આગમન
આગમન


બે વરસથી રોકાઈને બેઠેલી કેતકીનો આજે હરખ સમાતો ન હતો. સૈનિક તરીકે ફરજ બજાવતો તેનો પતિ અભય આઠ દિવસ પછી વતન આવવાનો હતો. આ સમાચાર સાંભળી કેતકી ખૂબ ખુશ થઈ અને કાગડોળે તેના આગમનની રાહ જોઈને બેઠી હતી. આખું વાતાવરણ તેને ઉષ્માભર્યું લાગવા માંડ્યું હતું. બારીમાંથી આવતો કાગડાનો અવાજ પણ તેને આજે મીઠો લાગતો હતો બહારથી દેખાતું લીમડાનું ઝાડ પણ આજે તેને ખુશ કર કરતું હતું. ઝાડ પરનાં પંખીનો કલરવ,આમ તેમ દોડતાં પતંગિયા ખિસકોલી જોઈને આજે કેતકી ખૂબ ખુશ થતી હતી. કેતકીનો દરેક વસ્તુ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો તેને ન ગમતી વસ્તુ પણ આજે ખૂબ ગમવા લાગી હતી. કેટકેટલાય સપનાઓમાં દિવસ રાત વીતવા લાગ્યા.
એક દિવસ તેને વરસ જેવો અને એક એક મિનિટ તેને કલાક જેવી લાગતી હતી. આજે અભયને આવવાનો દિવસ હતો. કેતકી સવારથી જ સોળે શણગાર સજીને તૈયાર હતી. દરવાજા સામે એકીટસે અભયના આગમનની રાહ જોઈ રહી હતી. તેણે જોયેલા સપના તેના મગજમાં જાણે કે ફિલ્મની એક કેસેટની જેમ સડસડાટ દોડતા હતાં. સમય જાણે રોકાઈ ગયું હોય અને ઘડિયાળનો કાંટો ફરવાનું ભૂલી ગયો હોય એવું તેને લાગતું હતું. એવામાં જ આર્મીમાંથી એમ્બુલન્સ આવે છે અને અભય શહીદ થયો છે તેવી કેતકીને જાણ કરે છે. સમાચાર સાંભળતા જ કેતકીએ જોયેલા સપનાની કેસેટ રિવર્સમાં થતી હોય તેમ તે ત્યાં જ ભાંગી પડે છે. જીવન જાણે શૂન્ય બન્યું હોય અને દુઃખનો પહાડ માથે પડ્યો હોય એવું તેને લાગતું હતું. જે અભયની રાહ જોઈને બેઠી હતી આજે તેના વિયોગમાં જીવન પસાર કરે છે.