મન જીત્યું બંધમાં
મન જીત્યું બંધમાં


"પપ્પા, આ લોકડાઉનમાં મન જીત્યું છે મગજની સામે, તમે પણ મનથી વિચારી જુઓ."
દશરથકાકા અને પપ્પા બહુ જુના મિત્રો, એટલે અમારા બંનેના કુટુંબ એકબીજાને બહુ સારી રીતે ઓળખે. વળી, એક જ જ્ઞાતિના એટલે વારે-તહેવારે કે પ્રસંગોપાત ક્યાંતો અમારા ઘરે ક્યાંતો એમના ઘરે અમે બધા જ ભેગા થઈએ. એટલે મળવા મૂકવાનું તો ચાલ્યા જ કરે. આમ તો રોહન માટેની વાત બહુ પહેલાથી મારા ઘરમાં ચર્ચાતી હતી અને વળી હમણાં પંદર દિવસ પહેલા ફાઈનલી લીગલી માંગું પણ આવ્યું. અને ત્યાં જ અમારા ઘરમાં અસમંજસના વાદળો રચાવવાનું શરુ થયું.
મિહિર, મિહિર નાણાવટી, કેનેડા ભણવા ગયો અને ત્યાં જ સેટલ પણ થઈ ગયો. જ્ઞાતિના ધનાઢ્ય કુટુંબ નાણાવટી ફેમિલીનો એકનો એક દીકરો. આમ પણ મિહિર પહેલેથી જ સ્માર્ટ અને ગમી જાય એવો અને વળી એના ફોઈએ પપ્પાને ફોન કરીને મારા માટે જરા વિચારવા કહ્યું. ઘરમાં બધા જ ખુશ, ઘર, પૈસો અને રૂપાળો છોકરો. પછી જોઈએ શું? પણ ત્યાં જ લોકડાઉન લાગ્યું અને વાત ત્યાં જ અટકી ગઈ. જોકે, અંદર અંદર અમે બંને વાતચીત કરતા હતાં અને મને મિહિર ગમ્યો પણ ખરો. પણ, આ મિહિર સાથે મારું ચોકઠું ગોઠવાઈ રહ્યું છે એ વાતની જાણ ઘર બહાર કોઈને હતી નહીં, કારણકે પપ્પાની ચોખ્ખી વોર્નિંગ હતી કે જ્યાં સુધી કંઈ પાક્કું ન થાય ત્યાં સુધી કોઈને જ જાણ થવી ન જોઈએ.
એટલે દશરથકાકાને પણ આવી કોઈ જ ગંધ નહીં. વળી, આપણી સામાજિક પરંપરા મુજબ યુવાન છોકરા છોકરી દેખાયા કે તરત દરેકના મનમાં શરણાઈ વાગી જ જાય, ભલે એ યુવાન હૈયાઓમાં યુદ્ધના બ્યુગલ વાગતા હોય. એટલે રોહિણીકાકીએ દશરથકાકાને વાત કરીને રોહનનું માંગું નાખ્યું. ઘરમાં બધા જ મિહિરની બાજુએ ઝૂકેલા હતાં અને હું પણ. વાત ફક્ત એ જ ચર્ચાતી હતી કે દશરથકાકાને ના કેમ કરીને કહેવી? અને ત્યાં જ એક વધુ લોકડાઉનની જાહેરાત સરકાર તરફથી થઈ. પંદર દિવસ બીજા મળ્યા. હવે કહાનીમાં ટ્વિસ્ટ એ હતો કે જે દિવસે રોહનની વાત આવી એ જ દિવસે મેં જરા અકળાઈને રોહનને ના કહી દીધેલી, છતાં એને એના ઘરમાં આ બાબતે કોઈ જ વાત કરી નહીં હોય ત્યારે અને મારા ઘરે પણ કોઈ ફોનબોન નહીં. એટલે, એણે તો માનસિક રીતે આ સંબંધના અંતનો સ્વીકાર કરી જ લીધો હતો, એની મને ખાતરી થઈ ગઈ. હવે થયું એવું કે આ પંદર દિવસમાં પપ્પાને કોરોના થયો, આખું ઘર કોરેન્ટાઈન થઈ ગયું અને પપ્પાને હોસ્પિટલ લઈ ગયા. એ પછી દશરથકાકાના ઘરેથી જ પંદર-વીસ દિવસ સુધી અમારું ઘર ચાલ્યું. બધી જ વ્યવસ્થા રોહન જ કરતો હતો. ત્રણ લોકડાઉન - આવું ચાલ્યું પછી તો પપ્પા ઘરે પણ આવી ગયા અને ધીરે ધીરે બધુ હળવું થઈ રહ્યું હતું ત્યારે પપ્પાએ મને બોલાવી અને કહ્યું કે,
"મિહિર મને ગમે છે, પૈસે-ટકે પણ સધ્ધર છે, ઘર પણ સારું છે. તને ગમતો હોય તો વાત આગળ વધારીએ."
"પપ્પા, પણ રોહન...દશરથકાકા..!"
"તું ચિંતા ન કર, જે દિવસે દાખલ થયો એ જ દિવસે મેં દશરથને ફોન કરેલો અને મિહિરવાળી વાત જણાવી દીધી હતી અને દશરથને એ બાબતે કોઈ જ વિરોધ નહોતો, એ તો એમ બોલ્યો કે તું તબિયત સંભાળ, હું ઘર સંભાળી લઈશ અને રોહનને સમજાવી પણ દઈશ."
"દશરથકાકાને બધી ખબર છે ?"
"હા, દિકરા, મિત્રતા આને કહેવાય, તમારા હા કે ના ના જવાબથી જેના પર કોઈ જ અસર ન થાય. એ જિંદગીભર તમારી સાથે રહે અને એ જ જિંદગીની સૌથી મોટી કમાણી અને સિક્યોરીટી."
"હું મિહિર માટે એક દિવસ માંગું છું, કાલે મારો નિર્ણય કરું."
"ઘરમાં બધાને મિહિર ગમે છે, તને પણ ગમતો જ હશે. તો... ઠીક છે કાલે જણાવજે. પણ, ભવિષ્યનો નિર્ણય કરવાનો હોય ત્યારે મગજ વાપરવું જોઈએ. જાવ."
લોકડાઉનના ચક્કરમાં બધા ઘરમાં બંધ હતાં અને હું મારા મન અને મગજના સળિયાઓથી ઘેરાયેલી જેલમાં બંધ હતી. સતત દશરથકાકા અને રોહનના વિચારો આવતા, બંને ને મારા નિર્ણયની ખબર હતી અને છતાં...મેં ઘણું વિચારીને રોહિણી આંટીને ફોન જોડ્યો,
"હલ્લો, આંટી, પૂજા વાત કરું છું."
"અરે, બોલ શું થયું? પપ્પા તો ઠીક છે ને?"
"હા, બધું ઠીક છે, આંટી મારે તમને એક વાત પૂછવી છે."
"બોલ દિકરા, કેમ આમ ગોળગોળ વાત કરે છે?"
"ઓકે,દશરથકાકાએ તમને રોહનના અને મારા...આઈ મીન... મિહિર અને મારા..."
"મને ખબર છે, મને તું ગમે છે એટલે માંગું મેં જ નંખાવ્યું હતું અને તારા કાકા સાથે વાત પણ થઈ કે તારા ઘરે મિહિરની વાત ચાલે છે. ઇટ્સ ઓકે. ભૂલી જા."
"અને રોહન...?"
"એને તો તે એ દિવસની ના કહી જ દીધી છે ને? પછી એને સમજાવવાનો આવતો નથી."
"એટલે તમને એ પણ ખબર છે ?"
"જો, અમારા ઘરમાં બધી જ વાત થાય છે અને એ પણ મોકળા મને થાય છે. અને ગાંડી તું સાવ નાની હતી ત્યારથી દીકરી જ સમજી છે, વહુ બનાવવાની ઈચ્છા મારી હતી, અને એમાં તું ના કહે તો મારે બીજી દીકરી શોધવાની ?"
મેં ફોન મૂકી દીધો. રોહન સાલો જબરો મેચ્યોર નીકળ્યો. બધાને ટપી જાય એવો. સમજણ અને શાણપણમાં એક્કો. મગજ મિહિરમાં અને મન હવે રોહાનમાં અટવાતું હતું. એક તરફ પૈસો, કેનેડા, સેટલ લાઈફ હતી ત્યાં બીજી તરફ સમજણ, લાગણીઓ અને ફેમિલીની હૂંફ હતી. એ દિવસે આખી રાત જાગી અને સવારે પપ્પાને જઈને કહ્યું,
"પપ્પા, રોહન?"
"અરે, કેમ? તને તો મિહિર...પ્લીઝ, શાંતિથી વિચાર ત્યાં ફ્યુચર સિક્યોર છે, ફાઈનાન્સિયલી એ વધારે સ્ટેબલ છે. કેનેડા.."
"પપ્પા, જિંદગીમાં તકલીફ આવે છે ત્યારે સમજણ, મેચ્યોરીટી અને ફેમીલી બોન્ડીંગ જ જીતાડી જાય છે. લાઈફમાં પૈસો જરૂરી છે પણ પ્રેમ અને હૂંફની સામે કંઈ નથી."
"પણ દીકરા...મગજ વાપર."
"પપ્પા, આ લોકડાઉનમાં મન જીત્યું છે મગજની સામે, તમે પણ મનથી વિચારી જુઓ."
અને આમ હું અને રોહન એક થયા અને હવે કેનેડામાં જ સહ પરિવાર સેટલ છીએ.