Jay D Dixit

Romance

4.6  

Jay D Dixit

Romance

પ્રેમ એટલે કે...!

પ્રેમ એટલે કે...!

5 mins
532


વાર્તા : પ્રેમ એટલે કે...! (સોંસરવી ‘ને તોય સાવ કોરી લવસ્ટોરી) 

“દીકરા વિચાર કરી જો, તારા ભવિષ્યનો પ્રશ્ન છે. ગોવિંદભાઈ સાથે હું વાત કરીશ. જુનવાણી છે પણ મનાવતા મને આવડે છે. અને, અનુજ અને તું તો..” 

લાવણ્યા આ અધૂરા વાક્યને આખું સમજી ગઈ હતી અને કુન્દનિકાબેન પ્રસ્તાવ મૂકી ચાલ્યા ગયા. લાવણ્યા સમક્ષ કુન્દનિકાબેન દ્વારા અનુજ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બાકી બધા આઘાત વચ્ચે પ્રસ્તાવના સ્વીકાર કે અસ્વીકાર બાબતે એ ખૂબ જ અસમંજસમાં હતી. લાવણ્યાએ અનુજ સાથે કરેલી એકાંત મુલાકાતમાં પ્રસ્તાવ બાબતે ચર્ચા કરી. 

“અનુજ, શું તું હજુ મને પ્રેમ કરે છે ?”

“તું પ્રથમની પત્ની છે લાવણ્યા, અને જો મારી લાગણીઓની વાત કરતી હોય તો એ હજી એવીને એવી જ છે.”

“મમ્મી... મારી મમ્મીએ તારી સાથે લગ્ન કરવાની વાત કરી છે. એને કહ્યું કે જો મારી સંમતિ હશે તો એ પપ્પાજી સાથે પણ વાત કરશે.”

“તો ?”

“એ આપણા વિષે પણ જાણતી હતી.”

“તો.. ?”

“તો, તો શું કરે છે ? કંઈક તો જવાબ આપ. શું કરવું છે ?”

“એ બધું જ જાણતા હતા, એમણે જ તારા માટે નિર્ણયો લીધા. એ સમયે પણ નિર્ણય તારે કરવાનો હતો અને આજે પણ તારે જ કરવાનો છે. મારે ફક્ત અમલ જ કરવાનો છે. એટલે તું જે નિર્ણય લેશે એમાં મારી સંમતિ હશે.” 

અનુજે કોઈ નિર્ણય જણાવ્યો નહીં. વિચારોના વંટોળમાં કેટલાય દિવસોથી અટવાતી લાવણ્યાના મનમાં અંશના રડવાનો રણકાર અને પ્રથમનો હાર ચઢેલો ફોટો સતત હાજરી પૂરાવતા હતા. 

***

કોલેજના ત્રણ વર્ષ પછી પણ અનુજ અને લાવણ્યા ગાઢ પ્રેમમાં હતા. એકમેકની રાહ જોવી, નાહકની વાતો કરાવી, પસંદ-નાપસંદ વચ્ચે અટવાવવું, રાત-રાત જાગીને મોબાઈલ મચેડવા, સ્પર્શનો સળવળાટ અને હૈયે રચાતો તરખાટ. છતાં પણ આ પ્રેમ સંબંધ સહુથી છૂપાવવામાં બંને જણ સફળ થયા હતા ત્યારે. આ પ્રેમ ખાનગી રાખવાનું મુખ્ય કારણ એ હતું કે અનુજના પિતા ગોવિંદભાઈ પટેલ રાજ્યના પ્રતિષ્ઠિત મંત્રી હતા અને લાવણ્યાની માતા કુન્દનિકાબેન જાણીતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ. જાહેરમાં સંબંધ સ્વીકારવો બ્રેકીંગ ન્યુઝ બનવા જેવી બાબત હતી. વળી વિધવા પણ જમાનાના ખાધેલ કુન્દનિકાબેન અપોસીશન પાર્ટીને ફંડિંગ કરતા હતા એટલે તો... પ્રેમી પંખીડા યોગ્ય સમયની રાહ જોતા જોતા યુવાની માણી રહ્યા હતા. એક દિવસ અચાનક રાજરમત રમતાં ગોવિંદભાઈએ પોતાના જયેષ્ઠ પુત્ર પ્રથમ માટે કુન્દાનીકાબહેનની એકની એક  દીકરી લાવણ્યાનો હાથ માંગી લીધો. પ્રોફેશનલ રીલેશન પર્સનલ થયા અને સંબંધ બંધાઈ ગયો. અનુજ અને લાવણ્યાના સ્વપ્નો ચૂરચૂર થઈ ગયા. પ્રેમ ત્યાં જ ... અનુજે લાવણ્યાને ઘણી સમજાવી,

