STORYMIRROR

Mariyam Dhupli

Inspirational Classics Children

3.0  

Mariyam Dhupli

Inspirational Classics Children

પાંજરું

પાંજરું

8 mins
21.7K


"પપ્પા મીઠ્ઠું માટે શું લાવ્યા ?"

તાજા લાવેલ ફળોમાંથી એક જમરૂખ ઉઠાવી એ મીઠ્ઠુંના પાંજરા પાસે ભાગી ગઈ. જ્યારથી મીઠ્ઠું આવ્યો છે ત્યારથી ઝંખના કેટલી ખુશ રહે છે. નહિતર પોતાના ને અંકિતાના ડિવોર્સ પછી એ મૂરઝાયેલા છોડ સમી બની ગઈ હતી. માતાથી દૂર થઇ અચાનક પિતા જોડે એકલા રહેવું પડે તો બાળકની માનસિકતા પર એની અસર સહજ રીતથી પડે. કોઈની જોડે વાતોજ ક્યાં કરતી હતી ? અન્ય બાળકો મમ્મી અંગે પ્રશ્નો કરશે એ વિચારી મિત્રો જોડે રમવા પણ ન જતી. એકલી એકલી રડ્યા કરતી. રમકડાંઓ સાથે પણ જાણે અબોલા લઇ લીધા હતા. પણ મીઠ્ઠુંના આવ્યા પછી એક મિત્ર મળી ગયો જેની જોડે આખો દિવસ વાતો કર્યા કરતી. એની સારસંભાળમાં સમય વિતાવતી. પ્રદીપનો જીવ નાની દીકરીના ચ્હેરા પર હાસ્ય જોઈ સંતુષ્ટ થતો. પણ ખબર નહીં કેમ ઝંખના મીઠ્ઠું વિશે જયારે પણ કોઈ પ્રશ્ન પૂછતી પ્રદીપના મનમાં અંકિતા સાથેનો ભૂતકાળ રમવા માંડતો. આ વિચારશ્રેણીની સાંકળ પણ કેવી વિચિત્ર તાણાંવાણાઓમાં ગૂંચવાઈ પડતી હોય છે ! માનવ મન એવું અટપટું શાને હોય છે ?

જયારે મીઠ્ઠુંનું પાંજરું ખરીદી લાવ્યો હતો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ઝંખના એ કર્યો હતો :

"પપ્પા એને પાંજરામાં કેમ પૂર્યો છે ?"

"કે જેથી આપણે એની સંભાળ લઇ શકીએ, એને પ્રેમ આપી શકીએ, એનું રક્ષણ કરી શકીએ !"

સંભાળ, પ્રેમ, રક્ષણ અંકિતાને પણ પોતે આ બધુંજ આપવા ઈચ્છતો હતો. લગ્નના દસ વર્ષોમાં એણે આ બધું જ આપવા પ્રયાસ તો કર્યો હતો. જોકે અંકિતાએ પણ એને આ બધીજ બાબતોમાં પુરેપુરો સાથસહકાર આપ્યો હતો. સંબંધોની ગાડી બે સમાંતર પૈડાંથી જ આગળ વધી શકે. અંકિતાએ પણ સામેથી એટલોજ પ્રેમ ને સ્નેહ વરસાવ્યો તો હતો. ઝંખનાના ઉછેર જોડે એણે પોતાની કારકિર્દી પણ કેટલી કુશળતાથી સંભાળી હતી. આજની એક આધુનિક સફળ સ્ત્રીની જેમ એણે માતૃત્વને પોતાની કારકિર્દીનું પૂર્ણવિરામ બનવા દીધું ન જ હતું. જોકે એ માટે મહેનતની પરાકાષ્ઠા એ પહોંચવા સિવાય અન્ય વિકલ્પ પણ ન હતો. બન્ને પોતપોતાના કોર્પોરેટ વ્યવસાયોમાં જીવતોડ મહેનત કરી ઉત્તમ વ્યવસાયિક પ્રદર્શન આપી રહ્યાં હતાં અને સાથે સાથે ઝંખનાના ઉછેરની જવાબદારી એક સમાન પણે વહેંચી રહ્યાં હતાં. આખરે કુટુંબની સફળતા કુટુંબના સભ્યોની આંતરિક સમજ ને સાથ સહકાર પર તો નિર્ભર હોય છે !

"પપ્પા મીઠ્ઠુંનું પાંજરું તડકામાંથી અંદર લઇ લીધું તો એ ચીડે છે. પણ બાલ્કનીમાં ઘણો તડકો છે."

"તને લાગે છે તડકા સામે એનું રક્ષણ કરવું જોઈએ... પણ હોઈ શકે એને હૂંફ જોતી હોય... થોડો સમય તડકો ખાવો હોય !"

ઝંખના પાંજરું લઇ બાલ્કનીમાં ગઈ. પ્રદીપની આંખો સામે અંકિતા સાથેનો વાર્તાલાપ વિચારોની સાંકળમાં વણાઈ ગયો :

"અંકિતા હું જાણું છું કે આ પ્રોમોશન તારી કારકિર્દીનો સૌથી મોટો પડાવ છે. પણ મારી નોકરી છોડી હું દિલ્હી નહીં આવી શકું. હું મુંબઈ ન જ છોડી શકું. મારી નોકરી ને કારકિર્દીને આ સ્તરે પહોંચાડવા મેં પણ દિવસરાત એક કર્યા છે."

"હું જાણું છું પ્રદીપ એટલે જ તો આશા રાખું છું કે તું મારી મહેનતને પણ સમજીશ. ને હું ક્યાં તને મુંબઈ છોડવા કહી રહી છું. તારી કારકિર્દીના ત્યાગનો પ્રશ્નજ નથી !"

"એટલે તું એકલી દિલ્હી જવા વિચારી રહી છે... ને હું ને ઝંખના અહીં મુંબઈમાં રહીશું એમ જ ને ?"

"તું કહે તો હું ઝંખનાનું દિલ્હીની કોઈ હાઈસ્કૂલમાં એડમિશન કરાવી દઉં. એ મારી સાથે રહેશે તો મને એની ચિંતા પણ ન રહે."

"ને મારું શું અંકિતા ? હું તારા અને ઝંખના વિના એકલો મુંબઈમાં રહીશ ? આને કૌટુંબિક જીવન કહેવાય ? ઇઝ ધીઝ કોલ્ડ એ ફેમિલી લાઈફ ?"

"તું આમ ચીડ શું કરવા કરી રહ્યો છે ? વાઇ આર યુ ઓવર રિએકટિંગ ?"

"તું પરિવારના બે ટુકડા કરવાનું વિચારી રહી છે તો મારી પાસે બીજી કેવી પ્રતિક્રિયાની આશા રાખી રહી છે ?"

"પ્રતિક્રિયાની નહીં પ્રદીપ હું તારી પાસેથી પરિપક્વતા ને સમજણની આશા રાખી રહી છું."

"એટલે તારી અપેક્ષા મુજબનો નિર્ણય ન લેવાય તો હું અપરિપક્વ ને સમજણ વિનાનો ?"

"હવે તું રાઈનો પહાડ કરી રહ્યો છે પ્રદીપ."

"તારા માટે કુટુંબ રાઈ સમાન જીર્ણ બાબત હશે પણ મારા માટે એ સર્વશ્વ છે... બધી બાબતોથી મહત્વનું મારી કારકિર્દી કરતા પણ..."

"તો પછી દિલ્હી આવતો રહે અમારી જોડે... નહીં આવીશ ને ? તારી કારકિર્દી છોડવા હું તો તને દબાવ નથી કરી રહી... તો મારી કારકિર્દી સાથે બલિદાન અને ત્યાગની આ અપેક્ષા શા માટે ? કારણકે હું પત્ની 

છું ને તું પતિ ? એક શિક્ષિત, આધુનિક, મુક્ત વિચારશરણી ધરાવનાર પુરુષને એ શોભે ?"

"તો એવા અશિક્ષિત ને રૂઢિવાદી પતિ સાથે બંધાઈ રહેવાની શી જરૂર? ઊડી જા તારા મુક્ત ગગનમાં..."

પાછળથી ઝંખનાએ એનો હાથ આવી પકડ્યો ને એને વર્તમાન ક્ષણમાં ખેંચી લાવી. 

"પપ્પા તમે સાચું કહ્યું ! મીઠ્ઠુંને તડકો ગમે છે..."

"જોયું...? જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું... એ માટે એમના હૃદયના ભાવો સમજવા પડે... એમની ઈચ્છાઓ ને લાગણીઓને માન આપવું પડે... ભલે આપણાં અભિપ્રાય એમનાથી જુદા હોય. સમજી મારી ઢીંગલી ?" 

ઝંખના કશાક ઊંડા વિચારમાં સરી પડી અને પ્રદીપ પણ...

"ચલો હવે જમી લઈએ? સવારે જલ્દી ઉઠી કોર્ટ જવાનું છે."

પ્રદીપના શબ્દો સાંભળી ઝંખના ખુશીથી ઉછળી પડી.

"મમ્મી ને મળવા ?"

"હા."

ઝંખના માટે કોર્ટની તારીખ એટલે ઘણા દિવસો પછી માને જોઈ શકવાની એક અમૂલ્ય તક. અઠવાડિયામાં બે વાર ફોન પર વાત થતી. પણ એને આંખો સામે જોવાનો, સ્પર્શી શકવાનો લ્હાવો તો જુદોજ ને. આવતીકાલે ઝંખનાની

કસ્ટડીના કેસનો ચુકાદો આવી રહેશે. ઝંખના કોની જોડે રહેશે એ કોર્ટ નક્કી કરી નાખશે. પ્રદીપ જાણતો હતો કે કસ્ટડી એનેજ મળશે. એની કારકિર્દી સ્થાયી હતી. જયારે અંકિતા દિલ્હી હેડ ઓફિસમાં જોડાયા પછી અસ્થાયી કારકિર્દીના વર્ગમાં પહોંચી ચુકી હતી. જુદા જુદા શહેરોમાં મિટિંગ તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સેમિનારો માટે પરદેશની યાત્રાઓ. આ બધાની અસર બાળકના વિકાસ અને ભણતર પર થાય અને અજાણી આયા કે અજાણ્યા બેબીસિટર જોડે બાળકને છોડવા કરતાં બાળકના પિતાનેજ એ જવાબદારી સોંપવી વધુ હિતાવહ. પોતાના વકીલ તરફની તર્કયુક્ત દલીલો જજને પ્રભાવિત કરી ચૂકી હતી, એ સ્પષ્ટ હતું. આવતી કાલે જજ દ્વારા એની વ્યવસાયીક ઘોષણા થઇ જાય એટલે ચિંતા મટે. અંકિતાના જવાથી જીવનમાં વ્યાપેલી શૂન્યતા હવે ઝંખનાથી છૂટા થવું નજ પોષી શકે !

વહેલી સવારે ઝંખનાને તૈયાર કરી પોતે કોર્ટ નીકળવા માટેની પૂર્વતૈયારીઓમાં પ્રદીપ વ્યસ્ત થયો. ઝંખના તૈયાર થઇ બાલ્કનીમાં મીઠ્ઠું પાસે જતી રહી. તૈયાર થઇ જયારે પ્રદીપ બાલ્કની પર પહોંચ્યો ત્યારે નજર સામેના દ્રશ્યથી ચોંકી ઉઠ્યો. મીઠ્ઠુંનું પાંજરું ખુલ્લું હતું. મીઠ્ઠું પાંજરામાં ન હતો. ઝંખના આકાશ તરફ હાથ ઊંચકી હસી રહી હતી. મીઠ્ઠું વિના ઝંખનાની શી પરિસ્થિતિ થશે એ વિચારેજ પ્રદીપ ચિંતિત થઇ ઉઠ્યો :

"મીઠ્ઠું ક્યાં છે ઝંખના ?"

"એ તો ઉડી ગયો !" બાલસહજ્તાથી જવાબ આપતી ઝંખનાની માસુમ આંખો હજી પણ આકાશમાંજ મંડાઈ હતી.

"પણ કઈ રીતે ?" પ્રદીપે વિહ્વળતાથી પૂછ્યું.

"મેં આ દરવાજુ ખોલ્યું ને એ ઊંચે ઉડી ગયો !"

"પણ હવે એના વિના કઈ રીતે રહીશ ? તે દરવાજુ શા માટે ખોલ્યું બેટા ?"

"પપ્પા, તમેજ કહ્યું હતું ને જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું. એ માટે એમના હૃદયના ભાવો સમજવા પડે. એમની લાગણી ને ઈચ્છાઓને માન આપવું પડે. મીઠ્ઠું જયારે પાંજરામાંથી અન્ય પંખીઓને ઉડતાં જોતો હોય તો શું એને ઉડવાંનું મન ન થતું હોય ! આપણા હાથપગ કોઈ બાંધી રાખે તો આપણે એમને પ્રેમ થોડી કરીએ. એમની પર ગુસ્સોજ આવે ને ! ઈશ્વરે એને પાંખો ઉડવા માટે તો આપી છે. મારી ખુશી માટે એને ગોંધી રાખું એ પ્રેમ ન કહેવાય, સ્વાર્થ કહેવાય..."

ઝંખનાના શબ્દોથી પ્રદીપ ચોંકી ઉઠ્યો. એના રોમેરોમમાં ધ્રુજારી અનુભવી રહ્યો. શરીરના રૂંવાડા ઉભા થઇ ગયા. નાનકડી ઝંખના એ ખુબજ મોટી વાત કહી નાખી હતી. એક નાનકડા અંતરે એક મોટા અંતરને હચમચાવી મૂક્યું.

કોર્ટમાં પહોંચતાં જ ઝંખના મમ્મી પાસે દોડી ગઈ. અંકિતાની આંખો ખુશીથી છલકી ઉઠી. પ્રદીપ અને અંકિતાના ચ્હેરા એ ઔપચારિક ફિક્કા હાસ્યની આપ લે કરી. ઝંખનાની ઈચ્છાને માન આપી એને અંકિતા પાસેજ બેસવા દઈ પ્રદીપ પોતાના વકીલ પાસે જતો રહ્યો.

ન્યાયાધીશે પોતાનો નિર્ણય સંભળાવતા પહેલા બન્ને પક્ષને પોતાના મંતવ્યો રજૂ કરવા એક અંતિમ તક આપી. આખા કોર્ટ સામે પોતાના અંતિમ મંતવ્યો રજૂ કરવા ઉભેલા પ્રદીપની આંખો અંકિતાની આંખોને તાકી રહી. એ આંખોમાં અંકિતાને જે ભાવો દેખાયા એ પોતાની આંખોની ભ્રમણા તો ન હતી ?

"જજ સાહેબ આપ ઝંખનાની કસ્ટડી અંકિતાને આપી દો. મને પૂરો વિશ્વાસ છે કે ઝંખનાની કાળજી અંકિતા કરતા વધુ કોઈ ન રાખી શકશે, કદાચ હું પણ નહીં."

આખું કોર્ટરૂમ ચોંકી ઉઠ્યું. બન્ને પક્ષના વકીલો મૂંઝવણમાં મુકાયા. અંકિતાને પોતાના કાન પર વિશ્વાસજ ન આવ્યો. ન્યાયાધીશ પોતાની પેન નીચે મૂકી વિસ્મયથી પ્રદીપને તાકવા લાગ્યા.

"આમ સોરી અંકિતા. ભૂલ મારીજ હતી. હું સ્વીકારું છું. જો એ પ્રમોશન મને મળ્યું હોત તો હું પણ એને કદી ઠુકરાવતે નહીં, પરંતુ તારા સાથ સહકારની અપેક્ષા રાખત. તારાથી જુદા ન થવું પડે એ ભયે મને તારાથી આજીવન જુદો કરી નાખ્યો. હવે ઝંખનાને પણ તારાથી છીનવી લઉં તો મારાથી મોટો સ્વાર્થી અન્ય કોઈ નહીં !"

"જજ સાહેબ મને કંઈક કહેવું છે." પરવાનગી મળતા આંસુઓ ખંખેરતી અંકિતા પ્રદીપ સામે આવી ઉભી.

"ઝંખનાની કસ્ટડી ના મને મળવી જોઈએ ના પ્રદીપ ને !"

ન્યાયાધીશ વધુ મૂંઝવણમાં મુકાયા. પ્રદીપ તેમજ બન્ને વકિલો કશુંજ સમજી ન શક્યા.

"ઝંખનાની કસ્ટડી મને અને પ્રદીપ બન્નેને સંયુક્ત રીતે મળવી જોઈએ કે જેથી અમે બન્ને મળીને અમારી ઢીંગલીની કાળજી લઇ શકીએ."

અનુભવી ન્યાયાધીશની અનુભવી દ્રષ્ટિ બધુંજ કળી ગઈ. હોઠ પરના આછા સ્મિત સાથે માથું ધુણાવતા એમણે સાઈન કરી કેસ ક્લોઝ કરી નાખ્યો.

ગાડીની પાછળની સીટ પર બેઠી ઝંખના મમ્મી પપ્પાને એકસાથે ગાડીમાં ગોઠવાયેલા જોઈ મૂંઝવણ પામી.

"હું મમ્મી જોડે દિલ્હીમાં રહીશ કે પપ્પા જોડે મુંબઈ ?"

પ્રદીપ અને અંકિતા ખડખડાટ હસી પડ્યા. ઝંખનાના નિર્દોષ પ્રશ્નના ઉત્તરમાં વારાફરતી બોલી રહ્યા :

"ક્યારેક મમ્મી જોડે દિલ્હી..."

"ક્યારેક પપ્પા જોડે મુંબઈ..."

"ક્યારેક બન્ને જોડે..."

"પણ હંમેશા એકબીજાની સાથે...!"

ઝંખનાની તાળીઓથી આખી કાર ગૂંજી ઉઠી અને પ્રદીપ અને અંકિતાનું સૂનું જીવન પણ...

ઘરમાં પ્રવેશતાંજ બાલ્કનીમાં પહોંચેલી ઝંખના ઉત્સાહથી ઉછળી પડી.

"પપ્પા મીઠ્ઠું પાછો આવી ગયો..."

પ્રદીપ વિસ્મય પૂર્વક બાલ્કની પર પહોંચ્યો. મીઠ્ઠું બાલ્કનીમાં નિરાંતે આવી બેઠો હતો. પોતાના મિત્ર જોડે ઝંખના બમણી ખુશ દેખાતી હતી. મીઠ્ઠું હવે એની જોડેજ રહેશે. હા, પણ પાંજરામાં પુરાયેલો નહીંજ. મુક્ત પાંખો જોડે મુક્ત શ્વાસો ભરતો...

બાલ્કનીમાંથી અંદર પ્રવેશતાજ રસોડામાં કોફી બનાવી રહેલ અંકિતાનો પ્રસન્ન ચ્હેરો નિહાળતાંજ પ્રદીપનું હૈયું પણ બમણું પ્રસન્ન થઇ ઉઠ્યું. અંકિતા હવે સાથેજ હશે. હા, પણ પાંજરામાં પુરાયેલી નહીંજ. મુક્ત પાંખો જોડે મુક્ત શ્વાસો ભરતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational