કેર એન્ડ કમીટમેન્ટ
કેર એન્ડ કમીટમેન્ટ


જરા ધીમો વરસાદ વરસી રહ્યો હતો અને રાત પણ હવે મધરાત થવાની જ હતી. સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ માત્ર હતો અને એ પણ ઝાંખો. રાકેશ અને સોનું છાપરાવાળા બસ સ્ટેન્ડના વિરુધ્ધ ખૂણે ઊભા હતા. ક્યારેક નજર એક થઈ જતી તો રાકેશ તરત જ નજર ફેરવી લેતો. સોનુને જોવમાં એને સંકોચ થતો હતો. પણ, સોનું એના તરફ બિન્દાસ જોયા કરતી. એ થોડો શરમાતો અને સોનું એને શરમાવતી. અચાનક એક સિડાન કાર આવીને બસસ્ટેન્ડ પાસે ઊભી રહી, કારની બારીનો કાચ ખુલ્યો, સોનુને બોલાવી, સોનુએ કંઈક વાતચીત કરી અને કારની પાછળની બાજુની બારીનો કાચ ખુલ્યો, સોનુએ રાકેશને બોલાવ્યો અને પાછળની બારીએ ટેકાવાયો, વાતચીત થઈ અને કાર ત્યાંથી બંનેને લઈને દૂર ગાયબ થઈ ગઈ.
આવો પહેલો દિવસ હતો એમની મુલાકાતનો. પછી તો દરરોજ મળતા થયા, હસીને એકમેક સાથે વાત કરતા થયા, સહેજ સ્માઈલ, સહેજ હાઈ, સહેજ એક કટિંગ ચા માટે ઈશારા તો ગ્રાહક સાથે એકમેકના ચોકઠા ગોઠવતા થયા અને ખબર નહીં ક્યારે આમ કરતા કરતા એકમેકને થોડું ગમતા થયા ! સોનું દેખાવડી પણ જરા ઘઉંવર્ણી અને કોઈ એને જોઈને ન કહે કે એ કિન્નર છે. આબેહુબ જાણે કોઈ સ્ત્રી જ જોઈ લો. બસ, થોડો આવાજ એની ઓળખ ખુલ્લી કરી દેતો. અને રાકેશ દેખાવડો અને ઉપરથી ચીકણો થઈને ફરે એટલે સોનામાં સુગંધ ભળે. એક રાત્રે બસસ્ટેન્ડની બે વિરુધ્ધ બાજુઓ ભેગી થઈ ગઈ,
"સોનું એક સવાલ કરું ?"
"હા, બોલ બિન્દાસ બોલ."
"પહેલે દિવસે તને જોઈને જ હું સમજી ગયો હતો કે તું જેવી દેખાય છે એવી નથી, કંઈક તો અલગ છે."
"તને કેવી રીતે ખબર પડી ?"
"છોકરીઓ આમ બસ સ્ટેન્ડના કિનારે ન ઊભી રહે એતો આમથી તેમ ડોલતી છેક રસ્તાની વચ્ચે સુધી જઈ આવે."
"રાકેશ, આ સવાલ હતો ?"
"ના, હું તો એમ પૂછાતો હતો કે મેં તો તને ઓળખી કાઢી પણ તે મને..?"
"અહી ઊભા રહેનારા મજબૂર હોય છે રાકેશ, દરેકને પેટ રળવા પૈસા જોઈએ છે, તું પણ તો એટલે જ ઊભો હશે એવું મેં મની લીધું. ઉપરથી તારી શરમ, નજર ફેરવવું એ સાબિત કરતુ હતું કે તું હજુ નવો છે. અને અહી ઊભા રહો પછી શરમ નેવે મૂકી દેવાની. તને જાણીને આઘાત લાગશે પણ હું એક્સ્ટર્નલ સ્ટુડન્ટ છું. એફવાય બીકોમ. સમજુ છું બધું. 'ને અહી કોઈ કાર કે ગ્રાહકની રાહ જોતા ઊભા રહીને સ્વીકારું પણ છું બધું. છોડ, ટૂંકમાં જે કાર મને બોલાવે એને તારામાં પણ વાંધો ન જ હોવો જોઈએ એવું માનીને મેં તને પણ બોલાવી લીધો."
"સોનું, બાય ડીફોલ્ટ કંઈ તમારા નસીબમાં હોય તો સમજ્યા પણ..."
"તું કહેવા શું માંગે છે ?"
"સોનું, એક વર્ષ પહેલા હું મેડીકલી ફીટ મેલ હતો. એક એકસીડન્ટ થયો અને હું ક્યાંક અટકી ગયો. મારા મેરેજને છ મહિના પણ ન્હાતા થયા ત્યાં એક સામાન્ય કપલ કહી શકાય એવું મારામાં કંઈ રહ્યું નહીં. એટલું પૂરતું નહોતું ત્યાં આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ, સમાજમાં હું અછૂત થઈ ગયો, નોકરી ગઈ, પરિવારને પણ મારો ત્રાસ લાગવા લાગ્યો, એમને શાંતિ આપવા હું મારું નાનું સરખું ટાઉન છોડીને નવી ઓળખ સાથે અહી આવ્યો પણ આ શહેરે મને જીવન ટકાવવા અહીં મૂકી દીધો. સોનું સાચું કહું તો હવે સમજાય છે કે આ વન-વે છે. અહીંથી પાછા નહીં ફરાય. ખબર નહીં કે સેક્સુઅલી ડીફેક્ટીવ માણસ ક્યારે ગે થઈ ગયો. આ દેશમાં આ સમાજમાં મારા-તારા જેવાની જગ્યા નથી."
"વન-વેથી પાછા ન ફરાય પણ વળાંક તો લેવાયને ?"
"સોનું, એટલે ?"
"ખબર નહિ કે મને આમ પૂછવાનો હક છે કે નહીં, પણ આપણે સાથે રહી શકીએ ?"
"સાથે એટલે ?"
"એક સામાન્ય કપલની જેમ તો રહેવું શક્ય નથી, એટલે કેર અને કમીટમેન્ટની રૂહે..."
"સોનું, તારી પાસે પાસપોર્ટ છે ?"
આ વાતને પાંચ વર્ષ થઈ ગયા અને આ પાંચ વર્ષમાં સોનું અને રાકેશ પરણ્યા, શહેરથી દૂર નાના ટાઉનમાં જઈને વસ્યા, સોનું દુનિયા માટે મૂક એટલે કે મૂંગી બની ગઈ, સાથે સાથે વિદેશ જવા માટે વિઝાની કાર્યવાહી શરુ થઈ, પરફેક્ટ કપલની જેમ જીવન જીવ્યા કર્યું અને વિઝા મળતા જ વિદેશ ફૂરર... એવો દેશ, એવી જગ્યા, એવો સમાજ કે જ્યાં આવા બીન પરંપરાગત સંબંધોને કોઈ અસામાન્ય કે વ્યભિચાર રીતે જોતું નથી. માણસને માણસ સમજે છે અને એની લાગણીઓને સ્વીકારે છે.
જાતીય સંબંધોના કીચડમાં રગદોળાયેલા આજીવન એકમેક પાસેથી અસંતૃપ્ત રહેવા છતાં બે કમળ મનથી સંતૃપ્ત થઈને સુખેથી જીવ્યા.