“તું તારા મમ્મીને આપણા પ્રેમ વિષે જણાવ અને એમના નિર્ણયનો વિરોધ કર.”

“તું પણ તો તારા પપ્પાને વાત કરી શકે છે.”

“અરે, લાવણ્યા વાત તારા લગ્નની છે.”

“તો તારા ભાઈના લગ્નની પણ છે, અનુજ.”

“સો વાતની એક વાત, કોઈ અન્ય છોકરી સાથે મારા લગ્નની વાત થતી હોત તો ચોક્કસ હું મારા પપ્પાને વાત કરત, પણ અત્યારે હું સામેથી ન બોલી શકું. પણ, લાવણ્યા એક વાત સંભાળી લે, હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. નહીંતર, નહીં કરું. આગળ તારી મરજી.”

અનુજે આ લગ્ન બાદ એક IT કંપની શરુ કરી અને ત્યાં જ શિફ્ટ થઈ ગયો, જયારે પ્રથમે ટેક્ષ્ટાઇલનો ફેમીલી બીઝનેસ સાચવ્યો. પ્રથમ અને લાવણ્યાને લગ્નના દોઢ વર્ષે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને નામ પડ્યું, “અંશ”. બંને કુટુંબ ખુશ-ખુશાલ હતા. અંશ છ મહિનાનો હતો ત્યારે એક કાર એક્સિડન્ટમાં પ્રથમનું મૃત્યુ થયું. એકાદ મહિનો વિત્યો અને  કુન્દનિકાબેને લાવણ્યા સામે અનુજ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

***

“અનુજ, કુન્દનિકાબેનનો ફોન હતો, તારા અને લાવણ્યાના વિત્યા દિવસોની વાત કરતા હતા, જો મને ત્યારે ખબર હોત તો પ્રથમને બદલે...” ગોવિંદભાઈએ અનુજ સાથે વાત માંડી.

“જો પપ્પા, એ સમય વીતી ગયો છે અને સાચું કહું તો તમને ખરાબ લાગશે પણ, તમે આ સંબંધ ત્યારે અપોઝીશન ફંડિંગ રોકવા માટે જ બાંધ્યો હતો. પછી હું  કે પ્રથમ ગમે તે હોય.”

“હા, પણ હવે પ્રથમ નથી અને હું પણ ઈચ્છું છું કે લાવણ્યા યુવાન છે, તું પણ એને જાણે છે અને વાત રહી અંશની તો એ હું છું ત્યાં સુધી મારી સાથે જ રહેશે. વી કેન હેન્ડલ ધ સિચ્યુએશન.”

“ઇટ્સ નોટ અ મેટર ટુ હેન્ડલ ધ સિચ્યુએશન ઓન્લી, ઇટ ઇઝ અ મેટર ઓફ ઇમોશન્સ ઓલસો, અને વાત રહી કે શું નિર્ણય કરવો તો એ નિર્ણય લાવણ્યા કરશે. અંશની જવાબદારી હું કોઈની પણ સાથે લગ્ન કર્યા વગર પણ સ્વીકારું છું.”

ગોવિંદભાઈને ખ્યાલ આવી ગયો કે અનુજ અન્ય સાથે લગ્ન નહીં કરવા મક્કમ છે, એટલે જો લાવણ્યાની સંમતિ હશે તો બધું જ હેમખેમ પાર પડે એમ છે. એટલે એમણે લાવણ્યા સાથે વાત કરી. એમનો મુખ્ય મુદ્દો લાવણ્યા અને અંશના ભવિષ્યનો રહ્યો. લાવણ્યાએ હકારાત્મક વલણ દાખવીને અનુજ સાથે છેલ્લી વખત ચર્ચા કરવાની અરજ કરી. 

પ્રેમીઓની મુલાકાત ફરી એજ કેફેમાં થઈ જ્યાં પાંચ વર્ષ પહેલા ઘણો સમય પ્રેમી પંખીડાની માફક પસાર કર્યો હતો. વાતવરણ પહેલા કરતા હળવું અને સહેજ રોમેન્ટિક હતું. હંમેશની માફક ટેબલ પર પડેલા કોફીના બે કપ હતા, સુમધુર સંગીત હતું, એકાંત હતું અને ...

 “અનુજ તું હજી મને પ્રેમ કરે ?”

“કેમ ? તું નથી કરતી ?”

“પ્રેમ તને જ કરતી હતી, કરું છું અને કરતી રહીશ. પ્રથમ સાથે લગ્ન કર્યા ત્યારે પણ હું તને જ ચાહતી હતી. પણ, મમ્મીના નિર્ણય સામે અને એના માતૃત્વ સામે મારા પ્રેમ માટે એની વિરુધ્ધ થવું મારા માટે કપરું હતું.”

“હવે ?”

“મારા અને અંશના ભવિષ્યનો પ્રશ્ન છે. એટેલે બધા ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉં અને તે પણ તારી સાથે. જો તારી સંમતિ હોય તો.”

“તું શું ઈચ્છે છે ?”

“હું...હું પણ..”

“આપણે આ વાત પહેલા જ થઈ ચૂકી છે કે તારી સંમતિમાં જ મારી સંમતિ હશે.”

“મિન્સ આર યુ રેડી ?”

“આઈ એમ ઓલસો વિથ યુ પણ, ત્રણ સવાલના જવાબ આપી દે...”

***

કારનો હોર્ન વાગ્યો અને એરપોર્ટથી આવેલી બી.એમ.ડબલ્યુ બંગલામાં પ્રવેશી. લાવણ્યા ખુશીથી દરવાજે ગઈ, કાર ઊભી રહી અને કેનેડાથી ગ્રેજ્યુએટ થયેલો યુવાન અંશ કારમાંથી બહાર આવ્યો. અનુજ પણ કારમાંથી ઉતાર્યો અને બોલ્યો,

“અંશ, દીકરા મમ્મીને પગે લાગો.”

“યા શ્યોર અંકલ.”

અંશ લાવણ્યાને પગે લાગ્યો, લાવણ્યાએ આરતી કરી એને આવકાર્યો અને અનુજ બંનેને લઈનેને બંગલામાં પ્રવેશી ગયો.”

***

અનુજે સવાલો પૂછવાના શરુ કર્યા,

“પ્રેમ કરો તો શું લગ્ન કરીને, સંબંધને નામ આપવું જરૂરી છે ?”

“એકમેકની જવાબદારી ઉપાડી અને કેર કરી મનોમન એક રહો એનાથી વિશેષ પ્રેમની વ્યાખ્યા શું હોઈ શકે ?”

“લગ્ન કરીને આપણું બાળક થશે તો શું એ અંશના ભવિષ્ય માટે યોગ્ય હશે ?”

લાવણ્યા બસ એટલું જ બોલી શકી,

“યુ આર ટુ મેચ્યુઅર્ડ, આઈ લવ યુ મોર ધેન બીફોર.”

કેફેનું વાતાવરણ સાવ હળવું, ગમે એવું, પહેલા કરતા વધુ રોમેન્ટિક થઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance