mariyam dhupli

Inspirational

4  

mariyam dhupli

Inspirational

લિવ મી અલોન ભાગ : ૯

લિવ મી અલોન ભાગ : ૯

5 mins
408


બીજે દિવસે ફરી ફ્લેટની ડોરબેલ ગુંજી. ફરી મોટી કોથળીઓ અને એક નવી ચિઠ્ઠી સૂના ફ્લેટમાં પ્રવેશી. ફરીથી ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયેલું ત્રણ સમય જેટલું જમણ જુદા જુદા ટેક અવેમાંથી ફ્લેટની હવાને સ્વાદિષ્ટ સુવાસથી મહેકાવી રહ્યું. આ વખતની ચિઠ્ઠીના અક્ષરો જુદા છતાં સુંદર, મરોડદાર હતા. 

"કેમ છો વશિષ્ઠજી ? તમારી તબિયત હવે કેમ છે ? આ પહેલા પણ ઘણીવાર તમારી જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ... કોઈ વાંધો નહીં. કદાચ ઈશ્વરે આ સ્વરૂપે વાત કરાવવાનું નક્કી કર્યું હતું. મારું નામ નલિની છે. હું તમારા પડોશમાં રહું છું. મારા પતિનું નામ યશ છે. અમારા બાળકો નથી. બે વર્ષ પહેલા જ મારા પતિને રોડ અકસ્માત થયો હતો. ત્યારથી તેઓ પથારીવશ છે. વાત પણ કરી શકતા નથી. હું એમની જોડે વાતો કરું છું. પણ ખબર નહીં એ સાંભળે છે કે નહીં. પહેલા તો હું ખૂબ જ ડિપ્રેશનમાં હતી. પરંતુ સમયની જોડે સમજાતું ગયું કે ઈશ્વર જયારે આપણી કસોટી કરે છે ત્યારે એને સફ્ળતાથી પાર પાડવા પોતાના દેવદૂતો પણ અચૂક મોકલાવે છે. આ એપાર્ટમેન્ટના દરેક કુટુંબ મારા એ દેવદૂતો છે. એમના વિના હું શું કરી શકી હોત ? સુપરસ્ટોરથી સામાન ખરીદવાનો હોય, યશના મેડિકલ ચેકપ હોય, એમને સ્નાન આપવાનું હોય, મારે કશે બહાર નીકળવાનું હોય ત્યારે યશની દેખરેખ રાખવાની હોય...મારા એક કોલ કે મેસેજથી જ બધા દોડી આવે છે. પોતપોતાની રીતે જે કઈ થઇ શકે એ કરવા હંમેશા તત્પર રહે છે. આ લોકડાઉન દરમિયાન મને ઘર બેઠા બધું જ મળી રહ્યું છે. હું ખરેખર ભાગ્યશાળી છું. આજે તમારા માટે જે કઈ રસોઈ તૈયાર કરી છે એ યશની પ્રિય વાનગીઓ છે. પરંતુ હવે તેઓ એ જમી શકતા નથી. એમને તો ફક્ત પ્રવાહી... ઍનીવેઝ, તમને કોઈ પણ મદદની જરૂર હોય મને નિઃસંકોચ જણાવશો. હંમેશા બધાની મદદ લીધી જ છે. જો કોઈની મદદ કરી શકીશ તો મનને ખરેખર સંતોષ થશે. પાછળ મારો મોબાઈલ નંબર લખ્યો છે. તમે જલ્દી સાજા થઇ જશો. એ જ પ્રભુને પ્રાર્થના."

- નલિની.

ચિઠ્ઠી સંભાળીને વાળી, પાછળ લખાયેલો નંબર મોબાઈલમાં નવી બની રહેલી કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરી, સવારની દવાનો ડોઝ પાણી વડે ગળા નીચે ઉતરી ગયો. એક ટેક અવે ધીમે રહી ખોલવામાં આવ્યો. તાજુ, હૂંફાળું ફ્રૂટ કસ્ટર્ડ ગળા નીચે ઉતર્યું જ કે હોઠ પર અતુલ્ય તૃપ્તિ છવાઈ ગઈ. 

***

એ પછીના દિવસે ત્રણ સમયનું ભોજન લઇ આવેલી કોથળીઓ જોડે મળેલી ચિઠ્ઠી વાંચતા ચહેરા ઉપર ફરી અપરાધભાવ અને ગ્લાનીની વરસા થઇ હતી. 

"હેલો, માય સેલ્ફ મિસિસ કુમાર. મારા પતિનું નામ મહેન્દ્ર છે. સાચું કહું તો પેલે દિવસે તમે મારા દીકરા હર્ષનો દડો લઇ લીધો હતો ત્યારે અમને તમારા પર એટલો ગુસ્સો આવ્યો હતો ને...પણ સોરી ! અમને ખબર ન હતી કે તમારું પરિવાર...જાણી ને ખૂબ જ દુઃખ થયું. એ દિવસ પછી અમારા હ્ર્દયમાં તમારા માટે કોઈ ખરાબ લાગણી રહી નહીં. તમારા પર જે વીત્યું હશે એની પીડા અમે સમજી શકીએ છીએ. અમારા હર્ષના માતાપિતા પણ કોમી હુલ્લડો દરમિયાન સળગાવવામાં આવેલી બસમાં ભડતું થઇ ગયા હતા. એ શાળામાં હતો એટલે બચી ગયો. એ મહેન્દ્રના બેસ્ટ ફ્રેન્ડનો દીકરો છે. પણ હવે એ અમારો દીકરો છે. વી હેવ એડોપ્ટેડ હિમ. હવે એ જ અમારું વિશ્વ છે. અમે બીજું બાળક નહીં કરીશું એવો મ્યુચ્યુઅલ ડિસિઝન લીધો છે. આજના રસોઈનું મેન્યુ હર્ષે જાતે જ નક્કી કર્યું છે, સ્પેશ્યલી એનું મોસ્ટ ફેવરિટ સ્વીટ કોર્ન સૂપ. તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ એ માટે એ ઓલ ધી બેસ્ટ લખાવે છે. સાથે કેટલાક ખાટા ફળો અને મધની જાર પણ મોકલાવી છે. ઈટ વીલ હેલ્પ ઈન બુસ્ટીંગ યોર ઇમ્યુન. એ સિવાય કોઈ પણ કામ હોય તમે અમને મેસેજ કે કોલ કરી શકો છો. પાછળ તરફ નંબર લખ્યો છે. એનીટાઇમ, વી આર હીઅર ફોર યુ. પ્લીઝ, ડોન્ટ હેઝિટેટ. બેસ્ટ વિશિઝ."

- કુમાર ફેમિલી

બે બસ, એક સળગતી આગ ...

"આ'મ સોરી અંકલ " ત્રણ નિર્દોષ શબ્દો અને ચીથરા થઇ ગયેલો ક્રિક્ર્ટનો એક દડો...

મનમાં સળગેલી અગ્નિ અસહ્ય હતી. ટેક અવેમાંથી જેવું સ્વીટ કોર્ન સૂપ ગળા નીચે ઉતર્યું જાણે એ અગ્નિ ત્વરિત સમી ગઈ અને મનમાં અનેરી ટાઢક રેલાઈ ગઈ.

***

સુકેતુજીએ શરૂ કરેલી મદદની ઝુંબેશ હવે જાણે નિયમિત થઇ ગઈ હોય એમ દરરોજ ફ્લેટની ડોરબેલ ગુંજતી. મોટી કોથળીઓમાં ત્રણ સમય જેટલું જમણ સમયસર બારણાં પાસે એક ચિઠ્ઠી જોડે છોડી દેવામાં આવતું. દરેક વખતે એ જમણ એક નવા ફ્લેટ અને તેમાં રહેતા સભ્યો અને જીવનનો પરિચય લઇ આવતું. મોબાઈલમાંની કોન્ટેક્ટ લિસ્ટ દિવસે ને દિવસે લાંબી થઇ રહી હતી.ઓફિસ તરફની ઝૂમ મિટિંગ એણે જાતે અટેન્ડ કરી હતી. યોગ્ય સંતુલિત આહાર જોડે દવાઓ હવે ઝડપથી અસર દેખાડવા માંડી હતી. ખાંસીનો પ્રહાર ધીમે ધીમે ઘટવા માંડયો હતો. શરીરની ઉર્જા ધીમા ડગલે પરત થઇ રહી હતી. તાવ નહીંવત હતો. 'વર્ક ફ્રોમ હોમ' વ્યસ્ત રહેવા અને અન્ય માનવીઓ જોડે ઓનલાઇન જોડાઈ રહેવાની તક આપી એક માનસિક થેરપી જેવું જ બની ગયું હતું. 

અંદરનું વિશ્વ જેટલું વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યું હતું બહારનું વિશ્વ એટલું જ અરાજક્તાથી વેરવિખેર થઇ રહ્યું હતું. સમાચાર ચેનલો ઉપર દર્શાવવામાં આવી રહેલા સમાચારો મનને હલબલાવી જતા હતા. ઓક્સીઝ્ન માટે જાણે યુધ્ધો છેડાઈ રહ્યા હતા. હોસ્પિટલની અંદર બેડ ન મળવાનું દુઃખ એક તરફ અને બીજી તરફ જે દર્દીઓને બેડ મળ્યા હતા એમના સગાસંબંધીઓ, પરિવારજનોને એમના વિશે કશી જાણકારી મળી રહી ન હતી એ દુઃખ. સરકારી નોકરી કે વર્ક ફ્રોમ હોમમાં વ્યસ્ત થઇ ગયેલા લોકોને તો આવકની નિશ્ચિતતા હતી. પરંતુ રોજેરોજનું રળનારાઓ માટે તો જાણે માથે આભ જ ફાટ્યું હતું. એક તરફ ફેસબુક, ઇન્સ્ટા ઉપર સધ્ધર લોકો ઘરે અચાનકથી મળેલા અખૂટ સમયનો પરિવાર જોડે આનંદ ઉઠાવતા, ઝાડુ વાળતા, વાંસણ માંજતા, કોઈ કળા પાછળ સમય વિતાવતા કે પછી સરસ મજાના ચટાકેદાર જમણ બનાવતા ફોટાઓ કે વ્યંગથી ભરપૂર રીલ બનાવી અપલોડ કરી રહ્યા હતા. તો બીજી તરફ રિક્ષાચાલકો, ઘરે ઘરે જઈ વાસણ, કપડાં અને સાફસફાઈ કરનારા, હાથલારીવાળાઓ, સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ, બૂટપોલિશ કરનારાઓ, ટ્રેનમાં જઈ માલસામાન વેચનારાઓ, હોટેલ કે રેસ્ટોરન્ટમાં કામ કરનારાઓ, મજૂરો, ફેરિયાઓ પોતાના કુટુંબને બે સમયનું જમણ ક્યાંથી લઇ આપવું એ તાણમાં રોજેરોજ ટુકડે ટુકડે મરી રહ્યા હતા. 

આ વાયરસને ન જાતિધર્મની કોઈ લાજ હતી, ન આયુની. યુવાન બાળકોને પોતાની પહેલા દુનિયા છોડીને જતા જોવું એ તો સહનશીલતાની પરાકાષ્ઠા જ હતી. 

મનનો બોજ હળવો કરવા એ દરરોજ રાત્રે બાલ્કનીની કુરશી પર બેસી રહેતો. એના હાથમાં એક ડાયરી રહેતી. એ ડાયરીની અંદર એણે તાદાત્મ્ય એપાર્ટમેન્ટના જુદા જુદા ફ્લેટમાંથી મળેલી ચિઠ્ઠીઓ સંગ્રહી હતી. દરરોજ રાત્રે એ બધી ચિઠ્ઠીઓ ફરીફરી વાંચતો. પોતાનું જીવન, બહારની સૃષ્ટિમાં ઘટી રહેલી ઘટનાઓ અને એ ચિઠ્ઠીઓમાં નિરૂપાયેલી જીવનકથનીઓમાં કશું તો સામ્ય હતું. પણ શું ? એ વિચારતો રહેતો...

આવી જ એક રાત્રે અચાનક એનું ધ્યાન ડાયરીના પાછળના પુઠ્ઠા પર છપાયેલા ફિલોસોફીભર્યા શબ્દો પર પડ્યું.

'ઇફ લાઈફ ઇઝ અનફેર વિથ એવરીવન, ડઝન્ટ ધેટ મેક ઈટ ફેર ? ' ( જો જીવન બધાની જોડે અન્યાય કરે છે. તો એ ન્યાયયુક્ત જ નથી ?)

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational