jignasa joshi

Drama Others

3.7  

jignasa joshi

Drama Others

જિંદગીનાં ઉતાર ચઢાવ

જિંદગીનાં ઉતાર ચઢાવ

30 mins
733


રાધા તેનાં પતિ દિનેશ, સાસુ શાંતાબેન, સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવતી હતી. આમ તો તેનાં ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા આજુબાજુની સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી. મોંઘવારીના આ જમાનામાં માંડ માંડ પેટ પૂરતું રહેતા હતાં એમાં સાસુ-સસરાની વૃદ્ધાવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ. આખર તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહેતી. કમાણી અને ખર્ચના છેડા ક્યારેય મળતાં જ ન હતાં. ઘણીવાર વિચાર કરે કે આ મહિને થોડી કરકસર કરી બચત કરીશું એટલે આવતા મહિને આ ખર્ચ નીકળી જાય પરંતુ કહેવાય છે ને કે ધારેલું કામ ક્યારેય પાર પડતું નથી. અચાનક એવો ખર્ચો કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુ પર રહે અને ઊલટાનો ડબલ ખર્ચો કરવો ઘણીવાર તો ઉછીના પૈસા લેવાનો પણ વખત આવે. આવી ગઈ ની હાલતમાં પણ પરિવારમાં સુખ અને શાંતિ હતાં. હળીમળીને શાંતિથી જીવન પસાર કરતાં હતાં.

રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી તેના સાસુ-સસરા પોતાનાં ઘરકામમાં રાધા ને ઘણી મદદ કરતાં. મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ મળતાં રાધા ને પણ પગમાં જોર રહેતું. મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતાં. આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવી તૈયાર રાખતી અને રાત્રિનું જમવાનું બધાએ સાથે જ જમવાનું એવો પારિવારિક નિયમ હતો જે બધા સભ્યોને એકબીજા સાથે જોડી રાખતો હતો અને પારસ્પરિક શાંતિ અને પ્રેમ આપતો હતો. એક બીજાનાં સુખ દુઃખ વહેંચી સાથે રહેતા પરિવાર પર આજુબાજુ રહેતા લોકોને પણ માન અને આદર હતું. ગરીબીમાં પણ કેવાં હળી મળીને રહે છે એ દાખલો આપવા માટે આ પરિવારની ગણના થતી.

                એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા દિનેશ અને મેહુલ એક પાર્કમાં ફરવા ગયાં. પાર્કમાં લસરપટ્ટી, હીંચકા અને અવનવી રમતો જોઈ મેહુલ ખૂબ ખુશ થયો. રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ જ હરખાતા હતાં. બંને એવી પણ વાતો કરતાં હતાં કે છેલ્લે ક્યારે આપણે ફરવા ગયા હતા તે પણ યાદ નથી. આ નાની અમથી ખુશી પણ એને માટે તો જાણે મોટો અલાદિનનો ચિરાગ મળ્યો હોય તેવી હતી. ત્રણેય ખુશ થતાં થતાં ઘરે આવતાં હતાં. આ નજીવી ખુશી પણ કિસ્મત ને મંજૂર નહી હોય એટલે જ એક મોટી આફત પરિવારમાં નાંખી દીધી. પાર્કમાંથી ફરીને આવતાં દિનેશની એક્ટિવાને પાછળથી એક મોટાં વાહને ધક્કો માર્યો જેનાથી રાધા અને દિનેશ એક બાજુ પડ્યા અને મેહુલ રસ્તા વચ્ચેના સર્કલની દીવાલે અથડાયો. રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો પરંતુ મેહુલના માથામાંથી લોહી પાણીની જેમ વહેતું હતું. તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે પણ એ જોવાની રાધાની કે દિનેશની હિંમત ન હતી. રાધા ચોધાર આંસુએ પોતાના વહાલસોયા દીકરાને સાડીનાં પાલવથી લોહી બંધ કરવા મથતી હતી અને આ બાજુ દિનેશ કોઈક ની મદદ લેવા આગળ પાછળ દોડતો હતો. આ કળિયુગમાં દયા પ્રેમીઓ જાણે મરી પરવાર્યા હોય તેમ એક્સિડન્ટનો કેસ છે અમારે આ પોલીસનાં લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતાં. ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર રફુચક્કર થઈ ગયો.

દિનેશે ફટાફટ 108 બોલાવીને મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો. મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ મારા દીકરાની સારવાર કરાવું પરંતુ મોંઘુંદાટ બિલ ચૂકવવાની તેની પરિસ્થિતિ જ નહોતી. મેહુલ ની ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો. તાત્કાલિક સારવાર અને તપાસ પછી ખબર પડી છે મેહુલની માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને પગમાં પણ હાડકાઓમાં ક્રેક પડી છે. મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે એટલે ઓપરેશન કરાવવું પડશે. રાધા અને દિનેશના તો પગ નીચેથી જમીન સરકી જાય છે કે હવે શું કરશું. કંઈ પણ વધારે વિચાર કર્યા વગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય છે ત્યાં પણ સારવાર દરમિયાન આ જ નિદાન આવે છે. ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ જ આવશે પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી. દિનેશ હળવા અવાજે ડોક્ટર ને પૂછે છે કે સાહેબ ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે. ડોક્ટર દિનેશ અને રાધા ના અવાજ અને પહેરવેશ પરથી સમજી જાય છે કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે ડોક્ટર આશ્વાસન આપતાં કહે છે કે જો ભાઈ ઓપરેશન બહુ મોટું અને જોખમ વાળું છે એટલે પૈસાની વધારે જરૂર પડશે ઓછામાં ઓછી દોઢ બે લાખની ગણતરી કરવી પડશે. દિનેશે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરીને ડોક્ટરને થોડો આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી. ડૉક્ટર બોલ્યા કે તારી પરિસ્થિતિ જોઈને પહેલેથી જ મેં મારી ફી ઓછી રાખી છે. બીજા ડોક્ટરો ને બોલાવીને ઓપરેશન કરવાનું હોવાથી હું તને બીજી કઈ મદદ કરી શકું તેમ નથી પરંતુ એક ટ્રસ્ટીનો નંબર લખી આપું છું જે ઘણા લોકોને મદદ કરે છે તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે મારી આ ચિઠ્ઠી તું તેને આપજે એટલે બનતી સહાય તે કરશે.

           રાધા અને દિનેશના જીવમાં જીવ આવ્યો. તે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે ભગવાન આવી જ રીતે મદદ કરતો રહેજે અને અમારો જીવ એવો અમારો દીકરો આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે પરંતુ મેં એક કવિતામાં લખ્યું છે એ પંક્તિ અહીં સાચી ઠરે છે કે

કહેવું પડે ભાઈ કુદરતનું કેવી વાંકી ચૂકી છે,

ઉકેલાય નહિ ક્યારેય એની એવી આંટીઘૂટી છે.

ક્યારેક કહેર ને ક્યારેક મહેર એ જેની વૃત્તિ છે.

ક્યારેક આપે ઢગલો ખુશી ક્યારેક દુઃખનો પહાડ દે.

દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વાળીને ન જોતા હોય તેમ એક નવી મુસીબત ઊભી થાય છે. જે ટ્રસ્ટીની ચીઠ્ઠી ડોક્ટરે લખી આપી હતી એ ટ્રસ્ટીનું આજે વહેલી સવારે જ નિધન થયું એટલે પરિવારના સભ્યો તેના મૂળ વતનમાં ગયા છે. હાલ કોઈ મળી શકે તેમ ન હતું. દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ કે એવો તો મેં શું ગુનો કર્યો છે, આટલી ભારે સજા મારા દીકરાને ભોગવવી પડે છે. તે ભગવાનને આજીજી કરતાં કહે છે કે હે પ્રભુ મારા પર નહીં તો મારા આ કૂમળા દીકરા પર તો દયા કર. ઉગતા નવા ફૂલને ખીલ્યા પહેલા જ શા માટે કરમાવી દેવા ઊભો થયો છે. શા માટે તારા પરની અમારી શ્રદ્ધા ડગમગાવે છે. આખી જિંદગી અમે તારી પાસે ક્યારેય કશું આશા રાખી નથી અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી.

      નિસાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલ આવે છે અને ડોક્ટરને વાત કરે છે તો ડોક્ટર પણ એવો જ જવાબ આપે છે કે આનાથી હું વધારે કંઈ કરી શકું તેમ નથી. રાધા ચોધાર આંસુએ રડે છે પરંતુ દિનેશ સિવાય સાંભળવા વાળું કોઈ નથી. એકબીજાને પરસ્પર આશ્વાસન આપતા હિંમત રાખી આપણે જ કંઈક કરવું પડશે એવો નિર્ણય કરે છે. રાધા દિનેશને કહે છે કે કાલે તમે કંપનીમાં જઈને તમારો પીએફ અને એડવાન્સ પગાર લઈ જમા કરાવી દેજો. હું પણ જ્યાં જ્યાં કામ કરું છું ત્યાંથી આ મહિનાનો પગાર અને આપે તો બે મહિનાનો એડવાન્સ પગાર માંગી પૈસા જમા કરાવી દઈશ. દાગીના માં તો મારી પાસે આ છે તે વેચી દઈશ અને થોડાં ઝાઝા પડોશીઓ પાસેથી ઉછીના લઈ લેશું જે ધીરે-ધીરે ચૂકવી આપીશું. રાધા અને દિનેશની વાત સાંભળતા જ તેનાં સાસુ દરવાજો ખખડાવી અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે અમારી પાસે ઝાઝું નથી પરંતુ આ મારી બુટ્ટી અને ચૂક છે તે વેચીને જે પૈસા મળે તે મારા જીવલાને બચાવવા વાપરજો. અને આ લ્યો 15000 જે અમારી મરણમૂડી હતી. મારા જીવલાને બચાવી લેજો એમ બોલતાં બોલતાં તો બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેને જોઈને રાધા દિનેશ અને બાપુજી પણ ખૂબ ખૂબ રડ્યા. મંદિર સામે જોઈને નિસાસો નાંખતા બા બોલ્યા કે હે પરભુડા તારે લેવાં હોય તો અમને એક સાથે બંનેને લઈ લે પરંતુ મારા વ્યાજને જીવનદાન દે અને સાજો કર. આ કૂમળા બાળકે તારું શું બગાડયું છે કે એને આટલી મોટી સજા કરે છે પરંતુ ભગવાને તો જાણે તેની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક ઉપાધિઓ આપવાનું ચાલુ જ રાખ્યું. માંડ કરીને એક આશાનું કિરણ દેખાય ત્યાં જ એ આશાને મૂળમાંથી બાળી બીજી મોટી ઉપાધિ રાધા દિનેશના જીવનમાં નાંખી દે કે બિચારા તેમાંથી નીકળી જ ન શકે. બધાં થોડાં સ્વસ્થ થઈ આજુબાજુમાં અને મિત્રોમાં પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી પરંતુ દિલીપની આવકની બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછાં આપી શકે તેમ નથી. તેની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ ઘર ચાલે તેવી છે ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકવશે. કોઈકે કહ્યું કે મેં હમણાં જ ગામડે પૈસા મોકલી દીધાં, પહેલાં બોલ્યો હોત તો કંઈક મદદ કરત. એક મિત્રએ પત્ની બિમાર હોવાનું બહાનું કાઢ્યું તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું. આમ બધાએ દુઃખ ન લાગે તે રીતે એન કેન કરીને ના પાડી દીધી. દુઃખી થયેલા પતિ-પત્ની નિસાસો નાંખતા ઘરે આવ્યા. વિચાર કરતાં કરતાં ક્યારે સવાર પડી તેનું બંનેને ખ્યાલ જ ન રહ્યો. આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ. તારાં કરતાં તો દુશ્મન સારો તેને પણ થોડી દયા આવે. તારે પરીક્ષા કરવી હોય તો અમારી કર મારા દીકરાને બક્ષી દે ભગવાન. સવાર પડતાં જ દિનેશ કંપનીમાં જઈને મેનેજરને ઓવરટાઈમ અને બે મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરે છે તો મેનેજરે કહ્યુ કે તું અરજી કરી મને આપ હું આ અરજી મેઇન ઓફિસમાં મોકલીને તારું કામ કરાવી દઈશ ચિંતા ના કરીશ. આજે આ મેનેજર સાહેબ દિનેશને ભગવાન કરતાં પણ વિશેષ લાગતાં હતાં. મનમાં થોડો રાજી થયો પરંતુ કામ થશે કે નહીં. મનમાં હતું કે આ વખતે પણ નક્કી ભગવાન કોઈક રમત રમશે. ભગવાન પરનો વિશ્વાસ ડગી જતાં હવે તે તેમ પણ બોલી શકે તેમ ન હતું કે ભગવાન જે કરે તે સારું.

       આ બાજુ રાધા જ્યાં પોતે કામ કરતી હતી તે શેઠાણીઓને રડતાં રડતાં બધી વાત કરી છે અને આ મહિનાનાં પગાર સાથે બે મહિનાનો પગાર એડવાન્સ આપવા માટે વિનંતી કરે છે. પરંતુ એક ગીત છે ને કે ” સુખ કે સબ સાથી દુઃખમેં ના કોઈ” આજકાલના આ કળિયુગમાં માનવતા જાણે કે ક્યાંય મરી પરવારી હોય તેમ એક-બે શેઠાણીને છોડી બધાએ ના પાડી. બધાને એમ જ હતું કે બીજી બધી કામવાળીઓની જેમ આ પણ કદાચ પૈસા લઈને જતી રહેશે તો આપણે કયાં શોધવા જઈશું. જે કંઈ થોડા પૈસા આવ્યા તે હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડોક્ટરને વિનંતી કરી કે તમે સારવાર ચાલુ કરો અમે ગમે તેમ કરી પૈસાની સગવડ કરી દઈશું.

         કુદરત જાણે રાધા દિનેશ ની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસેને દિવસે પરિસ્થિતિ કથળતી જતી હતી. દિનેશ ઓફિસમાં કરેલી અરજી ની રાહ જોઈને બેઠો હતો ત્યાં જ સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણસર કંપનીમાં આગ લાગી છે અને કંપની માલસામાન સાથે બળીને રાખ થઈ ગઈ છે. કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે એટલે જ્યાં સુધી વીમા કંપની બધી જ કાર્યવાહી પૂરી ન કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે. એક કહેવત છે ને કે “દુકાળમાં અધિક માસ”. દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને બધા ભગવાનનાં ફોટાં અને મૂર્તિઓ ફળિયામાં ફેંકી દીધાં. રાધા અને તેના સાસુએ શાંત કરવાની ઘણી કોશિશ કરી પરંતુ આજે દિનેશ શાંત થાય તેમજ ન હતો. શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો કે તેને કોઈ રસ્તો સૂઝતો જ નહોતો. રાધા શાંત પાડતાં કહે છે કે ધીરજ રાખો ધીરજના ફળ મીઠાં. અત્યારે ભગવાન આપણી આકરી પરીક્ષા લઈ રહ્યો છે. પરીક્ષા તેની જ થાય તે ભગવાનને વ્હાલા હોય નક્કી આમાં પણ આપણું કંઈક સારું જ હશે. દિનેશ બોલ્યો રાધા તું તો માણસ છે કે બીજું કંઈ આટલું દુઃખ આપવા છતાં હજુ ભગવાનના ગુણગાન ગાવામાંથી ઊંચી આવતી નથી. મને હવે તેના પર જરા પણ શ્રદ્ધા નથી તારે તારા પરભુડાને પૂજવો હોય તો પૂજ હું તો હવે તેની સામે જોવાનું પણ નથી. હું તો હવે તેની સામે જીદે ભરાણો છું કે જો તેને મારી સાથે સબંધ રાખવો હોય તો મારા દીકરાને સાજો કરવો જ પડશે. આખી જિંદગી હું નીતિથી જ ચાલ્યો છું અને બીજાને મદદ કરવા મેં હાથ લંબાવ્યો છે પરંતુ કોઈ આગળ ક્યારે મદદ માટે હાથ લાંબો કર્યું નથી છતાં આટલું દુઃખ આપતા તે ધરાતો નથી તો તે તેના રસ્તે અને હું મારા રસ્તે.

             એવામા ડોક્ટરનો ફોન આવે છે કે મેહુલની તબિયત બગડી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે હોસ્પિટલમાંથી મોહનભાઈ પણ ધ્રુસકે ધ્રુસકે રડતા બોલે છે કે દિનેશ કુમાર જલ્દી કંઈક કરો નહીં તો આપનો વાઘ એમ બોલતા બોલતા ફોન કાપી નાંખે છે. દિનેશ કંઈ પણ વિચાર કર્યા વગરજે નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતો હતો તેના દસ્તાવેજ અને બીજા જરૂરી કાગળ લઈ દવાખાને પહોંચ્યો અને ડોક્ટરને બધી વાત કરી કે આવી રીતે પરિસ્થિતિ વણસતી જાય છે. મહેરબાની કરીને તમે અમને મદદ કરો આ દસ્તાવેજ તમે રાખો હું થોડા દિવસમાં પૈસાની સગવડ કરી તમને આપી દઈશ નહીં તો તમે આ મકાન વેચી નાંખજો.

      પ્રભુ પણ હવે થોડો થાક્યો હોય તેમ દુઃખ ઓછા કરવા ડોક્ટરે હા પાડી કે વાંધો નહીં ચિંતા ન કરીશ તો સારા વાના થશે. હું સારવાર ચાલુ કરું છું. આ બાજુ રાધા કામ કરવા જાય છે ત્યાં ટેબલ પર પડેલાં સમાચાર પત્રમાં એક જાહેરાત વાંચે છે અને ત્યાંથી તરત જ રવાના થઈ ઘરે પાછી આવે છે.જાહેરાતની આખી વાત તે દિનેશને કરી છે કે સુરતમાં એક વૃદ્ધાની દેખરેખ રાખવાની છે.એ પથારીવશ છે અને દીકરા વહુ અમેરિકા રહે છે એટલે જેટલાં પૈસા માંગે એટલા આપશું પરંતુ તેનું ધ્યાન રાખવા સાથે તેની દૈનિક ક્રિયાઓ પણ કરવી પડશે જેમ કે ડાયપર બદલવા, નવરાવવા, ધોવડાવવા, જમાડવા બધું જ કરવાનું રહેશે. નંબર આપેલો છે તો તમે કહો તો હું તેની સાથે વાત કરું. હા પાડે તો હું થોડો વખત ત્યાં જઈ આવું જેથી આપણી માથે આવેલી સમસ્યામાંથી થોડા ઉપર આવીએ. દીકરાને મૂકીને જતાં મારો પણ જીવ ચાલતો નથી પરંતુ એક આશાની કિરણ બંધાણી છે અને આમાં કંઈક સારું હશે તો જ આ રસ્તો આપણને મળ્યો હોય તેમ વિચારી સાસુ અને દિનેશ બન્નેની સહમતિ થી ફોન કરે છે. અને સામેથી જવાબ આવે છે કે તમે કાલે જ હાજર થઈ જાઓ અને ૧૫ દિવસ માં તમારો એડવાન્સ પગાર ૨૫,000 રૂપિય તમારા ખાતામાં જમા કરાવી દઈશું. ભગવાન ઉપર થોડી આસ્થા જાગી છે કે નક્કી હવે કંઈક સારું થશે.

        રાધા દિનેશ ને લઈને દીકરાને મળવા હોસ્પિટલમાં જાય છે. મેહુલ હજી આઈસીયુમાં છે એટલે તેની સાથે વાત તો કરી શકે તેમ નથી પરંતુ દૂરથી રડતી આંખોએ તેને જોઈ રહે છે. તે જાણે તેની સાથે વાતો કરતી હોય એમ કહે છે કે બેટા હવે તું જલ્દી સાજો થઈ જઈશ ભગવાન આપણી સાથે જ છે. તું જરાય ચિંતા કરતો નહિં. તને મૂકીને જતા મારો જીવ ચાલતો નથી પરંતુ છાતી ઉપર પથ્થર મૂકીને, મન મજબૂત કરીને તને બચાવવા ખાતર હું તારાથી દૂર જઈ રહી છું તો દીકરા મને માફ કરજે. એક મિનિટ પણ જેને મારાથી છૂટો પાડ્યો નથી એવા મારા વાલા દીકરાની આવી રીતે મરણપથારીમાં મૂકીને જતાં આમાની હાલત કેવી છે તે તું પણ જાણી શકતો હોઈશ. થોડાં જ દિવસોમાં હું પાછી આવી જઈશ. સુરતમાં હું જેના ઘરે જાવ છું તે માજીની પણ હું દિલથી સેવા કરીશ કે જેનાથી તેનાં આશીર્વાદ આપણાં પરિવારને મળે અને તું જલ્દી સાજો થઈ જા.

         પછી બંને ડોકટરને મળવા જાય છે તો ડૉક્ટરનું હસતું મોઢું જોઈને બંને ખૂબ ખુશ થાય છે કે જરૂર કોઈ સારાં સમાચાર છે. ડોક્ટરે કીધું કે દિનેશ તમારા વળતાં દિવસો આવ્યા છે તમે ચિંતા નહીં કરતા મેહુલ ની તબિયત હવે બહુ જ સરસ છે કોઈ ચિંતા જેવું નથી થોડો સમય લાગશે પરંતુ બધું સારું થઈ જશે. આ વાત સાંભળી બન્નેના પગમાં જાણે તો એવું તો જોર આવ્યું કે હવે કોઈની પણ હિંમત નથી કે અમને હરાવી શકે. મોતનાં મોઢામાંથી પાછાં આવેલા દીકરાનાં ખુશીનાં સમાચાર સાંભળી બા અને દાદા પણ ખૂબ ખૂબ ખુશ થયા. આંખોમાંથી ખુશી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. દાદીમાં બોલ્યાં કે હે પરભુડા આટલાં બધાં હેરાન કરવામાં તને શું ખુશી મળી ? પણ જે થયું તે. તું અમારી સાથે જ છો એની તે અમને સાચી સાબિતી આપી દીધી. તારો જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. મારો દીકરો ઘરે આવશે એટલે તારી બધી માનેલી બાધાઓ અમે પૂરી કરશું પણ હવે મહેરબાની કરીને કોઈ નવી મુસીબત ના મોકલતો. થોડીવારમાં રાધા અને દિનેશ ઘરે આવે છે અને રાધાની સુરત જવા માટે ની બધી તૈયારીઓ ચાલુ કરે છે. દીકરાને છોડી જવાના દુઃખ કરતાં તેનાં સાજા થવાની ખુશીથી હવે રાધાને એક નવો આનંદ અને ખુશી થાય છે. તેનામાં હવે એક નવી હિંમત આવે છે કે હવે જાણે દુનિયા જીતી લીધી છે. નક્કી હવે અમારા દુઃખના દિવસો ગયા છે અને સુખ નો વારો આવ્યો છે. એક નવાં સુખની આશામાં સવારે વહેલી ઊઠી પ્રભુ પ્રાર્થના કરી સુરત જવા માટે ની તૈયારી કરે છે.

રાધાને વહેલી સવારની કર્ણાવતી ટ્રેન પકડવાની હતી, એટલે વહેલા ઊઠી કામ પૂરું કરી ફટાફટ રેલવે સ્ટેશન પહોંચી. સ્ટેશન ઉપર જ્યાં જુઓ ત્યાં ભીડભાડ, બુમ બરાડા અને ધક્કા મુક્કી. એક ટ્રેન આવે ને બીજી જાય. ટ્રેન આવતા જ ચાલો ભાગવાન ફટાફટ, ચલ બેટા આજા, જલ્દી કરો યાર ગાડી ચલી જાયેગી, ઈકડે યા બસા જેવા અનેક વાક્યો કાને પડતાં હતાં. કર્ણાવતી ટ્રેન આવતાં જ હું ફટાફટ ધક્કામુક્કી કરીને જેમ તેમ કરીને રાધા સીટ પર પહોંચી. હાશ કરીને બેઠી જાણે મોટી જંગ જીત્યાનો આનંદ તેને થયો. બાજુની સીટ પર કોણ છે તેવું જોવાં બાજુમાં નજર કરી તો તેને એક ૬૫ થી ૭૦ વર્ષનાં માજી બેઠાં હતાં. તેને જોઈને રાધાને મનમાં થોડી શાંતિ થઈ.

          માજી એકદમ શાંત, લાગણીશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. તેનાં મોંઢા પર એક અલગ જ ભાવ વર્તાતો હતો. લાંબા વાળનો મોટો અંબોડો, તેમાં ભરાવેલી વેણી, હાથમાં કાચની બંગડીનો જુડો, મોંઘાદાટ વસ્ત્રો અને કિંમતી દાગીનાથી સજ્જ આ માજી એક અલગ જ છાપ ઊભી કરતાં હતાં. અમીર વર્ગના આ માજી ખુબ લાગણીશીલ હોય તેવું લાગતું હતું. તેણે રાધા સામે પ્રેમથી જોયું અને પૂછ્યું કે' મુંબઈ જવાનું છે બેટા ? રાધાએ કહ્યું કે હા મુંબઈ જવાનું છે. તેણે કહ્યું કે ઘર છે કે રાધાએ વચ્ચેથી જ જવાબ આપતા કહ્યું કે ના પિયર જવાનું છે. ખરેખર રાધાને સુરત જવાનું હતું પરંતુ અજાણ્યાને સાચી વાત કરવાનું યોગ્ય ન લાગતાં ખોટું બોલી.

        થોડીવારમાં ટ્રેનચાલુ થઈ. જેમ જેમ ટ્રેને સ્પીડ પકડી તેમ તેમ બંનેની વાતોએ પણ સ્પીડ પકડી. આજુબાજુનાં સ્થળોની અને સમાજની અટપટી વાતો કરતાં કરતાં બંને વચ્ચે સારો સંબંધ બંધાયો. રાધા તેને બા કહીને બોલાવતી. બા શબ્દ સાંભળીને તે પણ બહુ ખુશ થતાં.

મુસાફરી દરમ્યાન વાતોની સાથે સાથે ચા-નાસ્તાની પણ આપ -લે થવા લાગી. બંનેની વાતો પરથી આજુબાજુમાં બેઠેલા મુસાફરો પણ જાણી ચૂક્યા હતા કે આ બંને વચ્ચે સારાં સંબંધો બંધાયા છે. વાત કરતાં કરતાં પૂછ્યું બા તમારા પરિવારમાં કેટલા સભ્યો છે તે તો તમે મને કહ્યું જ નહીં. મારા દાદા શું કરે છે, તમે ક્યાં જાવ છો ? બાએ હસતાં હસતાં જવાબ આપ્યો મુંબઈની જ વતની છું. હું અને તારા દાદા સરકારી કર્મચારી હતાં. હવે નિવૃત થયાં છીએ. આમ તો ભર્યો પરિવાર છે, પણ હાલમાં અમે બંને એકલાં જ છીએ. મેં કહ્યું છોકરા વહુ ? તે બોલ્યાં તે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહે છે. ત્યાં જ દાદા નો ફોન આવ્યો. દાદા શું બોલે તે તો સંભળાતું ન હતું પરંતુ અહીંથી બા હસતાં હસતાં બોલતાં હતાં કે” હવે હું કંઈ નાની નથી, મારી રીતે હું ઘરે પહોંચી જઈશ લેવા આવવાની જરૂર નથી અને ખોટી ચિંતા કરી ડાયાબિટીસ અને બીપી વધારો નહીં.” બીજી આડીઅવળી વાતો કરી બાએ ફોન મુક્યો એટલે રાધાએ કીધું “મારા દાદા તમને બહુ પ્રેમ કરતાં લાગે છે. બા થોડાં શરમાયા અને હસવા લાગ્યા. બેટા સાચું કહું તો જીવન જીવવાનો, પ્રેમ કરવાનો અને એકબીજાને સાચી રીતે ઓળખવાનો સમય અમારો હવે ચાલુ થયો છે."

                  બા ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય તેમ કહેવા લાગ્યા કે અમારી આખી જિંદગી કુટુંબ અને પરિવારને સાચવવામાં, બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં અને પરણાવવામાં જ વિતાવી છે. એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો એકબીજા માટે કંઈ કરવાનો અમને સમય મળ્યો જ નથી. પરિવાર અને નોકરીને સાચવવામાં અડધી જિંદગી વીતી ગઈ. હવે અમને લાગે છે કે અમારી સાચી જિંદગી જીવવાનો વખત હવે ચાલુ થયો છે. બા એ વિતાવેલી સફરની આવી કેટકેટલીય વાતો કરી. રાધા ઘણીવાર ખુશ થતી તો ઘણીવાર દુઃખી. જિંદગી છે એટલે ઉતાર-ચઢાવ તો આવવાના જ. આમ બધી વાતો સાંભળતાં સાંભળતાં મારા થી પૂછાઈ ગયું કે તમે બધા ભણેલાં ગણેલાં છો, તમારી વાત પરથી ખબર પડે છે કે એક સારાં સંસ્કારી કુટુંબમાં તમારી ગણના થાય છે તો પછી તમારા સંતાનો તમારાથી કેમ દૂર રહે છે, ત્યારે બા અંદરથી દુઃખી પરંતુ મોંઢા પર ખોટું હાસ્ય દેખાડીને બોલ્યાં કે અત્યારનાં સમયમાં સૌ પોતાનાં પરિવાર સાથે સ્વતંત્ર જીવે તેમાં જ મજા છે અને એમાં અમારે પણ મજા જ છે. અમે બંને હસ્યા પરંતુ હાસ્ય પાછળનું રુદન હું જાણી શકતી હતી એટલે બા ને હળવા કરવાં રાધાઓ તેની દુખતી નસ દબાવી કે સાજા માંદા થાવ ત્યારે તો આવતાં હશે ને ? પૈસાની પણ મદદ કરતાં હશે ને? હા હા કેમ નહિ બા વધારે કંઈ બોલ્યા નહીં.

          થોડીવાર અમે બંને ચૂપચાપ બારીમાંથી દેખાતાં દ્રશ્યોમાં મન પરોવવાં લાગ્યા, પરંતુ બંનેનું મગજ બીજી દિશામાં દોડતું હતું. થોડી વાર થઈ એટલે ફોનની રીંગ વાગી. હા બેટા બોલ મજામાં. ત્યાં તો સામેથી ઉશ્કેરાયેલા અવાજે તેનો દીકરો બોલવા લાગ્યો કે શું કર્યું તને જે કામ કરવાનું કીધું હતું એ કેમ ન કર્યું. નાનકો મારું લોહી પી જાય છે, તું પણ સમજતી નથી. મારે ઘરમાં પણ શું જવાબ આપવો. આવું આવું ઘણું બોલ્યો. બાએ કીધું હું ટ્રેનમાં છું, ઘરે જઈને વાત કરું. ફોન મૂકી બાએ નિસાસો નાંખ્યો. રાધાએ બાને પૂછ્યું બા વાંધો ન હોય તો મન હળવું કરવાં મને કહી શકો છો. બા ડૂસકું ભરતાં ભરતાં બોલ્યા બેટા પંખીને પાંખ આવે અને ઉડી જાય એનો વાંધો નથી પરંતુ એ પંખી પાછું ફરીને જ્યારે આપણને ચાંચ મારે ત્યારે બહુ દુઃખ થાય છે. અમે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી ગણાવી સારી નોકરી અપાવી છે, ખૂબ ખર્ચો કરીને પરણાવ્યા છે. બંનેને મકાન, ઘર વપરાશની ચીજો, ફર્નિચર અને ગાડી સહિત બધું વસાવી દીધું છે. ગણીએ તો અમારી બધી મિલકત વાપરી નાંખી છે. ગામડે થોડી જમીન છે અને અમારી થોડી મરણમૂડી સાચવીને રાખ્યાં છે. અમારા બંનેના પેન્શનમાંથી પણ બચત કરી પૌત્ર-પૌત્રી માટે ફિક્સ ડિપોઝીટ કરીએ છીએ કે જેથી છોકરાઓને ભવિષ્યમાં કામ લાગે. આટલું કરતાં પણ છોકરા હજુ ધરાતાં જ નથી. છોકરા વહુ ની નજર અમારી મરણ મૂડી પર છે. તેઓનું કહેવું છે કે આ ઉંમરે તમારાથી કામ થાય નહીં અને અમે અમારી જંજાળમાં ગૂંથાયેલા છીએ એટલે તમને સાચવી શકીએ તેમ નથી. કોઈ સારાં વૃદ્ધાશ્રમમાં તમારી રહેવાની સગવડ કરી આપીએ જેથી તમે શાંતિથી રહી શકો મને અમે પણ શાંતિથી રહી શકીએ. તમે જીવો છો ત્યાં જ મિલકતનાં ભાગ પાડી આપો જેથી ભવિષ્યમાં અમારે લડાઈ ઝઘડા ન થાય. બાળકો ને રમાડતાં હોય તેમ અમને રમાડવાની કોશિષ કરે છે. બારીમાંથી નજર કરતાં જે દ્રશ્યો આહલાદક લાગતાં હતાં તે પોતાની સુંદરતા ગુમાવી બેઠાં હોય તેવા દુઃખી લાગતાં હતાં. ચારે બાજુ જાણે દુઃખ દુઃખ જ હોય તેવું વાતાવરણ અને બંનેનાં મન ભારે થઈ ગયાં.

        બા બોલ્યાં જ્યારે બાળકો નાનાં હતાં ત્યારે આ મારી મમ્મી અને આ મારા પપ્પા માટે લડાઈ ઝઘડો કરતાં. આ ઝઘડો અમને એટલો મીઠો લાગતો અને સુખ આપતો કે જાણે આખી દુનિયામાં અમે જ સુખી છીએ, ખુશકિસ્મત છીએ. અમારા સંતાનો જેવાં બીજા કોઈનાં સંતાનો ન હોય. એ ઝઘડો અત્યારે પણ ચાલુ જ છે પરંતુ તેનું સ્વરુપ બદલાયું છે. હવે મારા મમ્મી અને તારા પપ્પા એ માટે ઝઘડો થાય છે. અમે કોઈને અડચણરૂપ બનતાં નથી, તેના જીવનમાં દખલગીરી કરતાં નથી છતાં તેને નડતરરૂપ લાગીએ છીએ, બોજારૂપ લગીએ છીએ. આવી બીજી ઘણી વાત કરતાં કરતાં બા થાકીને સૂઈ ગયાં. બાને તો ઊંઘ આવી ગઈ પણ મારી ઊંઘ ઊડી ગઈ. 

         જ્યારે ટ્રેનમાં બેઠી ત્યારે બાએ પહેરેલાં દાગીના અને ભારેખમ પાકીટ ઉપરથી રાધાનાં મનમાં શાંતિ થઈ કે ભગવાને નક્કી મારાં માટે જ અહીં આ માજીને બેસાડ્યા હશે. હું સારાં ઘરની સંસ્કારી સ્ત્રી છું પરંતુ મારો એકનો એક લાડકવાયો દીકરો મરણ પથારીએ છે અને તેના ઓપરેશન માટે દોઢ-બે લાખ રૂપિયાની જરૂર છે. ઘરની પરિસ્થિતિ સાધારણ છે. ૧૦,૦૦૦ની પણ સગવડ ન થાય ત્યાં દોઢ-બે લાખ ક્યાંથી કાઢવા. બીજે ક્યાંયથી કોઈ મદદ મળે તેમ નથી એટલે દિકરાનો જીવ બચાવવા માટે મનમાં ખોટી દાનત આવી કે આ ડોશી ને લૂંટવાથી મારા દીકરાનું ઓપરેશન થઈ જશે. દીકરા ખાતર હું કોઈપણ સંજોગોમાં પૈસાની વ્યવસ્થા કરીશ જ. જ્યાં હું નોકરી માટે જવાની છું ક્યાં લાંબો વખત મારે રહેવું પડશે અને આ સમયે દીકરાથી દૂર રહેવાની મારી હિંમત પણ નથી એટલે આવું અત્યારે કરવા તૈયાર છું પછી હું ભગવાન પાસે માફી માંગી લઈશ. મારો બીજો કોઈ ખોટો ઈરાદો નથી તેથી ભગવાન પણ મને માફ કરશે. આવા વિચારો કરતી હતી પરંતુ ભગવાનને આ ખોટે રસ્તે જવા નહીં દેવી હોય એટલે જ આ ડોશીને બા બનાવવા અલગ લાગણી અને પ્રેમ આપ્યાં. વાતો વાતોમાં ક્યારે બા બની ગયા તેની ખબર જ ન પડી. બાએ જીવનનાં કેવાં ચડાવઉતાર સહન કર્યા છે અને વાંકીચુંકી કેડી પર સફર કરી છે એ જાણીને રાધાને મનમાં તેના પર ખૂબ દયા આવી. એક બાજુ બા અને બીજી બાજુ દીકરો. જિંદગીએ મને એવા વળાંક ઉપર લાવીને મૂકી દીધી કે ક્યાં જવું અને ક્યાં ન જવું. કયો રસ્તો પકડવો એ હું નક્કી કરી શકતી નથી. વિચારોમાં ખોવાયેલી રાધાને થયું કે આ પૈસાથી કદાચ મારો દીકરો તો પાછો આવશે પરંતુ હું મનોમન મરી જઈશ. ભગવાન પાસે શું મોઢું લઈને જઈશ ? આવું કામ કરું તો ભગવાન મને નર્કમાં પણ સ્થાન ન આપે. આવા દુઃખ અને યાતનાઓ વેઠીને જે બાએ જીવન પસાર કર્યું છે તેને લૂંટી ને આ ભવ તો નહીં પરંતુ ભવોભવ ગુનેગાર બનું. જે માણસ દુઃખી હોય તેને વધારે દુઃખી કરવામાં આપણી માણસાઈ નથી. મારા દીકરાના નસીબમાં લાંબુ આયુષ્ય હશે તો નક્કી સાજો થશે હવે તો ડોક્ટરે પણ સારા સમાચાર આપી દીધા છે કે હવે કંઈ ચિંતા જેવું નથી. હવે તો દીકરાની જવાબદારી ભગવાનને સોંપીને અહીં આવી છું એટલે બાને લૂંટવાનું કામ મારાથી તો નહીં જ થાય. આવું વિચારતાં વિચારતાં રાધાને પણ ઊંઘ આવી ગઈ.

