વાર્તાઓ કહેતા અને વાર્તાઓ વેચતા મને ઉપાય જડ્યો અને આખરે છેલ્લો ઉપાય જડ્યો અને હું વાર્તા બની ગયો, સ્મૃતીભ્રમનું બહાનું લઇ એના માથે પડ્યો અને ઉપાય કારગર નીવડ્યો. મને તો રાખે જ છે અને સાથે સાથે દુકાન પણ ચલાવે છે. બસ, ત્યારથી આ સીધોદોર ચાલે છે. હવે તું જ કહે હું તને મૂરખ બનાવું છું કે મારી જાતને? એની મારા પ્રત્યેની લાગણી જે હોય એ; પણ, પોતાની જવાબદારી સમજતો થયો છે. એટલે મેં પણ આ નાટક ચાલુ રાખ્યું છે, મને ક્યારેય બધું યાદ આવશે જ નહી કારણ કે જો બધું યાદ આવી ગયું તો કદાચ...
સમય મળે ત્યારે આવતો રહેજે, સાથે મળી વાર્તા માંડીશું; ક્યારેક વાર્તા કહેવા કરતા વાર્તા બનવામાં વધુ આનંદ આવે છે. કોઈને કઈ કહેતો નહિ, આ વાર્તા મારી છે, મારી જ રાખજે.” પેલો માણસ ત્યાંથી પોતાના દીકરા સાથે ચાલી નીકળ્યો.
અને નીરવ પોતાના ઘર તરફ વળ્યો અને બકુલકાકા અને રંજના આંટીને આવીને ભેટી પડ્યો.