પરિક્ષા - જિંદગીની સફર
પરિક્ષા - જિંદગીની સફર


ખડખડ કરતાં વાસણનાં અવાજ કરતાં ગાળોની બબડાટ કરતી દાદીનો અવાજ વધારે કર્કશ લાગતો હતો. માની બાજુમાં બેઠેલી દસ વર્ષની ગુડ્ડી(બેલા) બબડાટ કરવાં લાગી કે "આ ડોશીને ક્યાંય હખ પડતું નથી. આંખો દિવસ બડબડ જ કર્યા કરે છે." આ સાંભળીને મા બોલી કે "બેટા એવું ના બોલાય. તારાં દાદી છે મોટાં છે અને કામ થતું નથી એટલે બૂમો પાડે છે. મારાથી કામ થતું નથી એટલે બિચારાને બધું કરવું પડે છે અને થાકે એટલે બૂમો પાડે. તું નાની છો તારાથી આવું ના બોલાય."
આ સાંભળીને કાલીઘેલી ભાષામાં ગુડ્ડી બોલે છે કે "મમ્મી પણ એને સમજવું પડે ને કે તું બીમાર છો. આખો દિવસ બોલબોલ કરીને અડધી માંદી તો તને એ જ કરે છે. હશે જવા દે, એ કરે છે એમ કરવા દે અને તું પણ તેને થોડી મદદ કર એને" ત્યાં જ દાદીનો અવાજ આવ્યો કે "ઘરનું ધ્યાન રાખજો હું મંદિરે જાવ છું. એ રમીલાબેન ચાલો મંદિરે મારે તો આખી જિંદગી આ ડાહોલા જ ઢડવાના છે, કોણ જાણે મારો તો ક્યારે છુટકારો આવશે" એવી બુમો પાડતાં દાદી મંદિરે જવા નીકળ્યા.
રમીલાબેન બોલ્યા "અલી શું થયું ? કેમ આજે એટલી ગુસ્સામાં છે" ત્યારે દાદી બોલતાં બોલતાં ગયા કે "આ વહુ જોને સાજી થતી યે નથી અને મરતી એ નથી. મરે તોય મારો ક્યાંક છૂટકારો થાય. છોકરાનાં બીજા લગ્ન કરુ અને પળોજણમાંથી છૂટું." આંખ બંધ કરીને બેઠેલી ગુડ્ડીની મા એટલે કે આશા આ બધું સાંભળતી હતી. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં પરંતુ બાજુમાં રમતી ગુડ્ડી ને ખબર ન પડે એટલે માથે ઓઢીને સૂવાનો ઢોંગ કરવા લાગી. ગુડ્ડીને પણ ખબર હતી કે મા જાગે છે અને બધું સાંભળ્યું છે. તે દુઃખી થઈ પણ કંઈ બોલી નહીં.એટલામાં રાઘવ(ગુડ્ડીનાપિતા) આવે છે
"અલી ગુડ્ડી મારી રાજકુમારી આજે કેમ શાંત દેખાય છે."દોડતી ગુડ્ડી આવીને પપ્પાને ભેટી જાય છે અને રડે છે કે પપ્પા મારાં મમ્મીને કોઈ સારાં ડોક્ટર પાસે લઈ જાવ.હવે એનાથી રોગ અને દાદીનો બબડાટ સહન થતો નથી, ત્યારે રાઘવ બોલ્યો "બેટા આસપાસનાં એકેય ડોક્ટરને દેખાડવાનું બાકી રાખ્યું નથી પણ હવે મને લાગે છે એને કોઈ મોટાં શહેરોમાં જ લઈ જવી પડશે.હું તપાસ કરી છું." બાપ દીકરીની વાતો સાંભળી અંદરનેઅંદર ખુબ રડી અને ભગવાનને પ્રાર્થના કરી કે "હે ભગવાન હવે તો આ પાર કર નહીં તો પહેલે પાર, મારાથી આ બધાનું દુઃખ જોવાતું નથી. કોણ જાણે ક્યાં જન્મના પાપની સજા ભોગવી રહી છું કે જીવતી એ નથી અને મરતી એ નથી. બીજાને મારુ છું."
એટલામાં રાઘવ બોલતાં બોલતાં આવ્યો કે "કેવાં જલસા છે હો તારી માને તો.કેવી ઘસઘસાટ ઉંઘે છે." આશા આ વાક્યો પાછળનો તેનો પ્રેમ સમજી જાય છે અને હસતાં હસતાં બોલે છે "એ તો નસીબદારને મળે. મેં શંકર ભગવાનને આખાં ચોખા ચડાવ્યાં હતાં એટલે તમે મને મળ્યાં અને તમે તુટેલા ચડાવ્યા હશે એટલે હું મળી." રાઘવ માથે હાથ ફેરવતાં બોલ્યો "તો તો સારું થયું, ભગવાનને જે કર્યું તે સારાં માટે જ કર્યું. બીજી આવત તો તારાં જેટલો પ્રેમ ન કરત મને કદાચ."
આવાં પ્યાર ભરેલાં વાતાવરણમાં બસ દાદીની કચકચાટી જ વધારે નડતરરૂપ હતી.ગુડ્ડી રમકડાંથી કે બહેનપણીઓ સાથે રમતી હોય કે જમવામાં અલગ માંગણી હોય અથવા બીજી કોઇ વસ્તુની જીદ કરતી હોય તો દાદી આખું ઘર માથે લેતી અને ન બોલવાના શબ્દો બોલી માં દીકરીને હેરાન કરતી.એક વખત ગુડ્ડીએ ભજિયાં ખાવાની જીદ કરી.પહેલાં તો ડોશીએ આનાકાની કરી પણ ગુડ્ડી ન માની ત્યારે કોઈને ખબર ન પડે તેમ તવીથો ગરમ કરી પીઠ ઉપર ડામ આપી દીધો અને ધમકી આપી કે જો હવે જીદ કરીને તો ગળું દબાવી દઈશ, અને આ વાત તારી માને કે બાપ ને કીધું છે ને તારી તો ખેર નથી સમજી લેજે.
ગુડ્ડી ચુપચાપ સહન કરી ગઈ.બળતરા થતી તો પણ મા બાપને ખબર ન પડે તે માટે મુંગા મોઢે સહક કરી લીધું કે એ લોકો આમેય આટલા દુઃખી છે તેને વધારે દુઃખી મારે નથી કરવા. ખુબ નાની ઉંમરે આટલું દુઃખ સહન કરતી ગુડ્ડીને જાણે હજુ ઘણું સહન કરવાનું બાકી હશે કે તેની માએ અચાનક બિમારીથી હારીને સદાયને માટે આંખોં બંધ કરી દીધી. માના મૃત્યુનો આઘાત બાપ દીકરી પણ જાણે કે આભ તુટ્યું હોય તેવો હતો. માનુ મૃત્યુ ગુડ્ડી માટે જીવનમાં નવા તોફાન તરફનો નિર્દેશ હતો જે આ નાનું કુમળું હૃદય સારી રીતે સમજી ગયું હતું. જોરજોરથી રડીને ગુડ્ડીએ તો પોતાનો જીવ હળવો કર્યો પરંતુ રાઘવ પોતાનું દુઃખ મનમાં જ છુપાવતો રહ્યો. જ્યારે દાદી માટે તો ખુશીનાં સમાચાર હતાં. દુનિયાદારી નિભાવવા ખોટી રોકકળ અને મૃત્યુ પાછળની વિધીનો ઢોંગ કરતી હતી પણ મનમાં તો તેને દુનિયા આખીમાં પેંડા વહેંચવાનું મન થતું હોય તેમ મોઢાં પર ચોખ્ખો આનંદ વર્તાતો હતો. ધીમેધીમે દિવસો વીતતા ગયા. બાપ દીકરી એકબીજાને સંભાળી ખુશ રહેતાં હતાં.
રાઘવ ગુડ્ડીની દરેક ઇચ્છાઓ પુરી કરવા ખુબ કાળજી રાખતો. તેને હવે ગુડ્ડીને બાપ કરતાં માનો પ્રેમ વધારે આપવાનો છે એ સારી રીતે જાણતો હતો અને એ માટે તે દરેક પ્રયત્ન પણ કરતો હતો, પરંતુ આશાના મૃત્યુ પછી પણ દાદીનાં સ્વભાવમાં ફેર પડવાની જગ્યાએ વધારો થયો હતો અને તેનું કારણ હતું દાદીનાં મનમાં દીકરાનાં બીજા લગ્ન. જો આવું કરે તો જ રાઘવ બીજા લગ્ન કરે એટલે રોજ નવાં નવાં બહાને ગુડ્ડીને હેરાન કરવી અને પછી રાઘવને ફરિયાદ કરવી આ તેનું રોજનું કામ બની ગયું. પોતાના કાવતરામાં પાસ ન થતાં પાડોશીઓની ચડામણીથી નવું નાટક ચાલું કર્યું કે વારંવાર કામ કરતાં પડી જવું અને બબડાટ ચાલું કરવો કે મારાથી કામ નથી થતું અને આ દીકરી પણ મોટી થતી જાય છે એને પણ સાચવવાવાળું કોઇક જોઈએ. જમાનો બહું ખરાબ છે. આવા અનેક કિમિયા કરીને રાઘવને બીજા લગ્ન માટે તૈયાર કરે છે અને પરણાવે છે.
કહેવત છે ને કે "મા તે માં બીજા વગડાના વા." નવી બનેલી મા મોના દાદીને ખુશ કરવા થોડા દિવસ બહુ સારી રીતે રહી પછી એ પણ પોતાનું અસલી સ્વરૂપ બતાવવા લાગી. વાતવાતમાં બૂમબરાડા ને મારામારી તો સામાન્ય બની ગયાં હતાં. રાઘવ એનાં માટે કાંઇ વસ્તુ લાવે કે બંનેને ક્યાંક બહાર ફરવા જવાનો કાર્યક્રમ હોય અને ગુડ્ડીને સાથે લઈ જવાની વાત થાય એટલે ઘરમાં ધમાચકડી મચી જાય. ઘરમાં શાંતિ રહે એ માટે રાઘવને ઘણી વાર ગુડ્ડીને સમજાવી ઘરે મુકીને જવું પડતું. આ વાત આ ભોળુડીને વધારે દુઃખ દેતી છતાં બાપની ખુશી માટે તે સહન કરી લેતી.
ગીડ્ડી પોતાનું મન હળવું કરવા તેની બહેનપણી રાધાને દિલ ખોલીને બધી વાત કરતી અને રાધા પણ તેને આશ્વાસન આપી શાંત કરતી અને ગુડ્ડીને વધુ ને વધુ ખુશ રાખવા પ્રયત્ન કરતી, પરંતુ રાઘવ પાસે આવું કોઈ નહોતું કે જ્યાં તે પોતાનું દુઃખ હળવું કરી શકે. મનમા ને મનમાં તે ખુબ રડતો પણ ગુડ્ડીને દુઃખ ન થાય તે માટે હંમેશા હસતો રહેતો. વખત જતાં મોનાએ એક દીકરી ને એક દીકરાને જન્મ દીધો અને જાણે મોનાએ મોટો રાયનો પર્વત જીત્યો હોય તેમ ઊંચા ગુમાનમાં આવી ગઇ. કહેવાય છે ને "સીદીને સીદકા વ્હાલા" એમ તેને દરેક વખતે તેનાં જ છોકરાં ધ્યાનમાં આવતાં.ગુડ્ડી તો તેને મન હવે એક કામવાળી જ હતી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ઘરની જવાબદારી તેના પર ઠોપાતી ગઈ. બાપને હસતો જોવાં મુંગા મોઢે સહન કરતી ગુડ્ડી જવાનીના આરે આવીને પહોંચી ગઇ. તેનાં રુપના વખાણ કરતાં તો કવિની કલમ પણ ખુંટે એવું લાવણ્ય રુપ હતું. સુરજ જેવું તેજ અને ચંદ્રમાં જેવી શીતળતા તેનાં રૂપની લાક્ષણિકતા હતી. હર કોઈને એક જ નજરમાં વસી જાય તેવું તેનું રૂપ સૌ કોઈને આકર્ષતું હતું. તેની માંજરી આંખો, હોઠ પરનો કાળો તલ અને ગાલ પર પડતાં ખાડા સાથે ગોઠણ સુધી પહોંચતો કાળો લાંબો ચોટલો તેને એક અલગ વ્યક્તિત્વ આપતો હતો અને સાથે તેનો વાત કરવાનો અલગ અંદાજ હર કોઈનું દિલ જીતી લેતો હતો. નાનાંમોટાં સૌ કોઈને તે વ્હાલી લાગતી. ડોશીઓ માટે તો તેની બહેનપણી હતી. સૌને હસાવવા અને ખુશ કરવા તે હંમેશા પ્રયત્નશીલ રહેતી. રાઘવ તો તેને જોઈને એટલો ખુશ થતો કે ભગવાને મને રાજકુમારી આપી છે અને એક રાજકુમાર ઘોડેસવાર થઈને મારી રાજકુમારીને લઈ જશે એવાં સપનાં જોતો ખુશ થતો અને મ
ને છોડીને હંમેશ માટે જતી રહેશે એ વિચારે રડી પડતો.
વખત વીતતો જતો હતો પણ જો ગુડ્ડીને પરણાવી સાસરે મોકલે તો ઘરનું કામકાજ બધું પોતાના માથે આવે અને પૈસા પણ ખર્ચવા પડે એટલે આંખ આડા કાન કરી મોના તેનાં લગ્ન નહોતી કરતી. તે તેનાં પિયરવાળાને એવું પણ કહેતી કે ત્રણ ટાઇમ ખાવાનું પકડાવવાથી આપણું બધું કામ થતું હોય તો પગ ઉપર કુહાડો જાતે ન મરાય એમ કહીને હસતી પણ ખરી. આ બધું ગુડ્ડી સાંભળીને ખુબ દુખી થતી પણ સહન કર્યા વગર કોઈ છૂટકો નહોતો. ધીમધીમે તેનું આ રૂપ પણ વીખાતુ જતું હતું. આંખ નીચે કાળાં કુંડાળાં અને શરીર પરનો બાહ્ય દેખાવ તો બદલાતો જ હતો પણ તેનું મન પણ હવે નિરસ થતું હોય તેવું લાગતું હતું. રાધાનાં લગ્ન થઈ ગયાં હોવાથી તેનું મન હળવું કરવાવાળુ પણ કોઈ નહોતું. વખત જતાં તેની પોતાની દીકરી પણ હવે પરણાવવા લાયક થઈ ત્યારે હવે મોટી બહેન ઘરે હોય ત્યાં સુધી નાની બહેનને સાસરુ સારું ન મળે એટલે હવે ગુડ્ડીના લગ્ન કરવા પડશે એમ વિચારી જ્ઞાતિમાં સૌને કહેવા લાગી કે કોઈ છોકરા ધ્યાનમાં હોય તો કહેજો. બંને બહેનોનાં સાથે જ લગ્ન કરવા છે. આમા પણ મોનાની ચાલ એ જ હતી કે એક ખર્ચે બંનેના લગ્ન થઈ જાય. ગુડ્ડીને કરિયાવરમાં થોડું આપશું તો પણ ચાલશે.
નસીબ હજી પરિક્ષા લેતા થાક્યું ન હોય તેમ એક સંબંધીએ બંને દીકરીનું એક જ ઘર માટે માંગું નાંખ્યું જેમાં મોટાં છોકરાનાં છુટાછેડા થયેલાં હતાં, અને નાનો છોકરો સરકારી વિભાગમાં નોકરી કરતો હતો અને તેના દીકરાને પણ સરકારી વિભાગમાં નોકરીમાં ગોઠવી દેશે એવું પ્રલોભન મળેલું એટલે પોતાની છોકરીને સારું સાસરું મળી રહે અને છોકરાને પણ સારી નોકરી મળે તે માટે ગુડ્ડીને બીજવર સાથે પરણાવી દેવા તૈયાર થઈ ગઈ. દાદીએ અને રાઘવે ઘણી ના પાડી પણ મોના મરવાની ધમકી આપીને સૌને દબાવવા લાગી અને એની મા મરીને મારે ગળે બાંધતી ગઇ, આખી જિંદગી મારો તો પાર જ ન આવ્યો, મરતાં મરતાં આનેય જોડે લેતી ગઈ હોત તો એવા આકરા કવેણ બોલવા લાગી. મોનાની જીદ સામે કોઈનું ન ચાલ્યું અને અંતે બંને બહેનોનાં લગ્ન સાથે થયા. કરિયાવરમાં પણ ભેદભાવ ખુબ જ કર્યો પણ ગુડ્ડીને હવે જાણે કે સહન કરવાની ટેવ પડી ગઈ હોય તેમ બધું ચુપચાપ સહન કરી લેતી. તેણે સ્વીકારી લીધું હતું કે આ જ મારું નસીબ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી. લગ્ન કરીને આવેલી બંને બહેનોને સાસરીમાં થોડો સમય તો સારો પ્રેમ અને આદરભાવ મળ્યાં પણ કહેવાય છે ને "ગરજ હોય ત્યારે દીકરાવાળા આંબલીના પાનમાં પણ સમાઇ જાય અને ગરજ પૂરી થતાં કેળનું પાન પણ નાનું લાગે" એમ સાસરીપક્ષના અસલી સ્વરૂપ બંને બહેનોને દેખાવા લાગ્યા, પરંતુ આ વખતે ગુડ્ડીને તેનું નસીબ સાથ દેતું હશે એટલે પતિ રાકેશ તરફથી પુરો પ્રેમ મળતો હતો.
રાકેશ ગુડ્ડીને ગમતી બધી વાતનું ખુબ ધ્યાન રાખતો અને તેની દરેક ઇચ્છાઓ પુરી કરવા પ્રયત્ન કરતો. ગુડ્ડી પણ ખુબ ખુશ રહેવા લાગી. તે રાકેશ સાથે ખુલ્લા દિલથી બધી વાતો કરતી અને ઘણીવાર ભૂતકાળની યાદ કરીને રડતી પણ ખરી અને ત્યારે રાકેશ તેને પ્રેમથી સંભાળી લેતો. ગુડ્ડીની વાતો સાંભળીને રાકેશ પણ ઘણી વખત ખૂબ દુઃખી થતો કે ગુડીએ નાની ઉંમરમાં ઘણું દુઃખ સહન કર્યું છે તો હવે હું એને વધુને વધુ પ્રેમ આપીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ અને તે માટે તે પ્રયત્નશીલ પણ રહેતો. જો ધારે તો સાવકી માએ તેની સાથે કરેલાં અન્યાયનો જવાબ આપવાનો સમય ગુડ્ડી પાસે હતો. તે તેની બહેનને સાથ આપવાને બદલે સાસુનો સાથ આપી તેની વિરુદ્ધમાં જઈને તેને હેરાન કરી શકે તેમ હતી પરંતુ મા બાપના સંસ્કાર તેને આડે આવતાં હતા કે નવી મા એ ભલે મને હેરાન કરી પણ મારે આવું કરીને મારો પાપનો ઘડો ભરવો નથી. ઉપરવાળો બધું જુએ જ છે એવા વિશ્વાસથી તે તેની બહેનને પણ પૂરેપૂરો સાથ આપતી અને ઘણી વખત આ માટે સાસુ અને નણંદ સાથે પણ લડાઈ ઝઘડો થઈ જતો.
હવે મોનાને પણ કદર થઈ પણ હવે પસ્તાવાથી કઈ ફાયદો તો થવાનો નથી. હા, સ્વભાવમાં થોડો સુધારો થયો એટલે ગુડ્ડી થોડી ખુશ રહેવા લાગી. જિંદગી જાણે હવે જ શરૂ થઈ હોય અને આટલી બધી સરસ હોય તેની હવે ખબર પડી. નાનપણથી જ જેણે તડકો જોયો હોય તેને છાંયો શું છે એની ખબર જ ન હોય અને અચાનક છાયો મળે ત્યારે જે ખુશી થાય તેવી ખુશી આજે ગુડ્ડીનાં જીવનમાં હતી અને આ માટે તે ભગવાનનો દિલથી ખુબ આભાર માનતી હતી. વખત જતાં ગુડ્ડીને સારાં સમાચાર મળે છે કે તે મા બનવાની છે અને આ સમાચાર જ્યારે રાકેશ સાંભળે છે ત્યારે તે પણ ખુશ થાય છે પરંતુ પરિવારમા થોડી ઈર્ષા જાગે છે કારણ કે તેની નણંદને લગ્ન કર્યાને ઘણો સમય થયો છતાં સંતાનસુખ મળ્યું ન હતું એટલે ગુડ્ડીને હવે અભિમાન આવશે અને રાકેશ હવે ગુડ્ડીનું જ માનશે, આપણું ધ્યાન નહીં રાખે જેવાં પારિવારિક વિચારોએ જોર પકડ્યું અને તેને કારણે ગુડ્ડીને વધારે હેરાન કેમ કરી શકાય તેનાં પર વધારે ધ્યાન અપાતું. ખાવાપીવામાં વારોતારો, કામનો ભરાવો કરવો અને વાત વાતમાં એવું બોલાય કે નોખી નવાઈની એ જ મા બનવાની છે અમારે તો રસ્તેથી મળ્યાં છે. આવુ સાંભળીને ગુડ્ડી ખુબ દુઃખી થતી પણ રાકેશ તેને સારી રીતે સંભાળી લેતો.
સમય સમયનું કામ કરે જ સુખનાં દિવસો ફટાફટ જાય છે જ્યારે દુઃખનો એક દિવસ એક વર્ષ જેવો લાગેછે, બીજું જેનાં નસીબની રેખા જ વાંકી હોય ને તેને ભગવાન પણ સીધી નથી કરી શકતો એવી વાત હવે બને છે કે સુખનાં દિવસોનું આયુષ્ય પૂરું થવાનું હશે કે કેમ પણ ગુડ્ડી એક દીકરીને જન્મ આપે છે. આ ધરતી પરનું ફુલ ગુડ્ડી અને રાકેશનાં જીવનમાં અઢળક ખુશીઓ લઇને આવે છે પરિવાર આમ તો રાજી થાય છે કારણ દીકરી હતી પણ બંનેને ખુશ જોઈને ઇર્ષા કરે છે. સુવાવડમાં અપાતા આરામ કે ખાનપાન ઉપર રાકેશ સિવાય કોઈ ધ્યાન આપતું ન હતું. દીકરીને પણ ન કોઈ લાડ કે ન કોઈ ભેટ.આમેય દુનિયાનું માનવું તો એ જ છે કે દીકરી એટલે સાપનો ભારો એટલે દીકરીને તો વધારે પ્રેમ લાગણીની આશા રાખવાની હોતી નથી. આ બધી ઘટનાએ ગુડ્ડીને સાવ ભાંગી નાખી હતી. તે આખો દિવસ ખુબ ચિંતામા રહેતી કે શું આજ છે જિંદગી.
એક ગુડીએ બીજી ગુડ્ડી ને જન્મ આપી ફરીથી આજ કહાની પુનરાવર્તિત કરવાની ? હજુ જાણે કે બાકી હતું કે ગુડ્ડીને લોહી વિકાર થયો અને આખું શરીર કાળું પડી ગયું. ડોક્ટરની તાત્કાલિક સારવાર તો ચાલુ કરી પરંતુ બાળક પેટ ભરે છે એવું કહેતા ભૂલી ગયાં અને ડોક્ટરે ભારે પાવરની દવા આપી. આ દવાથી ગુડ્ડી ને સારું તો થઈ ગયું પરંતુ તેની કુમળી બાળાએ પોતાનાં કાન અને જીભ ગુમાવ્યાં. નાની હતી એટલે પહેલા ખબર ન પડી કે આ તકલીફ થઈ છે પરંતુ વરસ જતાં તેને બોલાવતાં જ્યારે કોઈ હાવ ભાવ ન મળતાં ડોક્ટરને બતાવ્યું અને ત્યારે ગુડ્ડી અને રાકેશના પગ નીચેથી જમીન નીકળી ગઈ કે ગુડ્ડી એ લીધેલી હાઈ પાવરની દવાએ દીકરીનાં કાન અને જીભ લઈ લીધાં.
આ સાંભળીને ગુડ્ડી અને રાકેશ ખૂબ ખૂબ ખૂબ રડ્યાં કે ભગવાન તે આ શું કર્યું. ગુડ્ડી તો ત્યાં સુધી બોલી કે ભગવાન હવે તો દયા કરવી હતી. આ ગુડ્ડી પર તો દયા ન કરી પણ આ નાની બાળ પર તો દયા કરવી હતી. આ વખતે ગુડ્ડી ખૂબ એટલે ખૂબ ભાંગી ગઈ હતી. તેને હવે ભગવાન પર પણ વિશ્વાસ રહ્યો ન હતો. નિસાસો નાંખતી ઘરે આવી અને પરિવારને વાત કરી ત્યારે તેણે પણ ઘણા ઉગ્ર સ્વભાવ સાથે ગુસ્સો બતાવ્યો. હાલ પણ આ દીકરીને લીધે ગુડ્ડી અને રાકેશ ખૂબ ચિંતામાં છે કે તેનું ભવિષ્ય શું થશે ? પણ એક વાત ચોક્કસ છે કે તેને ગુડ્ડીની કહાની પુનરાવર્તિત ન થાય તે માટે ચોક્કસ પગલાં ભરી જ લીધા છે. પણ અફસોસ ગુડ્ડીને એ વાતનો રહ્યો કે જિંદગી આખી બીજાના માટે, બીજાને ખુશ કરવામાં કાઢી, દરેક ફરજો દિલથી નિભાવી છતાં મારી લોકોએ તો નહીં પણ ભગવાને પણ કદર ન કરી. તેને એ કહેવત સાચી લાગી કે સ્ત્રીનું આખું જીવન ભડકે બળતું જ હોય અને અંતે શાંતિ પણ લાકડે ચડે ત્યારે જ મળે." વિચારોમાં ખોવાયેલી ગુડ્ડી ભગવાન ભરોસે દીકરીની જિંદગીને મુકી કામમાં વ્યસ્ત રહેવાનો ભાવ દેખાડી પોતાની જાતે પોતાને સંભાળવાની મથામણ કરવા લાગી.