Abid Khanusia

Drama Inspirational

2.8  

Abid Khanusia

Drama Inspirational

ખાલીપો

ખાલીપો

7 mins
1.2K


અબ્દુલ્લાહભાઈએ જેવો બીડીનો કશ ખેંચ્યો તેમને ખાંસીનો હુમલો શરુ થયો. છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંતથી તેઓ બીડી પીતા હતા. તેમની પત્ની અને દીકરાઓએ તેમને બીડી છોડી દેવા ખુબ વિનવણીઓ કરી તેમ છતાં આ એક આદત તેઓ છોડી શકયા ન હતા. તેમની ખાંસીનો અવાજ સાંભળી તરતજ પાણીનો ગ્લાસ લઇ તેમનો પૌત્ર અરમાન દોડી આવ્યો અને દાદાને પાણી પીવડાવી થોડી વાર ઉભો રહ્યો. ખાંસીના કારણે અબ્દુલ્લાહભાઈની આંખોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમને રાહત થઇ એટલે તેમના પૌત્ર અરમાને કહ્યું “દાદા, આજે ઠંડી થોડીક વધારે છે. બહાર આંગણામાં તડકો આવી ગયો છે ચાલો હું તમને તડકે લઇ જાઉં.” અબ્દુલ્લાહભાઈ તેના સહારે હળવે હળવે આંગણામાં આવી તડકે બેઠા. અરમાન ઘરના આંગણામાં તેણે ઉગાડેલા ફૂલછોડની માવજતમાં પરોવાયો.


   તડકે બેસવાથી અબ્દુલ્લાહભાઈને થોડીક રાહત થઇ એટલે વળી તેમણે નવી બીડી સળગાવી તેના કશ લેવા માંડ્યા. બીડી પીતા પીતા તે ભૂતકાળમાં સરી પડ્યા. આઠ ભાઈ બહેનોમાં તે સૌથી જ્યેષ્ઠ હતા. તેમનો બાપીકો ધંધો ખેતીવાડીનો. ગામની પ્રાથમિક શાળામાંથી ધોરણ ૭ પાસ કર્યું એટલે તેમના અબ્બુ સુલેમાનભાઈએ તેમને ભણવામાંથી ઉઠાડી તેમની સાથે ખેતી કામમાં જોતર્યા. ધીમે ધીમે તેઓ ખેતી કામ શીખતા ગયા.


અબ્દુલ્લાહભાઈ તેમના અબ્બુની મદદમાં હોવાથી તેમને હવે રાહત થઇ ગઈ હતી. નાના ભાઈઓ અને બહેનો ભણવા પઢવાની સાથે સાથે રજાના દિવસે ખેતી કામમાં તેમને સાથ આપતા થયા. નાની બહેનો પોતાની માતાને ગૃહ કામમાં અને ભેંસોની માવજત અને દોહવાના કામમાં મદદ કરતી. આમ તેમનું ભર્યું ભાદર્યું ઘર ફૂલવા ફાલવા લાગ્યું.


અબ્દુલ્લાભાઈ પુખ્ત થયા એટલે તેમની શાદી બાજુના ગામના કુલીન ખાનદાનની દીકરી સકીનાબેન સાથે થઈ. બંનેનું દામ્પત્ય જીવન સુખરૂપ ચાલતું રહ્યું. નાના ભાઈ બેન જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ઘરમાં ખર્ચા વધતા ગયા. હવે ખેતીની આવકમાંથી કુટુંબનો નિભાવ માંડ માંડ થતો હતો. વળી દર બે વર્ષે ઘરમાં કોઈનો લગ્ન પ્રસંગ આવતો અને સમાજના રીત રીવાજો મુજબ બધા પ્રસંગો ઉજવવા પડતા હતા. ખેતીની ઉપજ કુદરત આધીન હોઈ કુદરતી આપત્તીઓના કારણે જે વર્ષે પાક સારો ન થાય તે વર્ષે ખુબ ખેંચ રહેતી. ઘરમાં સૌથી મોટા હોવાના કારણે તમામ આર્થિક જવાબદારીઓ તેમના શિરે હતી. ઘરના બે છેડા જોડવા માટે ઘણી મથામણ કરવી પડતી. ઘણીવાર ઉધાર કે ઉછીની રકમ મેળવવી પડતી. સેવા સહકારી મંડળી મારફતે લેન્ડ મોર્ગેજ બેન્કમાંથી લોન કે તગાવી લઇ બે છેડા સરખા કરવાનો પ્રયત્ન કરતા. આ આર્થિક સંકળામણના કારણે મગજ પર બોજ રહેતો તેને દુર કરવા બીડીનો કશ મારી લેતા. બસ ત્યારથી બીડી તેમની જીવનસંગીનીની જેમ તેમનું અવિભાજ્ય અંગ બની ગઈ.


ખાંસી આવવાના કારણે તેમની તંદ્રા તૂટી. તેમનો પૌત્ર અરમાન હજુ તેના ફૂલછોડની માવજતમાં રોકાયેલો હતો. હવે ખાસો તડકો ચઢી આવ્યો હતો પરંતુ ઠંડા પવનની લહેરખીઓના કારણે તડકો આકારો લાગતો ન હતો. તેમના હાથમાં બુઝાઈ ગયેલી બીડીને ફરીથી સળગાવી અબ્દુલ્લાહભાઈ એક ઊંડો કશ ખેંચી ફરીથી ભૂતકાળમાં સરી પડ્યા. તેમની પત્ની સકીના બેન ખુબ સમજુ અને પ્રેમાળ હતા. પોતાના પતિની આર્થિક સંકળામણ દુર કરવા તેઓ પણ ખુબ કામ કરતા હતા. તેમને પહેલા ખોળે અલ્લાહે દીકરો આપ્યો હતો. તેમના દીકરાના ઉછેરની સાથો સાથ તે ગૃહ કાર્ય અને ખેતરમાં નિંદામણ કરતા અને ઢોરો માટે ઘાસ ચારો પણ લાવતા. આર્થિક સંકળામણ હોવા છતાં અબ્દુલ્લાહભાઈએ તેમના બધા ભાઈ બહેનોના લગ્ન સમાજમાં તેમના ખાનદાનના મોભાને છાજે તે રીતે કર્યા હતા. બધી બહેનો તેમના સાસરિયામાં સુખી હતી.           

 

સૌથી નાના ભાઈના લગ્ન થયા તેના પછી પણ ઘણા વર્ષો સુધી બધા ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. બધા ભાઈઓ હવે કમાતા થયા હતા. થોડોક હાથ ફરતો થયો એટલે અબ્દુલ્લાહભાઈએ હવે બધા ભાઈઓ 

માટે ઘર બાંધવાનો વિચાર કર્યો. એકી સાથે બધાના ઘરનું બાંધકામ હાથ પર લઇ શકાય તેમ ન હોવાથી એક એક કરી બધા ભાઈઓના ઘર બાંધવાનું આયોજન કર્યું. દસ વર્ષના લાંબા ગાળા બાદ બધા ભાઈઓના ઘર બાંધી શકાયા. જેમ જેમ ઘર બંધાતા ગયા તેમ તેમ એક એક ભાઈ અલગ થતો ગયો. આ સમય ગાળા દરમ્યાન તેમના માતા પિતા જન્નત નશીન થયા. તેમના ખુદના ઘરમાં બે દીકરા અને બે દીકરીઓનો જન્મ થયો હતો. 


 હવે બધા ભાઈઓ અલગ અલગ રહેતા હતા પરંતુ હજુ જમીન સંયુક્ત હતી. ખેતીની તમામ જવાબદારી હજુ પણ તેમના શિરે હતી. પોતાનું બાપીકુ ઘર હજુ એજ જુનું પુરાણું હતું. અબ્દુલ્લાહભાઈ તે મકાનમાં રહેતા હતા. તે ઘર જર્જરીત થયું હોવાથી હવે તે મકાન જમીન દોસ્ત કરી નવું ઘર બાંધવાનું નક્કી થયું. પરંતુ ઘર બાંધવા જેટલી રકમની બચત ન હોવાથી બધા ભાઈઓએ સંયુક્ત જમીનમાંથી થોડીક જમીન વેચી મોટાભાઈ માટે ઘર બનાવવાનો નિર્ણય કર્યો. અબ્દુલ્લાહભાઈને જમીન વેચવી ન હતી. તેમની ઈચ્છા હતી કે હવે બધા ભાઈ કમાય છે માટે બધા થોડીક મદદ કરેતો જમીન વેચ્યા સિવાય તેમના માટે ઘર બાંધી શકાય. પરંતુ તેમ ન થયું એટલે ન છુટકે એક ખેતર વેચવું પડ્યું. તે દિવસે અબ્દુલ્લાહભાઈ ખુબ રડ્યા અને ખાવા પણ ન ખાધું. 


અબ્દુલ્લાહભાઈનું ઘર તૈયાર થયું એટલે સંયુક્ત જમીનના ભાગ પાડી બધા ભાઈ પોત પોતાનો હિસ્સો લઇ જુદા થઇ ગયા. ભાઈઓ જુદા થયા તે જ વર્ષે તેમના દીકરાનું લગ્ન લેવાનું થયું. તેમના હિસ્સે આવેલી જમીનમાંથી ફરી એક ખેતર વેચી પ્રસંગ ઉકેલ્યો. ત્યાર પછીના વર્ષે દીકરીને પરણાવી. ત્યાર પછી દીકરો અને ફરી દીકરીનું લગ્ન લેવાતું ગયું. દર બે વર્ષે થોડીક થોડીક જમીન વેચાતી ગઈ. તેમ છતાં હજુ તેમની પાસે થોડીક જમીન બચી હતી. તેમના દીકરાઓએ પોતાના હુન્નર મુજબના ધંધા શરુ કર્યા એટલે ઘરમાં આવક વધી. હવે સુખના દિવસો આવશે અને સોનાનો સુરજ ઉગશે તેમ માની અબ્દુલ્લાહભાઈ અને સકીનાબેન ઉમંગભેર જીવવા લાગ્યા. 


અબ્દુલ્લાહભાઈના લગ્નને પિસ્તાલીશ વર્ષના વહાણાં વાઈ ગયા. તે સમય દરમિયાન પતિ પત્ની બંનેનું શરીર કંતાઈ ગયું હતું. લાગલગાટ બીડી પીવાના કારણે અબ્દુલ્લાહભાઈના ફેફસાં નબળાં પડી ગયા હતા. તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી પરંતુ સકીનાબેન તેમની સરખામણીએ સ્વસ્થ અને તંદુરસ્ત હતા. એક દિવસ રાત્રે બંને પતિ પત્નીએ પોતાનો ભૂતકાળ વાગોળી જવાનીના દિવસો યાદ કરી ખુબ ખુશ થયા. અબ્દુલ્લાહભાઈ બોલ્યા, “સકીના, તું હજુ તંદુરસ્ત છે. મારા ફેફસાં હવે દિવસે દિવસે નબળાં પડતાં જાય છે. મને લાગે છે કે હું તારા કરતાં વહેલો અલ્લાહને પ્યારો થઇ જઈશ. જો તેમ થાય તો મારી ગેરહાજરીમાં આપણા દીકરાઓ અને દીકરીઓને કોઈ વાતે ઓછું ન આવે તેવું આયોજન કરજે. “ સકીનાબેન પોતાના પતિની વાત સાંભળી રડી પડ્યા અને બોલ્યા “હું તો ખુદા આગળ દુઆ કરું છું કે અલ્લાહ મને તમારાથી પહેલાં ઉપાડી લે “ આમ વાતો કરતાં કરતાં બન્ને સુઈ ગયા. વહેલી સવારે સકીના બેનને શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગી એટલે તેઓ ખાટલામાંથી ઉભા થઇ ગયા. સળવળાટ સાંભળી અબ્દુલ્લાહભાઈ પણ બેઠા થઇ ગયા. સકીનાબેનની તકલીફ જોઈ તેમણે તેમના દીકરા અને દીકરાવહુઓને જગાડ્યા. નાનો દીકરો બાઈક લઇ નજીકમાં રહેતા ડોક્ટરને બોલાવવા ગયો. તે ડોક્ટરને લઇ પરત આવે ત્યાં સુધીમાં સકીના બેન અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. જાણે અલ્લાહે સકીનાબેનની દુઆ સાંભળી લીધી ન હોય તેમ તેઓ અબ્દુલ્લાહભાઈ કરતાં વહેલાં જન્નત નશીન થઇ ગયા. અબ્દુલ્લાહભાઈ પત્ની વિના નોધારા થઇ ગયા. પાંતિ વિનાનું જીવન જીવવું તેમના માટે દોહ્યલું થઇ પડ્યું. 


તે દિવસની યાદથી અબ્દુલ્લાહભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરાની વહુ તેમના માટે ચા લઈને આવી. તેણે પોતાના સસરાની આંખમાં આંસુ જોયા તેથી તે દુ:ખી થઇ. તેણે ઘણી વાર પોતાના સસરાને એકલા એકલા રડતાં અને હિજરાતા જોયા હતા. તે તેમનો ખાલીપો અને સુનકાર સમજતી હતી પરંતુ લાચાર હતી. 


ઘરના સૌ અબ્દુલ્લાહભાઈને ખુશ રાખવા પ્રયત્ન કરતા હતા પરંતુ તે જાણતા હતા કે તે કામ કરમાએલા ફૂલમાં ફરીથી પ્રાણ પુરવા જેટલું કઠીન હતું.


ચા પી અબ્દુલ્લાહભાઈ તેમના પૌત્ર અરમાન પાસે ગયા. તે હજુ તેના ફૂલછોડની માવજત કરી રહ્યો હતો. અબ્દુલ્લાહભાઈ તેની ક્રિયાને રસપૂર્વક નિહાળતા રહ્યા. અરમાન એક મુરજાઇ ગયેલા છોડનું કુંડુ બીજા ખીલેલા ફૂલછોડ પાસે ખેંચીને લઇ જતો હતો. અબ્દુલ્લાહભાઈએ પૂછયું “ બેટા, તું શું કરે છે ? આ છોડતો મુરજાઈ ગયો છે હવે તે પાછો નવપલ્લવિત નહિ થાય.” અરમાન બોલ્યો “ના દાદા, આ છોડ દુર એકલો હતો એટલે મુરજાઈ ગયો છે. આ ખીલેલા છોડ પાસે હું મુકીશને એટલે જોજોને તે બે દિવસમાં તૈયાર થઇ જશે.“ તેની વાત સાંભળી અબ્દુલ્લાહભાઈને તેમના બચપણની વાત યાદ આવી ગઈ. તેમણે એક વાર એક માછલી ઘર ખરીદ્યું. માછલી ઘર વેચનારે તેમને કહ્યું “કેટલી માછલી આપું ?” તેમણે કહ્યું “ફક્ત એક જ.“ તેમની વાત સાંભળી તે અનુભવી માણસે કહ્યું “ માછલીઘરમાં ઓછામાં ઓછી ત્રણ થી ચાર માછલીઓ તો જોઈએ જ, જો એક જ માછલી હશે તો તે લાંબુ નહી જીવે અને મરી જશે.” તેમણે માછલીઘર વેચનારની સલાહ મુજબ માછલીઘરમાં ચાર માછલીઓ રાખી જે વર્ષો સુધી જીવતી રહી. તે પ્રસંગ અને આજનો મુરજાઇ ગયેલા છોડના કુંડાને ખીલેલા છોડના કુંડા પાસે લઇ જવાના પોતાના પૌત્ર અરમાનની હરકતથી અબ્દુલ્લાહભાઈના શરીરમાં એક નવો સંચાર થતો જણાયો. તેમણે વિચાર્યું કે ભલે મારી પત્ની મારાથી વિખુટી પડી છે પરંતુ મારા પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો તો મારી સાથે જ છે તો પછી શા માટે હિજરાઈને જીવવું ? તેમણે તે જ પળે પોતાનામાં રહેલા ખાલીપાને દુર ફેંકી દીધો અને જ્યાં સુધી જીવાદોરી હોય ત્યાં સુધી મોજથી જીવવાનું નક્કી કરી લીધું. 


એક નવી બીડી સળગાવી મોજથી ઉંડા કશ લેતાં લેતાં અબ્દુલ્લાહભાઈએ તેમના પૌત્રના માથે ટપલી મારી કહ્યું “તું મારો ગુરુ નીકળ્યો, બેટા.” અને જોમપૂર્વક હસતાં હસતાં ઘરમાં દાખલ થઇ પુત્રવધુ પાસે એક કડક મીઠી ચાની ફરમાઇશ કરી. 


ઘરના સૌ દાદાજીને ખાલીપાથી મુક્ત થયેલા જોઈ રાજી થયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama