mariyam dhupli

Drama Tragedy

4  

mariyam dhupli

Drama Tragedy

વિરામ

વિરામ

11 mins
68


એની બંને આંખો જડ હતી. મુક્ત આકાશમાં ઊડી રહેલા પંખીના કલરવની વિરોધી હોય એવી ગાઢ શાંત ! આરામ ખુરશી ઉપર હળવા હિંચકા ખાઈ રહેલું એનું શરીર મૃતદેહ જેવું દીસી રહ્યું હતું. પડખેના ટેબલ ઉપર ગોઠવાયેલા પુસ્તકો એને વ્યર્થ આશ જોડે તાકી રહ્યા હતા. માથા ઉપર ફરી રહેલી પંખાની ત્રણેત્રણ પાંખો એની શાંતિને ભંગ ન કરવાની જવાબદારી નિભાવતી હોય એ રીતે સ્વરવિહીન ભમી રહી હતી. બારી બહારના વૃક્ષ ઉપરથી પંખીના ટહુકા ઓરડાની પરમ શાંતિને કારણે વધુ બળપૂર્વક અંદર સુધી પડઘાઈ રહ્યા હતા.

રસોડામાં કોફીનો મગ ટેબલ પર મૂકી દેવામાં આવ્યો. સમાચારપત્ર પાછળથી બે ચિંતાતુર આંખો બેઠકખંડમાં હિંચકા ખાઈ રહેલી આરામખુરશી ઉપર આવી તકાઈ. એ ખુરશી પર સૂની થઈ ગયેલી આંખો પર દયા ઉપજી આવી હોવાનો પુરાવો ચિંતાતુર આંખોમાં સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહ્યો. સમાચારપત્ર આગળ વાંચવામાં રસ-રુચિ ન જળવાયા હોય એમ એને સંભાળીને ગડી કરી એક ખૂણે કરી દેવામાં આવ્યો. એની ઉપર ચશ્માનું સંતુલન કરી દેવામાં આવ્યું. ગળામાં બાઝેલા ડૂમાને ખંખેરી ચહેરાના હાવભાવોમાં હકરાત્મક્તા દર્શાવવાનો સજાગ પ્રયાસ આદરવામાં આવ્યો. 

"આ શું છે કેતકી ? આમ ક્યાં સુધી..."

અર્ધા છૂટેલા વાક્ય જોડે એક સંપૂર્ણ નિઃસાસો હવામાં ભળી ગયો.

"લુક ઍટ યૉર સૅલ્ફ ! પોતાની કેવી હાલત કરી મૂકી છે ? ! એવું લાગે છે કે જાણે તું ભૂલી ગઈ હોય, કે તારું પોતાનું પણ જીવન છે. તને પણ જીવવાનો હક છે. ખુશ રહેવાનો તને પણ અધિકાર છે. સ્મિત ફરકાવવાનો, હસવાનો, પ્રસન્નતા અને ખુશીને ગળે વળગાવવાનો..." 

બીજું અધૂરું છૂટી ગયેલું વાક્ય અને બીજો સંપૂર્ણ નિઃસાસો.

"દિવસો થઈ ગયા. તું આમ જ ઘરમાં ગોંધાઈને બેઠી છે. આ ચાર દીવાલો વચ્ચે તારો શ્વાસ નથી રૂંધાતો ? તને આવી હાલતમાં નિહાળી મારો શ્વાસ જરૂર રૂંધાઈ છે. ન તું કશે બહાર નીકળે છે, ન કોઈને મળે છે, ન કોઈને કૉલ કરે છે, ન કોઈનો કૉલ ઉપાડે છે. આમ 

બધા જ સામજીક સેતુઓ તોડીને અહીં એકલી અટુલી..." 

ત્રીજું અધૂરું છૂટી ગયેલું વાક્ય અને ત્રીજો સંપૂર્ણ નિઃસાસો... 

"મેં તને નોકરી છોડવાની ના પાડી હતી. કામની વચ્ચે વ્યસ્ત રહીએ તો મન શાંત રહે અને સમય ક્યાં પસાર થઈ જાય એની જાણ પણ ન રહે. પણ તને જાતે બધું કરવું છે. અજાણી વ્યક્તિને ભરોસે..."

ચોથું અધૂરું છૂટી ગયેલું વાક્ય અને ચોથો સંપૂર્ણ નિઃસાસો...

"પ્લીઝ, કેતકી ! જરા બહાર નીકળ. લોકોને મળ. તને ગમશે. ટ્રસ્ટ મી. યુ નીડ એ બ્રેક. તારા મન અને મગજ બંનેને એક વિરામની જરૂર છે. થોડા સમય માટે તું બધું 

ભૂલી જઈશ. થોડી તાજી હવા તારા શરીરમાં જશે તો તને સારું લાગશે. બંધ ઓરડાના અંદરની સમસ્યાઓ અને તકલીફો થોડી ક્ષણો માટે તારા હૈયામાંથી ભૂંસાઈ જશે. તને જીવિત હોવાની અનુભૂતિ થશે. તારા પોતાના શ્વાસનો ધ્વનિ તું સાંભળી શકીશ. આવી રીતે જો કમ્પ્લીટ એન્ટીસોસિઅલ રહીશ, તો ચોક્કસ તને માનસિક સમસ્યા થશે. આપણે પહેલેથી સંઘર્ષ કરી રહ્યા છીએ. એમાં વધુ એક નવો સંઘર્ષ..."

પાંચમું અધૂરું છૂટી ગયેલું વાક્ય અને પાંચમો સંપૂર્ણ નિઃસાસો..

"આજે પાર્ટીનું આમંત્રણ છે. કાશ કે હું પણ તારી જોડે આવી શકતો હોત ! દરરોજ તું ઘરે રહે છે. આજે હું ઘરે રોકાઉં છું. તું જઈ આવ. લોકોને મળ. એમની જોડે વાતો કર. તારું મન હળવું થશે. ફોર એટલીસ્ટ ફ્યુ મોમેન્ટ્સ, યુ વીલ ફર્ગેટ એવરીથીંગ. નહીંતર ઘરમાં રહે છે તો ફક્ત નિકુંજ, નિકુંજ અને નિકુંજ ! બીજું કોઈ નહીં. પ્લીઝ, ફોર માય શેક ! જા, તૈયાર થઈ જા. હું છું ને. હું બધું સંભાળી લઈશ. યુ કેન ટ્રસ્ટ મી."

આ વખતનું અંતિમ વાક્ય સંપૂર્ણ હતું. વાયદાથી છલોછલ હતું. એ સંપૂર્ણ વાક્યના પ્રતિભાવમાં બેઠકખંડની હિંચકા ખાઈ રહેલી આરામખુરશી થંભી ગઈ. પડખેના ટેબલ પરથી પુસ્તકોના ઢગલા પર ગોઠવવામાં આવેલો મોબાઈલ હાથમાં લેવામાં આવ્યો. વ્હોટ્સએપ્પ પર પાઠવવામાં આવેલું ડિજિટલ નિમંત્રણ નજરને વળગ્યું. આજની તિથિ અને ત્રણ વાગ્યાનો સમય. જડ આંખોમાં હળવી ચેતના પ્રવેશી. રસોડાની ભીંત પરથી ડોકિયું કરી રહેલી ઘડિયાળમાં ૨:૩૦ થયા હતા.

પાર્ટી જામી ચૂકી હતી. આલીશાન ફ્લૅટનો ખૂણેખૂણો મહેમાનોથી ઝળહળી રહ્યો હતો. ફ્લૅટના મધ્ય ભાગમાં ગોઠવાયેલા વિશાળ ટેબલ પર એક પછી એક સ્થાન પામી રહેલા સુગંધીદાર પકવાનો મહેમાનોને આકર્ષી રહ્યા હતા. મહેમાનોના હાથમાં થમાયેલા પારદર્શક ગ્લાસમાં જ્યુસ અને કોલ્ડડ્રિંક્સ હિલોળા લઈ રહ્યા હતા. જુદા જુદા પરફ્યૂમની સુવાસથી આખો ફ્લૅટ મહેકી રહ્યો હતો. ક્યાંકથી દબાયેલા વાર્તાલાપનો આછો આછો સ્વર, તો ક્યાંકથી ઠઠ્ઠા-મશ્કરીના ખુલ્લેઆમ પડઘા ગુંજી રહ્યા હતા. અતિ ધીમા ડગલે એ ફ્લૅટના પ્રવેશ વિસ્તાર નજીક આવી ઉભી રહી. બંધ ઓરડાના લાંબા સન્નાટામાંથી અચાનક આ શોરગુલ વચ્ચે પ્રવેશ કરવું અત્યંત કપરું હોય, એ વાતની પ્રતીતિ કરાવતા એના ચહેરા પરના હાવભાવોમાં આડકતરો ખચકાટ દર્શન આપી રહ્યો હતો. સાડીનો   પાલવ વ્યવસ્થિત કરી હાથમાંના પર્સને સંતુલિત કરતી એ અંદર તરફ આવી ત્યારે ફ્લૅટની અંદર તરફનો શોર વધુ વેધક લાગવા માંડ્યો. 

"અરે, કેતકી ? !" ભેગા મળેલા ટોળામાંથી એક સ્ત્રીની નજર એની ઉપર આવી પડી. જાણે કે પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવી રહ્યો હોય એવી રીતે માથું ધૂણાવતી, ઉત્સાહના હાવભાવો જોડે એ મહેમાનને આવકારવા તરત જ પ્રવેશદ્વાર તરફ ધસી આવી.

"મને તો હતું કે તું આવીશ જ નહીં. આઈ કાન્ટ બિલીવ ઈટ !" મહેમાનને ચુસ્ત આલિંગન આપી યજમાને વાતનો દોર ફરી થામ્યો.

"પ્લીઝ, કમ ઈન !"

અચાનકથી કંઈક ખૂબ જ જરૂરી યાદ આવી ગયું હોય એમ એક ક્ષણ માટે ઉત્સાહ ઉપર અચરજ વ્યાપી ઉઠ્યું.

"તું અહીં છે, તો નિકુંજ ? !"   

ગમે તેમ ભેગા મળેલા આત્મવિશ્વાસ ઉપર પૂછાયેલા પ્રશ્ન થકી અપરાધભાવની કાતર ફરી વળી.  

"આજે રવિવાર છે. શ્રેયસ ઘરે છે એટલે..." વાક્ય શરૂ થતી વખતે અવાજમાં જે સ્પષ્ટતા હતી તે વાક્ય પૂરું થતા લગભગ નહીંવત થઈ રહી. 

"ઓહ ! હું તો ભૂલી જ ગઈ. તને નિકુંજ વિના જોવાની ટેવ નથી રહી. એટલે જ..."

ફ્લૅટના મધ્ય ભાગમાં સજ્જ ટેબલ ઉપરથી યજમાન સ્ત્રીએ જ્યુસનો ગ્લાસ ઉઠાવી મહેમાનની દિશામાં ઔપચારિકતા નિભાવી. પ્રવેશદ્વાર તરફ આવી ઉભા રહેલા અન્ય મહેમાનો પર દ્રષ્ટિ પડતાં જ યજમાન સ્ત્રીના ડગલાં એ દિશામાં ઉતાવળ જોડે ઉપડ્યા. 

"યુ કૅરી ઑન. એક્સક્યુઝ મી !"

હાથમાંના ગ્લાસનું સંતુલન જાળવતા વિહ્વળ નજર ખૂણામાં ગોઠવાયેલા સોફા ઉપર ગઈ. નહીંવત અવરજવરવાળા એ વિસ્તારની એકલતા એના આત્મવિશ્વાસના અભાવને ચુંબક સમી આકર્ષી રહી. તરત જ એ સોફા ઉપર એણે પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. જ્યુસનો ઘૂંટડો ભરવા ગ્લાસ હોંઠ સુધી લઈ જવામાં આવ્યો. પણ એ હોંઠને અડકી શક્યો નહીં. ફરીથી ગ્લાસ નીચેની દિશામાં ઉતરી આવ્યો. ચારે દિશામાં નજર ધીમે ધીમે ચક્કર કાપવા લાગી. હાસ્યના ઠેકડાઓ કાનમાં વિંધાવા લાગ્યા. લપલપી વાતોથી માથું ભમવા માંડ્યું. હાથમાંનો ગ્લાસ નીરસતા જોડે પડખેના ટેબલ પર સરકી ગયો. સોફા છોડી દેવાના ઈરાદે શરીર થોડું ઉપરની દિશામાં ઉઠ્યું કે પાછળ તરફથી બે હાથ એના ખભાને સ્પર્શ્યા. 

"વ્હૉટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ !" ઓળખીતો અવાજ કાને પડતાં જ અરાજક જાતને હેમખેમ સંભાળી લેવાનો ત્વરિત સજાગ પ્રયાસ થયો. ચહેરાને ફિક્કા ઔપચારિક સ્મિત વડે યાંત્રિકતાથી ઢાંકી લેવાયો. 

"કેતકી ! આટલા દિવસો પછી ? ! ફાઈનલી ! કેમ છે યાર ? કેટલી દુબળી થઈ ગઈ છે તું. ઈટ મસ્ટ બી ટફ. જાણું છું. સહેલું નથી. પણ તારે તારા સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો જોઈએ."

સાંભળેલા શબ્દોનો કોઈ પ્રતિભાવ ન સૂઝતા ચહેરા પરનું ઔપચારિક સ્મિત વધુ વિસ્તર્યું.

"નિકુંજ કેમ છે ?" પૂછવામાં આવેલા પ્રશ્નથી મનના હજારો ટુકડા થઈ ગયા હોય એ રીતે ચહેરા પર બળજબરીએ જાળવી રાખેલું સ્મિત ક્ષણભરમાં અદ્રશ્ય થઈ ગયું. એના સ્થાને ચિંતા અને તાણની અસંખ્ય રેખાઓ કપાળ ઉપર ઉપસી આવી. 

"બધું તારે જ કરવું પડે છે. રાઈટ ?"

સામે તરફથી ઉત્તર ફક્ત ઢળેલી નજરથી અપાયો. એ ઉદાસ ચહેરા પર સ્મિત લઈ આવવા હાથમાંનો જ્યુસનો ગ્લાસ હોંઠને અડકાવી વાર્તાલાપની દિશા જ બદલી નાખવામાં આવી.

"ઍનીવેઝ ! રોહિતને ડિસ્ટીંકશન મળ્યું. હી ઈઝ રિયલી વૅરી એક્સાઈટેડ. એને મેડિકલ કરવું છે.

વી આર સો પ્રાઉડ ઓફ હીમ."

"ઓહ ! ઈટ્સ એ ગ્રેટ ન્યુઝ. કોંગ્રેચ્યુલેશન્સ !" દબાયેલા સાદમાં અભિનંદન પાઠવતા શ્વાસ ચઢી આવ્યો. 

"હે, સીમા ! વુડ યુ પ્લીઝ કમ હીઅર ફોર એ મોમેન્ટ ?" પોતાના નામની સાદને પ્રત્યાઘાત આપતા જ્યુસનો એક વધુ ઘૂંટડો ઉતાવળે ગળા નીચે સરક્યો અને શરીર અન્ય દિશામાં આગળ વધ્યું.

"એક્સક્યુઝ મી ! આઈ વીલ સી યુ લેટર."

સોફા પર એકલું છૂટી ગયેલું શરીર નિર્જીવ ભાસી રહ્યું હતું. મનમાં વિચારોનો ઘટસ્ફોટ થયો હતો. રોહિત અને નિકુંજ એક જ કોલેજમાં સહાધ્યાયી હતા. આજે રોહિત મેડીકલમાં અને નિકુંજ...

શ્વાસ અટકી પડશે એ ભયે તરત જ હાથ પડખેના ટેબલ પરથી જ્યુસનો ગ્લાસ હાથમાં થામી લેવા પ્રવૃત્ત કરવામાં આવ્યો. પરંતુ હાથમાં પ્રસરેલા ધ્રુજારાએ કામ બગાડ્યું. ગ્લાસ જમીન પર પછડાયો. એક ક્ષણ માટે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો. કેટરિંગ સર્વિસ તરત જ મદદ માટે દોડી આવી. પોતાની ભૂલ સુધારવા ધ્રુજતો હાથ સહેજ આગળ થયો.

"આપ રહેવા દો, મેડમ ! હું કરી લઈશ."

પાર્ટી ફરીથી શોરગુલમાં સરી પડી. કાચના ટુકડા સંભાળીને ઊંચકી લેવામાં આવ્યા. જ્યુસની ધારા પર સ્વચ્છ પોતું ફરી વળ્યું. જોતજોતામાં બધું જ પૂર્વવત વ્યવસ્થિત થઈ ગયું. જાણે ત્યાં કશું થયું જ ન હતું. પણ અંદર જે ઢોળાયું હતું, એ તો હજી એવું ને એવું જ ભીનું પડ્યું હતું. 

આખરે સોફા છોડી દેવામાં આવ્યો. સ્થળ પરિવર્તન કદાચ મન પરિવર્તન કરી શકે એ આશ જોડે એણે ફ્લૅટની બહાર તરફ ડોકાઈ રહેલ અટારીમાં મંદ ડગલે પ્રવેશ કર્યો. એક નજર પાછળ તરફ કરી. સ્ત્રીઓ, પુરુષો, ગ્લાસ, જ્યુસ, નાસ્તા, કોલ્ડ્રિંક્સ, વાર્તાલાપ, કાનાફૂસી, વ્યંગ, મસ્તી, હાસ્યના ખડખડાટ ફૂવારાઓ... શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. નજર એ દિશામાંથી ખસેડી અટારીમાંથી બહાર તરફ દેખાઈ રહેલા, કડકડતી ધૂપથી વેરાન બનેલા રસ્તા ઉપર સ્થિર કરી દેવામાં આવી.

"હેલો, કેતકી ! લૉન્ગ ટાઈમ." 

શાંતિના બારણે પરિચિત અવાજના ટકોરા પડ્યા. પીઠ પાછળ તરફ ફેરવવી પડી.

"હું અને અક્ષત આવ્યા હતા હોસ્પિટલ. એજ સમયે. પણ કદાચ તારું ધ્યાન... ક્યાંથી હોય ?" ભૂતકાળમાં પોતાની હાજરીની નોંધ કરાવી એ પરિચિત સ્ત્રીએ હળવેથી એનો હાથ થપથપાવ્યો. 

"લાઈફ ઈઝ રિયલી અનપ્રિડિક્ટેબલ. એક ક્ષણમાં શુંનું શું થઈ જાય ? ! તારા ઉપર શું વીતી રહી હશે ? એકનો એક દીકરો... કિપ સ્ટ્રોંગ માય ડીઅર."

સામે તરફથી ઉચ્ચારાયેલા શબ્દોથી 

ગળામાં બાઝેલો ડૂમો જાણે એની આખેઆખી જાતને ગળી જવા મથ્યો. શરીર કંપન અનુભવવા લાગ્યું. એ મનોશારીરિક પરિસ્થિતિથી અજાણ સામે ઉભી સ્ત્રીએ ધીમે રહી વાતનું કેન્દ્રબિંદુ સ્પર્શ્યું. 

"એક્ચ્યુલી, મારી નિસના પગમાં ઈજા થઈ છે. બે -ત્રણ ડોક્ટરને બતાવ્યું. પણ બધા કહે છે કે સારવાર હોસ્પિટલના ડોક્ટર્સ ઘણા પ્રોફેશનલ છે. તારો અનુભવ શું કહે છે ? આર ધે રીઅલી ગુડ ?" 

પ્રશ્નોના બાણ એક પછી એક હૈયામાં વીંધાઈ ગયા. અટારીમાં ઉભી ઉભી એજ ક્ષણે એ સારવાર હોસ્પિટલમાં પહોંચી ગઈ. લોહીથી લથપથ સ્ટ્રેચર, લોહીની હિંચકા ખાઈ રહેલી કોથળી, પોતાનો આંસુઓથી ઉભરાયેલો અને ડઘાયેલો,પરસેવે રેબઝેબ ચહેરો, નર્સ અને વોર્ડબોયની હાંફળી ફાંફળી દોડાદોડી, લીલા રંગના એપ્રન ઉપર લાગેલા લોહીના ડાઘ, માસ્ક પાછળ ઢંકાયેલા ડોક્ટર્સના ગંભીર ચહેરાઓ, ઓપરેશન થિએટરની લાલ રંગની બત્તી, દવાઓની માથું ફાડતી દુર્ગંધ.

ભૂતકાળે વર્તમાનને ચકરાવે ચઢાવી મૂક્યું. અટારીમાંથી બધું જ એની આંખો આગળ ગોળ ગોળ ચક્કર કાપવા લાગ્યું. માથામાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો. શરીર ઢળી પડશે એવી ભ્રાંતિ થઈ કે...

"લન્ચ ઈઝ રેડી. પ્લીઝ, હૅલ્પ યૉર સેલ્ફ."

પાર્ટીની સેલ્ફ સર્વિસ માટે યજમાને ઘોષણા કરી. સામે ઉભી સ્ત્રી બધું જ પડતું મૂકી અટારીની અંદર તરફ ધસી જવા અધીરી બની. 

"એક કામ કરીએ. હું તને પછી નિરાંતે કૉલ કરીશ. આરામથી વાત થશે."

આહ !

અટારીમાં ઊભું એનું શરીર સંતુલન સાધવા મથ્યું. અટારીની ભીંત એનો મજબૂત ટેકો બની. સૂર્યની કિરણો કપાળ ઉપર હૂંફાળો સ્પર્શ કરવા લાગી. બહાર તરફની ગરમી અંદર પ્રસરેલી ગરમી જોડે ભળી તબિયતને વધુ લથડાવે એ પહેલા સાડીને વ્યવસ્થિત કરી, જાતને સજાગ કરતી એ ધીમે ડગલે ફ્લૅટના મધ્ય ભાગમાં સજ્જ પકવાનોની હારમાળા તરફ ઉપડી ગઈ.

કતાર લાંબી હતી. ખાલી પ્લેટને પકવાનો સુધી પહોંચતા સમય લાગ્યો. પ્લેટમાં વારાફરતી એણે પકવાનો પીરસી લીધા. ફ્લૅટના એક અંધારિયા ખૂણા તરફ ઉભા રહી સૌ પ્રથમ એણે જલેબી હાથમાં ઊંચકી. એ ગરમ જલેબી હોંઠને સ્પર્શી શકે એ પહેલા જ...

"હેલો, કેતકી ! કેમ છે ?"

જલેબી ફરીથી પ્લેટમાં ગોઠવાઈ ગઈ. નજર પ્લેટ પરથી ખસી ઉપરની દિશામાં ઉઠી. સામે વસુ ઉભી હતી. એ તો પહેલા કરતા પણ વધુ સુંદર અને સુડોળ દેખાઈ રહી હતી. એનું વ્યક્તિત્વ અનેરા આત્મવિશ્વાસથી ઉભરાઈ રહ્યું હતું. 

"હું ઠીક છું. તું કેમ છે ? લુકિંગ ગ્રેટ !"

ઔપચારિક વાર્તાલાપનો દોર બંને તરફથી થામી લેવામાં આવ્યો. 

"ઓહ, થેન્ક યુ !" વસુની આંખોનો ચળકાટ પોતાની કાળા કુંડાળાથી ઘેરાયેલી ઊંડી આંખોમાં અથડાવા લાગ્યો. 

"નિકુંજ કેમ છે ?" વસુનો પ્રશ્ન આંખોની વિહ્વળતાને પરાકાષ્ઠાએ લઈ ગયો. એની નજર નીચે પ્લેટમાં ઢળી પડી. મોઢામાંથી ઉચ્છવાસ સરી પડ્યો. 

"હવે એ જમી શકે છે ? કે હજી પણ પાઈપ થકી જ..

નીચે ઢળેલી આંખોમાં ખમણ, જલેબી, પુરી, ભાજી, કેરીનો રસ, વઘારેલા બટાકા, રિંગણાનું શાક, મસાલા ભીંડી, જલેબી, મગજીયું, પનીરનો ટુકડો- બધું જ સૂક્ષ્મ સ્વરૂપે ઝીલાઈ રહ્યું. મનમાં અપરાધભાવની ઘાતક સુનામી ઉછળી અને આંખોમાં ઝળહળ્યા સ્વરૂપે ઉભરાઈ ઊઠી. 

"ઓહ ! એટલે હવે તું નોકરી..." 

આંખોમાં ભેગા થયેલા ઝળહળ્યામાં પ્લેટમાં પીરસાયેલી બધી જ વાનગીઓ ભેળસેળ થઈ ગઈ.

"ઈટ્સ હાર્ટ બ્રેકીંગ ! ગયા અઠવાડિયે મને પ્રમોશન મળ્યું. ઓફિસમાં પાર્ટી આપી હતી. બધા જ તને યાદ કરતા હતા. કાશ કે તું પણ ત્યાં હોત."  

દૂરથી એક પુરુષનો હાથ વસુની દિશામાં ઉઠ્યો. સામે ઉભી વ્યક્તિ જોડે પત્નીની મુલાકાત કરાવવાની હતી. વસુએ હાથ વડે રાહ જોવાનો સંકેત આપ્યો.

"ઓકે ધેન. આઈ વીલ લિવ યુ નાઉ. નિકુંજનો ખ્યાલ રાખજે."

નિકુંજનો ખ્યાલ ? !

નિકુંજ ત્યાં ઘરે અને જાતે અહીં..

પ્લેટમાંની વાનગીઓ જાણે ઠપકો આપતી એને તાકી રહી. ઉબકા જેવી અનુભૂતિ થઈ. ગળું ખંખેરી, એક ઊંડો શ્વાસ ભરી, બધાની દ્રષ્ટિથી ચોરીછૂપે પ્લેટ એણે અંધારિયા ખૂણામાં ઉભા શેલ્ફ પર મૂકી દીધી. ચહેરા ઉપર એકાએક પરસેવો ઉપસી આવ્યો. નીચી 

નજર ઢાળી એ બેચેની જોડે ફ્રેશરૂમની દિશામાં જતી રહી. ફ્રેશરૂમનો દરવાજો અંદર 

તરફથી ખૂલ્યો. એક વૃદ્ધ સ્ત્રી રૂમાલ વડે હાથ લૂંછતી બહાર તરફ નીકળી.

"અરે, કેતકી બેટા, તું ? ! કેટલા દિવસે તને જોઈ ! સારું કર્યું કે આવી. ઘરમાં જ ગોંધાઈ રહે છે. મને જો. ઘૂંટણ હવે જરાયે સાથ નથી આપતા.તો પણ બહાર નીકળતી રહું છું. બધાને મળતી રહું 

છું. પરિચિત લોકોની વચ્ચે ઉઠીએ-બેસીએ તો મન પણ હળવું થાય. સાચું ને ? નિકુંજ કેમ છે, બેટા ? બોલતો થયો કે હજી..."

ઉત્તરમાં માંડમહેનતે રોકી રાખેલી રુદનની ધાર ફુંવારા જેમ છૂટી નીકળી. 

"હે, ઈશ્વર ! તું પણ કેવી પરીક્ષા લે છે ? નિકુંજ તો કેટલો બોલકડો હતો ! વાતો,વાતો ને વાતો. એની 

વાતો તો કદી ખૂટતી જ નહીં. અન્ય યુવાનો જેમ મિજાજી જરાયે નહીં. મને જયારે પણ મળતો અઢળક વાતો કરતો. અને આજે..."

ભીંત પર લટકી રહેલા અરીસામાં પોતાનું મોઢું નિહાળવા વૃદ્ધ શરીર પાછળ તરફ વળ્યું. રૂમાલ ચહેરા ઉપર ફેરવતા વાતનો સેતુ ફરી રચાયો. 

"શું કરી શકાય, બેટા ? જેવી ઈશ્વરની ઈચ્છા. એની આગળ કદી કોઈનું ચાલ્યું છે ? બીજું તો શું કહું ? ઈશ્વર તને ધીરજ આપે. જો એ દિવસે એણે હેલ્મેટ પહેરી હોત  

તો... હું પણ મારા વિવાન અને સૌમ્યને ટોકતી જ રહું છું. હેલ્મેટ પહેર્યા વિના..."

વાક્ય પૂરું કરવા વૃદ્ધ શરીર પાછળ ફર્યું. પણ ત્યાં કોઈ ન હતું. 

"અરે, કેતકી ! ક્યાં જતી રહી ?"

એક ઊંડો ઉચ્છવાસ કાઢી વૃદ્ધ શરીર સંતુલન જાળવતું, ઘૂંટણને સંભાળતું હોલમાં ચાલી રહેલી પાર્ટીનો હિસ્સો બનવા આગળ વધી ગયું.

બારણે ડોરબેલ વાગી. બારણું અંદર તરફથી ખોલવામાં આવ્યું. ચહેરા પરના ચશ્મા હેરતથી હાથમાં આવી ગયા.

"તું આવી પણ ગઈ ? સો, હાઉ વોઝ યૉર પાર્ટી ?"

પ્રશ્નોના ઉત્તરમાં એક અન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો.

"તેં એની પેશાબની કોથળી..."

"નહીં, હું કરવા જ જઈ રહ્યો હતો કે ડોરબેલ વાગી."

સાડીનો પાલવ કેડ ઉપર ચુસ્ત ભેરવી ફરજનિષ્ઠ ડગલાં અંદર તરફના શાંત ઓરડામાં ધસી ગયા. અકસ્માતથી ઘવાઈને પથારીવશ થયેલું યુવાન શરીર હલનચલન વિના દરરોજની જેમ ગાઢ નીંદરમાં હતું. પેશાબની કોથળી બદલવામાં વ્યસ્ત સ્ત્રીને અનુસરતો પુરુષ ઓરડાના બારણે આવીને ઊભો રહી ગયો.

"એ તો કહે, કોને કોને મળીને આવી ?"

નજર ઉપર કર્યા વિના જ ફરજ કાર્યરત રહી. ડૂમા બાઝેલા ગળામાંથી ફક્ત એટલા જ શબ્દો નીકળી શક્યા, 

"નિકુંજ, નિકુંજ અને ફક્ત નિકુંજ. બીજું કોઈ નહીં."  


Rate this content
Log in

Similar gujarati story from Drama