સપનાં લીલાંછમ - 14
સપનાં લીલાંછમ - 14




ચાર પોલીસ જીપોનો કાફલો રેઇડ માટે કુંભલગઢના જંગલો તરફ રવાના થયો. શહેરની બહાર નીકળી ગાડી હાઇવે પર ચઢી એટલે 'ઑપરેશન મંગલ' કેવી રીતે હાથ ધરવાનું છે તેની વિગતો ગુમાનસિંહને આપતા પહેલાં માધવીએ ગુમાનસિંહના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈ કહ્યું,
"ગુમાન અંકલ...હું પૂતળીદેવીની દીકરી છું. મારી માતાએ આપને 'જુહાર' કહ્યા છે."
માધવીની વાત સાંભળી ગુમાનસિંહના ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેમણે માધવીનો ચહેરો ધ્યાનપૂર્વક નિહાળ્યો. ચહેરો મહોરો મંગલનો હતો પણ ચહેરાની નજાકત પૂતળીબાઈની હતી.
"બેટા...પૂતળીબાઈ, મારો મતલબ છે કે પૂતળીદેવી કેમ છે ? તમે ક્યાં રહો છો ?"
"અંકલ, મારી માતા આનંદમાં છે. તેણે મને તેના જીવનની બધી જ વાતો કરી છે. તે દિવસે સંતાડેલો લૂંટનો માલ અને પૈસા મારી માતાને લઈ જતાં આપે જોયાં હતાં.
તે ઉપરાંત આપને ખબર પણ પડી ગઈ હતી કે મારી માતાની મુખબરીના કારણે આપના પર રેઇડ પડી હતી તેમ છતાંય આપે કોઈ વિરોધ ન કર્યો, એ જોઈને મારી માતાના દિલમાં આપના તરફનું માન વધી ગયું હતું. બસ તે ક્ષણથી તેણે પણ તેનો નાપાક ધંધો છોડી ગૃહિણી તરીકે સન્માનભર્યું જીવન જીવવાનું નક્કી કરી લીધું હતું. હું તેના પેટમાં મારા બાપનો અંશ લઈને પાંગરી રહી હતી એટલે ખૂબ દૂરના સ્થળે જ્યાં કોઈ તેને ઓળખતું ન હોય તેવી જગ્યાએ જઈ વસવાટ કરવાનું તેણે નક્કી કર્યું હતું. તે ઉત્તરપ્રદેશના એક દૂરના ગામમાં જઈ વસી ગઈ હતી.
"લૂંટનો માલસામાન થોડો થોડો વેચી તેણે તે રકમ બેંકમાં ફિક્સ કરાવી હતી. જે રોકડ રકમ હાથ પર હતી તેના વડે ભરણપોષણ માટે સ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનો અને અંડર ગારમેન્ટ વેચવાનો એક સ્ટોર શરૂ કર્યો હતો. હું કોલેજમાં આવી એટલે એફ.ડી.ની રકમમાંથી રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક નાનું મકાન ખરીદી મને ત્યાં રહેવાની અને ભણવાની સગવડ કરી આપી હતી. અમે ત્યારથી ત્યાં રહીએ છીએ. હું ત્રણ વર્ષ પહેલાં સીધી ભરતીમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે દાખલ થઈ છું. ઉદયપુરમાં મારું હમણાં જ પોસ્ટિંગ થયું છે."
"ગઈકાલે સાળુંકે સાહેબે નીલિમાના અપહરણની પાછળ ડાકુ મંગલસિંહનો હાથ હોવાની જાણ કરી એટલે મેં સામેથી આ ઑપરેશન પાર પાડવાની જવાબદારી મારા શિરે લઈ લીધી છે. મારે મારી માના અપમાનનો બદલો લેવો છે. સ્ત્રીઓનાં હાડમાંસ ચૂસનાર નર રાક્ષસોને દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી."
છેલ્લું વાક્ય બોલતી વખતે તેના ચહેરા પર નફરત સાથે એક અકલ્પનીય તેજ ઊભરી આવ્યું હતું.
"માધવી બેટા...સાળુંકે સાહેબને ખબર છે કે મંગલ તારો બાપ છે ?"
"ના... મેં તેમને તે વાત નથી જણાવી પરંતુ આ ઑપરેશન હાથ પર લઈ ડાકુ મંગલને પાઠ ભણાવવા જઈ રહી છું, તેવી જાણ ફોન દ્વારા મારી માતાને જરૂર કરી છે. તેણે મને કામિયાબ થવાના આશીર્વાદ આપ્યાં છે. વાતચીતમાં આપનું નામ આવતાં તેણે તેના વતી આપને 'જુહાર' કહેવાનું કહ્યું હતું. મારી મા આપને મા જણ્યા ભાઈ બરાબર માને છે. આપના લીધે તે સન્માન પૂર્વક જીવવા સક્ષમ થઈ હોવાથી દર વર્ષે રક્ષાબંધનના દિવસે તે એક રાખડી કનૈયાને ધરીને આપની સલામતીની પ્રાર્થના કરે છે. તમે જેલમાંથી છૂટી ગયા છો તેની તેને ખબર છે. તે નીલિમા દીદીની, આપની, મારી અને આખી પોલીસફોર્સની સલામતી માટે પૂજા કરી રહી છે."
"અંકલ... આ ઑપરેશન બહુ જોખમી નથી. સાળુંકે સાહેબે ખૂબ સુંદર આયોજન કર્યું છે. ડાકુની ગીરોહનો એક ડાકુ ફૂટેલો છે. તે ખબરી બની ગયો છે. સરકારે મંગલસિંહના માથા માટે બે લાખનું ઈનામ રાખેલ છે. એ લાલચે તે ડાકુએ પોલીસ ખબરી મારફતે સાળુંકે સાહેબને બાતમી પૂરી પાડી છે. સાહેબે તેને બે લાખની રકમનું ઈનામ અપાવવાનું અને તાજનો સાક્ષી બનાવી તેને નિર્દોષ છોડાવવાનું વચન આપ્યું છે. ફૂટી ગયેલા ડાકુએ ખબરીને કુંભલગઢથી દારૂ અને ચીકન-મટનની આઇટમો પહોંચાડવાની જવાબદારી આપી છે. તેના જણાવ્યા અનુસાર તે લોકો ફક્ત ચાર જણા જ છે. આપની સાથેનો જૂની લૂંટનો હિસાબ પતાવવાનો હોવાથી ડાકુ મંગલે તેની ટોળકીના બીજા સભ્યોને આ ઘટનાથી દૂર રાખ્યા છે. આમેય હવે તેની ટોળકીમાં બહુ ડાકુ બચ્યા નથી. તેણે હજુ સુધી નીલિમાને કોઈ કનડગત કરી નથી. સ્ટ્રેટેજી મુજબ મુખબરી ચિકન-મટનની આઇટમોના મસાલામાં ઘેનની દવા મિલાવી દીધી છે. જે ખાઈ તે લોકો ઊંઘી જાય એટલે ઇશારો મળતાં પોલીસફોર્સે ત્રાટકવાનું છે. તેમની પાસે બંદૂકો સિવાય બીજો કોઈ દારૂગોળો કે તેવું કંઈ નથી. એટલે ઑપરેશન ખૂબ સરળ છે તેમ છતાં આખી પોલીસફોર્સ ખૂબ સાવધ રહેશે. પોલીસફોર્સ પાસે પૂરતા પ્રમાણમાં હથિયારો અને હેન્ડ ગ્રેનેડ અવેલેબલ છે. બધા જ લોકો લાઈફ સેવિંગ જેકેટ પહેરીને સજ્જ થયેલા છે. મેં પણ લાઈફ સેવિંગ જેકેટ પહેરી લીધું છે."
અંધારું થવા આવ્યું ત્યારે પોલીસફોર્સ કુંભલગઢના જંગલોમાં ડાકુ મંગલસિંહના અડ્ડા પાસે આવી પહોંચી હતી.
સાળુંકે સાહેબની છઠ્ઠી ઇન્દ્રિયમાં એક ચમકારો થયો હતો. તેમણે ડાકુ મંગલને બે બાજુથી ઘેરવાનું નક્કી કરી કુંભલગઢ પોલીસસ્ટેશનના જાબાંજ પોલીસ ઑફિસર અજય મીનાને પૂરતી ફોર્સ લઈ માધવી જે દિશામાં હતી તેની વિરુધ્ધ દિશાએથી મંગલને આંતરવા અને માધવીને કવર પૂરું પાડવા કહ્યું. અજય મીના પોલીસ કમિશ્નર સાળુંકે સાહેબના હુકમનું પાલન કરવા નીકળી પડ્યો. બંને બાજુ પોલીસફોર્સ છે તેની જાણકારી માધવીને આપવી જરૂરી હતી જેથી તે મુજબ પોઝિશન લઈ શકાય અને જો સામસામા ગોળીબાર થાય તો પોલીસફોર્સ અજાણતાંમાં તેનો ભોગ ન બને.
તેમણે માધવીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. કદાચ તે લોકો જંગલમાં પ્રવેશી ગયા હોય એટલે નેટવર્ક ન મળવાના કારણે સંપર્ક નહોતો થઈ શકતો. તેમણે માધવી માટે તે અંગેનો વોટ્સઅપ પર એક સંદેશો મૂક્યો.
ફૂટી ગયેલા ડાકુ તરફથી કોઈ સંકેત ન મળતાં માધવીએ સ્વતંત્ર નિર્ણય લઈ રાતના ગાઢ અંધારામાં પોલીસની એક ટુકડીને મંગલના અડ્ડા તરફ રવાના કરી અને બીજી ટુકડીને તેમને કવર કરવા ઉતારી. એક ટુકડીને કોતરોના કિનારા પરથી ડાકુઓની હિલચાલ પર નજર રાખવા માટે તૈનાત કરી દીધી. માધવી ગુમાનસિંહની દોરવણી મુજબ પગદંડીના ટૂંકા માર્ગે ચોથી પોલીસફોર્સ લઈને મંગલના અડ્ડા તરફ આગળ વધી.
મંગલ જે કોતરમાં છુપાયેલો હોવાના ખબર હતા ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું. તે લોકો ત્યાં રોકાયેલા હોવાની નિશાનીઓ દેખાતી હતી. દારૂની ખાલી બોટલો અને વધેલા ખોરાકનો એંઠવાડ પડેલો હતો. કદાચ તે લોકો થોડા સમય પહેલાં આ જગ્યાએથી નીકળી ગયા હતા.
માધવીને ધ્રાસ્કો પડ્યો. તેને નીલિમાની સલામતી માટે ચિંતા થવા લાગી. તેણે સાળુંકે સાહેબનો સંપર્ક કરવા મોબાઇલ ઓન કર્યો પરંતુ નેટવર્ક ન હોવાથી સંપર્ક થઈ શક્યો નહીં પણ વચ્ચે કદાચ નેટવર્ક મળ્યું હશે એટલે સાળુંકે સાહેબનો જંગલના સામેના છેડેથી ઈન્સ્પેકટર અજય મીના તેમને મદદરૂપ થવા આવી રહ્યો હોવાનો સંદેશ ઝીલાયો હતો, તે વાંચી તેને રાહત થઈ.
ઈન્સ્પેકટર અજય મીના તેને મદદ કરવા આવી રહ્યો હોવાના સંદેશાથી માધવીના હૃદયમાં એક મીઠી ઝણઝણાટી આવી ગઈ. આટલા ટેન્શન વચ્ચે પણ તેના ચહેરા પર એક વિશિષ્ટ મુસ્કાન ફરી વળી. તેઓ સાવધાનીથી આગળ વધતાં રહ્યાં.
તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક ગુમાનસિંહના તેજ કાનોએ કોઈ હિલચાલ નોંધી. તેણે માધવીને સતર્ક રહેવા ઇશારો કર્યો. બાજુની ઝાડીમાં કંઈક હિલચાલ થતી હતી. ગુમાનસિંહ એકલા તે બાજુ ગયા. ગાંડા બાવળના જંગલમાં કોઈ હોય તેવું લાગતું હતું. તેમણે સિસકારો કરી માધવીને તેમની પાસે બોલાવી. માધવી અને તેના સાથીદારો સાવચેતીપૂર્વક આગળ વધ્યાં.
કદાચ ખોરાકમાં ભેળવવામાં આવેલી ઘેનની દવાએ અસર કરવાની શરૂઆત કરી દીધી હતી. ડાકુઓ ઘેનમાં લથડતા હતા. તેઓ ત્રણ જણ હતા પણ નીલિમા ત્યાં નહોતી. ખબરી ડાકુ પણ ત્યાં નહોતો.
માધવી અને ગુમાનસિંહના શ્વાસ અધ્ધર થઈ ગયા. ગુમાનસિંહ નીલિમાને શોધવા ઝડપથી આજુબાજુ રઘવાયાની જેમ ખોખાંખોળા કરવા લાગ્યા. મંગલે પોતાની ઘેનથી ભરેલી આંખ ઉઘાડી. પોલીસને જોઈ તેણે ઊભા થવા પ્રયત્ન કર્યો.
સાથોસાથ તેની બંદૂકમાંથી ભડાકો કર્યો. ઘેન હોવાના કારણે તે ધાર્યું નિશાન ન લઈ શક્યો. તેની ગોળી પોલીસફોર્સમાં કોઈને વાગવાના બદલે રઘવાટમાં નીલિમાને શોધી રહેલા ગુમાનસિંહના ખભા પર વાગી. દર્દથી તેમના મોઢામાંથી ઉંહકારો નીકળી ગયો.
મંગલ બીજી ગોળી ચલાવે તે પહેલાં માધવીએ મંગલ પર તેની રિવોલ્વરમાંથી ગોળી ચલાવી. તેની ગોળી મંગલની છાતીની આરપાર થઈ ગઈ હતી તેમ છતાં બળુકા મંગલે ઊભા થઈ દોડવા ચાહ્યું પણ બે ડગલાં ચાલી તે જમીન પર ઢગલો થઈ ગયો. માધવી તેની પાસે પહોંચીને તેની પર બીજો ફાયર કરી મંગલને ઠંડો કરી દીધો. તે તિરસ્કારમાં મંગલના મોંઢા પર થૂંકી એક લાત મારી પોતાનો ગુસ્સો ઠાલવ્યો. પોતાના હાથે પોતાના બાપનું કામ તમામ કરવા છતાં તેના ચહેરા પર અફસોસના બદલે વિજયનો હર્ષ છવાયો હતો.
પોલીસફોર્સે ઘેનમાં પડેલા બાકીના બે ડાકુઓને પકડી લઈ તેમની પાસેથી હથિયારો લઈ લીધા અને તેમને હાથકડી પહેરાવી દીધી. માધવી ગુમાનસિંહ પાસે પહોંચી. તેમના ખભામાંથી ખૂન વહેતું હોવા છતાં તેઓ સ્વસ્થ હતા. માધવીએ તેમના ઘામાં રૂમાલ ઠોંસીને ખૂન બંધ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખૂન બંધ નહોતું થતું. આવી પરિસ્થિતિમાં પણ તેમણે માધવીને નીલિમાની શોધ કરવા વિનંતી કરી. તેમના ચહેરા પર ગોળીના ઘા કરતાં નીલિમાની ચિંતા વધારે હતી.
ઉપરાઉપરી થયેલા ત્રણ ગોળીબારના અવાજ સાંભળી ઈન્સ્પેકટર અજય મીના તેની ફોર્સ સાથે ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે મુખબર ડાકુ અને નીલિમા હતાં. નીલિમાને સહીસલામત જોઈ માધવી અને ગુમાનસિંહના ચહેરા પર પ્રસન્નતા ફેલાઈ ગઈ.
ઠાકુર બલદેવસિંહ અને ઉદય પોલીસફોર્સથી સલામત અંતર રાખી તેમની પાછળ પાછળ આવી રહ્યા હતા. તેઓ પણ ગોળીબારના અવાજો સાંભળી થોડીવારમાં ત્યાં પહોંચી ગયા હતા. નીલિમા ઠાકુર સાહેબને જોઈ તેમની છાતીએ વળગીને રડવા લાગી. ઉદયે તેની પીઠ પર હાથ મૂકી તેને આશ્વાસન આપ્યું. નીલિમા ઠાકુર સાહેબથી જુદી થઈ ઉદયને વળગી પડી.
માધવી ગુમાનસિંહને ટેકો આપી નીલિમા સુધી લઈ આવી. ગુમાનસિંહ નીલિમાને પોતાના બાહુપાશમાં લઈ તેના માથે હાથ ફેરવતાં ફેરવતાં બેટા....કહી પાગલની જેમ હેત વરસાવતાં રહ્યાં. ખૂબ ખૂન વહી જવાના કારણે ગુમાનસિંહ બેહોશ થઈ જમીન પર પડી ગયા. ઈન્સ્પેકટર મીના અને ઉદય તેમને સારવાર માટે લઈ હૉસ્પિટલ તરફ રવાના થયા.
ખબરી ડાકુએ માધવીને કહ્યું," નીલિમા માંસાહાર કરતી ન હોવાથી તેણે ફક્ત ફળો ખાધા હતા. મેં પણ પેટમાં ગરબડ હોવાનું બહાનું આગળ ધરી ખાવાની ઇચ્છા નથી તેમ કહી ખાવાનું ટાળ્યું હતું. ડાકુઓ હમેશાં સતત પોતાની જગ્યા બદલી પોતાને સલામત રાખતા હોય છે, તે નિયમ મુજબ મંગલે જમ્યા પછી જગ્યા બદલી લેવાનું નક્કી કરી બંધક નીલિમાને લઈ આગળ ચાલવા માંડ્યુ હતું. અહીં પહોંચ્યાં પછી ઘેનની દવાની અસર થતાં તે લથડિયાં ખાવા લાગ્યા એટલે મેં નીલિમાને વિશ્વાસમાં લઈ જંગલના બીજા છેડા તરફ ચાલવા માંડયું હતું. સામેથી ઈન્સ્પેકટર મીના અને તેમના સાથીદારો આવી પહોંચ્યા હતા. અમે તેમને આખી વાત સમજાવતા'તા ત્યારે જ ઉપરાઉપરી થયેલા ત્રણ ફાયરના અવાજ સાંભળી અમે બધા આ બાજુ આવી પહોંચ્યાં.
જંગલમાંથી બહાર નીકળી મોબાઇલ નેટવર્ક મળતાં માધવીએ સાળુંકે સાહેબનો સંપર્ક કરી 'ઑપરેશન મંગલ' કામિયાબ રહ્યું હોવાનો સંદેશો પાઠવ્યો. જોકે સાળુંકે સાહેબને થોડી મિનિટો પહેલાં ઈન્સ્પેકટર મીના તરફથી કામિયાબીના સમાચાર મળી ગયા હતા. તેમણે માધવીને અભિનંદન પાઠવ્યાં.
પૂતળીદેવીને ડાકુ મંગલ તેની ગોળીથી ઠાર મરાયો હોવાના સમાચાર માધવીએ આપ્યા એટલે તેમણે પણ માધવીને અભિનંદન પાઠવી...ભગવાનનો આભાર માની પોતાની પૂજા પૂરી કરી દીધી.
[ ક્રમશ:]