      સમય કેટલો પસાર થયો તેની તો ખબર જ ન હતી પરંતુ ટ્રેનની સીટી વાગતાં એકદમ ગભરાઈ ને જાગી ગઈ કે સ્ટેશન આવી ગયું લાગે છે. બાજુમાં નજર કરી તો બા દેખાયા નહીં. વિચાર્યું કે બાથરૂમ ગયા હશે પરંતુ નજર કરતાં તેનો સામાન પણ દેખાયો નહીં. મનમાં વિચાર્યું કે આમ કેમ ? મને જતી વખતે આવજો પણ ન કીધું, મને જગાડી પણ નહીં ! આવા મનમાં કેટલાંય વિચારો દોડવા લાગ્યા કે કદાચ તેને ખબર પડી ગઈ હશે.એટલામાં બાજુમાં બેઠેલા મુસાફરે હાથમાં ચીઠ્ઠી આપતાં કહ્યું કે પેલા ડોશીમાએ તમને આપવા કહ્યું હતું. ચીઠ્ઠી ખોલી એક લાઈન વાંચતા જ મારી આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. ટ્રેનમાં બેઠેલાં મુસાફરો ન જુએ તેમ આંસુ લુછતાં લુછતાં હું ચીઠ્ઠી વાંચવા લાગી. બેટા તું મને ઓળખતી નહોતી અને હું પણ તને ઓળખતી ન હતી. કદાચ ભગવાને જ આપણી ઓળખાણ કરાવી હશે. આમાં નિયતિનો કોઈ સંદેશ હશે કે આપણે મળ્યાં અને એક બા દીકરીનો સંબંધ બંધાણો. મેં મારા દિલની બધી વાત કરી મારાં મનને હળવું કર્યું પરંતુ તારાં દર્દને જાણવાનો સમય ન મળ્યો, પરંતુ જ્યારે તું પાણીની બોટલ લેવાં ગઈ ત્યારે તારાં ખોળામાંથી એક ચિઠ્ઠી પડી જે મારાં હાથમાં આવી. વંચાય તો નહીં પરંતુ માનવ સ્વભાવે મેં ચિઠ્ઠી ખોલીને જોયું તો તારાં દીકરાની દવાની ચિઠ્ઠી હતી અને ૧,૫0,000 ઓપરેશનના થશે તે માટેની વિગતો હતી એટલે હું જાણી ગઈ કે તું મારાં કરતાં પણ વધારે દુઃખી છે. મારાં તો જીવતાં દીકરા મરેલાં જેવાં છે અને તારો દીકરો મરણ પથારીએ છે. તને દુઃખી ન કરવા મેં આ વાત તને પૂછી નહીં પરંતુ દવાનાં કાગળનો મેં ઝડપથી ફોટો પાડી લીધો હતો અને તારી સાથે વાત કરતાં કરતાં જ તને ખબર ન પડે તેમ દવાખાનાનું આખું બીલ મેં ભરી દીધું છે અને બીજી દવા માટે પણ વધારાના પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધાં છે એટલે હવે તું અહીંથી જ પાછી ફર અને નિરાંતે ઘરે જા. તારાં દીકરાની યોગ્ય સારવાર થાય જલ્દી સાજો થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ચિઠ્ઠીમાં મારો ફોન નંબર લખેલો છે હજુ પણ કંઈ જરૂર હોય તો વિના સંકોચે ફોન કરજે. ચિઠ્ઠી વાંચતાં વાંચતાં રાધાની આંખમાંથી દડદડ આંસુ પડતાં જોઈ આજુબાજુવાળા મુસાફરો પણ દુઃખી થતાં હોય ટ્રેનનો આખો ડબ્બો જાણે શાંત અને વિચારશીલ બન્યો હોય તેવું લાગતું હતું. રાધા પર દયાની લાગણીથી જોતાં હતાં. તેનાં પર મોટી મુશ્કેલી આવી હોય તેવું જાણી ગયાં હતાં. બધા લાગણીસભર પૂછવા લાગ્યાં ત્યારે ટૂંકમાં બધી વાત જણાવી. વાત સાંભળતાં એ લોકોમાં પણ ભગવાન ઉપર શ્રદ્ધા બેઠી કે હાલના સમયમાં પણ આવા માણસો મળે છે જે દુઃખના સમયમાં મદદરૂપ થઈ શકે. ટ્રેનમાં બેસેલાં મુસાફરોએ પણ આ માનવતા જોઈને રાધાને પૈસાની થોડી મદદ કરી. જ્યારે રાધાએ બધાને ના પાડી તો બધાનું એક જ વાક્ય નીકળ્યું કે અમને પણ થોડું પુણ્ય કમાવા દો. અમને પણ થોડાં આશીર્વાદ મળશે અને થોડો ઉદ્ધાર થશે. એટલે બોરીવલી સુરત સ્ટેશન આવતાં હું ઊતરી ગઈ અને ત્યાંથી જ રિટર્ન ટિકિટ કરાવી પાછી અમદાવાદ પહોંચી. 

             અમદાવાદ પહોંચતાં સીધી જ હું હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરોએ ખુશ થતાં થતાં કહ્યું કે” તમારા દીકરાનું ઓપરેશન થઈ ગયું છે, તેની તબિયત સુધારા ઉપર છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. બે દિવસ પછી તમે રજા લઈને જઈ શકશો.” હું ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલા મેં ભગવાનનો નહીં પરંતુ બાનો આભાર માન્યો. મેં તરત જ બાને ફોન કર્યો અને મન મૂકીને રડીને તેનો આભાર માન્યો. બાએ પણ મને શાંત પાડતાં કહ્યું કે “મરતાં પહેલા થોડું પુણ્ય કમાવવાની ઈચ્છા જાગી ને તારી મદદ કરી એમાં મેં કઈ મહાન કામ કર્યું નથી. ભગવાન તારાં દીકરાની લાંબુ આયુષ્ય આપે એવાં આશીર્વાદ આપી પોતાનું સરનામું લખાવ્યું અને કહ્યું કે મદદની જરૂર પડે ત્યારે હું ઊભી છું.” થોડાં દિવસોમાં મારા દીકરા ની તબિયત એકદમ સારી થઈ ગઈ એટલે અમે બંને જણા મારા દીકરાને લઈને બાના ઘરે ગયા અને તેના પગમાં પડીને આશીર્વાદ લીધાં પરંતુ સાથોસાથ રડતાં રડતાં અમે બંને જણાએ તેનો ખુબ ઉપકાર માન્યો અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારું દુઃખ હરનારા આ બાને જીવનમાં ક્યારેય દુઃખી ન કરતો. તેનાં નસીબમાં દુઃખ પણ અમારે નામ લખજે. આજના જમાનામાં દુઃખનાં સમયે સગો ભાઈ મદદ નથી કરતો ત્યારે આવી પારકી વ્યક્તિ આપણી મદદ કરે ત્યારે સમજવું કે આ દુનિયામાં ભગવાન હાજર છે. ઈશ્વરનાં બંને હાથ આપણી ઉપર છે. બાએ અમને સાંત્વના આપતાં ઊભાં કર્યા અને કહ્યું કે મારી પાસે હતું અને મેં આપ્યું એમાં કઈ ઉપકાર કર્યો નથી. આ પુણ્ય કમાવવા માટે ભગવાને જ મને રસ્તો બતાવ્યો હશે એવું માની ખુશ રહો. ભગવાન તમને સદાય હસતાં રાખે એવાં આશીર્વાદ. આ સાંભળતા જ રાધા બોલી કે એકલાં આશીર્વાદથી કામ નહીં ચાલે તમારે અમારી એક વાત પણ માનવી પડશે. બા થોડાં વિચારમાં પડ્યા કે શું વાત માનવાની હશે. કદાચ પૈસા લઈને આવ્યાં હશે જે મેં તેને આપ્યાં હતાં પરંતુ આ પૈસા હું લઈશ નહિં. દાનમાં આપેલી વસ્તુ ક્યારેય પાછી લેવાય. વિચારોમાં ડૂબેલાં બાને રાધાએ શાંત કરતાં આગળ વાત કરી કે આજથી હવે અમે જ તમારા દીકરા દીકરી છીએ અને તમારે અમારી સાથે જ રહેવાનું છે. હવે તમારે એકલું રહેવાનું નથી. બા બોલ્યાં કે તમારી લાગણી સાચી છે પરંતુ આ મોંઘવારીનાં સમયમાં કોઈની માથે પડવાં કરતાં એકલાં રહી શાંતિથી જીવન પસાર કરીએ છીએ તે બરાબર છે. સમય મળતાં તમને મળવા અમે આવતાં રહીશું પરંતુ રાધા અને દિનેશ એકના બે ન થયાં. તેને જિદ પકડી જ રાખી કે તમારે અમારી સાથે જ રહેવાનું છે અને અમારી જોડે અત્યારે જ આવવાનું છે. હિંચકે બેઠાં બેઠાં આ બધું જોઈ રહેલાં દાદાની આંખોમાં પણ ટપ ટપ આંસુ પડવાં લાગ્યાં. જેને જન્મ આપી લાડકોડથી ભણાવ્યા ગણાવ્યા અને પગભર કર્યા એવાં પેટનાં દીકરા મા બાપ જીવે છે કે મરી ગયા એ જોવાં પણ આવતાં નથી જ્યારે આ એક બે કલાકની ઓળખાણથી દીકરા-દીકરી કરતાં પણ વિશેષ બન્યાં. હું માનું છું કે કદાચ આ સંબંધ આ જન્મનો નહીં પરંતુ ગયા જન્મના હશે. કંઈક લેણા દેવી બાકી હશે કે આ જન્મમાં પૂરી કરવા ભગવાને ભેગાં કર્યા, નહીં તો આંખની ઓળખાણ પણ નહોતી એવી વ્યક્તિ ઉપર દયા આવવી અને મદદ કરવાની ભાવના થવી એ એક અલગ જ ઘટના છે બાકી દુનિયામાં ઘણા લોકો દુઃખી છે અને મદદ માટે માંગણી પણ કરે છે પરંતુ આપણું દિલ એ વખતે તૈયાર થતું નથી. આવા લોકોને તો માંગવાની ટેવ પડી એમ બોલીને હાંકી કાઢીએ છીએ. આ કોઈ ઈશ્વરનો જ સંકેત છે કે જેણે આપણને ભેગા કર્યા છે. આ બધી વાત દાદા બા ને સમજાવે છે. આ સાંભળીને રાધા અને દિનેશ પણ ખૂબ ખુશ થાય છે કે દાદા ની વાત સાચી છે. આ ઈશ્વરીય ચમત્કાર જ છે. નહીં તો આ જમાનામાં આટલી મદદ બોલ્યા વગર કે માગ્યા વગર કોઈ ન કરે. દાદાની સમજાવટથી અને રાધા દિનેશની જિદ આગળ વશ થઈને દાદા અને બા તેની સાથે અમદાવાદ આવે છે. બધાને સાથે આવેલાં જોઈને રાધાનાં સાસુ-સસરા પણ ખૂબ ખુશ થાય છે. એટલાં આદર સત્કારથી તેને આવકારો અપાય છે કે બા દાદાને પણ આનંદ થાય છે. હવે આપણાં સારાં દિવસો આવ્યાં એવું તેને લાગે છે. બધાં હળી-મળીને ખુબ જ શાંતિથી સંપથી રહે છે. રાધા અને દિનેશ પણ ચારેય વડીલોની ખૂબ જ દિલથી કાળજી લે છે.

          એક દિવસ બા દાદાને કહે છે કે માનીએ તો હવે દિનેશ જ આપણો દીકરો છે. જે દિલ દઈને આપણી સેવા કરે છે. આટલાં દિવસથી આપણે અહીં આવ્યાં છીએ પરંતુ ક્યારેય આપણને એકલાપણું કે અલગપણું લાગ્યું નથી. દિલથી આપણી સેવા કરે છે અને કોઈ વારો તારો પણ નથી. દાદા બોલ્યા એ વાત તો તારી સાચી છે,આ લોકોનો ઉપકાર તો જીવનભર ન ચૂકવાય તેટલો છે. આપણે ઘણીવાર પાછાં જવાની વાત કરી તો પણ એ લોકો આપણને પ્રેમથી રોકી રાખે છે અને જવા દેતાં નથી. બા બોલ્યા કે એટલે જ મને એવો વિચાર આવે છે કે આપણી મરણમૂડી જે બેંકમાં છે તે અને આપણું મકાન દિનેશનાં નામે કરી દઈએ. આપણને હવે પૂરો વિશ્વાસ છે કે આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ લોકો આપણને સાચવવાના જ છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં આપણને સારી રીતે રાખે છે તો આપણી પણ ફરજમાં આવે કે તેનાં માટે આપણે પણ કંઈક વિચારીએ. મેહુલ મોટો થતો જાય છે તેના પર ચલના અને અન્ય ખર્ચા પણ વધતાં જાય છે અને સાથે આપણાં ચારે બુઢિયાનાં દવાદારૂ ના ખર્ચા પણ વધતાં જાય છે દિનેશ અને રાધા દિવસ રાત મહેનત કરે છે છતાં બિચારા બચત કરી શકતા નથી. દાદા બોલ્યા દિનેશ અને રાધા માને તેમ નથી છતાં કોઈ બહાનું કરીને આપણે આપણો સામાન અહીં મૂકીને જ મુંબઈ જઈશું તેથી તેને કોઈ શંકા પણ ન આવે અને ત્યાં જઈને આપણે જરૂરી કાગળ બનાવી તેના નામે વસિયતનામું લખી નાંખીએ. બા બોલ્યા કે સાચી વાત છે પરંતુ આપણે આપણી મિલકત દિનેશ રાધા ને નામે નહીં પરંતુ મેહુલ નામે કરવાની છે કે જેથી ભવિષ્યમાં તેને કામ લાગે. હાલમાં તમારું અને મારું પેન્શન અને બેંકમાં મૂકેલી એફડીઓ દિનેશને આપશું કે જેને લીધે વર્તમાન સમયમાં તેને પણ મદદ મળી રહે. મુંબઈનું મકાન અને ગામડે જે આપણી જમીન છે તે મેહુલ ના નામે કરીશું એવું નક્કી કરીને જેમતેમ બહાના કરીને બંને મુંબઈ પહોંચે છે અને વકીલ સાથે મુલાકાત કરે છે. વકીલ દાદા ની વાત સાંભળીને નવાઈ પામે છે કે આ જમાનામાં પણ માનવતા હજુ જીવીત છે. જરૂરી કાગળો અને દસ્તાવેજો બનાવી વકીલ બા દાદાને આપે છે અને દિલથી કહે છે કે તમારા જેવાં વિચારો આ સંસારમાં બધાં ના હોય તો આ સંસાર પણ સ્વર્ગ કરતાં સુંદર લાગે. જરૂરી સામાન, બેંક ની બધી પાસબુક, ચેકબુક અને દસ્તાવેજો લઈને બા દાદા અમદાવાદ પાછા ફરે છે.

       બા દાદાને જોઈને બધાં ખૂબ ખુશ થાય છે મેહુલ દોડીને બા પાસે આવે છે અને બોલે છે કે હવે તમારે ક્યાંય જવાનું નથી. તમે અહીં નહોતાં તો મને જરા પણ ગમતું ન હતું. મમ્મી-પપ્પા પણ તમને રોજ યાદ કરતાં હતાં અને મારા બા દાદાને પણ ગમતું ન હતું. બા દાદા એકબીજાની સામે જોતાં બોલ્યા કે ફરી પાછું ન જવું પડે તે માટે જ અમે ગયાં હતાં. મેહુલ કઈ સમજ્યો નહીં તે તો મુંબઈથી લાવેલા રમકડાં અને હલવો જોઈને જ ખુશ થઈ ગયો. આખો દિવસ થાક ઉતારી રાત્રે જમ્યાં પછી બધાં જોડે બેઠાં એટલે બા અને દાદા વાત ચાલુ કરી. પહેલાં બા બોલ્યા કે દિનેશ અમે તને દીકરો જ માનીએ છીએ અને એ જ સંબંધથી આજે અમે જે કંઈ કર્યું છે તે તારે સ્વીકારી લેવું પડશે અને અમે જે કર્યું છે તેના લીધે તો એવું વિચારતો નહીં કે અમારા મનમાં અમે તારા પર ભારરુપ છીએ. અમે તને દિલથી જ અમારો દીકરો માન્યો છે અને અમે જીવતા છીએ ત્યાં જ આ વસિયતનામું કરી દઈએ તો આગળ જતાં અમારા દીકરાઓ અમારા પર હાવી ન થાય. જો આ પગલું અમે અત્યારે ન ભર્યું હોત તો વે'લા મોડા અમારા દીકરાઓ અમારી પાસે ભાગ લેવા માટે અમને જ નોટીસ મોકલત. વૃદ્ધાવસ્થામાં જ્યારે દીકરા વહુ ની જરૂર છે ત્યારે તેઓ મુ સંતાડે છે અને પછી અમારી પ્રોપર્ટીમાં ભાગ જોવે છે તો એ શક્ય નથી. અમે સમજી વિચારીને જ આ બધું પગલું ભર્યું છે અને અમારી મિલકત મેહુલ ના નામે અને બેંક બેલેન્સ બધું તારા નામે કરી દીધું છે. જીવશું ત્યાં સુધી અમે તારી સાથે રહેશું. આ બધું સાંભળતા જ દિનેશ અને રાધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. હવે બધાને સમજાયું કે મેહુલનું એક્સિડન્ટ નહીં પરંતુ ઈશ્વરીય સંકેત અને ચમત્કાર જ હતો. પુનર્જન્મનાં સંબંધો એકઠાં કરવાં ભગવાને જ આ લીલા રચી હતી. પ્રેમ લાગણી અને સંપથી એકબીજાની સાથે રહેતાં અને આનંદ કિલ્લોલ કરતાં હતાં. બધા વચ્ચે સબંધ એટલો ગાઢ થઈ ગયો હતો કે પોતાના અને પારકા જેવા શબ્દો ત્યારે કોઈના મોઢે આવતા જ ન હતાં. શાંતિથી બધાનું જીવન પસાર થઈ રહ્યું હતું પરંતુ કહેવત છે ને કે” કુદરતી ક્યારેય કોઈને એકધારું આપતી નથી,” 

       વર્ષોથી જેનો ફોન આવ્યો નહોતો કે નહોતી કોઈ ચિંતા કરી કે મા-બાપ ક્યાં છે, શું કરે છે, જીવે છે કે મરી ગયા એવી પણ ચિંતા કરી નથી એને આજે મા-બાપની યાદ આવી છે અને તેણે બાને ફોન કર્યો છે કે તમે ક્યાં છો, તમે તો યાદ પણ કરતાં નથી અને ફોન પણ કરતાં નથી. મિલકતનો ભાગ આપવો પડે એટલે ડરતાં ફરો છો. જ્યાં ને ત્યાં રખડયા કરો છો પણએટલી ખબર નથી પડતી કે હવે મિલકત નો ભાગ પાડી દીકરાઓને તેનો ભાગ સોંપી દઈએ વારંવાર અમારે તમને ફોન કરીને આ વાત યાદ કરાવી પડે છે હવે અમને પણ શરમ આવે છે. ફોન સ્પીકર ઉપર હોવાથી આ વાત દાદા પણ સાંભળતા હતાં અને દાદાએ ફોન હાથમાં લઈને એટલું જ બોલ્યા કે મિલકત જેને આપવાની હતી તેને આપી દીધી છે તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે શાંતિથી તમારું જીવન વિતાવો અમે અહીં શાંતિથી રહીએ છીએ મા બાપ જીવે છે કે મરી ગયા તેની સંભાળ લેવાની ચિંતા નથી પરંતુ મિલકત ક્યાં છે તે વિચાર આવે એટલે તરત મા-બાપ સાંભળે છે તો યાદ રાખો કે આ મારી મિલકતમાંથી તમને બંનેને એક રૂપિયો પણ આપવાનું નથી આ મારા ચોખ્ખા શબ્દો સાંભળી તમારી પત્નીઓને પણ જાણ કરી દેજો આ માટે મારે કોઈ વિવાદ કરવાનો નથી. મિલકતનું શું કરશું અને શું નહીં એની પણ ચિંતા તમારે કરવાની નથી. કોન્ફરન્સમાં વાત ચાલતી હોવાથી બંને દીકરા અવાક બની ગયા કે પપ્પા આ શું બોલે છે અને હવે આપણે શું કરશું. ગુસ્સામાં આવી બન્ને દીકરા બોલ્યા કે તો પછી હવે આ વાત કોર્ટમાં જશે પછી અમને કહેતા નહીં કે દીકરાએ મા-બાપ પર કેસ કર્યો. આ વિષય પર બહુ ચડસાચડસી થઈ અને દાદાએ ગુસ્સામાં ફોન મૂકી દીધો. મોહનભાઈ અને શાંતાબેન આ વાત સાંભળતા હતાં તે તો વિચારમાં જ પડી ગયાં કે આવાં હોય દીકરા? તે તો ભગવાનનો પાડ માનવા લાગ્યા હે પ્રભુ ગયાં જન્મની પુનાય અને તારા આશીર્વાદ થી અમને રાધા અને દિનેશ જેવાં દીકરા વહુ મળ્યાં છે કે જેથી અમારું ઘડપણ સચવાય છે નહીં તો અમારી પણ આવી જ હાલત હોત. બા પણ બોલ્યા કે તમે નસીબદાર છો તો તમને દિનેશ જેવો દીકરો મળ્યો છે અને હું કહું છું કે આવી અમીરી કરતાં ગરીબી સારી કે જેનાથી સૌ એકબીજા સાથે જોડાઈને જ રહે અલગ થવાની કોઈની પરિસ્થિતિ જ ન હોય તો સૌ સાથે સંપીને જ રહેવાના. “પૈસો કરાવે વેર અને વેર પીવડાવે ઝેર” એ કહેવત પ્રમાણે આ અમીરી જ સંબંધોમાં તિરાડ પાડે છે. દિનેશ અને રાધાએ પણ મિલકત પાછી આપી દેવા માટે સમજાવ્યાં પરંતુ બંનેએ એક જ નિર્ણય રાખ્યો કે નહીં જે થયું છે તે બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જે થશે તે જોયું જશે. તમે ચિંતા કરો નહીં પરંતુ આખી રાત બા દાદાને ઊંઘ ન આવી અને શું કરવું અને શું ન કરવું એવાં જ વિચારો આવ્યાં. વહેલી સવારે બંને એક જ વિચાર આવ્યો કે વકીલને મળીને દિનેશને દત્તક લેવાના જરૂરી કાગળો કરી સમાચાર પત્રનાં માધ્યમથી જ માહિતી આપી દઈએ કે આજથી આ બંને દીકરાઓને અમે અમારી મિલકતમાંથી બરતરફ કરીએ છીએ. અમે અમારી મિલકત અમારી મરજીથી કોઈનાં પણ દબાણ વગર દિનેશ અને તેનાં પુત્રને સોંપી છે તેમાં તે લોકોનું પણ કોઈ દબાણ નથી. સવારે ઊઠીને દાદા પરિવારમાં આ વાત કરે છે અને તે માટે બધાને સહમત પણ કરે છે પરંતુ આ વાત પણ કુદરતને મંજૂર ન હોય કે સવારમાં ઊઠતા જ સરકારી કાગળ આવી ગયો કે તમારા દીકરાઓએ તમારા પર કોર્ટમાં મિલકત માટે કેસ મૂક્યો છે આવતા સોમવારે તમારે જરૂરી કાગળો સાથે કોર્ટમાં હાજર થવાનું છે.બા દાદાનાં પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ હોય તેમ તેઓ પછડાઈને નીચે બેસી ગયા કે આવા દીકરા કરતાં તો વાંજીયા હોત તો વધારે સારું થાત. દુનિયાને પણ અમારા પર દયા આવત.

                     સોમવારે કોર્ટમાં દીકરાઓ સામે આવ્યાં પરંતુ બા દાદાએ તેમને બોલાવ્યા પણ નહીં અને તેની સામે પણ ન જોયું. વકીલ પાસે દિનેશના દત્તકનામાનાં કાગળ અને તેને આપેલી મિલકતનાં જરૂરી કાગળો જજ સાહેબની શોધ ક્યાં અને કહ્યું કે આ અમારી મંજૂરીથી કોઈના પણ દબાણ વગર કરેલ છે. મિલકત અમારી છે એટલે અમારે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. અને જે દીકરાઓને અત્યાર સુધી મા બાપ ની યાદ આવતી ન હતી તેને મિલકત યાદ આવી એટલે મા-બાપ સાંભર્યા. મા બાપ જીવે છે કે મરી ગયા એની અત્યાર સુધી કોઈ દિવસ સંભાળ લીધી નથી અને અત્યારે મા-બાપ સાંભર્યા છે તો અમારે કોઈ નિર્ણયમાં ફેરફાર કરવો નથી. જજ સાહેબે પણ દાદાની તરફેણમાં જ નિર્ણય સંભળાવ્યો એટલે છોકરાઓ નીચું મોઢું કરીને જતાં રહ્યાં. રાજી થતાં બધા ઘરે આવ્યા અને સૌ મળીને ખુશીથી જીવન પસાર કરવાં લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama